છાંદસ્થ ગઝલ - 1 Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છાંદસ્થ ગઝલ - 1

1.જો મળી જશે..!

(લગાલગા લગાલગા લગાલગા લગાલગા)

હવે જો એ મળી જશે, તો વારતા શરૂ થશે,
અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે.

ભલે બરફ બની ને આંસુઓ છે થીજતાં રહ્યાં,
કદાચ ઓગળી જશે! તો વારતા શરૂ થશે.

આ દિલ અને દિમાગમાં સમજ રહે છે કાયમી,
હવે જો એ લડી જશે! તો વારતા શરૂ થશે.

ભલે એ પાંદડું છુપાઇને કિતાબમાં પડ્યું,
કદાચ એ જડી જશે તો વારતા શરૂ થશે.

રહ્યો છું આશમાં કે એ મને જરૂર રોકશે,
જો 'આવજો' કહી જશે તો વારતા શરૂ થશે.

"આર્યમ્"


2. આજ તો.


(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

લઇ કલમ ને કાગળે શાહી ઉતારું આજ તો,
એમ કરતાં આંસુઓ ને પણ વહાવું આજ તો.

યાદ એ દિવસો કરી રાતો વિતાવી નાખશું,
ને અમારી ઊંઘને એમજ ઉડાવું આજ તો.

આજ એની ધૂંધળી તસવીર આવી હાથમાં,
જોઇ એને મનભરી આ દિલ જલાવું આજ તો.

ને કદાચે એ હવે રાહોમાં આજે જો મળે,
તો વિરહની વાત એને હું સુનાવું આજ તો.

નાખવાં છે એ નિચોવી અશ્રુઓ સહુ પ્રેમનાં,
ને અમારાં દર્દને તકિયે નિતારૂં આજ તો.

"આર્યમ્"


3. આંસુ વરસે


(લગાગા લગાગા લગાગા લગાગા)

હવે આંસુઓ જો નયનથી ના વરસે,
બની આગ અંદર હવે તો સળગશે.

ભલે આજ એની નજર ના પડે છે,
કદી તો અમારી ઉપર એ જ ઠરશે.

નથી આજ મારી જે કિંમત બધાંને,
કદી તો અમારી કદર એ જ કરશે.

ફરે છે ભલે આસમાને નઠારા,
કદી તો એ મારા સિતારા ચમકશે.

ભરેલો અગન જો બહારે ઉભરશે,
પછી એમાં સંસાર આખોય બળશે.

"આર્યમ્"

4.શહીદ ના મનની વાત


(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા)

વતનની હાથમાં માટી લઈ માથે અડી છે,
શપથ લેવી હવે મારે ખરેખર આકરી છે.

નમન કરવા નમે તો શિર નમે મા ભારતીને,
વહાલો દેશ છે, ખુદની પછી કોને પડી છે.

નથી આ દેહ કોઈ કામનો શું સાચવું હું!
પડે ધરવો જો મારા દેશને જાવું ધરી છે,

હવામાં થાય ફરફર એ નિહાળું મન ભરીને,
તિરંગાને જ જોવા ખુલ્લી મારી આંખડી છે.

છું ખુશ કે દેહ પછડાયો છે ત્યાં મારી ધરા છે,
વતનની ખુશ્બુઓ ને તો હવે શ્વાસે જડી છે.

તિરંગા સમુ કફન જો હોય વીંટાઈ જવાને,
મરીને પણ લપેટાવું એ ઈચ્છા આખરી છે.

ભાવેશ પરમાર "આર્યમ્"


5. મનનું સાચું.


(લગાગા લગાગા લગાગા લગાગા)

મગજ આપણું જો પઢાવે તો સાચું,
અને એ જ મનને ભણાવે તો સાચું.

ભલે ભૂલતું જ્યાં બધા એ ગણિતો,
ન દિલને હિસાબે ચઢાવે તો સાચું.

પતંગો ની જેવા વિચારો જે આવે,
હવે તો ગગનમાં ઉડાવે તો સાચું.

પડાવે છે છૂટું એ દિલ ને મગજને,
કદી તો એ અંદર લડાવે તો સાચું.

ભલે દોષ ખુદની ઉપર લૈ એ ફરતું,
નયનને કદી ના રડાવે તો સાચું.

ન "આર્યમ્" તમારું કદી એ તો માને,
એ પોતે જ ધાર્યું કરાવે તો સાચું.

"આર્યમ્"


6. બધી બાજુ


(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

મળી આજે અમોને કોઇ તો ચાહત બધી બાજુ,
ઉડી છે પ્રેમથી ભીની જરા છાલક બધી બાજુ.

મઠારી થાકતો પણ બોલતું ના દિલ કદી મારું,
હવે તો થાય છે એમાં ફરી આહટ બધી બાજુ.

તરસતી આંખમાં તો જ્યાં હતી એની પ્રતીક્ષાઓ,
હવે દેખાય છે એને ઘણી રાહત બધી બાજુ.

ખબર તો ક્યાં હતી કે એ મળી જાશે સરળતાથી,
અમે એમજ એને શોધી રહ્યાં નાહક બધી બાજુ.

અમારી ચાહ છે કોઈ ન લૂંટે ખ્વાબને મારાં,
લગાવી દે ન દુનિયા રાહમાં ફાટક બધી બાજુ.

"આર્યમ્"