અતીતના પડછાયા
વ્રજલાલ હિરજી જોષી
૧૦. સાચો અપરાધી કોણ
"માની જાવ... આપણે હવે કશું નથી કરવું. જેમ બને તેમ જલદી અહીંથી દૂર - દૂર ચાલ્યા જઈએ... મારી દીકરીની જિંદગી મારે બગાડવી નથી... " ગળગળા સ્વરે સ્ત્રી હાથ જોડીને તેની સાથેના પુરુષને વીનવતી હતી.
"આ તું કહે છે... ? જેણે તારી જિંદગીને નર્ક બનાવી દીધી તેને તું માફ કરી દેવા માંગે છે... ?" પુરુષનો ઊંચો અવાજ સંભળાયો.
"નાથ... મારી વેદના મારો વ્હાલો જાણે છે. હું કોણ છું તેને સજા આપનારી? ભલે મારા મનમાં તેના પ્રત્યે વૈરાગ્નિ ભડકે બળે છે. પણ.. મારો વ્હાલો મારો ભગવાન તેને તેના કર્મોની સજા ચોક્કસ આપશે. નાથ... આપણે અત્યારે એક પાકિસ્તાની દાણચોરને સાથ આપી રહ્યા છીએ અને... અને... આનો અંજામ શું આવશે તે તમે જાણો છો... ? આપણું તો ઠીક છે, પાછલી જીંદગી જેલમાં બેસીને રોટલા ખાઈ લેશું, પણ ક્યારેય વિચાર્યું છે, કે આપણી દીકરીની શું હાલત થશે... ?બધા તેની સામે ધૃણાભરી દ્રષ્ટિ સાથે જો... નાથ આપણે જ આપણી દીકરીની જિંદગી દોજખમાં ધકેલી રહ્યા છીએ, અને અત્યારે પણ તેની માનસિક હાલત કેવી છે તે તમને ખબર નથી. તમે એક પુરુષ છો. સ્ત્રીના હ્રદયની વાત તમે ક્યાંથી જાણી શકો. પ્રેમ એ સ્ત્રીનું મોટામાં મોટું ઘરેણું છે. "
" પ્રેમ તો મેં પણ તને કર્યો છે, અને નિભાવ્યો પણ છે અને યાદ કર મેં આપણા પ્રેમના સોગંદ ખાધા છે કે તને નરકની યાતના આપનારને હું નરકમાં પહોંચાડી દઈશ. રહી પાકિસ્તાની દાણચોરની વાત તો હું હવેલી પર ચોકીદાર તરીકે રહું છું અને તું પ્રેતાત્મા બની ભટકતી ફરે છે. આપણો ગુનો તો કોઈ મોટો ગુનો નથી અને આપણી દીકરી છે કરી રહી છે તેને કોઈ ગુનેગાર તરીકે સાબિત કરી શકે તેમ નથી, અરે... કોર્ટમાં પણ તેને કોઈ જ નહિ પડકારી શકે... "
" ઠીક છે જેવી તમારી ઈચ્છા, હું જીવતી છું તો તમારા ખાતર... તમારા પર મને મારા પોતાના કરતાં પણ અતૂટ વિશ્વાસ છે. બસ... મારી દીકરીની જિંદગી બરબાદ ન થાય તે જો જો... "
"તું ચિંતા ન કર... હું બધું સમજી, વિચારીને જ કરીશ. મારે મન તું અને તારી દીકરી મારી જિંદગી કરતાં પણ વિશેષ છો. રાત ઘણી વીતી ચૂકી છે. હવે સુઈ જા નહીતર ફરીથી બીમાર પડી જઈશ. કાલથી તારે ફરીથી ડાકણ બનવાનું છે. ડાકણ... હા.... હા... હા... " હાથના પંજા લંબાવી ડાકણના એક્શન કરતાં તે પુરુષ હસી પડ્યો.
" ધડામ... "કદમે દરવાજા પર કચકચાવીને લાત ઝીંકી. દરવાજા તેના બારસાખ પર અધ્ધર લટકી પડ્યા.
કમરામાં બેઠેલ તે સ્ત્રી અને પુરુષ એકાએક ચોંકી ઉઠયા. અને ખાટલામાંથી ઊભા થઈ ગયા, પુરુષ ખાટલાની ઇસકને પડેલો લાકડાનો ધોકો ઉઠાવવા દોડ્યો.
"ખબરદાર... આઘોપાછો થયો છો તો ગોળી સીધી તારી ખોપરીમાં ઉતારી દઈશ. "સખ્ત અવાજે કદમ ચિલ્લાયો.
આગળ વધતો તે અટકી ગયો.
"ક... ક... કોણ છો તમે... ?"લાલટેનનો પ્રકાશ વધારતાં હેબતાયેલા અવાજે સ્ત્રી બોલી.
"અરે... વાહ... !ઊલટું ચોર કોટવાળને દંડે... તું તો પ્રેતાત્મા છો, અને પ્રેતાત્મા તો અંતર્યામી હોય છે, તેને તો બધી ખબર પળભરમાં પડી જાય છે. અને તે સિવાય આપણે તો મળ્યા છીએ, કેમ ભૂલી ગઈ... ?હું હવેલીમાં આવ્યો હતો તો ડાકણ બની ઝરૂખામાં ઉભી હતી અને પછી છમ... છમ.... છમ... તારા ઝાંઝરનો ઝણકાર... યાદ આવ્યું કાંઈ... ? અને હા આ રાજ... વરસાદભરી મેઘલી રાતના તને લિફ્ટ આપી આ હવેલીમાં મૂકી ગયો હતો, આવ્યું ને યાદ... ?હા... રાજ હરિલાલના પુત્ર છે સમજી, હવે તો જૂની ઓળખાણ થઈ ચૂકી છે... "
રાજને કદમની કાંઈ જ વાત સમજાતી ન હતી. તે મૂંઝવણભર્યા ભાવ સાથે ઉભો હતો.
"તમારો હૈદરઅલી પકડાઈ ગયો છે અને અત્યારે પોલીસના કબજામાં છે. તમે બંને ચુપ-ચાપ મારી સાથે ચાલો... તમારો ગુનો કોઈ મોટો ગુનો નથી. તમને હું બચાવવાની કોશિશ કરીશ, બાકી તમે રાજના ગુનેગાર છો. હરિલાલ શેઠના ગુનેગાર છો, તે લોકોને પણ હું સમજાવીશ... પણ અત્યારે જરા પણ નાટક કર્યા વગર મારી સાથે ચાલો, હું કહું તેમ કરશો તો તમને તકલીફ નહીં પડે... એવું નથી કે હું તમને નથી ઓળખતો... "વેધક નજરે કદમે તેમની સામે જોયું.
***
તે પછીના બે દિવસ શાંતિથી પસાર થઈ ગયાં.
હરિલાલના ફાર્મ હાઉસ પર શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું. સૌને એમ લાગતું હતું કે હવે કોઈ જ ખતરો નથી. પણ કોણ જાણે કેમ કદમને લાગી રહ્યું હતું કે હજુ કાંઈ મોટું તોફાન આવવાનું છે. તે રાત્રિના પકડાયેલા ગુનેગારોને પોલીસ કસ્ટડીમાં લઈ ગઈ હતી. બીજા દિવસે કોર્ટમાં રજુ કરી. પોલીસને તેર દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ. પણ તે દિવસે હવેલીના ભૂગર્ભમાંથી મળી આવેલ બે વ્યક્તિ જેને કદમ રાજના અપરાધી માનતો હતો તે બંનેને કદમે ચુપચાપ કોઈને પણ ખબર ન પડે તે રીતે એસ. પી. ની મદદથી અજ્ઞાત જગ્યા પર રાખવામાં આવ્યા હતા અને કદમે રાજને સખ્ત શબ્દમાં તેના વિશે કોઈપણ ઘરની વ્યક્તિને ન જણાવવા માટે કહ્યું હતું
૧૬૬-૧૮૦
રાજ... બનેલી ઘટના સ્વપ્ન સમજી ભૂલી જવા માંગતો હતો. તે ખૂબ જ આનંદમાં હતો કેમ કે તેના પિતા હરિલાલ અને માતા ઉજ્જ્વલાએ તેના લગ્ન ડૉ. દેવાંગી સાથે કરવા માટે મંજૂરી આપી દીધી હતી અને ટૂંક જ સમયમાં બંનેનું સગપણ કરવા માટે તેના કુટુંબના ગોર મહારાજને મુરત કાઢવા પણ બોલાવ્યા હતા. રાજ ખૂબ જ ખુશ હતો.
પણ... પણ... ડૉ. દેવાંગીના ચહેરા પર દુઃખના વાદળો છવાયેલાં હતાં. તે એકદમ ગુમસૂમ રહેતી હતી. હંમેશા વિચારોમાં ખોવાયેલી રહેતી. તેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. તેનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયેલ જણાતો હતો. જાણે ઘણા સમયથી બીમાર હોય તેવું લાગી રહ્યું હતું. તે ચૂપચાપ એકલી - એકલી રહ્યા કરતી. બે દિવસથી તેણીએ દેખાડવા ખાતર જ ભોજન કર્યું હતું.
રાજે તેને બે ત્રણ વખત પૂછ્યું હતું, "દેવાંગી, આજકાલ તું એકદમ ગુમસુમ રહે છે. દુઃખી પણ છો. શું વાત છે... ?હવે તો મારા ડેડી અને મમ્મીએ આપણા સંબંધ પર મહોર મારી દીધી છે. આપણા આનંદના દિવસો છે, પણ તું કેમ ઉદાસ જણાય છે... ?" બંને હાથની ત્રિભૂટ બનાવી દેવાંગીનો ચહેરો ઉંચો કરતા રાજ તેને નીરખી રહ્યો પછી બોલ્યો, "દેવાંગી એવું તો નથી ને કે તને આ સંબંધ પસંદ નથી... ?"
દેવાંગી હેબતાઇ ગઇ.
" ના... ના... રાજ એવું કહ્યું જ નથી. મારી જિંદગીનો જ તું પ્રથમ પુરૂષ છો, જેમણે મને અનહદ પ્યાર આપ્યો છે. " હસતાં હસતાં એ આગળ બોલી. આ દુનિયામાં મારું પોતાનું હોય તો તમે છો, રાજ... મને તમારી મમ્મીએ માનો પ્રેમ આપ્યો છે. તમારા ડેડી પણ મને અનહદ ચાહે છે... શું મારા માટે આટલું ઓછું છે, રાજ... ?" દેવાંગીની આંખમાંથી આંસુ સરી પડ્યા.
રાજે દેવાંગીનું માથું પોતાના સીનામાં લઇ લીધું અને તેના માથા પર પ્રેમપૂર્વક હાથ સંવારવા લાગ્યો. તેને લાગ્યું કે દેવાંગી ખુશ છે, પણ જિંદગીના એક ખરાબ તબક્કામાંથી કોઈ પણ મનુષ્ય પસાર થઈને સુખી સંસાર તરફ પ્રયાણ કરે ત્યારે તેની આવી જ હાલત થાય છે.
બીજા દિવસની સવારે કદમ, હરિલાલ પાસે બેઠો હતો. આજ હરિલાલ એકદમ ખુશ મિજાજમાં હતો. બંનેએ સાથે કોફી પીધી.
"કદમ... તારા પગલાંની સાથે મારા બગીચારૂપી જીવનમાં ફૂલોની બહાર આવી ગઈ... તેં મારા બધા જ દુઃખ દૂર કરી દીધા, બેટા... " કદમનો હાથ પકડી હરિલાલે પોતાના સીનામાં લગાવ્યો.
"અંકલ... રાજ મારો જીગરી દોસ્ત છે અને દોસ્ત જ દોસ્તને સંકટ સમયે કામ આવે. મારી તો ફરજ બનતી હતી એ બધું મેં કર્યું છે. બાકી અંકલ સુખ, દુઃખ બધું માનવીના કર્મને આધીન છે.
તે જ વખતે ડૉ. દેવાંગીએ કમરામાં પ્રવેશ કર્યો.
"આવ બેટા, આવ. " અતિરિક્ત આનંદભર્યા સ્વરે હરિલાલે દેવાંગીને બોલાવી.
"પિતાજી.... હું તો તમને દુઃખી કરવા આવી છું... "
"દુઃખી કરવા... ?બને જ નહીં, દીકરી તારા હાથે કોઈ દુઃખી થાય જ નહીં, બેટા તું તો મા ભગવતીનો અવતાર છે!"
" પિતાજી.... "(રાજ સાથે તેનો સંબંધ નક્કી થયા પછી દેવાંગી હરિલાલને પિતાજી કહીને બોલાવતી)
" પિતાજી... તમને ઇન્જેક્શન આપવા આવી છું. એટલે તમને ઇન્જેક્શનનું દર્દ આપી દુઃખી જ કરું છું... "ફિકકા ચહેરા પર હાસ્ય લાવવાની કોશિશ કરતાં તે બોલી.
"દેવાંગી... તારા અને રાજનું થનારું સગપણ ફોક કરું છું... " ગંભીર સ્વરે બોલતાં હરિલાલે દેવાંગી સામે જોયું.
દેવાંગીના સિરિંજમાં ઇન્જેક્શન ભરતાં હાથ ધ્રૂજી ઊઠ્યા.
"કેમ પિતાજી... ?"
"અરે બેટા... તારા લગ્ન રાજ સાથે કરી દઈશ તો તું મને કાયમ ઇન્જેક્શનો અને ગોળીઓ જ ખવડાવીશ... "કહેતાં હરિલાલ.... હા... હા... હા... કરતા મોટા અવાજે હસી પડ્યો.
હરિલાલને ઇંજેક્શન આપવાનું હોવાથી કદમ ત્યાંથી ઊભા થઈ રૂમની બારી પાસે જઈ ઊભો હતો. તેના મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ મચી ગયું હતું. તેના ચહેરા પર છવાયેલ તણાવ સ્પષ્ટ વંચાતો હતો.
"પિતાજી... એવું નથી. તમને આજ છેલ્લું જ ઇન્જેક્શન આપીશ, તમે એકદમ સ્વસ્થ છો. હવે પછી તમને ક્યારેય ઈન્જેકશન આપવાની જરૂર નહીં પડે. " કહેતાં - કહેતાં દેવાંગીના ચહેરા પર એક વિચિત્ર ચમક પથરાઈ ગઈ.
તેની વાત સાંભળતા જ કદમ એકદમ ચમક્યો. પછી તેણે નજર ફેરવી. ડૉ. દેવાંગી સામે જોયું. દેવાંગીની આંખોમાં એક અનેરી વિચિત્ર ચમક ઊભરાતી હતી.
***
"મમ્મી... કદમ ક્યાં છે... ?" અચાનક આવી ચડેલા રાજે ઉજ્જવલાને પૂછયું.
"બેટા, તારા ડેડીના કમરામાં બેઠો છે... "વ્હાલ સાથે તે બોલી.
"ભલે મમ્મી હું તેને ત્યાં જ મળી લઉં છું. " કહેતાં રાજ તેના ડેડીના કમરા તરફ ચાલ્યો.
***
કદમના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા.
હરિલાલે પોતાના શર્ટની બાય ને ઊંચે ચડાવી પોતાનું બાવડું ખુલ્લું કર્યું. પછી ઇન્જેક્શનના દર્દની બીકથી આંખો બંધ કરીને પડ્યો રહ્યો. તેના ચહેરા પર એકદમ શાંતિના ભાવ છવાયેલા હતા.
ડૉ. દેવાંગી કાચની બોટલમાંથી ઇન્જેક્શનનું પ્રવાહી સિરિંજમા ભરી રહી હતી.
સિરિંઝમાં પ્રવાહી ભરતી - ભરતી તે હરિલાલ તરફ આગળ વધતી હતી.
રાજ તેના ડેડીના કમરા પાસે પહોંચ્યો હતો.
તેણે દરવાજો ખોલવા હાથેથી દરવાજાના હેન્ડલને પકડી ધક્કો માર્યો.
હરિલાલની આંખો બંધ હતી.
અચાનક ડૉ. દેવાંગીના ચહેરા પર વિષભર્યું સ્મિત ફરક્યું.
બેબાકળા કદમે આમતેમ નજર ફેરવી.
અને પછી ઝડપથી બારી પાસે પડેલ કાચના પેપરવેઈટને ઉઠાવ્યું. ત્યારબાદ તેની આગળ પડેલી ટેબલ તરફ જંપ માર્યો.
શરીર હવામાં અધ્ધર ઉઠ્યું પછી ટેબલની ફર્શ પર સરકતું આગળ વધી ગયું અને તે સાથે જ તે ક્ષણે તેના હાથમાંનું પેપરવેઈટ તેના હાથમાંથી ગોફણમાંના પથ્થરની જેમ છૂટ્યું. એક જ પળમાં કેટલાય બનાવ બની ગયા.
' ધડાંગ 'ના અવાજ સાથે કદમના હાથમાંથી છૂટેલ પેપરવેઈટ ડૉ. દેવાગીના હાથમાં રહેલ ઇન્જેકશનના પ્રવાહી ભરેલી બોટલ સાથે અથડાયું.
ખ... ન... ન... ન... ના શોર સાથે તેના હાથમાંથી સિરીંજ અને દવાની બોટલ બંને તૂટીને નીચે પડ્યા. તેના મોંમાથી જોરદાર ચીસ નીકળી અને તેના પડઘા કમરામાં ગુંજી ઉઠ્યા.
ટેબલની ફર્શ પર સરકતો કદમનો દેહ ધડામ કરતાં નીચે દેવાંગીના પગ પાસે પછડાયો અને બનાવની એક ક્ષણ પહેલા જ રાજે કમરામાં પગ મૂક્યો હતો.
ચીસના અવાજ સાથે હરિલાલે ઝડપથી આંખો ખોલી અને સફાળો બેઠો થઈ ગયો, "બેટા દેવાંગી" તેના મોંમાંથી ચીસ સરી પડી.
દેવાંગી દહેશતભરી આંખો સાથે નીચે પડેલા કદમને તાકી રહી હતી. ખોફથી તેની આંખો ચકળવકળ થતી હતી. તેનું પૂરું શરીર ધ્રુજી રહ્યું હતું.
"કદમ... "નીચે પટકાયેલા કદમ તરફ ક્રોધભરી નજરે જોતા રાજ ચિલ્લાયો.
ફર્શ પરથી ઉભા થતા કદમના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું હતું. જ્યારે ડૉ. દેવાંગી લાચાર હરણીની જેમ ધ્રૂજી રહી હતી. તેને થતું હતું કે જો ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જાઉં. બેબાકળો હરિલાલ અસમંજસના ભાવ સાથે બધા સામે જોઇ રહ્યો.
કદમના ચહેરા પર ગ્લાનિના ભાવ ને બદલે સ્મિત ફરક્યું. તે જોઈ રાજનો ગુસ્સો દાવાનળની જેમ ભભૂકી ઉઠ્યો.
"કદમ... હમણાં જ અહીથી ચાલતો થા... તું મારો જીગરી દોસ્ત ન હોત તો... ?" કહેતાં રાજે પોતાની મુઠ્ઠીઓ દીવાલ સાથે અફળાવી, "કદમ મેં તારી પાસે આવા વર્તનની આશા રાખી ન હતી. તે તારી થનારી ભાભી... મારી પત્નીને પેપરવેઈટ માર્યું... "તારી હિંમત કેમ થઈ ... ?" હજુ રાજ ક્રોધથી ધ્રૂજતો મુઠ્ઠીઓવાળી રહ્યો હતો.
"શું થઈ રહ્યું છે. કોઈ મને કહેશો... ?"અચાનક ઉજ્જ્વલાએ કમરામાં પગ મૂક્યો અને અંદરનું ધમાસણ જોઈ તે આશ્ચર્ય સાથે મૂંઝવણમાં પડી ગઈ. પછી દેવાંગીને ધ્રુજતી રડતી જોઈ તે ઝડપથી તેની પાસે પહોંચી અને દેવાંગીને બાથમાં લઇ લીધી.
"મમ્મી.. " કહેતાં તેને બાથ ભરી દેવાંગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"રાજ... હું તો ચાલ્યો જઈશ, પણ ... પણ તમારો સાચો અપરાધી છે.. " કહેતાં દેવાંગી સામે કદમે આંગળી ચીંધી.
કદમની વાત સાંભળી કમરામાં વિસ્ફોટ થયો હોય તેમાં આશ્ચર્ય સાથે સૌ જડવત બની ગયા.
" જૂઠ .... કદમ તુ જૂઠું બોલી રહ્યો છે... "રાજ ક્રોધ સાથે જોરથી ચિલ્લાયો.
"રાજ તુ દેવાંગીના પ્રેમમાં આંધળો થઈ ગયો છે એટલે તને ક્યારેય સાચું નહીં સમજાય પણ ડૉ. દેવાંગી તારા ડેડીને આ છેલ્લું ઇન્જેક્શન આપી રહી હતી અને ત્યારપછી તારા ડેડીને ક્યારેય કોઇ દવા કે ઇન્જેક્શનની જરૂર ન પડત. તે હંમેશા માટે ચિરનિદ્રામાં પોઢી જાત. " સખ્ત અવાજે કદમ બોલી રહ્યો હતો.
"કદમ.... "રાજ જોરથી ચિલ્લાયો. "કદમ... આ જ પળે તું અહીંથી ચાલ્યો જા, નહીતર હું આપણી દોસ્તી ભૂલી જઈશ.... અને.. "
"અને શું... ? રાજ તું મને મારીશ... ?ગોળી મારીશ... ?"કદમ પણ જોરથી ચિલ્લાયો.
"હા... હા... હવે એક શબ્દ પણ દેવાંગીના વિરુદ્ધમાં બોલ્યો છો તો તને ગોળી મારી દઈશ પછી ભલે મારું જે થવાનું હોય તે થાય... "
" રાજ હું તો ચાલ્યો જઈશ પણ આ બોટલમાંની ડ્રગ્સનું પરીક્ષણ ચોક્કસ કરાવીશ એટલે તારી પ્રેમમાં આંધળી બનેલી આંખો ખુલી જાય.... બાકી મારે શું... ?શું કરવા ડૉ. દેવાંગી પર ખોટો આરોપ મુકું... " કહેતાં કદમે નીચે તૂટી પડેલી અર્ધી બોટલનો ટુકડો ઉઠાવ્યો. જેમાં બે- ચાર ડ્રોપ દવા હતી. પછી ત્યાં પડેલી પ્લાસ્ટિકની સિરિંઝ પણ ઉઠાવી જેમાં તે દવા ભરી રહી હતી. બંને વસ્તુ કદમે એક કાગળમાં લપેટી ખિસ્સામાં મૂકી દીધી.
"આ દવા શાની છે, ખબર છે રાજ... ?"
રાજે ધૃણાભરી નજરે કદમ સામે જોયું. હજુ તેના ચહેરા પર કદમ પ્રત્યે રોષ ફેલાયેલો હતો.
"રાજ... રાજ આ દવા હરિલાલ અંકલના શરીરમાં જતા જ તેનો શ્વાસ મંદ પડતો જાત અને પછી બંધ પડી જાત. આવી દવા પેશન્ટને ઓપરેશન કરતી વખતે બેહોશ કરવા એનેસ્થેસિયામાં વપરાય છે. જે દવા આપ્યા પછી તરત દર્દીને નાકમાંથી ફેફસાની નળી સુધી ટ્યુબ નાખી મશીનથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો પડે છે. જોકે આ મારું અનુમાન છે. જે દવાનું પરીક્ષણ કર્યા પછી ખાતરીમાં ફેરવાઈ જશે.
"આ "પેવીલોન" નામનું ઇન્જેક્શન હોવું જોઈએ. " કહેતાં કદમ ડૉ. દેવાંગીની તરફ ફર્યો, "બોલો ડૉ. દેવાંગી આ વાત સાચી છે.
ડૉ. દેવાંગી કદમની આંખોનું તેજ જીરવી ન શકી. તરત તેમણે નજરને નીચે નમાવી દીધી.
"હા... રાજ કદમની વાત સાચી છે. " કહેતાં- કહેતાં તે ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
કમરામાં સન્નાટો છવાઈ ગયો. સૌ સ્તબ્ધ થઇ ગયાં.
ઉજજવલા અવિશ્વાસ સાથે ફરી આંખોથી ડૉ. દેવાંગીને જોઇ રહી.
"હા... હા.... આ વાત સાચી છે. આ ઇંજેક્શનનું નામ સ્કોલીન છે અને મેં મારા પિતા સમાન હરિલાલ શેઠને ચિરનિદ્રામાં પહોંચાડવા જ આપવાનું નક્કી કર્યું હતું. "
ડૉ. દેવાંગી એકદમ ધ્રુજતી હતી.
હરિલાલના શરીર પર પરસેવો છૂટી ગયો. તેની રૂંવાટી ઊભી થઈ ગઈ.
કદમે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કોઈને લગાવ્યો.
" હલ્લો... હા... બહાદુર, તું બંનેને લઈ ઝડપથી હરિલાલ શેઠના કમરામાં આવ... "કહી કદમે મોબાઇલ સ્વીચઓફ કર્યો.
કમરામાં એકદમ સન્નાટો પ્રસરેલો હતો. ફક્ત ડૉ. દેવાંગીના ધ્રુસ્કાનો અવાજ સંભળાતો હતો.
પાંચ જ મિનિટમાં બહાદુર છે ફાર્મ હાઉસમાં ચોકીદાર હતો, તે એક સ્ત્રી અને પુરુષને લઇ હરિલાલના કમરામાં પ્રવેશ્યો.
તે સ્ત્રી અને પુરુષના માથા પર સ્કાફ ઢંકાયેલો હતો, જેથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો.
"બહાદુર... તું આ બંનેને ક્યાંથી લઇ આવ્યો! આ તો સામે આવેલી પુરાણી હવેલીમાંથી પકડાયેલા બે અપરાધી છે, જેને કદમ પોલીસ સ્ટેશનના મૂકી આવ્યો હતો. "રાજના ચહેરા પર મૂંઝવણના ભાવ ફેલાયેલા હતા. કમરામાં શું બની રહ્યું છે તે તેની સમજમાં આવતું ન હતું.
"રાજ... આ બહાદુર નથી. "કદમે વિસ્ફોટ કર્યો.
" શું... આ બહાદુર નથી... ?"
"હા... તમારા ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે કામ કરતો બહાદૂર પૈસાની લાલચે હૈદરઅલી સાથે ભળી ગયો હતો અને મારી નજરે ચડી જતા મેં તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ટોર્ચર કર્યો અને પછી તે ફટાફટ બધું બકી ગયો, તેણે જ તમારા બંને કૂતરાને માંસમાં આ શ્વાસ બંધ કરવાની દવા નાખી મારી નાખ્યા હતા અને તેથી જ આ ઇંજેક્શનમાં પણ તે જ દવા હોવી જોઈએ તેવું મેં અનુમાન કર્યું હતું.
"તો... તો... આ કોણ છે?"
"આ ' રો 'એજન્ટ આદિત્ય છે. જે મારી સાથે કામ કરે છે. "કદમની વાતોથી વિસ્ફોટ પર વિસ્ફોટ થતા હોય તેવું કમરામાં રહેલા સૌને લાગી રહ્યું હતું.
બનાવટી બહાદુરે તેના ચહેરા પર લગાવેલ ફેસમાસ્ક દૂર કર્યો. ફેસમાસ્ક પાછળ એક સુંદર મનમોહક યુવાનનો ચહેરો પ્રગટ થયો. તે ચહેરા પર અસીમ મુસ્કુરાહટ દોડતી હતી.
પકડેલી તે બંને વ્યક્તિને ત્યાં પડેલી ખુરશી પર બેસાડવામાં આવી.
"હરિલાલ આ છે તમારા અપરાધી" બોલતાં કદમ તે બંને પાસે ગયો અને ચહેરા પર લગાવેલ દુપટ્ટાને એક ઝાટકા સાથે ખેંચી નાખ્યા.
હજારો વીંછીઓએ એકસાથે ડંખ માર્યા હોય તેવી પીડા ભરી ઝણઝણાટી હરિલાલના પૂરા શરીરમાં દોડી ગઈ. જાણે એકાએક તેના પર વીજળી પડી.
હરિલાલના મોંમાંથી એક ચીસ સરી પડી. તેના શરીરના રોંગટા ઉભા થઇ ગયાં.
"રૂપા... રૂપા... તું... ?"આશ્ચર્ય, ભય દહેશતના એક સાથે કેટલાય ભાવ તેના ચહેરા પર ફરી વળ્યા.
હરિલાલને લાગી રહ્યું હતું કે તેનું દિલ બેસતું જાય છે. તેના શરીરમાં લકવા મારી ગયો છે. તે એકદમ ધ્રુજી રહ્યો હતો.
હરિલાલને આવી પરિસ્થિતિ જોઈ ઉજજવલા તેની પાસે દોડી ગઈ. "હરિ... " તેના મોંમાંથી એક સરી પડી. રાજ એકદમ હેબતાઇ ગયો.
"રૂપા... રૂપા... તું... ? તું જીવતી છો... ?અરે આટલા વર્ષો વીતી ગયાં.. રૂપા તું ક્યાં હતી અને... અને... આ કાનજી... કાનજી તું ક્યાં હતો આટલા વર્ષ... ?"હરિલાલનો અવાજ તરડાતો હતો.
"કેમ હરિલાલ શેઠ ડરી ગયા, મને જીવતી જોઈને.. " રૂપાની આંખોમાં આવના તણખા વેરાયા.
"કદમ... કદમ.. આ બધું શું છે... ? મને તો કોઈ કંઈક સમજાવો... "પોતાના બંને હાથથી માથાના વાળ પીંખતા રાજ બોલ્યો.
" રાજ... તારે કોના મોંએથી સાંભળવું છે. તારા પિતાના... ? રૂપાના... ? કે મારા મોંએથી સાંભળવું છે... ?" કદમના અવાજમાં સખ્તાઈ વર્તાતી હતી.
"કદમ... મારા દોસ્ત... તું નારાજ ન થા, કદમ મને તું જ સમજાવ, આ બધું શું છે... "થરથરતા અવાજે રાજ બોલ્યો.
" તો સાંભળો સૌ હરિલાલની કહાની" સૌ તરફ નજર ફેરવતાં કદમ આગળ બોલ્યો, "હરિલાલ શેઠ ત્યારે ફક્ત હરિલાલ હતા અને નોકરી કરવા મુંબઇ આવ્યા હતા. પોતાની મહેનત અને લગનથી તેમણે તેમના શેઠનું દિલ જીતી લીધું. શેઠને કોઈ સંતાન ન હતું અને તેમની ઉંમર પણ વધુ હતી. તેઓ મૂળ કચ્છના વતની હતા અને પોતાની પાછલી જિંદગી માદરે વતનમાં શાંતિથી જીવવા માંગતા હતા. તેઓ મુંબઈનો કારોબાર વેચવા માંગતા હતાં તેનો બધો કારોબાર હરિલાલે ખરીદી લીધો.
રાત-દિવસની અગાધ મહેનતથી હરિલાલ દિવસો - દિવસ પ્રગતિ કરવા ગયા લાગ્યા. મુલુંડમાં તેમનું નામ મોટા - મોટા વેપારીઓમાં લેવાતું હતું. " લાંબો શ્વાસ લઈ કદમે આગળ કહ્યું, "તે દિવસોમાં તેની સાથે કામ કરતાં કાનજી તથા મોહનલાલ પણ તેની પાસે નોકરીએ લાગી ગયા. બંને હરિલાલના નોકરી સમયના મિત્રો હતા અને વિશ્વાસુ પણ..
એક દિવસ હરિલાલ જે મિલમાંથી કાપડ ખરીદતો હતો, તે મિલે દેવાળું ફૂંકી દીધું, કર્જમાં ઊંડા ઊતરી ગયેલ તે ઉદ્યોગપતિ પાસેથી હરિલાલે તે મિલ ખરીદી લીધી.
બધા બનાવની શરૂઆત તે મિલના ઉદ્ઘાટનથી શરૂ થઈ. તે દિવસે રૂપાના પિતા મોહનલાલ બીમાર હતા. રૂપા હરિલાલ સાથે મિલના ઉદ્ઘાટનમાં જવા માટે નીકળી, કાનજી તો મિલ પર જ કામકાજના હિસાબે વહેલો નીકળી ગયો હતો.
સજી-ધજીને તૈયાર થયેલી રૂપાને હરિલાલે તે દિવસે પહેલીવાર અલગ નજરથી નિહાળી હતી. પહેલી વાર હરીલાલને ખબર પડી હતી કે નાની છોકરી રૂપાના શરીરમાં જુવાની ખીલી ઉઠી છે. ઉદ્ઘાટન પૂરું થયું. હરિલાલે રાત્રે પોતાના અંગત મિત્રો માટે પાર્ટી રાખેલ હતી. રૂપાએ હરિલાલ સાથે જ પાછા જવાનું હોવાથી તેને પણ રોકાવું પડ્યું હતું.
તે રાત્રે હરિલાલે પોતાના મિત્રો સાથે શરાબ પીધો. સવારથી જ હરિલાલની નજર રૂપાના જોબન પર મંડાયેલી હતી. શરાબ પીધા પછી હરિલાલની કામાગ્નિ ઉત્તેજિત થઇ ઉઠ્યો હતો. તેમાં રાત્રે પડેલા વરસાદે તેની ઉત્તેજનાને એકદમ વધારી દીધી. વરસાદમાં પલળેલ રૂપાના અંગ પર નજર પડતાં જ તે પોતાના દિમાગનું કંટ્રોલ ખોઈ બેઠો. તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે તેના રસ્તામાં એક ખંડેર બનેલ જૂની રાજાશાહી વખતની હવેલી આવે છે. તે તેને ખબર હતી, તે ખંડેરો પાસે આવતા ખબર નહીં કેમ, પણ હરિલાલની ગાડી ખોટવાઇ ગઇ કે પછી હરિલાલ ગાડી ખરાબ થઈ ગયાનું કારણ દર્શાવી ત્યાં ગાડી થોભાવી. પૂરજોશમાં વરસતા વરસાદમાં આશરો લેવાના બહાને તે રૂપાને ખંડેરોમાં લઈ ગયા. રૂપા હરીલાલને પોતાના પિતા તુલ્ય હતી. તેને હરિલાલની બદદાનનો ખ્યાલ આવ્યો ન હતો અને ખ્યાલ આવ્યો ત્યારે તેને હરિલાલના હાથમાંથી બચાવનારું કોઈ જ ન હતું. હરિલાલના દિમાગનો કબજો સાક્ષાત શેતાને લઈ લીધો હતો.
એક ઊંડો શ્વાસ લીધા પછી કદમ આગળ બોલ્યો.
"ન બનવાનું બની ગયું, રૂપા હરિલાલના હવસની શિકાર બની ગઈ. તે ઘણી ચિલ્લાઈ હતી. હાથ જોડીને કરગરી હતી. પણ છેવટે હરિલાલે ન કરવાનું કરી નાખ્યું, રૂપા બેહોશીના આગોશમાં ઉતરી ગઈ, તેનો આઘાત પામેલા હદય લગભગ બેસી ગયું હતું. જ્યારે હરીલાલને ભાન થયું ત્યારે તે એકદમ હેબતાઈ ગયો. "પોતે આ શું કરી નાખ્યું... " કહેતાં તે વલોપાત કરવા લાગ્યો. પણ પછી તેણે ધ્રુજતા હાથે રૂપાને તપાસી તો રૂપાની મંદગતિથી ચાલતી નાડી તેને બંધ પડી ગયેલ લાગી. પોતાનો શિકાર બનેલી રૂપા મૃત્યુ પામી છે. તેનો ખ્યાલ આવતા જ તે ધ્રુજી ઊઠ્યો, છેવટે મનને મનાવી રૂપાના મૃતદેહને ક્યાંક દાટી દઈ સૌને રૂપા ખંડેરોમાં ગુમ થઈ ગયાનું કહેવાનું નક્કી કર્યું. ખંડેરના તે ઓરડામાંથી રૂપાના મૃતદેહને બહાર લાવતા રૂપાનું શરીર પૂરજોશ સાથે નીચે પટકાયું હશે, જેનાથી મંદ પડી, બંધ થવાની તૈયારીમાં રહેલું તેનું હૃદય ફરીથી પુરજોશ સાથે ધબકવા લાગ્યું હશે, જેનાથી થોડીવારમાં જ રૂપા ભાનમાં આવી ગઈ, આ મારું અનુમાન છે.
સુમસામ અંધકાર ભર્યા ખંડેરોની વચ્ચે પોતાની જાતને પડેલી જોઈ તે એકદમ હેબતાઈ ગઈ. ખોફ અને દહેશતથી તેના મોમાંથી ચીસ સરી પડી પછી ધ્રુજતા ધ્રુજતા તે ઊભી થઈ. ધીરે ધીરે તેને પૂરી ઘટના યાદ આવવા લાગી.
બધું યાદ આવતા જ તે હેબતાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, પછી અચાનક હરિલાલ યાદ આવતા ગભરાઇ. હરિલાલ ત્યાં ન હતો, તે રૂપાના મૃતદેહને દાટવાની વ્યવસ્થા કરવા ગયો હતો.
થોડીવાર વીતી હશે, ત્યાં જ રૂપાએ જોયું તો હરિલાલ જંગલના ભાગ તરફથી ખંડેરો તરફ આવી રહ્યો હતો. હરિલાલ તેને જીવતી નહીં જ છોડે તેવી તેને ખાતરી થઈ ગઈ હતી.
રૂપા ચૂપચાપ સરકતી ખંડેરોની બહાર આવી અને ફરતી દીવાલ પાસે આવેલ એક ઘેઘૂર વૃક્ષ પર ચઢીને છુપાઈ ગઈ. હરિલાલે રૂપાને ઘણી શોધી પણ રૂપા મળી નહીં. છેવટે તેને લાગ્યું કે રૂપાના મૃતદેહને કોઈ જંગલી જાનવર ઉઠાવી ગયું લાગે છે. ઉતાવળભર્યા તે ખંડેરોમાંથી તે હવે ઝડપથી દૂર ચાલ્યો જવા માંગતો હતો. ઝડપથી તે પોતાની કાર પાસે આવ્યો. તેને જતો જોઈ રૂપા તે વૃક્ષની નીચે ઊતરી. હરિલાલને તેણે ઝડપથી ગાડીમાં બેસતાં જોયો. ત્યારબાદ એક બે પળમાં જ ગાડી સ્ટાર્ટ થતાં તે ચોંકી ઉઠી, તેને સમજાઈ ગયું કે ગાડી ખરાબ થઈ ન હતી પણ તે હરિલાલની સોચી સમજીને બનાવેલી યોજના હતી.
હરિલાલ ગાડી સ્ટાર્ટ કરી આગળ વધી ગયો.
અચાનક તેણે વિન્ડો સક્રીનમાંથી પાછળ જોયું તે જ વખતે આકાશમાં વીજળીના ચમકારા વેરાયા, હરિલાલ એકદમ હેબતાઈ ગયો.
કારણકે ખંડેરો પાસે તેમણે રૂપાની લાશને ઉભેલી જોઈ, ભય, દહેશતથી તે ધ્રુજી ઊઠ્યો. તેના ધ્રુજતા હાથે બેલેન્સ ખોયું, લીવર એકદમ દબાયું અને તેની પૂરપાટ વેગે દોડતી ગાડી એક મોટા વૃક્ષ સાથે અથડાઈ પડી, તે બેહોશ થઈ ગયો.
રૂપા દોડતી ત્યાં આવી, હરિલાલ બેહોશ હતો તેના માથામાં વાગ્યું હતું. ત્યાંથી ખૂન નીકળી રહ્યું હતું.
પહેલા તો તેને થયું કે કાનજીને ફોન કરી ઝડપથી અહીં બોલાવે અને ત્યાં સુધી હરિલાલને ભાનમાં લાવવાની કોશિશ કરે, પણ તેના આત્માના અવાજે તેને ના કહી.
" રૂપા તારી જિંદગીને હરિલાલે નરકના દલદલમાં ધકેલી દીધી છે. રૂપા તેને તેના કર્મોની સજા ભોગવવા દે, તું જલદી અહીંથી નાસી જા, જો તે ભાનમાં આવી જશે તો તને જીવતી નહિ મૂકે... નાસી જા, રૂપા નાસી જા. "
" પણ... પણ... હું નાસીને ક્યાં જાઉં... ?મારું કાળું મોં લઈને મારા પિતા પાસે જાઉં... ?કાનજી પાસે જાઉં... ? ના... ના... હવે હું કોઇને મોં બતાવવા લાયક જ રહી નથી, મારા માટે તો હવે મોતને વહાલુ કરવું તે જ બહેતર છે. "તે બબડી.
"ના... રૂપા... ના... તારો આમાં કોઇ જ વાંક નથી.... તારે શું કરવા મરવું પડે. " અંદરથી તેના આત્માનો અવાજ આવ્યો.
"તો... તો... હું શું કરીશ... ?" નાસી જા... રૂપા... નાસી જા... " અને રૂપા હરીલાલને ત્યાં જ પડતો મુકી નાસી ગઈ.
તેને ઘરે પાછા ફરવું ન હતું... દુનિયામાં બાપ સિવાય કોઈ તેનું પોતાનું ન હતું. હા, કાનજી તેને સાચા દિલથી પ્યાર કરતો હતો. પણ કાનજી પાસે પોતાનું મોં કેમ બતાવવું... છેવટે તે દરબદર ઠોકરો ખાતા એક અનાથ આનાથાશ્રમમાં પહોંચી.
ત્યાંના ટ્રસ્ટીઓએ તેને આશ્રમમાં આશરો આપ્યો. થોડા સમય પછી તેને ખ્યાલ આવ્યો કે તે સગર્ભા બની ચૂકી છે. તેના ગર્ભમાં હરિલાલનું બાળક આકાર લઈ ચૂક્યું છે. તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. સમાજમાં કેવી રીતે હવે પોતે કોઈને મોં બતાવી શકશે. આશ્રમમાં કોઈ પૂછશે તો તે લોકોને શું જવાબ આપશે... ? પણ છેવટે મનમાં તેણે નક્કી કરી લીધું કે પોતે હરિલાલના બાળકને જન્મ આપશે અને પછી તેને લઇ હરિલાલ પાસે જશે, તેના બાળકને જન્મ આપશે અને પછી તેને લઈ હરિલાલ પાસે જશે, તેના બાળકને તેનો હક્ક આપવા, ભલે સમાજ તેને જે દ્રષ્ટિથી જુએ તે પણ તેના બાળક માટે તે લડી લેશે.
તે વિચાર પછી તેનામાં હિંમત આવી ગઈ.
આશ્રમના ટ્રસ્ટી સારા હતા. કોઈએ ક્યારેય તેના પેટમાં આકાર લઈ રહેલા બાળક વિષે પૂછ્યું નહીં પણ તેઓ સૌ રૂપાનો વધુ ખ્યાલ રાખવા લાગ્યા. આશ્રમનો સ્ટાફ અને ત્યાં આશ્રમમાં રહેતા તેના જેવા સૌ અનાથોને તેને સહર્ષ અપનાવી લીધી હતી. સૌ તેને પ્રેમથી રાખવા લાગ્યાં.
સમય જતાં રૂપાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. આશ્રમમાં ખુશાલીનો માહોલ છવાઇ ગયો. પછી તો રૂપાનું જીવન બદલાઈ ગયું. બધું જ વિચારવાનું પડતું મૂકી તે પોતાની દીકરીની સારસંભાળમાં લાગી ગઈ. બાળકીની હું મળતા તે આનંદમાં રહેવા લાગી. "
ત્યાં પડેલી બોટલ ઉઠાવી કદમે પાણી પીધું. પછી એક દીર્ઘ શ્વાસ લઈ તે આગળ બોલ્યો. " રૂપાની પુત્રી ખૂબ જ સુંદર હતી. આશ્રમમાં સૌ કોઈ તેને વહાલ કરતું. દિવસો પસાર થતા ગયા. એક દિવસ આશ્રમના લોકોએ પ્રવાસનું આયોજન કર્યું. રૂપા પણ તેમા સામેલ હતી. પ્રવાસમાં અચાનક તેનો ભેટો કાનજી સાથે થઈ ગયો. રૂપાને જોઈ કાનજી છક્ક થઈ ગયો. કેટલીય ક્ષણો તો તે રૂપાને નીરખતો રહ્યો. રૂપાની પણ એ જ હાલત હતી.
"તું... તું... રૂપા... ?"
" કાનજી... તું... ?"
બંનેની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા.
"રૂપા તને શોધવા હું હરિલાલની નોકરી છોડીને દર-બદર ભટક્યા કરું છું. આટલો સમય તો ક્યાં ખોવાઈ ગઈ હતી. રૂપા... ?તું અમને છોડીને કેમ ચાલી ગઈ... ? જવાબ આપ રૂપા... તને ક્યારેય એમ ન થયું રૂપા કે તારા બાપુ, મોહનકાકા અને તારા આ કાનજીની તારા વગર કેવી હાલત થશે... ? તેણે રૂપાને છંછેડી નાખી પણ પછી તે આગળ બોલ્યો, "રૂપા આટલા વર્ષોમાં તને ક્યારેય અમારી યાદ ન આવી. તારા હાથમાં રહેલ બાળક પરથી લાગે છે કે તે લગ્ન કરી લીધા છે. રૂપા તારી પસંદગીનો પુરુષ કોઈ બીજો હતો તો તારે મને વાત તો કરવી હતી. હું ખુશીથી તારા લગ્ન તેની સાથે કરાવી આપત. મેં તને સાચા દિલથી પ્યાર કર્યો છે. રૂપા તારી ખુશી એ જ મારી ખુશી હતી. રૂપા પ્રેમે બલિદાનનું એક સ્વરૂપ છે. રૂપા જો.. "
૧૮૧-૧૯૫
"બસ... બસ... બસ... " બંને કાન આડા હાથ ધરતાં રૂપા ચિલ્લાઇ અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
કેટલીય વારની સમજાવટ પછી રૂપા માંડ માંડ શાંત થઈ.
" કાનજી, બાપુ કેમ છે... ?" સાડીના પાલવથી આંસુ લુછતા તે બોલી.
"રૂપા... મોહનકાકા તો તારા ગુમ થયા પછી થોડા સમયમાં જ ઈશ્વર પાસે પહોંચી ગયા. તારા વગર તેઓ તડપી તડપીને મોતને વહાલું કર્યું છે. રૂપા... !" કાનજી રડી પડ્યો. રૂપાએ તેને બાથમાં લીધો તે ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
ત્યાંથી જવાનો સમય થતાં રૂપા કાનજીને મુકીને ચાલી ગઈ. અલબત્ત એ આશ્રમનું સરનામું આપતી ગઈ હતી.
કાનજીની જિંદગીમાં રૂપાને શોધવા સિવાય કંઈ જ કામ રહ્યું ન હતું. રૂપા મળી ગઈ પછી આ થોડા જ દિવસમાં રૂપાને મળવા આશ્રમમાં આવી ચડ્યો.
રૂપાએ પોતા પર બનેલી આપવીતી કહી સંભળાવી. હરિલાલના અસલી સ્વરૂપનો ખ્યાલ આવતા જ કાનજીના દિમાગમાં ગુસ્સા ભરેલો અગ્નિનો દાવાનળ પ્રજ્જવલ બની ગયો. તેની આંખોમાં લોહી ધસી આવ્યું.
"સાલ્લા... હરામખોર.... તને તો હું જીવતો નહીં છોડું કાફર... તારી એવી હાલત કરીશ કે તું મોતની ભીખ માંગીશ. " ત્યારે રૂપાએ તેની માંડ માંડ સમજાવ્યો હતો.
કાનજીએ રૂપાની પુત્રીને બાપ તરીકે પોતાનું નામ આપ્યું. આશ્રમના ટ્રસ્ટીઓને પણ તે મળ્યો અને રૂપા સાથે લગ્ન કરી, તેની સાથે લઈ જવાની માંગણી મૂકી. ટ્રસ્ટીએ રાજીખુશીથી તૈયાર થયા પણ રૂપા... રૂપાએ કાનજીને કહ્યું કે" હું હવે તારા લાયક રહી નથી. કાનજી તારો મારા પ્રત્યેનો સ્નેહ સાચો અને નિર્મળ છે. હું પણ તને ચાહું છું. પણ હમણાં મને અહીં આશ્રમમાં જ રહેવા દે. "
ઘણી સમજાવટ પછી પણ રૂપા માની નહીં, કાનજી નિરાશ ન થાય તે માટે આશ્રમના ટ્રસ્ટીઓએ કાનજીને ગમે ત્યારે રૂપાને મળવાની અને રૂપા માનેે ત્યારે તેની સાથે લગ્ન કરી લેવાની છૂટ આપી.
વર્ષો વીતતા ગયાં. રૂપાની દીકરી મોટી થતી ગઇ. કાનજી તનતોડ મહેનત કરતો અને પૈસા લઈને રૂપાના હાથમાં સોંપી દેતો. રૂપાને તેની દીકરી પ્રત્યે દિવસે - દિવસે મમતા વધતી જતી હતી. કાનજી પણ રૂપા સાથે તેની દીકરીને પણ એટલો જ ચાહતો હતો. પણ હજુ તેના દિલમાં રૂપાની જિંદગી બરબાદ કરી નાખનાર હરિલાલ પ્રત્યે અગ્નિનો દાવાનળ ભભૂકતો હતો.
રૂપાની દીકરી મોટી થતાં જ તેને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે કાનજીએ સ્કૂલમાં મોકલી દીધી. તે ત્યાં બનેલી ગર્લ્સ હોસ્ટેલમાં જ રહેતી હતી. રૂપા હવે એકલી પડી ગઈ અને છેવટે કાનજીની વાત માને તે કાનજી સાથે રહેવા માટે ચાલી ગઈ. રૂપાની દીકરી ભણવામાં ઘણી જ હોશિયાર હતી. તેથી તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું.
મેડિકલ કોલેજમાં સારા ટકા ઉત્તિર્ણ થઈ તે એમ. ડી. ડોક્ટર બની ગઈ. તરત જ તેને મુંબઈની સાયન હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ. ત્યાં સુધી તેને કોઈ વાતની ખબર ન હતી. પણ જ્યારે તેને ખબર પડી કે કાનજી તેનો બાપ નથી ત્યારે તેના પર આભ તૂટી પડ્યું. રૂપાની ઘણી ના હોવા છતાં કાનજીએ તેને બધી જ વાત વિગતવાર જણાવી દીધી.
બધી વિગત જાણ્યા પછી તેને પોતાના પિતા પ્રત્યે નફરત જાગી ઉઠી. ત્યારબાદ તેણે હરિલાલની તપાસ શરૂ કરી. હરિલાલ તો કચ્છમા સ્થાયી થઈ ચૂક્યો હતો અને તે અંજારમાં હતો તેથી જ તેની દીકરી પોતાની સારી નોકરી છોડી અંજારના આવી અને પોતાનું દવાખાનું શરૂ કર્યું. બિલ્ડીંગ તેણીએ ભાડાથી લીધેલ હતી. રૂપા અને કાનજી પણ દીકરીની સાથે અંજાર આવી પહોંચ્યા હતા. જોગાનુજોગ હરિલાલ બીમાર પડતા તેની પાસે ટ્રીટમેન્ટ માટે તમે પહોંચ્યા હતા.
"તો... તો... શું ડૉ. દેવાંગી મારી દીકરી છે.. ?"હરિલાલે ધ્રૂજતા અવાજે પૂછ્યું. હરીલાલને ખબર પડતી ન હતી કે તેના મનમાં હર્ષ થઈ રહ્યો હતો કે પોતે કરેલા કુકર્મનો પશ્ચાતાપ.
રાજ એકદમ સ્તબ્ધ થઇ ગયો. તેનું મગજ સુન્ન થતું જતું હતું. તેના મગજમાં વિચારોનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું. પોતે જેને અપાર પ્રેમ કરે છે, તે દેવાંગી તેની બહેન છે. તે વિચારથી જ તેની હાલત પાગલ જેવી થઈ ગઈ.
"હા... હરિલાલ દેવાંગી તમારી પુત્રી છે.... તમારું અંશ છે. " સખ્ત નજરે કદમે હરિલાલ સામે જોયું. પછી આગળ બોલ્યો. ડૉ. દેવાંગીના દવાખાને એક પેશન્ટ આવ્યો જેની હાલત એકદમ ખરાબ હતી. તે બેભાન અવસ્થામાં હતો. દેવાંગીની તનતોડ મહેનત પછી તેને સારું થઇ ગયું. ત્યારબાદ કાનજીને ખબર પડી કે તે મોટો સ્મગલર છે અને નકલી નોટો ભારતમાં ઘુસાડવા માટે પાકિસ્તાનથી કચ્છમાં આવ્યો છે. કાનજીને હરિલાલ સાથે હિસાબ ચૂકવવો હતો. તેથી તેણે દેવાંગીને તેની સારવારના પૈસા ન લેવાનું સમજાવ્યું. પછી કાનજી તે સ્મગલરની પાછળ લાગી ગયો અને છેવટે તેને ખબર પડી કે તે હરિલાલના ફાર્મ હાઉસ સ્થિત બંગલાની પાછળ આવેલી પુરાણી હવેલીમાં પોતાનું ષડયંત્ર રચી રહ્યો છે અને છેવટે કાનજીએ તેની મદદ લેવાનું નક્કી કર્યું. તે હૈદરઅલી ને મળીને તેને મદદ કરવાની વિનંતી કરી. હૈદરઅલીને ડૉ. દેવાંગીએ બચાવ્યો હતો. તેથી તે કાનજીને મદદ કરવા તૈયાર થયો અને પછી રચાયેલું ષડયંત્ર તમારી સૌની સામે જ છે.
"તો પછી રાજને રસ્તામાં મળેલી સ્ત્રી જે રૂપા હતી તેનું શું તે ષડયંત્રનો ભાગ હતી... ?" આદિત્યે પૂછ્યું.
"હા... આદિત્ય કેટલાય સમયથી તેઓ રાજ પર નજર રાખતા હતા અને મોકો જોઇ રૂપા રસ્તા પર ઉભી રહી. રાજ પાસે લીફ્ટ માંગી. તેનો હેતુ એ હતો કે હરિલાલને સમાચાર મળી જાય કે રૂપાનો આત્મા ભટકે છે. હરિલાલને માનસિક અને શારીરિક રીતે નબળો પાડવા માટે જ તે કારસ્તાન રચવામાં આવ્યું હતું.
"કદમ તને બધી હકીકતની જાણ કેમ થઇ?" આદિત્યે કદમ સામે જોયું.
"અમુક વાતો તાનિયાના મેળવેલા રિપોર્ટ પરથી અને બાકીની વાતો હવેલીના અંડરગ્રાઉન્ડ કમરામાંથી પકડાયેલ રૂપા અને કાનજીએ કહી હતી. થોડી વાતો હરિલાલ ખુદે મને બતાવી હતી. થોડી વાતોનાં મેં તારણ કાઢ્યાં હતાં. "
"અને કદમ... હવેલી પર જ્યારે રાજને રૂપાના બાપના વેશમાં જે આદમી મળ્યો હતો કોણ હતો. રૂપાનો બાપ તો મૃત્યુ પામ્યો હતો... ?" આદિત્યે પૂછ્યું.
"આદિત્ય... રૂપાનો બાપ તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હતો. રાજને જે આદમી હવેલી પર મળ્યો હતો તે રૂપાના બાપના વેશમાં કાનજી હતો અને આ નાટક કરી તે હરિલાલને વધુ હેબતાવી નાખવા માંગતો હતો. "
"તો શું દેવાંગી તું પણ આમાં સામેલ હતી. તને તો અમે દીકરી ગણીને રાખી હતી... ?" દેવાંગી સામે જોઈ ઉજજવલા બોલી તેનો સ્વર ધ્રૂજતો હતો.
દેવાંગી નાં ધ્રુસ કાં હજુ ચાલુ હતાં. રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી. આખું શરીર ધ્રુજી રહ્યું હતું.
"આન્ટી... પહેલા તો દેવાંગી પણ હરિલાલ સામે પોતાની મા પર કરેલા બળાત્કારનો બદલો લેવા માટે આ લોકો સાથે સામેલ હતી. પણ તમારા ફાર્મ હાઉસમાં આવ્યા પછી તમારા સૌનો પ્રેમ જોઈ તેની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેના મગજમાં ભરેલી નફરત ધીમે ધીમે શાંત થઈ તમારા સૌનો પ્રેમમાં ધોવાઈ ગઈ. ત્યાર બાદ તેની મમ્મી અને પાલક પિતા કાનજીને ખૂબ સમજાવતી હતી કે આ બધું રહેવા દો, આમે હરિલાલ બીમારીથી પીડાય છે તેમણે કરેલા પાપનો બદલો તેને ઈશ્વર આપશે. પણ કાનજી હરિલાલના કરેલ કૃત્યોને ભૂલી શકતો ન હતો. હરિલાલને તે વફાદાર રહ્યો હતો. તેના બદલામાં હરિલાલે તેની અને રૂપાની જિંદગીને વેરાન કરી દીધી હતી. તે માનવા તૈયાર ન હતો. રૂપા પણ કાનજીને સમજાવતી હતી કે "કાનજી... તું અને દેવાંગી સાથે હું ખુશ છું. ચાલ આપણે એવી જગ્યાએ ચાલ્યા જઈએ જ્યાં આપણા અતીતનો પડછાયો પણ આપણા પર ન પડે. પણ કાનજી ન માન્યો, તે રૂપાને એટલો બધો ચાહતો હતો કે રૂપાની જિંદગી નરકના દલદલમાં ધકેલી દેનારને તે નરકની યાતનાઓ આપવા માંગતો હતો. તેની જિંદગીનો તે એક જ મકસદ હતો, હરિલાલને કરેલા કર્મની સજા આપવાનો. હરિલાલ શેઠ... તમે કેટલીય જિંદગીઓને બરબાદ કરી નાખી છે. "કઠોર નજરે કદમે હરિલાલ સામે જોયું, કદમની આંખોમાંથી તણખા ઝરી રહ્યા હોય તેવું સૌને લાગતું હતું. હરિલાલ તેની આંખો નો તાપ જીરવી શકતો ન હતો.
"કદમ... કદમ... રૂપાને કહે, મારી ભૂલ થઈ ગઈ હું સૌની વચ્ચે તેમના પગ પકડીને માફી માગું છું, મારું હૃદય પશ્ચાતાપથી સળગી રહ્યું છે. મને માફ કરી દે, રૂપા હું પશ્ચાતાપથી કેટલાય વખતથી સળગી રહ્યો છું. " કહેતાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.
***