સંબંધ નામે અજવાળું - 16 Raam Mori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ નામે અજવાળું - 16

સંબંધ નામે અજવાળું

(16)

હાફ ટિકિટ

સપના પૂરા કરવા માટેની હાફ ટિકિટ પણ મળે ખરી ?

રામ મોરી

મુંબઈ ધારાવીની બેઠી દડીની ચાલ. ઝૂંપડપટ્ટીઓના મહાઢગ વચ્ચે પ્લાસ્ટીક અને પતરા ઓઢીને બેસેલું એક ઘર. ઘરના સદસ્યોમાં રાત દિવસ કાળી મજૂરી કરતી એક સ્ત્રી અને બે દીકરાઓ અને એક વૃદ્ધ ડોશી. પતિ કોઈ કારણસર વાંક વગર જેલમાં છે. પેલી સ્ત્રી રાતદિવસ પૈસા એકઠા કરી કરીને પોતાના પતિ છોડાવવા મથી રહી છે. વકીલ પૈસા માગી રહ્યો છે અને ને પેલી બાઈ રાત દિવસ પૈસા કમાવવા તુટી રહી છે. એ બાઈ ચાલના એક રાજકારણમાં જોડાયેલા પાવરફૂલ અન્નાની મદદ માંગવા જાય છે પણ અન્નાના માણસો અન્ના સુધી આ બાઈને પહોંચવા જ નથી દેતા. આ બાઈના બંને દીકરાઓ રેલ્વે ટ્રેક પરથી કોલસો વીણી લાવે છે. દિવસભર રખડ્યા પછી માંડ થોડા દોકડા હાથમાં આવે છે. થોડા પૈસામાંથી બંને ભાઈ કેક કે સેન્ડવીચ ખાવા દોડી જાય છે અને બાકીના પૈસા એની બાને આપે છે. વૃદ્ધ ડોશી સતત નિસાસા નાખતી હોય છે કે ઘુંટણના દુખાવાના લીધે પોતાના વહુની એ કોઈ પ્રકારે મદદ નથી કરી શકતી. બંને ભાઈઓ ઘરની પરિસ્થિતિથી વાકેફ છે પણ સપના તો પહેલેથી મોટા મોટા જોવામાં માને છે. બંને ભાઈઓ ધારાવીની ચાલ બહાર આવેલા પીપળાના મોટા ઝાડ પર ચડીને કાગડાના માળામાંથી ઈંડા લઈ આવે અને ઈંડા ફોડીને પીએ. મરઘીના ઈંડા ખરીદવાના પૈસા નથી તો કાગડાના ઈંડા ફોડીને પીએ. એની માને આ બિલકુલ ગમતું નથી. એ બંને ભાઈઓની લેફ્ટરાઈટ લઈ લેતી હોય છે. બંને ભાઈઓએ પોતાના નામ પણ એવા રાખ્યા હોય છે મોટો દીકરો પોતાના કાગડાનું મોટું ઈંડુ અને નાનોભાઈ પોતાના કાગડાના નાના ઈંડા તરીકે ઓળખાવતો હોય છે. મા નિયમિત પતિને મળવા જેલમાં જતી હોય છે અને હિંમત ખોઈ બેસેલા પતિને સાંત્વના આપતી હોય છે કે બહુ જલદી એ એમને છોડાવી લેશે. ઘરે આવીને પોતાની વૃધ્ધ સાસુ પાસે ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે કે સાસુબાઈ, હું તમારા દીકરા માટે કાંઈ કરી શકતી નથી. આ બાઈને લક્કીડ્રોમાં ટી.વી. મળે છે અને ઘરમાં ટી.વી. આવે છે. હવે વાર્તા એનું વળું બદલે છે. બંને ભાઈઓ ટી.વી.માં પીત્ઝાની એડ જુએ છે અને નક્કી કરે છે કે પીત્ઝા ખાવો છે. પીત્ઝાનો ભાવ એની બા જુએ છે તો એ સમજી જાય છે કે આ જન્મમાં પીત્ઝા ખાવા મળે એવું તો શક્ય નથી. પણ બંને બાળકોની જીદ છે કે પીત્ઝા ખાવો એટલે ખાવો. અહીંથી મા દીકરાઓ વચ્ચે ઘર્ષણ શરું થાય છે. પીત્ઝા માટે પૈસા જોઈએ છે પણ આટલા પૈસા મળે ક્યાંથી ? ચાલના બીજા અવળચંડા બાળકો લાકડી લઈને લોકલ ટ્રેન પાસે ઉભા રહે અને ટ્રેનના દરવાજે ઉભા રહીને ચેટ કરતા લોકોના હાથ પર લાકડી મારી મોબાઈલ લઈ લે એવા શોર્ટકટ આજમાવતા હોય છે. આ બંને ભાઈઓ એવો પ્રયત્ન કરવા જાય છે પણ એમનાથી એ થતું નથી, એવું કરવા માટે મન માનતું નથી. બંને ભાઈઓનો એક ભાઈબંધ છે. આ ભાઈબંધ એટલે ચાલીસી વટાવેલો રેલ્વેમાં કામ કરતો એક ટેક્નીશીયન. એ ભલો ભોળો ટેક્નીશીયન જ્યારે આ બંને ભાઈઓની પીત્ઝા ખાવાના સપના વિશે જાણે છે તો રેલ્વેના કોલસાનો ભંડાર એ બંને ભાઈઓને બતાવી દે છે. પછી તો બંને ભાઈઓ થેલા ભરી ભરીને કોલસો ઉપાડે અને વેચીને પીત્ઝા ખાવા પૈસા એકઠા કરે. હવે આ બંને ભાઈઓ પોતાની માથી એ વાત છૂપાવે છે કે એ લોકો પૈસા એકઠા કરી રહ્યા છે. એક વખત તો એવો પણ આવે છે કે મોટો છોકરો એના માને કહી દે છે કે એ લોકોને પોતાના બાપને છોડાવવામાં કોઈ રસ નથી એ લોકોને અત્યારે માત્ર અને માત્ર પીત્ઝા ખાવામાં રસ છે ! પેલી વૃધ્ધ ડોશી પણ બંને ભાઈઓને ટોકવા જાય છે તો છોકરાઓ ડોશીમાને પણ સંભળાવી દીધું કે, ‘’તમે તો ચૂપ જ રહો, મફતની રોટલીઓ ખાઓ છો !’’ બાઈ તો પોતાના છોકરાઓ પર ખરેખરની અકળાઈ અને બંને છોકરાઓ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. ફાઈનલી પૈસા એકઠા થયા એટલે બંને ભાઈઓ પીત્ઝા ખાવા જાય છે પણ સીક્યુરીટી ગાર્ડ એ લોકોને એન્ટ્રી નથી આપતો. આખરે બંને ભાઈઓને સમજાય છે કે પીત્ઝા ખાવા જવું હશે તો કપડા સારા જોઈશે. ફરીથી નવો સંઘર્ષ સારા કપડાં માટે. ફાઈનલી કપડાં મળી જાય છે અને બંને ભાઈઓ ચાલના બધા બાળકો સામે રોફ જમાવતા પીત્ઝા ખાવા પહોંચે છે. સીક્યુરીટી ગાર્ડ ફરી એ લોકોને રોકે છે અને પીત્ઝા શોપનો મેનેજર પેલા છોકરાને એક લપડાક લગાવી દે છે. આ લપડાક એવી તો વાગે છે કે છોકરો સીધો ભોંય પર. પેલા મોબાઈલવાળા ચાલના છોકરાઓએ આ આખી ઘટનાને ફોનમાં વિડિયો શૂટ કરી લીધી. અહીંથી શરૂ થાય છે ધમાચકડી. વિડિયો વાઈરલ થાય છે. ટી.વી ચેનલ્સ અને ન્યુઝ પેપર્સમાં લાંબી લાંબી ડિબેટ અને ટીકાઓ. શું આ દેશમાં ગરીબ બાળકને પીત્ઝા ખાવાનો પણ હક નથી એ વિષય પર લાંબી લાંબી ચર્ચાઓ. બંને ભાઈઓ આ આખી ઘટનાથી એવા તો ડરી જાય છે કે ધારાવીના ચાલ છોડીને ભાગી જાય છે. એ પછી રાજકીય કાવાદાવા, પીત્ઝાવાળું આ આખી ઘટનાને લઈને નવું માર્કેટીંગ આખી વાત એવી તો ચકડોળે ચડે કે આપણી આંખો ફાટી રહી જાય. આ વાર્તા મરાઠી ફિલ્મ ‘’ હાફ ટિકિટ’’ ની છે.આખરે બંને બાળકોને પીત્ઝા ખાવા મળે છે ? એ લોકો પીત્ઝા ખાઈ શકે છે ? એ જાણવા માટે તો તમારે ફિલ્મ જ જોવી પડે અને એ ક્લાઈમેક્સ જ આખી ફિલ્મની મજા છે.

2016 માં આવેલી આ ‘’હાફ ટિકિટ’’ ફિલ્મ એ મૂળે તો 2015 માં રીલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘’કાકા મુટ્ટાઈ’’ ( કાગડાના ઈંડા)ની ઓફિશ્યલ રીમેઈક છે. તામિલની આ એવોર્ડ વિનીંગ ફિલ્મના પ્રોડ્યુસર ધનુષ હતો. મરાઠીમાં આ ફિલ્મ સમીત કક્કડે ડિરેક્ટ કરી અને લેખક છે એમ. મનીકંદન અને દ્યાનેશ ઝોટીંગ. મરાઠી અભિનેતાઓનો અભિનય જોવો એ ખરા અર્થમાં એક લ્હાવો હોય છે. બાલચંદ્ર કદમ, પ્રિયંકા બોસ કદમ, શુભમ મોરે, વિનાયક પોતદાર અને ઉષા નાયક જેવા અભિનેતા અભિનેત્રીઓના નખશીખ રીયાલીસ્ટીક અભિનયે આ ફિલ્મને ધબકતી કરી દીધી છે. અહીં સંજય મેમાણેની સીનેમેટોગ્રાફી એટલી સુંદર છે કે દરેક ફ્રેમ એક પેઈન્ટીંગ જેવી લાગે છે. અનેક એવોર્ડથી પોંખાયેલી આ ફિલ્મ તમને નખશીખ સિનેમાના એક અલગ જગતમાં સફર કરાવશે. કહેવાય છે કે સિનેમા એ સમાજનું દર્પણ છે આ ફિલ્મ જોતી વખતે સમાજનો એક નવો ચહેરો નજર સામે આવશે. ભારતીય ફિલ્મોમાં મરાઠી ફિલ્મો એક અલગ જ પ્રકારનું સ્થાન બનાવી ચૂકી છે. મરાઠી ફિલ્મોની સામાજિક નિસ્બત એમની દરેક વાર્તામાં જોવા મળે છે.અહીં માત્ર ભાષા નહીં પણ સંસ્કૃતિ પણ મરાઠી જોવા મળે છે જે મોટા ભાગની પ્રાદેશિક ફિલ્મોની ઓળખ છે. રૂપાંતરણની બ્યુટી સમજવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ. સતત નવું અને કંઈક અલગ જોવા ટેવાયેલા દર્શકો માટે આ ફિલ્મ અચૂક જોવાની ભલામણ છે.

***