kabir ni meera books and stories free download online pdf in Gujarati

કબીરની મીરાં

વિધ-વિધ રંગો, સુગંધો વાળા આકર્ષીત ફૂલોથી લહેરાતા બગીચાની માફક લગભગ સિત્તેર જેટલાં વિધાર્થીઓનો કૉલેજના પ્રથમ વર્ષનો એ વર્ગખંડ ખુબ જ શાંત હતો. ક્યાંક ક્યાંક ફૂલો પર ભમતા ભમરાઓના ગુંજન સમો છોકરીઓનો ધીમો મીઠો અવાજ તો, પાંચ-સાત વર્ષથી એક જ છત પર લટકતા, પોતાના પાંખડાઓ પર કૉલેજનું નામ અંકિત થયેલું છે એવા એક સામટા છ પંખાઓના ફરવાના અવાજ સિવાય વર્ગખંડમાં કોઇ અવાજ કે ઘોંઘાટ ન હતો.

શાંત પાણીમાં ફેંકાયેલા પથ્થરના કારણે ઉત્પન થતાં વિક્ષોભ સમા સ્વચ્છ ગડીયુક્ત કપડાં પહેરેલ, પીસતાલીસ વટાવી ચૂકેલાં, દેખાવે થોડા કઠોર શિક્ષક વર્ગખંડમાં દાખલ થતાં ની સાથે જ બધા જ વિધાર્થીઓ પોતપોતાના સ્થાન પર ઉભા થઇ એકસાથે 'ગુડ મોર્નિગ સર' કહેતા આદર સાથે આવકાર આપે છે.

શિક્ષક પણ પોતાની શિસ્તને જાળવી રાખતાં ગંભીર અવાજ સાથે ' વેરી ગુડ મોર્નિગ, સીટ ડાઉન પ્લીઝ.' કહી વિધાર્થીઓને બેસવા આગ્રહ કરે છે. વર્ષોથી ચાલી આવતી કૉલેજની પરંપરાઓ પ્રમાણે તે વિધાર્થીઓનું શાબ્દીક સ્વાગત કરી, સંસ્થા તથા પોતાના વિશે માહિતગાર કરી બધા જ વિધાર્થીઓને એક પછી એક પોતના પરિચય આપવા જણાવે છે.

શિક્ષકશ્રી ના કહ્યા મુજબ અેક પછી એક વિધાર્થી પોતાના સ્થાન પર જ ઉભા થઇ પોતાનો પરિચય કરાવે છે, એવામાં, અઢારેક વર્ષની એક સુંદર વિધાર્થીની, આંખ આડે આવેલી વાળની લટ ને સંવારતી ઉભી થઇ પોતના મધુર અવાજમાં બોલે છે;
'માય નેમ ઇઝ મીરાં'
મીરાંનો કોયલ મીઠો મૃદુ અવાજ સાંભળી શિક્ષક સહિત વર્ગખંડના તમામ વિધાર્થીઓ તેનાં તરફ મીટ માંડે છે, કાળા જીન્સ પર મરૂન ટૉપ પહેરેલ, ઘઉંના લોટના પીંડા જેવી ઉજળી કાયા, કેરીના ફાડા જેવી મોટી અણીયારી એની આંખો, કુમુદ પુષ્પની બીડાયેલી પાંખડી સમા ગુલાબી હોઠ અને કેડથી નીચેનાં ભાગ સુધી લંબાયેલા છુટા કાળા રેશમી કેશ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

ઉંમરના એક અલગ પડાવ પર આવી પહોંચેલી યૌવન મીરાંની સુંદરતા જોઇ હાજર બધા જ પ્રભાવિત થાય છે.

પરિચય પ્રકરણ પુર્ણ કર્યા બાદ શિક્ષક બહાર જાય છે, કૉલેજનો પ્રથમ દીવસ હોઇ, આથી વિધાર્થીઓ પણ ધીમે ધીમે વર્ગખંડ છોડે છે, બીજા વિધાર્થીઓની જેમ મીરાં પણ પોતાની બે સહેલીઓ કાવ્યા અને વંદિતા સાથે ઘરે જવા કૉલેજ નજીકના બસ સ્ટેશન પર જવા રવાના થાય છે. ત્રણેય બહેનપણીઓ બસ રાહ જોતી કૉલેજના પ્રથમ દીવસ ની મીઠી વાતો,અનુભવો અને અપેક્ષાઓની વાતોને વાગોળતી સ્ટેશન પર બેઠી છે.

'હાઇ...કેમ છો ? ' અચાનક કોઇ અજાણ છોકરાનો અવાજ આવે છે.
ત્રણેય બહેનપણી અચરજ સાથે અવાજની દીશામાં નજર કરે છે.
કાવ્યા : ઓહહ્, હાઇ કબીર, મજામાં. તું કેમ છો.
કાવ્યા, મીરાં અને વંદિતા ને કબીર નો પરિચય કરાવતાં કહે છે;
'આ કબીર છે, અમે બોર્ડ એક્ઝામમાં સાથે હતાં અને અત્યારે એ આપણે ક્લાસમેટ છે.'

કબીર એક મધ્યમવર્ગીય કુટુંબ માંથી આવતો, શરીરથી થોડો પાતળો, ખુબજ દેખાવડો, લગભગ પાંચેક ફૂટ ઊંચો, સરળ સ્વભાવનો અને ભણવામા પણ થોડાઘણે અંશે હોંશીયાર છોકરો હતો.
કાવ્યા : 'કબીર તું કેમ અહીં? આઇ મીન સ્ટેશન પર કેમ?'
કબીર : ' ઘરે જવા માટે'
'તું પણ બસમાં જ આવે છે !?' કાવ્યા અને કબીરના વાર્તાલાપમાં વંદિતા પણ ભાગ લે છે.
કબીર હકારમા માથું ધુણાવે છે.
વંદિતા : ઑકે, ત્રણ થી ભલા ચાર.

કાવ્યા, વંદિતા અને કબીરની વાતો ની ધારાને બાજુમાં ઉભેલી મીરાં શાંત ચિત્તે સાંભળતી જોઇ, કબીર તેના તરફ આંગળી સિન્ઘતા પુછે છે;
'મીરાં, તું કેમ કંઇ નથી બોલતી ?'
પોતાના મોબાઇલમાં મશગૂલ કબીરની વાતમાં વધારે રસ ના દાખવતી તે કે' છે;
' બસ એમ જ.'
વાતો વાતોમાં તેમની બસ આવતી જોઇને ઉત્સાહી વંદિતા મોટેથી બોલે છે;
'ચાલો...ચાલો...બસ આવી ગઇ.'

પ્રથમ મીરાં, કાવ્યા, વંદિતા અને કબીર ક્રમશઃ બસમાં દાખલ થાય છે, આગળની બે સીટ પર મીરાં અને કાવ્યા, એનાથી તરત જ પાછળ સીટ પર કબીર અને વંદિતા બેસે છે. તેઓ બસની ચાલવાની ગતિને સાથે સાથે પહેલાં કઇ શાળામાં હતાં, તેઓના પરિણામ શું આવ્યા વગેરે વાતોએ મંડાય છે.
કબીર સામે જોતી, નેણ ઊંચાળતી મીરાં પુછે;
'કબીર તારૂ શું પરિણામ આવેલું ટ્વેલ્થમાં ?'
' 72 ટકા ' કબીર હળવા સ્મિત સાથે મીરાં ને ઉત્તર વાળે છે.
'બોત્ત્તેર...વેરી ગુડ' આશ્ચર્ય વ્યક્ત કરતી મીરાં કબીર તરફ માનભરેલી નજરે પ્રત્યુત્તર આપે છે.
કબીર : 'બાય ધ વે, મીરાં તારે કેટલા આવેલા ?'
મીરાં : 'હું કંઇ તારા જેટલી હોંશીયાર...'
મીરાં પોતાનું વાક્ય પુર્ણ કરે તે પહેલાં જ વંદિતા વચ્ચે ટપકી પડે છે, 'મીરાંને તો 65 આવ્યા'તા. '
આમ, દરેક વાતમાં ડપકા મારતી વંદિતાનો વોતોડીયો સ્વભાવ દેખાઇ આવે છે.
ગપ્પાં લડાવતા, કૉલેજના પ્રથમ દીવસ ની આહલાદક યાદો, નવા મળેલાં મિત્રોની સાથે પ્રથમ વખત કરેલી ટીખળ-મસ્તી તથા હેતે વિતાવેલી પળોને વાગોળતાં તેઓ ઘરે પહોંચે છે.

હાથ-મોં ધોઇ, જમીને વેકેશનમાં પડેલી બપોરે સુવાની આદત પ્રમાણે કબીર પલંગ પર આડે પડખે થાય છે, પરતુ ઊંઘ શાને આવે તેની નજર સામે એક માત્ર મીરાંનો જ ચહેરો ભમ્યાં કરે છે. સુંદર નશીલી આંખો, બોલવાને લીધે ખુલ્લા-બંધ થતા એ ગુલાબી હોઠ અને નેણ નચાવતો એનો એ ચહેરો અળગાં થવાનું નામ જ નથી લેતો. શું તેને મીરાં સાથે પહેલી નજરમાં જ પ્રેમતો નહીં થયો હોય ? ફિલ્મમાં જેમ નાયક, નાયિકા પ્રથમવાર મળે અને તેના વિચારોમાં મગન તે, તેને જોવા, તેમની સાથે વાતો કરવા તલપાપડ અને અધીરો બને તેમ પોતે પણ મીરાંની પ્રેમમાં તો નહી પડી ગયો હોય તેવા વિચારોના વંટોળમાં ફંગોવાતો તે મીરાં સાથે વિતાવલી થોડી પ્રેમભર્યી ક્ષણોને વાગોળતો તે પોતાનો મોબાઇલ હાથમાં લે છે અને મીરાં ને જોવા પાગલ બનતો તે ફેસબુકમાં મીરાંને શોધવા મંડાય છે. 10-15 મિનિટની મથામણ ને અંતે મીરાંને શોધી ન શકવાથી હતાશ એ વિચારે છે કે, આવતી કાલે તે મીરાંને રૂબરૂ મળશે ત્યારે જ પુછી તે ફેસબુક પર છે કે નહીં અને આમ પણ હજુ તો આજે કૉલેજનો પ્રથમ દીવસ હોય આગળ જતાં જેમ-જેમ મિત્રતા વધતી જશે, તેમ તેમ પોતે મીરાંનાં વધુ સંપર્કમાં આવશે અને તેનો મોબાઇલ નંબર પણ લઇ લેશે, તેવા વિચારો કરતો તે પોતાની જાતને મનાવતો-ફોસલાવતો પોતાની દીનચર્યામાં વ્યસ્ત થવા પ્રયત્ન કરતો પોતાનો દીવસ પસાર કરે છે.

બીજા દીવસે સવારે મીરાં, કાવ્યા અને વંદિતા તેના કરતા વહેલા ન જતાં રે એવા ડરથી કબીર પોતાના નિયત સમય કરતા વહેલા જ બસ સ્ટેશન પર પહોંચી જાય છે. મે મહીનાની સવારના સવા આઠ વાગ્યાનો સમય, ગરમી અને ઉકળાટથી વ્યાકુળ બનતો, પરસેવે ભીંજાતો કબીર પહેલી જ મુલાકાતમાં જ જેનું મુખારવિંદ પોતાના માનસપટ પર ચિત્રાઇ ગયુ છે, તેવા પ્રિયપાત્ર મીરાંના આવવાની આતુરતા થી રાહ જુઅે છે.

'ગુડ મોર્નિગ, કબીર' આવા શબ્દો સાંભળતાની સાથે જ લાકડાની પટ્ટીઓ જડીત બાંકડા પર બેઠેલો કબીર ઉપર નજર કરે છે. વાઘ ના શરીર પર ના પટ્ટા જેવા રંગના જેકેટ અને કાળા ટી-શર્ટ ની નીચે કાળા જીન્સમાં કાવ્યા અને રૂપિયાના સિક્કા જેવડા સફેદ ટપકાવાળા સ્લીવલેસ મહેંદી ફ્રોક નીચે સફેદ લેગિંગ્સમાં ઘણા કલાકો થી જેને જોવાની આતુરતા દર્શાવતો તે મીરાંને જોઇને કબીરના ચહેરા પર અનેરી ચમક સાથે પ્રિયજન મીરાંને જોયાની તૃપ્તિના ભાવ સ્પષ્ટ થાય છે.

'હાઇ, ગુડ મોર્નિગ' કબીર મુખ પર આછેરા સ્મિત સાથે.
' કેમ આજે વહેલો ?' મીરાં આશ્ચર્ય દર્શાવતી.
પોતના ચહેરા પરના ભાવ છુપાવતો કબીર જવાબ આપે છે
' બસ, આમજ આજે વહેલા.'
થોડીવારમાં પોતાની ઓળખ પ્રમાણે ત્રણે જણ ને મોટેથી 'ગુડ મોર્નિગ' કહેતી વંદિતા કબીર જે બાંકડા પર બેઠો છે ત્યાં આવી બેસે છે. વાતોડીયો સ્વભાવ અને રમૂજ-ટીખળ કરવાની પોતાની શૈલીને અનુસરતી તે મતબલ વગરની વાતો કરતી બસ આવવાની રાહ જુઅે છે, બસ આવ્યાબાદ તેઓ ચારેય ગઇકાલના ક્રમ પ્રમાણે બસમાં બેસે છે. બસ ઉપડ્યાની થોડીજ વારમાં કબીરની બાજુમાં બારીની સીટ પર બેસેલી વંદિતા અકળાઇને ઉભી થાય છે અને જોરથી બોલે છે;
'મારે આ મોનવ્રતધારી સાધું પાસે નથી બેસવું.' (કબીરના ઓછાબોલા સ્વભાવને કારણે તે તેને મોનવ્રતધારી સાધુંની ઉપમા આપે છે.)

તે આગળની સીટ પર બેઠેલી મીરાંને પોતાની સીટ પર બેસવા વિનંતિ કરે છે, વંદિતા સાથે સહમત થતી તે ઇયરફોન અને થેલાને સંભાળતી કબીરની બાજુની સીટ પર આવે છે. વંદિતાએ જાણે કબીરના દીલની વાત કહી હોય તેમ મનમાં ને મનમાં તેનો આભાર પ્રકટ કરતો, મીરાંના બાજુમાં બેસવાથી કંઇ જ ફર્ક ન પડ્યો હોય તેવો ડોળ કરતો તે મીરાંની સુંદરતાને નિહાળતો તે ચુપચાપ બેસી રહે છે.

પરંતુ પહેલી નજરમા મીરાંના કામણનો ગુલામ થયેલો તેના અંદરનો પ્રેમી ખુબજ ઉત્સાહીત છે મીરાં જોડે વાતો કરવા એ તલ પાપડ છે. છેવટે અંદરના પ્રેમીના તાબે થઇ પોતાની બધી જ હિંમત ઝૂંટવતો કબીર મિરાં સામે જોઇને;
'તમે સૉન્ગ સાંભળો છો?'
બારી તરફથી કબીર તરફ નજર ફેકતી મીરાં મીઠા સ્મિત સાથે હકારમાં માથુ ધુણાવે છે.
કબીર : (થોડી આતુરતા સાથે) 'કયું સૉન્ગ ?'
મીરાં : 'વન ઑફ માય ફેવરીટ અગર તુમ સાથ હો..'
કબીર અને મીરાંની વચ્ચે ચાલતા આ હળવા સંવાદમાં વંદિતા ડબકો દે છે.
' મને પણ સૉન્ગ સાંભળવા ગમે છે.'
વંદિતાનુ વચ્ચે બોલવુ કબીરની સાથે સાથે મીરાંને પણ ન ગમ્યું તેવી નજરે જોતા મીરાં;
'હા હો ખબર છે મને.'
આમ, મજાક મસ્તી કરતા કૉલેજ પહોંચી વર્ગખંડમા જઇ બેસે છે. લગભગ દોઢ કલાક બેસવા છતાં સરકારી કૉલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ હોઈ કોઇ પ્રોફેસર ન આવતા બધા વિધાર્થીઅોની સાથે સાથે કાવ્યા, વંદિતા, મીરાં અને કબીર વર્ગખંડ છોડી કૉલેજ પરિસરમાં રખડવા નીકળે છે, થોડો સમય બગીચામાં બેસી પોતાની કૉલેજ લાઇફ નો આનંદ ઉઠાવતા તેઓ પ્રથમ વખત કેન્ટીનમાં જાય છે.

ખુણા પરના એક ટેબર પર બેસી તેઓ ચા અને સમોસા મંગાવે છે, કબીર મીરાંની સામે બેઠો સ્નેહ નિતરતી મધમીઠી તેની વાતો સાંભળતો તે મીરાંને પ્રેમભરી નજરે જોયા કરે છે. મીરાંને પણ કબીરની સાદગી અને પ્રેમાળ સ્વભાવ પસંદ આવે છે અને કબીરને નાપસંદ કરવાનુ તેની પાસે કોઇ કારણ પણ ન હતું, સુંદરતા અને અમીરાત સિવાય બધી બાબતમાં તે મીરાંથી સવાયો હતો. મીરાંને એ વાતનુ ભાન હતું કે પોતે કબીરને લગીરેય જાણતી નથી, ના તો તેના ભૂત-ભવિષ્યની તેને ખબર છે પણ મીરાંને કબીરનો પ્રેમ શુધ્ધ, નિ:સ્વાર્થ અને પવિત્ર લાગે છે, આથી તે પણ કબીર સાથે મન મુકી વ્યવહાર કરે છે. બંને નુ આ પ્રકારનુ વલણ જોઇ કાવ્યા અને વંદિતા પણ થોડાઘણા અંશે સમજી જાય છે કે તેઓ એકબીજા ને પસંદ કરે છે.

કબીર અને મીરાંનો આવા સંબંધ થી દેખાવે થોડી બદસૂરત, શ્યામવર્ણી અને કદ કાઠી ખુબ મોટી તથા નાનપણથી મીરાં સાથે રહેનારી કાવ્યાને આજે તેની સુંદરતા અને દેખાવડા કબીર સાથે થતી જતી ગાઢ મિત્રતા પર તેના દીલમાં ઇર્ષ્યા પેદા થાય છે. આથી તે મનો મન કબીર અને મીરાંના સંબંધ ને અટકાવાનુ નક્કી કરે છે.

થોડો સમય કેન્ટીનમાં વિતાવ્યા બાદ તેઓ ઘરે જાય છે, મીરાંને કબીર જેવો પ્રેમાળ દોસ્ત મળ્યાની ખુશી છે, વિચારોનાં અસંખ્ય વાદળો વચ્ચે દુરથી દેખાતા નાના તારલીયા જેવી મીરાં ફ્રેશ થઇ, ચાર્જમાં લગાવેલ પોતાનાઓ મોબાઇલ હાથમાં લે છે. જુએ તો કાવ્યા ના ચાર મિસ્ડકૉલ આથી તે તુરંત જ કાવ્યાને કૉલ કરે છે, ફોન પર મીરાં સાથે વાત કરે ત્યારે મીરાં અને કબીર વચ્ચે બંધાતા સાચા સંબંધથી અકળાતી કાવ્યા, કબીર વિશે મીરાં સામે ઝેર ઓકે છે. તે કબીર વિશે ખોટી મનઘડેલી વાતો સંભળાવી ને ભોળી મીરાંના મનમાં કબીર પ્રત્યે નફરતના બીજ વાવે છે. આ સાંભળીને મીરાંએ કબીર સાથે બાંધેલી સપનાઓની માળા માંથી પ્રેમ, લાગણી અને વિશ્વાસના મોતીઓ તુટીને વિખેરાવા લાગે છે અને નફરત રૂપી દોરો એના હાથમાં રહી જાય છે.

મીરાંની નજરમાં વારંવાર આવતો કબીરનો એ સ્વચ્છ અને પ્રેમાળ ચહેરો હવે ધીમે-ધીમે નફરતની આગમાં તપીને નિષ્ઠુર, ક્રુર અને નરાધમ લાગવા લાગે છે. મીરાં અને કાવ્યા બંને સાતમાં ધોરણથી સાથે ભણતી તથા એકબીજાને સારી રીતો જાણતી હોવાથી કાવ્યા એ વાતનો પોતાના સ્વાર્થ અને ઇર્ષ્યામાં આંધળી બની મિત્રતાના મુલ્યો નેવે મુકી ફાયદો ઉઠાવે છે.


કબીરની જીંદગીને અલગ માર્ગે લઇ જતો તેના કોલેજકાળનો આજે ત્રીજો દીવસ, મીરાં સાથે પોતાના પ્રેમની કાલીઘેલી વાતો કરવાની, તેને મનભરી જોઇ કાળજા અને આંખો તૃપ્ત કરવાની ઘેલછા સાથે ઉતાવળો થતો તે સ્ટેશન પર જાય છે, ચહેરા પર કમળ પુષ્પની પાંખડી પર પડેલા પાણીના શ્વેતબિંદુ માંથી સુર્યકીરણ પસાર થતા રચાતા સપ્તરંગી તેજ જેવી ચમક છે. દુરથી આવતી કાવ્યા, મીરાં અને વંદિતાની ત્રિપુટીને આવતી જોઇ, અંતરમાં ઉછળતા ઉર્મિઓના ઉમળકા સાથે તે પોતે પણ ઉભો થાય છે. પરંતુ બદલાયેલ વિચારધારા ને કારણે મીરાં સહીત પેલી બે પણ તેને નજરઅંદાજ કરે છે આથી અચરજ માં મુકાયેલો કબીર કારણ જાણવા પ્રયત્નો કરે છે. ત્યારે કાલસુધી જેને કબીરનો ચહેરો સૌથી વધારે ગમતો અને જેના દર્શન માત્રથી આંખોની સાથે દીલમા ઠંડક પ્રસરતી હતી એ જ ચહેરો જોઇને આજે કાવ્યાએ કરેલી કાનભંભેરણી થી મનમાં બંધાયેલી ખોટી ધારણાઓને કારણે એના મનમાં નફરત અને અણગમો જ પેદા થાય છે.એ મીરાં કબીરને ન બોલાવા તથા દુર રહેવા ચેતવે છે.

આમ, કોઇપણ ગુના વગર મીરાંની નજરમાં ગુનેગાર બનેલો કબીર, પોતના પ્રથમ પ્રેમને પામ્યાં પહેલા જ ખોઇ દેવાનો વસવસો તેના દીલમાં છે તેના ગળે ડૂમો બાજે છે અને પરાણે નિકળતા એના અડધા તુટેલા અવાજમાં ભગવાને કોઇ ને સાચી રીતે કરેલા પ્રેમનો આવો બદલો મળ્યાની ફરીયાદ કરતો તે સ્ટેશન પર જ રડી પડે છે. ધીમે -ધીમે કૉલેજ મા પણ બધાને કબીરના અધુરા રહેલા પ્રેમ પ્રકરણ વિશે ખબર પડતા બધા તેમને સહાનુભૂતી આપે છે. કબીર હવે માત્ર વર્ગખંડના એક ખુણા બેસીને મીરાંને ખબર ના પડે એ રીતે તેને જોયા કરે છે. મીરાંને દુ:ખના પહોચે એ ઇરાદા થી તે તેની સામે જવાનુ પણ ટાળે છે અને પોતાના મિત્રો સાથે કૉલેજમાં ભણવાનો સમય પસાર કરી અને શહેરની લાખો ભીડ વચ્ચે મીરાં વિનાનો એ એકલો ઘરે જતો રહે છે.

પોતાની જીંદગી માંથી મસ્તી અને મજા રૂપી મોજાંઓની કાયમી ઓટ આવેલી હોઇ પોતે મીરાંને જોઇને થોડો પણ ખુશ થતો તો ક્યારેક રડી લેતો તે પોતાનો કૉલેજ કાળ પ્રથમ બે દીવસ જીવી બાકીના દીવસો વિતાવી પુર્ણ કરે છે.

અચાનક આજે સાત વર્ષ પછી કબીરના મિત્રો તેને મળવા ઘરે આવે છે, લાંબા સમય બાદ મિત્રોને મળ્યાનો રાજીપો તેના ચહેરાના ભાવ પરથી સ્પષ્ટ થાય છે, હરખાતો તે બધા મિત્રોને મીઠો આવકાર આપી બેસાડે છે. અને બુમ પાડે છે;
'મીરાં, બહાર આવ તો જો કોણ આવ્યુ છે !'
( મીરાં શબ્દ સાંભળતા જ તેના મિત્રોના કાન બેઠા થાય છે, તેઓને એમ કે આખરે કબીરને એનો પહેલો પ્રેમ મળી જ ગયો. તેઓ મિત્રની આ ખુશી સહભાગી થતા, મીરાં ને જોવા દરવાજા તરફ નજર કરે છે.)

વાંકડીયા વાળ, મનમોહીત સોહામણું મુખ, કોડી જેવી નાનેરી શ્વેત આંખો તથા હાથ અને પગમાં ચાંદી ના કડલા પહેરેલ બે-અઢી વર્ષની દરવાજા થી અંદર આવતી એ નાની બાળકી તેના મિત્રોને વિચારતા કરી દે છે.

આ નાનકડી બાળકી એ કબીરનું પહેલુ સંતાન હતું કબીર તેના પહેલા પ્રેમ મીરાંની યાદમાં તેની બળકીનું નામ પણ મીરાં જ રાખે છે.








બીજા રસપ્રદ વિકલ્પો