ચાના બે કપ Anjali Shivam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાના બે કપ

    શ્વેતા એ ખિન્ન ચેહરે બે કપ ચા ટ્રે માં મૂકી અને રસિકલાલ ને એમનાં રૂમમાં આપી આવી. રસોઈ માં આવીને બબડી ઉઠી," આ ડોસાને રોજ બે કપ ચા બનાવી આપવાની. બન્ને ચા પીતા હોય તો ઠીક છે પણ એક કપ પીવે છે અને બીજો કપ મંજરી ના બાઉલ માં રેડી દે છે. મંજરી પણ પાછી ચૂપચાપ પી જાય છે. રોજનો એક કપ ચા નો વેડફાટ, આ મોંઘવારી નાં જમાનામાં કેમનો પોસાય?"
    લગ્ન કરીને આવી ત્યારનો શ્વેતાનો આ રોજનો ક્રમ હતો. રાજીવે લગ્નનાં પ્રથમ દિવસે જ કહ્યું હતું," જો શ્વેતા, ઘરનું એકાદ કામ ઓછું કરીશ તો ચાલશે. આપણી ચા મોડી બનશે તો ચાલશે.  પેહલા પપ્પાના રૂમમાં  ચા ના બે કપ મૂકવાનું ના ભૂલતી."શ્વેતાને નવાઈ લાગી" બે ચા કેમ?"ત્યારે રાજીવે સમજાવ્યું,"હું બહુ નાનો હતો જ્યારે મમ્મી મૃત્યુ પામ્યા હતા. ત્યારથી આ રોજનો ક્રમ છે પપ્પાનો. એક કપ ચા પોતે પીવે અને બીજો મંજરીને આપે ."
    શ્વેતાના  ગયા પછી રોજની જેમ જ રસિકલાલ ચા પીવા બેઠા. મંજરી પણ ચૂપચાપ બાજુમાં આવીને બેસી ગઈ. મંજરી એ તેમના ધર્મપત્ની રસીલાબેન ની પાળેલી બિલાડી હતી. બન્ને, પતિપત્ની ના દાંપત્યજીવનની લીલીસૂકી તથા સવારના ચા ના સમય ની એકમાત્ર મૂક સાક્ષી.
    મૃત્યુ ની અંતિમ ક્ષણોમાં ભાંગી પડેલા રસિકલાલ ને આશ્વાસન આપતાં રસીલાબેન એ કહ્યું હતું," હું ક્યાંય નથી જવાની, હંમેશા તમારી પાસે જ રહીશ. મુંઝાઓ છો શું કામ, મારા પછી આ મંજરી તમારો સાથ આપશે ને. સવાર ની ચા  એની સાથે જ શેર કરજો."મંજરી  પણ મૂક સાક્ષી પુરતી હોય એમ બાજુ માં આવી ને બેસી ગઈ. ત્યારબાદ ખરેખર તેણે રસિકલાલ નો સાથ નિભાવ્યો, આજદિન સુધી.
     આવી જ એક સવારે, રાજીવને છાતી માં સખત દુખાવો ઉપડ્યો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. શ્વેતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ડોક્ટર ના કેહવા મુજબ માઈનોર હાર્ટએટેક આવ્યો હતો.
    બે દિવસ થઈ ગયા , રાજીવને ઘરે લાવ્યા ને પણ શ્વેતાનું ખાવાપીવાનું હરામ હતું. એને તો એ વિચારે જ ગભરામણ થઇ જતી હતી કે રાજીવ વગર એની જિંદગી કેવી રીતે જતી? રોજની જેમ જ જ્યારે ચા ની ટ્રે લઇને રાજીવ પાસે જતી તો નિસાસો નંખાઈ જતો. એતો સૂતો હોય એટલે શ્વેતા ને ગળેથી ચા નો ઘૂંટ પણ ઉતરતો નહિ. છેવટે બંને કપ ચા રસોઈ ની સિંક માં ઢોળી દેતી.
    હવે તો રાજીવને સારું હતું. ડોક્ટરે ચા ખાંડ ઓછું કરવાનું કહ્યું હોવાથી હવે તે શ્વેતાને સવારે ચા માટે સાથ આપી શકે તેમ નહોતું.  શ્વેતા ને  રાજીવ વગર સવાર ની ચા ભાવે જ નહીં. છેવટે બંને કપ ચા જાય સિંકમાં.
    રાજીવ શ્વેતાની લાગણીને સમજતો હતો. તેણે  શ્વેતા ને કહ્યું," શ્વેતા, તને પપ્પાની ચા નો બીજો કપ પૈસાનો વેડફાટ લાગતો હતો, ખરુંને? પણ વિચાર કર એમણે ચા સાથે કંપની આપી શકે તેવી કોઈ વ્યક્તિ શોધવાને બદલે, મને/મારા ઉછેરને પ્રાધાન્ય આપ્યું. મમ્મીની યાદગીરી ને એમણે ચાના કપમાં
જીવંત રાખી છે. હું તો હજુ જીવું છું, તારી સાથે છું. પપ્પા પાસે તો ફક્ત મમ્મીની યાદો જ છે હવે તું બોલ, ચાના આ એક કપની કિંમત કેટલી?
    શ્વેતા રડી પડી. પોતે કેટલી મોટી ભૂલ કરી રહી હતી તે આજે પોતાના અનુભવે સમજાયું. બીજે દિવસે સવારે ચાના બે કપ રસિકલાલ ની રૂમમાં મૂકી આવી. ખિન્ન વદને નહીં પણ પપ્પા પ્રત્યેના આદરભાવ ના સ્મિત સાથે.