મારો શું વાંક ? - 14 Reshma Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો શું વાંક ? - 14

મારો શું વાંક ?

પ્રકરણ - 14

સમસ્તિપુર ગામની હવા જાણેકે હવે નવો રૂખ લઈ રહી હતી. શકુરમિયાંનાં પરિવાર દ્વારા ઉડાડવામાં આવેલા સમાજ સુધારણાનાં રંગનાં છાંટા આખા ગામનાં લોકોને ઊડ્યાં હતા અને આખું ગામ વધતાં-ઓછા અંશે એ રંગમાં રંગાઈ ગયું હતું.

શકુરમિયાંનો આખો પરિવાર ઝડપભેર રસ્તો બનાવીને ગામનાં લોકો વચ્ચેથી જઈ રહ્યા હતા. લોકોની ખુશુર-પુશુર ચાલુ જ હતી. રહેમતની આગળ ચાલતા પશા ભાઇનાં પરિવારમાંથી એમની ઘરવાળી દમયંતીબેન ચિંતા સાથે બોલી ઊઠ્યા..... એય મીનાનાં બાપુ! આપણેય આપણી છોકરીનું સગપણ તમારા દૂરનાં સગાનાં છોકરાં હારે કરી જ નાયખું છે ને..... અને આપણી એકની એક છોડી હજી માંડ ચાર વરસની જ છે. રહેમતની હારે થયું એવું આપણી છોડી હારે થાહે તો? આ સાંભળીને પશો ચિંતાથી પરસેવે રેબઝેબ થઈ ગ્યો અને બોલી ઉઠ્યો.... દમયંતી! આજે જ આપણે આપણી મીનાનું સગપણ તોડી આવશું... મારી છોકરી આગળ જઈને આવા નરકની જિંદગી જીવે એ મને બિલકુલ મંજૂર નથી.... દમયંતી! ભાડમાં જાય સમાજનો આ જૂનો રિવાજ..... મારી દીકરીથી વધીને મારે મન કઈં છે જ નહીં.....

ત્યાં વળી આગળ ચાલતો સિરાજ ભાઇનો પરિવાર કે જે આ વરસે એમનાં સોળ વરસના દીકરાનાં નિકાહ કરવા જઈ રહ્યા તા... તે રસ્તાની વચ્ચોવચ અચાનક ઊભા રહી ગયા અને એની ઘરવાળી શરીફાને કહેવા લાગ્યા.... હેં શરીફા! આપણો છોકરોય શહેરમાં જઈને ભણીને નોકરી કરવાનો છે.... જો આપણે એના રફીકભાઈની છોકરી હારે હમણાં નિકાહ કરાવી દેશું અને એને ઇરફાનની જેમ શહેરની બીજી છોકરી હારે પ્રેમ થઈ જાહે અને લગન કરી લેશે તો એ છોકરીનું શું થાહે જેની હારે એના નિકાહ કરાવવાના છે? ના... હું કોઇની છોકરી હારે આ નહીં થાવા દઉં. પિતૃભર્યા રણકાર સાથે એ બોલ્યો.... આખરે આપણીય એક છોકરી છે.... એની હારે આવું થાહે તો આપણને ગમશે? શરીફા! આજે જ આપણે આપણાં છોકરી અને છોકરાં એ બેયનાં સગપણ તોડી નાખશું અને આપણાં બેય છોકરાંવ મોટા થઈ જાય પછી જ એમનાં નિકાહ પઢાવીશું....

ચાલતા-ચાલતા આ બધુ સાંભળતા જતાં શકુરમિયાંનાં પરિવારને તો જાણે આનંદનો પાર નહોતો. ધ્રૂજતા હાથ-પગે આવેલી રહેમતમાં તો આ બધુ સાંભળીને જાણે નવા પ્રાણનો સંચાર થયો હોય એવું એ મહેસૂસ કરી રહી હતી. જૂનો રિવાજ તૂટી રહ્યો છે અને પોતે એનું નિમિત્ત બની રહી છે એનો રહેમતને ભારોભાર ગર્વ હતો. ઈરફાન કે જે રહેમતને ભોટ સમજતો હતો અને એ કારણે જ એણે એને છોડી દીધી હતી.... એ ઇરફાનને રહેમતે આજે સાવ જુટ્ઠો પાડી દીધો હતો. રહેમતને કારણે એના ગામમાંથી જૂનો રિવાજ નાબૂદ થવા જઈ રહ્યો હતો... અને નવા સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું હતું.

શકુરમિયાં અને એનો પરિવાર ઘરનો ડેલો ખોલીને અંદર દાખલ થયા. ઘરની અંદર પગ નાખતી વેળાએ રહેમતને લગન કરીને પહેલી વખત દુલ્હન બનીને ડેલીમાં પગ મૂક્યો તો તે વાત યાદ આવી ગઈ અને તેની આંખો ભરાઈ આવી.

ત્યાંજ માંડ હમણાં જ ચાલવા શીખેલી નાનકડી અફસાના નાના-નાના ડગ ભરીને આવીને રહેમતને ગળે લાગી ગઈ. જાવેદ જુસ્સાભેર બોલ્યો.... અમ્મા! નાનપણમાં સગપણ કરવાનો જૂનો રિવાજ હવે ગયો ચૂલામાં..... આપણાં પાંચેય છોકરાંઓ હવે આ રિવાજમાંથી આઝાદ થઈ ગયા છે.

જાવેદ બોલ્યો... અમ્મા! જલ્દી કાઈંક ખાવાનું આપો.... બોવ ભૂખ લાગી છે. ત્યાં તો રહેમત અવાજમાં અનોખા રણકાર સાથે બોલી.... હા અમ્મા! આજે તો ઘણાં દિવસો પછી મનેય કકડીને ભૂખ લાગી છે..... હાલો આપણે બધા જલ્દી ખાવા બેસી જાઈએ. જિન્નતબાનું આંસુ લૂછીને રહેમતનાં માથે હાથ ફેરવીને બોલ્યા.... હા મારી દીકરી! અલ્લાહ તને હમેશાં ખુશ રાખે.... હમણાં જ આપણે બધાય ખાવા બેસી જઈએ. હાલો... બધાય હાથ ધોવો.... જમવાનું તૈયાર છે... જિન્નતબાનું ઉતાવળે બોલ્યા.

આખું ઘર જમી પરવારીને નવરું થયું. રહેમતે શકુરમિયાં અને જાવેદને કહ્યું કે.... અબ્બા! ભાઈ! કાલથી હુંય તમારી હારે આપણાં ખેતરે કામે આવીશ. જાવેદ બોલ્યો.... બેટા! તારે શું કામ ખેતરે કામ કરવાની જરૂર છે? હું અને અબ્બા... તારું ધ્યાન રાખવા વાળા તારા બે બાપ બેઠા તો છીએ.. પછી તારે શેની ચિંતા?

આત્મવિશ્વાસથી છલકાતા સ્વરે રહેમત બોલી ઉઠી.... જાણું છું ભાઈ.... અબ્બા અને તમારા રહેતા મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ છતાંય મારે મારા છોકરાંવ સાટું કામ કરવું પડશે.... તેમની માં અને બાપ બેય બનવું પડશે એમના સાટું મારે પગભર બનવું પડશે. અબ્બા અને ભાઈ.... તમારે બેય જણાએ મને ખેતીકામ અને ખેત પેદાશોની લેવડ-દેવડનો વેપાર કરતાં શીખડાવવું પડશે. શીખડાવશોને? રહેમત બંને ઉપર પૂરા અધિકાર સાથે બોલી.... જાવેદ અને શકુરમિયાં એક જ રણકારમાં બોલી ઉઠ્યા... હા બેટા....

શકુરમિયાં રહેમતને કહેવા લાગ્યા.... બેટા! કાલે સાત વાગે ઘરેથી નીકળી જવું પડશે.... મોટા વેપારી આવવાના છે આપણી મગફળીનો સોદો કરવા... એટલે સાત વાગે તૈયાર રહેજો.... રહેમત ઉત્સાહભેર બોલી ઉઠી... ભલે અબ્બા! હું તૈયાર રહીશ.

આદમ અને અફસાના તરફ જોઈને રહેમત વિચારે એ પહેલાં તો જિન્નતબાનું અને શબાના બોલી ઉઠ્યા.... રહેમત! બેય છોકરાંવની તારે કાઇં ચિંતા નહીં કરવાની.... એ હવેથી અમારા બેયની જિમ્મેવારી.... એ સાંભળીને રહેમતની આંખોમાંથી તેને આટલું સમજવા બદલ ખુશીના આંસુ આવી ગયા અને તેણે બેય હાથ ફેલાવીને બંને જણાંને પોતાની બાહોમાં સમાવી લીધા.

***