રત્નાગિરી હાફૂસ - અંતિમ ભાગ Pratik Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રત્નાગિરી હાફૂસ - અંતિમ ભાગ

૫.

અમદાવાદ શહેર ની નામચીન કેન્સર હોસ્પિટલમાં આજે અન્વેષાનુ ઓપરેશન છે.

અન્વેષાના પપ્પા, મમ્મી, એની ખાસ મિત્ર શ્રુતિ, એના કાકા-કાકી સઘળા ભૌતિક રીતે અંહી જ હાજર છે, પણ મનથી ગેરહાજર છે.  અમદાવાદ થી નજીક રહેતો હોવાથી હું પણ અંહી આવી શકયો છુ. કતાર ના એક સ્નેહી મિત્ર દ્વારા અનંતનો સંપર્ક કરી શકયાની મારા ચહેરા પર ખુશી ઝળકી રહી છે. બધા જ પોતપોતાને શ્રદ્ધા હોય એ ભગવાનને અનગા માટે પ્રાર્થના કરી રહયા છે.

જયારે અન્વેષા...

આઈસીયુના રૂમની દિવાલો ચોતરફથી જાણે એને ભીંસે છે. રૂમમાં આવતા દરેક ચહેરામાં એ હાફૂસ ને શોધે છે કાં તો દરેકમાં એને હાફૂસ જ દેખાય છે. ઓપરેશન પહેલા હાફૂસ ને મળી ન શકયાનો રંજ સતત એની આંખોમાંથી વહી રહયો છે. ઓપરેશન પછી જયારે પણ આંખો ખોલે ત્યારે જો હાફૂસ ને ન જોવાની હોય, તો એ આંખો ન જ ખોલે એવી બધાથી ઉલટી એની પ્રભુને હ્ર્દય થી પ્રાથના છે. આખરે એનેસ્થિસિયાની અસર તળે એની આંખો ઘેરાય  છે. એની સામે બાળપણથી લઈ યુવાવસ્થા સુધીની હાફૂસ સાથે જીવેલી દરેક ક્ષણો એક પછી એક જીવતી થઈ. હાફૂસનો હસતો ચહેરો એની સામે છેલ્લી વાર આવ્યો ને આંખના ઝળહળિયામાં હાફૂસ કેરી બની અલોપ થઈ ગયો. એનેસ્થિસિયા એ એનુ કામ કરી દીધું છે અને હવે એ બેશુદ્ધ છે. 

ઓપરેશન ની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. એકસાથે સાત ન્યૂરોલોજીસ્ટ ડોકટરને આ સ્પેશિયલ સર્જરી માટે એકઠા કરવામાં આવ્યા છે, જેમાં ત્રણ તો અમેરિકાથી બોલાવવામા આવ્યા છે. નર્સિસ અને અન્ય સ્ટાફ ની થિયેટર મા આવ-જા શરૂ થઈ ગઈ છે. રૂમની બહાર લાલ લાઈટ ચાલુ કરી દેવામાં આવી છે.

દરેકને અન્વેષાનુ ઓપરેશન સફળતાથી પાર ઉતરે અને એ કોમામાં ન ચાલી જાય એની ચિંતા છે અને મને આ ઉપરાંત અનંતના સમયસર આવીને અનંતમાંથી હાફૂસ બનવાની.


ચારેક કલાક ચાલેલી શસ્ત્રક્રિયા પછી ડોક્ટર બહાર આવી ગયા છે. પ્રમુખ ડોકટરે કહયુ છે, "એ હવે ખતરાથી બહાર છે. બે કલાકમાં એને હોશ આવશે. પણ, એને અત્યારે બિલકુલ ડિસ્ટર્બ કરવી નહી કે કોઈએ એને વાત કરાવવી નહી. હોશ આવતા જ અમને જણાવવુ. પ્લીઝ, કોઓપરેટ ધ સ્ટાફ."

અન્વેષાને હોશ આવે એની રાહ જોતા જોતા બધા એને વિંટળાઈને બેઠા છે. વાતાવરણમાં ગજબ પ્રકારની શાંતિ છે. હું પણ અંહી જ છુ, પણ અનંત હજુ સુધી આવ્યો નથી. કદાચ, ટ્રાફિક માં ફસાયો હશે, આવતો જ હશે.

આમ જ બે કલાક વીતી ગયા.

અન્વેષાએ આંખો ખોલી. એને ફરીથી કદાચ હાફૂસ કેરીમાંથી હાફૂસ બનતો દેખાયો. એણે ચારે તરફ નજર ફેરવી. પોતાનો ભ્રમ છે એવુ સમજાયું. બે જ શબ્દો બોલી.

"હાફૂસ...."
"અનંત...."

ને એનો અવાજ તરડાઈ ગયો.
એની આંખમાંથી એક આંસુ એના ગાલ પર રગડી આવ્યું.



ત્યાં જ અચાનક એક મારી ઉંમરનો યુવાન એક નાનકડો ફૂલોનો બૂકે અને એક બેગ લઈ દાખલ થયો. એનો ચહેરો પેલા દિવસે અન્વેષાએ દોરેવા સ્કેચને મળતો આવતો હતો. મારા પ્રયાસ સફળ થયા.

એ બધાને અવગણી આગળ વધ્યો.

અન્વેષા તરફ ઝૂકયો.

એના આંસુ ને ગાલ પરથી આગળ ન વહેવા દીધું.

એને કપાળ પર એક ચુંબન કર્યુ.

અન્વેષા તરફ કેરી ધરીને એ બોલ્યો,

"હાફૂસ ખાઈશ?"

"તારા હાફૂસ સાથે"

"ખાઈ લે, આનાથી બધુ મટી જશે."

બંનેની આંખોમાં ભરી રાખેલી લાગણીઓના બંધ તૂટી ગયા. બંનેએ એમાં બધુ જ વહી જવા દીધુ.

રત્નાગિરી માં આજે એક ઘર છે.
જેમાં બે માણસો ખુશીથી જીવે છે.
ઘરના પાછળના ભાગમાં આંબાવાડી છે.
ઘરનુ નામ છે

"રત્નાગિરી હાફૂસ".

અસ્તુ...