સ્ત્રીની સુંદરતા Vasani Kalpesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રીની સુંદરતા

સ્ત્રીની સુંદરતા એટલે શું? સ્ત્રીનું બ્યુટી પાર્લરમાં જઈને ફેશવોસ કરાવવું એ કે થોડા વાળ કટ કરાવીને આવવું એ? કે પછી આભૂષણોથી મસ્ત તૈયાર થઈને રહેવું એ? કે સ્ત્રીનું રૂપાળું દેખાવું એ એની સુંદરતા છે? કે પછી ખૂબ સારી રીતે તૈયાર થવું એ એની સુંદરતા છે? કે સુંદર વસ્ત્રો કે મોંઘાં ઘરેણાંઓ એ શું સ્ત્રીની સુંદરતા છે?

આ દરેક બાબત સ્ત્રીની સુંદરતાનું માપદંડ નથી. કદાચ આ બધી બાબતથી સ્ત્રીની સુંદરતા વધતી હશે પણ એ સ્ત્રીની સુંદરતા તો નથી જ.તો આ જગત કેમ આ બાબતથી જ સ્ત્રીની સુંદરતાનું મૂલ્યાંકન કરે છે? સ્ત્રી એનાં સ્વભાવથી, લાગણીથી સુંદર હોય છે.

સ્ત્રીની કયારેય સુંદરતા ન હોય પણ સ્ત્રી જ હંમેશા સુંદર હોય. જો એક પુત્રીની સાથે પિતા હોય તો એ સુંદર જ છે, એક બહેનની સાથે ભાઈ હોય તો એ સુંદર જ છે, એક પત્ની સાથે પતિ હોય તો એ સુંદર જ છે, એક માતા સાથે તેના સંતાન હોય તો એ સુંદર જ છે, એક વહુની સાથે સાસુ હોય તો તે સુંદર જ છે.

દિવાળીમાં આખા ઘરની સાફ સફાઈ કરીને એને સુંદર બનાવનાર જો કોઈ હોય તો એ સ્ત્રી છે. તો એ પોતે કેમ સુંદર ના હોય ? સ્ત્રી સુંદર જ છે, બસ જોનારમાં એ સુંદરતા જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ.

ઉત્તરાયણમાં પતિ કહે કે ચાલ મારી સાથે અગાસી પર આપણે પતંગ ઉડાળીએ, પછી ભલે સ્ત્રી પતંગ નથી ઉડાડતી માત્ર ફિરકી જ પકડે છે તો પણ સ્ત્રી ફિરકી પકડીને પણ સુંદર જ લાગે છે.

ધૂળેટીમાં સ્ત્રીને રંગોથી વધારે પ્રેમથી રંગાવું વધારે ગમે છે. સ્ત્રી ઈચ્છે છે કે તેનો પતિ તેને રંગથી રંગે. કેમ કે રંગથી વધુ તેને ખુશી પતિના સ્પર્શની હોય છે. આમ, પતિના સ્પર્શ પ્રેમ રંગથી રંગાયેલી સ્ત્રી સુંદર જ હોય છે.

સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય જો કોઈ એની કાળજી કરનાર હોય, કોઈ એને ચાહનાર હોય, કોઈ એને સમજનાર હોય, કોઈ એને સાથ આપનાર હોય.

ઘરની વહુ માટે ત્રણ શબ્દો વપરાય છે:

1 પુત્રવધૂ
2 ગૃહિણી અને
3 નવોઢા.

આ ત્રણેય શબ્દો જેટલાં સુંદર છે, તેનાથી વધુ એ શબ્દો સ્ત્રીની સુંદરતાને વર્ણવે છે. મારા મતે આ ત્રણ શબ્દોની વ્યાખ્યા આ રીતે છે:

પુત્રવધૂ એટલે જે પુત્રથી પણ વધુ વ્હાલી છે તે.

ગૃહિણી એટલે આખું ઘર જેનું ૠણી છે તે.

નવોઢા એટલે જેના આવવાથી આખું ઘર નવું લાગે છે તે.

વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે यत्र नायर्स्तु पूजयन्ते तत्र रमन्ते देवता:। એટલે કે જ્યાં સ્ત્રીનું માન સન્માન થાય છે જળવાઈ છે,જ્યાં સ્ત્રી ખુશ હોય છે ત્યાં સ્વયં ભગવાનનો વાસ હોય છે. ત્યાં આખું ઘર ખુશ રહે છે. જે ઘરમાં સ્ત્રી સ્વતંત્ર રીતે હસી શકે છે, ત્યાં સુખને આમંત્રણ આપવા જવું પડતું નથી. તે ઘરમાં સુખ દોડીને આપોઆપ આવે છે.

છેલ્લે એટલું જ કહીશ કે સ્ત્રી ગઈ કાલે પણ સુંદર હતી, સ્ત્રી આજે પણ સુંદર છે અને સ્ત્રી આવતીકાલે પણ સુંદર જ હશે. દરેક સ્ત્રી સુંદર જ છે, માત્ર તેની સુંદરતાને ઓળખવા માટે પરફેક્ટ વ્યક્તિની જરૂર છે.


સ્ત્રીની સુંદરતાને એક મારી કવિતામાં રજૂ કરું છું.


💗સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય,💗
જો કોઈ હંમેશા એને ચાહનાર હોય.

💗સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય,💗
જો કોઈ હંમેશા એની સાથે જ હોય.

💗સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય,💗
જો કોઈ એની કાળજી લેનાર હોય.

💗સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય,💗
જો કોઈ એની પાસે રહેનાર હોય .


કલ્પેશ વાસાણી 'મીત'