Sambandh name Ajvalu - 21 books and stories free download online pdf in Gujarati

સંબંધ નામે અજવાળું - 21

સંબંધ નામે અજવાળું

(21)

તું આવીશ ને ?

પ્રતિક્ષાના લોલક વચ્ચે ઉભડક જીવાતી જીંદગી !

રામ મોરી

- હું મરી જઈશ પણ હવે આ સંબંધમાં પાછું ફરીને નહીં જોઉં !

- તને ઓવર રીએક્ટ કરવાની ટેવ પડી છે, દરેક પરિસ્થિતિને એક્સટ્રા લાર્જ કરીને જોયા વગર તને નથી ચાલતું સો કેરી ઓન

- જીંદગી આખી મને બ્લેમ કરવા સિવાય તેં કશું કર્યું જ નથી

- તો પણ એ આખી જીંદગીમાં તને ન સમજાયું કે આપણી વચ્ચે શું પ્રોબ્લેમ છે.

- ફાઈન. હવે મને સમજાઈ ગયું છે. ઈટ્સ નોટ વર્કીંગ. તું મને કે આ સંબંધને લાયક જ નથી

- આઈમ હેપ્પી કે આટલા વર્ષે પણ તને આ વાત સમજાઈ

- બીજું ઘણું બધું સમજાશે તને. હું નહીં હોઉં ત્યારે

- બાય

-. બાય ફોરએવર !

- ફાઈન. આઈ ડોન્ટ બ્લડી કેર

- કેરીંગ ઈઝ નોટ યોર કપ ઓફ ટી હની !

બે લોકોને છૂટા પડવા માટે આટલા શબ્દોના તીખારા કદાચ પૂરતા છે. આપણે કોઈ વ્યક્તિથી છૂટા પડીએ પછી ખરેખર છૂટા પડ્યા હોઈએ છીએ ? બે લોકોને છૂટા પડવા માટે કદાચ એકાદ બે કારણ પૂરતા હોય શકે પણ એને જોડી રાખતા પરિબળો બહુ વધારે હોય છે. સાથે વિતાવેલો સમય, અઢળક વાતો, હસી હસીને લોટપોટ થતી ઠઠ્ઠામશ્કરી અને આથમતી સાંજે એકબીજાના ખભે માથું ઢાળીને સારી દીધેલા કેટલાંક આંસુ. સંબંધોની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી પણ જરૂરિયાતોની એક્સપાયરી ડેટ હોય છે. આ જરૂરિયાત ફાઈનાન્સીયલ અને ફીઝીકલ કરતાં ટકી રહેવા માટેના હુંફાળા સથવારાની હોય છે. પૈસા અને પ્રેમ સમય આવ્યે આડા હાથે ક્યાંક મુકાઈ જાય છે પણ પેલો હુંફાળો સ્પર્શ અકબંધ હોય છે જો તમે એને શોધી શકો તો. આપણે ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું છે કે,

-અમારી વચ્ચે હવે એ સ્પાર્ક નથી રહ્યો, અમને એકબીજા માટે કશું ફીલ થતું નથી.

સૌથી પહેલી વાત તો સ્પાર્ક ક્યાંય જતો નથી પણ એ સ્પાર્ક પર તમે ફરિયાદો અને અભાવોનો એટલો થર લાદી દીધો છે કે હવે તમને એ દેખાતો નથી. દરેક બાબતમાં બધું ફીલ થાય જ એ અપેક્ષા પણ વધુ પડતી છે. લાગણીની અનુભૂતિ તો ડાળી વચ્ચેની લીલી કૂંપળની જેમ આપોઆપ ઉગી નીકળે છે.

લેખિકા શિલ્પા દેસાઈની એક સુંદર રચના હમણાં વોટસએપ પર વાંચી.

હવે તો ગરમ કોફીની વરાળ

પણ થીજી ગઈ છે

ને હું કપમાંની કોફી પર જામી ગયેલી તરડાયેલી

તર એકીટશે જોયાં કરું છું

કેમ જાણે યાજ્ઞસેનીની જેમ એમાંથી

તું પ્રગટવાની નહોય !

આમ જ એક વરસાદી સાંજે તું કોફીની

સાથે સાથે મને પણ છોડીને ચાલી નીકળેલી ને મેં તને રોકવાની સહેજ પણ કોશિશ સુધ્ધાં નહોતી કરી..

હું સતત ભ્રમમાં રહ્યો કે હું તો આવો જ છું તું ચાહે કે ન ચાહે.. મેક્સ નો ડિફરન્સ..

આજે મને સમજાઈ ચુક્યું છે કે તેં મને નહીં પણ મારા અહંને જાકારો આપેલો..

પણ..

આજે ય મારો અહં જ તને સાદ પાડતા રોકે છે..બાકી તેં તો કહેલું જ ને મને કે ગીવ મી અ કોલ એનીટાઈમ... આઈ એમ જસ્ટ અ ફોન કોલ અવે ..

પણ... હું એમ પુછું છું કે તને હું કોઈ દિવસ યાદ પણ નથી આવતો ? એટલો બધો ગર્વ ?

તો સાંભળી લે, હું ય કંઈ કાચું નથી ખાતો તારા વિના..

આવવું હોય તો આવ જાતે.. મારા ઘરના દરવાજે '' મહોબ્બત" અમથું નથી લખાવ્યું... પણ સાંભળ ને.. તું આવીશને ?

-શિલ્પા દેસાઈ (RomanceUnlimited)

મને તારા હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો એ વાક્ય જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે કદાચ આપણને જ ખબર હોય છે કે ખરેખર ફેર પડે છે કે નથી પડતો. ધડ દઈને કોઈ સંબંધને કાપી નાખવો સહેલો છે એટલું જ અઘરું એ સંબંધને ભૂલાવવું છે. કારણ કે જ્યારે બે લોકો જોડાતા હોય છે ત્યારે માત્ર વ્યક્તિ જ નહીં પણ બે અવસ્થા, બે પ્રકૃતિ, બે હ્રદય, બે જીંદગીઓ જોડાતી હોય છે. કોઈનાથી છૂટા પડવું એ ક્ષણ ખરેખર પીડાદાયક છે. એ પછીના વર્ષોમાં એ વ્યક્તિ અને એની સાથે જોડાયેલી દરેક સ્મૃતિ તમારી અંદર કરચો બનીને ચૂભ્યા કરશે. બીજા કોઈને ખબર પડે ન પડે પણ તમે અંદરથી રાતદિવસ લોહી લૂહાણ થતા રહેશો. માણસને સૌથી વધારે હેરાન કોઈ કરતું હોય તો એ છે એના પોતાના વિશેના ઉંચા અભિપ્રાયો, પોતાનો કેપીટલ આઈ. આમ તો ઈગો શબ્દમાં જ દરેક માથાકૂટ અને વિવાદને ‘ગો’ કરવાની વાત છે પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે એ કરી શકતા નથી. સરવાળે એક લોહીલુહાણ સંબંધ ઢસડાયા કરે છે. મને એની રાહ નથી જોતો કે જોતી અથવા મને એની પાસે કોઈ અપેક્ષા નથી એવું કહી દીધા પછી કંઈકેટલું આપણી અંદર ચચર્યા કરતું હોય છે એની ખબર માત્ર આપણને એકલાને જ હોય છે. છતાં આપણે સતત એવો દેખાડો કરતા રહીએ છીએ કે આઈમ ઓલરાઈટ. એક પ્રતીક્ષા રાતદિવસ ધબક્યા કરતી હોય છે આપણી અંદર. વર્ષો પછી પણ એ અવાજ અને પગરવ આપણને સતત સંભળાયા કરે છે.

આપણે કોઈને ભૂલી નથી શક્યા અને હવે આપણને પોતાની ભૂલ સમજાઈ છે તો સામે ચાલીને જેનાથી રીસાયા છીએ એની પાસે જતું રહેવું કોઈ ગુનો નથી. જે વ્યક્તિ તમારે મન બહુ ખાસ છે એની આગળ કોણ નીચું અને કોણ ઉંચું ? મોટા ભાગના સંબંધો કોણ પહેલ કરશે હું કે તું એ સંતાકૂકડીમાં જ આથમી જતાં હોય છે. કોઈપણ ઝઘડામાં સૌથી અગત્યનો મુદ્દો હોવો જોઈએ એ છે સંબંધ પણ આપણે સંબંધને જ ટલ્લે ચડાવીએ છીએ. કોણ સાચું અને કોણ ખોટું એટલું મેટર નથી કરતું જેટલો તમારો સંબંધ મેટર કરે છે. આપણે બધા એવા તે કેવા મૂર્ખ છીએ કે વ્યક્તિ જ્યારે સાથે હોય છે ત્યારે એની કદર નથી હોતી અને એ વ્યક્તિ કાયમ માટે દૂર જતી રહે છે પછી અચાનકથી આપણને એની બધી સારી સારી બાબતો રીઅલાઈઝ થાય છે. જીવનમાં સંબંધને બચાવી લેવામાં ક્યારેય કશું વહેલું કે મોડું નથી થયું હોતું. વિશ્વાસ રાખો એ વાત પર કે દૂર જઈને તમે ખુશ નથી તો સામેવાળી વ્યક્તિ પણ ખુશ નથી જ બસ એ વાત સમજતા શીખવી પડશે.

થોડો સમય માટે કલ્પના કરો એક એવો નંબર જેના પરથી તમને ક્યારેય મેસેજ નથી આવવાના, ક્યારેય કોલ નથી આવવાના, ક્યારેય એ ગમતી વ્યક્તિના સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં કોઈ અપડેટ નહીં મુકાતી હોય...જો આ વિચાર માત્રથી અંદરથી ધ્રુજારી આવી જતી હોય તો જાઓ દોડો. ગમતી વ્યક્તિ કે જેનાથી જુદા થયા પછી પણ જુદા રહી નથી શક્યા તો એનો હાથ પકડીને માફી માગી લો. જો એ વાંકમાં હોય તો તો માફ કરી દો. સંબંધને બીજી તક આપવાનો પ્રયત્ન કરો. શક્યતાને નકારવા કરતા એને સ્વીકારો. કેમકે કોઈ તમારાથી નારાજ હોય કે તમે કોઈથી નારાજ હો એ સુખ પણ બધાના નસીબમાં નથી હોતું. બે વ્યક્તિ વચ્ચે ઝઘડાઓ થાય છે મતભેદ થાય છે તો એ લોકો જાણ્યે અજાણ્યે એકબીજાની નજીક આવતા હોય છે. તો ‘હું’ ને થોડો સમય સાઈડમાં રાખી ‘આપણી’ વાતો કરો. પાછા ફરીને જોશો તો સમજાશે કે જે છૂટી ગયું છે એ પણ તમારું જ છે અને એને પણ તમારી પ્રતિક્ષા છે. બસ, વધારે મોડું ન કરતા !

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED