સંબંધ નામે અજવાળું
(8)
જીવતર આવું ઉભડક ઉભું ક્યાં લગ રેશે....હેં બા ?!
રામ મોરી
અખબારો, ન્યુઝ ચેનલ્સ, સોશિયલ મીડીયા અને ચાર રસ્તે આખું ભારત આઠ વર્ષની બાળકી આસિફા સાથે થયેલા પાશવી બળાત્કારની વાતો કરી રહ્યું હતું. જમ્મુ કશ્મીરના કઠુઆ જીલ્લાની આઠ વર્ષની બાળકી આસિફા પર અઠવાડિયા સુધી સતત ગેંગરેપ થતો રહ્યો. છેવટે પથ્થર મારી મારીને એની હત્યા કરવામાં આવી. એ નરાધમોએ માનવતાને ક્યારેય માફ ન કરી શકાય એવા કઠેરામાં ઉભી કરી દીધી છે. અપરાધીઓ પકડાશે, એને સજા થશે આ બધી હવે ક્રમાનુસાર ગોઠવાયેલી ઘટનાઓ છે, પણ આસિફા કંઈકેટલીય દીકરીઓ અને એના માબાપોના મનમાં એક મોટો કાંટાળો પ્રશ્ન મુકતી ગઈ કે હવે કોનો વારો છે ? એક પછી એક નામ આ કોઈ અદ્રશ્ય બલી પરંપરાના ભોગ બની રહ્યા છે, પીંખાઈ રહ્યા છે અને કેન્ડલ માર્ચના અજવાળે પીગળી રહ્યા છે. એક પ્રશ્ન સતત મનમાં થાય કે આ બધું ક્યાં સુધી ? અમરેલીના ચિત્તલ ગામની કવયિત્રી ચૈતાલી જોગીના ગીતની પંક્તિઓ યાદ આવે છે કે, ‘’જીવતર આવું ઉભડક ઉભું ક્યાં લગ રેશે...હેં બા !’’
ખરેખર હજું પણ આ બધી સ્ત્રીઓ ઉભડક ઉભું જીવન જ જીવી રહી છે. કંઈકેટલીય દીકરીઓ પોતાની માને આ સવાલો પૂછી રહી છે કે આ બધું ક્યાં સુધી ચાલશે ? જે યાતના અને પિડામાંથી બા તું પસાર થઈ એ જ યાતના અને પિડા ફરી અમારે પણ સહન કરવાની ?
‘’ દાઝેલા સપનાઓ લઈ હું પાણિયારે જાતી
પાણિયારે પોક મૂકીને પાણી પાણી થાતી
બળ્યાં ઉપર બળ્યું ઢાંક્યું ક્યાં લગ રેશે...હેં, બા ?!’’
દાઝેલા વાસણો તો સૌ કોઈ જોઈ શકે પણ દાઝેલા મન કોઈ કઈ રીતે તપાસી શકે ? દાઝેલા વાસણમાં કાંકરા નાખીને, કૂછડો ફેરવીને ડાઘા દૂર કરી શકાય પણ દાઝેલા સપનાને તો ફૂંક પણ કેવી રીતે મારી શકાય ? બળેલા મનને બળેલા સપનાથી ઢાંકી દઈએ. બળેલા સપના પર બળેલી લાગણીઓ ઢાંકી દઈએ. બળેલી લાગણીઓ પર બળેલા વર્તમાનને ઢાંકીએ પણ એ રીતે આ બધું કેટલો સમય ઢંકાયેલું રહેશે ? જગતની એવી કોઈ છાશ કે માખણ ખરું જે સ્ત્રીના બળેલા આયખાને ઠારી શકે ?
‘’ દિવસ આખાના હડસેલાં, ઠેબાં ને જાકારો,
અંધારું આવીને ચીતરે લોહીના આકારો !
થાકેલી આંખે અજવાળું ક્યાં લગ રેશે...હેં, બા ?!’’
ઘરની સ્ત્રીઓને ઉતારી પાડતા આજે પણ આપણને જરાય વાર નથી લાગતી. ‘તને આમાં ખબર ન પડે, આ વ્યવહારું વાત છે.’ એલા ભાઈ, જગતમાં સૌથી મોટી અને સમજદાર વ્યવહારું તો સ્ત્રી પોતે જ છે. મહેમાનોની હાજરીમાં, પતિના મિત્ર વર્તુળની હાજરીમાં નાની નાની વાતે એને અપમાનિત કરવામાં આવશે જ એ વાત એને હવે ગાંઠે બાંધી લીધી છે. ‘ડોબા જેવી, અડબમ, મૂર્ખી, જાડી ચામડીની...’ આવી ઉપમાઓ જાણે કે એના સોળ શૃંગારનો એક ભાગ હોય એમ એણે મોટું મન રાખીને સ્વીકારી લીધી છે. બધાની વચ્ચે જ્યારે જ્યારે એને જાકારો મળે છે ત્યારે પરાણે સ્મિત ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે અને ત્યાંથી ભાગી છૂટવા રસોડામાં જતી રહે છે. ગરમા ગરમ તપેલી પર પોતાનો ગુસ્સો ઉતારવા એ તપેલીના કાંઠા પર પોતાની આંગળીઓ મૂકી દે છે. હળવો સિસકારો નીકળી જાય છે પણ દાળની વરાળમાં આંખનું પાણી એ બાફી નાખે છે. વાતે વાતે એને મન ભરાઈ આવે તો રડવાની પણ છૂટ નથી કેમકે નહીંતર પાછું મહેણું આવશે કે, ‘આને તો કપાળમાં દરિયો છે.’ આખા દિવસની હડસેલાયેલી, ઠેબા ખાતી એ પોતાનાથી કંટાળીને અંધારામાં જાતને ફંફોસશે. પથારીમાં પડી પડી ઓશિકાની ખોઈમાં ખારો વર્તમાન ઠાલવશે. રડવાનો અવાજ બહાર ન આવે એટલે મોંઢામાં સાડીનો કે ડ્રેસનો પાલવ દબાવી રાખશે. પોતાના પતિ સાથે થયેલા આ મનદુ:ખમાં પોતે સમાધાન કરવા ઈચ્છતી હોય કે ન હોય પણ એનો પતિ અંધારામાં સમાધાન શોધી લેશે. પણ એને હવે આ બંધ બારણે થતા બળાત્કારને પણ કદાચ છાતીમાં ભીંસી દીધો છે. અંધારામાં પોતાના બે પગ વચ્ચે ઉકળતા લોહીમાં ખબર નહીં પોતાના ભવિષ્યના કેવા કેવા આકારો ચોળાયેલી પથારીમાં એ ચિતર્યા કરે છે. એમાં પણ યોગ્ય ‘પર્ફોમન્સ’ ન આપી શકાયું હોય તો ‘ તું તો સાવ ઠંડી છે, નીરસ !’ એ ઉપમાઓ તો પરસેવાના ટીપાઓ સાથે એની છાતીમાં ઉતરતી જાય છે. આ બધો થાક, એની પીળી પડતી જતી હતાશા, મૂંઝવણ, ગુંગળામણ, ભંડારેલો ગુસ્સો આ બધું સંઘરતી આંખોમાં રતાશ ભીના આંસુને હવે થાક લાગ્યો છે. રોજે રોજ અંધારાની મેંશ આંજતી એ આંખો ક્યાં સુધી બધાના જીવતરમાં અજવાળાના કોડિયા પૂરતી રહેશે ?
‘’ અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું,
એણે અમ પર ઢોર ગણીને અઢળક થોપી દીધું,
અમે કર્યાનું ખાતું છાનું ક્યાં લગ રેશે...હેં, બા ?!
જીવતર આવું છાનુંમાનું ક્યાં લગ રેશે...હેં, બા ?!’’
કવયિત્રી ચૈતાલી જોગીના આ ગીતમાં જાણે કે કાળનો એક ઘંટલો ફરી રહ્યો છે. એ ઘંટલાના બે પૈડા વચ્ચે સૈકાઓથી સ્ત્રીઓ દળાતી રહી છે. એક સ્ત્રી પોતાનું ઘર, ઠામઠેકાણું, ગોત્ર અને અટક સાથે કેટલીક જગ્યાએ તો નામ પણ છોડીને સાસરિયામાં પ્રવેશ કરે છે. કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી ભોજયેષુ માતા શયનેષુ રંભા. પદ્મપુરાણના આ શ્લોક અને પરંપરા પ્રમાણે હજું તો એણે ગૃહપ્રવેશ કર્યો છે કે એના પર આ બધી જવાબદારી સોંપી દેવામાં આવે છે. આ બધું નિભાવતી સ્ત્રીનું સમ્માન જળવાય એવું કેટલા ઘરોમાં થાય છે ? આપણા પુરાણોમાં પણ સ્ત્રીઓ પ્રત્યે ખબર નહીં ક્યા કારણોસર પણ અન્યાય થતો હોય એ રીતે જ બધી વાતો લખવામાં આવી છે. મહાભારતના ઘણા શ્લોકમાં અને મનુસ્મૃતિમાં સ્ત્રીઓની સ્વતંત્રતા અને મન પર ઘણા અંકુશ મુકાયા છે. મહાસતિઓ કાંટાળા તાજ પહેરીને એ યુગયુગાંતરથી અગ્નિપરિક્ષાઓ આપી રહી છે, ગર્ભાવસ્થાના કાળમાં વનમાં કોઈ કારણ વિના ચરિત્ર સાચવવા તરછોડાઈ છે, દ્યુતસભામાં વસ્તુની જેમ જીતાઈ છે, ભરસભામાં રજસ્વલા અવસ્થામાં પણ એનું વસ્ત્રાહરણ થયું છે, પતિ દ્નારા અર્ધા વસ્ત્રમાં વનમાં ત્યજાઈ ચૂકી છે, કાશીની બજારમાં વેચાઈ છે, યુધ્ધ પ્રમાણે એના પતિ બદલાયા છે અને એ નિસહાય મૂંગામોંઢે રામકૃપા સમજીને શરીર સોંપતી રહી છે,પોતાના મૃત્યુ પામેલા દીકરાના શવને અગ્નિસંસ્કાર આપવા લાકડાની ભીખ માંગતી સ્મશાનમાં વિલાપ કરતી એકલી મૂકી દેવાઈ છે....આ બધી સ્ત્રીઓને આપણે મહાસતિ કહીએ છીએ, એણે ભોગવેલા દુખો માટે માટે ગર્વ અનુભવીએ છીએ. નમન કરીએ છીએ અને આવનારી દરેક સ્ત્રીઓને કાયમ આ પાંચ મહાસતિઓ ઉદાહરણ ટાંકીને કહેતા રહીએ છીએ...જુઓ આને કહેવાય સ્ત્રી, આને કહેવાય ધર્મ, આને કહેવાય જીવન...જાઓ જીઓ...કાળના કોળિયા હજમ થઈ જવા માટે આવનારી પેઢીની કંઈકેટલીય આસિફાઓનું આ સમાજ સ્વાગત કરે છે. આસિફા તારા મૃત્યુ પર અસહાયતા સિવાય અમારી પાસે બીજું કશું નથી. અફસોસ એ વાતનો છે કે તું પણ બહુ જલદી નિર્ભયાની જેમ જ ભૂલાઈ જવાની છે !
***