"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ જ્યો સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય એમ ચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા.
ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા દ્રશ્યમાન થઈ ગઈ. એની આંખો માં ઝળઝળિયાં આવી ગયા, માંડ માંડ બોલી શકતો નાથો આજે જેશીંગ સાથે ઘણીબધી વાતો કરી લેવા માંગતો હોય એવું એની વધિઘટી બોડીલેંગ્વેજ પરથી લાગતું હતું.
"જેશા (નાથો જેશીંગ ને પહેલેથી જેશા કહેતો અને જેશીંગ નાથા ને નાથિયો કહેતો) તારાથી હું અજાણ્યું સ? મારી આગલી બીના તો બધીય તું જોણીજ સી પણ શેલ્લા તૈણ વરહથો ઉ મુશીબતમૉ સુ એ તની નથી ખબર. જીવની ઘણું દખ થાય હૈ જેશા, રોજ એમ થાય ક મરી જુ, પણ મારી સવલી?? અવ તો એની હૉમુય નથ જોવાતું જેશા હું કરૂ?" આટલું કેહતા તો નાથો રીતસર રડી જ પડ્યો. નાથીયા તું ચિંતા નથ કર આ ખાટલા મૉથી ઉ તની બેઠો કરે, તની હારા મૉ હારા દવાખોને ઉ લેઇજે. પણ તારા મન મો જે ઓય એ મની કેઈ દે નાથા. આ સવલી એ જ મની ફોન કરી બોલાયો સ, મની કેતી ક તમારા ભાઈની તબિયત ઘણી ખરાબ થઈ જી સ અની અઠવાડિયા દન થી તો મારા હાથીય બોલતા થી, નાથા સંતરામપુર મૉ ધંધો પડતો મેલી ની તારી પોહણ આયો હું, તું ચિંતા કર્યા વગર જે કેવું ઑય એ કી દે" જેશીંગે નાથા ને સાંભળતા કહ્યું.
જેશા આ સવલી ને લાવવા મારે ચેટલો ભોગ આલવો પડ્યો તની નથી ખબર, અમે બે રવાડી ને મેળે ભેગૉ થ્યોતોં,એ દન આખી રાત ઉ સવલી ની પાસળ પાસળ જ ફર્યો તો, મેળો ઉલાઈ જવાની તીયારી મૉ અતો ની મી સવલી ની એક રૂમાલ લિયાલ્યો, અન એ રૂમાલ પર અમે એસ અને એન સપાયું તું. પસી અમે રોજ મળતૉ, એક દન એના ગૉમ નો શૉમો અમની ભાળી જ્યો, સોમાની ય સવલી ગમતી પણ એણે સવલી ની કેયું નતું, પણ અમારૂ જોઈની ઍની ઇમ્મત આયી, અન સવલી ને કે ક તું મારા ઘરનું પૉણી ભર, પણ સવલી એ ચોખ્ખી ના કેય દીધી, એટલે એજયો સવલી ના બાપ પોહણ જ્યો અન સવલી હાથે લગન કરવાની વાત નાશી, સવલી નો બાપ હાઇઠ અજાર રિપિયા મૉ સવલી આલવા તીયાર થીજ્યો પણ સવલી ને જાણી ખબર પડી એટલે એ મન પોહણ આયી. અવ મન કન પૈસા મળી ની તોયે ઉ માર કાકા ની લેઇ ની જ્યો સવલી ના બાપ પોહણ, એણે કેયું ક હાઇઠ અજાર તો શૉમો આલસ તમે એશી આલો તો એજયો વિવા ફૉક કરૂ. અવ મારા આખા ઘર મૉ આઠ અજાર રિપિયા નૉ મલી તો એંશીઅજાર ચૉથી લાવું? એટલે સવલી ના બાપ ની કેયું ક થોડી મુદત આલો, પણ શૉમો રોકડા હાઇઠ આલતો અતો એટલે સવલી નૉ બાપ તિયાર નૉ થયો. પણ સવલી રોવા બેઠી અન એના બાપની કેયું ક નાથા ની મુદત ની આલો તો ઉ કૂવો પુરે પસી હાઇઠ એ ની મલી અને એંશી ય ની મલે. એટલે પાસો સવલી નો બાપ ટાડો પડ્યો અન મન કેયું આ મઇના મો પચ્ચીઅજાર આલવાના અની બીજા શાર મઇના માં આલવાના. મની થોડી હાશ થઈ પણ મન મો મોટો પ્રશ્ન અતો કે બીજા રિપિયા ની વાત તો પસી પણ પેલા પચ્ચી આ મઇના મૉ ઉ ચોથી લાવે????
આટલું માંડ માંડ નાથો બોલ્યો ને પાછી એને ઉધરસ ચડી, જેશા એ એને માથે પાછળ હાથ રાખી બેઠો કર્યો અને ખાટલા પાસે મુકેલા ઘડામાંથી પાણી લઈ નાથા ને પીવડાવ્યું. જોડે જોડે થેલી માં સફરજન લાવેલો એ સવલી ને આપતા કહ્યું જા સવલી નાથા હારૂ એક સફરજન કાપી ને લેતી આવ.
(ક્રમશઃ)
લેખક -મેહુલ જોષી
(બોરવાઈ મહીસાગર)