મારો શું વાંક ? - 25 Reshma Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો શું વાંક ? - 25

મારો શું વાંક ?

પ્રકરણ - 25

ગાડીની ઝડપની સાથે-સાથે પૂરપાટ રસ્તો કાપતા જતાં વૃક્ષોનો હરિયાળો લીલો રંગ જાણેકે આવનારા સમયમાં દાનીશનાં જીવનમાં પણ ખુશીઓની હરિયાળી લાવશે એવું અત્યારે એ મહેસૂસ કરી રહ્યો હતો. તેનાં હદયમાં એક અરસા પછી કોઈ સ્ત્રી માટે આટલી પ્રબળ લાગણી જન્મી હતી... અને એ પણ એવી લાગણી કે એ સીધો જ રહેમતનાં બંધનમાં બંધાઈ જવાનાં મૂડમાં હતો.... એટલે કે એ રહેમત સાથે ચટ્ટ મંગણી પટ્ટ બિયાહ કરવાના મૂડમાં હતો.... અને એ મનોમન દુવા કરી રહ્યો તો કે યા અલ્લાહ! રહેમત પણ આ સંબંધ માટે હામી ભરી દે.

ગાડીમાં બેઠા-બેઠા જ એણે વિચાર કરી લીધો કે જઈને તરત જ અમ્મીને આ વાત કરી દઇશ... અમ્મી થોડીક આ સંબંધને લઈને કંફ્યૂઝ થઈ જશે પણ હું આ સંબંધને લઈને કેટલો સિરિયસ છું એ જાણીને આ સંબંધને તરત જ પરમીશન દઈ દેશે એની મને સો ટકા ખાતરી છે.

આખરે દાનીશ પોતાનાં ઘરે પહોંચ્યો... બેય માં-દીકરાએ સાથે ભોજન લીધું... રાતનાં નવ વાગી ચૂક્યા હતા... દાનીશની માં તેલની બોટલ લઈને તેને માથામાં તેલ નાખી દેવા તેનાં રૂમમાં ગઈ.

દાનીશ પોતાની માં ને જોઈને વળગી પડ્યો અને બોલ્યો.... ઓહ.... મારી પ્યારી અમ્મી! તમને કઈ રીતે ખબર પડી ગઈ કે મારે માથામાં તેલ નખાવવું છે? હું હમણાં તેલ નખાવવા જ તમારા રૂમમાં આવી રહ્યો હતો.

દાનીશને નીચે જમીન પર બેસાડીને અને પોતે દાનીશનાં બેડ ઉપર બેસીને દાનીશનાં માથામાં તેલથી મસાજ કરતાં-કરતાં દાનીશનાં અમ્મી બોલ્યા.... મારો દીકરો શું વિચારે છે અને એનાં મનમાં શું ગડમથલ ચાલે છે એ એની અમ્મી નહીં તો બીજું કોણ જાણશે?

દાનીશ તરત જ એની અમ્મીનો તેલ નાખતો હાથ પકડી લઈને આશ્ચર્યથી તેમની સામે જોઈને બોલ્યો.... અમ્મી ! તમને કઈ રીતે ખબર પડી કે હું તમને કાઇંક કહેવા માંગુ છું....

દાનીશનાં માથા ઉપર હાથ ફેરવતા તેની અમ્મી બોલી.... અલ્લાહે માં નો જીવ જ એવો બનાવ્યો છે કે ઔલાદનાં વગર કહ્યે એ પોતાની ઔલાદનાં મનમાં ચાલતી પરેશાનીઓ કે મૂંઝવણને જાણી લે છે. ચાલ હવે શું વાત કહેવી છે મને જલ્દી થી કે અને તારા મનનો ભાર હળવો કરી નાખ.

દાનીશ પોતાની અમ્મીનાં ખોળામાં માથું મૂકીને બોલ્યો.... અમ્મી ! તમે એ ઇચ્છો છો ને કે હવે હું લગ્ન કરી લઉં..... અમ્મી.... હું એક એવી છોકરીને મળ્યો છું જેની સાથે હવે મને ખરેખર ઘર વસાવવાની ઇચ્છા થઈ છે.. એ એક બિઝનેસ વુમન છે અને હું એમની ખેત-પેદાશોની ખરીદી કરું છું..

દાનીશની અમ્મી ખુશીથી બોલી ઉઠ્યા.... સાચે જ દાનીશ.... હું તો એ દિવસ આવે એની ક્યારની રાહ જાઉં છું... મને પણ તારી પસંદ દેખાડ બેટા.... તારી મરજીમાં જ તારી માં ની મરજી સમાયેલી છે.

દાનીશ ધીરેકથી બોલ્યો.... અમ્મી ! એનું નામ રહેમત છે. એ લગ્ન કરેલી અને બે બાળકોની માં છે... એનાં લગ્ન બાળપણમાં જ મોટાંઓની મરજીથી થઈ ગયા હતા.. પછી એનાં પતિને અમદાવાદ નોકરી મળતા એ અમદાવાદ શિફ્ટ થઈ ગયો અને એનાં પતિને એની સાથે ઓફિસમાં કામ કરતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એણે એ છોકરી સાથે નિકાહ પડી લીધા. રહેમત અને એનાં બાળકોને એ માણસે એનાં માં-બાપને સહારે ગામડે છોડી દીધા. રહેમતને એનાં સાસરીવાળાઓ એ દીકરી બનાવીને રાખી છે અને પગભર કમાતી બનાવી છે. આજે એ એનાં સાસરીપક્ષને કારણે જ એક સફળ બિઝનેસ વુમન બની શકી છે.

દાનીશની વાત સાંભળીને એની અમ્મીનો દિમાગ થોડીવાર તો જાણે સુન્ન બની ગયો... અને કાનમાં ફક્ત રહેમત લગ્ન કરેલી અને બે બાળકોની માતા છે એ અવાજ જ તમરાઓનાં અવાજની જેમ કાન અને મગજ સાથે અથડાતો હતો.

થોડાક લડખડાતા ધીમા અવાજ સાથે એ બોલી.... પણ બેટા! લગ્ન કરેલી અને બે છોકરાંઓની માં? તને બીજી કોઈ છોકરી ના મળી... તારાં લગનને લઈને મારા કેટલા બધાં અરમાનો છે જે વરસોથી તારી લગન ના કરવાની જિદ્દને કારણે મારી છાતીમાં ધરબાઈને પડ્યા છે... અને હવે લગન કરવા રાજી થયો તો પણ આવા લગન!! બેટા... તું હજી કુંવારો છે... તો કુંવારી છોકરી શોધ ને... હું માનું છું કે આ બધું જે એ છોકરી સાથે થયું એમાં એનો કોઈ વાંક નથી અને એને પણ એનું જીવન ફરીથી શરૂ કરવાનો અધિકાર છે.... પણ કેમ જાણે આમાં મારુ મન અટવાઈ રહ્યું છે... બેટા દાનીશ ! બીજું કાઇંક વિચાર.... મને આમાં કઇં સમજ પડતી નથી... શું તું અને હું એ છોકરી અને એનાં બાળકોને પ્રેમ અને ન્યાય આપી શકીશું... એ તો જરાક વિચાર....

હા અમ્મી.... હું રહેમત અને એનાં બાળકોને પૂરો પ્રેમ અને ન્યાય આપીશ અને આમાં મને તમારો પણ સાથ જોઈએ છે. અમ્મી ! શાયમાનાં મારા જીવનમાંથી ગયા પછી મને જો કોઈ પ્રત્યે સાચી લાગણી જન્મી હોય તો એ રહેમત જ છે.... અને આવી લાગણી હવે રહેમત પછી બીજા કોઈ માટે મને નહીં થઈ થાય.. એ માટે હું એકદમ સ્યોર છું.... હું મારુ જીવન રહેમત સાથે વિતાવવા માંગુ છું અને મને એમાં અમ્મી તમારી મંજૂરી જોઈએ છે... કારણકે તમારાથી વધીને મારા માટે બીજું કોઈ નથી.... અને જો તમે ના કહેશો તો હું આ લગ્ન નહીં કરું પણ રહેમત સિવાય હું બીજી કોઈ છોકરી જોડે પણ લગ્ન નહીં કરી શકું... એ મારો આખરી ફેંસલો છે.

દાનીશની વાત સાંભળીને એની માં થોડીકવાર ચૂપ થઈ ગઈ... અને દાનીશનાં માથા ઉપર હાથ ફેરવીને બોલી..... બોલ.... ક્યારે મળાવીશ રહેમતને? તે એની સાથે આ વિશે વાત કરી છે? શું એ પણ તને પસંદ કરે છે અને બીજા લગન કરવા તૈયાર છે? તું કહેતો હોય તો હું એનાં ઘરવાળાઓ સાથે વાત કરું.... પણ તે રહેમતને તો આ બધું કહ્યું છે ને?

દાનીશ થોડોક લાગણીશીલ થઈને બોલ્યો... ના અમ્મી ! રહેમતને મેં કાઇં કહ્યું નથી... એ આ બધી વાતોથી અજાણ છે.... એની મરજી જાણ્યા વગર હું એનાં તરફ એકતરફી લાગણીથી બંધાઈ ચૂક્યો છું... અમ્મી.... તું મારા માટે દુવા કર કે રહેમત પણ મારી સાથે નિકાહ માટે હા કરીને આ લાગણીનાં સંબંધમાં જોડાઈ જાય....

આ સાંભળીને દાનીશની માં નાં પેટમાં ફાળ પડી.... અને એ મનોમન વિચારવા લાગી કે જો રહેમત દાનીશ સાથે નિકાહ કરવાનું ના કહી દેશે તો મારા દીકરાનું દિલ બીજીવાર તૂટી જશે... કોઈપણ લગન કરેલી સ્ત્રી પોતાનાં બાળકો માટે થઈને બીજા લગન કરવાનું ટાળતી હોય છે... અને જો રહેમત પણ આવું કરશે તો? વિચારીને દાનીશની માં પરસેવે રેબઝેબ થઈ ગઈ... અને હાથ ઉઠાવીને અલ્લાહ પાસે દુવા માંગવા લાગી કે આ સંબંધ જેમ બને એમ જલ્દી બંધાઈ જાય.

દાનીશ બોલ્યો... અમ્મી ! પરમ દિવસે મેં રહેમતનાં આખા પરિવારને આપણે ત્યાં નાં ફંક્શનમાં દાવત આપી છે.... સુમિતને મેં આ બધી વાત કહી દીધી છે... હવે ફક્ત એ દિવસે તમારે રહેમતનાં અબ્બા અને જાવેદભાઈનાં કાને આ વાત નાખવાની રહેશે.... જેથી ખબર પડી જશે કે આગળ રહેમતની શું મરજી છે અને એ મારા વિશે શું વિચારે છે.

દાનીશની માં હસતાં ચહેરે બોલી.... હા દાનીશ ! જલ્દીથી એ દિવસ આવે અને હું રહેમતનાં પિતા અને એનાં ભાઈને આ વિશે વાત કરું... અને જલ્દી-જલ્દી અલ્લાહ મારા દીકરાનાં જીવનમાં ખુશીઓ લાવે કહીને એણે પોતાનાં દીકરાનું કપાળ ચૂમી લીધું.

એ રાતે દાનીશને બરાબર ઊંઘ પણ ના આવી અને સતત રહેમતનાં જ વિચાર આવ્યા કર્યા કે એનો જવાબ શું હશે?

બીજા દિવસે સવારે એ ઓફિસે પહોંચ્યો પણ એનું કામમાં બિલકુલ મન નહોતું લાગતું.... એણે સુમિતને ફોન લગાવ્યો અને પૂછી લીધું કે રહેમતનો પરિવાર સો ટકા આવવાનો જ છે ને.... તો સામેથી મજાકીય સૂરમાં સુમિત બોલ્યો.... દાનીશ ! લાગે છે કે તું મારી બેનનાં પ્રેમમાં મજનૂ બની ગયો લાગે છે.... પછી કન્ફર્મ કરીને બોલ્યો કે કાલે શકુરકાકાનો આખો પરિવાર મારી સાથે જ તારે ત્યાં પધારવાનો છે તો તું અમારી મહેમાનગતિ કરવા તૈયાર રહેજે.

સુમિતની વાત સાંભળીને દાનીશને થોડોક હાશકારો થયો... રહેમતનો નંબર હોવા છતાં તેને ફોન કરવાની એની હિમ્મત ના ચાલી એટલે જાવેદને સારું લગાડવા એણે જાવેદને કાલનાં ફંકશનમાં ભૂલ્યા વગર પરિવાર સાથે આવાનું યાદ દેવડાવ્યું... જાવેદે પણ ચોક્કસ ભૂલ્યા વગર પરિવાર સાથે ટાઈમે હાજરી આપશે એવો જવાબ જાણીને... બળબળતી કાળઝાળ બપોરમાં બરફવાળો લીંબુ શરબત પી ને જે કલેજામાં ઠંડકનો હાશકારો થાય એવો હાશકારો દાનીશને જાવેદની વાત સાંભળીને થયો.

હવે એ આરામથી પોતાની ખુરશીમાં બેસી ગયો... જેમ-તેમ કરીને વગર મને કામ કરીને સાંજનાં છ નાં ટકોરે તો એ ઘરભેગો થઈ ગયો અને બીજા દિવસનાં ફંક્શન માટેની તૈયારીમાં વળગી ગયો...

એ રાતે પણ રહેમતે તેની ઊંઘ હરામ કરી નાખી હતી... આ બધી વાતોથી અજાણ રહેમત પોતાનાં પરિવાર અને બાળકોની દુનિયામાં મસ્ત હતી.... જેમ-તેમ પડખા ફેરવીને એણે સવાર પાડવાની રાહમાં આખી રાત કાઢી નાખી.

***