Vicharono Vichar books and stories free download online pdf in Gujarati

વિચારોનો વિચાર

વિચારોનો વિચાર / સંકેત જેઠવા

આ કૃતિ "ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન, રાજકોટ" ખાતેથી પ્રકાશિત થઈ ચુકી છે.


સંબંધો, લાગણીઓ, ભાવનાઓ, સંવેદનાઓ, દુ : ખ, સુખ વગેરે બાબતોનો સીધો નિસબત દરેક જીવતાં પ્રાણીઓ , પશુ - પંખીઓ અને મનુષ્ય સાથે છે અને આ બધી જ બાબતોની એક સામ્યતા એટલે તેમનાં વિચારો . હા , દરેક જીવતું પ્રાણીએ પછી ભલે મનુષ્ય હોય કે પછી આપણી આસપાસ રહેતા જીવો હોય કે પછી વન્યજીવો કે જેને આપણે સજીવની વ્યાખ્યા આપીએ છીએ તે બધા જ ની ભીતરે પોતાના અલગ જ વિચારોની સૃષ્ટિ સમાયેલી હોય છે. ભલે તે વિચારો ગમે તેવા હોય . પરંતુ તેમના એ વિચારોનો પણ વિચાર કરવા યોગ્ય છે ખરો ! કેમ કે કોઈ પણ જીવંત વ્યકિત કે પછી કોઈપણ જીવંતજાત બદલે એટલે તેમનો સ્વભાવ , રહેણી - કહેણી , આત્મીયતા , સંવેદનો , લાગણીઓ , ભાવનાઓ , ગુણધર્મો વગેરે ફરતા જાય છે અને આ બધી જ બાબત તેમના વિચારોને આધીન હોય છે.

આ વાત થઈ મનુષ્યોની , તો પશુ - પક્ષીઓ અને જીવજંતુઓમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. પશુ - પક્ષીઓની કે માનવીની એક જ જાતમાં જોઈએ તો બધાના ગણધર્મો તો સમાન હોય છે પરંતુ તેમના વિચારો . . . ! ! હા , વિચારોતો તમામના અલગ પડે જ છે .

અહીં સુધીની ચર્ચામાં વિચારોને મહત્વ આપેલ છે અને આપવું પણ છે કેમ કે, હાલની યુવાપેઢીને નજરે ઝંખવું છું ત્યારે આજની યુવા પેઢી અને તેમના વિચારો મને દીડમુઢ કરી દે છે અને ત્યારે મનોમન મને આ યુવાપેઢીના વિચારોનો વિચાર પ્રત્યેની ચિંતા સતાવે છે તે સહજ જ છે . તેનું કોઈ ખાસ કારણ તો નથી પરંતુ ખૂબ જ ગંભીર કારણની ગોષ્ઠી થયા કરે છે અને તે એટલે જ યુવાપેઢીના યુવા વિચારો. જી, હા અહીં ‘યુવા વિચારો’ નું પ્રયોજન કરવું એટલા માટે યોગ્ય લાગે છે કે, આજની યુવા પેઢીના વિચારો એટલે તદન કોમ્યુટરની શોર્ટકટની જેમ જ છે. જેમ કોમ્યુટરની શોર્ટકટની કોપી કોઈ કામમાં ન આવે તે જ રીતે આજના યુવાનોના શોર્ટકટ વિચારો પણ કોઈ કામમાં આવતા નથી અને આજની યુવા પેઢી પોતાની જ જિંદગીને શોર્ટકટ બનાવતાં દીઠું છું. જી હા, ટેકનોલોજીએ યુવા પેઢીને કોમ્યુટર ની શોર્ટકટથી તો માહિતગાર કર્યા પણ યુવાપેઢી તેમાંથી જીવનનાં શોર્ટકટ શોધવા નીકળી પડી છે અને યુવાપેઢીના પોતાના વિચારો લુપ્ત થતા ગયા છે અને તેથી જ આજના યુવા ધનમાંથી તેમની પોતાની આવડત , તેમની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓને જાણે બરફ થીજી ગયો હોય તેવું ભાસે છે .

કારણ કે , આજની યુવા પેઢીને પોતાના વિચારો પર કાર્ય કરવું નથી પરંતુ, પહેલેથી જ આવતા વિચારોને અનુસરવું છે અને આ અનુકરણ કરવામાં ને કરવામાં યુવાપેઢીને પોતાના નવા વિચારો સ્ફુરતા નથી અને બસ , બધા કરે છે તેમ જ તે પણ બીજાના વિચારોને કોપી - પેસ્ટ જ કરતા રહે છે . પરંતુ કહેવાય છે ને કે નકલ કરવામાં પણ અકલનો ઉપયોગ અનિવાર્ય છે, બાકી તો ઘેટાં બકરાંની જેમ એક કુવામાં પડે તો પાછળ બીજા પણ પડે જ છે અને આ જ વલણ આજની યુવા પેઢીનું જોવા મળી ૨હ્યું છે અને આ બાબતની સીધી અસર આપણાં દેશની પ્રગતી પર પડે જ છે . આખરે દેશની સંપૂર્ણ નિર્ભરતા દેશની ભાવી યુવાપેઢી પર જ તો હોય છે.

પરંતુ આ વાતની સમજણ આવતાં - આવતાં આપણી યુવાપેઢી બે હાથ વચ્ચે ફાકી ઘસતી હસે અથવાતો “કુછ કુછ હોતા હૈ ... ” માં સંડોવાયેલી હશે અને પોતાનો સમય વ્યર્થ બનાવી પોતાના કરીયરને અને પોતાની સ્વપનોની દુનિયાને માત્ર વિચારોથી જ એક કાલ્પનીક સપનાંની મારફતે પોતાની જિંદગીને પણ એક અધૂરું સપનું જ બનાવી દેશે .

બસ માત્ર આ અધુરા સપનાંની પાછળ રોજ પોતાની સારી જિંદગીને માત્ર સપનાંની મા૨ફત યાચતો રહેશે અને આમ જ ધીમે — ધીમે પોતાની જિંદગીનું પતન તો નહિં પરંતુ પતન કરવાની ભિતરે તો જતો જ જાય છે. જી હા, આજની યુવાપેઢીને પોતાનું જ પતન ગમશે કેમ કે, તે પતનની શરૂઆત એટલે તેમની જ આળસ , તેમનું જ વલખાપણું , રખડવું , સમય સાથે ચાલતાં ન શીખવું અને દુર્ગણી મિત્રાચારી વગેરે તેની રોજની ટેવ પડી જાય છે અને તેને તે રોજની ક્રિયા સમજીને પોતાના સંપૂર્ણ જીવનને બનાવવાના દિવસોમાં તે યુવાપેઢી પોતાના જીવનને બરબાદ કરવા માટે મથતી હોય છે અને ધીમે ધીમે તેના પતનના માર્ગો ખુલતા જાય છે તેમ તે તેમાં ફસતાં જાય છે અને ભણેલ અભણની મારફતે પોતાના જીવનને તુચ્છથી પણ વધુ તુચ્છકાર્યોની પાછળ વ્યસ્ત રાખી તેનું જીવન તો ખરાં જ પરંતુ આવા બીજા અનેક યુવાન યુવક - યુવતીને પોતાની સાથે તુચ્છતાના રંગમાં ભેળવી દે છે અને ધીમે - ધીમે આ યુવાનોની ટોળકી બને છે અને ફરી પાછું તેમના વિચારોના વિચારની ગોઠડી માંડવી પડે છે કે આ યુવાનોના સમહમાં વિચારોનો કેવો દોર ચાલતો હશે.

આ જ ટાળામાં એક બાજુ કોઈક ફાકી ચોળતો હોય તો બીજી બાજુ ધુમાડાના ગોટે ગોટા ઉડાવતાં યાચે તો કોઈ ગાળોથી બોલાવતાં તેમનાં મિત્રોની ચીસોની લગોલગ પહોંચતો તેમનો અવાજ રસ્તા પર ચાલતાં જતાં માનવીને શરમથી નીચે જોવા મજબુર કરે છે અને આ ચાલ્યાં જતાં માનવીના મનમાં યુવાપેઢીની કેવી છાપ પડે છે તેની કલ્પના પણ અશક્ય છે. તેમ જ આ છાપ તે માનવીના યુવાન દીકરા કે દીકરી ને ઘરની બહાર મોકલતાં પહેલાં સો વાર વિચાર કરતાં કરી મુકે છે કે શું હું આવી યુવાપેઢી વચ્ચે મારાં દીકરા કે દીકરીને મુકીશ ? જો મુકીશ તો તેનું પરીણામ શું આવશે ? અને મારા દીકરા કે દીકરીને તેનો રંગ લાગશે તો? તે ગેરમાર્ગે દોરાશે તો? આવા તો કેટલાયે પ્રશ્નોમાં તે યુવાનોના ટોળાએ રસ્તા પર ચાલ્યાં જતા એ માનવીને આજની આ યુવાપેઢીના વિચારોના વિચારમાં મૂક્યાં છે તે કંઈ નવી વાત નથી.

તેમ જ આજની યુવાપેઢી વિશે કોઈના વિચારો પુછવામાં આવે તો તેની એક જ વ્યાખ્યા જોવા મળે છે કે, હાથમાં મોબાઈલ , મોંમા માવો , શબ્દો તુચ્છ , વિચારો છેલ્લી કક્ષાના અને વર્તન...! વર્તનની તો વાત જ ન પુછો અતિખરાબ અને આજની આવી જ માનસિકતાને લઈને લોકો પોતાના પુત્ર કે પુત્રીને આ સમાજ વચ્ચે મુકતા પહેલા કેટલાયે વિચારો કરે છે અને તે વિચારો એટલે જ આજની યુવાપેઢીના વિચારોનો વિચાર .

તો ચાલો મિત્રો હવે આપણે પણ આપણાં જ વિચારો પર વિચાર કરીએ અને આપણી આસપાસ રહેતા લોકોમાં આપણાં નવા અને રચનાત્મક વિચારોથી અને આવડતથી આપણાં સમાજમાં એક નવી યુવાપેઢીને સ્થાન આપીએ કે જે તદ્દન નવા વિચારોની સાથે સમાજમાં રચનાત્મક કાર્યથી એક નવા વિચારોની પહેલની સાથે જુની પડેલી છાપ પર મેઘધનુષના સાત રંગ ઉમેરીએ અને આપણે અને આપણાં સમાજને ઉજ્જવલ બનાવીએ . બસ મિત્રો , હવે તો વિચાર કરવાનો સમય તમારો છે અને તે તમારા જ હાથમાં સોંપું છું . વિશેષ કંઇ ન કહેતા કવિ શ્રી સાંઇ મકરંદ દવેની સુંદર પંક્તિ ટાંકીને મારી કલમને વિરામ આપું છું.

'છુટ્ટે હાથે વેર્યા છે મેં તો બીજ ,

હવે વાદળ જાણે અને વસુંધરા ”

બીજા રસપ્રદ વિકલ્પો