The last gaze - desired to stay together forever but destined to fall apart books and stories free download online pdf in Gujarati

આખરી મુલાકાત

શું તને ખબર છે ?

મારા માટે નવો બનેલો શબ્દ એટલે કયો ?

"તું "

આ શબ્દો એના દ્વારા બોલાયેલા હતાં અને એ પણ મારા માટે. એટલે જ આ શબ્દને હું ખુબ જ સારી રીતે સમજી શકતો કે એના માટે હું કેટલો ખાસ છું. દસ મહિના જેટલો સમય અમે બંને સાથે વિતાવી ચુક્યા હતા. જે દરમિયાન એના અને મારા વચ્ચે ચાલેલા સંવાદમાં મીઠી વાતોની સાથે તીખી તકરાર પણ થયેલી, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે કોઈ સંબંધમાં જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડો પણ થવાનો જ, કારણ કે અમુક બાબતો એવી હોય છે કે જેમાં બંને વ્યક્તિના વિચારો ક્યારેય એકસરખા થવાના જ નથી. આવી બાબતોમાં મતભેદ થવા સામાન્ય છે પરંતુ ખુબ જરૂરી અને મહત્વની વાત એ છે કે એ મતભેદ ક્યારેય મનભેદમાં પ્રવર્તવો ન જોઈએ.

આવું જ કંઈક અમારા સંબંધોમાં પણ હતું જ્યાં મતભેદ તો હતા પરંતુ મનભેદને કોઈ અવકાશ નહોતો. અમે બંનેએ પ્રેમની વાતો તો ખૂબ કરેલી પણ ઘણીવાર એકબીજા સાથે અબોલા પણ લઈ લીધેલા પણ એના અને મારા દ્વારા સૌથી વધારે બોલાયેલી એક માત્ર વાત એટલે,

"હું તારા વગર નહીં રહીં શકું ", આ માત્ર વાત જ નહીં એક લાગણી પણ છે, કે જેને હું મહેસુસ કરી શકું છું.

એની આ જ લાગણી મને જીવન જીવવાની સાથે કાંઈક બનવાની પ્રેરણા પણ આપતી. છેલ્લા દસ મહિનામાં ઘણા ઉતાર-ચઢાવ આવેલા પણ એ મારી સાથે હતી એ મારા માટે ખૂબ જ મહત્વની વાત હતી અને એટલે જ બધા ઉતાર-ચઢાવ પાર કરવામાં હું સફળ થયેલો પરંતુ છેલ્લા એક મહિનાથી પરિસ્થિતિ કાંઈ સામાન્ય નહોતી જણાતી. જે રીતે મારી કારકિર્દી ગોટાળે ચડી ગયેલી અને મને ગમતું કામ મારાથી દૂર જઈ રહ્યું હતું એમ ન જાણે કેમ એવું લાગતું હતું કે જાણે એ પણ મારાથી દૂર જઈ રહી હતી.

દસ મહિનાથી અમે સાથે હતા અર્થાત મારી સાથે એ ઘણો સમય વિતાવી ચુકી હતી પણ કોણ જાણે કેમ આજે એવો સમય આવ્યો કે જ્યાં અમારી વચ્ચે લાગણીની અછત વર્તાતી હતી. એમાં પણ છેલ્લાં એક મહિનાથી તો પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી. એની સાથે વાત ખૂબ જ ઓછી થતી અને મળવાનું તો જાણે સાવ બંધ જ થઈ ગયું હતું કારણ કે હવે અમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ ચુકી હતી. એ વ્યક્તિની પસંદગી એના મમ્મી-પ્પપા દ્વારા એના સારા ભવિષ્ય માટે, એના જીવનસાથી તરીકે કરવામાં આવી હતી. બસ આ જ કારણથી એ એના જીવનમાં ગુંચવાઈ ગયેલી અને એના લીધે અમારી વચ્ચેની દુરીઓ વધતી જઈ રહી હતી.

પહેલીવાર હું એને મળેલો એ જ મોલ પરના બાંકડા પર બેસીને આ બધી વાતો હું મનમાં વાગોળી રહ્યો હતો અને એની આવવાની રાહ જોતો હતો. અમારા ગુંચવાયેલા સંબંધોની ગૂંચ કાઢવા અને ભવિષ્યમાં સાથે રહી શકીએ એના માટે શું કરવું, બસ આવા જ પ્રશ્નોના જવાબ અમે સાથે મળીને શોધવાનું નક્કી કરેલું. એટલે જ હું એની રાહ જોતો હતો એટલી વારમાં સામેથી એને આવતા જોઈને મનને થોડી શાંતિ મળી કારણ કે એને હું એક મહિના પછી જોઈ રહ્યો હતો. એ મારી બાજુમાં આવીને બાંકડા પર ગોઠવાઈ ગઈ પરંતુ આજે મને એ કાંઈક અલગ લાગતી હતી. એના ચહેરા પર ખોટું સ્મિત, મનમાં ઘણા દર્દની સાથે એના ચહેરા પરની ચિંતાને એ મારાથી છુપાવાની કોશિશ કરતી હતી પણ હું એને નરી આંખે જોઈ શકતો હતો.

હું સમજી શકું છું કે આવી પરિસ્થિતિમાં શું કરવું એ કોઈને સમજાય નહિ. દર વખત કરતા આ વખતની અમારી આ મુલાકાત કાંઈક અલગ જ હતી. અમે એ બાંકડા પર જ બેઠા રહ્યાં અને વધારે કાંઈ બોલ્યા વગર એક બીજાને જોતા રહ્યા. આ બધા પ્રશ્નોના જવાબમાં મેં એને ફક્ત એટલું જ કહ્યું કે સમયને થોડો સમય આપ ને મને પણ થોડો સમય આપ. બધું સારું થઈ જશે.

એ દિવસે એ મારી સાથે વધારે સમય પસાર કરી શકે એવો સમય એની પાસે નહોતો. ખૂબ જ ટૂંકા સમયમાં એને જવાનું હતું. આખરે એ ટૂંકો સમય આવી ગયો. માયુસ, માસુસ, અને નિરાશ ચહેરા સાથે એ ત્યાંથી જવા માટે ઉભી થઈ. હું એની આંખોમાં જોઈ શકતો અને એના મનને પણ વાંચી શકતો હતો. એની આંખોમાં મને ચોખ્ખું દેખાતું હતું કે એ મને મૂકીને જવા બિલકુલ ઈચ્છતી નથી. પરંતુ સમય કોઈ માટે ઉભો નથી રહેતો. હળવું એવું આલિંગન કરીને એના ડગલાં મોલના મૅઈન ડોર તરફ વધવા લાગ્યા. મારી નજર એને આખરી ક્ષણ સુધી માણી લેવા માંગતી હતી અને મને લાગતું હતું કે એ પણ પાછળ ફરીને મને જરૂર જોશે પરંતુ એ મૅઈન ડોરની બહાર નીકળી ગઈ અને મારી નજર સામેથી અદ્રશ્ય થઇ ગઈ.

થોડા દિવસો પછી એના પરિવાર તરફથી લગ્ન માટે દબાણ વધવા લાગ્યું અને એના પરિવારમાં એણે મારા વિષે વાત પણ કરી પણ એનો પરિવાર મને સ્વીકારવા તૈયાર ન હતો અને એના પરિવારના વિરુદ્ધમાં જઈને એની સાથે જીવન વિતાવવું મને યોગ્ય નહતું લાગતું. કારણ કે હું માનતો હતો કે જો એના પરિવારની વિરુદ્ધમાં જઈને એની સાથે ભાગીને લગ્ન કરીશ તો હું એને ખુશ નહિ રાખી શકું કે ના હું રહી શકીશ અને જો કદાચ બધું બરાબર થઈ પણ જશે તો એનો પરિવાર અમને ખુશ નહિ રહેવા દે.

એનો પરિવાર મને સ્વીકારવા નહોતો માંગતો એનું એક માત્ર કારણ અમારા બંનેની જ્ઞાતિઓ વચ્ચેની ઊંચ-નીચ હતી. આ જ્ઞાતિ ફક્ત એક શબ્દ નથી પરંતુ તેના લીધે આજે ઘણા લોકો જેણે એકબીજા સાથે જીવન જીવવાની કસમ ખાધેલી એ એકબીજા બીજા વગર જીવતા થઈ ગયા છે. ઘણા તો આ જ્ઞાતિના ભેદભાવના લીધે એક નહિ થઇ શકે એ બીકે આ દુનિયા અને પોતાના પ્રાણ પણ છોડી ચુક્યા છે.

એનો પરિવાર મને સ્વીકારવા તૈયાર નહોતો અને એ મને અને હું એને મુકવા તૈયાર નહોતા. ખુબ જ માથાકૂટ અને દબાણ પછી ફરી એકવાર જ્ઞાતિ જીતી ગઈ અને લાગણી, પ્રેમ, સંબંધની હાર થઈ. આખરે એને એ ત્રીજા વ્યક્તિ જોડે પરણાવી દેવામાં આવી એવા સમાચાર મને મળ્યા. મારો માળો ફરી વિખેરાઈ ગયો અને મારી સાથે આઝાદ થઈને ફરતું એ પંખી કોઈના પિંજરામાં કેદ થઇ ગયું.

આ ઘટનાએ મારા જીવનમાં ખૂબ જ મોટી છાપ મૂકી. હું માનસિક રીતે પડી ભાંગ્યો, હું જીવતો હતો પણ જાણે મારા અંદરની આત્મા મરી ગઈ હોય એવું મને લાગતું.

ત્યારે મને વિચાર આવ્યો કે એના પર શું વીતતી હશે ?

એને તો મારી સાથે વૃદ્ધ થવું હતું પણ હવે એ કોઈ બીજાનું વૃદ્ધત્વ પાળી રહી છે. એના દિલમાં તો હું છું પણ દીવાલ પર લગાડાયેલા લગ્નનનો ફોટો તો કોઈ બીજા સાથે હસી રહ્યો છે. દિલમાં ઘણા દર્દો, ઘણી ફરિયાદો હોવા છતાં પોતાના ચહેરા પર સ્મિત રાખીને એણે ઘરની બધી જ જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લીધી હશે અને સૌથી મોટી અને મહત્વની વાત તો એ છે કે મનથી કોઈ બીજા સાથે જોડાયેલી હોવા છતાં તેને પોતાનું તન એવા વ્યક્તિને સોંપવું પડતું હશે કે જેની સાથે એણે પોતાના પરિવારની ખુશી માટે પોતાનું બધું ત્યાગીને કાંઈ જ વિચાર્યા વગર લગ્ન કરી લીધા. મનમાં કોઈ બીજું હોવા છતાં પોતાની જવાબદારીના ભાગરૂપે એેણે એ વ્યક્તિ માટે પ્રેમની પથારી સજાવવી પડતી હશે.

સાહેબ, આનાથી મોટી વ્યથા તો બીજી કઈ હોઈ શકે?

આ બધું વિચારીને શરીરના રુંવાડા ઉભા થઈ જાય.

છોકરા પ્રેમમાં સફળ ના થાય તો દેવદાસ બની જાય પણ સ્ત્રીઓ દેવદાસ નથી બનતી. નશો કરીને દેવદાસ બનીને જાતને બરબાદ કરવી એ તેમને પોસાય નહિ કારણ કે દીકરી તો પ્રતિષ્ઠા છે.

દીકરી આવું કાંઈ કરે તો પિતાની આબરૂ જાય, સમાજમાં નીચું જોવા જેવું થાય. દીકરો દેવદાસ બને તો ચાલે પણ દીકરીને દેવદાસ બનવાની છૂટ નહીં. ગમે તેટલું દુઃખ થયું હોય, એનું દિલ ગમે તેટલી ખરાબ રીતે ઘવાયું હોય પણ એણે ચુપચાપ ચહેરા પર સ્મિત રાખીને પરણી જવાનું... કારણ કે, દીકરી પ્રતિષ્ઠા છે.

આપણે બધાં સ્ત્રીની બાહ્ય સુંદરતાને જોઈને એમાં મોહાઈ ગયા છીએ. એ બાહ્ય સુંદરતાને જ આપણે પ્રેમ કરતા થયાં છીએ પરંતુ તેમના વ્યક્તિત્વને જાણવાનો ક્યારેય આપણે પ્રયત્ન જ નથી કર્યો. એક સ્ત્રીના બે સ્તનની પાછળ એક સુંદર મન પણ હોય છે જેની આપણને કલ્પના જ નથી.

આપણે તો સ્ત્રીની બાહ્ય સુંદરતામાં જ ખોવાઈ ગયા છીએ પણ જો આ મન સુધી એકવાર તમે પહોંચી જાવ, પછી એ વ્યક્તિ તમારી સાથે રહે કે ના રહે, એનું શરીર તમને સોંપે કે ના સોંપે, એનાથી કોઈ ફર્ક પડતો નથી. કારણ કે એ પ્રેમ એના શરીર એટલે કે એની બાહ્ય સુંદરતા સાથે નહિ પણ એ પ્રેમ એના મન સાથે એટલે કે એની આંતરિક સુંદરતા સાથે થયેલો હોય છે.

આવો જ કાંઈક પ્રેમ મને એની સાથે થઈ ગયો છે. પરંતુ જ્ઞાતિના કારણે પોતાની દીકરી કે દીકરાની ખુશીની બલી ચડાવતા માતાપિતા એના સંતાનોના આ મનને ક્યારેય નહિ સમજી શકે. જે માતાપિતા એવું કહે છે કે અમે અમારા બાળકોને પેટે પાટા બાંધીને મોટા કર્યા છે અને અમારા બાળકોની ખુશી માટે કાંઈ પણ કરી શકીએ એ જ માતાપિતા એ નથી જાણતા કે એ પોતે જ પોતાના બાળકોની ખુશીની હત્યા કરે છે અને એ પણ ફક્ત આ નાત-જાતના ભેદભાવના લીધે. એ નથી જાણતા કે એના સંતાન પોતાના માતાપિતાની ખુશી માટે પોતાની ખુશીને દફનાવી દે છે. પરંતુ આવી જુની, વાસી અને સડેલી માનસિકતા ધરાવતા માતાપિતા ક્યારે આ વાતને સમજશે એ મારા માટે મોટો પ્રશ્ન છે.

આ સાથે જ એની સાથે થયેલી પહેલી મુલાકાત વખતે જ્યારે અમે બંને એકબીજાથી અલગ થતા હતા એ સમયે હું જતો હતો અને એની નજર મને આખરી ક્ષણ સુધી માણી લેવા નિષ્ફળ પ્રયત્નો કરી રહી હતી, એ સમયે મારાં મનમાં જે પ્રશ્ન ઉદ્દભવ્યો હતો કે આ મીઠી નજર અહીં સુધીની જ હશે?

'કે પછી આવરદાના અંત સુધીની'?

એ પ્રશ્નનો જવાબ તો મને ત્યારે જ મળી ગયેલો જયારે દસ મહિના પછી અમે ફરી એ જ મોલમાં ટૂંકા સમય માટે મળેલાં. એ સમયે હું એ જવાબને સમજી ના શક્યો એટલે જ એ જયારે જઈ રહી હતી ત્યારે મારી નજર એને આખરી ક્ષણ સુધી માણી લેવા માંગતી હતી પરંતુ એણે પાછળ ફરીને ન જોયું કારણ કે કદાચ એ જાણી ચુકી હતી કે હવે એની પાસે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

પરંતુ એ જવાબ મને આજે મળ્યો કે એ મીઠી નજર આવરદાના અંત સુધીની નહિ પણ એ ક્ષણ સુધીની જ હતી.

એ સમયે મારી નજર એને આખરી ક્ષણ સુધી માણી લેવા માંગતી હતી.

પણ મને શું ખબર કે એ મારી "આખરી મુલાકાત" હશે...

બીજા રસપ્રદ વિકલ્પો