ગુસ્સો આવે ત્યારે... Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુસ્સો આવે ત્યારે...

નાનું બાળક હોય, કિશોર કિશોરી કે સ્ત્રી-પુરૂષ ગમે તેટલા પુખ્ત હોય તો પણ બધા એક બાબતમાં સમાન છે, બોલો કઇ બાબતમાં ? ગુસ્સામાં. માણસ અમીર હોય, મધ્યમવર્ગનો હોય કે ગરીબ હોય, ગુસ્સો બધાને આવે છે. જો કે એને પ્રદર્શિત કરવાની રીતો અલગ હોય છે. મનોવૈજ્ઞાનિક માને છે કે દરેક ‘જણ’ ગુસ્સે થાય છે, અને આને કાબૂમાં રાખનાર કે એના ઉપર વિજય પ્રાપ્ત કરનાર જ સમજદાર હોય છે.ગુસ્સો માંદગી કે તંદુરસ્તી અવૈચારિક તબાહી કે સર્જનાત્મક પ્રવૃત્તિ,ખુશી કે ગમ વગરે જેવી બાબતો માટે જવાબદાર હોય છે. જો ગુસ્સા કે ક્રોધને દબાવી દેવામાં આવે તો આપણને અને આપણે જેને પ્રેમ કરતા હોઇએ કે ચાહતા હોઇએ એમને નુકસાન પહોંચાડી શકે છે. વિશ્વના મોટા ભાગના લોકો ગુસ્સાને કાબુમાં ન રાખીને ઘણું બધું નુકસાન વેઠે છે, આર્થિક અને સમાજીક. અને આ જ લોકોને ખબર નથી કે ગુસ્સાને હકારાત્મક રીતે કાબુમાં કરી શકાય તો લાભદાયક સાબિત થઇ શકે છે. એવું જોવામાં આવે છે કે યુવાનીમાં માણસ પાસે ગુસ્સો કરવા માટે ઘણા કારણો હોય છે, ઘણા પરિબળો અને પરિસ્થિતિઓ હોય છે. એમ કહો કે કેટલાક ઉશ્કેરણીજનક આવેગો હોય છે જેને એ કાચી ઉમરમાં કાબૂમાં કરી લે તો ઘણા પાપ કે ગુના થતા અટકી શકે છે.બાળકને મનગમતું રમકડું કે ચોકલેટ કે કેડબરી ન મળતા એ ગુસ્સો કરે છે. યુવાનને પપ્પા સ્પીડી અને ‘ઝકાશ’ બાઇક અપાવતા નથી એ માટે ગુસ્સો આવે છે તો કેટલાક ‘ક્રાંતિકારી’ વિચારધારા પ્રત્યે આકર્ષાયેલા નવયુવાનને આખી સામાજિક ‘સિસ્ટમ’ જ સડેલી લાગે છે. જેને એ જડમૂળથી બદલી દેવા માગે છે અને રાજકારણી, નેતાઓ,ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ ઉપર ગુસ્સો આવે છે તો ઘરમાં પતિને ક્યારેક પત્ની ઉપર તો ક્યારેય બાળકો ઉપર ગુસ્સો આવે છે. (મહિનાના અંત તરફ જ્યારે ખીસ્સા ‘ખાલી’ થઇ જાય ત્યારે ગુસ્સો વધારે છલકાય છે, એ નોટ કરજો!) વહુને સાસુ ઉપર ગુસ્સો આવે છે કે સાસુ એને ‘મહેણા’ મારતી રહે છે અને શાકમાં મીઠું ઓછું હોવાની કે ભાખરી થોડીક કડક થઇ જવાની અને બપોરે વહુ આરામ કરવા આડી પડે કે સાસુ ખટખટ કરીને એને ઉંઘવા ન દે ત્યારે વહુને ગસ્સો આવે છે! આમ ગુસ્સો તો સર્વત્ર છે. પરંતુ એક સારી વાત એ છે કે માણસ આધેડ વયનો થાય કે ગુસ્સો એમાંથી રવાના થઇ જાય છે! ઘરડાઓને એકદમ ગુસ્સો નથી આવતો કેમ કે એમણે અપમાનની સાથે ગુસ્સાને ‘પી’ જવાની કળા પણ હસ્તગત કરી લીધી હોય છે!

વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું કે જે ડ્રાઇવરો વધુ ગુસ્સામાં હોય છે અને ગુસ્સામાં ગાડી હંકારતા હોય છે તેઓે અકસ્માત વધારે કરતા હોય છે! (નેક્સટ ટાઇમ તમે જો તમારા બોસ સાથે ઝઘડો કરીને ઘરે જઇ રહ્યા હોવ ત્યારે શાંતિથી ગાડી હંકારજો. બોસનું તો શું છે કે બીજો મળી જશે પણ આ જિંદગી ફરીથી નહીં મળે!) માણસને ગુસ્સો આવે અને એને એની જાણ ન હોય ત્યારે ચિંતા અનુભવે છે અને આને લીધે જ તો ડોક્ટરોને ઘી કેળાં છે! તમે ચિંતામાં હોવ ત્યારે પેટમાં ચાંદી પડી જવી, બ્લડપ્રેશર વધી જવું માથું દુખવું કે ચક્કર આવવા જેવા લક્ષણો દેખાવા માંડે છે અને ત્યારે ફરજિયાત પણે ડોક્ટરોને ઘી કેળાં કરાવવાં પડે છે! અને ગુસ્સામાં,ક્રોધમાં કે વિવાદમાં તમે જે ખાવ છો એના કરતાં ગુસ્સો તમને વધારે ખાઇ જાય છે એ હંમેશા યાદ રાખજો.

એરીસ્ટોટલે કહ્યું હતું કે કોઇના ઉપર ક્યારે ગુસ્સો કરવો એ પણ એક કળા છે.

પરંતુ મોટા ભાગના માણસો આ કળાથી વંચિત છે. ઘણા લોકો નાની નાની બાબતમાં સામેવાળી વ્યક્તિનો વાંકગુનો ન હોય ત્યારે પણ ગુસ્સે થઇ જાય છે. એનાથી આવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય તો તમે તમારી જાતને એની નજરોથી પાડી દો છો! એના મનમાં તમારા વિશે ખોટો પુર્વગ્રહ કે ગુસ્સો કે નકારાત્મક લાગણી જન્મી શકે છે. સામેવાળી વ્યક્તિ હોદ્દામાં તમારાથી નાની હોય ત્યારે એ ચુપચાપ સહન કરી લેશે પરંતુ સામેવાળી વ્યક્તિ હોદ્દામાં તમારી સમકક્ષ હોય તો શક્ય છે કે તમારે પણ એના રોષનો ભોગ બનવું પડી શકે છે. એરીસ્ટોટલની વાત તમે સારી રીતે સમજી શકો તો કદાચ સામેવાળી વ્યક્તિના સ્વભાવને પણ સમજી શકો. ગુસ્સો કરવાનો એક અર્થ એવો છે કે તમે તમારી જાતને બીજાના કાબૂમાં સોંપી દો છો. કારણ કે માણસ ગુસ્સો થાય ત્યારે પોતાના દિમાગ અને પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી દે છે અને ઘણીવાર તો સામેવાળી વ્યક્તિની ચાલમાં ફસાઈ પણ શકે છે. માણસ ગુસ્સામાં હોય ત્યારે લગભગ સાચું બોલતો હોય છે. એટલે કોઇ સત્ય વાત કઢાવવા માટે પણ તમને ગુસ્સે કરી શકે છે. કેટલાક વકીલો (અદાલત ટીવી શ્રેણીના કે.ડી. પાઠકની જેમ) સાક્ષીને કે આરોપીને એવી રીતે ગુસ્સો કરે છે કે એ ગુસ્સામાં સત્ય બોલી દે છે. એટલે પ્રશ્ન થાય કે શું ગુસ્સે થવું નહીં? ગુસ્સે ન થાવ તો કેટલીક વખત લોકો આપણને નિર્બળ સમજે છે. જોણે ગુસ્સો કરવો એ જ મર્દાનગીની નિશાની છે! ખરી વાત તો એ છે કે મનોવૈજ્ઞાનિકોના મત મુજબ કેટલાક લોકોનું લગ્નજીવન સફળ નથી હોતું એ માણસો બેડરૂમની નિષ્ફળતાને લીધે એવા ચીડીયા થઇ જાય છે કે નાની નાની વાતોમાં પણ ગુસ્સો કરે છે. ખરેખર તો એ ગુસ્સો સામેવાળી વ્યક્તિ ઉપર નહીં પરંતુ પોતાની જાત ઉપર હોય છે. આનો અર્થ એવો થયો કે જેમનું લગ્નજીવન ‘સફળ’ છે તેઓ ઓછો ગુસ્સો કરે છે એેમના ચહેરા ઉપર અને મનમાં શાંતિ હોય છે.

ગુસ્સો એક જાતનો કુદરતી આવેગ છે. પરંતુ આ જ ગુસ્સાને લીધે મહાભારત સર્જાયું. આજ ગુસ્સાને લીધે પતિ-પત્નીનું, પુત્ર-પિતાનું કે મિત્ર-મિત્રનું ખૂન કરી નાંખે છે. એટલે આ આવેગને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે. ક્યારેક ગુસ્સામાં કહેલી નાનકડી વાત પણ સંબંધ તોડવાનું કારણ બની શકે છે. ગુસ્સાને લીધે સંબંધો બંધાતા તો નથી પણ બાંધાયેલા સંબંધો પણ તૂટી જાય છે. આવા ગુસ્સાને કાબૂમાં રાખવા નિષ્ણાંતોએ કેટલીક બાબતો સુચવી છે. પહેલી બાબત તો આ છે કે તમને ગુસ્સો શા માટે આવે છે એ જાણો- ભૂલ તો કોઇનાથી પણ થઇ શકે છે. કોઇની ભૂલને લીધે તમારૂં કામ બગડે અને તમને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પરંતુ તમે ગુસ્સો કરો એનાથી એ બગડેલું કામ સુધરી જશે એ શક્ય નથી. એના કરતાં ખેલદીલીથી ઉદારતા દાખવી સામેવાળી વ્યક્તિને ધીરજથી ફરીથી આવું ન થાય એ સમજાવશો તો એના ઉપર કદાચ વધારે અસર થશે, અને તમારા માટે એને માન ઉપજશે. બીજી વખત આવું નહીં થાય એવું ધ્યાન રાખશે. તમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા હોવ અને ખબર પડે કે તમારી ફ્લાઇટ ત્રણ કલાક મોડી છે તો એરલાઇન ઉપર ગુસ્સો કરવાથી તમારી ફ્લાઇટ તરત ઉપડી જાય એ શક્ય નથી. ફ્લાઇટ મોડી છે તો જરૂર કોઇ કારણ હશે. આવા સમયે મનમાં ધુધવાવવાથી તમારી ફ્લાઇટ વહેલી નહીં જ ઉપડે પણ ગુસ્સાથી તમારા દિલ ઉપર બોજો પડશે અને શક્ય છે કે ‘હાર્ટફેલથી’ તમારે જ આ દુનિયામાંથી ઉપડી જવું પડે! એના કરતાં આ વાસ્તવિક્તા સ્વીકારી કોઇ બીજા કામમાં મન પરોવશો તો મનને શાંતિ અને આનંદ બંને મળશે.

જે મશીનમાં પ્રેશર હોય ત્યાં એક પ્રેશર રીલીફ વાલ્વ પણ મુકવામાં આવે છે કે જેથી પ્રેશર વધી જાય તો એ વાલ્વમાંથી પ્રેશરાઇઝડ ગેસ કે પ્રવાહી નીકળી જાય અને મશીન ફાટે નહીં. માણસે પણ ગુસ્સો આવે અને પ્રેશર લાગતું હોય ત્યારે આ પ્રેશરને ઓછું કરવા માટેનું વાલ્વ શોધી લેવું જોઈએ. કેટલાક લોકોને ગુસ્સો આવે ત્યારે ૧ થી ૧૦ સુધી કે ૧૦૦ સુધી ગણવા જોઈએ. આટલી વારમાં ગુસ્સો શાંત થઇ જશે. કેટલાક લોકો ગાળો બોલીને આ ધુંધવાટ દૂર કરે છે. ઉભા હોય ત્યારે બેસી જવું જોઈએ અને બેઠા હોય તો સુઇ જવું જોઈએ તો ગુસ્સો શાંત પડી જશે.

ગુસ્સાને કાબૂમાં રાખવાની કેટલીક બાબતોમાં આ પણ છે કે માણસ કોઇ કાર્યમાં- દાખલા તરીકે ગાર્ડનીંગના સારા પુસ્તકો વાંચવા, ટી.વી ઉપર કોમેડી ફિલ્મ કે પ્રોગ્રામ જોવું, પેઇન્ટીંગ કરવી વગેરે પ્રવૃત્તિમાં કાર્યરત રહેવાથી ગુસ્સાને બીજી બાજુએ ટાળી શકાય છે. કસરત કરવાથી કેટલાક હોર્મોન્સ નીકળે છે જેનાથી માણસને મનમાં સારૂં લાગે છે.

જાપાનમાં મોટી ફેક્ટરીઓમાં એના માલિકના કપડાના કે રબરના કે પ્લાસ્ટીકના પુતળા એક જગ્યાએ મુકવામાં આવે છે. જ્યારે કોઇ કારીગરને કોઇ વાતે ગુસ્સો આવે-ખાસ કરીને મનેજમેન્ટ સાથે તકરાર થાય ત્યારે એ ‘સ્પેશ્યલ’ રૂમમાં જ માલિકના પુતળાને લાતો અને મુક્કા મારે એને ગાળો આપે.થોડીવારમાં બધો ગુસ્સો નિકળી જાય અને મન શાંત થઇ જાય એટલે પાછો એ પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય. જાપાનીઓએ સાયકોલોજીનો આ સારો ઉપયોગ કર્યો કહેવાય. કારણ કે એનાથી કંપનીના ઉત્પાદનમાં કોઇ ઘટાડો થવાને બદલે વધારો જ થાય છે. એ લોકોની સફળતાનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે.

રજનીશ કહેતા કે જ્યારે માણસને ગુસ્સો આવે ત્યારે હવામાં મુક્કાબાજી કરવી. એનાથી કદાચ માણસને એવી પ્રતિતી થાય કે (જેના ઉપર ગુસ્સો આવ્યો છે) એને જ મારી રહ્યો છે. થોડીવાર પછી માણસ શાંત થઇ જાય છે. આ પણ એક સાઇકોલોજીકલ ટેકનિક છે. પણ મોંઘવારી વધે,પેટ્રોલના ભાવ વધે અને આપણો પગાર વધારો ન થાય તો કરવું શું? હવામાં મુક્કા મારવા? ગાળો આપવી? કે સરકારને ભાંડવી? એ માટે ચુંટણી આવે ત્યાં સુધી રાહ જોવી ! ગુસ્સો બધાને આવે છે પરંતુ એની સાથે કેવી રીતે કામ પાર પાડીએ છીએ એના ઉપર ઘણો મોટો આધાર છે.

અનારોગ્ય અને સ્વસ્થતા, શાંતિ, અશાંતિ, વિકાસ-વિનાશ સાર્થક રચનાત્મક પ્રવૃત્તિ, સુખ અને દુઃખ,- જીવનનની આવી ઘણી બાબતોનો આધાર આપણા ગુસ્સા ઉપર રહે છે. જે ક્રોધને જીતી લે છે એ પોતાની જાતને જીતી લે છે. ક્રોધને જીતવો કોઇ દેશ જીતવા કરતાં વધારે મહત્વનું છે.

આમ તો ક્રોધ વિનાશકારી છે. પરંતુ જો ગુસ્સાની લાગણીને યોગ્ય વળાંક આપી જીવનમાં ઉપયોગી બનાવી શકાય તો પોતાની જાત માટે પણ લાભદાયક બની શકે છે. દ. અફ્રિકામાં ગાંધીજીને ચાલતી ટ્રેનમાંથી ભેદભાવપુર્વક અપમાનિત કરી ઉતારી દેવામાં આવ્યા ત્યારે એમનો ગુસ્સો એ વખતે તો પ્રગટ ન થયો પરંતુ આ જ ગુસ્સાને એમણે ભારતમાં અંગ્રેજો વિરૂધ્ધ રચનાત્મક રીતે પ્રગટ કર્યો. સરકારના આંદોલન અને પછી સ્વતંત્રતાની ચળવળથી ભારતવાસીઓનો જ લાભ થયો. અને આપણે સ્વતંત્રતા મેળવી શક્યા. જર્મનીમાં માર્ટીન લ્યુથર કીંગએ રોમન કેથોલિક (ખ્રિસ્તીઓનો મુખ્ય સંપ્રદાય) ચર્ચમાં ચાલતા ગોટાળાઓ વિરૂધ્ધ ‘પુણ્યપ્રકોપ’ ઠાલવ્યો એમાંથી પ્રોટેસ્ટંટ (વિરોધ કરનાર) સંપ્રદાયનો જન્મ થયો. જેમણે સદીઓથી ચાલી આવતી બદીઓ વિરૂધ્ધ બંડ પોકાર્યો.

સામાન્ય રીતે લોકો ગુસ્સે થાય ત્યારે કઇંક તોડફોડ કરે છે. ટોળું ગુસ્સે થાય ત્યારે સરકારી વાહનો કે સરકારી માલમિલકતને તોડફોડ કરી પોતાનું જ નુકસાન કરે છે. વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાય તો શાળા-કોલેજને નુકસાન પહોંચાડે છે. બાળકો ગુસ્સે ભરાય તો તોડફોડ કરે અથવા તો એક ખુણે જઇ ચુપ-ચાપ બેસી પણ જાય. ગુસ્સો આવે ત્યારે ચુપ-ચાપ થઇ જવું અને ક્રોધની જ્વાળા મનમાં ભભકતી રાખવી એ પણ ક્રોધ જોહેર કરવાની એક રીત છે. ઉપવાસ ઉપર બેસવું કે મૌનવ્રત રાખી વિરોધ કરવો એ પણ ગુસ્સાને દર્શાવવાની એક રીત છે.

માલિક નોકર ઉપર તો નોકર માલિક ઉપર ગુસ્સે થાય છે. પ્રજા સરકાર ઉપર રોષે ભરાય છે. આપણા બધામાં ક્રોધની અગન મનમાં ભડભડ કરતી બળી રહી છે. રસ્તા ઉપર આપણને કોઈ ધીમેથી ટક્કર મારી દે તો આપણો ગુસ્સો જ્વાળામુખી બની ફાટી પડે છે. આપણા જીવનમાં ગુસ્સો વણાઇ ગયો છે. વિચારવાની વાત એ છે કે શા માટે આવું થઇ રહ્યું છે? કદાચ આપણી ઇચ્છાઓ પૂરી નથી થઇ રહી, આપણા મનગમતા કાર્યો પુરા નથી થઇ રહ્યા? આપણી ઇચ્છા મુજબ કે આપણી ટેલેન્ટ મુજબ આપણને પગાર કે વળતર નથી મળી રહ્યું? આપણા મિત્રો આપણાથી આગળ નીકળી રહ્યા છે અને આપણે આટલા વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી પણ ત્યાં જ ઊભા છીએ? કોઇ બેઇમાનીથી આપણાથી આગળ નીકળી જાય છે અને આપણે ઇમાનદારી કરી છતાંય હતા ત્યાંના ત્યાં જ છીએ? આ વખતે ગુસ્સો આવે એ સ્વભાવિક છે. આ ઘુંઘવાટ આ ગુસ્સો આક્રમક્તાથી આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ? કદાચ આપણી જાતને અને આપણા કુટુંબને જ. ગુસ્સો ન કરવાની કોઇને સલાહ આપવી સરળ છે પરંતુ એ વાજબી સલાહ નથી. જેની ઉપર વીતે છે એ જ જાણે છે.

એક નિષ્ફળ યુવાન ગંગા કિનારે આત્મહત્યા કરવા આવ્યો ત્યારે સ્વામી રામતીર્થે એને આપેલી સલાહ આપણે પણ સમજવા જેવી છે.

જીવનમાં નાની મોટી નિષ્ફળતાઓ તો આવવાની છે. એમાં પોતાની જાત ઉપર ગુસ્સો કરવાથી શું મળશે? ક્રોધ અનિવાર્ય છે પણ એને કઇ રીતે આવવા દેવો એની વિનાશક શક્તિ નું શું કરવું, એને રચનાત્મક માર્ગે કઇ રીતે વાળવો એ વિચારવાનું છે. આ વિચાર વિના સ્વસ્થ જીવન પ્રાપ્ત નહીં થાય!”

આળસુ દિમાગ શૈતાનનું કારખાનું માનવામાં આવે છે. ક્રોધ એ શેતાનનો સૌથી મોટો હથિયાર છે. ક્રોધિત માનવી પાસેથી શૈતાન મનગમતુ કામ લઇ શકે છે. ખાસ કરીને મારધાડનું. માણસને ક્રોધ આવે ત્યારે એણે એટલું યાદ રાખવું જોઈએ કે શેતાન એને પથભ્રષ્ટ કરી એવા કામ કરવા મજબૂર ન કરી દે જેથી પસ્તાવાનો વારો આવે. ગુસ્સો આવે ત્યારે માણસે બેસી જવું જોઈએ એને બેઠેલાએ આડા પડી ઊંઘી જવું જોઈએ. અને શાંતિથી વિચારવું જોઈએ કે જે કારણે ગુસ્સો આવ્યો એનું કારણ આટલું મોટું હતું? ગુસ્સો જરૂરી કે વાજબી હતો? ગુસ્સામાં હું કોઇને અન્યાય તો નથી કરી રહ્યો ને?