સુખની અવધિ ખુબજ ટૂંકી હોય છે . ખુશી હંમેશા ચમચીભર જ હાંસિલ થાય છે ,જયારે દુઃખ ગાડા ભરીને આવે છે . માનવ આ વાત જાણતો હતો . અનોખી સાથેનો તેનો સંગાથ ટૂંક સમયનો હતો . પણ તેમના સંબંધને જમાનાની બુરી નજર લાગી ગઈ હતી . આ કારણે તે માનસિક રીતે પરેશાન હતી . માનવ પણ ગડમથલ અનુભવી રહ્યો હતો . તેની હાલત સિનેમાની નાયિકાના જેવી થઈ ગઈ હતી . આ હાલતમાં તેણે નાની અમથી વાતમાં અનોખીને ઝાટકી નાખી હતી . પોતાની બદબોઈ કરનારા ઓફિસના લોકો જોડે પણ તે હસી હસીને વાત કરતી હતી . આ વાત માનવને સતત ખૂંચતી હતી . તેણે અનોખી પર ગુસ્સો કર્યો હતો . છતાં તેણે કોઈ ફરિયાદ કરી નહોતી , ન તો તેનો કોઈ વિરોધ કર્યો હતો . તે માનવના ગુસ્સાથી વાકેફ હતી . તેનો ગુસ્સો ક્ષણેક પૂરતો રહેતો હતો . બીજી મિનિટે જ તે પોતાની લાગણીના મીઠા જળથી અનોખીને પલાળી નાખતો હતો . તેને દુઃખી થવાનો મોકો પણ આપતો નહોતો .
માનવને દાંતથી નખ કરડવાની બુરી આદત હતી . તે છોડવા માટે તેણે ઘણા ફાંફા માર્યા હતા . છતાં તે આદતથી છુટકારો મેળવી શક્યો નહોતો . નખ કરડવાની આદત તેને મોંઘી પડતી હતી . તેને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હતો . તેની આંગળીના નળા પાકી જતા હતા . આ હાલતમાં એક વાર તેને ક્લોરોફોર્મ સુંઘાડવાની નોબત આવી હતી . તેને નસ્તર મૂકવું પડ્યું હતું . માનવે તેના આ અનુભવની વાત અનોખીને કરી હતી . તે સાંભળી અનોખી ખુબજ નારાજ થઈ ગઈ હતી .
' છી ! તમે કેવા ગંદા છો ! આ ઉંમરે પણ એક નાના બાળકની માફક નખ કરડો છો !! '
માનવ જાણતો હતો . સતત ટેન્શનમાં રહેતા વ્યક્તિ ની આ આદત સાથીદાર હોય છે . ભલભલી મહાન વ્યકિત પણ તેના ચુંગાલમાંથી છૂટી શકી નથી . એક મહાન ક્રિકેટરનો દાખલો તેની આંખો સામે તરતો હતો .
માનવે તેનો દાખલો અનોખી સામે ટાંકયો હતો .પણ આ વાત તેના ગળે ઉતરી નહોતી . તેની બોડી લેન્ગવેજ તેની નારાજગીની ચાડી ખાઈ રહી હતી . તે જોઈ માનવે મનમાં ગાંઠ વાળી હતી . તે આ આદત છોડી દેશે . તેણે ભાવુક બની અનોખીને અરજ કરી હતી !
' હું આ આદતથી છૂટકારો મેળવવા ચાહું છું . જ્યારે પણ મને નખ કરડતાં જુએ તો મારા હાથ પર મારી મને રોકી લે જે ! '
અનોખી તેનો એક પિતાની માફક આદર કરતી હતી . બંનેની ઉંમરમાં પણ મોટો તફાવત હતો . તે ભલા પોતાના પિતા જોડે એવો વ્યવહાર કઈ રીતે કરી શકે ? તેણે અત્યંત સહજભાવે તેની અરજનો અસ્વીકાર કરતા સવાલ કર્યો હતો .
' એક દીકરી પોતાના બાપને કઈ રીતે મારી શકે ? '
તેનો સવાલ સુણી માનવ ચૂપ થઈ ગયો હતો . તેણે પોતાનો કોઈ જ પ્રતિભાવ જાહેર કર્યો નહોતો . છતાં તેની ટકોર એક મોટો ચમત્કાર સર્જી ગઈ હતી .
બરાબર એક મહિના પછી પોતાની આંગળીના વધી ગયેલા નખ અનોખીને દેખાડતા સવાલ કર્યો હતો .
' અનોખી ! તને કોઈ ફરક જણાય છે ? '
' તમે આદત છોડી દીધી ? '
' હા એક દાદીમાએ મને આ આદતમાંથી મુક્ત કરાવ્યો છે . '
' કોણ છે તમારી દાદીમા ? ' અનોખીએ મોઢું બગાડતા સવાલ કર્યો .
માનવ આ વાત ગોપિત રાખવા માંગતો હતો . છતાં થોડી વાર તેને ટેન્શન આપવાની લાલચ તેના પર હાવી થઈ ગઈ . દાદીમા કોણ હોઈ શકે ? અનોખી જાણતી હતી . તેની બોડી લેન્ગવેજ પણ આ વાતની ગવાહી દેતી હતી . તે માનવના મોઢે સાંભળવા માંગતી હતી . તેની આતુરતાનો માનવને અણસારો આવી ગયો હતો . આ હાલતમાં તેણે ઝટ દઈને ઘટસ્ફોટ કરતાં સવાલ કરી લીધો .
' તારા સિવાય અન્ય કોણ હોઈ શકે ? '
' શું તમે મને આટલી બધી ચાહો છો ?
' હા અનોખી ! ભગવાન સાક્ષી છે . આપણે જેને ચાહિયે છીએ તેની નાની અમથી ટકોર પણ મહત્તમ પરિણામ આણી શકે છે ! '
અનોખીની ટકોરે તેને પોતાની આદતમાંથી મુક્તિ અપાવી હતી . તેણે આ મામલામાં દેખીતી રીતે કોઈ ભૂમિકા નિભાવી નહોતી . છતાં તેની તીખી તમતમતી ટકોર પોતાનું કામ કરી ગઈ હતી . આનો જશ માનવે અનોખીને આપ્યો હતો . ત્યારે અનોખીએ તેનો અસ્વીકાર કરતા અત્યંત સલૂકાઇથી જવાબ વાળ્યો હતો .
' આ તો ભગવાનની કામગીરી છે . હું તો આ મામલામાં કેવળ નિમિત્ત બની છું ! '
અમુક વરસો પહેલા માનવને સિગારેટ પીવાની લત લાગી ગઈ હતી . સિગારેટ તેને માટે હાનિકારક હતી . છતાં રુચિના મતલબી , નાદાન વર્તાવે માનવને હતાશાની ઊંડી ખાઈમાં ફંગોળી દીધો હતો . તેણે દીધેલા જખમોને કારણે માનવ બુરી રીતે ઘવાયો હતો , જેને કારણે સિગારેટ નામની બુરી બલા તેના ગળે વળગી હતી . તેણે સિગારેટનું શરણું લઈ બહું મોટી ભૂલ કરી હતી . તેણે સિગારેટ છોડવા માટે ખૂબ જ યત્નો કર્યા હતા પણ તેને પારાવાર નિષ્ફળતા હાથ લાગી હતી . તેણે સિગારેટ કેમ પીવાનું શરૂ કર્યું હતું . આ વાત પોતાની પત્નીને કહી શક્યો નહોતો . સિગારેટને કારણે તેને છાતીમાં બળતરા થતી હતી . સિગારેટ પીવાથ લંગ કેન્સર થવાનો ખતરો પણ હતો . અકાળે મોત થઈ જવાનો ભય તેના દિલો દિમાગ પર સવાર થઈ જતો હતો .
માનવ પોતાની દીકરી મુસ્કાનને બેસુમાર ચાહતો હતો . તેની દરેક વાત માનતો હતો . છતાં સિગારેટના મામલામાં તે મુસ્કાનની વાત માની શક્યો નહોતો .
એક વાર તેને છાતીમાં સખત પીડા ઉપડી હતી . પોતાના પિતાની દર્દનાક હાલત નિહાળી મુસ્કાન ડરી ગઇ હતી . તેણે પહેલીવાર પોતાના પિતા પર ગુસ્સો કરતા આકરા વેણ ઉચ્ચાર્યા હતા :
' આટલી બધી તકલીફ થાય છે તો પછી સિગારેટનો કેડો કેમ મૂકતા નથી ? હવેથી સિગારેટ પીધી છે તો હું તમારી સાથે બોલવાનું બંધ કરી દઈશ ! '
પોતાની વ્હાલસોયી દીકરી તેની સાથે અબોલા લેવાની વાત કરશે તેવી માનવે કલ્પના સુદ્ધાં કરી નહોતી . તેની ધમકી જાદુઈ ચમત્કાર કરી ગઈ અને તે જ પળથી તેની સિગારેટ કાયમ માટે છૂટી ગઈ હતી .
અનોખી આ મામલામાં મુસ્કાનને ઓવર ટેક કરી ગઈ . તેણે નખ કરડવાની આદત છોડાવી દીધી હતી . અનોખીની લાગણી માનવ માટે જીંદગીનું મસમોટું બોનસ પુરવાર થઈ હતી .
તેણે રુચિ વિશે અનોખીને હવાલો આપ્યો હતો .
' તેને કારણે મારી પત્ની અર્ચનાને અત્યંત હાલાકી, મુસીબતોનો સામનો કરવો પડ્યો છે . બસ તેને એટલો વિશ્વાસ આપજે . જુવાન દીકરીની ચીર વિદાયથી તે બિલકુલ તૂટી ગઈ છે . રુચિના નાદાન વર્તને તેને દાઝયા પર ડામ દીધા જેવી ધ્રુષ્ટતા કરી હતી . બે દિવસ તેણે મને રાતા આંસૂ રડાવ્યો હતો . ભોળી અર્ચનાને તેના ચહેરામાં મૃત દીકરીની ઝલક દેખાતી હતી . તેણે રુચિમાં પોતાની દીકરીથી વિશેષ વિશ્વાસ મુક્યો હતો . જેની અમારે ભારે કિંમત ચૂકવવી પડી હતી . બસ આ વાતનું પુનરાવર્તન ના થાય તેનો ખ્યાલ રાખજે . મારી લાગણી રુચિની માફક એક તરફી હોય તો પ્લીઝ કહી દે જે . જેથી મને કે તને કે મારી પત્નીને કોઈ તકલીફ ના થાય . '
' મારી પત્ની બોલી નથી શકતી . પણ તે બધું સમજી શકે છે , અનુભવી શકે છે . આ વખતે મેં લાગણીની દોટમાં થાપ નથી ખાધી .આ વાતનો તેને અહેસાસ કરાવવો આવશ્યક છે . હું તારા હાથોમાં સલામત છું . તે ભલે પોચટ હોય પણ તે ખૂબ જ ખેલદિલ છે . '
' તમે આ બાબત નચિંત રહેજો . હું તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું ! '
' વેલ ! અનોખી તું તો જાણે છે . હું અત્યંત ગરીબ છુ . આ જ કારણે હું મારી દીકરીને ગુમાવી બેઠો છું . મારી આ ગરીબી આપણાં સંબંધમાં અભિશાપ બની તિરાડ તો નહીં પાડે ને ? આ ભય સતત મને તેની મુઠ્ઠીમાં કેદ કરી લે છે . '
' પૉપ , તમે ખરેખર મહાન છો ! તમે કેટલું બધું વિચારો છો , ઝીણું કાંતો છો ! '
અનોખી જાણતી હતી . માનવના હાથ ખાલી હતા . છતાં તે પ્રેમ લાગણીનો મબલખ વેપલો કરતો હતો .
હું બહુત નાદાન મૈં કરતા હું નાદાની ,
બેચકર ખુશીયા ખરીદુ આંખ કા પાની ,
હાથ ખાલી હૈ મગર વ્યાપાર કરતા હું ,
આદમી હું આદમી સે પ્યાર કરતા હું ,
સગાઈ બાદ માનવે અનેક વાર ફોન પર મૌલિક જોડે વાત કરી હતી .
તે વારંવાર મૌલિકને એક જ અરજ કરતો હતો .
' મૌલિક ! અનોખી મારી દીકરી છે . અત્યંત ભોળી તેમ જ સરળ છે . બસ તેનું ધ્યાન રાખજે . '
તે પોતાના મંગેતર સાથે વાતચીત કરતો હતો . તે શું વાત કરતો હતો ? આ બદલ અનોખી કુતૂહલ અનુભવતી હતી . તે શુ વાત કરતો હતો ? તે જાણવાની કોશિશમાં તેને સવાલ કર્યો હતો . તેનો જવાબ આપતા અનોખીને ચિઢવવાના આશયે કહ્યું હતું .
' મારી અનોખી થોડી ઘણી પાગલ છે તેનું ધ્યાન રાખજો ! '
' ચાલો જૂઠાડા તમે કદી આવી વાતો કરી જ ના શકો ! '
' તને મારા પર એટલો બધો વિશ્વાસ છે .'
' મારી જાત કરતાં પણ વધારે ! ' અનોખીએ આછું સ્મિત રેલાવતા જવાબ આપ્યો.હતો . તેની ગાલોના ખંજન નિહાળી માનવ હરખ વિભોર બની ગયો હતો .
અનોખી ક્યારેક ગુસ્સામાં આવી જઈને જંગલી બિલાડી જેવો વર્તાવ કરતી હતી . બસ તેની આ એક જ આદત માનવને પરેશાન કરતી હતી . જે શખ્સ તેના પર ગુસ્સો કરતો હતો , તેને નારાજ કરતો હતો . તેની પીઠ પાછળ અનોખી ચેનચાળા કરતી હતી . આ કારણે તે ક્યારેક મોટી મુસીબતમાં મુકાઈ જશે . તે ખ્યાલે માનવ મનોમન થથરી જતો હતો . તે અનોખીની આદત છોડાવવા માંગતો હતો . તેણે આ બાબત ચેલેન્જ ફેંકી હતી .
' હું તારી આદત છોડાવીને જ જંપીશ ! '
અને માનવ પોતાની લાગણીના બળ પર મુસ્તાક આ ચેલેન્જ જીતી ગયો હતો .
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
થોડા દિવસ બાદ માનવ છાપામાં એક જાહેરાત વાંચે છે :
' ઘોડે ચઢવા તૈયાર થયેલ નવ યુવાનને કિડનીની તાતી જરૂરત છે . કિડની દાતાને મોઢે માંગી રકમ આપવામાં આવશે .
એડ વાંચી માનવ તરત જ હોસ્પિટલ દોડી જાય છે .
તેની દીકરીના કરિયાવર માટે માનવને દોઢ બે લાખ રૂપિયાની જરૂર હતી . શરત પ્રમાણે તેને કિડનીના બદલામાં આટલા પૈસા તો આસાનીથી મળી શકશે .
.
સત્વરે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો આરંભ થાય છે . માનવના સારા નસીબે તેની માન્સ પેચી દર્દીની જોડે મેચ થઈ જાય છે .
ટ્રાન્સપ્લાન્ટ બાદ માનવને થોડી વાર વોર્ડમાં એક પલંગ પર રાખવામા આવે છે .
થોડી વારે એક યુવતી વૉર્ડમાં દાખલ થાય છે .
તે પોતાની જાતે કિડની દાતાને મળી તેનો આભાર માની જાહેર કરેલી રકમ હાથોહાથ આપવાની ઈચ્છા સાથે તેની પાસે પહોંચી જાય છે . તેનો ચહેરો જોઈ અનોખી ચોંકી જાય છે .
' પૉપ ! તમે ? ' કહેતી તે કિડની દાંતના ખોળામાં માથું મૂકી રડવા લાગે છે .
' પૉપ ! તમે તમારી જાતને જોખમમાં મૂકી મારો ચૂડી ચાંદલો બચાવી લીધો .'
માનવે અજાણતા પોતાના હાથે દીકરીના કરિયાવર ખાતર જે વ્યક્તિને પોતાની કિડની દાન કરી હતી તે જ દીકરીનો ભાવિ ભરથાર નીકળ્યો . તેના હાથે જ આવું પુનિત કામ થયુ હતું . આ બદલ તે પરમ કૃપાળુ ઈશ્વરનો પાડ માને છે .
અનોખી માનવની છાતી પર માથું મૂકી કરૂણ વિલાપ કરે છે !
' પૉપ ! આ તમે શું કરી નાખ્યું ? મારી ખાતર તમે તમારી જાતને નેવે મૂકી દીધી ! '
તેની પાછળ ડોકટરની મનાઈ હોવા છતાં મૌલિક અનોખીની પાછળ વોર્ડમાં દાખલ થાય છે . કિડની દાતાનો ચહેરો નિહાળી સ્તબ્ધ થઈ જાય છે .
તેને જોઈ અનોખી હરખના આંસૂ વહેવડાવે છે .
' અનોખી ! તારા પોપે પોતાની જાતને જોખમમાં મૂકી મારી જિંદગીનું રખોપુ કરી પોતાનું કર્તવ્ય બજાવ્યું છે . હવે તેમના હક્કની રકમ અદા કરી તારી ફરજનું પાલન કર ! '
પોતાના આંસૂ લૂછી અનોખી એક કવર માનવના હાથમાં થમાવવાની કોશિશ કરે છે .
અનોખીનો હાથ પાછો ઠેલતાં માનવ ગદગદ થઈ કહે છે .
' ગાંડી ! લાગણીના તે કંઈ દામ હોતા હશે ? એક બાપ પોતાની દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે તે ભલા તેના પતિને બચાવવાની કિંમત કઈ રીતે વસૂલી શકે ! ? '
' પૉપ હું જાણું છું . તમે એક લાગણી પ્રધાન પિતાની સદૈવ ભૂમિકા નિભાવી છે . તમે આદર્શવાદી છો . દીકરીના ઘરનું પાણી પીવાના હકકમાં નથી . પણ આજે તમારા મહત્તમ અંગના ભોગે તમે મારા ભાવિ ભરથારને નવી જિંદગીની લહાણી કરી છે . તમે કરેલા આ ભવ્ય ત્યાગનો બદલો પૈસાના ત્રાજવે તોળી શકાય તેમ નથી . આ પૈસા હું તમારા ત્યાગના બદલામાં આપી તમારી લાગણી તેમ જ ભાવનાની અવહેલના કરવા માંગતી નથી . ભગવાને કદાચ આ શુભ કાર્ય તમારા હાથે જ કરવાનો લેખ લખ્યો હશે . તમને તકલીફ થશે એ ખ્યાલે મેં તમને મૌલિકની બીમારી વિશે અંધકારમાં રાખ્યા હતા . છતાં ભગવાનની મરજી અલગ હતી . તેણે ગમે તે રીતે તમને મૌલિક સુધી પહોંચાડી દીધા . ભગવાને કદાચ તમારી નિર્ધનતાને દૂર કરવા માટે જ તમને અહીં મોકલાવ્યા છે .આ પૈસા હું તમારી ચીનુ ખાતર જ આપું છું . '
પતિની વાતને અર્ચના પણ મુક સમર્થન આપે છે . તેની દરિયાદિલી નિહાળી અનોખી અંજાઈ જાય છે .
' પૉપ ! મોમ તમારા કરતા વધારે સ્માર્ટ છે ! '
તેમના ગાલે પ્રેમથી ટપલી મારતા , મીઠો છણકો કરતા અનોખી તેમની લાગણીને હૃદયપૂર્વક બિરદાવે છે .
થોડા દિવસ બાદ માનવનો વિશ્વાસ સાર્થક થાય છે .
' અંકલ ! હું કાલે ગાંધી ધામ જઇ રહ્યો છું . તમે તમારી પાર્ટીની પુરી ડિટેલ્સ મને ફેક્સ કરો . તમારી પાર્ટીને ફોન પાર જાણ કરી મને પૈસા આપવાની પરવાનગી આપી દો . હું તેની જોડે ફોડી લઈશ ! '
માનવ જાણતો હતો . શિવ શંકર એક જૂઠો , કંજૂસ તેમ જ લબાડ માણસ હતો . તેની પાસેથી પૈસા કઢાવવા લોઢાના ચણા ફાકવા જેવું વિકટ કાર્ય હતું . છતાં તેને મૌલિકની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ હતો . તે મૌલિકની સફળતા માટે શુભેચ્છા પાઠવે છે !
' May God bless you and all the best ! '
અને મૌલિક તેના પર મુકવામાં આવેલ વિશ્વાસને સાર્થક કરે છે . વિવાહની કંકોતરી સાથે વસુલ કરેલી રકમ લઈ તે માનવના ઘરે પહોંચી જાય છે . પોતાના પૈસા મળી જતા તે રાહતની લાગણી અનુભવે છે . પોતાની દીકરીનું કરિયાવર કરવા તેને સમર્થ બનાવ્યો હતો . આ બદલ તે પરમ કૃપાળુ ઈશ્વરનો પાડ માને છે .
અને વિવાહના ૩ દિવસ અગાઉ માનવના સરનામે એક કુરિયર આવે છે .
સહી કરી માનવ ઝટપટ કવર ફોડે છે !
અંદર એક ડિમાન્ડ ડ્રાફ્ટ હતો . તે જોઈ માનવની આંખો ચકચોન્ધ થઈ જાય છે .
શિવ શંકરે વ્યાજ સહિત તેના પૈસા મોકલ્યા હતા ! તેનો મતલબ થતો હતો . અનોખી અને મૌલિકે પોતાના ગજવામાંથી પૈસા આપી મોટો સ્ટંટ કર્યો હતો .
તે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના ડ્રાફ્ટ બેંકમાં જમા કરી દે છે .
અનોખી અને મૌલિકે તેની આગળ મોટું જુઠાણું હાંકયું હતું . તે જાણી પતિ પત્નીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો . પણ તેની પાછળ બંનેની સાચુકલી લાગણી છુપાયેલી હતી . તેનો એહસાસ થતાં બંને તેમને માફ કરી દે છે .
વિવાહની આગલી રાતે જ મૌલિકની ગાડી તેમને લેવા આવે છે અને આ દંપતિ અનોખીના ઘરે પહોંચી જાય છે .
ચંદ કલાકોમાં અનોખી પોતાના સાસરે વિદાય થઈ જશે . આ વાતે બંને માનસિક યાતના અનુભવે છે .
કરિયાવર નિહાળી અનોખીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે . લાખ મના કરવા છતાં માનવે કરિયાવરની રસમ નિભાવી એક બાપની ફરજ નિભાવીને જ રહયો .
પિતાની બાહોમાં ખુશીના આંસુ વ્હાવતા તેને ઠપકો આપવાનો હક્ક અદા કરે છે .
તેણે પોતાના પિતા આગળ જુઠાણું હાંકયું હતું . તે બદલ ક્ષમા યાચના કરે છે .
' સોરી ! પૉપ . તમને સહાય કરવાનો અમારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો . '
કહેતા તેની આંખો ચુઈ પડે છે .
માનવ અનોખીને ગળે લગાડી તેના પર હેતની વર્ષા કરે છે . તેના પર પ્રસંશાના ફૂલ વરસાવે છે .
' દીકરા ! તારી જગાએ મારી દીકરી મુસ્કાન પણ હોતતો ? તેણે પણ આવી જ કોઈ ચેષ્ટા કરી હોત . તે જાણતી હતી કે હું દીકરીના પૈસાને હાથ લગાવતો નથી ! '
અનોખી પોતાના પતિની કોટે વળગી આક્રંદ કરી રહી હતી તે જોઈ અર્ચનાના હૈયામાં અહોભાવની લાગણી જાગે છે .
' પૉપ ! હું તમારી લાગણીની સરાહના કરતા તમારું કરિયાવર સ્વીકારી લઈશ પણ બે શરતે . તમારે કરિયાવરમાં ચીનુ મને આપવી પડશે . હું જ તેને ઉછેરીને મોટી કરીશ , તેને ભણાવી ગણાવી લાયક બનાવીશ મારા હાથે તેના લગ્ન કરાવીશ . મુસ્કાનની જવાબદારી અદા કરીશ ! અને મહિને દહાડે ખર્ચા પાણીના પૈસા મોકલાવું તેનો સ્વીકાર કરવો પડશે . તમે હા પાડો અને મારા માથે હાથ મૂકી આશીર્વાદઆપો ! 'નહીં તો હું આજ પછી તમારી દીકરી નહીં ને તમે મારા પૉપ નહીં . '
અનોખી બોલી રહી હતી પણ તેમાં અવાજ મુસ્કાનનો હોવાનો માનવને ભ્રમ થાય છે અને તે મુક થઈ જાય છે . અનોખીએ કોઈ વિકલ્પ જ નહોતો આપ્યો . આ હાલતમાં અનોખીની બધી શરત તે કબુલી લે છે . અર્ચના આછું સ્મિત વેરી તેના નિર્ણયને સમર્થન આપે છે .
ચીનુને પણ જાણે માં મળી ગઈ હોય તેમ અનોખીને વળગી પડે છે .
અનોખી અને મૌલિક ચીનુને લઈ શણગારેલી કારમાં બેસે છે . અને માનવના કાનમાં ફિલ્મ ' નજરાના ' નું ગીત ગુંજવા માંડે છે :
એક પ્યાસા તુજે મૈખાના દિયે જાતા હૈ ,
જાતે જાતે યે નજરાના દિયે જાતા હૈ ,
૦૦૦૦૦૦૦૦૦૦ ( સંપૂર્ણ )