its your home books and stories free download online pdf in Gujarati

આ તારું ઘર છે..

રોડ પોતાના નામે કરેલો હોય એમ, મોઢામાં ઠુસેલા મસાલાની પિચકારી રોડ પર મારતાં મહેશે રિવા ને ફોન કર્યો. બે ત્રણ વખત આખી રિંગ ગઈ છતાં રિવાએ ફોન ન ઉઠાવ્યો એટલે એ કંટાળીને "આગમન સેન્ચુરી" ના ચોથા માળે 404 નંબરના ફ્લેટે પોહચ્યો. ચાવી તો એને આગલે દિવસે જ મળી ગઈ હતી, એટલે એણે લોક ખોલવાની કોશિશ કરી. પણ, બે ત્રણ વાર ચાવી આમતેમ ફેરવવા છતાં લોક ન ખુલ્યું. એણે ફરી રિવાને ફોન કર્યો.

"હેલો, રિવાબેન?" એના પ્યોર મેહસાણી ટોનમાં મહેશ નો અવાજ ગજબ કોમેડી લાગતો.

"હેલો, હા મહેશભાઈ બોલો".

"બેન ફોન તો ઉપાડો, ઑય અરધા કલાકથી મથું સુ પણ આ બળ્યું તાળું જ નહી ખુલતુંન તમારા ઘરનું બોલો".

"હા બસ હું પાંચજ મિનિટમાં આવી".

બેંગ્લોર થી વહેલી સવારે ફ્લાઈટમાં રિવા અમદાવાદ આવી ગઈ હતી. ફટાફટ નહાઈને રેડી જ થઈ રહી હતી, ત્યાંજ મહેશના બે ત્રણ કોલ આવી ગયા. ત્રણ વર્ષના રિનવને એના નાની પાસે ઊંઘતો મૂકીને એણે આગમન સેન્ચુરી તરફ કદમ માંડ્યા. મનમાં એટલા બધા વિચારો ચાલતા હતા કે એ ક્યારે પોતાના ઘરે પહોંચી એનું ધ્યાન જ ન રહયું. ફ્લેટ આગળ મહેશ તાળું ખોલવાની મથામણ કરતો હતો પણ એનાથી ન જ ખુલ્યું. રિવાને જોતા જ એ અકળાઈને બોલ્યો,

"આ તે કૉય તાળું સ, ચેટલી ચાવી ફેરવી પણ ખુલવાનું નોમ જ નહી લેતું".

"એ એમ નઈ ખુલે મહેશભાઈ, લાવો ચાવી, એ મારા કે માનવ સિવાય કોઈનાથી નથી ખુલતું".

બોલતા તો બોલી ગઈ પણ અનાયાસે માનવનું નામ મોઢે આવતાંજ એ થોડી અસ્વસ્થ થઈ ગઈ. તરતજ પોતાની જાતને સંભાળતા, પર્સ અને બીજો સામાન બાજુમાં રાખેલા જુતાના કબાટ પર મૂક્યાં, ને મહેશ પાસેથી ચાવી લઈને લેચલોકમાં નાખી. લેચ થોડો ઉપરની તરફ ખેંચીને સહેજ દબાવીને ફેરવ્યો કે લોક એક જ સેકેન્ડમાં ખુલી ગયું.

"વા રિવાબેન કેવું પડ હો બાકી, આ જબરી સિક્યુરિટી સ તમારી હો, હારું કોઈ લોક જ નો ખોલી હક ગમે એટલું મથ તોયે" મહેશ ના ચેહરા પર આશ્ચર્ય નો ભાવ જ એવો લાગતો હતો કે ઘડીક રિવાને હસવું આવી ગયું.

દરવાજો ખોલતાંજ એ બંધ ઘરની ખુશ્બુ રિવાને ઘેરી વળી. અછડતી નજર આખા ડ્રોઈંગહોલ માં ફરી વળી. એ જેમ દોઢ વર્ષ પહેલાં મૂકીને ગઈ હતી, ઘર એવું ને એવું જ હતું. ઘરની દરેક દીવાલ, એની પર લાગેલી પિક્ચર ફ્રેમો, ઘડિયાળ, ચાકડો બધા જ જાણે એના પાછા આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

બહુ મુશ્કેલ હતું રિવા માટે આ ઘરમાં પાછો પગ મૂકવું, પણ હવે છૂટકો નોહતો. કમને પણ પોતાનો સામાન લેવા આજે આવવું જ પડ્યું. મહેશ એના દૂરના સગામાં હતો ને પેકર્સ એન્ડ મુવર્સ નું કામ જ કરતો હતો એટલે એનેજ સામાન બેંગ્લોર શિફ્ટ કરવાનું સોંપેલું.

મહેશ પણ રિવાની પાછળ ઘરમાં પ્રવેશ્યો. એને પણ માનવ અને રિવાની મેરેજ લાઈફમાં ચાલી રહેલા પ્રોબ્લેમ્સ વિશે થોડોઘણો તો ખ્યાલ હતોજ. એટલે રિવાના ચેહરા પર ઘડીભર આવેલી ઉદાસી એનાથી છુપી ન રહી. રિવાના પગ તો સોફા પાસેજ થંભી ગયા હતા પણ મહેશની હાજરીમાં એ કમજોર પડવા નોહતી માંગતી.

પર્સ અને બીજો પેકીંગ માટે લાવેલો સામાન દરવાજો ખોલતા બહાર મુકેલો એ લેવા એ બહાર ગઈ. એની નજર દરવાજાની જમણી બાજુ ફિટ કરેલી નેમપ્લેટ પર ગઈ. "રિવામાનવ". એ જાણે એની સામે જ તાકી ને પૂછતી ન હોય, "તું અમને કેમ કરી ભૂલી ગઈ રિવા". નજર ચુરાવતી રિવા પાછી પર્સ ને સામાન લઈ ઘરમાં જતી રહી.

મહેશને શું શું લેવાનું છે એનો મોટો મોટો ખ્યાલ રિવાએ આપ્યો. એ મુજબ મહેશ પોતાના માણસોને બોલાવવા ફોન કરવા ઘરની બહાર ગયો. રિવા સોફા પર જ બેસી પડી. દરેક વસ્તુ ઉપર ધૂળનું એક પડ જામી ગયું હતું, જેમ એના અને માનવના સંબંધ પર શરાબનું જામ્યું હતું. એની નજર સામે છેલ્લા નવ વર્ષ તરી આવ્યા.

માનવ અને રિવા કોલેજ માં સાથે ભણતાં પણ અલગ અલગ સબજેક્ટમાં. આમ તો નજરો ની ઓળખાણ તો પહેલાજ વર્ષે થઈ ગઈ હતી, પણ ત્રીજા વર્ષે યુથફેસ્ટિવલમાં બંનેની પેહલી વાર સામસામે વાત થઈ. વાતો દોસ્તીમાં ને દોસ્તી પ્રેમમાં પરિણમી. રિવાના ઘરે બધાં માનવને ઓળખતા. એની છાપ બધે એક સારા છોકરા તરીકેની એટલે રિવાના ઘરે કોઈ પ્રોબ્લેમ નોહતો. જ્ઞાતિ સેમ હોવાથી આમ તો માનવના ઘરે પણ કોઈ પ્રોબ્લેમ તો નોહતોજ, પણ માનવ ના મમ્મીને રિવા થોડી ઓછી પસંદ હતી. દેખીતું તો કોઈજ કારણ ન હતું, રિવા સુંદર હોવા સાથે સુશીલ અને ચપળ પણ હતી. કમને એમણે માનવ ને રિવાના લવ કમ અરેન્જ મેરેજની સંમતિ આપી દીધી.

રિવા અને માનવ બન્ને નોકરી કરતાં, છતાં રિવા બધી રીતે એમને ખુશ રાખવા પ્રયત્ન કરતી પણ, સાસુ સહજ ઇર્ષાવૃત્તિ ને એ ખાળી ન શક્યા. વાતે વાતે રિવાને ટોકવી, એ જોબથી લેટ આવે તો પણ જમવાનું તો એણેજ બનાવવાનું, ક્યારેક માનવને કોઈ વસ્તુ લાવવાનું કહ્યું હોય તો "મારા દીકરાને કેટલું કામ કરાવે છે" એવા મહેણાં મારવા, આવી તો કેટલીયે નાની નાની બાબતે ઘરમાં ઝગડા થતા. માનવ અને એના પપ્પા બન્ને પીસાઈ જતાં.

કંટાળીને માનવના પપ્પાએ જ માનવ ને જુદા જવાની સલાહ આપી. રિવા તો માનવા તૈયાર જ ન હતી પણ સસરાના સમજાવવા થી કમને એ પણ જવા તૈયાર થઈ. શ્વાસુરગૃહેથી આમ અલગ થતા રિવાને ખૂબ દુઃખ થયું હતું પણ એણે મન મનાવી લીધું.

બે ત્રણ મહિના બધા વિસ્તારોમાં ફરી ફરી ને માંડ આગમન સેન્ચુરી માં માનવ અને રિવા બન્ને ને ગમે તેવું ઘર મળ્યું. બન્નેને કોતરણી બહુ ગમતી એટલે મેઈન ડોર આખા લાકડામાંથી કોતરણીવાળું બનાવડાવેલું. "રિવામાનવ" નેમપ્લેટ પણ એવી જ કોતરણીવાળી બનાવડાવેલી. ઘરમાં પ્રવેશતાંજ સામે એલશેપ સોફાસેટ, ને દરવાજાવાળી દીવાલ પર જ સિમ્પલ પણ સોફેસ્ટિકેટેડ લુક વાળું વોલપેપર મઢેલી દીવાલ પર ફ્લેટસ્ક્રીન ટીવી ફિટ કરેલું. સોફા ની પાછળ ફૂલલેન્થ ટ્રાન્સપરન્ટ ગ્લાસ વિન્ડોથી મેઈન હોલ થી બાલ્કની ને અલગ પાડેલી. કિચન અને મેઈનહોલ વચ્ચેની ખુલ્લી જગ્યામાં લાકડા અને ક્લર્ડ ટેમ્પરડ ગ્લાસથી પાર્ટીશન અને કિચન માટે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવેલું. બે બેડરૂમમાંથી એક ને ગેસ્ટરૂમ બનાવેલો ને એક માસ્ટર બેડરૂમ. બેડરૂમમાં પણ વોર્ડરોબ, ડ્રેસિંગટેબલ અને એક હાઇડ્રોલિક લીફટિંગ વાળો નીચે સ્ટોરેજ પણ કરી શકાય એવો બેડ બસ આ ત્રણ જ વસ્તુ બનાવડાવેલી. બને તેટલા ઓછા ફર્નિચર સાથે, પણ કોઈ અગવડ ન પડે એ રીતે ઘરની સજાવટ કરેલી બન્નેએ.

માનવને બહુ ધમાલ કે પ્રસંગોની ભીડભાડ ન ગમતી એટલે એ બન્ને એકલાજ નવા ઘરે ગૃહપ્રવેશ કરવા આવેલા. મમ્મી પપ્પા ને પણ અમે બધું ગોઠવી દઈએ પછી શાંતિથી આવો એમ કહી સાંજે આવવા સમજાવી લીધેલા.

નવા ઘરે ગૃહપ્રવેશ કરતી વખતે માનવે ચોખા ભરેલો લોટો દરવાજામાં મુકાવેલો. ને એની બાજુમાં એક ભીના સિમેન્ટ ની તાજી તખતી પણ હતી. બન્નેએ સાથે મળી જમણાં પગથી લોટો ઘરમાં અંદર તરફ ઢાળ્યો. પછી બન્ને એ જમણો પગ સિમેન્ટ ની તખતી પર એક સાથે મુક્યોને બન્નેના પગની છાપ એમાં ઝીલાઈ ગઈ. રિવા થોડી ડગમગી ગઈ પણ માનવે એને કમરેથી પકડી લીધી ને બન્ને એકબીજામાં ખોવાઈ ગયા. રિવાને બન્ને હજી દરવાજામાં જ ઉભા છે એનું ભાન થતા માનવથી પોતાને છોડાવતા કહ્યું,

"છોડ બેશરમ, કોઈ જોશે તો શું કહેશે"

"રિવાનો મજનુંમાનવ વળી, બીજું શું" માનવ હસતા હસતા બોલ્યો ને રિવાને આંખો બંધ કરવાનું કહ્યું.

"હવે શું છે વળી?"

"અરે તું કર તો ખરી બકા..."

રિવાએ આંખો બંધ કરી કે તરતજ માનવે લોટો ને તખતી સોફા પર મુકી ને મેઈન ડોર બંધ કર્યું. એણે રિવાને પોતાની બાહોમાં ઉચકી લીધી ને સીધી બેડરુમમાં જ લઈ ગયો. ડ્રેસિંગટેબલ પાસે ઉભી રાખી ને રિવાને આંખો ખોલવા કહ્યું. રિવાએ ધીરેથી આંખો ખોલીને જોયું તો એની આંખો વિશ્વાસ ન કરી શકી.

બેડરૂમ તો બન્નેએ સાથે મળીને જ ડિઝાઇન કરેલો પણ અત્યારે એની સજાવટ માનવે એને સરપ્રાઈઝ આપવા માટે ફૂલો અને કેંડલ્સ થી કરેલી હતી.

"વાઉ માનવ આ તેં ક્યારે કર્યું."

"મેડમ, તમે જ્યારે નવા ઘરની ખરીદી કરવામાં વ્યસ્ત હતાં ત્યારે".

"અચ્છા એવું, હમ્મ" રિવા આંખો નચાવતા બોલેલી.

માનવ રિવા કરતા ઊંચો હતો, એટલે એ બેડ પર ચઢી ને ઉભી થઈ ગઈ ને એને પોતાની તરફ ખેંચ્યો. એના ચેહરાને પોતાના હાથમાં લઈ ને "થેક્યું માનવ" કહીને માનવના હોઠો પર ગાઢ ચુંબન કર્યું. પછી એમની વચ્ચે જે પ્રણયચેષ્ટાઓ થઈ, એનો એકમાત્ર સાક્ષી એ બેડરૂમ હતો.
મહેશ અને બીજા માણસોના આવવાનો અવાજ સાંભળી એ ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી ખેંચાઇ આવી.

મહેશે એના એક માણસ કનુને કિચનમાંથી શું ને કેવી રીતે પેક કરવું એ સમઝાવવા માંડ્યું ને બીજા બે ધનજી અને રમણને ડ્રોઈંગરૂમની સામે આવેલા ગેસ્ટરૂમની વસ્તુઓ પેક કરવા કહ્યું. કનુ કિચનના ખાના એક પછી એક ખોલીને જોઈ રહ્યો હતો કે ક્યાં શુ છે અને કેમ પેક કરવું. જેમ જેમ ખાના ખુલતા હતા એમ એમ રિવાના યાદોના ખાના પણ ખુલતા જતા હતા.

કાચના વાસણોના ખાનામાં એક સરસ મઝાનો કાચનો બિયરમગ હતો. રિવાને દૂધ કે ચા નોહતા ભાવતાં, પણ માનવ પરાણે એને રોજ સવારે દૂધ પીવડાવતો જ. એ જ રિવાના હોઠોએ સ્પર્શ કરેલા એંઠા મગમાં ચા પીતો. રિવા ઘણીવાર ચિડાતી પણ ખરી આમ કરવાથી. ત્યારે માનવ રિવાને જકડતા કહેતો,

"ભલે ને તું એમાં દૂધ પીતી હોય, પણ તારા હોઠોનો સ્પર્શ થાય પછી જ એ અસલમાં બિયરમગ બને છે. પછી ચા માં પણ બિયર નો સ્વાદ આવે છે".

રિવા અકળાઈ ને "છોડ હવે, મારે બીજા પણ કામ છે" એમ કહી પોતાને માનવથી છોડાવતી ને કામે લાગતી. એ ધડાધડ બન્ને ના ટિફિન માટે રસોઈ બનાવતી ને માનવ એની પાછળ પાછળ કિચનમાં ફર્યા કરતો. રિવા પરાણે એને નહાઈધોઈને ઓફીસ માટે રેડી થવા બાથરૂમમાં રીતસર ધકકોજ મારતી.

એજ કિચનમાં જ્યારે સિલિન્ડરની પાછળથી દારૂની બોટલ મળી ત્યારે રિવાના તો હોશજ ઉડી ગયા હતા. સાંજે માનવ ઘરે આવ્યો ને એને પૂછ્યું તો એ એની નથી એક ફ્રેન્ડની છે એમ કહી વાત ટાળી દીધેલી.

રિવાના બેધ્યાન કદમ એના બેડરૂમ તરફ આગળ વધ્યા. બેડરૂમનો દરવાજો ખોલતાંજ, બીજી અનેક સ્મૃતિઓના દરવાજા ખુલી ગયા. બેડરૂમમાં પ્રવેશતાં જ ડાબા હાથે એટેચ બાથરૂમ હતું, એની બાજુની દીવાલ પર વોર્ડરોબ બનાવેલો હતો. વોર્ડરોબની બાજુમાં ડ્રેસિંગટેબલ હતું. બાથરૂમ ની સામેની દીવાલમાં એક મોટી કાચના સ્લાઈડિંગ શટરવાળી બારી હતી. બેડ એ સાઈડ પર ગોઠવેલો હતો. એ ગોઠવણીમાંય બન્ને વચ્ચે માથાકૂટ થયેલી એ રિવાના કાનમાં ફરી સંભળાઈ જાણે.

રિવા કહે "બારી સાઈડ બેડ રાખીયે તો ચોમાસામાં બારી ખુલ્લી ન રાખી શકાય".

સામે માનવ દલીલ કરે "એ બાજુ બેડ રાખીશું તો સૂતી વખતે પંખાની પણ જરૂર નઈ પડે, કેટલો મસ્ત પવન આવે છે જો. અને બહારની સાઈડ બારી ઉપર છજુ મેં પહેલાજ નખાવી દીધું છે એટલે ચોમાસામાં તારે ચિંતા નઈ".

"અરે પણ બારી ખુલ્લી હોય ને કોઈ જુવે તો કેવું લાગે" રિવા શરમાઈને બોલેલી.

"એમાં શું વળી, આપણે હસબન્ડ વાઈફ છીએ. અને મેડમ જરા ધ્યાનથી જુવો, આપડે ચોથા માળે ઘર લીધું છે, અને ત્રણે બાજુ દૂર દૂર સુધી ટેનામેન્ટ્સ જ છે. એટલે..." માનવ આંખ મિચકારતા કહેતો.

"ઓહો, મારો વર તો બહુ હોશિયાર થઈ ગયો છે ને કાંઈ" રિવા એનો ઈશારો સમઝી ગઈ ને ઠાવકાઈ થી વટ મારતી.

" વર છે કોનો એ તો જો બકા" માનવ કોલર ઊંચો કરતાં કહેતો . બન્ને સાથે હસી પડતાં એમ અત્યારે પણ એનાથી હસી પડાયું.

પણ માનવ ક્યાં સાથે હતોજ હવે. ફરી એજ ઉદાસી એને ઘેરી વળી. જાણે સો મણનું વજન એના પર આવી પડ્યું હોય એમ એ બેડ પર ધબ દઈને બેસી પડી. વજનજ તો હતું એ, એની ને માનવની સુનેહરી યાદોનું વજન, જે ઉચકાતું પણ નોહતું ને મુકાતું પણ નોહતું.

બેડની સામે જ બાથરૂમનો દરવાજો હતો. એ જ્યારે પણ નહાઈને બહાર આવતી, ત્યારે માનવ આમ તો ઉઠેલોજ હોય પણ સુવાનું નાટક કરતો. રિવા ડ્રેસિંગટેબલ પાસે ઊભી ઊભી તૈયાર થતી ને એ અધખૂલી આંખે એને જોયા કરતો. જેવી રિવાની નજર એની તરફ જાય એ પાછો આંખો મીંચી દેતો. રિવા પણ અણજાણ બની ને મનમાં હસ્તી તૈયાર થવાનું ચાલુ રાખતી. પછી તૈયાર થઈને માનવને ઉઠાડવા જતી ને માનવ એને પાછી બેડમાં ખેંચી પોતાની બાહોમાં ભીંસી લેતો. રિવા માંડ માંડ છૂટતી ને માનવને પણ ઉઠાડતી.

એ ક્ષણો રિવાને ફરી વિહવળ કરી ગઈ. આંખો ભીંની થવાની જ હતી કે ધનજી ને આવતો જોઈ એણે આંખો એક ક્ષણ માટે બંધ કરી ને ફરી સ્વસ્થ થવાની કોશિશ કરી.

ધનજીએ એને પૂછ્યું કે કબાટમાંથી કપડાં ને બીજું શું લેવાનું છે. રિવાએ વોર્ડરોબ ખોલ્યો ને ફરી એની યાદોનો ઢગલો સામે ખડકાઈ ગયો. માનવ રિવાને કદી બન્નેના કપડાં અલગ અલગ ખાનામાં , અરે અલગ થપ્પી માં પણ ન રાખવા દેતો. એની એવીજ જીદ રહેતી કે બન્નેનું બધું સાથેજ એકજ જગ્યાએ જ મૂકેલું હોવું જોઈએ.

હવે રિવાને એના કપડાં એ સહિયારી થપ્પીઓમાંથી અલગ કરવાના હતાં. એક એક કપડાં અલગ કરતાં એનો જીવ કળીએ કળીએ કપાતો જતો હતો.
માંડ એ કામ પતાવ્યું ત્યાં રમણ પૂછવા આવ્યો કે આ બેડ લઈ જવાનો છે કે નઈ. રિવાએ કહ્યું બેડ તો નથી લઈ જવો પણ એમાં કેટલીક પરચુરણ વસ્તુઓ મુકેલી છે એ લેવાની છે.

એ એકલા હાથે ક્યારેય બેડ ઉઠાવી ન શકતી. માનવ ને જ કેહવું પડતું. આજે પણ એણે રમણ ની મદદથી જેવો હાઇડ્રોલિક બેડ ઉઠાવ્યો, પહેલાજ કમપાર્ટમેન્ટમાં રાખેલી માનવે અત્યાર સુધી આપેલી તમામ ગિફ્ટસ નજરે પડી. રિવાને લાગ્યું હવે એ વધારે સહન નઈ કરી શકે. રમણ ને પેહલા કમપાર્ટમેન્ટ સિવાય ના બીજા બે માં જે હોય એ પેક કરી લેવાનું કહી એ ફટાફટ બેડરૂમમાંથી બહાર આવી ગઈ.

પણ બેડરૂમ એક જ થોડો હતો, જયાં એમના ખુશહાલ લગ્નજીવન ની યાદો હતી. ઘરની દરેક દીવાલ પર લાગેલી કેટલી બધી તસવીરો સાક્ષી હતી. માનવને ફોટોગ્રાફસ નો બહુ શોખ. અને એમાંય રિનવના આવ્યા પછી તો હદજ થઈ ગઈ. એ ડીએસએલઆર લઈ આવેલો. રિનવને રિવાના કેટલાય ફોટા રોજ રોજ પડ્યા કરતો, ને એમાંથી સારા સિલેક્ટ કરી ને ફ્રેમ કરી દીવાલો પર લગાડતો. ઘરની એક પણ દીવાલ બાકી નહિ રાખી હોય એણે. ત્યાં સુધી કે કિચનમાં પણ ફ્રિજ ના ને કબાટ ના ડોર પર પણ મેગ્નેટ થી નાની તસવીરો ચીપકાવેલી રહેતી.

ડ્રોઇંગરૂમમાં મુખ્ય દરવાજાની બરાબર સામે, સોફની ઉપર એક આદમકદની રિવા, માનવ અને રિનવની તસ્વીર હતી. એમાં માનવ ના જમણા હાથમાં રિનવ હતો ને ડાબા પડખે રિવા હતી. કેટલી સુંદર તસ્વીર હતી એ.

સોફાના સાઈડ ટેબલ પર પથ્થર માં કોતરાવેલો રિવાનો કોલેજ સમયનો એક ફોટો હતો જે માનવને ખુબજ પસંદ હતો. જ્યારે એ ડિલિવરી માટે પિયર જવાની હતી ત્યારે માનવ બહુ ઉદાસ થઈ ગયો હતો.

"તું જઈશ પછી ત્રણ મહિના હું શું કરીશ?" એ મોઢું લટકાવતા કહેતો.

"અરે આ જે મારી મૂર્તિ પથ્થરમાં બનાવી છે ને એનાથી કામ ચલાવી લેજે" રિવા એને ખીજવતી.

રિનવની પહેલી બર્થડે પાર્ટીની કેટલી હોંશથી તૈયારી કરેલી રિવાએ. રિવા અને માનવના મમ્મી પપ્પા, બિલ્ડીંગ બધા બાળકો અને એના ફ્લોરના ચારે ઘરવાળા બધા મહેમાનો આવેલા હતાં. એ દિવસે માનવ ચિક્કાર દારૂ પીને આવેલો. આ પેહલા તો એ જ્યારે દારૂ પીતો ત્યારે કાંતો લેટ આવતો અથવા બીજા દિવસે જ આવતો, એટલે આજુબાજુવાળાને ખ્યાલ ન આવતો, પણ એ દિવસે તો હદ જ થઈ ગઈ હતી. રિવા એટલી છોભીલી પડી ગયેલી મહેમાનો સામે. એણે કોશિશ પણ કરી માનવને સંભાળીને અંદરના રૂમમાં લઈ જવાની, પણ એ નશામાં ચૂર ગમેતેમ એલફેલ બકવાસ કર્યે જતો હતો. માનવના પપ્પાએ એને રોકવાની કોશિષ કરી પણ એણે પોતાના માં-બાપનું પણ ન સાંભળ્યું.

માનવનો ઉત્પાત વધતો જોતા રિવા એને ફરી ખેંચી ને અંદરના રૂમમાં લઈ જવા લાગી ત્યાં એણે રિવાથી પોતાને છોડાવવા એક જોરદાર તમાચો મારી દીધો. રિવા તંમર ખાઈને સાઈડટેબલ સાથે અથડાઈ અને એનું માથું સીધું એ પથ્થરના કોતરણીવાળા ફોટા સાથે અથડાયુ હતું ને નીચે પડીને એના બે ટુકડા થઈ ગયા હતા. રિવાના માથેથી લોહી નીકળતું હતું પણ માનવને તો નશામાં કંઈ ભાન જ નોહતું કે એણે શું કરી નાખ્યું હતું. રિવા એજ સમયે રિનવને લઈને ઘર છોડીને પોતાના મમ્મી પપ્પા સાથે પિયર ચાલી ગઈ હતી.

એ ટુકડા હજી પણ ત્યાં જ પડ્યા હતા, ને એની પર લોહીના ડાઘ હજી એમજ હતા. રિવાના હૃદયમાંથી એક આહ નીકળી ગઈ. એ બધીજ તસવીરો રિવાને જાણે સવાલો કરી રહી હતી,
"તું અમને કેમ છોડી ને ચાલી ગઈ?"

"અમારો શું વાંક હતો, તારા અને માનવના પ્રેમાળ હાથોએજ તો અમને આટલી સુંદર રીતે સજાવ્યા, સાચવ્યા. ને હવે તમેં બન્ને જણા અમને આમ એકલા તરછોડી ને ચાલ્યા ગયા. દોઢ વર્ષથી આ ઘર સ્મશાનવત થઈ ગયું છે. ના કોઈના હસવાનો અવાજ આવે છે ના તો રિનવની કિલકારીઓ ગુંજે છે."

પોતાના હાથે સજાવેલા ઘરનું આ મુક આક્રંદ રિવાથી સહન ના થયું. એણે બધો જ ગુસ્સો પેકીંગ કરવાવાળા માણસો પર કાઢ્યો.

"મહેશભાઈ જેમ બને એમ જલ્દી સામાન પેકીંગ કરી ને બેંગ્લોર પોહચડો. હું આજે સાંજે જ નીકળી જવાની છું. સામાન પરમ દિવસ સુધીમાં ત્યાં પોહચી જવો જોઈએ."

પેકિંગમાં ત્રણેક કલાક જેટલો સમય ગયો હતો. પેક કરેલા બધા બોક્સ નીચે પાર્કિંગ માં ઉતારી દેવાયા હતા. મહેશ ટ્રકની રાહ જોતો નીચે પાર્કિંગમાં જ ઉભો હતો. બાજુમાં અને સામે રહેતા બન્ને ઘર સાથે રિવાને સારો એવો ઘરોબો હતો. એ બન્ને આવીને રિવાના ખબર અંતર પૂછી ગયા હતા. એ ઘરને એકટક નિહાળતી સોફામાં બેઠી હતી. દરવાજે ટકોરા પડતા એ તંદ્રા માંથી બહાર આવી. દરવાજામાં નીચી નજર રાખી ને પરેશ ઉભો હતો.

રિવાને ભારોભાર નફરત થઈ આવી પરેશ પર. આ એજ શખ્સ હતો જેણે માનવને શરાબના રવાડે ચઢાવ્યો હતો. પોતાના સંસાર માં આગ ચાંપનાર વ્યક્તિ ને આમ નતમસ્તક ઉભેલો જોઈને રિવાને નવાઈ લાગવા કરતા ગુસ્સો વધારે આવતો હતો.

"હવે આગ લગાવવા લાયક આ ઘર માં કંઈ નથી બચ્યું પરેશભાઈ. કોઈ બીજું ઘર શોધો." રિવા

"તમારો પૂરો અધિકાર છે ભાભી ગુસ્સો કરવાનો, જે સજા આપશો એ મંજુર છે. પણ પ્લીઝ એક વાર મારી વાત સાંભળી લો".

"હવે બાકી શું બચ્યું છે કહેવાનું. પણ તમને શું દોષ દઉં, જ્યાં મારો જ સિક્કો ખોટો હતો ત્યાં" રિવાના ગળે ડૂમો બાઝી ગયો.

"એ ખોટો સિક્કો નોહતો ભાભી, મેં જ મારા સાચા સિક્કા જેવા દોસ્તને દારૂના રવાડે ચઢાવ્યો હતો. શરૂઆતમાં નાની પાર્ટીઓના બહાને ને પછી રેગ્યુલર. મારી ઓફિસના દારૂડિયા મિત્રોની ટોળકીમાં મેં જ એને ભેળવ્યો હતો. તમે જેટલો પ્રેમ માનવને કરો છો એટલોજ પ્રેમ મારી સીમા પણ મને કરે છે. હું સીમાના સોગંધ ખાઈને કહું છું, હવે અમે બન્નેએ દારૂની લત અને એ દારૂડિયાઓ ની સંગત છોડી દીધી છે."

"મારા ઘર છોડી જવાથી પણ જેને કોઈજ ફરક ન પડ્યો એ આમ દારૂ છોડી દે એ વાત હું કેવી રીતે માની લઉં?" રિવાએ વેધક નજરે પરેશને સવાલ કર્યો.

પરેશની હિંમત ન ચાલી નજર ઉઠાવીને જોવાની કે ઘરમાં પ્રવેશવાની, પણ એની પાછળ ઉભેલી સીમા ઘરમાં રિવાની સામે આવી ને ઉભી રહી.

"એ સાચું કહી રહ્યા છે એની સાક્ષી હું છું ભાભી." સીમાએ રિવાના બન્ને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.

"સીમા...સીમા... તું બહુ ભોળી છે, આ બન્ને ભાઈબંધો ને તું હજીય ઓળખતી નથી." રિવા એ હાથ ઝટકતા કહ્યું.

"ના ભાભી, એ બન્નેમાં આવેલા બદલાવની હું સાક્ષી છું. તમે તો ઘર છોડી તમારા મમ્મીને ઘરે જતા રહ્યા, પણ પાછળ માનવભાઈ સાથે શું થયું એ હું તમને જણાવું છું. તમારા ગયા પછી મહેમાનો પણ ચાલ્યા ગયા. તમારા સાસુ સસરા પણ માનવભાઈ ને ઠપકો આપીને જતા રહ્યા. માનવભાઈ ને બિલકુલ હોશ નોહતો. બેહોશી ની હાલતમાં એ ટીપોઈ સાથે અથડાયા ને લથડીયું ખાઈને પડ્યા ત્યારે એમને પણ એજ પથ્થર વાળો ફોટો માથામાં વાગેલો ને એ સાવ બેહોશ થઈ ગયા હતા. એતો સામેવાળા કાકા દરવાજો હજી ખુલ્લો જ હતો અને બધું વેરવિખેર પડેલું તે જોવા આવ્યા ને એમણે માનવભાઈને હોસ્પિટલ પોહચાડ્યા. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા ત્યારે હોશમાં આવ્યા. તમારા પિયરના ઘરની સામે જે ફ્લેટ છે એમાં ચોથા માળે એમના ઓફિસવાળા કોઈ ભાઈનું ઘર છે. એ રોજ એની બાલ્કનીમાંથી તમને ઓફીસ આવતા જતા જોતા રહેતા. પણ, એમની હિંમત નોહતી થતી તમારી સામે આવવાની. જ્યારે પણ તમારી યાદ વધારે આવતી, ત્યારે એમને પોતાના ઉપર વધારે ગુસ્સો આવતો."

"છ મહિના આમ ચાલ્યું ને એકવાર તમે બે ત્રણ દિવસ દેખાયા નઈ. તપાસ કરતા ખબર પડી કે તમે બેંગ્લોર બદલી કરાવી લીધી છે. એ દિવસે અંદરથી તદ્દન ભાંગી પડેલા માનવભાઈ. પરેશ એમને શાંત કરવા વિનયભાઈ ને ત્યાં લઈ ગયા હતા. એ દિવસે પરેશ ને માનવભાઈએ ખૂબ પીધેલો. પરેશે માનવભાઈ ને કીધું પણ હતું કે ગાડી એ ચલાવે પણ એમણે ન ચલાવા દીધી. એ દિવસે ભયંકર એક્સિડન્ટ થયો હતો એમનો. માનવભાઈ ને તો બહુ ઓછી ઇજા થઈ હતી. પણ પરેશ ને ગંભીર ઈજાઓ થઈ હતી, માંડ માંડ બચ્યા છે એ. પરેશની આવી હાલત જોઈ ડઘાઈ ગયા હતા માનવભાઈ. એમને પોતાની ભૂલનો ખુબ પસ્તાવો થયો હતો. બસ એ દિવસ છે ને આજનો દિવસ છે, બન્નેએ એ ખરાબ આદત છોડી દીધી છે."

"છેલ્લા એક વર્ષ થી એ તમારી યાદ માં ઝૂરી રહ્યા છે ભાભી. માનવભાઈ ની આવી હાલત જોઈને પરેશ પણ પોતાને આ બધા માટે જવાબદાર માની ખૂબ દુઃખી થતા હતા. પરેશે તમારા મમ્મી પપ્પા, ને સાસુ સસરા ને પણ બધી હકીકત જણાવી. માનવભાઈ હિંમત ભેગી કરી તમને કોલ પણ કરતાં પણ તમે ફોન ઉપાડતા જ ની કે કાપી નાખતા. અમે બધાયે કેટલુંય સમજાવ્યા માનવભાઈ ને કે એક વાર તમને બેંગ્લોર આવીને મનાવી લે. પણ એ કેહતા કે મેં રિવાને આટલું દુઃખ આપ્યું છે તો આ સજા તો મારે ભોગવવી જ પડશે. બન્ને ની દારૂની આદત હવે છૂટી ગઈ છે. પ્લીઝ તમે ના જાઓ."

"એમ હોય તો પણ હું હવે અહીં નઈ રહી શકું. અહીં રહીશ તો ફરી એ બધું યાદ આવ્યાં કરશે. મારું અહીંથી જવું જ યોગ્ય છે." રિવાની આંખો ભીની થઈ ગઈ.

પરેશ ની પાછળ દરવાજા પાસે ઉભેલો માનવ પણ આંસુ રોકી ન શક્યો. પરેશ માનવ આગળ થી ખસી ને ડ્રોઇંગરૂમમાં સીમા પાસે આવીને ઉભો રહ્યો.

માનવનું ડૂસકું રિવાના કાને પડતા જ રિવાના પગ થંભી ગયા. બન્ને ના હૃદય વલોવાઈ રહ્યા હતા. માનવ નતમસ્તકે રિવાની સમીપ આવીને ઘૂંટણિયે બેસી પડ્યો.

"પ્લીઝ રિ...વા, તારા આ મજનુંમાનવને છોડીને ન જા, પ્લીઝ.. પ્લીઝ..." નાનું છોકરું પગે વીંટળાઈ વળે એમ એ રિવાને બાઝી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. પરેશ અને સીમા એમને વાત કરવા એકલા છોડી ઘરની બહાર જતા રહ્યા.

"એજ મજનુંએ પોતાની રિવા પર હાથ ઉઠાવ્યો હતો. ચેહરા પરનો ઘાવ તો ભરાઈ ગયો પણ, હૃદય પર પડેલા ઉઝરડા નું શું માનવ?" રિવા પણ ડૂસકે ચઢી.

"આઈ એમ રિયલી વેરી સોરી, રિવા પ્લીઝ. ખબર નઈ શું થઈ ગયું હતું મને એ વખતે. હું મારા હોશ જ ખોઈ બેઠો હતો. જ્યારે ત્રણ દિવસે હોશ આવ્યા ત્યારે ભાન થયું કે મેં કેટલો મોટો ગુનો કર્યો હતો તારો ને રિનવનો."

"એ પછી પણ તો આવી શકતો હતો ને લેવા. કેમ ન આવ્યો?"

"હું હિંમત ભેગી કરીને આવું તારી પાસે એટલામાં તો તું બેંગ્લોર ચાલી ગઈ હતી મને છોડીને. પ્લીઝ હવે છોડીને ન જા. આઈ બેગ યુ, પ્લીઝ...પ્લીઝ..." માનવના આંસુ હજુ વહ્યે જ જતાં હતા.

"એ શક્ય નથી હવે. તું ફરી આવું નઈ કરે એની શું ખાતરી? " રિવાના ડુસકા થોડા ઓછા થયા હતા, ને અવાજ મક્કમ બન્યો હતો.

"ના.. ના...ના, એકવાર તને ખોઈ ચુક્યો છું, ફરી પામીને ફરી ખોઈ દઉં, એ ભૂલ હવે ક્યારેય કોઈ કાળે નઈ કરું. પ્લીઝ... મને માફ નહિ કરે?" માનવ હજીય રિવાની સાથે નજર મિલાવાની હિંમત નોહતો કરી શકતો.

" તે તારી સજા ભોગવી લીધી છે, પણ હું રોકાઈ શકું એમ નથી."

"પણ કેમ?, આ તારું ઘર છે રિવા. તું એને છોડી ને શા માટે જાય છે? તારા વિનાના સ્મશાન જેવા ઘરમાં હું નહિ જીવી શકું.." માનવ હજીયે પગ પકડીને રીતસર કરગરી રહ્યો હતો રિવાને.

"ઘર પણ મારું હતું ને તું પણ. પણ તને તો મારી સૌતન, આ દારૂ વ્હાલી હતીને?" રિવા માનવને ઉભો કરતાં ભારે હૈયે બોલી.

"પ્લીઝ રિ...વા..પ્લીઝ..." રિવાના હાથ હાથમાં લેતાં માનવ આર્દ્રતા થી એની સામે જોઈ રહ્યો ક્ષણવાર. રિવા પણ પીગળી રહી.

આંખમાં આંસુ સાથે એના ચહેરા પર એક નાનકડી મુસ્કાન આવી, એવીજ મુસ્કાન જ્યારે માનવે રિવાને પ્રપોઝ કર્યું હતું ત્યારે રિવાના ચેહરા પર આવી હતી તેવીજ. ત્યારે પણ રિવા આમજ રડતા રડતા હસી પડેલી.

"મતલબ તેં મને માફ કરી દીધો?...હવે મને છોડીને નઈ જાય ને?...પ્લીઝ..."

"માફ તો કર્યો પણ, ચાહું તોયે હું રોકાઈ નથી શકવાની. મને અમદાવાદ પાછી ટ્રાન્સફર નઈ મળે."

માનવે રિવાને ગળે લગાવી લીધી. દોઢ વર્ષની જુદાઈ પછી મળેલા બે હૈયાંએ એકબીજાને પોતાનામાં સમાવી લીધા. રિવાનો બધો ગુસ્સો ઓગળી ગયો. બન્નેનું બધું દર્દ આંસુઓમાં વહી ગયું.

"તારે ટ્રાન્સફર લેવાની કોઈ જરૂર નથી." માનવ રિવાના ગાલ પર હાથ રાખતા લાડ કરતો હોય એમ બોલ્યો.

"મતલબ?" રિવા આશ્ચર્યથી માનવને જોઈ રહી.

"મતલબ એ જ કે તું જ્યારથી બેંગ્લોર ગઈ ને આપણાં બન્નેના મમ્મી પપ્પાને જાણ થઈ, ત્યારથી મેં મારી ઓફીસમાં બેંગ્લોર ટ્રાન્સફર માટે એપ્લાય કરી દીધું હતું. આ વર્ષે આમ પણ મારું પ્રમોશન ડયુ હતું જ. પરમ દિવસેજ જ્યારે તેં તારા મમ્મીને કીધું કે તું સામાન લેવા આવે છે, એ જ દિવસે મારો પણ પ્રમોશન વિથ ટ્રાન્સફર ટુ બેંગ્લોર નો ઓર્ડર આવી ગયો હતો. એટલે હવે આપણે બધાં સાથે જઈશું."

"અને જો હું સામાન લેવા ન આવી હોત તો?" રિવાએ મીઠા ગુસ્સાથી માનવ સામે જોયું.

"તો અમે બધા ભેગા મળીને એને બેંગ્લોર વળાવા આવવાના હતા." બહાર છુપાઈને એમની વાતો સાંભળતા રિવા અને માનવના મમ્મી પપ્પા, પરેશ અને સીમા હસતા હસતા રિનવ સાથે ઘરમાં આવ્યા.

મહેશ ટ્રક આવી ગયો છે એ કેહવા ઉપર આવ્યો તો બધાને જોઈને ખુશ થઈ ગયો.

"તો હવે જવાનું કેન્સલ ને રિવાબેન?"

" ના મહેશભાઈ, હવે તમારે બે ટ્રક ભરી ને સામાન પોહચાડવો પડશે બેંગ્લોર. માનવનો પણ અને એમના મમ્મી પપ્પા નો પણ. અમે બધાજ બેંગ્લોર શિફ્ટ થઈએ છીએ" રિવા.

"પણ બેટા અમે કેમ?" માનવના પપ્પા બોલ્યા.

"બસ પપ્પા હવે હું તમને અને મમ્મીને અહીં એકલા છોડી ને નઈ જાઉં. એમ પણ માનવ પાછો ભટકી જાય તો મારે અજાણ્યા શહેરમાં શું કરવું.અને રિનવ દાદા દાદી વગર મોટો થાય એ મને નહિ પાલવે. એટલે તમારે અમારી સાથે જ રહેવાનું છે. નહિ તો હું નોકરી મૂકીને અહીજ રહીશ તમારી સાથે તમારા ઘરે. માનવને જ્યાં ભટકવું હોય ત્યાં ભટકે." રિવા માનવ સામે મોં મચકોડતાં બોલી.

"ના બેટા તારે એવું કંઈ કરવાની જરૂર નથી. અમે તારી સાથેજ બેંગ્લોર આવીશું. મહેશ, બીજો ટ્રક મંગાવી લે. પેલા ઘરેથી પણ સામાન પેક કરવો પડશે."

અત્યાર સુધી ચૂપચાપ ઉભેલા માનવના મમ્મીએ ઓર્ડર છોડ્યો, ને બધાના ચેહરાની સાથે સાથે ઘરની દીવાલો પર પણ ખડખડાટ હાસ્ય ફરી વળ્યું.







બીજા રસપ્રદ વિકલ્પો