Aapne aatla ashishynu kem chhiae ? books and stories free download online pdf in Gujarati

આપણે આટલા અસહિષ્ણુ કેમ છીએ ?

આપણે આટલા અસહિષ્ણુ કેમ છીએ?

મે એસા ક્યું હું? મેં એસા હી હું...એસા હી હું. થોડા સમય પહેલા રાજકોટની બનેલી ઘટના. બે યુવાનોની બાઇક અથડાઇ એમાં ચપ્પુનો ઘા કરીને મૃત્યુ નિપજાવ્યું. એક નપાવટ દીકરાએ ચોથા માળેથી એની જનેતાને ધક્કો મારીને મારી નાંખી. ધોરણ દશમાં અભ્યાસ કરતાં છોકરાને મોબાઈલ મૂકી ભણવા બાબતે ઠપકો આપતાં ફાસોં ખાઈને જીવન ટુંકાવ્યું. પ્રેમ સંબંધ બંધાયો હોય અને માં-બાપ ના પાડે, પત્નીને પિયર જવાની ના પાડે, ધંધામાં ખોટ જાય, દેવું વધી જાય, કોઈ અસહ્ય બીમારી આવી જાય, પરીક્ષામાં નાપાસ થાય, કોલેજમાં રેગિંગ થાય, મોબાઈલ કે બાઇક ન લઈ આપવી, ઉચ્ચ ડીગ્રી હોવા છતાં નોકરી ન મળે જેવા નજીવા કારણોસર આત્મહત્યા કરી લેવી. દહેજ કે આડા સંબધના કારણે હત્યા કરવી. વાહન ચલાવતા હોય અને કોઈ ભૂલથી સામે આવી જાય તો અશબ્દો બોલવા. નાના બાળકોના રમતના નજીવા ઝઘડાને કારણે વડીલોએ ઝઘડવું. રમતા રમતા સામાન્ય ઝઘડામાં મારામારી કરવી અને જીવલેણ હુમલો કરવો. કોઈ વ્યક્તિએ પોતાના ખરાબ ચરિત્ર કે આદત વિષે ઘરે કીધું હોય તો તેની અંગત દુશ્મની રાખી કાવતરું કરીને હત્યા કરવી.
મહત્વનો પ્રશ્ન એ છે કે આપણે આટલા અસહિષ્ણુ કેમ છીએ? આટલી નાની નાની અને નજીવી બાબતે આપણે આટલા ઉગ્ર થઈ માનસિક સંતુલન કેમ ગુમાવી દઈએ છીએ? આપણું માનસિક અને સહનશક્તિનું લેવલ આટલું નીચું કેમ ઉતરી ગયું છે? આ સાંપ્રત સમયની આડઅસર છે કે કયાંક આપણા સંસ્કાર અને ઘડતરમાં ખામી છે, વિભક્ત કુટુંબ વ્યવસ્થા? કે પછી બાળપણથી આપણાં મેન્ટલ વાયરિંગમાં જ ખામી છે? વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. ( મેન્ટલ વાયરિંગ કેમ સુધારી શકાય? આ વિષયનો આર્ટિકલ nitunita4u.wordpress.com નામના મારા બ્લોગમાં વાંચી શકો છો).
આ માટે જવાબદાર છે આપણાં કુટુંબની, સમાજની અને દેશની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાપન. ભૌતિક સુખ પાછળની આંધળી દોટ. માણસ ઝૂપડીમાંથી મસ્ત મજાનાં ઇન્ટીરીયર ડેકોરેટિંગ અને તમામ સુખ સગવડના સાધનો સહિતના ઘરોમાં વસવાટ કરતો થઈ ગયો છે. પરંતુ આ તમામ સગવડો બનાવવા અને પામવાના ચક્કરમાં પોતાની માનસિક, બૌધિક અને આધ્યાત્મિક જીંદગીનો ભોગ આપી રહ્યો હોય એવું નથી લાગતું? સાલું માણસ નામનું પ્રાણી બહુ વિચિત્ર છે જેની પાસે અભાવ છે એય દોડે છે અને જેની પાસે બધુ જ છે એય કૂતરાની માફક દોડે છે!કોઈને પોતાના જીવનથી સંતોષ નથી. લોકોને ક્યાં જવું? કેટલે જવું? ક્યાં અટકવું? એજ નથી સમજાતું. બસ ઘેટાની માફક ઉધું ઘાલીને ચાલીયે જ રાખવું છે, કારણ લોકોની પાસે જિંદગીની સાચી સમજ જ નથી.
પહેલાંનાં સમયમાં સાધનો, પૈસાનો, અનાજ, પાણીનો, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા તમામ સુખસગવડના સાધનોનો અભાવ હતો. પરંતુ સંતોષ હતો. લોકો પોતાની જિંદગીથી સંતુષ્ટ હતા. કોઈને ફરિયાદ નહતી. એક બીજાને માન સન્માન, પ્રેમ , લાગણી અને હૂંફ આપતા. સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં કોઈ એક નબળો સદસ્ય પણ માનભેર જીવી લેતો. સાથે બેસીને સુખદુઃખની વાતો કરતાં હતાં. આજે મોબાઇલની સ્ક્રીન આપણી જિંદગી બની ગયી છે. ત્યારે પૈસો કે મોભાની નહી વ્યક્તિની કિમત હતી. પૈસાદાર વ્યક્તિઓ સમાજના નબળા વર્ગના લોકોને મદદ કરતા હતાં. આજે લોકો એકબીજાનું શોષણ અને ઉપયોગ કરે છે. કોણ ક્યાં કામ લાગશે? એ જોઈને વ્યવહાર થાય છે. કોઈ વ્યક્તિ જો પૈસાદાર, ઉચ્ચ સ્થાને અને વગદાર હોય તો તેવી વ્યક્તિ ખરાબ ચારિત્રની કે ગુંડો હોય તોપણ સમાજમાં માન પામે છે. આ આપણાં સમાજનું નગ્ન સત્ય છે. એટલે જ કદાચ લોકોએ પૈસા અને મોભા પાછળ આંધળી દોટ મૂકી છે.
આજે માણસ અંદરથી એકલો થઈ ગયો છે. કોઈને કોઈના ઉપર વિશ્વાષ નથી રહ્યો. બધા એકબીજાને શકની નજરથી જુવે છે પછી એ ઘરનો હોય કે પારકો. પહેલા ઓછામાં પણ માણસ જીવી લેતો. આજે બધુ હોવા છતાં કાલની ફિકર એને સતત અંદરથી કોરી ખાય છે. પહેલાં દશ પાસને પણ નોકરી આસાનીથી મળતી. આજે ઉચ્ચ ડીગ્રી ધરાવતા યુવાનો ફાઇલમાં સર્ટિફિકેટ લઈને ઠોકરો ખાય છે. તો પછી ઓછું કે આર્ટ્સ કોમર્સ ભણેલા યુવાનોની તો વાત જ શું કરવી? આજે પહેલાં ધોરણની ફી વીસથી ત્રીસ હજાર છે. તો મા-બાપ સતત ટેન્સનમાં જીવે એ સ્વાભાવિક છે. સરકારી શિક્ષણસંથાઓનો અભાવ અને ખસ્તા હાલત. આપણી સામાજિક વ્યવસ્થા અને દેશનું તંત્ર જ એવું છે કે બાળકથી માંડીને માં-બાપ, અમીર, ગરીબ દરેક વ્યક્તિઓ સતત અભાવો, ગુંગળામણ અને ભયભીત જિંદગી જીવે છે.
ગમે એટલું કમાય તો પણ સરકારી તંત્રની બેદરકારી, આંધળા નિર્ણયો, મોંઘવારી, ભષ્ટાચાર, જાતિવાદ, ધર્મના નામે અરાજકતા, કાયદા અને વ્યવસ્થાનો અભાવ વિગેરે જેવી સમસ્યાના કારણે માણસ શાંતિથી સુખ ભોગવી શકતો નથી. પોતાની જ કમાયેલી મૂડીને પોતાની મરજીથી વાપરી શકતો નથી. જીંદગીની કોઈ ગેરંટી જ નથી ક્યારે એની જોડે શું ઘટના ઘટી જાય. સામાજિક અસમાનતા એટલી છે કે એક બાજુ 30% લોકોને પેટભર પોષણયુક્ત ભોજન નસીબ નથી અને બીજી બાજુ એ લોકો પેટ ભરીને જમી શકે એટલું અનાજ એઠવાડમાં જાય છે. દેશની અડધી વસ્તી પાસે પોતાનો કહી શકાય એવો રૂમ નથી ઘરની વાત તો બહુ દૂર રહી! અને બીજીબાજુ બે વ્યક્તિના પરિવાર પાસે એકથી વધુ બંગલા, ગાડીઓ હોય છે . આવા બધા અનેક અભાવો અને ગેરંટી વગરના જીવન સાથે જીવતા માણસ પાસે ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી. જ્યાં જુઓ ત્યાં લાઇન. પૈસા વગર ક્યાય કામ નથી થતું. શાંતિની શોધમાં ધર્મસ્થાનો અને સંતોનો આશરો લેવા જાય ત્યાં પણ અલગ અલગ ધર્મ અને ભગવાનના નામે છેતરાય જ છે. દૂર દૂર સુધી અંધકાર ભાસે છે. અંદરથી એકલો અટુલો અને ખાલી થઈ ગયેલો નિરાશ અને નિ:સહાય માણસ અસહિષ્ણુ ના થાય તો બીજું શું થાય? ક્યાકને ક્યાક તો એનો દબાયેલો ગુસ્સો અને આક્રોસ બહાર તો નીકળવાનો જ છે. પાછા મોટીવેંશનલ સ્પિકરો ડાયલોગ મારે ‘સાલા હમ લૉગ ઇતના ઇન્ટોલરન્સ ક્યું હૈ’.
આ માટે જરૂર છે બાળપણથી સાચી સમજ, સંસ્કાર, ઘડતર, શિક્ષણ અને સમજણપૂર્વકનું આધ્યાત્મિક જ્ઞાન.જે માણસને દરેક પરિસ્થિતિમાં નિરાશ થયા વિના સમસ્યાઓનો સામનો કરવાનું શીખવે છે. સંતાનોમાં બાળપણથી જ વાંચનનો શોખ વિકસાવો. મહાન , સંતો, શહીદો, મહાનવ્યક્તિઓ, યોધ્ધાઓ, પંચતંત્રનીવાર્તાઓ, બોધકથાઓ, રાણીલક્ષ્મીબાઇ, મીરા,જીજાબાઈ, શિવાજી, મહારાણાપ્રતાપ, વીરસાવરકર, ભગતસિંહ, સરદાર, લાલબહાદુરશાસ્ત્રી, વિક્રમસારાભાઇ, આર્યભટ્ટ, અબ્દુલ કલામ ડો.સર્વપલ્લીરાધાકૃષ્ણન, ભાસ્કરાચાર્ય, જગદીશચંદ્ર બોઝ, સ્વામિવિવેકાનંદ, એકનાથજી, સંત તુલસીદાસ, સંત રઇદાસ ,રામકૃષ્ણ પરમહંસ વિગેરે જેવી અનેક મહાન વિભૂતિઓ આ દેશમાં થઈ ગયા. એવા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રથી પરિચિત કરવો. ત્યારે એમને સમજાશે કે જીવનની સાચી સમજ શું છે? અને લોકોએ શું શું સંઘષો કર્યા છે. મહેનતનો કોઈ પ્રયાય નથી એ સમજાવો. કાર્ટૂન ચેનલો જોવાની બંધ કરાવો. આ માટે આજના માં-બાપને પણ જ્ઞાનની જરૂર છે. આજના નવયુગલો જેના પાચ-સાત વર્ષના સંતાન છે એમની પાસે જ જ્ઞાન અને સમજણનો અભાવ દેખાય છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે ને’ સાથે સાથે માં-બાપ એપણ ન ભૂલે કે ક્યારેક એમની ઉમરના એ પોતે હતા ત્યારે આપણે પણ એવા જ બેફિકરાં અને નાદાન હતા. આટલું કરશો તો તમારું સંતાન રેગીસ્તાનમાં પણ મોજથી જીવતું હશે.
જે માં-બાપ સંતાનોને પાણી માંગે અને દૂધ પીરસે છે એમને પણ ચેતવાની જરૂર છે. સંઘર્ષ વગર મળેલી વસ્તુની એમને કિમત સમજાતી નથી. આસાનીથી દરેક ચીજવસ્તુઓ મળવાથી સહનશક્તિ ઓછી થતી જશે. ક્યાક તમે એમને અધોગતિના માર્ગે તો નથી લઈ જતા ને? એકવાર વિચારજો. મફત ખાવાની ટ્રેનીગ ઘરમાંથી ન આપો. એમના ઉપર વિશ્વાસ કરીને છૂટા મૂકો ઠોકરો ખાવા દો , પડવા દો, માર્ગદર્શક થાવ, ટેકો આપો સહારો નહી તો જ આ દોજખ જેવા સમાજમાં ટકી શકશે એટલું યાદ રાખજો. શરૂઆતમાં સાઇકલ શિખતા હોય ત્યારે કેટલીવાર પડતાં હોઈએ છીએ છત્તા પણ એક લગન હોય શીખવાની તો શીખી જ જઈએ છીએ ને? આપણે જીવીએ ત્યાં સુધી એમની ચિંતા કરીશું. મારી જઈશું પછી એ રખડી કે ખોવાઈ નથી જવાના એ સત્ય સ્વીકારીને જીવો. જીઓ જી ભરકે...કાલ્પનિક ચિંતાઓ મૂકી દો નહિ તો ચિતામાં વહેલા જવું પડશે. એટલું યાદ રાખજો કે સુખ અને દુ:ખના દરેક દસ્તાવેજ ઉપર કયાંક ને કયાંક આપણાં જ હસ્તાક્ષર હોય છે. એટ્લે દ્સ્તાવેજ જ એટલા ફુલપ્રૂફ તૈયાર કરો કે ક્યાકથી પાછાં ના પટકાવ.

“ખુદ હી કો કર બુલન્દ ઇતના કી
હર તકદીરસે પહેલે,
ખુદા બંદેસે ખુદ પૂછે,
બતા તેરી રજા(ઇચ્છા) ક્યા હૈ?”.

શબ્દ અને વિચાર ....
© નિતુનિતા (નીતા પટેલ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED