Hazaro khwahishe aisi books and stories free download online pdf in Gujarati

હજારો ખ્વાહિશે ઐસી...

હું માનસી શાહ. મુંબઈની રહેવાસી. મુંબઈના કમાટીપુરાનાં છેવાડે આવેલી મારી સામાજિક સેવા સંસ્થાની ઓફિસથી મારાં ઘર સુધી પહોંચતા કલાક થાય. ટ્રાફિક વધુ હોય તો દોઢ-બે કલાક તો ખરા! રોજીંદી ઘટનાઓ માટે ચિંતન-મનનનો આ સમય. ઘરે પહોંચી હું કોફીનો મગ હાથમાં લઇ બાલ્કની બહાર જોતી વિચારું છું આજની બનેલ ઘટના વિશે.
સીમા મારી સામેની ખુરશી પર એની જિંદગીની જેમ જ સંકોચાઈને બેઠી હતી. એનાં અડધા બળેલા શરીર અને એવો જ ચહેરો જોવાથી હવે હું ટેવાઈ ગઈ છું. પહેલાંની જેમ મને હવે કંપારી કે અરેરાટી નથી થતી. અનુકંપા થાય ત્યારે હું એને સ્મિત આપી દઉં છું. એનામાં રહેલી હિંમત અને ધીરજની હું ચાહક છું. એ કંઈ કહેવાં માંગતી હતી પણ હોઠ ખૂલતાં નહોતાં. એની બીમારીમાંથી જેમ ઊભી થઇ હતી તેમ ધીમેથી ઊઠીને મારાં પગ પાસે આવીને બેસી ગઈ. કદાચ નજીક બેસવાથી હૂંફ મળશે એવું એને લાગ્યું હોય.
‘મેડમ, મારાં સોળ વર્ષ પણ પૂરા નહોતાં થયા જયારે હું જોનપુરથી ભાગી હતી, મહેશ સાથે. મારો પહેલો મુગ્ધ પ્રેમ, સાચો પ્રેમ. એવું હું માનતી હતી. એણે મને રાણીની જેમ રાખવાનો વાયદો કરેલો અને રાખી પણ ખરી, પણ બહુ ઉંચી કિંમત ચૂકવીને.... હું એટલી બધી અબુધ અને નાદાન કે પછી એના પ્રેમમાં પાગલ ગણો, મને કશી ખબર પડતી નહોતી. હા, એ જયારે મને પ્રેમ કરતો ત્યારે હું બધું જ એનાં પર લૂંટાવી દેવા તૈયાર થઇ જતી. મારી માને મારા માટે ખૂબ લાગણી હતી, હવે છે કે નહિ તે નથી ખબર! ત્રણ બહેનોમાં સૌથી નાની એટલે વધારે લાડ લડાવતી પણ એની લાગણીને સમજવાની ત્યારે મારામાં સમજણ નહોતી. ગરીબ ઘરનાં હતાં એટલે મોજશોખ કોઈ પરવડે એવા નહોતાં. એવામાં જ મારાં રૂપ અને મારાં મોજશોખને પોષી શકે એવો મહેશ મળી ગયો. આમ તો એ કંઈ ખાસ કામધંધો નહોતો કરતો પણ બસ, ગમી ગયો...અને હું ચાલી નીકળી, હજારો સપના આંખોમાં ભરીને.’
એ અટકી એટલે હું એને જોતી વિચારી રહી. દરિયાનાં ખારા પટ જેવી સુકીભઠ્ઠ એની આંખોએ દરિયો ઉલેચવો હતો પણ, પાણી જ સૂકાઈ ગયાં હતાં ત્યાં એ બિચારી શું કરી શકે? બારણે મૂકેલાં પગલૂછણીયા જેવી એની જિંદગી. જે આવે તે પગ લૂછતાં જાય અને ઘસાઈને આવરદા પૂરી થાય એટલે ફેંકી દેવાય! હું બધું જ જાણતી હતી, છતાં મેં એને બોલવા દીધી.
‘મેડમ, મારી મા સાચું જ કહેતી હતી કે, ‘પુરુષની જાતને સ્ત્રીનાં શરીરની જ ભાષા સમજાય છે, સ્ત્રી નહિ. પણ, હું તો માને અને માની વાતને પણ ભૂલી ચૂકી હતી. અમે જ્યાં રહેતાં તે જગ્યા મને સહેજ પણ નહોતી ગમતી. સાવ મવાલી જેવાં લોકોની વસ્તી હતી જાણે. ગામ છોડ્યાને ત્રણેક મહિના થવા આવ્યા હતા. જ્યાં ‘સેક્સ’ શું છે તે હજું પૂરું સમજાયું નહોતું ત્યાં આ તો ક્યાંથી સમજાય? ત્રણ ચાર મહિના ઉપર ચઢી ગયા તો પણ મને એ વાતનું ભાન નહોતું કે, આ શું થઇ રહ્યું છે? સાવ નાદાન નહિ તો? પણ, મહેશ થોડો નાદાન હતો?’
તે દિવસે હું સવારે ઊઠી અને મહેશ કામે જવા નીકળ્યો તે પાછો આવ્યો જ નહિ. લોકો કહેતાં હતાં કે એ હવે ક્યારેય પાછો નહિ આવે. મુંબઈના મહાસાગરમાં ખોવાયેલ કોઈ મળતું નથી. ભાગીને આવ્યા પછી મેં મનથી તનનો પ્રેમ માણ્યો હતો. પણ, મારાં જેવી નાદાનને મહેશના નાલાયક હવસખોર દોસ્તારો, બળાત્કાર કોને કહેવાય તે શીખવાડી ગયાં. તે રાત્રે મને મા અને માની કહેલી વાતો ખૂબ યાદ આવી. શરીર પરના ઝખમ, મન સુધી ઊંડા ઊતરી ગયા! એ એક જ રાતે મને ભાન કરાવી દીધું કે, હું હવે ભાગીને આવેલી એ ‘મુગ્ધ સીમા’ નથી. આત્મા ચીરાઈને નીકળી રહેલાં લોહી આગળ શરીરમાંથી નીકળતાં લોહીની શી વિસાત? છતાં ડોકટરે ઈલાજ કર્યો અને સાથે મા બનવાની જાણ પણ કરી. સોળ વર્ષની હું અને પહેલી જ વાર ગર્ભવતી થયેલી અને બળાત્કાર...? સોળ વર્ષની ઉંમરના એ પહેલાં મન પર લાગેલાં ‘સોળ’ હું કેમ ભૂલું? દિવસો, મહિનાઓ, વર્ષો વીત્યાં. મારાં પહેલાં પ્રેમની નિશાની, મારી દીકરી ‘નિમ્મો’ મને જીવથી વધુ વહાલી છે.’
વાત કરતાં કરતાં એ એકીટશે બારણાં સામે જોઇને બોલ્યાં કરતી હતી. જાણે જીવન અહીંથી જ હાથતાળી આપી છટકી ન ગયું હોય? એની આંખોમાં ભીનાશ તરવરી રહી હતી.
મેં કહ્યું, ‘સીમા હું જાણું છું કે, તું તારી દીકરીને લીધે પરેશાન રહે છે. પણ તું એની ચિંતા છોડી દે. આપણે એને સારી જગ્યાએ કામે લગાવી છે. હવે તને ચાર પૈસાની મદદ પણ મળી રહેશે અને તારા કેન્સરનાં ઇલાજમાં પણ એ કામ લાગશે. બધું સારું જેનો અંત સારો.’
‘મારાં જેવી જિંદગીનો કોઈ જ અંત નથી હોતો મેડમ. મારી પૂરી જિંદગી સાવ નર્ક બનીને રહી ગઈ. નિમ્મોનો વિચાર કરી હું બબ્બન સાથે રહેવા લાગી. પણ મારી માની વાત સતત સાચી પડતી જતી હતી. થોડાં મહિના પછી એણે પણ મને કમાણી કરવાનું તગડું સાધન બનાવી દીધું. એને ખબર હતી કે, દીકરીના લીધે હું બધું સહન કરીશ. પણ એક દિવસ મારી સહનશક્તિનો બંધ તૂટ્યો અને હું મદદ માંગવા જઈ પહોંચી કમાટીપુરાનાં કુખ્યાત ગુંડા રફીક પાસે. એણે નિઃસ્વાર્થભાવે મારી મદદ કરી અને બબ્બનની ચુંગાલમાંથી છોડાવી. બસ, કદાચ આવી જ ઘટનાઓ સ્ત્રીઓના જીવનમાં વળાંક લાવતી હોય છે. લાંબા સમયથી હું જે પ્રેમની ભૂખી હતી તે મને રફીકમાં મળી ગયો જાણે. ધીમે ધીમે પરવાન ચઢેલો પ્રેમ આખરે એની સાથે નિકાહમાં તબદિલ થયો. ભલેને હું એની બીજી બીવી બની હતી પણ મારાં માટે એ જ મારું સર્વસ્વ હતો.
મને ક્યારેક થતું કે, ભગવાન જાણે કોઇથી કાયમ ખફા રહેતાં હશે તેને શું મારી જેમ સજા આપતાં હશે? રફીક સાથે નિકાહ પછી મારો ધંધો મેં છોડી દીધો. સમયની સાથે વધતી નિમ્મોને આમ પણ રફીક લાડ લડાવતો રહેતો, પણ હું છેલ્લે સુધી એનાં ઈરાદાને કળી ન શકી. એની ખરાબ નજર મારી દીકરી પર હતી. અને એક દિવસ એને બચાવવા માટે મેં કેરોસીન છાટ્યું. જાત ને જીવ બેઉ બાળી તમારી મદદથી દૂર ભણવા મોકલી આપી જેથી મારો કે મારાં ઘરવાળાનો પડછાયો પણ ન પડે અને કોઈ સારું કામ મળી રહે. એ ભણીને આવી રહી ત્યાં આ કેન્સરનું ભૂત ભરાયું. એણે કોઈ પણ ભોગે મને સાજી કરવી છે એટલે તનતોડ મહેનત કરે છે. ને મેડમ, તમે કેટલું બધું વિચારીને એને પેલાં મોટાં સામાજિક કાર્યકરને ત્યાં નોકરી અપાવી. પણ, એના નસીબને કોસું કે મારાં? મારાં વિશે બધું જ જાણતી મારી નિર્દોષ, નાની પણ અકાળે સમજદાર થઇ ગયેલી દીકરી મારાં જ વમળમાં ફસાઈ ગઈ. મારી સારવારના પૈસા આપવાનાં બહાને તમારાં કહેવાતાં સામાજિક કાર્યકરે એની સાથે... તન-મનની અપાર વેદનાઓનો વીંટો વાળીને દૂર ઘા કરવો છે, પણ કેવી રીતે તે ખબર નથી પડતી. તમે તો સમાજસેવા અને સમાજ સુધારાનું કામ લઈને બેઠાં છો પણ સમાજને ક્યાં સુધરવું છે? સમાજનાં લોકોને અમારી નર્ક જેવી જિંદગીઓને સ્વર્ગ બનાવવામાં શું રસ?’
હું હતપ્રભ અને કંઈ બોલવાની સ્થિતિમાં નહોતી. તેથી ચૂપ રહી. હવે એની આંખોમાંના દરિયામાં જાણે ભરતી આવી હતી. એક ચક્ર પૂરું થઇ ફરી ત્યાંથી જ શરૂ થઇ ગયું હતું, જેને અટકાવવામાં હું અસમર્થ રહી હતી. મારી પંદર વર્ષની સોશિયલ વર્કરની કારકિર્દીમાં મેં હજારો જિંદગી એવી જોઈ છે કે, સામાન્ય માણસને જેની કલ્પના પણ ન હોય. ક્યાંક પિતા, પતિ, ભાઈ કે પછી બીજું કોઈ આ સ્ત્રીઓના સોદા માટે તૈયાર જ હોય છે. તેઓની એક એક આંખોમાં ઊગતા અને તૂટતાં સપનાંઓ જોયા છે. ક્યારેક કોઈનું એકાદ સપનું પણ પૂરું કરવામાં હું મદદરૂપ થઇ હોઉં તો એ મને ફરી બીજાનાં સપના પૂરાં કરવા પ્રેરિત કરે છે. છતાં પણ, સીમા જેવી કેટલીયે જિંદગીઓ હજી મારી આસપાસ વિખરાયેલી પડી છે. શું સાચે જ સમાજનાં લોકોને આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી સ્ત્રીઓ સાથે કોઈ નિસ્બત નથી? એક જિંદગી બગાડવાના બદલે, બનાવી ન શકીએ? મેં વ્હાલ અને કરુણાથી સીમાનાં માથે હાથ ફેરવ્યો. સાંત્વના આપી એને રવાના કરી, એની દીકરીને સારી જિંદગી આપવાની ખ્વાહિશ જગાવીને!
-ઉમા પરમાર
(સત્ય ઘટના આધારિત, Uparmar473@gmail.com)

બીજા રસપ્રદ વિકલ્પો