Maro Shu Vaank - 26 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 26

મારો શું વાંક ?

પ્રકરણ - 26

આખરે જેમ-તેમ કરીને સવાર પડી. દાનીશ વહેલો ઉઠી ગયો હતો.. ઘરની ગેલેરીમાં જઈને થોડીવાર તે ઊભો રહ્યો. સૂરજનાં આછા સોનેરી ઉજાસને તે એકધારો તાકી રહ્યો અને આવનારા સમયમાં આવો ઉજાસ પોતાનાં ખાલી જીવનમાં પથરાઈ જાય એવી મનોમન તે દુવા કરવા લાગ્યો .... અને પોતાની માં નાં રૂમમાં જઈને બોલ્યો..... અમ્મી ! બધુ કામ પતી ગયું છે... મહેમાનો માટે જમવાનો ઓર્ડર બહાર આપી દીધો છે... અગિયાર વાગ્યા સુધીમાં બધું જ રેડી થઈને આવી જશે... હવે બીજું કાઇં કામ બાકી રહેતું હોય તો મને કહો.

દાનીશની અમ્મી તેના માથે હાથ ફેરવીને બોલી.... ના બેટા ! હવે કાઇં કામ નથી... તે બધું જ કરી લીધું છે. હવે હું ફક્ત રહેમતની આવવાની રાહ જોવું છું... જે છોકરીનાં કારણે મારા દીકરાનાં ચહેરા ઉપર આટલી ખુશી છવાઈ ગઈ છે તેને મળવાની હવે ખૂબ તાલાવેલી લાગી છે. જરાક સુમીતને ફોન લગાડીને પૂછ તો ખરો.... એ લોકો નીકળ્યા કે નહીં.....

દાનીશ એની અમ્મીનાં બંને હાથને ચૂમીને બોલ્યો.... અમ્મી ! સુમીતનો મેસેજ આવી ગયો છે.... તે લોકો નીકળી ગયા છે.

સાડા દસ વાગતાની સાથે ઇન્વિટેશન આપેલા મહેમાનોનું આવાનું શરૂ થઈ ગયું... દાનીશની અમ્મી બધાને પ્રેમથી આવકારી રહી હતી...

દાનીશ પોતાનાં રૂમમાં તૈયાર થઈને ફરી-ફરીને પોતાની જાતને દસમી વખત અરીસામાં નિહારી રહ્યો હતો.... પહેલા તો ફટાફટ તૈયાર થઈને ઉતાવળમાં ઓફિસે જવા નીકળી જતો હતો. પોતાની જાતને એક અરસાથી અરીસામાં જોવાનું જ જાણે દાનીશ ભૂલી ગયો હતો.... અને પોતાની જાતને જોવાની એને એવી કોઈ ઇચ્છા પણ થતી નહોતી.

ત્યાં સુમીત દાનીશની અમ્મી સાથે એના રૂમમાં પ્રવેશ્યો... સુમીત ને જોઈને દાનિશ બોલ્યો.... અરે યાર.... તું આવી ગયો... રહેમતની ફેમિલી આવી ગઈ.... પછી એની અમ્મી સામે જોઈને બોલ્યો.... અમ્મી ! તમે શકુરકાકા અને જાવેદભાઈને આવકાર્યા ને.... અહીંયા ઉપર કેમ આવી ગયા? ચાલો નીચે જઈએ.

સુમીત ધીમેકથી બોલ્યો.... હા દાનિશ.... આંટીએ બધાને ખૂબ સારી રીતે આવકાર આપ્યો છે અને બધા નીચે બેઠા છે... પછી દાનીશની પીઠમાં હળવો ધબ્બો મારીને સુમીત બોલ્યો.... આજે તો તારી પર્સનાલિટી કોઈ ફિલ્મી હીરો જેવી લાગી રહી છે.... હેં આંટી ! આપણો દાનિશ રહેમતની ફેમિલીને મળવા આટલો એક્સાઈટેડ કેમ થઈ રહ્યો છે?

દાનીશની અમ્મી વચ્ચે ટપકો પૂરતા બોલ્યા... હા જો ને સુમીત.... સવારથી છોકરીઓની જેમ અરીસા સામે ખડકાઈને પોતાની જાતને પચાસ વખત નિહારી ચૂક્યો હસે.... સુમીત આ સાંભળીને જોર-જોરથી હસવા માંડ્યો. દાનિશ વચ્ચે બોલ્યો... અમ્મી ! તમે બેય જણાં મળીને મારી ફીરકી ઉતારી રહ્યા છો.....

સુમિતે દાનીશની અમ્મીને બેડ ઉપર બેસાડયા અને બોલ્યો... તમને બંને જણાંને એક વાત કહેવી છે... એટલે જ આંટીને ઉપર લઈને આવ્યો છું.

દાનીશ હદયમાં થોડા ફડકાટ સાથે બોલ્યો... હા બોલ સુમીત ! શું કહેવા માંગે છે?

સુમિતે કહ્યું.... આંટી ! રહેમતબેન અને દાનિશનાં સંબંધની વાત કાકા અને જાવેદભાઈને રહેમતબેનની ગેરહાજરીમાં જ કરજો... કારણકે અચાનક આ બધુ સાંભળીને રહેમતબેન સીધી જ ના કહી દે એવું પણ બની શકે... કારણકે દાનીશ રહેમતબેન વિશે જે વિચારી રહ્યો છે... એવો વિચાર દૂર-દૂર સુધી રહેમતબેનનાં મગજમાં ફરકતો પણ નહીં હોય... કારણકે એમનાં સાથે આ બધુ થયા પછી એમણે એમનું જીવન ફક્ત પોતાનાં બાળકોમાં જ સમેટી લીધું છે.

જો જાવેદભાઈનાં કાને આ વાત નાખી દેવામાં આવે તો એ રહેમતને આ વિશે ખૂબ સારી રીતે સમજાવી શકે.... અને રહેમતબેન જાવેદભાઈની કોઈ સલાહને ટાળતા નથી...

હું શું કહેવા માંગુ છું... એ તું સમજી ગયો ને દાનીશ? પ્રશ્નાર્થનાં ભાવે દાનીશ સામે જોઈને સુમીત બોલ્યો...

હા સુમિત ! તારી વાત એકદમ સાચી છે... તું જેમ કહે છે એવું જ થશે... અને રહેમત મારાં ઘરે પહેલી વખત આવ્યા છે તો હું નથી ઇચ્છતો કે મારા કારણે એમને કોઈ સ્ટ્રેસ પડે અને એ અપસેટ થઈ જાય. અમ્મી ! રહેમતની ગેરહાજરીમાં જ શકુરકાકા અને જાવેદભાઈ સાથે આ વાત કરજો.... દાનીશ ઠાવકાઈપૂર્વક બોલ્યો.

સુમીત એકધારો દાનીશ સામે જોઈ રહ્યો... દાનીશ બોલ્યો... આમ શું એકધારો જુએ છે? સુમીત બોલ્યો.... એક તું છે... જે રહેમતબેનને હમણાં-હમણાં મળ્યો છે છતાં એનાં વિશે આટલું વિચારે છે... અને એક પેલો ઈરફાન હતો... જે પોતાની પત્ની અને એનાં બાળકોની માં ને સમજી ના શક્યો અને બીજી ને કારણે રહેમતબેનને તરછોડી દીધી... હું દિલથી ઇચ્છું છું કે તારો અને રહેમતબેનનો સંબંધ જલ્દી બંધાઈ જાય.

ત્રણેય જણાં નીચે જવા રૂમમાંથી નીકળ્યા... દાનીશે સીડી ઉતરીને જેવો હોલમાં પગ મૂક્યો કે તરત જ અફસાના દોડીને અંકલ.... અંકલ.... કહીને દાનીશને ચોંટી ગઈ. દાનીશે તરત જ અફસાનાને ઉપાડી લીધી... અફસાના ચોકલેટ ખાઈ રહી તી અને એક ચોકલેટ દાનીશ માટે લઈને આવી તી... દાનીશને ચોકલેટ આપતા બોલી... અંકલ ! તમે મારાં ગામે આવ્યા તા ત્યારે ચોકલેટ લઈને આવ્યા તા ને... એટલે આજે હું તમારાં ઘરે આવી છું એટલે ચોકલેટ લઈને આવી છું.

દાનીશે પ્રેમથી ચોકલેટ લઈ લીધી અને થેન્ક યુ... માય સ્વીટહાર્ટ... કહીને અફસાનાનાં ગાલે ચૂમ્મી કરી... અફસાના પોતાનો નાનકડો હાથ દાનીશનાં ગાલ ઉપર મૂકીને બોલી... અંકલ ! તમારાં અમ્મી ક્યાં? પોતાની બાજુમાં ઊભેલા તેનાં અમ્મીનો હાથ પકડીને દાનીશ બોલ્યો.... આ રહ્યા મારાં અમ્મી... તો વળી અફસાના પોતાની માં તરફ હાથ લાંબો કરીને બોલી... મારાં અમ્મી પણ એ રહ્યા....

દાનીશની નજર રહેમત ઉપર ગઈ. હલકા પીળાં અને મરૂન રંગનાં કોંબીનેશનવાળું અનારકલી સુટ તેણે પહેર્યું હતું. હંમેશાની જેમ માથા ઉપર દુપટ્ટો ઓઢેલો રાખ્યો હતો. પાતળાં ગોરા હાથની લીલી નસો સ્પષ્ટ દેખાઈ રહી હતી. બંને હાથમાં એક-એક ડેલિકેટ ડાયમંડની બંગડીઓ પહેરેલી હતી. જે રહેમતનાં નાજૂક હાથોને ખૂબ શોભી રહી હતી. રહેમતે બીજી બધી આવેલી સ્ત્રીઓની જેમ બિલકુલ મેકઅપ નહોતો કર્યો.... છતાં પણ એ ખૂબ સુંદર અને જાજરમાન લાગી રહી હતી... તેની સાદગી જ તેને બધાથી અલગ પાડતી હતી.

દાનીશે શકુરમિયા અને જાવેદને ભેટીને આવકાર આપ્યો... જાવેદની પત્ની શબાના અને રહેમતને પણ હસીને આવકાર આપ્યો.

જમણવાર ચાલુ કરી દેવામાં આવ્યું હતું. દાનીશની માં રહેમત અને શબાના પાસે આવીને બોલી... બેટા ! તમે બધાં જમી લો... તમારાં બાળકોને જમાડી લો એમને ભૂખ લાગી હશે...

રહેમત બોલી... આંટી ! ચાલોને સાથે જમીએ... દાનીશની અમ્મી જવાબ આપતા બોલી... બેટા ! તમે બધાં જમતા થાઓ હું બીજા મહેમાનોને લઈને તમારી પાછળ-પાછળ જ આવું છું. દાનીશ રહેમતનાં મધ ઝરતાં અવાજે તેની માં સાથે થઈ રહેલી વાતોને એકધારો સાંભળી રહ્યો હતો. તે ઊભો હતો જાવેદ પાસે પણ તેની નજર વારેઘડીએ રહેમત ઊભી હતી ત્યાં જ જાતી હતી.

આખરે રહેમત અને શબાના બાળકોને લઈને જમવા ગયા એટલે દાનીશ અને તેની અમ્મીને જાવેદ અને શકુરમિયાં સાથે એકલામાં વાત કરવાનો મોકો મળ્યો.

દાનીશની માં શકુરમિયાં પાસે જઈને બોલી.... ભાઇજાન ! તમારાં સાથે એક જરૂરી વાત કરવી છે... એટલું બોલીને ચૂપ થઈ ગઈ અને એને સમજ ના પડી કે કઈ રીતે વાત કરું..

દાનીશે પોતાની અમ્મીનો હાથ પકડ્યો અને બોલ્યો.... અમ્મી ! રિલેક્સ.... શકુરકાકા અને જાવેદભાઈ સમજદાર લોકો છે એ આપણી વાત ચોક્કસ સમજશે.

જાવેદ બોલ્યો.... હા ખાલા ! કહો... તમારે શું કહેવું છે?

સુમીત વચ્ચે બોલ્યો... જાવેદ ભાઈ.... આંટી આપણાં રહેમતબેન અને દાનીશની વાત કરવા માંગે છે. જાવેદ વિચારમાં પડી ગયો કે વળી દાનીશ અને રહેમતની શું વાત કરવા માંગતા હશે?

દાનીશની માં હિમ્મત એકઠી કરીને બોલી... ભાઇજાન ! મારો દાનીશ તમારી દીકરી રહેમતને પસંદ કરે છે અને લગન કરવા માંગે છે.

આ વાત સાંભળીને શકુરમિયા અને જાવેદનું મગજ થોડીકવાર માટે બહેર મારી ગયું... જાણે કે બંને ને સાપ સૂંઘી ગયો હોય એ રીતે એ દાનીશ તરફ તાકીને જોઈ રહ્યા.

જાવેદ બોલ્યો.... પણ રહેમતનાં તો મારાં ભાઈ સાથે લગન થઈ ચૂક્યા છે પણ એ અમારો ખોટો સિક્કો.... નપાવટ ... બે છોકરાંઓ હોવા છતાં અમારી રહેમતનું જીવન ધૂળધાણી કરીને બીજી બાયડી કરીને બેઠો છે.

જાવેદ દાનીશ સામે જોઈને બોલ્યો.... તમે તો કુંવારા છો... તમને તો એકથી એક છોકરી મળી રહેશે.... તો પછી બે છોકરાંવની માં એવી મારી દીકરી રહેમત જ કેમ?

દાનીશ જાવેદની આંખોમાં આંખ પરોવીને બોલ્યો.... કારણકે હું રહેમતને પ્રેમ કરવા લાગ્યો છું અને હું રહેમત મેડમનું ખૂબ સન્માન કરું છું... ભૂતકાળમાં હું પણ સંબંધમાં પછડાટ ખાઈ ચૂક્યો છું.. મારે જે છોકરી સાથે લગ્ન કરવા તા એની સાથે મારા લગ્ન ના થઈ શક્યા... કારણકે હું મન્સુરી જાતિનો છું અને એ છોકરી પૈસાદાર સૈયદ ઘરાનાની હતી. એ વખતે મારા ઘરની સ્થિતિ એટલી સારી નહોતી.. જ્યારે એનાં પિતાને સૈયદ અને પૈસાવાળા છોકરાં સાથે એમની દીકરીનાં લગ્ન કરાવવા હતા.

આ બધામાં એ છોકરીનો કોઈ વાંક નહોતો... બસ એનાં પિતાની મરજી આગળ અમારા કોઇની ના ચાલી અને શાયમાનાં એની ઇચ્છા વગર બીજા છોકરાં સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા.. બસ ત્યારથી મેં અન્ય છોકરી સામે જોયું નથી... જાણે મારી લગ્ન કરવાની ઇચ્છા જ મરી ગઈ હતી.

દાનીશ એકધારો જાવેદની આંખમાં આંખ પરોવીને બોલ્યો.... જ્યારથી રહેમત મેડમને જોઈ છે ત્યારથી એ મારા દિલોદિમાગમાં વસી ગયા છે... મને કોઈ ફરક નથી પડતો કે એમના લગ્ન થઈ ચૂક્યા છે અને એ બે બાળકોની માતા છે... હું એમનાં બંને બાળકો સાથે રહેમત મેડમને મારી જિંદગીમાં લાવવા માંગુ છું... હું એમનાં સાથે નિકાહ કરવા માંગુ છું.... હું રહેમતનો પતિ અને એમનાં બાળકોનો પિતા બનવા માંગુ છું. દાનીશ શકુરમિયાં અને જાવેદ સામે વારાફરતી નજર નાખીને બોલ્યો.... તમે રહેમતનો હાથ મારા હાથમાં આપી શકશો?

જાવેદ દાનીશની માં તરફ જોઈને બોલ્યો.... શું તમને આ સંબંધથી કોઈ વાંધો નથી?

દાનીશની અમ્મી હસતાં ચહેરે બોલી.... હું મારા દાનીશની ખુશીમાં જ ખુશ છું... અને એની પસંદ એ જ મારી પસંદ છે. જાવેદ અને શકુરમિયાં સામે જોઈને એ બોલ્યા... મને આ સંબંધથી કોઈ જ વાંધો નથી.... બસ તમારી દીકરી રહેમત આ સંબંધ માટે હામી ભરી દે.

રહેમતનું નામ આવતાં જ જાવેદ વિચારમાં પડી ગયો... કે શું રહેમત એક વખત પછડાટ ખાયા પછી આ નવો સંબંધ બાંધવા રાજી થશે?

હું તો રહેમત પોતાનાં જીવનમાં આગળ વધે એવું ઇચ્છું છું... અને હજી એની ઉંમર જ શું છે.. ફક્ત વીસ-એકવીસ વરસ.... આખી અફાટ જિંદગી એની સામે પડી છે. તમે શું ક્યો છો... અબ્બા? કહીને એને શકુરમિયાંની મરજી જાણી.

શકુરમિયાં જાવેદને જવાબ પાછો વાળીને બોલ્યા.... જાવલા ! હું ય કે દી નો ઇચ્છું છું કે મારી દીકરીનાં જીવનમાં ખુશીઓ પાછી આવે અને એનાં ય સુખ-દુ:ખમાં એનો કોઈક ભાગીદાર બને. જો રહેમત લગન કરવા માટે માની જાય તો મારાથી વધારે બીજું કોઈ ખુશ નહીં હોય. ઇરફાનયા આગળથી આપણે તલ્લાક લેવડાવી લેશું... આખરે મારી દીકરીને ય એનું જીવન જીવવાનો અધિકાર છે.

જાવેદ દાનીશ અને તેની અમ્મી સામે જોઈને બોલ્યો.... ઘરે જઈને આજે રાતે જ રહેમતને આ વિશે વાત કરીશ... ખરેખર તમારાં જેવા સમજદાર લોકોની આ સમાજને ખૂબ જરૂર છે.. જો રહેમત આ સંબંધ માટે હામી ભરી દેશે તો એ ખરેખર ખુશનસીબ વ્યક્તિ હશે....

દાનીશ જાવેદનાં શબ્દોને રોકતા બોલ્યો... રહેમત મેડમ નહીં પણ હું ખુશનસીબ વ્યક્તિ બની જઈશ જો એ મારા જીવનમાં આવી જશે.

ચાલો હવે બધા જમી લઈએ કહીને દાનીશ બધાંને જમવા લઈ ગયો.

જમી પરવારીને થોડીવાર બધાં સાથે બેઠા અને વાતો કરી.. છોકરાંઓની ઊછળકૂદે દાનીશનાં હમેશાં શાંત રહેતા ઘરને ચિચિયારીઓ પાડીને કલબલાટથી ભરી દીધું હતું... જેનો અપાર આનંદ દાનીશની માં નાં ચહેરા ઉપર વરતાતો હતો.

આખરે ચાર વાગ્યાની આસપાસ સુમિત અને રહેમતનો પરિવાર એમનાં ગામે જવા માટે વિદાય થઈ રહ્યો હતો... આ બધી વાતથી અજાણ રહેમત દાનીશની અમ્મીને કહી રહી તી.... આંટી ! હવે દાનીશભાઈ અમારા ગામે આવે ત્યારે તમેય જરૂર આવજો... પોતાનાં વિશે ભાઈ સંબોધન સાંભળીને દાનીશ થોડોક છોભીલો પડી ગયો. સુમીત દાનીશભાઈ એવું સાંભળીને ખડખડાટ હસવા માંડ્યો. દાનીશે એક જોરદાર ધબ્બો હસતાં સુમિતની પીઠ ઉપર ઠોક્યો.

દાનીશ હળબળાઈને રહેમતને કહેવા લાગ્યો.... રહેમત મેડમ ! ભાઈ... ભાઈ કહેવાની શું જરૂર છે? ખાલી દાનીશ કહોને... એ વધારે સારું રહેશે. આ સુમીત, જાવેદભાઈ એ તમારાં ભાઈ છે તો ખરા... બીજા બધા ખાસ કરીને મને ભાઈ કહેવાની શું જરૂર છે? બધા ભાઈ જ થોડા હોય... ચલો, મેડમ પ્રોમીસ કરો... હવે તમે મને ફક્ત દાનીશ જ કહેશો.

દાનીશની આવી વાત સાંભળીને શકુરમિયાંનાં આખા પરિવાર અને દાનીશની અમ્મીનાં ચહેરા ઉપર મશ્કરીયું હાસ્ય રેલાઈ ગયું. સુમીત તો હજી પણ જોર-જોરથી ખડખડાટ હસી રહ્યો હતો.

રહેમત વિચારમાં પડી ગઈ. ભાઈ કહેવાથી વળી આનો શું લૂમખો ઉતરી ગયો .... તો ભાઈ ના કહેવાની પ્રોમીસ લેવડાવે છે. લાગે છે છોકરાંઓએ આજે એનાં આખા ઘરને માથે લીધું તું.... તે એ કલબલાટથી આનું ભેજું થોડુક ખસકી ગયું લાગે છે... એટલે ગાંડા જેવી વાતો કરે છે.

આખરે શકુરમિયાંનો પરિવાર વિદાય થયો. હવે દાનીશને ફક્ત એક જ વાતની તાલાવેલી લાગી હતી કે પોતાની રાતોની ઊંઘ ઉડાડી દેનાર રહેમતનો જવાબ હા માં આવે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED