શિર્ષક વાંચીને કોઈ ટીખળ પણ કરી શકે છે કે યાદશક્તિ વધારનારા ટોનિક પીને ! અમારૂં અંગત મંતવ્ય એવું છે કે આવા ટોનિકોથી યાદ શક્તિ વધતી હશે કે નહીં એ તો સંશાધનનો વિષય છે પણ માત્ર એનાથી માનસિક સંતોષ જરૂર થતો હશે. માર્કેટીંગનો યુગ છે. લોકો મીઠા શરબતને શક્તિ વર્ધક કે સ્મરણશક્તિ વધારનાર ટોનિક તરીકે વેચે તો એ પણ વેચાઈ જાય છે. આશ્ચર્ય તો એ છે કે લોકો ખરીદે પણ છે !. આ બધી ભાંજગડમાં આપણે ના પડીએ. મનોવિજ્ઞાનીઓએ બતાવેલી કેટલીક સાદી રીતો છે જેના થકી યાદશક્તિ માં જરૂર સુધારો થઈ શકે છે.
જીવનમાં સફળતા મેળવવા માટે યાદશક્તિ સારી હોવી આવશ્યક છે. તમને ઘણું બધું જ્ઞાન હોય પણ યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય લોકોની સામે તમે એ અભિવ્યક્તિ ન કરી શકો અને તમારી નબળી યાદશક્તિ તમને એ અભિવ્યક્તિમાં મદદ ના કરે તો આ બધા જ્ઞાનનો કોઈ અર્થ નથી. શેખ સાદીએ એક વિદ્વાનને પ્રશ્ન કર્યો. એણે કહ્યું ઊભા રહો, હું ફલાણા પુસ્તકમાંથી આનો ઉત્તર તમને આપીશ. શેખ સાદીએ કહ્યું ભાઈ,
જે જ્ઞાન પુસ્તકમાં સંગ્રહાયેલું હોય પરંતુ દિમાગમાં ન હોય અને અણીના ટાણે પુસ્તકો ઉથલાવવા પડે એવા જ્ઞાનનો કોઈ અર્થ નથી. જ્ઞાન તો હાથવગુ હોવું જોઈએ.
આપણા નેતાઓ ગમે તેટલા લુચ્ચા, ખંધા કે નિર્દયી હોય પણ એક વાત તો માનવી પડશે કે એમની યાદ શક્તિ બહુ સારી હોય છે. ઘણા લેખકો, કવિઓ અને વક્તાઓની યાદશક્તિ પણ સારી હોય છે. એમના માટે એ આવશ્યક પણ છે. મોટાભાગના લોકો અને વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી. શું કરીએ?
યાદશક્તિ ની પ્રક્રીયા સમજવી પડે. આમાં ત્રણ મહત્વની પ્રક્રિયાઓ છે. પ્રથમઃ અવલોકન કે નિરીક્ષણ કરવું. બીજુંઃ જે જોયું, સાંભળ્યું કે વાંચ્યુ હોય તેને મગજમાં ભરી રાખવું કે સંઘરી રાખવું. ત્રીજુંઃ મગજમાં જે સંઘરેલું હોય એને યોગ્ય સમયે કે ઇચ્છા પ્રમાણે બહાર લાવી વ્યક્ત કરવું.
આ ત્રણે પ્રક્રીયાઓે પરસ્પર સંકળાયેલી છે. ત્રણમાંથી કોઈ એક પ્રક્રિયા પણ નબળી પડે તો યાદ રાખવામાં મુશ્કેલી ઊભી થાય.
સારી રીતે યાદ રાખવા માટે સારી અવલોકન શક્તિ અને એકાગ્રતાની પણ જરૂર હોય છે. આ ઉપરાંત તથ્યોને એકબીજો સાથે સાંકળીને મનમાં ગોઠવવામાં આવે તો સરળતાથી યાદ રહે છે. એક હકીકત કે બાબત સાથે બીજી હકીકત કે બાબત સંકળાયેલી હોય તો તરત યાદ આવે છે.
મનોવિજ્ઞાનીઓ યાદશક્તિ માટે બીજી પણ કેટલીક બાબતોને અગત્યની માને છે જેમકે (૧) સ્થાન કે સમયની નિકટતા (૨) સરખાપણું (૩) વિરોધાભાસ અને (૪) કાર્ય કારણ અથવા કારણ અને પરિણામ.
સ્થાન કે સમયઃ દા.ત. ગોધરાકાંડ સાથે જ ૨૦૦૨ કે નરેન્દ્ર મોદીની યાદ આવે. ‘દાંડીયાત્રા’ સાથે મહાત્મા ગાંધીની, ‘જલિયાંવાલા બાગ કાંડ’ સાથે જનરલ ડાયરની, ‘ભારતના એકીકરણ’ માટે સરદાર વલ્લભભાઈ પટેલની, આફ્રિકામાં રંગભેદ નીતિ સાથે નેલ્સન મંડેલાની અને ‘ભારતની વૈશ્વિક આર્થિક નીતિ’ માટે ડૉ.મનમોહન સિંહની યાદ આવ્યા વિના નહીં રહે.
સરખાપણુંઃ જે બે બનાવો એકસાથે બને તે બે વચ્ચે માનસિક સંબંધ બંધાય છે. કેટલાક શબ્દો એકબીજોના પર્યાય બની જાય છે. જેમ કે ક્રિકેટનું નામ આવે તો ડોન બ્રેડમેન કે સચિન તેંડુલકર, હેલિકોપ્ટર શોટ એટલે ધોનીનો શોટ વગેરે.
વિરોધાભાસઃ કેટલાક શબ્દો સાંભળતા જ આપણા મનમાં એના સમાનાર્થી કે વિરોધાભાસી શબ્દો પણ યાદ આવી જાય છે. આકાશની સાથે જ ગગન કે અંબરની યાદ આવે. તો તરત ધરતી પણ યાદ આવે. સફેદ શબ્દ સાંભળી ધોળાનું અને કાળાની સાથે શ્યામનું સ્મરણ તરત થાય. બે શબ્દોના પ્રાસ પણ આપણને તરત યાદ આવે છે. દા.ત. કોઈ કહે કે મહેફિલમાં શું રંગ જામ્યો હતો. રંગની સાથે જ આપણને તરંગ, ઉમંગ, સંગ, ઢંગ, યંગ જેવા શબ્દો સાંભરવાના.
કાર્ય-કારણઃ ગુરૂત્વાકર્ષણની વાત આવે તો ન્યુટન, થિયરી ઓફ રિલેટીવિટીની ચર્ચા થાય તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન, કોમ્પ્યુટરની ચર્ચા થાય તો બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સની યાદ આવે. એવી જ રીતે કોઈ કૃતિની ચર્ચા થાય તો એના લેખક કે કવિનું સ્મરણ થાયઃ શાકુંતલની ચર્ચા થાય તો કાલિદાસ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ચર્ચા વખતે દેવદાસની યાદ આવે. અને હા દેવદાસની વાત નીકળે તો દિલીપકુમાર કે શાહરૂખ ખાન પણ યાદ આવ્યા વિના ના રહે!
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે કોઈ સંબંધ કે કારણ શોધી કાઢો તો યાદ રાખવાનું સહેલું પડે. દા.ત. (૧) આકાશ (૨) ધરતી (૩) હરિયાળી (૪) ઝાડ (૬) કાગળ (૬) પ્રિન્ટર (૭) કોમ્પ્યુટર (૮) ઇન્ટરનેટ (૯) મોબાઈલ ફોન (૧૦) 4G
સરળતા ખાતર મેં બધા શબ્દોને એવા ક્રમમાં ગોઠવ્યા છે કે એક વાર વાંચ્યા પછી પણ યાદ રહી જાય. કેમકે તેઓ એકબીજો સાથે સંબંધ ધરાવે છે. અથવા વિરોધાભાસ ધરાવે છે. આકાશનો વિરોધી શબ્દ ધરતી છે. ધરતી ચોમાસામાં હરિયાળી હોય છે. હરિયાળી હોય તો વૃક્ષો પણ હોવાના. વૃક્ષોના લાકડામાંથી કાગળ બને છે. કાગળ ઉપર કંઇક છાપવું હોય તો પ્રિન્ટરની જરૂર પડે છે. પ્રિન્ટરને કોમ્પ્યુટર સાથે જોડવું જરૂરી છે. કોમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટ ચલાવી શકાય. આ જ ઇન્ટરનેટ મોબાઈલ ફોન ઉપર પણ ઉપલબ્ધ હોય છે. અને મોબાઈલ ફોન ઉપર હાલમાં 4G સેવાની શરૂઆત થઈ છે. આ રીતે પરસ્પર સંબંધ સાંકળી શકો તો તમે સરળતાથી યાદ રાખી શકો. આ બાબત કેટલી મહત્વની છે એ નીચેના દસ શબ્દો ઉપરથી તમને સમજાઈ જશે.
(૧) પેન (૨) સ્પેસ શટલ (૩) નદી (૪) કાર (૫) વોશીંગ મશીન (૬) પુસ્તક (૭) ખુરશી (૮) સાયકલ (૯) ઘડીયાળ (૧૦) બગીચો.
દેખીતી રીતે જ આ શબ્દો વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઈ સંબંધ નથી.આને યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો છો.
મારી કાર બગડી ગઈ હોવાથી ,સાયકલ ઉપર હું નદી ને પેલે પાર આવેલા બગીચામાં જઈને ખુરશી પર બેઠો.પુસ્તક વાંચવાનું શરુ કર્યું અને સ્પેસ શટલની માહિતી પર પેનથી લાઈન કરી.મશીનનું નામ આવતા મને યાદ આવ્યું કે વોશિંગ મશીન તો રીપેરીંગમાં આપવાનું છે.એટલે ઘડિયાળ જોઈ હું તરત ત્યાંથી નીકળ્યો.
યાદ રાખવાની આ પણ એક રીત છે.
કોઈપણ વસ્તુ યાદ રાખવા માટે એકાગ્રતા પણ અગત્યની હોય છે. વિદ્યાર્થી મિત્રો માટે આ બાબત ઘણી લાગુ પડે છે. એકાગ્રતા અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો વધુ સારી રીતે પાઠ, પ્રશ્નો અને ઉત્તરો યાદ રાખી શકાય, અને પરીક્ષામાં સારી રીતે પેપર લખી શકાય. શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે એકાગ્રતાથી સાંભળવું જોઈએ. એકાગ્રતા વધુ એમ ગ્રહણશક્તિ પણ વધારે. પરિણામે યાદશક્તિ પણ વધારે. એકાગ્રતાનો સંબંધ ઇચ્છાશક્તિ સાથે પણ હોય છે. ઇચ્છાશક્તિ પ્રબળ ન હોય તો મનને નિરીક્ષણ કે એકાગ્રતા માટે પ્રેરી નહીં શકાય.
પ્રસિદ્ધ મનોવિજ્ઞાની અને ફિલોસોફર વિલિયમ જેમ્સે યોગ્ય જ કહ્યું હતુંઃ
“જે માણસ પોતાના વિગત અનુભવો વિશે વારંવાર વિચાર કરે છે અને એમના ઘટકોને પદ્ધતિસર એકબીજા સાથે વણી લે છે એની યાદશક્તિ શ્રેષ્ઠ થાય છે.”
જે બાબત સાથે આપણને લેવાદેવા હોય એ યાદ રહે છે અને જેમાં રસ ન હોય એ જલ્દીથી ભૂલાઈ જાય છે. યુવામિત્રોને ફિલ્મી ગીતો યાદ રહેતા હોય છે પણ પુસ્તકની કવિતા યાદ રહેતી નથી. એનું કારણ આ જ છે. આપણને જે બાબતમાં રસ પડે એમાં એકાગ્રતા વધે અને યાદશક્તિ સતેજ બને છે.
કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જ્યારે બધી જ પદ્ધતિઓ નિષ્ફળ થાય ત્યારે વિગતો ગોખી નાંખવામાં કશો વાંધો નથી. આપણી શાળાઓમાં બાળકોને મોઢેથી કવિતાઓ કે પાઠ યાદ કરાવવા પાછળ કદાચ આ જ સિદ્ધાંત કામ કરતો હશે. એની સામે બીજો વર્ગ આની વિરુદ્ધમાં છે. આનાથી અર્થનો અનર્થ થવાની સંભાવના હોય છે. થ્રી-ઇડીયટ્સ ફિલ્મમાં ગોખણપટ્ટીને લીધે ચતુરના જે હાલહવાલ થાય છે એ બધા જાણે છે. એક ત્રીજો સમન્વયકારી વર્ગ એવું માને છે કે સમજી વિચારીને ગોખવામાં આવે તો કોઈ વાંધો ન હોઈ શકે. જેમ કોઈ અક્ષર ઘુંટવાથી વધારે જાડો બને છે એમ પુનરાવર્તનથી દરેક બાબતની મન ઉપર વધારે ઊંડી છાપ પડે છે.
પુનરાવર્તનથી જલ્દી યાદ રહે છે એમ લખવાથી પણ જલ્દી યાદ થાય છે. વિદ્યાર્થીઓ માટે લખવાના બે ફાયદા છે. યાદ પણ રહે અને અક્ષરો પણ સુધરે. લખવાનો બીજો ફાયદો એ કે વિચારો વ્યવસ્થિત ગોઠવાય છે. લેકચરમાં અથવા પુસ્તકમાંથી મુદ્દાઓ અલગ તારવીને લખવામાં આવે તો યાદ રાખવા સહેલા થઈ પડે છે. લખવાના ફાયદા સામે નુકસાન માત્ર એક જ છે કે સમય બહુ જાય છે. આજકાલના વિદ્યાર્થીઓને નોટ્સ બનાવવાનો કંટાળો આવે છે. લેકચર ધ્યાનથી ન સાંભળે તો નોટ વ્યવસ્થિત ન બને પરિણામે મગજમાં કંઇ ઉતરે નહીં. વિદ્યાર્થીઓ જો પોતે લખાણનો અભ્યાસ ન કરે તો મહેનત બાતલ જાય છે.
વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા બેસે ત્યારે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ટેબલ ઉપરથી બીજા વિષયના પુસ્તકો, પેપરો, નોટો, અખબાર અને ખાસ કરીને મોબાઈલ ફોન બાજુએ મૂકી દેવા જોઈએ. નહીંતર ધ્યાન એમના તરફ જશે અને એકાગ્રતાથી અભ્યાસ થશે નહીં. જે વસ્તુની જરૂર પડે એ પહેલાંથી જ લઈને બેસવું જોઈએ. વારેઘડીએ ઉઠવાથી પણ એકાગ્રતામાં વિક્ષેપ પડે છે.
એકાગ્રતા બાબતે ગ્રીસના ગણિતશાસ્ત્રી યુકલિડ જેવો બીજો કોઈ પ્રસંગ મેં વાંચ્યો નથી.
એવું કહેવાય છે કે શત્રુઓ જ્યારે ગ્રીસ ઉપર હુમલો કરી ચઢી આવ્યા ત્યારે યુકલિડનું ચિત્ત તો ભૂમિતિમાં જ હતું.
એક વર્તુળની આકૃતિ દોરી એના વિશે એ વિચારી રહ્યો હતો. દુશ્મન સૈનિકો એના ઘરમાં ઘુસી આવ્યા ત્યારે પણ એ તો વર્તુળમાં જ મગ્ન હતો. સૈનિકો એની સાથે તોછડાઈથી વર્તતા હતા ત્યારે એણે એટલું જ કહ્યુંઃ “મારું વર્તુળ બગાડશો નહીં.”
સૈનિકોએ એની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. અને ઉપાડીને લઈ ગયા અને એનો વધ કર્યો. જીવનની અંતિમ ક્ષણ સુધી એનું ચિત્ત અભ્યાસમાં જ પરાવાયેલું હતું.
મેકોલે વિશે કહેવાય છે કે જો મિલ્ટનની પેરેડાઈઝ લોસ્ટની બધી જ પ્રતો નાશ પામે તો પણ એ પોતાની સ્મરણશક્તિ ના આધારે અક્ષરસ એને મૂળ જેવી જ લખી શકે. એની અભ્યાસ કરવાની રીત વિદ્યાર્થીઓ ઉપરાંત મોટેરાઓએ પણ અપનાવવા જેવી છે. દરેક પાનું વાંચ્યા પછી એમાં શું લખાયું છે એના વિશે ચિંતન કરતો અને એને યાદ રહી જતું. આવી રીતે ઘણા પ્રશિષ્ટ ગ્રંથો એણે મોઢે કરી લીધા હતા.
બીજી રીત છે – જે કઈ વાંચો એનો સાર અલગ ડાયરીમાં લખી લો. સારી સ્મરણશક્તિ તંદુરસ્તી અને મગજની શક્તિ ઉપર આધાર રાખે છે. જો તમે વિદ્યાર્થી હોવ કે છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરતા હોવ કે વ્યવસાય કરતા હોય – માનસિક રીતે તેજ રહેવા માટે સારી સ્મરણશક્તિ ખૂબ આવશ્યક છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે જેમ જેમ માણસ વૃદ્ધ થાય એમ કશુંક નવું શીખવું કે યાદ રાખવું એના માટે મુશ્કેલ છે. પરંતુ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ માન્યતા ખોટી છે. માનવ મગજ એટલી જોરદાર ક્ષમતા ધરાવે છે કે અનુકૂલન સાધી અને પરિવર્તન પણ પામી શકે છે. આ ક્ષમતાને ન્યુરોપ્લાસ્ટીસીટી કહે છે. જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે શારીરિક કસરત આવશ્યક છે એમ મગજને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખવા માટે કેટલીક માનસિક કસરતો જરૂરી છે. નીચે બતાવેલ રીતોથી સ્મરણશક્તિ વધારી શકાય છે.
• તમારા મગજને કસરત કરાવો.
• શારીરિક કસરત પણ કરો.
• મિત્રો માટે સમય કાઢો.
• તણાવને કાબુમાં રાખો એ, મગજનો સૌથી મોટો શત્રુ છે.
• હસતા રહો.
• મગજને ઉત્તેજિત કરે એવો ખોરાક લો.
• રોગોને સમજો અને નિદાન કરાવો.
• શીખવા અને યાદ રાખવા માટે પ્રાયોગિક પગલાં લો.
• સારી ઊંઘ લો - ઊંડી ઊંઘમાં જ યાદ શક્તિ વધે એ માટે કરવામાં આવતી કસરતો કાર્યશીલ બને છે.