અતીતના પડછાયા
વ્રજલાલ હિરજી જોષી
૮. દેવાંગીની વેદના
' અરે... કદમ કયાં છે... ?' ચારે તરફ નજર ફેરવતાં રાજ બોલ્યો.
"કદમ... કદમ બાબુ, હમારે સાથ તો થે જબ દોનો કુત્તે ટોમી ઔર મોન્ટુ કો વો મરે હુવે મૈને દેખા તો મૈને કદમ બાબુ કો મોબાઈલ કીયા તો વો ફટાફટ ઉઠ કે આયે થે, ઉન્હોંને ટોમી ઔર મોન્ટુ કો ચેક ભી કિયા થા... "શેરસિંગ થાપા બોલ્યો.
રાજે તરત કદમને મોબાઈલ કર્યો. રિંગ હતી પણ કદમ મોબાઈલ ઉપાડ તો ન હતો.
રાજ સાથે સૌ અવાચક બની ગયા.
" ક્યા બોલતે હો શેરુચાચા હમારે ટોમી ઔર મોન્ટુ કો કિસી ને માર દિયા... ?તુમને મુજે બતાયા ભી નહિ... ?"ગંભીર અવાજ સાથે રાજે પૂછ્યું.
"યસ, સર... દોનો કો કિસીને માર દિયા, ઔર દોનો કૂત્તો કી બોડી લેકર હમ યહાં આયે તો આપ હરિલાલ શેઠ કે કમરે કા દરવાજા ખટખટા રહે થે, ઔર ચિલ્લા રહે થે, હમ તુરંત આપકે પાસ આયે, હરિલાલ શેઠ મુસીબત મેં હૈ યે સોચકર હમને ટોમી ઓર મોન્ટુ કે બારે મેં કુછ નહીં બતાયા.
" પર અભી કદમ કહાં હૈ, ચલો જલ્દી કદમ કો ઢૂંઢના હૈ, જલ્દી... "કહેતાં રાજ કદમના કમરા તરફ દોડ્યો. કદમનો કમરો ખુલ્લો હતો. કદમ ત્યાં હતો એટલે રાજ ઝડપથી બંગલાની બહાર દોડ્યો.
" ચાચા... બહાદુર... ચલો જલ્દી... "
થોડીવારમાં જ ફરીથી રત્નદીપમાં ધમાલ મચી ગઈ. ચારે તરફ કદમને શોધવા માટે દોડાદોડી થઈ. ફાર્મ હાઉસના આગળના બગીચાઓ અને બંગલાના ખૂણેખૂણા તેઓએ જોઈ નાખ્યા. થોડીવાર પછી રાજ પોતાના ડેડીની તબિયત ચેક કરવા માટે કમરામાં આવ્યો.
ઉજ્જવલા અને ડૉ. દેવાંગી બેઠા હતા.
"હલ્લો .. દેવાંગી, ડેડીને કેમ છે... ?" કમરામાં પ્રવેશતાં જ રાજે પૂછ્યું, પછી તે તેના ડેડીના માથા પાસે આવ્યો.
" રાજ... તમારા ડેડી ખતરાની બહાર છે, પણ... "
"પણ... શું દેવાંગી... ?"
"પણ રાજ જો આપણને થોડું મોડું થયું હોત તો ડેડી અત્યારે આપણી વચ્ચે ન હોત... " કહેતાં કહેતાં દેવાંગીનો સ્વર ગળગળો થઈ ગયો.
"રાજ... આ બધું કેમ બની ગયું. તારા ડેડીના કમરાનો દરવાજો તો ખાલી અટકાવેલો હતો અને તેઓ ક્યારેય ઊભા થઈને અંદરથી બંધ નથી કરતા, ખાલી ડોર ક્લોઝરને લીધે દરવાજો બંધ રહે છે. તો... તો રાજ આજ દરવાજો અંદરથી બંધ... અને તારા ડેડીની તબિયત એકદમ ખરાબ થઈ જવી... રાજ કદમ ક્યાં છે?તું એને જલ્દી બોલાવી લાવ અને જો તેનાથી આપણી મુસીબતો હલ થતી ના હોય તો કાલ તુ કચ્છ ડી. એસ. પી ને મળી આવ અને સીક્યુરીટીની માંગણી કર... "
" મમ્મી તું ચિંતા ન કર. કદમ મારી પાસે આજે જ મિલ પર આવ્યો હતો, તે કહેતો હતો કે ચિંતા જેવી કોઇ જ વાત નથી. પણ ડેડીની તબિયત આ જ તબિયત કેમ લથડી પડી અને દરવાજો અંદરથી... "બબડતા વિચારમાં ને વિચારમાં રાજે બારી તરફ પોતાનું મોં ફેરવ્યું. ખુલ્લી બારીમાંથી ઠંડી હવાનાં ઝાપટાં તેના મોં પર અથડાયા. અચાનક રાજના દિમાગમાં લાઇટ થઈ.
"અરે... એ. સી. ચાલુ હોવા છતાં આ બારી કોણે ખોલી. બહારથી જીવાત અંદર ન આવે તે માટે આપણે તો કાયમ બારી બંધ જ રાખીએ છીએ, "વિચારતાં તે બારી પાસે આવ્યો અને બહારની તરફ ડોક નમાવી જોવા લાગ્યો.
અને પછી ખબર નહીં કે તેના દિમાગમાં શું વિચાર આવ્યો, પણ રાજ ઝડપથી બારી ઉપર ચઢી ગયો અને પાછળની તરફ કૂદ્યો.
વરસાદ હજુ ધીમો ધીમો પડી રહ્યો હતો.
બારીમાંથી કૂદકો લગાવી બહાર આવીને રાજે ચારે તરફ નજર ફેરવી, બલ્બના આછા પ્રકાશમાં દૂર - દૂર જોવાની કોશિશ કરી. ક્યાંય કશું જ ન હતું. કેટલીયવાર સુધી વિચાર કરતાં કરતાં તે ત્યાં ઊભા ઊભો રહ્યો, અચાનક તેની નજર તેના પગ તરફ ગઈ.
રાજ ચોંકી ઉઠ્યો, નીચે તેના પગલાંની બાજુમાં જ બીજા પગલાંની છાપ ભીની માટીમાં ઉઠી આવી હતી. અત્યારે તેણે નાઈટ સ્લીપર પહેર્યા હતા. પણ ત્યાં પડેલ પગલાં બૂટની છાપના હતા અને તે પગલા સીધાજ સામેની તરફ જતા હતા. કંઈક વિચારી રાજ બારી પાસે આવ્યો.
"મમ્મી... "બારીમાં ડોકું નાખી તેની મમ્મીને બોલાવી.
" રાજ તું ત્યાં શું કરે છે... ?"
"મમ્મી મને તું સામે પડેલી ટોર્ચ આપ પછી હું તને વાત કરીશ, ઝડપ કર... " રાજ એ કહ્યું કે તરત ઉજ્જવલા દોડીને ટેબલ પર પડેલી ટોર્ચ ઉઠાવી લાવી રાજને આપી. તેના ચહેરા પર ચિંતાના ભાવ ફેલાયેલા હતા.
હું હમણાં આવું છું, કહી રાજ આગળ વધી ગયો.
ટોર્ચ ચાલુ કરી તે પગલાંની છાપના નિશાને નિશાને આગળ વધવા લાગ્યો. પગલાંની છાપ કાંટાળા તારની ફેન્સીંગ તરફ જતી હતી.
ફેન્સીંગ પાસે પહોંચતાં રાજ એકદમ ચમકી ગયો.
ત્યાં પાણીથી ભરેલા ખાબોચિયામાં કાદવથી લથપથ કોઈ માણસનો દેહ ઊલટો પડ્યો હતો. રાજ દોડ્યો. તેના હાથમાં રહેલી ટોર્ચના પ્રકાશનો ધોધ તે માણસના શરીર પર પડ્યો.
નજદીક આવતા જ રાજ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ ધ્રૂજવા લાગ્યા.
"કદમ... "રાજના મોંમાંથી ચીસ સરી પડી.
ટોર્ચના ધ્રુજતા પ્રકાશમાં તેણે બેભાન હાલતમાં પડેલ કદમને ઓળખ્યો. હજુ પણ તેના માથામાંથી લોહી નીકળીને વરસાદના પાણી સાથે ભળી રહ્યું હતું.
" કદમ... કદમ... " ચિલ્લાતો રાજ કદમના માથા પાસે બેસી ગયો. કદમની હાલત જોઈ તે એકદમ વિહવળ બની ગયો હતો. તેણે કદમના હાથ ને હાથમાં લઈ તેના ધબકારા તપાસ્યાં. કદમના ધબકારા રેગ્યુલર ચાલતા હતા.
રાજે ઝડપથી ટોર્ચને પેન્ટના ખિસ્સામાં ખોસી અને નીચા નમીને કદમના દેહને તે ખાડામાંથી બહાર ખેંચી કાઢ્યો. પછી તે ઘૂંટણ પર બેઠો થયો અને બંને હાથેથી બળપૂર્વક કદમના દેહને અધ્ધર ઉઠાવ્યો પછી તે ઉભો થયો અને ઝડપથી દોડવા લાગ્યો.
"શેરસિંગ... બહાદુર... "દોડતો-દોડતો તે બંગલાના આગળના ભાગમાં પહોંચ્યો અને મદદ માટે ચીલ્લાયો.
રાજની ચીસ સાંભળી તરત સૌ ત્યાં દોડી આવ્યાં.
" સર... શું થયું... ?"શેરસિંગ થાપાએ પૂછ્યું.
" કાકા... ઝડપથી કદમને ઉઠાવો અને બહાદુર તું ડૉ. દેવાંગીને બોલાવી લાવ. "
શેરસિંગે કદમને રાજના હાથમાંથી ઉંચકી લીધો, રાજે રૂમાલ કાઢી કદમના માથા પર થયેલા જખમમાં દબાવ્યો પછી બંને કદમને લઈને ડ્રોઈંગ રૂમમાં લઈ આવ્યાં.
" શેરસિંગ ઝડપથી ગરમ પાણી લાવો, કદમના માથા પરથી કાદવ સાફ કરવો પડશે. તેના માથામાં ઝખ્મ કેટલો છે તે ચેક કરવો પડશે. "કદમને સોફા પર સુવડાતાં રાજે કહ્યું.
ધીરે-ધીરે કદમ હોંશમાં આવતો જતો હતો.
ડૉ. દેવાંગી અને ઉજજવાલા દોડી આવ્યા. રાજે તેની મમ્મીને અને બહાદુરને ડેડી પાસે રહેવાનું જણાવ્યું.
ડૉ. દેવાંગીએ ફટાફટ કદમને ઇન્જેક્શન આપ્યું અને તેનો ઝખ્મ ચેક કર્યો. ત્યારબાદ કદમનું માથુ રાજ અને શેરસીંગની મદદથી ગરમ પાણીથી ધોઇ સાફ કર્યું.
"રાજ... ચિંતા ન કરશો. ઝખ્મ ઊંડો નથી અને ટાંકાની પણ જરૂર નથી... "કહેતાં ડૉ. દેવાંગીએ કદમના માથા પર ડ્રેસિંગ કર્યું. થોડીવારમાં જ કદમ ભાનમાં આવી ગયો.
"કદમ... શું થયું હતું... ?"આતુરતા સાથે રાજના અવાજમાં ચિંતા ભરેલી હતી.
"કાંઈ જ નહિ રાજ... "હસતાં કદમ બોલ્યો, "થોડી કુસ્તી લડી આવ્યો, આ તો કોઈએ પાછળથી ઘા કર્યો, મને પાછળથી લોખંડનો પાઈપ ફટકાર્યો, નહીંતર રાજ તમને પરેશાન કરનાર અપરાધી તારી સામે હોત, પણ તમે બધા તો સલામત છો ને... ?"
"કદમ... આજ માંડ - માંડ ડેડીનો જીવ બચ્યો છે. " કહેતાં રાજે બધી વાત કરી.
"હું ત્યારે તારા ડેડી પર હુમલો કરીને જે વ્યક્તિ નાસી રહી હતી તેની સાથે જ મારી ઝડપ થઈ હતી. "
" રાજ અપરાધી ઘણો ચાલાક છે તેણે આપણા બંને કૂતરાઓને પણ મારી નાખ્યા. "
"પણ... જે કૂતરાઓ બે - ચાર માણસને ફાડી નાખે તેવા તાકાતવર અને ટ્રેનિંગ પામેલા હોવાથી તેને કેવી રીતે મારી નાખ્યા એ જ મને સમજાતું નથી... !"
"તને કહ્યું ને રાજ કે અપરાધી ઘણો ચાલાક છે... તેણે કૂતરાઓને માંસ ખવડાવ્યું અને તે માંસમાં પોઈઝન હતું, જેનાથી બંને કૂતરા મરી ગયા. "
"માંસમાં પોઈઝન... ? શું કૂતરાઓને તેનો ખ્યાલ નહીં આવ્યો હોય... ?અને તને કેવી રીતે ખબર પડી... ?"
"અમુક પોઈઝન એવા હોય છે કે જેનો ટેસ્ટ નથી હોતો તેમજ તેની ગંધ પણ નથી હોતી. રાજ અપરાધી મેડિકલ સાયન્સનો જાણકાર છે અને રહી વાત મને ખબર પડવાની તો ત્યાં કૂતરા મરેલ પડ્યા હતા, ત્યાં નાના બે - ત્રણ માંસના ટુકડા પડ્યા હતા. તું કાલ કૂતરાઓને મેડિકલ રિસર્ચ સેન્ટરમાં મોકલી આપજે. તેનું પોસ્ટમોર્ટમ થશે કે તરત જ ખ્યાલ આવી જશે. તેના સ્ટમકમાંથી ચોક્કસ પોઈઝન મળી આવશે.
"કદમ... આ તો આપણા માટે ઘણી ખતરનાક વાત સાબિત થઈ શકે છે. આપણે એકદમ સાવચેત રહેવું પડશે. તું કહેતો હોય તો આપણે પોલીસ પ્રોટેકશન લઈ લઈએ. "
" ના, રાજ તેમ કરવાથી અપરાધી સાવચેત થઇ જશે અને આપણી પકડમાંથી દૂર થઈ જશે. આટલો સમય તે આપણને રમાડતો હતો. હવે હું તેને રમાડીશ. રાજ નજીકના દિવસોમાં ઉંદર બિલાડીની રમત પૂરી કરી નાખીશ. ફક્ત તમારે થોડા રિપોર્ટ આવવાના બાકી છે, હું તેની વાટ જોઉં છું. બે ચાર દિવસમાં જ તારા ફેમિલી પર મંડરાતા આફતનાં વાદળોને હું વિખેરી નાખીશ. "
" ઠીક છે એકદમ મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, તું જે કહીશ તે પોલીસ કે બીજા કોઈ નહીં કરી શકે... "એક ઊંડો શ્વાસ લેતાં રાજ બોલ્યો.
વરસાદ બંધ થઇ ચૂક્યો હતો, રાત ઘણી થઈ ગઈ હતી. ચારે તરફ દેડકાં અને તમરાઓનો અવાજ ગુંજતો હતો.
ત્યારબાદ કદમ પોતાના કમરામાં ગયો. સ્નાન કરી નાહી - ધોઈ તે ફ્રેશ થયો. પછી હરિલાલના કમરામાં આવી તેમની તબિયતની પૃચ્છા કરી. કમરાનું નિરીક્ષણ કર્યું.
"રાજ, રાત ઘણી વીતી ગઈ છે. ડેડી પાસે એક જણ રહો. બાકીના આરામ કરો. હવે અપરાધી આજ રાત પૂરતો તો ફરીથી નહીં જ આવે... "ખુરશી પરથી ઉભા થતાં કદમે કહ્યું.
"હા, રાજ તું, કદમ, દેવાંગી આરામ કરો. તારા ડેડી પાસે હું બેઠી છું. જરૂર પડતાં તરત તમને બોલાવી લઈશ. " ઉજ્જવલાએ રાજ તરફ નજર કરી જોયું.
"ના, મમ્મી તમે બધા આરામ કરો, હું અહીં બેઠી છું. "
" રાજ તારા મમ્મીની વાત સાચી છે. આપણે કાલ દિવસના ઘણાં કાર્યો કરવાના છે. કદાચ કાલની સ્ત્રીના પણ ઉજાગરો થશે, તારા મમ્મી દિવસના આરામ કરી લેશે, ચાલ જીદ ન કર. "
કદમની વાતને માન આપીને રાજ ઊભો થયો.
"દેવાંગી, તું પણ આરામ કર... "તેણે કહ્યું.
પોતાના કમરામાં જઈ ખુરશી પર બેસતાં કદમે સિગારેટ સળગાવી, એક ઊંડો દમ ભર્યો પછી ઊંડા વિચારમાં ખોવાઈ ગયો.
તાનીયાના રિપોર્ટ પ્રમાણે, હરિલાલના જીવનમાં એક બનાવ, જે હરિલાલે ખુદ કદમને કહ્યો હતો, તેના સિવાય કોઈ જ એવો બનાવ બન્યો ન હતો. મુંબઈમાં તેની પ્રતિષ્ઠા સારી હતી. હરિલાલ ગરીબ ઘરમાં ઊછરીને મોટો થયો હતો. તેના પિતાજી કચ્છના સામખિયાળીમાં રેલવે સ્ટેશન માસ્તર હતા. તેની માતા બચપણમાં જ તેને છોડીને મૃત્યુ પામી હતી. તેમના ઘરમાં હરિલાલ અને તેમના પિતા સિવાય કોઈ જ ન હતું. ન હરિલાલના પોતાના કોઈ ભાઈ-બહેન હતા કે ન હરિલાલની માતાના કોઈ ભાઈ-બહેન હતા કે જેઓ હરિલાલની મિલકત માટે કાવાદાવા કરે અને કદાચ હોય તોપણ હરિલાલની મિલકત વડીલોપાર્જિત ન હતી, તેણે ખૂબ મહેનત કરીને બનાવેલી હતી. તે સિવાય હરિલાલના બિઝનેસમાં તેની કોમ્પિટિશનમાં ઉતરવાવાળા બીજા ઉદ્યોગપતિઓ હોય, પણ હરિલાલે મુંબઇ છોડી દીધું અને કચ્છમાં ઉદ્યોગની સ્થાપના કરી હતી, તેથી તે છેદ પણ ઉડી જાય છે.
ત્યાર પછી રહી વાત પોતાની જે હરિલાલ સાથે ભૂકાળમાં કામ કરતા અને પાછળથી તેની પાસે નોકરી કરતા મોહનકાકાની દીકરી જે વર્ષો પહેલાં ભૂતિયા ખંડેરોમાં ગુમ થઇ ગઇ હતી. પણ તેના માટે હરિલાલે ઘણી જ તપાસ કરાવી હતી. છેવટે પોલીસે તેની ફાઇલ બંધ કરી દીધી હતી. તે રાજ રાજ જ રહી ગયું હતું અને ઘણાં વર્ષો પછી તે રાજનું ભૂત ધૂણતું હતું. ખરેખર જો રૂપા જીવતી હોય અને તે જ આ બધા ષડયંત્ર કરાવતી હોય તો તેનો હેતુ શું હોય અને તે પણ આટલાં વર્ષ પછી શું કરવા માટે? વળી તેના પિતા મોહનલાલ તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તો પછી રાજને તે વરસાદભરી ભયાનક રાત્રીના મળેલી તે સ્ત્રી જેણે પોતાનો પરિચય રૂપા તરીકે આપ્યો હતો, તેના કહેવા પ્રમાણે તો તે તેના પિતાને મળવા મુંબઈથી કચ્છ આવી હતી અને તેના પિતા એટલે મોહનલાલ જેને રાજને ખંડેર બનેલી હવેલીમાં મળ્યો હતો, તો તે કોણ હતો... ? શું રૂપા જ આટલાં વર્ષો પછી હરિલાલને પરેશાન કરવા માટે આવી હશે... ?પણ હરિલાલે તો રૂપા તથા તેમના પિતા મોહનલાલને ખૂબ જ પ્રેમથી પોતાના ઘરના સમજીને રાખ્યા હતા. તો તેઓ શું કરવા આવા નાટક કરે... "
અચાનક સિગારેટના તાપથી કદમની આંગળીઓ બળવા લાગી, વિચારોમાંથી બહાર આવી કદમે પૂરી થવા આવેલ સિગારેટને એશટ્રેમાં પધરાવી. જેનો તેણે માત્ર એક જ દમ ભર્યો હતો. ત્યારબાદ તેણે બીજી સિગારેટ સળગાવી બે-ત્રણ ઊંડા કશ ખેંચ્યા.
૧૩૬-૧૫૦
"કાનજી... હરિલાલની જીવનયાત્રાનું એક પાત્ર, તે પણ હરિલાલ સાથે કામ કરતો. જે પાછળથી હરિલાલ પાસે નોકરી કરતો હતો. હરિલાલે કાનજીને પણ પોતાના ઘરનો સમજી પ્રેમથી રાખ્યો હતો. કાનજી તો હરિલાલના કારોબારમાં પણ ઘણી મદદ કરતો હતો. પણ કાનજી અચાનક નોકરી છોડી ચાલ્યો ગયો. કેમ ચાલ્યો ગયો... ?તેની કોઈને જ ખબર ન હતી. આટલી સરસ નોકરી છોડીને ચાલ્યો ગયો તે પણ એકાએક કોઈને કહ્યા વગર, કાનજી લાતુરનો હતો. હરિલાલે તેના ગામ તપાસ પણ કરાવી હતી. કાનજી તેના ગામ પણ પહોંચ્યો ન હતો.
કાનજી ક્યાં ગયો કોઈનેય ખબર ન પડી. તો શું કાનજી પાછો આવ્યો હોય અને હવે હરિલાલને પરેશાન કરવા કે કોઈ બાબતમાં બ્લેકમેલ કરવા માટે બધા કારસ્તાન રચતો હોય. પણ હરિલાલને બનાવ બન્યા પછી કોઈએ બ્લેકમેલ તો કર્યો ન હતો, અને તેમને મારી નાખવા માટે પણ આજ પહેલીવાર હુમલો થયો હતો. કદાચ કાનજી પાછો ફરે અને હરિલાલ પાસે આવી પૈસાની માંગણી કરે તો હરિલાલ ચોક્કસ તેને પૈસા આપે, તેમ હરિલાલની વાત પરથી કદમે તારણ કાઢ્યું હતું. વિચારતાં-વિચારતાં કદમ સિગારેટનો કશ લેતો જતો હતો અને સિગારેટની નીકળતી ધૂમ્રસેર નીરખતો જતો હતો. તેને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ સિગારેટની ધુમ્રસેરમાંથી અપરાધીનો ચહેરો પ્રગટ થશે.
બીજો એક વિચાર પણ તેના મનમાં પ્રગટ થયો.
રૂપા ખંડેરોમાંથી ગુમ થઈ હતી કે પછી હરિલાલે તેને ગુમ કરી દીધી હશે અને કદાચ રૂપા જીવિત હોય તો તે લગભગ ચાલીસ વર્ષની હોય અને કાનજી પણ ચાલીસ વર્ષની ઉપરની ઉંમરનો હોય.
કદમના વિચારો બદલાયા.
તેનું ધ્યાન હવે ડૉ. દેવાંગી પર સ્થિર થયું.
ડૉ. દેવાંગી અનાથ હતી. તે અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ હતી. તેવું દેવાંગી કહેતી હતી, પણ તાનિયાની તપાસ પ્રમાણે અનાથાશ્રમમાં એક અનાથ સ્ત્રી રહેતી હતી અને દેવાંગી તેની પુત્રી હતી. તે આનાથ સ્ત્રી અમુક વર્ષો પછી આશ્રમમાંથી ચાલી ગઈ હતી અને દેવાંગી અનાથ-આશ્રમમાં મોટી થઈ, પણ તે સ્ત્રી તેના પતિ સાથે દેવાંગીને મળવા પણ આવતી, અને દેવાંગીને મેડિકલમાં એડમિશન મળ્યા બાદ તે તેની મા સાથે આશ્રમમાંથી ચાલી ગઈ હતી. જો કે તે હોસ્ટેલમાં રહીને ભણતી હતી. પણ તેનો ખર્ચો કોણ ઉઠાવતું હતું, તે આશ્રમના સંચાલકોને ખબર નહોતી.
હરિલાલ, રૂપા, કાનજી અને મોહનલાલ સિવાય તાનિયાએ હરિલાલની પત્ની ઉજજવલાના ભૂતકાળની તપાસ પણ કરી હતી. તે ફિલ્મ જગતની હિરોઇન હતી. છતાં તેનો ભૂતકાળ સાફ હતો. હરિલાલ સાથે લગ્ન કર્યા પછી પણ તેના રિપોર્ટ સાફ હતા. તેના સિવાય ખુદ રાજ... જે કદમનો મિત્ર હતો, તેને કદમ માથાથી પગ સુધી ઓળખતો હતો, બંને દિલ્હીમાં સાથે ભણ્યા હતા અને હોસ્ટેલમાં સાથે રહેતા હતા.
તે સિવાય બંગલામાં કામ કરતા લોકો તથા સિક્યુરીટી માટે ગાર્ડ તેની પણ કદમની તપાસ કરાવી, તદુપરાંત મિલમાં કામ કરતા મુખ્ય જવાબદાર લોકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, મેનેજર બધાને ચેક કર્યા, કદમે ઘરના બધા લોકોની ફિંગર પ્રિન્ટ લીધી હતી. તેનો પણ રિપોર્ટ આવી ગયો હતો. બાકી હતો એક વાળનો રિપોર્ટ જે તેને હવેલીના ઝરૂખામાંથી મળ્યો હતો, જેને કદમે ડૉ. દેવાંગી તથા ઉજ્જવલાના વાળ સાથે ચેક કરવા માટે મૂક્યો હતો. જેનો રિપોર્ટ બે દિવસમાં આવી જવાનો હતો.
અપરાધીની કડીમાંથી હરિલાલ, રાજ, ઉજજવલા નીકળી જાય તો ઘરના પાત્રોમાં એક ડૉ. દેવાંગી પર શંકાની સોય સ્થિર થાય, પણ દેવાંગીએ એવું કોઈ કાર્ય કર્યું ન હતું. જ્યારે પોતે તે ખંડેર હવેલી પર ગયો ત્યારે ડૉ. દેવાંગી ઘર પર હાજર હતી.
કદમે સિગારેટનો છેલ્લો દમ ભર્યો પછી એશટ્રેમાં તેના ઠૂંઠાંને ઓલવી ઘડિયાળ પર નજર ફેરવી, રાત્રીના ત્રણ વાગવા આવ્યા હતા. તે ઉભો થયો અને પથારીમાં લેટી ગયો, હજુ તેને માથામાં સણકા ઉપડતા હતા. ધીરે-ધીરે તેની આંખો ઘેરાવા લાગી.
@@
બીજા દિવસની સાંજ...
આજ રાજ મિલ પરથી વહેલો આવી ગયો હતો. ફટાફટ ચા પી તે ફ્રેશ થયો. ડૉ. દેવાંગીને લઈ તે શોપિંગ કરવા જવાનો હતો. દેવાંગી પણ તૈયાર થઈ ગઈ હતી. થોડીવારમાં જ બંને ગાંધીધામ જવા ઉપડી ગયાં.
શોપિંગ મોલમાં ઘરનો સામાન ખરીદ્યા પછી રાજે હરિલાલ અને ઉજજવલા માટે બે - ત્રણ જોડી કપડાં ખરીદ્યાં.
" દેવાંગી... તારા માટે સરસ સાડી લેવાની છે. તું પહેરીશને.. ?"
" આમ તો હું સાડી નહીં પણ કાયમ ડ્રેસ પહેરું છું પણ તમને સાડી પસંદ હોય તો ચોક્કસ પહેરીશ. " હસતાં દેવાંગી બોલી.
રાજ બે સરસ સારી પસંદ કરી અને દેવાંગીને આપી પછી બંને જ્વેલરીની શોપ પર ગયાં.
"દેવાંગી, તારા માટે સરસ હીરાજડિત નેકલેસ લેવાનો છે. બોલ તું પસંદ કરીશ કે હું પસંદ કરી પહેરાવી દઉં... ?" રાજની નજરમાં દેવાંગી માટે ભારોભાર પ્રેમ છલકતો હતો.
"ના રાજ... " દેવાંગી બોલી તે સાડીઓ લઈ આપી એટલું જ મારા માટે બસ છે. મારે બે - અઢી લાખનો નેકલેસ નથી લેવો. "
" કેમ... ?" આશ્ચર્ય સાથે તેની સામે જોતા રાજે પૂછ્યું.
" રાજ... મને તો પ્રેમ જોઈએ છે. બચપણથી હું પ્રેમની તરસી છું... તારો પ્રેમ મારા માટે આ ઘરેણાંથી વધુ કિંમતી છે. "
" રાજ ચાલ આપણે કોઇ એવી જગ્યાએ જઈને બેસીએ જ્યાં તારા મારા સિવાય કોઈ જ ન હોય, મારે તને થોડી વાતો કહેવી છે. "
"ઠીક છે આપણે તું કહે ત્યાં ચાલશું પણ તારે નેકલેસ તો લેવો જ પડશે. "મક્કમતા સાથે રાજે કહ્યું.
પછી ડૉ. દેવાંગીની ઘણી આનાકાની હોવા છતાંય રાજે તેને એક ખૂબસૂરત હીરાજડિત નેકલેસ લઇ આપ્યો. ત્યારબાદ બંનેએ શોપિંગ મોલના રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. પછી રાજ તેને લઈ ભદ્રેશ્વર તરફ રવાના થયો. ભદ્રેશ્વરનું જૈન દેરાસર જોઈ બંને મહાદેવના મંદિરે આવ્યાં. મંદિરમાં બંનેએ સાથે દર્શન કર્યા પછી તેઓ મંદિરની પાછળ આવેલા ખુલ્લા દરિયાકિનારે આવ્યાં.
વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરેલી હતી. દરિયાના પાણીમાં ડૂબતો જતો સૂર્યનો લાલ સિન્દુરીયો ગોળો અનેરું આકર્ષણ જમાવતો હતો. સૂર્યના લાલ કિરણોથી દરિયાના પાણી પણ આકર્ષક લાલ દેખાતા હતા અને કિનારાની રેતી પણ લાલ ચમકતી હતી. ઘુઘવતા સમુદ્રના શોર સિવાય નિરંતર શાંતિ છવાયેલી હતી. મધુર ઠંડો પવન દરિયાના પાણીને સ્પર્શતો વાઈ રહ્યો હતો. ત્યાં આવેલ સહેલાણીઓથી દૂર રાજ દેવાંગીને લઈ ગયો.
" ચાલ અહીં બેસીએ. "
બંને ભીની ઠંડકભરી એકદમ ચોખ્ખી રેતીના ઢગલા પર બેસી ગયાં. રાજ દેવાંગીના ખોળામાં માથું મૂકી સૂઈ ગયો અને સૂતાં - સૂતાં દેવાંગીના સુંદર ચહેરાને તાકી રહ્યો. પવનની લહેરોથી દેવાંગીના માથાના વાળની લટો તેના ચહેરા પર લહેરાતી ઝૂમતી રાજના ગાલને સ્પર્શ કરી રહી હતી.
"શું ક્યારેય તે મને નથી જોઈ. " અલ્લડ છોકરીની જેમ લટકો કરતાં દેવાંગી બોલી.
"દેવાંગી... મારું ચાલે તો હું સમયની ધારાને બ્રેક કરી દઉં. બસ આમ જ સૂતાં - સૂતાં તારા કોમળ, પ્રફુલ્લિત પુષ્પ જેવા ચહેરાને જોતો જ રહું. "દેવાંગીના ગાલ પર હાથની આંગળીઓનો સ્પર્શ કરતાં રાજ મુસ્કુરાયો.
"ચાલ હટ... સમય ક્યારેય કોઇની વાત નથી જોતો જો હમણાં જ સૂર્ય આથમી જશે અને અહીં અંધકાર છવાઈ જશે. આ તો કુદરતનો નિયમ છે. નિયતિ છે. તેને કોઈ જ રોકી નથી શકતો, રાજ" કહેતાં કહેતાં ડૉ. દેવાંગી સમુદ્રના ઉછળતા બ્લ્યુ પાણીને જોઇ રહી. તેને લાગતું હતું કે તે હમણાં જ રડી પડશે.
દરિયા પર આકાશમાં ઉડતા સફેદ સુરખાબ પક્ષીઓ કિલ્લોલ કરતાં પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. તેને જોઈ ડૉ. દેવાંગી વિચારી રહી, "શું પોતે પણ પોતાના ઘરે પાછી ફરી શકશે... ?શું દુઃખરૂપી ખારા સમુદ્રને પાર કરી તે પોતાના માળામાં જશે... ?કે પછી ઉડતા ઉડતા તે કોઈ ધગધગતી રણની રેતીમાં ફસડાઈ પડશે... આવી જિંદગી ઈશ્વરે તેને શા માટે આપી છે... શું તેને દુઃખ જ સહન કરવાના આવશે કે આથમી રહેલો સૂર્ય ફરીથી તેની જિંદગીને પ્રફુલ્લિત સુખમય બનાવવા કાલ પૂર્વની ક્ષિતિજમાં પ્રગટ થશે. "
"ઈશ્વર... તારે હવે મને દુઃખ જ આપવાં હોય તો મારે નથી જીવવું, બધું બરબાદ કરવા નીકળી છું. પણ હવે સહન કરવાની શક્તિ મારામાં નથી રહી. બસ ધરતીના ખોળે ચિરનિદ્રામાં પોઢાડી દેજે મારા નાથ... હવે જીવવું અસહ્ય બનતું જાય છે. "
ડૉ. દેવાંગીને ખબર ન હતી કે તેની આંખોમાંથી અશ્રુ વહીને તેના ગાલ પર સરતા સરતા રાજના હોઠ પર પડી રહ્યાં હતાં.
હોઠ પર પડેલાં અશ્રુઓને રાજે જીભ ફરાવી હોઠ પરથી મોંમાં લઈ લીધાં. પછી તેના બંને હાથ અધ્ધર થયા અને બરફ આચ્છાદિત પર્વત જેવી નિર્મળ દેવાંગીની આંખોમાંથી ઝરણારૂપે વહેતા આંસુઓને રોકવા તેના હાથ દેવાંગીના ગાલ પર વ્હાલ સાથે ફરવા લાગ્યા.
"દેવાંગી... આ સમુદ્ર ખારો છે. તેમાં તારા આંસુઓ ભણશે તો ઔર નમકીન બની જશે અને કોઈ છીપલામાં પડશે તો મોતી બની જશે. "
ડૉ. દેવાંગીએ રડતી નજરે રાજ સામે જોયું.
" ચૂપ થઈ જા દેવાંગી... તારા આ આંસુઓ મારા માટે કિંમતી છે અને હવે તેને વહેવા નહીં દઉં, દેવાંગી તારા મનમાં ઉદ્ભવતા બધા જ પ્રશ્નો તુ ઠાલવી નાખ, પણ તેનો મારી પાસે એક જ જવાબ હશે, દેવાંગી... હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું... " દેવાંગીના બંને ગાલને પોતાના હાથમાં સમાવતા પ્રેમભરી નજરે રાજ તેને નીરખી રહેતાં બોલ્યો.
ડૉ. દેવાંગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
રાજે તેને થોડીવાર રડવા દીધી.
સૂર્યનો ગોળો સમુદ્રના ઉછળતા પાણીમાં ગરકાવ થઈ ગયો. ધરતી પર અંધકાર ઊતરી આવ્યો. પક્ષીઓનો કિલકિલાટ બંધ થઈ ગયો હતો. તેઓ પોતાના બચ્ચાઓ પાસે માળામાં પહોંચી ગયાં હતાં. સુસવાટા મારતા પવનની થપાટો વચ્ચે અંધકારમાં ઘૂઘવાતો સમુદ્ર ધરતી પર ઉતરી આવેલા કાળસમો ભાસતો હતો.
દૂર-દૂર કિલકિલાટ કરતા સહેલાણીઓ પર ચાલ્યાં ગયાં હતાં. દૂર દૂર સુધી કોઈ જ દેખાતું ન હતું. જાણે ધરતીના પટ પર ફક્ત રાજ અને દેવાંગી જ હોય તેવું દેવાંગીને ભાસતું હતું. "શું પોતાની જિંદગી પર પણ આવો જ અંધકારભર્યો ભયાનક સન્નાટો ઉતરી આવશે... ?"હા. દેવાંગી તારું જીવન અંધકારભર્યું છે. તું તો વેરાન રણની ધગધગતી રેતીમાં પડી છો. પણ શા માટે બીજાને ફૂલ ભર્યા બગીચામાં વિચરવા નથી દેતી. કોઈની જિંદગીને છિન્નભિન્ન કરવાની સત્તા તને કોણે આપી. જે થઇ ગયું તે નિયતિમાં લખાયેલું હતું, પણ જે થઈ રહ્યું છે, તે તારા કર્મનું ફળ છે. કોઈએ કરેલા કર્મનું ફળ તારે શા માટે ભોગવવું પડે. કોઈએ કરેલા પાપથી તારી જિંદગી વેરાન થઈ ગઈ પણ તું શા માટે કોઈની જિંદગી વેરાન કરવા બેઠી છો?"તેનું મગજ ધમણની જેમ ચાલતું હતું. તો સમુદ્રના ઊછળતાં અને પછડાતાં પાણીની જેમ તેનું હદય વલોવાતું હતું, "ના, હું કોઈની જિંદગી બરબાદ થવા નહીં દઉં. ભલે મને પોતાનાઓ સામે જ અવાજ ઉઠાવવો પડે. હું તેઓથી દૂર - દૂર ચાલી જઈશ. જ્યાં કોઈ જ ના હોય, ન હોય અતીતનો પડછાયો કે ન હોય ભવિષ્યના બનતા સંબંધો. બસ ઈશ્વર મને શક્તિ દેજે વિચારતા ડૉ. દેવાંગીના હોઠ મક્કમતાપૂર્વક જ બિડાઇ ગયા.
"દેવાંગી ... તું જે કહેવા માંગતી હોય તે નિઃસંકોચ જણાવી દે, મને જરાય ખરાબ નહિ લાગે... " કહેતાં રાજ દેવાંગીને કિસ કરવા અને તેને પોતાની બાંહોમાં જકડી લેવા માટે ઊંચો થયો.
"ના... રાજ" કહેતાં દેવાંગીએ તેને ધક્કો માર્યો. પછી બોલી, "રાજ આપણા લગ્ન થઈ જાય ત્યાં સુધી આપણે આપણા સંબંધોની પવિત્રતા જાળવવાની છે. રાજ પ્રેમમાં નિખાલસતા, પવિત્રતા અને ત્યાગની ભાવના હોવી જોઈએ, મને એવો જ પ્રેમ પસંદ છે. "
"ઓ... કે... દેવાંગી... તું કહે તેમ પણ હવે તે તો કહે... તું મને અહીં શા માટે લાવી છો... ?"મુસ્કુરાતાં રાજે પૂછ્યું.
" રાજ... તારા ડેડી હવે બરાબર છે અને હું અંજાર મારા ઘરે રહેવા ચાલી જવાનું વિચારું છું. "
"શું... ?તું રત્નદીપમાંથી અંજાર ચાલી જવા માગે છે?"
" રાજ... ખરાબ ન લગાડજે પણ... પણ રાજ આપણા સંબંધને લગ્નની મહોર ન લાગે ત્યાં સુધી હું મારા ઘરે રહેવા માંગું છું. મને તારા પ્રત્યે કે તારી મમ્મી કે ડેડી પ્રત્યે કોઈ જ મનદુઃખ નથી. નથી કોઈએ મને કંઈ કહ્યું પણ રાજ આપણે જે સમાજમાં રહીએ છીએ તેના નિયમ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. "કહેતાં દેવાંગી ચૂપ થઈ ગઈ. તેના હાથની આંગળીઓ ભીની રેતીમાં રમતી હતી.
" અરે ગાંડી... તારે આવું કંઈ જ વિચારવાની જરૂર નથી. દેવાંગી તને ખબર છે... તારો ચહેરો જોઉં છું ત્યારે મારી સવાર થાય છે. હર પળે મને હંમેશા તારો ચહેરો દેખાય છે. દેવાંગી તારા વગર મારી જિંદગી વેરાન બની જશે... તારા સાંનિધ્ય વગર જીવવું હવે મુશ્કેલભર્યું છે. "
" રાજ... " કહેતાં દેવાંગી તેને ગળે વળગી પડી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
@@@
અંધકારને ચીરતી રાજની સફારી ફૂલ સ્પીડે આગળ વધી રહી હતી. ડૉ. દેવાંગી તેની પાસેની સીટ પર બેઠી હતી.
તેની વિચારધારા ગાડીની સ્પીડે દોડતી હતી.
સવારના થયેલ ચર્ચા તેના મગજમાં વિસ્ફોટની જેમ ગુંજતી હતી.
"દેવાંગી... તારે અમારું આ છેલ્લું કામ તો કરવું જ પડશે... "
"મારાથી નહીં થાય... મને માફ કરો, હું હાથ જોડું છું... કોઈની ખુશીઓ છીનવી લઇ શા માટે નરકની યાતનામાં તમે ધકેલો છો... "
"પૂછ આને... " પુરુષે તેની સાથેની સ્ત્રીને બાવડાં પકડી ધક્કો આપી દેવાંગીની સામે ઉભી રાખી... " પૂછ.... આણે શું ગુનો કર્યો હતો કે તેને નરકની યાતના ભોગવવી પડી હતી. "
" બેટા, દેવાંગી, એ શરીફ માણસના રૂપમાં વિષધારી સાપ છે. જો ખરેખર માણસ હોત તો મારી આ દશા ન હોત. "
"છતાં પણ માં પશ્ચાતાપ કરનારને ક્ષમા આપવી તે સૌથી મોટો ધર્મ છે. ઈશ્વર તેને સજા આપશે. આપણે સજા આપનારા કોણ... ?
"તારે છેલ્લું કાર્ય કરવું પડશે. દેવાંગી... "
"નહીં... નહીં... મને માફ કરો... મને માફ કરો... મારાથી એ નહીં થાય, ગમે તેમ તોય હું એક ડોક્ટર છું અને ડોકટરની ફરજ માનવીની જિંદગી બચાવવાની છે... મને માફ કરો.. "કહેતાં કહેતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
" દેવાંગી કેમ ચૂપ બેઠી છે... ?"વિચારધારામાંથી બહાર લાવવા રાજે કહ્યું , તું બધી ચિંતા મારા પર છોડી દે. હું તને પ્રોમિસ આપું છું કે તને જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં.
"હે... હા... નાના... કંઈ જ વિચારમાં નથી... "એકદમ ઝબકીને દેવાંગી બોલી, તેના હોઠ ધ્રૂજી રહ્યા હતા. ફરીથી દેવાંગીના ગાલ પર ગરમ - ગરમ આંસુ સરી પડ્યાં. " તું છો પછી મને ચિંતા શાની, રાજ... મારી જિંદગીને તારા હવાલે કરી નાંખી છે. રાજ... તું જેમ કહીશ તેમ હું કરીશ, પછી ભલે મને તારા માટે મરવું પણ પડે... "ચહેરા પર સ્મિત લાવવાની નિષ્ફળ કોશિશ કરતા દેવાંગી બોલી...
સફારી ઝડપથી રત્નદીપ તરફ આગળ વધી રહી હતી.
@@@
"હરિ... તમે કહો તેમ... તમારી ઈચ્છા હોય કે રાજ ડૉ. દેવાંગી સાથે લગ્ન કરે, તો મને કોઈ વાંધો નથી. પણ હરિ... આપણી સમાજમાં બનેલી પ્રતિષ્ઠાનું શું... ? ડૉ. દેવાંગીના મા-બાપ કોણ છે , જેની તેને પણ ખબર નથી. સમાજ પૂછશે તો આપણે શું જવાબ આપશું?બસ એ જ મને મનમાં ખટકે છે. બાકી રાજની પસંદગી તે આપણી પસંદગી છે. હરિલાલનો હાથ પોતાના હાથમાં લેતી ઉજજવલા બોલી, અત્યારે તે તથા હરિલાલ બંને હરિલાલના કમરામાં બેઠાં હતાં.
"ઉજ્જવલા... તું બધી ચિંતા છોડી દે... રાજને પસંદ છે. વળી ડૉ. દેવાંગી નિખાલસ અને સેવાભાવી છોકરી છે. તે ન હોત તો કદાચ હું અત્યારે તમારી સાથે ન હોત. આપણે ફક્ત ડૉ. દેવાંગી વિષે વિચારવાનું છે. રાજ અને ડૉ. દેવાંગી એકબીજાને પસંદ કરે છે એટલું જ આપણા માટે ઘણું છે... બાકી તને તો દેવાંગી પસંદ છે ને?"
"હરિ... મને પણ દેવાંગી પસંદ છે, બસ મારે તો તમારો અભિપ્રાય જાણવો હતો. હું આજે જ રાજને તમારી ઈચ્છા જણાવી દઈશ. બંને ખૂબ જ ખુશ થશે અને જેમ બને તેમ જલ્દી બંનેનું સગપણ કરી નાખીએ અને પાંચ - છ મહિનામાં લગ્ન પણ કરી નાખશું... " ઉભા થતા ઉજ્જવલા આનંદ સાથે બોલી ઉઠી.
***