પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૧ Bhuvan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૧

પ્રકરણ ૧ ની શરૂઆત કરતા પહેલા નમ્ર વિનંતી છે કે પરાશરસંહિતા પ્રકરણ શૂન્ય માતૃભારતી એપ પર ઉપલબ્ધ છે તે વાંચવી, કેમકે પ્રકરણ શૂન્ય વાંચ્યા પછી જ પ્રકરણ એક અને આવનારા બાકીના પ્રકરણો સમજી શકાશે, એક રીતે પ્રકરણ શૂન્ય એ ડીસ્ક્રીપટીવ ગ્લોસરી છે. સંસ્કૃત શ્લોક નીચે તેનું ભાષાંતર અને બોલ્ડ ફોન્ટ્સમાં જરૂરી શ્લોકનું આજના સમય મુજબ નું અર્થઘટન છે.

પ્રકરણ ૧

अथातो हिमशैलाग्रे देवदारुवनालये I

व्यासमेकाग्रमासीनमपृच्चन्न्रुषय: पुरा II

પહેલા હિમાલય પર્વત પર દેવદારુ ના ઘણા વૃક્ષો ધરાવતા વન માં એકાગ્ર થઈને બેઠેલા વ્યાસ (વેદવ્યાસજી) ને ઋષીઓએ પૂછ્યું,

मानुषाणां हितं धर्म वर्तमाने कलौ युगे I

शौचाचारं यथावच वद सत्यवतीसुत II

હે સત્યવતી ના પુત્ર વ્યાસ, અત્યારે ચાલી રહેલ કળીયુગ માં મનુષ્ય ના હિત માટે ના ધર્મ, પાપ નો નાશ કરનારા પ્રાયશ્ચિતો અને સ્નાન, આચરણ કેવા કરવા જોઈએ એ અમને કહો.

પ્રકરણ શૂન્ય માં જણાવ્યા પ્રમાણે વેદવ્યાસ એ માછીમાર કન્યા સત્યવતી ના પુત્ર હતા, મનુષ્ય ના હિત માટે ના ધર્મ એટલે કે લોકો નું હિત થાય એવા ધર્મ એટલે કે કર્તવ્યો અને ફરજો અહી જણાવ્યા છે. અને છતાં જો કોઈ પણ ભૂલ થાય તો એના પ્રાયશ્ચિત એટલે કે દંડ કે સજા તેમજ દૈનિક આચરણ કરવા લાયક નિયમો વેદવ્યાસજીને પૂછવામાં આવ્યા.

तचछूत्वा ऋषिवाक्यं तु सशिषयोगन्यर्कसन्निभः I

प्रत्युवाच महातेजाः श्रुतिस्मुर्तिविशारदः II

અગ્નિ અને અર્ક (સૂર્ય) જેવા મહાન તેજવાળા, શ્રુતિ અને સ્મુર્તીમાં કુશળ શિષ્યો ની સાથે બેઠેલા તેમણે ઋષિઓ ની વાત સંભાળીને બોલ્યા.

न चाहं सर्वतत्वज्ञ: कथं धर्मं वदाम्यहम I

अस्मत्पितैव प्रष्टव्य इति व्यास: सुतो वदत II

હું સર્વ તત્વોને જાણતો નથી તેથી હું તમને કહી શકું તેમ નથી તેથી મારા પિતાને જ પૂછો એમ પરાશર પુત્ર વ્યાસે કહ્યું.

મહાન તેજસવી વેદવ્યાસજી કે જેઓ શ્રુતિ અને સ્મુર્તી એટલે કે વેદ અને શાસ્ત્ર ના પારંગત હતા ઉપરાંત તે સમયે લેખન નું ચલન ઓછું હોવાથી જ્ઞાન સંભાળવું, સમજવું અને યાદ રાખવું એ ઘણી મહત્વની સ્કીલ હતી, તેના વેદવ્યાસજી પારંગત હતા. તેમણે અહી અનુભવ નું મહત્વ બતાવ્યું છે કે મારા પિતા પાસે અનુભવ અને ભવિષ્ય ના આચરણનું જ્ઞાન વધુ છે એટલે તેમને જ આપણે પૂછીએ.

ततस्त ऋषयः सर्वे धर्मतत्वार्थकाडीण:I

ऋषिव्यासं पुरस्कूत्य गता बदरिकाश्रमम् II

नानापुष्पलताकिर्न फ़ल्वृक्षैरलतम् I

नदीप्रस्त्रवणोपेतं पुण्यतीर्थोपशोभीतम् II

मृगपक्षिनिनादाध्यं देवतायतनवृतम् I

यक्षगन्धर्वसिध्धैश्च नृत्यगीतैरलकृतम् II

તે પછી કળીયુગ માં આચરણ કરવા જેવા ધર્મોને જાણવાની ઈચ્છાવાળા તે સૌ ઋષીઓ, ઋષિવ્યાસના નેતૃત્વ સાથે બદરીકાશ્રમ માં ગયા.

તે બદ્રિકાશ્રમ અનેક જાતના પુષ્પોથી ભરેલી વેલો થી ભરપુર હતો, ફળવાળા વૃક્ષોથી શોભતો હતો, નદી, ઝરણા અને પવિત્ર તીર્થો ધરાવતો હતો.

હરણ અને પક્ષીઓ ના અવાજ થી ભરપુર, દેવો ના મંદિરો થી શોભિત, યક્ષો, ગંધર્વો અને સિદ્ધોએ વસાવેલો અને તેમણે કરેલા નૃત્યો અને ગીતોથી રમણીય લાગી રહ્યો હતો.

વેદવ્યાસજી સૌ ઋષીઓ ની સાથે પરાશરમુનિ ના બદ્રિકાશ્રમ માં ગયા અને બદરીકાશ્રમ નું જે વર્ણન કરવા માં આવ્યું છે તે પરાશર મુનિ ના શાંત અને પ્રકૃતિપ્રેમી સ્વભાવને દર્શાવે છે. બદ્રિકાશ્રમ માં ઘણા અલગ અલગ પુષ્પો અને ફાળો સાથે ના વેલો અને ઝાડ તેમજ નદી ઝરણા અને અનેક દેવોના પવિત્ર મંદિરો હતા જે દર્શાવે છે કે પરાશરમુનિ મુક્ત વિચારો (અનેક દેવો ણે સન્માન આપવાવાળા, અને મુક્ત પ્રકૃતિમાં રહેવાવાળા) ધરાવતા હતા. યક્ષ અને ગંધર્વ એ પુરાતન સંસ્કૃતિ ની મ્યુઝીશીયન કોમ્યુનીટી કહી શકાય. પરાશરમુનિ એ તેમને બદ્રિકાશ્રમનો ઉપયોગ કરવાની અનુમતિ આપી હોય તેમ આ પરથી કહી શકાય, જે પણ તેમના મુક્ત અને સુધારાવાદી વિચારો બતાવે છે.

तस्मिन्नुषिसभामध्ये शक्तिपुत्रं पराशरम् I

सुखासीनं महातेजा मुनिमुख्यगणावृतम् II

कृताज्जलिपुटो भूत्वा व्यासस्तु ऋषिभिः सह I

प्रदक्षिणाभिवादैष्व स्तुतिभिः समपूजयत II

ત્યાં ઋષિઓની સભામાં મુખ્ય મુનિઓના મંડળ થી વીંટાયેલા, સુખથી બેઠેલા શક્તિના પુત્ર પરાશરને મહાતેજસ્વી એવા વ્યાસે જોયા. તે સમયે વ્યાસે ઋષીઓ સહીત બે હાથ જોડીને, તેમને પ્રદક્ષિણા કરી અને નમસ્કાર કરીને સ્તુતિઓથી તે મહર્ષિની પૂજા કરી

ततः संतुष्टहृदयः पराशरमहामुनिः I

आह सुस्वागतं ब्रुहित्यासिनो मुनिपुडवः II

कुशलं सम्यगित्युक्त्वा व्यासः पृचछत्यनन्तरम् I

यदि जानासि भक्तिं मे स्नेहाद्रा भक्तवत्सल II

તે પછી મુનિઓની સભામાં બેઠેલા, મુનિઓમાં શ્રેષ્ઠ, મહામુનિ પરાશર મનમાં સંતુષ્ટ થઈને બોલ્યા કે, તમે ભલે આવ્યા, કહો તમારે શું પૂછવું છે? વ્યાસ પોતાની કુશળ વાતો સારી રીતે કહીને પૂછવા લાગ્યા કે, હે પિતા તમે જો મારી ભક્તિ ને જાણો છો, અથવા તો તમે ભક્તવત્સલ છો માટે સ્નેહ થી મને કલિયુગ માં કરવા યોગ્ય ધર્મ કહો કારણકે હું તમારી કૃપા નો પાત્ર છું.

धर्म कथय मे तात अनुग्राह्योस्म्यहं तव I

श्रुता मे मानवा धर्मा वासिष्ठाः काश्यपास्तथा I

गार्गेया गौतमीयाश्च तथा चौशनसाः स्मृताः I

अत्रेर्विष्णोश्च संवर्तादक्षादंगिरसस्तथा II

शातातपाच्च हारिताध्याज्ञवलक्यातथैव च I

आपस्तम्बकृता धर्माःशंख्सय लिखितस्य II

कात्यायनकृतास्चैव तथा प्राचेतसान्मुने: I

श्रुता ह्रेते भावात्प्रोक्तः श्रुत्यर्था मे न विस्मुर्ता: II

મેં મનુએ કહેલા, વશિષ્ઠે કહેલા તથા કશ્યપે કહેલા ધર્મ સાંભળ્યા છે. ગર્ગે, ગૌતમે અને ઉશનાએ કહેલા ધર્મ પણ સાંભળ્યા છે. વળી, અત્રિ, વિષ્ણુ, સંવર્ત, દક્ષ, અંગીરા, શાતાતપ, હારિત અને યાજ્ઞવલ્ક્યની પાસેથી પણ ધર્મ શ્રવણ કર્યા છે. આપસ્તંબ, શંખ, લિખિત, અને કાત્યાયને રચેલા ધર્મશાસ્ત્ર પણ મેં શ્રવણ કર્યા છે અને પ્રાચેતસ મુનિએ કહેલા ધર્મ પણ મેં સાંભળ્યા છે તથા તમે કહેલ વેદોક્ત ધર્મોને પણ હું વિસરી ગયો નથી.

अस्मिन्मन्वन्तरे धर्मा: कृते त्रेतादिके युगे I

सर्वे धर्माः कृते जाताः सर्वे नष्टाः कलौ युगे II

चातुर्वर्ण्यसमाचारं किस्चित्सधारणम वद I

चतुर्णांमपि वर्णाना कर्तव्यम धर्मकोविदै: I

ब्रूहि धर्मस्वरूपज्ञ सूक्ष्मं स्थूलं च विस्तरात II

આ ચાલતા મન્વન્તર ના તથા સત્ય, ત્રેતા અને દ્વાપરયુગના ધર્મ મેં સાંભળ્યા છે. સત્યયુગ માં સર્વે ધર્મ હતા ને મનુષ્યો સર્વ ધર્મનું આચરણ કરતા હતા, પરંતુ તે સર્વ ધર્મ કલિયુગમાં નાશ પામ્યો છે. માટે ચારેય વર્ણના આચાર કહો તથા સંક્ષેપમાં સાધારણ ધર્મ કહો. ચારેય વર્ણના ધર્મ જાણનારા પુરુષોનું કર્તવ્ય કર્મ કહો તથા હે ધર્મના સ્વરૂપ ને જાણનારા પરાશર, ધર્મનું સ્થૂલ તથા સુક્ષ્મ સ્વરૂપ પણ વિસ્તારથી કહો.

નોલેજ પર કોઈનો ઈજારો નથી પણ કોઈપણ નોલેજ મેળવતા પહેલા તે માટે પોતાને લાયક બનાવવા પણ એટલા જ જરૂરી છે તેમજ આપણા ગુરૂ કે ટીચરને પણ ખબર હોવી જોઈએ કે આપણી પાસે કેટલું નોલેજ છે જેથી કરીને તેમણે શું અને કેટલું, કઈ સમજશક્તિને લાયક ભાષામાં સમજાવવું તે જાણી શકે. આ માટે જ વેદવ્યાસજી જણાવે છે કે તેમને કેટકેટલું અધ્યયન કર્યું છે જેથી કરીને ઋષિપરાશર તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

व्यासवाक्यावसाने तु मुनिमुख्य: पराशर:

धर्मस्य निर्णयं प्राह सूक्ष्मं स्थूलं च विस्तरात

श्रुणु पुत्र प्रवक्ष्यामि श्रुणवन्तु मुनयस्तथा II १९ II

વ્યાસ બોલી રહ્યા પછી મુનિઓમાં મુખ્ય એવા પરાશર બોલ્યા;

હે પુત્ર, તથા હે મુનિઓ, હું તમને વિસ્તારથી વર્ણના ધર્મનો નિર્ણય તથા સ્થૂલ અને સુક્ષ્મ ધર્મ વિસ્તારથી કહું છું તે તુ તથા આ મુનિઓ શ્રવણ કરો.

कल्पे कल्पे क्षयोत्पत्या ब्रह्मविष्णुमहेश्वरा: I

श्रुतिस्मृतिसदाचारनिर्णेतारश्च सर्वदा II २० II

પ્રત્યેક કલ્પમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તથા શ્રુતિ, સ્મુર્તિ અને સદાચાર નો નિર્ણય કરનારા ઋષિઓ ઉત્પન્ન થાય છે અને પાછા નાશ પામે છે.

न कस्च्वित्वेद्कर्ता च वेदं स्मृत्वा चतुर्मुख: I

तथैव धर्मान्स्मरती मनु: कल्पान्तरेन्तरे II २१ II

કોઈ પણ પુરુષ વેદ નો કર્તા નથી. બ્રહ્મા કલ્પના આરંભમાં સ્વયંસિદ્ધ વેદોનું સ્મરણ કરીને ધર્માંશાસ્ત્રના ગ્રંથોની રચના કરે છે અને મનુ પોતાના મન્વંતર માં બ્રહ્માની પાસેથી વેદોનું અધ્યયન કરીને ધર્મશાસ્ત્ર ની રચના કરે છે.

જે સર્જન પામે છે તેનો નાશ નિશ્ચિત છે અને વિનાશ બાદ ફરીથી સર્જન પણ નિશ્ચિત છે. આ નિયમ દેવોને પણ લાગુ પડે છે તો આપણે કોઈપણ વસ્તુ, વ્યક્તિ, હોદ્દા કે પાવર માટે ક્યારેય ના દુઃખ કરવું કે ના અહંકાર કરવો જોઈએ. સાથે જ કહેવામાં આવ્યું છે કે નોલેજ ક્યારેય કોઈ ક્રીએટ નથી કરતુ, તે ફક્ત સમય સાથે પોતાનું સ્થાન અને સ્વરૂપ બદલ્યા કરે છે.

अन्ये कृतयुगे धर्मास्त्रेताया द्रापरे युगे I

अन्ये कलियुगे नृणा युगरूपानुसारत: II २२ II

સત્યયુગમાં મનુષ્યના અન્ય ધર્મ હતા, ત્રેતાયુગમાં મનુષ્યના અન્ય ધર્મ હતા, દ્રાપરયુગમાં મનુષ્યના અન્ય ધર્મ હતા અને કળિયુગમાં મનુષ્યના અન્ય ધર્મ છે. યુગના સ્વરૂપ પ્રમાણે મનુષ્યોના ધર્મો હોય છે.

तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते I

द्रापरे यज्ञमेवाहुर्दानमेव कलौयुगे II २३ II

સત્યયુગમાં તપ શ્રેષ્ઠ કહેવાય છે, ત્રેતાયુગમાં જ્ઞાન શ્રેષ્ઠ કહેવાય છે, દ્રાપરયુગમાં યજ્ઞને જ શ્રેષ્ઠ કહે છે અને કળિયુગમાં દાન ને જ શ્રેષ્ઠ કહે છે.

આગળના ત્રણેય યુગમાં વ્યક્તિઓની હેલ્થ અને લાઈફસ્પાન ઘણા વધારે હતા જે સમય સાથે ઘટતા ગયા તેથી જ પહેલા વર્ષો સુધી તપ કરી શકાતું, ત્યારબાદ વર્ષો સુધી અભ્યાસ કરી શકાતો, તે પછી મોટા અને લાંબા યજ્ઞો પણ કરી શકાતા, જયરે આજે દાન કરવું એ જ સૌથી મહત્વનું અને જરૂરી છે.

कृते तू मानवा धर्मास्त्रेतायाम गौतमा: स्मृता: I

द्रापरे शंखलिखिता: कलौ पाराशरा: स्मुर्ता: II २४ II

સત્યયુગમાં મનુએ કહેલા ધર્મ માન્ય ગણાતા હતા, ત્રેતાયુગમાં ગૌતમે કહેલા ધર્મ માન્ય ગણાતા હતા, દ્રાપરયુગમાં શંખ અને લિખીતે કહેલા ધર્મ માન્ય ગણાતા હતા અને કળિયુગમાં પરાશરમુનિએ કહેલા ધર્મ માન્ય ગણાય છે.

સમય સાથે વ્યક્તિની ફરજો અને જવાબદારીઓ બદલાતી જાય છે, આજના સમય માં દાન કરવું એ સૌથી મહત્વનું છે. મનુસ્મુર્તી કે જેના નામ પર આટલા માછલા ધોવાઇ રહ્યા છે તે સત્યયુગ માટે જ હતી, સમય સાથે નિયમો બદલાય અને આજના સમયમાં પરાશરસ્મુર્તી જ સૌથી મહત્વની છે.

त्यजेदेशं कृतयुगे त्रेतायाम ग्राममुत्स्रुजेत I

द्रापरे कुलमेकं तु कर्तारं तु कलौ युगे II २५ II

कृते सम्भाषणादेव त्रेतायां स्पर्शनेन च I

द्रापरे त्वन्न्मादाय कलौ पतति कर्मणा II २६ II

कृते तात्कालिकः शापस्त्रेतायां दशभिर्दिनेः I

द्रापरे त्वेकमासेन कलौ संवत्सरेंण तु II २७ II

જે દેશ માં પતિત- પાપી વસતો હોય તે દેશનો સત્યયુગમાં ત્યાગ કરવો, ત્રેતાયુગમાં જે ગામમાં પતિત રહેતો હોય તે ગામનો ત્યાગ કરવો, દ્રાપરયુગમાં પતિત પુરુષના કુળનો- સાત પેઢીનો ત્યાગ કરવો અને કલિયુગમાં પતિત નો જ ત્યાગ કરવો.

સત્યયુગમાં પતિત સાથે સંભાષણ કરવાથી જ દોષ લાગે છે, ત્રેતાયુગમાં પતિત નો સ્પર્શ કરવાથી દોષ લાગે છે, દ્રાપરયુગમાં પતિતનું અન્ન લેવાથી દોષ લાગે છે અને કલિયુગમાં માત્ર પાપકર્મ કરવાથી પતિત થાય છે. અર્થાત પતિત ની સાથે સંભાષણ વગેરે કરવાથી પાતક લાગતું નથી.

સત્યયુગમાં જે સમયે શાપ આપવામાં આવતો તે જ સમયે શાપ લગતો હતો, ત્રેતાયુગમાં દશ દિવસે શાપ લગતો હતો, દ્રાપરયુગમાં એક મહિના પછી શાપ લગતો હતો અને કળીયુગમાં શાપ આપ્યા પછી એક વર્ષ પછી શાપ લાગે છે.

સત્યયુગમાં દુષણો કેટલાક દેશો સુધી સીમિત હતા, ત્રેતાયુગમાં તે દરેક દેશના કેટલાક ગામ સુધી પહોચ્યા, દ્રાપરયુગમાં તે દરેક ગામમાં પણ અમુક વ્યક્તિઓ સુધી પહોચ્યા અને હવે દુષણો ઘર-ઘરમાં છે તેથી દુષણો નો આપણા આચરણમાં ન આવે તેમ કરવું, દુષિત વ્યક્તિઓથી દુઉર રહેવાથી કઈ નહિ થાય. સત્યયુગમાં કોઈના નિસાસા ની અસર તુરંત જ થતી, ત્રેત્તાયુગમાં દસ દિવસે, દ્રાપરયુગમાં એક મહીને અને કળીયુગમાં એક વર્ષે નિસાસા અસર કરે છે.

આગળની વાત ટૂંક સમય માં આવી રહેલ પ્રકરણ ૨ માં......