૨.
"હાફૂસ!!!"
જરાક અણગમા અને થોડીક અસમંજસ સાથે હું બોલ્યો.
"હા, રત્નાગિરી ની હાફૂસ, બહુ લાંબી સ્ટોરી છે"
"સંભળાવો, આઈ એમ ગુડ લિસનર."
"પાક્કું?"
"હા."
"તો ચાલો, હું તમને મારા વતન રત્નાગિરીની સફર પર લઈ જાઉ."
અને પછી એની વાત શરૂ થઈ.
"પપ્પાને સરકારી નોકરી અને પહેલુ જ પોસ્ટીંગ રત્નાગિરી માં મળ્યુ. મારા જન્મ પહેલાથી જ એ લોકો અંહી રહેતા, તેથી મારા માટે રત્નાગિરી જ મારૂ વતન બની ગયું. રત્નાગિરી ની ટેકરીઓ, હરિયાળી, સાગરકિનારો, આંબાવાડીઓ, વૃક્ષોમાં ફરી-ફરીને એ બધા જાણે મારામાં એકરૂપ થઈ ગયા છે."
રત્નાગિરીના દરિયાકિનારા વિશે સાંભળી મારો રખડુ જીવ રત્નાગિરીની લટાર મારવાનુ વિચારતો હતો.
જરાક ખુશ થઈને એણે પૂછયુ, "તમે ખાધી છે કદી રત્નાગિરીની હાફૂસ કેરી?"
"હા, એનો સ્વાદ બધી કેરીઓમાં ઉતમ છે અને મેં ચાખી છે મારા મામાના ઘરે, પણ આ તમારા રત્નાગિરી હાફૂસનુ શુ?" પ્રશ્ર્નાર્થ નજરે મેં પેલા ચિત્ર તરફ નિર્દેશ કર્યો.
નાખુશ થઈ હોય એમ એણે બીજી તરફ જોયુ. ત્યાં જ મારા ફોનની રિંગ વાગી. ઋષિ નો ફોન હતો અને બધા હોસ્ટેલ જાય છે એવુ એણે જણાવ્યું. આમ પણ હવે અંધારું વધી ગયુ હતુ એ ધ્યાનમાં આવતા મેં અનગા ને પણ મારી સાથે હોસ્ટેલ પાછા ચાલવાનુ કહયુ. પહેલા એણે સાંભળ્યુ નહી, પણ મારા ચાલવાનું શરૂ કરતા જ એણે મારી પાછળ પાછળ ચાલવા માંડયું.
અડધુ અંતર કાપ્યુ હશે, ત્યાં એક કાફે આગળ અન્વેષાએ મને પુછ્યું, "કોફી ફાવશે?"
હું જરાક હસ્યો અને મેં માથુ હલાવી હા પાડી, કારણકે મારા માટે હવે "રત્નાગિરી હાફૂસ" વિશે જાણે જ છૂટકો હતો.
કોફીનો ઓર્ડર અપાયો. કોફી આવી ત્યાં સુધી અન્વેષા બિલકુલ ચૂપચાપ હતી. કોફીની એક સીપ મારીને એ બોલી, " હું ચોથા ધોરણમાં ભણતી, ત્યારે એ વર્ગમાં નવો આવેલો વિધ્યાર્થી હતો, અનંત.
એ ભણવામાં, રમતમાં, વકતૃત્વમાં બધામાં કાયમ આગળ રહેતો. મારી એની સાથે કયારેય કોઈ વાત થઈ નહોતી."
"અનંત, આમ પણ ન પંહોચી શકાય એવું નામ છે."
"હમમ્, ઉનાળાનો એક દિવસ હતો. બળબળતી બપોર હતી, પણ ઘરની આંબાવાડીમાં વૃક્ષો ના છાંયડામાં અને હારબંધ આંબાઓ વચ્ચે એટલી ગરમી વર્તાતી નહોતી. મારે એક ખાસ સહેલી, શ્રુતિ સિવાય બીજા કોઈ ખાસ મિત્રો કે સખીઓ હતા નહી, માટે હું એકલી એકલી રમી રહી હતી. નવા પાકેલા હાફૂસ કેરીના ઝૂમખાં પર મારી નજર પડી. મેં પથ્થર ઉઠાવ્યો, નિશાન લીધું અને સનનન કરતો પથ્થર ગિલોલમાંથી છુટયો. મારૂ નિશાન તો ખાલી ગયુ, પણ હવામાં છુટેલો એ પથ્થર કોઈને માથે અફળાયો અને કોઈએ "આહ" કરીને ચીસ પાડી હોય એમ મને લાગ્યું. હું દોડીને આંબાની પાછળ પડતા રસ્તા પર જોવા ગઈ અને જોયુ તો માથામાં થી વહેતા લોહી પર એક હાથ રાખી બીજા હાથે સાઈકલ ને ઉંચકતો અનંત ત્યાં ઉભો હતો, કદાચ રડતો પણ હતો. મને મારી ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને કયાંક મમ્મીને ન કહી દે એ વાતનો ડર પણ લાગ્યો. હું દોડીને પહેલા વરંડાની દિવાલ કૂદીને ઘરમાં ગઈ અને કેરીની ઢગલીમાંથી બે-ત્રણ કેરી લઈ આવી.
અનંતની પાસે જઈ એની માફી માગી, પણ એ મારી સામે ગુસ્સામાં જોતા જોતા નીચલો હોઠ બહારની તરફ વાળીને રડી રહયો હતો. પહેલા કેરી આપવાનો મારો વિચાર નહોતો, પણ હવે કયાં છૂટકો હતો. એની સામે ત્રણ કેરી મૂકીને પૂછ્યું, "હાફૂસ ખાઈશ?"
કેરી જોઈને એ રડતો બંધ થયો અને આખરે એણે એક હાફૂસ ઉઠાવી.
"કેરી ખાવાથી બધુ મટી જાય, એક મિનિટ."
એમ બોલી હું ફરી દોડીને ઘરમાં ગઈ, પાણી નો જગ અને મેડિકલ કીટ લઈ આવી. કેરી ખાઈ લીધા પછી મને આવડે એવો પાટો બાંધી આપ્યો. થોડીવાર વાતો કરી પછી એની સાઈકલ લઈ મારી સામે હસતો હસતો ઘરે ગયો.
એ દિવસે એનુ નામ "હાફૂસ" પાડેલુ.
પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. એ રોજ બપોરે આંબાવાડી આવતો, અમે સાથે રમતા, ભણતા, કેરીની મજા માણતા. એ મને અલકમલકની વાતો કહેતો, કયારેક નવી નવી રમતો શીખવતો, ભણવામાં પણ મદદ કરતો. અમે દિવાલ પર થઇને લીમડા પર ચઢી ત્યાં બેસી રહેતા. એની સાઈકલ પર આંટા-ફેરા મારતા. એકાદ દિવસ એ ન આવે તો બિલકુલ મજા ન આવતી. એને પણ મારા વગર ફાવતુ ન હતુ.
"અચ્છા, તો હાફૂસ માણસ છે!!!,ગજબ"
"હા, ગજબનો જ છે એ"
એણે હસવા માંડયું ને પછી તરત જ હાસ્ય સમેટી લીધું.
બંનેની કોફી પતી ગઈ હતી, અને બંને બચી ગયેલી ક્રીમ અને ચોકલેટ સ્ટ્રોથી ખેંચવાના પ્રયાસોમાં વિચિત્ર અવાજ કરી રહયા હતા.