નવરાત્રીની નવલાઈ મૃગતૃષ્ણા - પારો દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવરાત્રીની નવલાઈ

... નવરાત્રીની હરેક રાતે પિયુ સંગ રાસ રમવાનો ભારે શોખ પણ મારાં પ્રિયતમે જ લગાડ્યો હતો. નવે નવ રાત્રીએ નિતનવા વાઘા પહેરવેશ માટે એ મને રિઝવતા, પટાવી પણ લેતાં.
.. એવી જ એક રમણીય સાંજે અમે રાસ રમવા ગયાં. સૌ ગરબા રમી રહ્યા હતાં, એમાં મને વચ્ચે ધકેલી હંમેશની જેમ મારાં પિયુ દૂર ઊભા ઊભા મારાં ફોટાઓ પાડી રહ્યા'તાં, ત્યાં યકાયક એક મારાથી ય વિશેષ રૂપાળી છોકરી ગરબે ઘૂમીને મારા પિયુને તીરછી નઝરે જોઈ આંખ મારી.. આ બધું હું ગરબે ગોળ ઘુમવા ટાણે જોઈ રહી હતી, પણ અંદરના ગોળામાં હોવાથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું'તું.
થોડીવાર બાદ જોયું તો ન પિયુ દેખાય કે ન પેલી રૂપાળી બલા! હું ખૂબ જ ગભરાઈ ગૈ, શું કરવું, શું નૈં, કૈં જ સમજણ ન પડી. છતાં અહીં ત્યહીં ખૂબ શોધાશોધ કરી.
રાસ ગરબાનો આજે છેલ્લો દિવસ, અને પછી છેક શરદ પૂનમે ભેળાં થાશું સૌ, એ વાતોમાં સૌ એકમેક સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા, મારો જીવ તાળવે ચોંટ્યો, ન થવાનું થૈ ગયું. પિયુ જે મને ક્યારેય છોડીને નૈં જાય એવી કસમો ખાતા થાકતો નહોતો, એ આજે ક્ષણમાં ગાયબ થૈ ગયો!
રડવાનું મન થૈ રહ્યું'તું, પણ મારે મારી વ્યથા જાહેર નહોતી કરવી એટલે ચૂપચાપ ત્યાંથી ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડી આગળ વધુ ત્યાં તો મારી સામે એક કાળી BMW ગાડી આવીને ઊભી રહી, એ તરફ ધ્યાન ન આપતાં, રસ્તો બદલી હું સામે કોર જવા ગૈ, કે ફરીને એ જ ગાડી મારી સામે આવી ઊભી રહી. આમે ય મન વિચલિત હતું જ, એટલે ગાડી હાંકનાર તરફના દરવાજે જઈ ગુસ્સામાં આવી દરવાજો ખોલ્યો તો, અચંભિત થૈ ગૈ!
ડ્રાઇવરની સીટ પર બેઠા હતા મારાં પિયુ ને એની પાછળ બેઠી'તી એ રૂપાળી બલા! પિયુની બાજુવાળી સીટ ખાલી જ હતી મારા માટે!!
પિયુની બાજુમાં બેસીને મેં કૈક વિચાર્યું, પણ એ જ પળે પેલી રૂપાળી બલા પાછલા દરવાજેથી બહાર નીકળીને બાય બાય કહીને એકદમ જ ગાયબ થઈ ગઈ!
હું ખૂબ ખુશ હતી ને ગુસ્સામાં પણ હવે, આગળ શું કરવું એની ગડમથલમાં કંઈ ન બોલતાં એકટક પિયુને નિહાળતી રહી. અને ત્યાં પિયુએ મને પોતાનામાં સમાવી લીધી. એક ધસમસતું ચુંબન પણ ચોડી જ દીધું, ઘણા બધાં પ્રશ્નો મનમાં સળવળી રહ્યા હતા,
એ તો ભલું થાય પાછળવાળા ગાડીવાનનું કે એણે ખરે ટાણે હોર્ન વગાડ્યો એટલે અમારા પિયુ પોતાની પત્નીને બે મિનિટ હોં! - કહી ગાડી સ્ટાર્ટ કરી અને રાત્રીનાં બાર વાગ્યા ને અઠ્ઠાવન મિનિટે પોતાની પત્નીને એના સપનાની ગાડીમાં બેસાડી ઘેર લઈ આવ્યાં.
ખરેખર, સપનું જ હતું આ! - એ તો પછી બીજે દિવસે પેલી રૂપાળી - નખરાળી નારને ઘરે તેડાવી ઓળખાણ કરાવી કે BMW કારની ડિલિવરી માટે આવી'તી. અને ગરબે બાકી બધાથી પિયુની પ્રિયતમા એટલે કે મારાં ખૂબ ખૂબ વખાણ સાંભળ્યાં'તા એટલે થોડીક મજાક સૂઝી એને. અને એટલે જ વાત કરવાના બહાને ગરબાના હૉલની બહાર મારાં પિયુને લઈ આવી, જાણી જોઈને ઝરૂખે છુપાઈને ઊભી ઊભી તમાશો જોતી રહી, કે હું કૈંક પગલાં લઉ છું કે પછી ભારતીય નારીની જેમ પોતાનાં પતિનું પરાક્રમ છુપાવી ચૂપચાપ ઘરે જઈ ચોધાર આંસુએ રડું છું કે નૈં!!
એ રૂપાળી નખરાળી મારાં પિયુની નાની બહેન સરગમ, અને મારી લાડકી નણંદબા, જે બે દાડા પહેલાં જ USA થી પોતાની ડૉક્ટરેટની ડીગ્રી મેળવી ભારત પાછી ફરી છે, અહીં ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે!!