સંબંધ નામે અજવાળું
(18)
પહેલો સગો એ પાડોશી !
રામ મોરી
ગામડા ગામમાં અને નાના શહેરોમાં એક સર્વ સામાન્ય કહી શકાય એવા અમુક દ્રશ્યો અને ઘટનાઓ એટલે કે બે પાડોશીઓની આપસમાં ફાટાફાટ. એક મા જણ્યા બે ભાઈઓ હોય એટલી મીઠાશ અને હૂંફ. વારેતહેવાર પરિવાર સહિત ચોવીસ કલાકની પૂરેપૂરી હાજરી. જો કે દરેક વખતે ફાટાફાટ હોય એવું જરૂરી નથી કેટલાક પાડોશીઓ એટલા કંકાસિયા હોય છે કે એની આસપાસ રહેનારા લોકો સાક્ષાત નર્કનો અનુભવ કરતા હોય છે. પણ આજે આપણે વાત કરવી છે દૂધમાં સાકરની જેમ ભળી જતાં પાડોશીઓની. આ પાડોશીઓ મા જણ્યા ન હોય કે સાત પેઢીએ કુટુંબ ન થતા હોય અરે એક જ્ઞાતિ કે ધર્મના ન હોય તો પણ એક સથવારો હોય છે, આંખની મીઠી શરમ હોય છે, એક હાશકારો હોય છે અને કોઈક તો છે એવી ધરપત હોય છે. કોઈ એકના ઘરે સરસ રસોઈ બની હોય, કંઈક નવું વિશિષ્ટ રંધાયું હોય તો તાંસળી ભરીને પડોશીના ઘરે આપવાનું જ એ વણલખ્યો અને વણકહ્યો ધર્મ. ઘરમાં અચાનક મહેમાન આવી ગયા અને ચા, ખાંડ, દૂધ કે ઘી લોટની તાતી જરૂરિયાત ઉભી થઈ તો લોકો પહેલી વાટ દૂકાનની નહી પકડે પણ પડોશીના ઘરનો દરવાજો ખખડાવશે. બહુ સુંદર શબ્દ પ્રયોજાય છે એના માટે એ છે ‘ વાટકી વ્યવહાર’. એવો જ એક બીજો શબ્દ છે ‘ ટેકો’. ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે કુટુંબ તરફથી કોઈ હોંકારો આવે ન આવે સૌથી પહેલા પડોશીનો હુંફાળો હાથ ખભા પર મુકાઈ જાય અને કાન પાસે ધીરેથી એક વાક્ય કહેશે કે, ‘’ સાંભળો, પ્રસંગવાળું ઘર છે, પૈસે ટકે કાંઈ જરૂર હોય તો મુંઝાતા નહીં. મને ખબર છે કે તમે બધી વ્યવસ્થા કરી જ રાખી છે પણ આ તો શું પડોશીઓનેય એમ તો ગમે જ ને કે અમારો ટેકો હોય એમ.’’ બીજો હજું એક શબ્દ છે એ છે, ‘ આંખની શરમ’. ઘરમાં કંઈ ખોટું થઈ રહ્યું હોય અથવા કુટુંબ સમાજના કોઈ ખોટા કામને પ્રોત્સાહન આપવાનું હોય ત્યારે એક વાક્ય સંભળાય કે ‘’ બીજા કોઈનો વિચાર કરો ન કરો પણ પાડોશીની આંખની શરમ તો ભરો, શું વિચારશે એ ?’’ નાનકડા ઘરમાં એકસાથે ઘણા બધા મહેમાનો આવી જાય, ગોદડા અને ખાટલાની તાતી જરૂરિયાત ઉભી થાય ત્યારે પાડોશીઓ જ પોતાના ખાટલા હસતા મોઢે આપી દેતા હોય છે અને કહેતા જાય કે, ‘’ આ અમારા ઘરને તમારું ઘર જ સમજજો.’’ આવા હુંફાળા હોંકારા અને મીઠા ઠપકા ભલામણને ટેકામાં ભલભલાના ઘરના નાના મોટા અનેક પ્રસંગો ઉકેલાઈ જાય છે. અરે ત્યાં સુધી કે વારે તહેવારે પ્રસંગોચિત આખા ઘરએ બહારગામ જવાનું હોય ત્યારે ગામડાઓમાં તો ચાવી પણ પાડોશીઓને સોંપીને લોકો બહારગામ જતા હોય છે. ઘરથી દૂર હોવા છતાં એ લોકો રીલેક્સ હોય છે કે એમનું ઘર એમના પડોશીઓની દેખરેખ નીચે સચવાયેલું છે. નાનપણમાં એવા અનેક પ્રસંગો જોયેલા છે કે ભાઈ વગરની બહેન અને બહેન વગરના ભાઈના સંબંધો પણ આડોશ પાડોશના મીઠા વ્યવહારમાં સચવાઈ જતા હોય છે. માબાપને ગુમાવનાર દીકરીના લગ્નમાં કન્યાદાન પાડોશીઓએ કર્યું હોય, પહેલું સંતાન પરણતું હોય અને મામેરું લાવનાર પિયરમાંથી કોઈ ન હોય ત્યારે પડોશીઓ હોંશે હોંશે મામેરું લાવે, સ્મશાનમાં અગ્નિદાહ આપનાર કોઈ વારસ ન હોય ત્યારે પડોશીઓના સંતાનો અગ્નિદાહ આપે અને મરનાર પાછળની બધી વિધિઓ પૂરી કરે એવા તો અનેક કિસ્સાઓ સાંભળ્યા છે અને જોયા છે. ઘરમાં કંકાસ થયો હોય તો એ ઝઘડાના અવાજ સાંભળીને દોડીને આવનાર પહેલો જણ પાડોશી હોય છે. ગામડા ગામમાં એવા ઘણા પ્રસંગ જોયા છે કે બે પરિવારને બહુ જ બનતું હોય અને આપણે તપાસ કરતા પૂછીએ કે તમે લોકો એક કુટુંબ થાઓ ? ત્યારે હસીને સામો જવાબ મળે કે ના, અમે લોકો કુટુંબ તો નથી પણ એથી વિશેષ અમે પાડોશીઓ છીએ. ઘરની દૂર વસી ગયેલા બાળકો પણ ગામડા ગામના પાડોશી ઘરના સારા નરસા પ્રસંગોમાં ખડે પગે હાજર થઈ જતા હોય છે અને કારણ પૂછીએ તો જવાબ મળશે કે અમારે તો બાપદાદાની ત્રણ પેઢીથી આ રિવાજ છે. એવા અનેક કિસ્સાઓ જોયા છે અનુભવ્યા છે કે ગામડાઓમાં કોઈના ઘરે જઈએ તો મૂળ ઘર માલિક હાજર ન હોય અને ઘરને તાળું દીધેલું હોય તો એનો પાડોશી તમને આગ્રહ કરીને પોતાના ઘરે લઈ જશે. ચાપાણી અને જમાડવા સુધીની તકેદારી લેશે. કેમ ? તો કે તમે એના પાડોશીના મહેમાન છો એટલે સરવાળે એના પણ મહેમાન છો એમ. આજે તો ઘરે ઘરે ટીવી આવી ગયા છે એટલે ખાસ કંઈ નવાઈ નથી પણ વર્ષો પહેલાં દરેક ઘરમાં ટીવી નહોતા. ગામમાં ગણ્યા ગાંઠ્યા લોકોના ઘરે જ ટીવી હોય ત્યારે આખી શેરીના બાળકો એ ટીવીવાળાના ઘરે ટીવી જોવા પહોંચી જાય. આખી ઓશરી ભરાઈ જાય એટલા બાળકો ટી.વી જોવા બેસેલા હોય ત્યારે પણ મગજ શાંત રાખીને એ બધા બાળકોને ટીવી જોવા દેવું એવી સમજ એ સમયે જે તે પડોશીઓને હતી. સારા કપડા અને ઘરેણાની વ્યવસ્થા દરેક ઘરમાં નહોતી ત્યારે પડોશીઓના ઘરેણા કપડે ઉજળા રહીને પ્રસંગો ઉકેલ્યા હોવાના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે.
આજે હવે બદલાતા સમય સાથે પડોશીઓની વ્યાખ્યા બદલાઈ રહી છે. પડોશીઓ એવા તો ‘નેઈબર’ બની ગયા છે કે આખી વાતમાં કોઈનેઈય બર (દમ) નથી. મોટા શહેરમાં તો અર્ધી જીંદગી નીકળી જાય તો પણ બાજુમાં કોણ રહે છે અને એ ક્યાંના છે ને શું કરે છે એના વિશેની કોઈને કશી જાણ નથી હોતી. ચોવીસ કલાક દરવાજા બંધ કરીને જીવવાનું માણસ શીખી ગયો છે. માણસ માણસથી દૂર ભાગી રહ્યો છે. પડોશીઓ સાથે એટલું અંતર આવી ગયું છે કે ચાર રસ્તે ભેગા થઈ ગયા પછી પણ એ લોકોને ખબર નથી હોતી કે આપણે આપણા પડોશીની બાજુમાંથી પસાર થઈ રહ્યા છીએ. દરવાજાની તિરાડમાંથી ડોકાઈને જોવા ટેવાયેલો માણસ સંબંધોમાં એવી તિરાડો ચીતરીને બેઠો છે કે જેની અંદર પોતે જ દિવસે ને દિવસે ખૂંપી રહ્યો છે.
અજાણ્યાઓને પણ આવો આવો, બેસો બેસો કહીને સત્કારતા પડોશીઓ તો ક્યાંય ખૂટી ગયા અને બોલો, કોનું કામ છે ? કહેતા કી હોલમાં ડોકાતા પડોશીઓ અકળામણની ફોજમાં ભરતી થઈ રહ્યા છે. શહેરોમાં મોટી થતી પેઢીઓને પડોશીઓ શું છે, એમની સાથેની હૂંફ કેવી હોય, સંબંધો કેવી હોય, રિવાજો કેવા હોય અને આડોશ પડોશના વ્યવહારમાં કઈ રીતે જીવાતું હોય છે એ વાત જ જાણે કે એ લોકો માટે એક દંતકથા બની ગઈ છે. કદાચ આ કહેવત પણ દીવસે ને દીવસે ભૂંસાઈ જશે કે ભૂલાઈ જશે કે...પહેલો સગો એ પાડોશી !
***