મારો શું વાંક ? - 15 Reshma Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો શું વાંક ? - 15

મારો શું વાંક ?

પ્રકરણ - 15

રહેમત વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગઈ અને સવારની નમાઝ અદા કરી. આજની સવાર જાણે તેના જીવનની નવી સવાર બનીને આવી હતી. ઓરડામાંથી ફટાફટ બહાર નીકળીને આડું-અવળું કામ પતાવીને નાસ્તાની તૈયારી કરી લીધી. અફસાનાનું દૂધ બનાવીને રાખી દીધું અને પછી ફટાફટ ઓરડામાં જઈને તૈયાર થઈ ગઈ.

સવારનાં સાડા છ વાગી ચૂક્યા હતા.... સૂરજનાં આછા સોનેરી તડકાએ ધરતી ઉપર દસ્તક દઈ દીધી તી.. આછા આસમાની રંગના સલવાર-કમીઝ અને માથે હલકી સોનેરી ધારી સાથે ઓઢેલાં પચરંગી ઓઢણા સાથે રહેમત ફળિયામાં આવી રહેલા તડકામાં થોડીવાર જઈને ઊભી રહી. હૂંફાળો સોનેરી તડકો તેણે ઓઢેલી ઓઢણીની સોનેરી ધાર સાથે જાણેકે રમત રમી રહ્યો તો અને તેને વધારે સોનેરી બનાવી રહ્યો હતો.

રહેમત ઘડીભર આકાશ સામે એકધારી જોઈ રહી અને પોતાની જિંદગીનાં આવનારા સફરને સૂરજના એ આછા સોનેરી કિરણોમાં તાકવા લાગી અને વિચારમાં પડી ગઈ કે અત્યારે સૂરજનાં આછા કિરણોની જેમ હૂંફાળી લાગતી જિંદગીમાં આવનારા સમયમાં બળબળતો બપોર પણ આવી શકે॥ અને દરેક પરિસ્થિતિમાં મક્કમપણે તારે છોકરાંવ માટે થઈને ટકી રહેવાનુ છે. કોઈ પણ સંજોગોમાં હાર માનવાની નથી.

ત્યાં ઓસરીમાંથી જિન્નતબાનુંએ અવાજ માર્યો.... ”બેટા રહેમત! હાલ નાસ્તો કરી લે.... તારા અબ્બા સાત વાગે નીકળવાનું કહી રહ્યા છે... તો જલ્દી નાસ્તો પતાવીને ત્રણેય જણાં ખેતરે જાવા નીકળો”.

ભાગતા પગલે રહેમત ઓસરીમાં આવી અને બધાયની હારે નાસ્તો કરવા બેસી ગઈ. વહેલી સવારમાં ઊઠી ગયેલા આદમને રહેમત સમજાવીને કહેવા લાગી કે ..... બેટા! અમ્મા અને મોટી અમ્મીને હેરાન કરતો નહીં, સાંજે હું જલ્દી પાછી આવી જઈશ....

આદમ કાલીઘેલી ભાષામાં કહેવા લાગ્યો.... માં! મનેય હારે લઈ દાવ ને, અફતાના લોસે તો કોણ તૂપ કલાવશે? આદમની વાત સાંભળીને રહેમતની આંખમાં આંસુ આવી ગયા... આંસુ લૂછીને આદમને ઉપાડીને તેને ગાલમાં ચૂમ્મી ભરીને બોલી.... બેટા! આમેય તું આખો દી અમ્મા અને આપાનો ખોળો તો ખૂંદતો હોય છે... મારી પાસે ક્યાં આખો દી રે છે... અને પાછો અત્યારે ફરિયાદ કરેશ..... અમ્મા! જુઓ તો ખરા.. તમારો આ આદમ કેટલો બદમાશ થઈ ગયો છે... રહેમત મમતાનાં રણકાર સાથે બોલી.... બેટા! હું જલ્દી આવી જઈશ.... તમે ચારેય જણાં અફસાના હારે રમજો અને હમણાં ઘડીકમાં સાંજ પડી જશે અને હું મારા આદમ પાસે પાછી... બેટા! તું તો મારો સમજદાર દીકરો છે.... હવે હું જાઉંને? રહેમત બોલી..... આદમ જાણે ખરેખર મોટો થઈ ગયો હોય એ રીતે બોલ્યો.... હા માં! તમે જાવ. હું અમ્માને હેરાન નહીં કલુ... અને અમે ચાલેય જણાં અફતાનાનુંય ધ્યાન લાખશુ.....

ડેલી બાર નીકળી ગયેલો જાવેદ બોલ્યો.... રહેમત! જલ્દી કર... અબ્બા બોલાવે છે.... વેપારી આવવાનાં છે.... મોડુ થાય છે. રહેમત ભાગતે પગલે માથાનું ઓઢણું સરખું કરીને અમ્મા હું જાવ છું... કહેતા ડેલી બાર નીકળી ગઈ.

રહેમત આજે પહેલીવાર ખેતરે જઈ રહી હતી. આજથી પહેલા ક્યારેય જાવાની જરૂર પડી જ નહોતી. ખેતરનું બધું જ કામ ઘરનાં પુરુષો જ સંભાળતા હતા.

ચાલતા-ચાલતા શકુરમિયાં રહેમતને કહેવા લાગ્યા.... મહેશ શેઠ છેલ્લા દસ વરસથી આપણો પાક ખરીદે છે અને આજે આપણી મગફળીનો સોદો થવાનો છે. હું અને જાવેદ મહેશ શેઠ હારે સોદો પાર પાડીએ એ બધું તમે ત્યાં ધ્યાન દઈને હાજર રહેજો અને શીખજો... એ જ તમારો આજના દિવસનો પહેલો પાઠ હશે... અને આગળ જઈને તમારે અને જાવેદને જ આવા સોદા પાર પાડવાના છે. ભલે અબ્બા! હું ધ્યાન દઈને આ સોદાનું નિરીક્ષણ કરીશ.....

માર-ફાડ પગલે ત્રણેય જણાં ખેતરે પોગી ગ્યાં. રહેમતે પહેલીવાર પોતાનાં ખેતરમાં લહેરાતા પાક જોયા. શકુરમિયાનાં ખેતરમાં મગફળી, કાળા અને સફેદ તલ, કપાસ અને મઠનો પાક લેવાતો હતો.

મગફળીનો ફાલ ઉતારી લેવામાં આવ્યો હતો અને તેનો સોદો થવા જઈ રહ્યો તો.... દૂર સુધી નજર નાખતા રાતની સફેદ ચાંદનીની સળંગ ચાદર ઓઢીને સફેદ દૂધ જેવો કપાસનો લહેરાતો પાક દેખાઈ રહ્યો તો. જાણેકે સફેદ ફૂલની કોઈ જાતનો પાક લીધો હોય એવો તે ભાસી રહ્યો હતો અને કપાસનાં ઠાલામાંથી જાણેકે રૂ બાર આવવા મથી રહ્યો હોય તેમ બધા ઠાલામાંથી સફેદ રૂ બાર દેખાઈ રહ્યું તું... રૂ નો પાક પણ તૈયાર થઈ ગયો તો અને થોડા સમયમાં એને પણ ઉતારી જ લેવાનો હતો. જ્યારે બીજા ખેતર તરફ નજર નાખતા ત્યાં હરિયાળીની લીલી ચાદર ઓઢેલો સફેદ અને કાળા તલનો પાક લહેરાતો હતો.

રહેમત આંખોને ઠંડક આપતી આ બધી જ ખેત પેદાશોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી. ત્યાં તો ખેતરની બાજુમાં રહેલા ગોદામ કે જ્યાં મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો ત્યાંથી જાવેદે રહેમતને અવાજ દીધો.... રહેમત! જલ્દી ગોદામમાં આવી જા.... મહેશ શેઠ સોદો કરવા આવી ગયા છે.

રહેમત ફટાફટ ગોદામમાં પહોંચી ગઈ. શકુરમિયાંએ રહેમત તરફ આંગળી ચીંધીને મહેશ શેઠને કહ્યું.... શેઠ! આ મારી દીકરી છે.... હોંશથી એને અમારા ઇરફાનની દુલ્હન બનાવીને લાયવા તા પણ મારો નપાવટ દીકરો એને સમજી ના શક્યો અને બીજી બાયડી કરી લીધી.... હવેથી રહેમત ફક્ત અને ફક્ત મારી દીકરી જ છે અને આજથી અમારી બધીય ખેતપેદાશો અને તેને લગતા સોદાઓમાં અમે ત્રણેય જણાં સાથે મળીને કામ કરશું. મહેશ શેઠ રહેમતને જોઈને બોલ્યા.... આવો બેટા! આ સોદો પાર પડે એને ધ્યાનથી જોવો અને એમાંથી શીખો.

રહેમતે આદરભાવથી મહેશ શેઠને બેય હાથ જોડીને નમસ્તે કર્યું અને જાવેદ પાસે રાખેલી ખુરશીમાં બેસી ગઈ. ગોદામમાં સુમીત પણ હાજર હતો. સુમીત ઇરફાનનો બાળપણનો ભાઈબંધ હતો અને બંને જણાં એક જ ક્લાસમાં ભણતા હતા. સુમીત શકુરમિયાંની ખેતપેદાશોને સારા ભાવ મળે એ માટે વેપારીને શોધવાનું અને તેમની સાથે ડીલ કરવાનું કામ કરતો હતો.

મહેશ શેઠ હારે હવે સુમીત દ્વારા નક્કી કરેલા ભાવ અનુસાર શકુરમિયાં મગફળીની સોદેબાજી કરવા લાગ્યા. મહેશ શેઠ ભારે કંજૂસ અને કચકચિયો માણસ.. સારા માલનાં બરાબર ભાવ આપવામાં ખૂબ કચકચ અને ઠાગાઠૈયા કરે જેથી સુમીત એને હમેશાં બજારભાવ કરતાં થોડી વધારે કિંમત જ બતાવે... જેથી ભાવ ઉતારતાં-ઉતારતાં માંડ બજારભાવે આવે એવી જાડી ચામડીનો મહેશ શેઠ માણસ... સુમીત આટલા વરસોમાં એની રગેરગને પારખી ગયો હતો.

મહેશ શેઠ વેપારીની આગવી અદાથી બોલ્યા.... હાલો ત્યારે મિયાં..... સોદો પાર પાડીએ.... બોલો છેલ્લો કિલોદીઠ મગફળીનો કયો ભાવ લગાવશો?

શકુરમિયાં આગવી છટાથી બોલ્યા... શેઠ! તમે તો ઘરનાં માણસ... આટલો જૂનો સંબંધ... તમારી આગળથી ક્યાં કોઈ દી વધારે ભાવ લીધો છે... તે હવે લઇશ અને પાછી અમારી મગફળીય એ વન કોલીટીની છે... ખોખાને ખોલો તો એમાંથી મોટાં-મોટાં છ દાણા નીકળે એવી અમારી મગફળી...

મહેશ શેઠ ચહેરા પર થોડુક કપટી હાસ્ય રેલાવીને બોલ્યા.... મિયાં! હવે મસ્કા ઓછાં મારો અને તમારી મગફળીનાં વખાણ થોડાક ઓછાં કરો અને મૂળ મુદ્દા ઉપર આવો...

રહેમત આ બધું ધ્યાનથી એકધારી સાંભળી રહી હતી... ઘડીક એ મહેશ શેઠની સામે જોઈ રહેતી તો ઘડીક શકુરમિયાંની સામે જોઈ રહેતી... મહેશ શેઠ કેટલો પાક્કો અને પોતાનું કામ કઢાવનાર માણસ છે એ પહેલીવારમાં જ રહેમત એની વાતો સાંભળીને સમજી ગઈ હતી.

શકુરમિયા પોતાનો ભાવ બોલ્યા.... જુઓ શેઠ! બજારમાં આવી મગફળીનો ભાવ કિલોદીઠ એંશી રૂપિયા ચાલે છે... પણ તમે અમારા સૌથી જૂનાં વેપારી એટલે તમારા સાટું સિત્તેર રૂપિયે કિલોદીઠ રાખું છું... બોલો શેઠ... મંજૂર છે ને.... તો સોદો પાક્કો ગણું ને... શકુરમિયાંનાં ચહેરા પર હલકું સ્મિત રેલાઈ ગયું...

મહેશ શેઠ પોતાની ખુરશીમાંથી થોડાક આડા-અવળા થઈને જોરથી છળીને બોલી ઉઠ્યા.... શું મિયાં! સિત્તેર રૂપિયા કઈ હોતા હશે? મહેશ શેઠનો ચહેરો જોઈને સુમીત અને જાવેદને થોડુક હસવું આવી ગયું.

મહેશ શેઠ બોલ્યા.... મિયાં! પચાસ રૂપિયા રાખો... એ બરાબર રેશે... જાવેદ થોડોક અકળાઈને બોલ્યો... શેઠ! એમ કરોને.. અમારી મહેનતની કમાઈ મફતમાં જ લઈ જાવને.... પચાસ રૂપિયા ય શું લેવા આપવાના?

મહેશ શેઠ ઠહાકો મારીને હસી પડ્યા અને જાવેદની પીઠ ઉપર હળવો ધબ્બો મારીને બોલ્યા.... આ જાવલો તો ઉકળતી ચા જેવો ગરમ થઈ ગયો ... એલા સુમીત... આને થોડુક ઠંડુ પાણી પીવડાય.... જ્યારે રહેમત તો એકીટશે આ બધું જોઈ રહી હતી....

શકુરમિયાં હવે ઠાવકાઈપૂર્વક બોલ્યા... જો શેઠ! ના તમારો... ના મારો... હાલો છેલ્લો ભાવ અણસઠ રૂપિયા... એંસી કિલો મગફળી અણસઠ રૂપિયાનાં ભાવે હાલો તમારી થઈ.... હાલો શેઠ આ કાગળ ઉપર સાઇન કરો....

હવે મહેશ શેઠ ઠાવકા બનીને બોલ્યા.... નાં મિયાં! અણસઠ નો હાલે.... હવે ના તમારો ભાવ.... નાં મારો... હાલો છેલ્લો ભાવ પાંસઠ રૂપિયે કિલોદીઠ રાખો... હમણાં જ આ કાગળ ઉપર સાઇન કરી દઉં અને એંશી કિલો મગફળી મારી... બોલો છે મંજૂર?

સુમીત મનોમન હસીને વિચારવા લાગ્યો... ”દેખા... અબ આયા ઊંટ પહાડ કે નીચે... ઔર માન ગયા... યે ભાવ હી તો હમે ચાહીયે થા.... ” આ કંજૂસીયા હારે તો આમ જ કરીયે ત્યારે સીધો હાલે અને સરખા ભાવ આપે...

શકુરમિયાં જૂઠ-મૂઠનાં નિસાસા હારે બોલ્યા.... શું શેઠ! થોડીક તો અમારા ગરીબ ઉપર રહેમ કરો.... આમ હોય? હાલો ત્યારે તમે અમારા જૂનાં ઘરાક છો એટલે પાક આપ્યા વગર છૂટકો નથી... ભલે શેઠ! તમે ખુશ થાવ... પાંસઠ રૂપિયે કિલોદીઠ એંશી કિલો મગફળીનો સોદો મને મંજૂર છે... આ લો... આ કાગળમાં સાઇન કરી દો...

મહેશ શેઠ કટાક્ષમાં બોલ્યા... વાહ મિયાં! બોવ જલ્દી માની ગયા... અને શેઠે કાગળ ઉપર સાઇન કરી દીધી અને એંશી કિલો મગફળીનો સોદો પાર પડી ગયો... મહેશ શેઠ પોતાનું ફટફટીયું લઈને શહેર તરફ જાવા નીકળી ગયા...

***