ભાગ ૭
સરલાએ આગળ કહ્યું,”સરકારી નોકરી કરતા હતા, પછી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને લોકીની સેવા શરુ કરી. તેમના બાળકો પણ સારી જગ્યાએ નોકરી કરે છે.”
નિમીભાભીએ કહ્યું,”એક વાર દેખાડવામાં કોઈ વાંધો નથી.”
વડોદરાના છેવાડે તેમનું ઘર હતું. જયારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બહુ ભીડ હતી, બે કલાકે તેમનો નંબર આવ્યો એટલે મંગળાને સરલા સાથે બેસાડીને રસિકભાઈ અને નિમીભાભી અંદર ગયા અને બાબાને બધી વાત કરી જે તેમણે ધ્યાનથી સાંભળી અને કહ્યું,” થોડો કોમ્પ્લિકેટેડ કેસ છે. રસિકભાઈ એક કામ કરો આ બહેન ભલે અહીં બેસે આપ પેલા બહેનને અંદર લઇ આવો, હું તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરું છું.”
દૂધ જેવો સફેદ કુર્તો અને ધોતિયું પહેરેલા રાયચંદ બાબા ઓછા અને ઘરના વડીલ જેવા વધારે લાગી રહ્યા હતા. ક્લીનશેવ ચેહરા પર એક સુંદર સ્મિત અને અવાજમાં ગંભીરતા હતી. માથે થોડી ટાલ હોવાથી કપાળ મોટું લાગી રહ્યું હતું,આંખોમાં અજબ ચમક હતી.
મંગળાને લઈને સરલા આવી એટલે તેને પણ બેસવા કહ્યું અને રસિક્ભાઈને કહ્યું,”જતી વખતે દરવાજો આડો કરી દેજો.” મંગળાને થોડીવાર નિહાળ્યા પછી તેમણે ખોંખારો ખાધો અને ધીરગંભીર અવાજમાં કહ્યું,”આજે તમને બહેનોને એક વાર્તા કહેવાનો છું, એક દુઃખી સ્ત્રીની વાર્તા જે નિરાશાની ગર્તામાંથી ઉપર આવીને મહાન બની.” તેમણે વાર્તા શરુ કરી.
“એક છોકરી હતી, નાની જે બાળપણથી જ અપશકુની તરીકે બદનામ હતી. ઘરની અને બહારની દરેક વ્યક્તિ તેને વગોવાતી હતી, છતાં તે ખુશ રહેતી હતી. ઘરના બધા તેને નફરત કરતા હતા છતાં તે તેમને પ્રેમ કરતી હતી. પછી તેના લગ્ન એવી વ્યક્તિ સાથે થયા જે તેને પ્રેમ નહોતી કરતી પણ છતાં તે તેની સાથે જીવન વ્યતીત કરી રહી હતી, એવા કઠણ સમયમાં તેની મુલાકાત એવી વ્યક્તિ સાથે થઇ જેને તે પ્રેમ કરતી હતી.”
આ વાત સાંભળીને મંગળાની ભ્રમર થોડી વંકાઈ, બાબાએ તે તરફ ધ્યાન આપ્યા વગર પોતાની વાર્તા આગળ વધારી અને કહ્યું,” જૂનો પ્રેમી મળવાથી તે તેના પ્રેમમાં રમમાણ થઇ ગઈ પણ તે ભૂલી ગઈ કે તે પરિણીત છે અને તે પતિ સાથે દગો કરી રહી છે અને એક દિવસ તેની પૉલ ખુલી ગઈ અને તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી. પોતે ચારિત્રહીન છે એ વાત પતિને ખબર પડી ગઈ એટલે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો.”
પછી મંગળાને ઉદ્દેશીને કહ્યું,”તારા જીવનની આટલી જ વાર્તા છે ને? આજ સત્ય છે ને?”
જવાબમાં ફક્ત ડૂસકું સંભળાયું તે ધીમે રહીને બોલી,” આ પૂર્ણ સત્ય નથી, પણ અર્ધસત્ય છે.”
બાબાએ કહ્યું,”તો પૂર્ણ સત્ય શું છે? તે અમને કહે.”
મંગળા ચૂપ રહી એટલે બાબાએ કહ્યું,” દરેક વ્યક્તિએ સત્યનો સ્વીકાર કરવો રહ્યો. મનુષ્ય બહુ વિચિત્ર પ્રાણી છે, તે પોતાને મળેલા સુખોનો જેટલી આસાનીથી સ્વીકાર કરે છે એટલી આસાનીથી દુઃખોનો સ્વીકાર કરતો નથી અને સરવાળે વધારે દુઃખી થાય છે. પોતે કરેલા સત્કર્મોનો સ્વીકાર કરે છે અને તેના ગુણગાન ગાય છે, જયારે પોતે કરેલા દુષ્કર્મોનો સ્વીકાર કરતો નથી અને તેની તરફ આંખમીંચામણાં કરે છે, અથવા પોતાને મનગમતું કારણ શોધી કાઢે છે, પોતાના કરેલ દુષ્કર્મો માટે. જે તેને વધારે દુષ્કર્મો કરવા માટે પ્રેરે છે.”
“જો મનુષ્ય પોતે કરેલી ભૂલો અથવા દુષ્કર્મોનો સ્વીકાર કરે તો તેનો ઉચિત ઉપાય કરી શકે. પોતે કરેલી ભૂલોને પોતાનાથી છુપાવે છે. કોઈએ કઈ તકલીફ આપી હોય તો તેનો સ્વીકાર કરો, તેને પોતાના સંચિત કર્મનું ફળ સમજીને સ્વીકાર કરશો તો તે દુઃખ તમને દુઃખી નહિ કરે. આ અનંત સૃષ્ટિમાં મનુષ્યનું મૂલ્ય શૂન્ય છે છતાં આખું જીવન એક જાતની આત્મશ્લાઘામાં વિતાવી દે છે. દરેકને એમ લાગે છે કે મારી સાથે સારી ઘટના જ થવી જોઈએ, પણ પોતે સત્કર્મ કરવા તૈયાર નથી. શરીર સાથે થયેલા દોષો અને શરીરથી થયેલા દોષોને આત્મા સાથે સાંકળ્યા વગર જીવીશ તો જ આનંદથી રહીશ અને કોઈને આનંદમાં રાખી શકીશ.”
“જો તને પડેલી તકલીફ અથવા તેં કરેલા ખોટા કર્મોનું અત્યારે વર્ણન અમારી સામે કરીશ તો હું સમજીશ કે તેં સત્યનો સ્વીકાર કર્યો છે.” રાયચંદ મહારાજની વાણીમાં અજબ શક્તિ હતી અને તે ફક્ત પોતાની વાણીથી શક્તિપાત કરી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું.
મંગળા થોડી વાર રડી અને પછી ધીમે ધીમે પોતાની સાથે થયેલી ઘટનાઓનું વર્ણન કરવા લાગી. નિમીભાભી અને સરલા વિસ્ફારિત નેત્રે તેની તરફ જોઈ રહ્યા હતા, જયારે બાબા નિર્લેપતાથી તેની વાત સાંભળી રહ્યા હતા.
મંગળાની વાત પુરી થયા પછી તેમણે કહ્યું,” તું બહુ જ અસામન્ય જીવન જીવી છે પુત્રી, એમાં શંકાને સ્થાન નથી છતાં તું મને કહે શું તને તારી ભૂલો દેખાય છે? મંગળાએ હકારમાં માથું હલાવ્યું.
બાબાએ કહ્યું,”શું તે માટે પશ્ચાતાપ અનુભવી રહી છે?”
મંગળાએ કહ્યું,”હા.”
બાબાએ કહ્યું,” સારું છે પુત્રી, હવે મને કહે આગળ શું કરવા માગે છે?”
મંગળાએ કહ્યું,”મને ખબર નથી પડતી કે શું કરું?”
બાબાએ કહ્યું,”જે વસ્તુની શરૂઆત છે, તેનો અંત પણ છે અને જેનો અંત છે તેની શરૂઆત પણ છે, આ સૃષ્ટિનો નિયમ છે. તું તારા જીવનની નવી શરૂઆત કર. દરેક વસ્તુનો સ્વીકાર કર સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા.”
મંગળાએ કહ્યું,” હું સક્ષમ નથી, હું વધારે ભણેલી પણ નથી હું શું કરું?”
બાબાએ કહ્યું,”તું તારા અંતરમન સાથે વાત કર, જો તારી કઈ કરવાની ઈચ્છા હશે તો ઈશ્વર રસ્તો કરી આપશે. તારું કલ્યાણ થાઓ.” એમ કહીને આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કર્યો.