One unknown call books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો કોલ

સમય રાત ના ૧૦:૩૫ - તારીખ ૨૬ - ૦૫- ૨૦૧૭

એક અજાણ્યો કોલ અવિનાશભાઈ ગાંધીના મોબાઇલ પર , નંબર "૯૮૨૫૧**૭૭૯" પરથી આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે આકાશ (તેનો થનાર જમાઈ કે જેની સાથે તેણે પોતાની દીકરી ધ્વનિ ના લગ્ન નક્કી કર્યા હતા )એક ...સારો છોકરો નથી...તેને ઘણી છોકરીઓ સાથે અફેર્સ છે...ડ્રિંક્સ કરવાની,સ્મોકિંગ અને જુગાર રમવાંની આદત છે...જો તે પોતાની દીકરી ના લગ્ન તેની સાથે કરશે તો દીકરી નું જીવન બરબાદ થઇ જશે. .... વગેરે...વગેરે...!


ફોન મુક્યા પછી અવિનાશભાઈ ઘણા ચીંતાતુર જણાતા હતા. તારીખ - ૨૮- ૦૫ - ૨૦૧૭ એટલે કે બે દિવસ પછી સગાઇ થવાની હતી. તેમણે આવનાર કોલ પર રીડાયલ કરવાની ઘણી કોશિશ કરી ....પણ નંબર અનરીચેબલ આવી રહ્યો હતો. ઘરના વ્યવહારિક નિર્ણય લેનાર તે એકલા વ્યક્તિ હતા. ફોન કરનાર વ્યક્તિ જે પ્રમાણે આકાશ વિષે વાત કરી રહી હતી...તે પરથી અવિનાશભાઈનો આકાશ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી ગયો હતો..!. બરાબર તેજ સમયે, તેમના થનાર વેવાઈ ગૌરાંગભાઈ વ્યાસ ( આકાશના પિતા ) નો કોલ આવ્યો.આટલા મોડા કોલ કરવા બદલ તેમણે પેહલા તો માફી માંગી...અને જણાવ્યું કે કાલે સવારે વેહલા વડોદરા આવતા હોવાથી તેની થનાર વહુ (ધ્વનિ) માટે લીધેલા ઘરેણાઓ....જો તેમની ઈચ્છા હોય તો બતાવવા માંગે છે. થોડીવાર વાતચીત કર્યા પછી અવિનાશભાઈએ તેમને આવેલા અજાણ્યા કોલ ની વિગત જણાવી દીધી.ગૌરાંગભાઈ ને આમ તો તેઓ ૨ મહિનાથી જ ઓળખતા હતા,પરંતુ આ બે મહીનામાં તેઓ સાથે 20 વર્ષ જૂનો સંબંધ હોય તેમ ભળી ગયા હતા. ગૌરાંગભાઈ એક સમજુ અને વ્યવહારુ માણસ હતા. તેમણે અવિનાશભાઈ ને ધીરજ આપતા જણાવ્યું કે ચિંતા ન કરે.... આકાશ ને લગતી તમામ ઇન્ફોરમેશન ખોટી છે, અને રાત પડી ગયી હોવાથી બીજા દિવસે રૂબૂરૂ મળીને દરેક કન્ફ્યુઝન દૂર કરવાનું આશ્વાસન આપ્યું .પરંતુ એક દીકરીના પિતા હોવાથી તે આશ્વાસન કાફી ન હતું.


આ તરફ, સવારે ચિંતાતુર ગૌરાંગભાઈ ફોનની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે અવિનાશભાઈ સાથે થયેલી વાત પરથી સવારે કંઈક અજુગતું બનશે એવો અણસાર તો તેમને આવી જ ગયો હતો. તેમણે વડોદરા જવાનું પણ મોકુફ રાખ્યું હતું . તેઓ ફોન સામે જોવા ગયા ત્યાં અચાનક ફોનની ઘંટડી વાગી. ફોન કરનાર વ્યક્તિ ભગવાનભાઇ મેહતા હતા..તેમણેજ આકાશ અને ધ્વનિનો સંબંધ કરાવ્યો હતો. થોડી ઔપચારિક વાતો કર્યા પછી તેમણે જણાવ્યું કે અવિનાશભાઈ આ સંબન્ધ કરવામાં ખચકાટ અનુભવે છે,અને સગાઈ કરવા માટે તૈયાર નથી...!. ગૌરાંગભાઈએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે એકવાર તેઓ અવિનાશભાઈને મળીને બધીજ કન્ફયુજન દૂર કરી દેશે...પરંતુ વાતચીત કર્યા પછી તેમને લાગ્યું કે અવિનાશભાઈ ને મળવું વ્યર્થ છે. ગૌરાંગભાઈ સમજુ અને બુદ્ધિશાળી માણસ હતા. તેમણે તરત જ ભગવાનભાઇ ને જણાવ્યું કે ચિંતા કરવાની જરૂર નથી...હજુ આ સંબંધ બંધાયો નથી,શક ના આધાર પર બાંધેલા સંબંધો આખી જિંદગી ન ટકી શકે...તેમણે અવિનાશભાઈ ની ઈચ્છા ને માન આપી ને આ સંબંધ મોકૂફ રાખવાનું સ્વીકાર્યું.ભગવાનભાઇ નો ર્હદયનો ભાર તેમણે પળવારમાં ખાલી કરી નાખ્યો.અને ગૌરાંગભાઈ પ્રત્યેનું તેમનું માન વધી ગયું.

બીજી તરફ,અવિનાશભાઈ પણ ભગવાનભાઇના ફોનની રાહ જોઈ રહ્યા હતા કે ગૌરાંગભાઇ સાથે શુ વાતચીત થઇ હશે? અને શુ પરિણામ આવ્યું હશે?. તેમનું મન સ્વીકારવા તૈયાર ન હતું કે આકાશ આવો ખરાબ વ્યક્તિ હોય શકે..!. પરંતુ એક દીકરીના પિતા હોવાથી તેમને ડર લાગે તે સ્વાભાવિક હતું. આખરે તેમણે જીન્દગીભર પોતાની દીકરી કોઈને સોંપવાની હતી...જો જરા સરખો નિર્ણય પણ ખોટો લેવાય જાય તો દીકરી ની જિંદગી ખરાબ થઇ જાય. આ અંગે વિચાર કરતા કરતા તેઓ ભૂતકાળ માં ખોવાય ગયા.


**અવિનાશભાઈ નું મનોમંથન

૨૪ - ૦૩- ૨૦૧૭ ના સવારે ૧૧:૩૦ વાગ્યે પ્રથમ વખત વ્યાસ ફેમિલી દીકરા આકાશ સાથે તેમના ઘરે તેની દીકરી ધ્વનિને જોવા આવ્યા હતા. તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઇ મેહતા તેમની સાથે આવ્યા હતા. આકાશ અને તેનો પરિવાર વર્ષોથી અમદાવાદ સ્થિત એક અતિધનાઢ્ય પરિવાર માંથી આવતા હતા.પહેલી નઝરે ગમી જાય તેવો ઊંચો, ગોરો, આકર્ષક દેહ ધરાવતો આકાશ કોઈ મોડેલ કે ફિલ્મી હીરોથી ઉણો ઉતરે એવો ન હતો.લંડનથી mba કર્યા બાદ આકાશ તેના ફેમિલી બિઝનેસ ટેક્સટાઇલમાં એક વર્ષ પહેલા જ જોડાયો હતો.અવિનાશભાઈ પોતે ૨૦ વર્ષથી કેમિકલના બિઝનેસમાં સક્રિય હતા, અને ફેમિલી સાથે વડોદરામાં એક નાના પરંતુ સુંદર બંગલોમાં રહેતા હતા.તેમનો પરીવાર ૨૫ વર્ષ પહેલા વડોદરા સ્થાયી થયો હતો.ઘરમાં તેની પત્ની આનંદીબેન, દીકરો કૌશલ અને દીકરી ધ્વનિ હતા.સિંગલ ફેમિલી હોવાથી અને પૈસે-ટકે સુખી હોવાથી તેમણે તેમના બાળકોને લાડકોડથી ઉછેર્યા હતા.દીકરો કૌશલ ૧૨ સાયન્સ માં મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો...અને દીકરી ધ્વનિ કોલેજમાં કેમિકલ એન્જીનીયરીન્ગ પૂરું કરીને mba કરતી હોવાથી અમદાવાદમાં રહીને અભ્યાસ કરી રહી હતી.ધ્વનિ સુંદર હતી અને ભણવામાં હોશયાર હતી.દીકરી ૨૧ વર્ષની થાય એટલે સ્વાભાવિક છે કે પિતા ને દીકરીના લગ્ન ની ચિંતા સતાવે.આમ પણ તેમના પરિવાર સિવાય તેમનું પોતાનું નજીકનું કોઈ સંબંધી ન હતું. એક પિતા તરીકેના ફર્ઝ્ને બરાબર સમજીને તેઓ ઘણા સમયથી સારા સંબંધો ની શોધ માં હતા.તેમણે ઘણી જગ્યાએ દીકરી ધ્વનિ ના બાયોડેટા મોકલી જોયા હતા.અને સંબંધ અંગે વાત ચલાવી હતી.

દીકરી સુંદર હોવાથી માગા ઘણી જગ્યાએ થી આવતા હતા. પરંતુ ધ્વનિ પોતે સ્વતંત્ર વાતાવરણમાં ઉછરી હતી અને ઉચ્ચ અભ્યાસ કરેલી હોવાથી તે ઈચ્છતી હતી કે તેનો જીવનસાથી પણ સ્વતંત્ર સ્વભાવનો, ઉચ્ચ અભ્યાસ કરેલ અને આકર્ષક હોવો જોઈએ.આથી આવનાર દરેક માંગાને તે ઠુકરાવી દેતી હતી.તેની જગ્યાએ તે સાચી હોવાથી અવિનાશભાઈ તેને કઈ કેહતા ન હતા.પરંતુ પત્ની આનંદીબેન ના આગ્રહ થી તેઓ પ્રયત્નો ચાલુ રાખતા હતા.

આકાશ ને પહેલી વાર જોઈને અવિનાશભાઈ અને તેમના પત્ની આનંદીબેન તેની પર મોહી પડ્યા હતા.પોતાની દીકરી ને જોઈતી દરેક ખૂબી આકાશ માં હતી. પહેલી જ નઝરે તેને આકાશ પસંદ પડી ગયો હતો. ધ્વનિને પણ આકાશ પસંદ પડ્યો હોય એવું લાગતું હતું. આકાશ અને ધ્વનિ જયારે એકાંતમાં વાત કરવા ગયા ,ત્યારે અવિનાશભાઈ એ વ્યાસ ફેમિલી સાથે વાત કરવાનું શરુ કર્યું.તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઇ એ બંનેના પરિવાર વિષે એકબીજાને ટૂંકમાં પરિચય આપ્યો હતો.ભગવાનભાઇ પોતે પણ કેમિકલના બિઝનેસમાં હતા અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા હતા,અને આવિનાશભાઈ ના જુના મિત્ર હતા.તેમની દીકરી રિદ્ધિના લગ્ન ગૌરાંગભાઈ વ્યાસના મિત્ર અરવિંદભાઈ પટેલના પુત્ર મોહિત સાથે થયા હતા.એટલે વર્ષોથી તેઓ ગૌરાંગભાઈ ને ઓળખતા હતા.આકાશ ને તેણે પહેલીવાર એક ફેમિલી ફંકશનમાં જોયો હતો,ત્યારથી તેને ધ્વનિ માટે પસંદ પડી ગયો હતો.અને તેથી જ તેમણે આ વાત ચલાવી હતી.

વ્યાસ ફેમિલી સાથે વાત કરતા અવિનાશભાઈ એ જણાવ્યું હતું કે વર્ષો પહેલા તેઓને આંતરિક અથડામણ ને કારણે પોતાના ભાઈઓ અને સાગા સંબંધીઓ સાથે બોલવાનો ય સંબંધ ન હતો .તેનાથી ઉલટું વ્યાસ ફેમિલી એક સંયુક્ત કુટુંબ માંથી આવતું હતું. વ્યાસ ફેમિલી વિશે આમતો તેમણે પહેલાથી જ બધી ઈંકવાયરી કરી લીધી હતી.અત્યાર સુધી જોયેલા દરેક માંગા માં આ તેમને સૌથી વધુ સારું લાગ્યું હતું. ગૌરાંગભાઈ વ્યાસ ફેમિલીના પાંચ ભાઈઓમાં સૌથી નાના હતા.તેમના સૌથી મોટા ભાઈ હરિવંશભાઈ ઘરના કર્તા હતા, અને નાના મોટા વ્યવહારિક નિર્ણયો તેઓ પોતે લેતા હતા. અને ઘરના દરેક સભ્યો તેમના નિર્ણયને માન આપીને સ્વીકારતા હતા. તેમના ઘરમાં ભાઈઓ, દીકરા - દીકરીઓ ,અને પૌત્રો મળીને ૩૦ જણ થતા હતા. પોતાની અંગત ફેમીલીમાં ગૌરાંગભાઈ ને દીકરો આકાશ , પત્ની મોના ,અને દીકરી હેતલ હતા. હેતલ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરી રહી હતી.આકાશ અને ધ્વનિની વાતચીત પુરી થઇ ત્યાં સુધીમાં તેમની વચ્ચે ઘણી વાતો થઇ અને બંનેના પરિવાર એકબીજાને જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ હળીમળી ગયા હતા .


વ્યાસ ફેમિલીના ગયા પછી તેમણે દીકરી ધ્વનિ ને બોલાવીને આકાશ વિશે પૂછ્યું તો ધ્વનિ નો જવાબ " હા " માં જાણીને તે અને તેના પત્ની આનંદીબેન ઘણા ખુશ થયા હતા.આ માટે તેમણે ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસ પછી આકાશનું પૂરું ફેમિલી (સંયુક્ત પરિવાર ) અવિનાશભાઈના ઘરે આવ્યા હતા .અને તેમણે ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું હતું .અને ૨ કલાક ની મિટિંગમાં તેઓ પુરા પરિવાર સાથે રૂબરૂ થયા હતા.તેમને એ વાતની ખુશી હતી કે તેની દીકરીનો સબંધ એક સારા ઘરમાં થઇ રહ્યો છે .આકાશ નું પરિવાર સંયુક્ત હોવા છતાંય સ્વતંત્ર અને આધુનિક વિચારસરણી વાળું હતું .


બે દિવસ પછી તેઓ પોતાના પરિવાર અને નજીકના સબંધીઓ સાથે (તેમના સાળા અને સસરા ) આકાશ ના ઘરે આવ્યા હતા.આકાશનું ઘર જોઈને તેઓ દંગ રહી ગયા હતા. આકાશ અને તેના પરિવારે પણ તેમના સ્વાગત માં કોઈ કચાશ રાખી ન હતી, તથા તેમનો બિઝનેસ અને ફેક્ટરીઓની વિઝિટ કરાવી હતી.આથી તેમના મનમાં ખાતરી થઇ ગઈ હતી કે તેની દીકરીનું ભવિષ્ય એકદમ ઉજળું છે. આમ પણ વ્યાસ ફેમિલી એ લગ્ન બાદ ધ્વનિને પોતાની જોબ, બિઝનેસ કે હાઉસવાઈફ બનવાની પુરી છૂટ આપી હતી.

એક બીજાની ફેમિલીને પુરી રીતે મળ્યા પછી બંને પરિવારોએ આ સંબંધ આગળ વધારવાનું નક્કી કર્યું .અને સગાઇની તારીખ નક્કી કરવામાં આવી. તારીખ ૨૮- ૦૫- ૨૦૧૭ નું મુહર્ત શુભ આવ્યું .ત્યારબાદ કમુરતા બેસતા હોવાથી આ તારીખ સગાઇ માટે નક્કી કરવામાં આવી. પોતાના ઘરમાં આ પહેલો પ્રસંગ હોવાથી અવિનાશભાઈ આ પ્રસંગ ધામધૂમથી ઉજવવા માંગતા હતા.આથી તેમણે આ પ્રસંગ ને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પૈસે- ટકે સુખી હોવાથી શહેરની સૌથી ખ્યાતનામ હોટેલ " holiday inn " તેમણે આ પ્રસંગ માટે પસંદ કરી હતી .પોતાના સાગા સંબંધીઓ કે જેની સાથે તેમને બોલવાનોય સંબંધ ન હતો , તેમને પણ તેણે આમંત્રિત કર્યા હતા .આમપણ તેમના આંતરિક ઝઘડાઓ વર્ષો પહેલા થયા હતા,આથી તેઓ આ બધું ભૂલીને નવેસરથી સંબંધો શરું કરવા ઇચ્છતા હતા. આ પ્રેરણા પણ તેમને ગૌરાંગભાઈના ફેમિલીની સયુક્તતા ને જોઈને મળી હતી. વર્ષો પછી પોતાના ભાઈઓને મળીને તેઓ ખુબજ ખુશ હતા . ધ્વનિના કપડાં, ઘરેણાઓ, તથા નાની મોટી દરેક ચીજ- વસ્તુઓની તૈયારીઓ થઇ ગઈ હતી.સામે પક્ષે ગૌરાંગભાઈને ત્યાંથી પણ ઘણી ભેટસોગાદ, ઘરેણાઓ..વગેરે...દીકરી ધ્વનિ માટે મોકલવામાં આવી હતી.

અચાનકએ રાત્રે આવેલા અજાણ્યા કૉલે આ બધુજ અસ્તવ્યત કરી મૂક્યું હતું .જીવનમાં પહેલી વાર તેમને આટલો મોટો ઝટકો લાગ્યો હતો. આ પરિસ્થિતિમાં શું કરવું તેની તેમને સમજણ પડી રહી ન હતી .દીકરી ધ્વનિ તો અમદાવાદ અને દીકરો કૌશલ મુંબઈ માં હતો. બંને કાલે સવારે ધરે પહોંચવાના હતા. આથી આ વાત તેમણે તેમની પત્ની આનંદીબેનને જણાવી. એ રાત તેમણે કેવી રેતી પસાર કરી તે તેમનું મન જ જાણતું હતું .સવારે ઉઠીને તેમણે સૌપ્રથમ ધ્વનિને કોલ કર્યો, અને તે અંગે તેની રાય પૂછી. દુનિયાદારીથી બેખબર અને સમજણશક્તિ ના અભાવે ધ્વનિએ આ સંબંધ સ્વીકારવાની ના પાડી દીધી .દીકરીના નિર્ણય ને આધારે અને શકના સંજોગોમાં તેમણે આ સંબંધ મોકૂફ રાખવાનો અતિઉતાવળ ભર્યો નિર્ણય લઈ લીધો...!.


આથી તેમણે પોતાના મિત્ર અને આ સંબંધ કરાવનાર ભગવાનભાઇ ને ફોન કરી ને બધી વિગત જણાવી દીધી. ભગવાનભાઇ પોતે વર્ષોથી ગૌરાંગભાઈ અને તેના ફેમિલી ને ઓળખતા હતા. તેમને પણ વિશ્વાસ આવતો ન હતો કે એવું બની શકે .તેમણે અવિનાશભાઈ ને હજુ એક વખત વિચારવાનું અને ગૌરાંગભાઈ સાથે મળીને આ પ્રશ્નનું નિવારણ લાવવાનું સૂચન કર્યું. પરંતુ અવિનાશભાઈ ની જીદ આગળ તેમણે નમતું જોખવું પડયું. અને ગૌરાંગભાઈને ફોન કરીને આ સંબંધ રદ કરવાનું આશ્વાસન આપ્યું. આમ પણ ગૌરાંગભાઈ સાથે ૨ મહિના માં હળી-મળી ગયા પછી અવિનાશભાઈમાં એટલી હિંમત રહી ન હતી કે તે પોતે ફોન કરીને આ સંબંધ રદ કરવાનું જણાવી શકે. તેમને એ વાત ની ચિંતા હતી કે સગાઇ ના બે દિવસ પહેલા આ સંબંધ તોડી નાખ્યો છે,તે લોકો અને સમાજને કેવી રીતે જણાવશે...?! , શું કારણ આપશે કે શા માટે આ સગાઇ તૂટી ગઈ...? , શું આકાશ અને તેના પરિવાર વિષે તેમણે કરેલી ઈન્કવાયરી ખોટી હતી? , ક્યાં આધારે તેમણે ફોન કરનાર વ્યક્તિ પર વિશ્વાસ કર્યો...?,વગેરે...વગેરે...

ગૌરાંગભાઈ નું મનોમંથન


ભગવાનભાઇ સાથે વાત-ચીત પૂર્ણ કર્યા બાદ ગૌરાંગભાઈ ના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ જણાઈ આવતી હતી. અવિનાશભાઈ કરતા તેમને સંબંધ તૂટવાનું વધુ દુઃખ હતું , કારણકે કોઈ અજાણ્યા ફોન કોલે તેના પુત્રના ચારિત્રય પર આંગળી ચીંધી હતી અને તેને બદનામ કર્યો હતો. તેમનું ફેમિલી સમાજમાં સૌથી ધનાઢ્ય અને ઉચ્ચ ગણાતું હતું ,આથી સ્વાભાવિક રીતે જ સગાઇ તૂટવાનું કારણ જણાવવાનું તેમના માટે અઘરું હતુ. કારણકે, તેમ કરવાથી સમાજમાં તેમની અને તેમના પુરા પરિવારની બદનામી થવાનો ડર હતો. સમાજમાં માણસ જેટલો આદરણીય હોય છે તેની બદનામી પણ એટલીજ થાય છે. એક સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી સૌપ્રથમ તેમણે આ વાત ઘરના કર્તા અને તેમના મોટાભાઈ હરિવંશભાઈ ને જણાવી. અને પોતાના ત્રણેય ભાઈઓને પણ જણાવ્યું. આથી પાંચેય ભાઈઓએ એક જગ્યાએ ભેગા મળીને એકબીજાને સલાહ- સૂચન કરીને આ પરિસ્થિતિનો હલ કાઢવાનું નક્કી કર્યું. કારણકે આ પરિસ્થિતિ તેમના માટે પણ નવી હતી.તેમના ઘરમાં આજસુધી ઘણા પ્રસંગો થયા હતા,પણ આવી સ્થિતિ ક્યારેય ઉદ્દભવી ન હતી.


આથી તાબડતોડ બંને ભાઈઓએ વડોદરા જઈ ભગવાનભાઇને મળીને આ પરિસ્થિતિનો હલ કાઢવાનું નક્કી કર્યું. પરંતુ ભગવાનભાઇ પોતે ધંધાકીય કામથી શહેર ની બહાર હતા,આથી તેમની સાથે મીટીંગ શક્ય ન હતી. આથી સમય અને પરિસ્થિતિ સામે હાર માનતા તેમણે આ સંબંધ મોકૂફ રાખવાનું નક્કી કર્યું. અને પરિવારના બાકી સભ્યોને આ અંગે જણાવ્યું.


આકાશ પોતાની સગાઇ હોવાથી તેના મિત્રો સાથે મુંબઈ શોપિંગ કરવા ગયો હતો,અને રાત્રે પાછો આવવાનો હતો. આથી ગૌરાંગભાઈ એ તેને પરિસ્થિતિ વિશે ન જણાવ્યું પરંતુ જલ્દીથી પાછા આવવાનુ કહ્યું. આમપણ ગૌરાંગભાઈ કઈ રીતે પોતાના દીકરા ને સગાઇ તૂટવાના સમાચાર આપી શકે,કે તેના ચારિત્રય પર શંકા ના આધારે અવિનાશભાઈ એ આ સંબંધ તોડી નાખ્યો છે!. એક પિતા તરીકે તેઓ પોતાના દીકરા સારી રીતે જાણતા હતા. નાનપણથી લઇ ને અત્યાર સુધી દરેક બાબત માં તેનો દીકરો (આકાશ) તેના વિશ્વાસ માં ખરો ઉતર્યો હતો. આજ્ઞાકારી, તેજસ્વી અને મળતાવડા સ્વભાવનો હોવાની સાથે તેને કોઈ કુટેવ પણ ન હતી.આ પ્રસંગ ની વર્ષોથી તેમણે રાહ જોઈ હતી. વળી પરિવાર માં આકાશ સૌથી નાનો ભાઈ હોવાથી તેની સગાઇ નો પ્રસંગ પૂરો પરીવાર ધામધૂમથી ઉજવવા માંગતો હતો. ભગવાનભાઇ ને સગાઇ તોડવાનું વચન આપ્યા પછી તેઓ અંદર થી ભાંગી પડ્યા હતા.

આકાશનું મનોમંથન

સાંજે ૬:૩૦ વાગ્યે આકાશ મુંબઈ થી પાછો આવ્યો ત્યારે તેના પિતા ગૌરાંગભાઈ ઘરે જ હતા, અને તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે બધી વાત વીગતવાર આકાશ ને જણાવી. આકાશના માનવામાં આવી રહ્યું ન હતુ કે આવું પણ બની શકે !.આમ તો સવારથી જ તેને કંઈક અજુગતુ થવાનુ હતું તેનો અણસાર આવી ગયો હતો. કારણકે કાલ બપોર થી ધ્વનિ તેના કોલ્સ એટેન્ડ કરી રહી ન હતી. તેના મેસેજ કે ચેટ્સ નો જવાબ આપવાનુ ટાળી રહી હતી. આ કારણ તેને સમજાતુ ન હતુ. પરંતુ ધ્વનિ કોઈ બાબતે મજાક કરી રહી હશે એમ સમજીને પોતે એ વાત સિરિયસલી લીધી ન હતી. ધ્વનિ સાથે આ ૨ મહિનામાં તેને ઘણી વાર વાત થઇ હતી. પરંતુ તેણીએ આવું કયારેય નહોતું કર્યું. આથી એ વાત સમજવી તેના માટે અઘરી હતી....એ વિચાર કરતા કરતા તે ભૂતકાળમા ખોવાઈ ગયો.

૨૪ - ૦૩ - ૨૦૧૭ ના રોજ પહેલી વાર આકાશ પોતાના પરિવાર સાથે ધ્વનિના ઘરે તેને જોવા ગયો હતો. પહેલી નઝરે જ પોતે ધ્વનિ પ્રત્યે આકર્ષીત થઇ ગયો હતો. આકાશે આ પહેલા ૭ થી ૮ છોકરીઓ જોઈ હતી. એવું ન હતુ કે ધ્વનિ એ બધામા સૌથી સુંદર હતી,પણ કંઈક તો તેનામા હતું ,જે તેને તેની તરફ આકર્ષિત કરી રહ્યુ હતું!. પેરેન્ટ્સે જયારે અલગ રૂમમા વાત કરવાનું કહ્યું ત્યારે પહેલીવાર તેણે ધ્વનિ સાથે વાતચીત કરી હતી. શરૂઆતની પાંચ મિનિટ ખચકાટ અનુભવ્યા બાદ બંને એક-બીજા સાથે એવા હળી-મળી ગયા હતા કે વર્ષોથી જાણે એકબીજાના મિત્રો હોય. બંનેએ પોતાની આદતો, ટેવ , કુટેવ , શોખ , સંબંધો, એકબીજા સાથે શેર કર્યા હતા. આધુનિક યુગના હોવાથી છોકરા - છોકરીઓ વચ્ચે ઘણી વાર મિત્રતા કરતા પ્રેમ ના સંબંધો પણ હોય છે, એ વાત બંને સારી રીતે જાણતા હતા...આથી આકાશે પોતે જ ધ્વનિ ને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું હતું. અને ધ્વનિ ના સંબંધો વિશે પણ જાણ્યુ હતુ. આમપણ ભૂતકાળ ને ન માનતા હોવાથી આકાશ ને ધ્વનિના ભૂતકાળના સંબંધો સાથે કોઈ લેવા દેવા ન હતા. તેમની ઘણી બાબતો એક-બીજા સાથે મેચ થતી હતી. આથી આકાશે મનોમન ધ્વનિને પોતાની જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું. બંને વચ્ચે ફર્ક એટલો જ હતો કે ધ્વનિ સિંગલ ફેમિલી માંથી આવતી હતી અને પોતે સંયુક્ત પરિવાર માંથી આવતો હતો. પરંતુ આકાશે ધ્વનિ ને દરેક બાબતો માં છૂટ આપવાનું વચન આપ્યું હતું આથી ધ્વનિ ને પણ આકાશ સાથે સંબંધ બાંધવામાં કોઈ તકલીફ ન હતી.

નાનપણથી જ પોતે બાહર અને અલગ- અલગ જગ્યાએ ભણ્યો હોવાથી તેનું મિત્રવર્તુળ ઘણુંજ મોટુ હતુ. પોતાની સગાઇમાં તેણે ઘણા મિત્રો અને ઓળખીતાઓને પર્સનલી ઇન્વાઇટ કર્યા હતા. વળી તેના મિત્રવર્તુળ માં પોતે સૌથી નાનો હોવાથી બધાજ મિત્રો આ પ્રસંગ માં આવીને તેની ખુશીમાં જોડાવા ઇચ્છતા હતા. પોતે મિત્રો અને લોકોને શુ જવાબ આપશે કે ક્યા કારણસર તેની સગાઇ તૂટી ગઈ...?. સૌથી વધુ બદનામી તેની જ થવાની હતી. કારણ કે તમામ ખોટા આક્ષેપો તેની પર મુકાયા હતા. આ ચિંતામા તેને બરાબર ઊંઘ પણ આવી ન હતી. સવારે એ જયારે પોતાના રૂમ ની બહાર નીકળ્યો, ત્યારે તેણે ઘરના તમામ સભ્યોને લિવિંગરૂમમા ચિંતાતુર હાલતમાં બેઠેલા જોયા. ઘરના સૌથી મોટા સભ્ય અને કર્તા હરિવંશભાઈ એ આકાશને પોતાની બાજુમાં બેસાડ્યો અને દુઃખપૂર્વક જણાવ્યું કે આ સંબંધ ને ઘરના સભ્યોએ અહીં જ રદ કરવાનું નક્કી કર્યું છે!. આકાશે પણ તેમની ઈચ્છા ને માન આપ્યું. આમ પણ તેની પાસે બીજો વિકલ્પ પણ ન હતો. અને ઘરના દરેક સભ્યો સગાઇ તૂટવાનું કારણ સમાજ તથા સાગા-સંબંધીઓ ને શુ જણાવવું તે અંગે આભિપ્રાય આપવા લાગ્યા.અંતે "છોકરા અને છોકરી વચ્ચે મનમેળ ન હોવાનું " કારણ જણાવાનું નક્કી થયુ. સાચું કારણ જણાવવાથી તેમની વધુ બદનામી થવાનો ડર હતો. ત્યારબાદ ભારે અને દુઃખી હૃદયે તેઓ છુટા પડ્યા. ત્યારબાદ સમાજ અને સાગા-સંબંધીઓને સગાઇ રદ કરવાનું જણાવવામાં આવ્યું. આકાશને પોતાના મિત્રો સાથે વાત કરવાનું ઠીક ન લાગ્યું. આથી તેણે મોબાઇલ થી મેસેજ કરીને બધા ને ઇન્ફોર્મ કરી દીધું. અને મોબાઇલ સ્વિચ ઑફ કરીને પોતાના રૂમ માં જતો રહ્યો.


આ વાત ને ત્રણ-ચાર દિવસો વીતી ગયા. આકાશ તે દિવસ થી પરિવાર અને મિત્રો સામે ગુમસુમ રહેવા લાગ્યો. ધ્વનિ સાથે તૂટી ગયેલી સગાઇએ તેને અંદર થી ભાંગી નાખ્યો હતો! .નાનપણથી અત્યાર સુધીમાં તેની સાથે હંમેશા સારું જ થયું હતું , આથી તેને સમજાતું જ ન હતું કે દુનિયા આટલી ખરાબ પણ હોઈ શકે!. ન ઇચ્છતા હોવા છતાંય તેના દિમાગ માં એક જ વિચાર આવતો હતો કે તેના વિશે કોલ કારનાર વ્યક્તિ કોણ હશે?. આથી આ બધું ભૂલીને તેણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. પરંતુ બધાને જ ખબર છે કે, "માણસ જે વાત છુપાવે છે.... તે કદી છુપાતી નથી !" ધીરે-ધીરે સમાજ અને સાગા-સંબંધીઓમાં સગાઇ તૂટવાના સાચા કારણ ની ખબર પાડવા માંડી. માણસ જેટલો આબરૂદાર હોય છે તેની બદનામી પણ એટલીજ થાય છે!. લોકો પ્રસંગોમાં કે બેઠકો માં આકાશની સગાઇ તૂટવાની વાતો કરવા લાગ્યા....અને દરેક માણસ પોત -પોતાની રીતે વાતો ભેળસેળ કરીને વ્યાસ ફેમિલી ને બદનામ કરવા લાગ્યા!.

આકાશની તપાસ


લાંબી ગડમથલ દિમાગ માં ચાલ્યા પછી આકાશે આ બાબત માં તપાસ કરવાનું નક્કી કર્યું. વાત માત્ર પોતાના સુધી સીમિત રહેત તો તે ચલાવી લેત. ..પરંતુ અહીં પ્રશ્ન આખા ફેમિલીની બદનામી નો હતો. આથી સૌપ્રથમ તેણે આ વાત પોતાના પિતા ગૌરાંગભાઈ ને કરી. ગૌરાંગભાઈ એ શરૂમાં રસ દેખાડવાનું ટાળ્યુ. પરંતુ પુત્ર ના આગ્રહ ને કારણે તેમણે તેને આગળ વધવાની મંજૂરી આપી, પરંતુ ઘરના મોટા સભ્ય હરિવંશભાઈ પાસેથી પરમીશન લેવાનું કહ્યું. આકાશે સમાજમાં પોતાની વધુ બદનામી ન થાય અને પોતાની રીતે પર્સનલી ઈન્કવાયરી કરશે તેનું વચન આપીને હરિવંશભાઈ પાસેથી પરમિશન લીઘી.

આથી સૌપ્રથમ તેણે પિતા ગૌરાંગભાઈને કોઈ પર શક હોય તો તે અંગે જણાવવા કહ્યું. આમ તો વ્યાસ ફેમિલીને કોઈ સાથે દુશ્મની ન હતી, પરંતુ ૨ વર્ષ અગાઉ તેમને પોતાના મિત્ર ' નીતિનભાઈ દેસાઈ ' સાથે ધંધાની બાબતમાં અણબનાવ થયો હતો. પરંતુ તે આવું કામ ન કરી શકે કારણકે તેમને વ્યાસ ફેમિલી સાથે પારિવારિક સંબંધો ન હતા. ત્યારબાદ ગૌરાંગભાઈ એ તે રાત્રે અવિનાશભાઈના મોબાઇલ પર આવેલ કોલની ડિટેઇલ જણાવી. અવિનાશભાઈની ઇન્ફોરમેશન મુજબ કોલ નંબર " ૯૮૨૫૧* *૭૭૯ " પરથી આવ્યો હતો. કોલ કરનાર એક છોકરી હતી. કોલ કરનારે જણાવ્યું હતું કે " આકાશને નીતા નામની છોકરી સાથે સંબંધ છે !!! , નીતાનુ લગ્ન તૂટવાનું કારણ પણ આકાશ જ છે. આકાશને દારૂ તથા સિગારેટ પીવાની ...વગેરે. ..વગેરે...આદતો છે. તેના મુજબ, જયારે આકાશ મુંબઈ ગયો હતો ત્યારે પણ તેણે ત્યાં ડ્રિંક્સ કર્યું હતું. આથી તમારી દીકરી સાથે સંબંધ કરતા પહેલા ચેતી જજો!. અવિનાશભાઈએ તેને પૂછ્યું હતું કે પોતાનો નંબર તેણીને ક્યાંથી મળ્યો અને આટલી રાત્રે કેમ ફોન કરે છે.?...તો તેણીએ જવાબ આપ્યો કે તે તેમની હિતેચ્છુ છે!!. અવિનાશભાઈએ તેને ફરી પૂછ્યું હતુ કે હિતેચ્છુ હોય તો આ ઇન્ફોરમેશન સગાઇના બે દિવસ પહેલા કેમ આપે છે ? અગાઉ પણ જણાવી શકતી હતી..!. કોલ કરનારને તેનો સરખો જવાબ ન મળતા તેણીએ કોલ કટ કરી નાખ્યો હતો. અવિનાશભાઈએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોલ અનરીચેબલ આવી રહ્યો હતો.


આકાશ હવે એ વિચારી રહ્યો હતો કે કોલ કરનાર વ્યક્તિ તેના વિશે આટલુ કેવી રીતે જાણતી હતી..?!.પોતાને નીતા સાથે અફેર્સ છે,તેવું તેણીએ ક્યાં આધારે કહ્યું હશે..?!. નીતા અને પોતે નાનપણના મિત્રો હતા. તે આકાશનું ફેમિલી સારી રીતે જાણતું હતું. અને આકાશ અને નીતાએ આટલા વર્ષોમાં એકબીજા પ્રત્યે પ્રેમ તો શુ આકર્ષણ પણ અનુભવ્યું ન હતું.કોલ કરનાર વ્યક્તિ પોતાના સમાજનો કે બાહરનો હોય શકે તે ગડમથલમાં રાતના તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી.

રાત્રે અચાનક ૧૨: ૩૦ વાગ્યે તેની ઊંઘ ઉડી ગઈ .તેના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે કોણ અસલી ગેનગાર હોઈ શકે..?. શંકા ની સોય ધ્વનિ તરફ જઈ રહી હતી. તેના આધારે તેણે ધ્વનિ વિશે વિચારવાનું શરુ કર્યું.


૧). જયારે આકાશે ધ્વનિને પોતાના ભુતકાળ વિષે પૂછ્યું તો તેણીએ જણાવ્યું હતું કે તેને એક છોકરા સાથે અફેર્સ હતું. છોકરો અલગ જ્ઞાતિ નો હોવાથી વાત તેણે ઘરે કરી ન હતી. પણ તેણે કહ્યું હતું કે જીવન માં તે ક્યારેય એ છોકરાને ભૂલી શકશે નહિ.

૨). છેલ્લા દસ-પંદર દિવસથી તે આકાશ સાથે બરાબર વાત કરતી ન હતી..!. પોતે પૂછેલા દરેક સવાલનો તે ઉલ્ટો જવાબ આપતી હતી. જયારે આકાશ તેને જોવા ગયો ત્યારે દરેક બાબત તેની સાથે મેચ થતી હતી.


૩). પોતાના મોબાઇલ screen પર તેણીએ પોતાના પુરુષમિત્ર સાથે આપત્તીજનક ફોટો મુક્યો હતો. આકાશે તેને સમજાવી હતી કે તેની સગાઇ થવાની હોવાથી આવા ફોટો ન મુકવા જોઈએ. પરંતુ પોતે સ્વતંત્ર છે ,અને પોતાની મરજી મુજબ જીવે છે તેવું કહીને આકાશની વાત માની ન હતી. લગ્ન પછી બધુ ઠીક થઇ જશે એવું માનીને આકાશે તેની સામે નમતું જોખવું પડ્યું હતું.

૪). ધ્વનિ પણ અમદાવાદ માં હોવાથી આકાશ તેને ઘણીવાર મળવાનું કેહતો પરંતુ તે કોઈ ને કોઈ બહાનું બનાવીને મળવાનું ટાળતી હતી.


૫).આકાશના મિત્રવર્તુળ વિશે તેણીએ બધું પૂછી લીધુ હતું ,પરંતુ પોતાના મિત્રો વિશે જણાવાનું તે ટાળતી હતી. નીતા વિશે તેને આકાશે જ જણાવ્યું હતું. (નીતા કે જેની સાથે આકાશને અફેર્સ છે,તેવું ફોન કરનારે જણાવ્યું હતું.)

૬).આધુનિક યુગના હોવાથી આકાશ અને ધ્વનિ પણ મિત્રો ના આગ્રહ થી થોડું-ઘણું ડ્રિંક્સ કરતા હતા. તે વાત તેણે એકબીજાં ને જણાવી હતી. આથી કોલ કરનાર ક્યાંતો ધ્વનિ હતી ક્યાંતો એની કોઈ સ્ત્રી મિત્ર. કારણ કે તે સિવાય કોઈ જાણતું ન હતું કે આકાશ ડ્રિંક્સ કરે છે.


૭).સૌથી મુખ્ય મુદ્દો- આકાશ મુંબઈ હતો ત્યારે તેણે એક વખત ધ્વનિ ને ફોન પર જણાવ્યું હતું કે તે તેના જુના મિત્રો સાથે ક્લ્બ માં જાય છે. ત્યાં એ લોકો ડ્રિંક્સ અને સ્મોકિંગ કરશે. કોલ કરનાર વ્યક્તિ ના જણાવ્યા મુજબ આકાશ મુંબઈ ગયો ત્યારે તેણે ડ્રિંક્સ કર્યું હતું. આ વાત માત્ર ધ્વનિ જ જાણતી હતી.મતલબ ધ્વનિ ચોક્કસ આ માટે જવાબદાર હતી!!.

બીજી ઘણી બાબતો શંકા ધ્વનિ તરફ લાવી રહી હતી. આથી મનોમન તેને ખાતરી થઇ ગઈ કે ધ્વનિને આ સંબંધ કરવો ન હતો, પરંતુ માતાપિતાની ઈચ્છા હોવાથી તેણીએ હા પાડી હતી. પોતે સંબંધ તોડવા માટે ઘણીવાર આકાશને કલુ આપી રહી હતી પણ આકાશ તે સમજતો ન હતો..!. આથી છેલ્લા દિવસે તેના પિતાના મોબાઇલ પર કોલ કરીને આકાશને બદનામ કરીને ગમે તે રીતે સગાઇ તોડવા સિવાય ધ્વનિ પાસે કોઈ વિકલ્પ ન હશે એવું આકાશે મનોમન અનુમાન લગાવ્યું.

પોતાના એક વકીલ મિત્ર અમર દેસાઈની સલાહ આકાશે લીધી. તેણે સૌપ્રથમ ધ્વનિ વિશેની દરેક બાબત તેને જણાવી અને આગળ શુ પગલાં લેવા તેની પૂછપરછ કરી. અમરે, એ અજાણ્યા કોલ ( "૯૮૨૫૧ **૭૭૯ " ) કરનાર ઉપર પોલીસ ફરિયાદ કરવાનું સૂચન કર્યું. અને જણાવ્યું કે આ ફરિયાદ તેણે વડોદરા કરવી પડશે....કારણ કે અજાણ્યો કોલ વડોદરા એટલે કે અવિનાશભાઈના મોબાઇલ પર આવ્યો હતો. જનરલી જ્યાં વારદાત થાય છે.... પોલીસ ફરિયાદ પણ ત્યાંજ કરી શકાય છે...બીજી જગ્યાએ નહિ.!!. આ ઉપરાંત આ કેસ દાખલ કરવા માટે અવિનાશભાઈની પરવાનગી લેવી પડે તેમ હતી...કારણ કે અજાણ્યો કોલ તેના મોબાઇલ પર આવ્યો હતો. કેસ દાખલ થયા પછી જો તેઓ ફરી જાય તો ઉલ્ટું આકાશ પર માનહાની નો કેસ થઇ શકે...તે મુસીબત હતી!!.


આવા સંજોગોમાં અવિનાશભાઈ પાસે પરમીશન લેવાનું તો શક્ય જ ન હતું. આથી આકાશે અમરને કોઈ બીજો ઉપાય શોધવાનું કહ્યું. અમરે પોતાના એક પોલીસ મિત્રની મદદ થી કોલ કરનાર નંબર "૯૮૨૫૧ **૭૭૯ " વિશે સિક્રેટલી જાણી લીધું.પોલીસ સર્વેલન્સ મુજબ કોલ કરનાર વ્યક્તિ નું નામ "નિકિતા મહેન્દ્ર ગોસ્વામી" હતું. અને તેનું એડ્રેસ સુરેન્દ્રનગર બતાવતું હતું. આકાશ માટે આટલું કાફી હતું.


આકાશે પોતાનો શકને સાચો સાબિત કરવા સૌપ્રથમ ધ્વનિની ફેસબૂક પ્રોફાઈલ ચેક કરી કે નિકિતા ગોસ્વામી નામની કોઈ છોકરી તેના ફ્રેન્ડલિસ્ટ માં છે કે નહિ.? પરંતુ તે તેના ફ્રેન્ડલિસ્ટ માં ન હતી.કદાચ ધ્વનિ એ તેને આ મેટર પુરી ન થાય ત્યાં સુધી ફેસબૂક માંથી દૂર કરી હશે. ..આથી કોઈને તેની પર શક ન જાય,એવું અનુમાન આકાશે લગાવ્યું.

પરંતુ આકાશે હાર ન માની.બીજા દિવસે તેણે નીકિતાનો પીછો કરવાનું શરુ કર્યું. આખરે બે દિવસ પછી તેણે જોયું કે નિકિતા અને ધ્વનિ પોતાના પુરુષ અને સ્ત્રી મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં બેસીને પાર્ટી કરી રહ્યા હતા!. ધ્વનિ એ પોતાની સગાઇ તૂટવાની ખુશીમાં એ પાર્ટી આપી હતી!.


તેને એક વાતની હજી પણ ખબર પડી રહી ન હતી કે સગાઇ તોડવા માટે ધ્વનિએ આ રસ્તો કેમ પસંદ કર્યો..?!. પોતાની પહેલી મુલાકાત માં આકાશે ધ્વનિને આ સંબંધ અંગે તેની ઈચ્છા પૂછી હતી કે તે ખુશ છે કે નહિ ?. અને જો ખુશ ન હોય તો પોતે તેના પરિવારમાં જણાવી દેશે કે તેને ધ્વનિ પસંદ નથી....ત્યાં સુધીની બાંહેધરી આપી હતી. ધ્વનિ ની હા પછીજ આ સંબંધ આગળ વધ્યો હતો. તેમ છતાં તેને ધ્વનિ ને માફ કરવાનું મન થયું. પરંતુ વાત માત્ર આકાશ પુરતી જ સીમિત ન હતી...અહીં તેનો પૂરો પરિવાર બદનામ થયો હતો...એ પણ ધ્વનિ ની ભૂલને કારણે !!! પોતાની ખુશી માટે ધ્વનિએ તેનો વિસ્વાસ ઉપરાંત બે પરિવારો વચ્ચે કાયમ માટે સંબંધ તોડાવ્યો હતો..!. પોતાને તો ઠીક...ધ્વનિએ તેના માં-બાપ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. કોઈ પણ છોકરી ગમે તેટલી આધુનિક બની જાય પરંતુ આવું નીચ કામ ક્યારેય ન કરે. ...એ વિચારીને આકાશને ધ્વનિ પર ગુસ્સો આવી ગયો,અને તેણે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.


ત્રણ- ચાર દિવસ પછી ફરી એક અજાણ્યો કોલ અવિનાશભાઈ ના મોબાઇલ પર રાત્રે એજ સમય ૧૦: ૩૫ એ આવ્યો. આ વખતે પણ કોલ કરનાર છોકરી જ હતી....તેણીએ પોતાનું નામ " નિકિતા મહેન્દ્ર ગોસ્વામી" બતાવ્યું. અને કહ્યું કે તે દિવસે ફોન કરનાર વ્યક્તિ તે પોતે જ હતી!. તેણે ધ્વનિ ના કહેવાથી આ સગાઇ તોડવા માટે ફોન કર્યો હતો. આટલું બોલીને ફોન કટ કરી દીધો. ફોન આકાશે પોતાની એક સ્ત્રી મિત્ર પાસેથી અજાણ્યા નંબર પરથી કરાવ્યો હતો!.


અવિનાશભાઈ ના પગ તળેથી જમીન ખસી ગઈ . કોલ કરનાર છોકરીએ આપેલા સબુતો પરથી તેમણે ઈન્કવાયરી કરી તો તેનો શક સબુત માં બદલાઈ ગયો કે ધ્વનિ જ આ માટે જવાબદાર હતી. આ વાત તેમણે તેમની પત્ની આનંદીબેન ને પણ ન જણાવી!. ધ્વનિ પોતાની નજરમાંથી તો ઈજ્જત ખોઈ બેઠી હતી....તેઓ ઇચ્છતા ન હતા કે આનંદીબેન ની નજરમાંથી પણ ઉતરી જાય!. પોતાની દીકરી ની ભૂલ ને કારણે એક સારો પરિવાર, એક સારો છોકરો તેના હાથમાંથી જતા રહ્યા હતા. તથા જિંદગીભર માટે બદનામ થયા હતા.પરંતુ આ પરિસ્થિતિમાં તેઓ માફી માંગી શકે તેમ પણ ન હતા!.


બીજા દિવસે ધ્વનિ જયારે પોતાના રૂમમાંથી નીકળી ત્યારે અવિનાશભાઈ પોતાના મોબાઇલ પરથી કોઈ ની સાથે વાત કરી રહ્યા હતા.તેમણે સામે વાત કરનાર વ્યક્તિ ને અજાણ્યો નંબર એટલે કે નિકિતા નો નંબર આપી ને તે અંગે તપાસ કરવાનું કહ્યું.. આ સાંભળીને ધ્વનિ સ્તબ્ધ થઇ ગઈ. તેના ચહેરાના હાવ- ભાવ બદલાઈ ગયા. તેના માથા પર પરસેવો આવવા લાગ્યો. અવિનાશભાઈ એ ધ્વનિ સામે જોયું અને સમજી ગયા કે અસલી ગુનેગાર કોણ હતું!.

આટલા દિવસ થી તેઓ જે વિચારતા હતા કે આ અજાણ્યો કોલ કરનાર કોણ હશે?.... શુ ખરેખર એ કોલ અજાણ્યો હતો?...એ વાત તેઓ પોતે જ જાણતા હતા.

--------------- સમાપ્ત ---------------

બીજા રસપ્રદ વિકલ્પો