અજ્ઞાત પંખી Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજ્ઞાત પંખી

આ વાર્તા એક વૃક્ષ અને પંખી ની છે..

એક સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા લીલા વૃક્ષો હતા પણ એક વૃક્ષ એવું હતું કે જેમાં પાંદડાં, પુષ્પ, કે ફળ કશું હતું જ નય માનો જેમ કે પાનખર ૠતુ માં વૃક્ષ કેવું થય જાય જીવ હોવાં છતાં પણ નિર્જીવ લાગે બસ એવું જ. ખાલીખમ. 

એક દિવસ એક પંખી પોતાની ધૂનમાં મસ્ત અવાજ કરતું ઊડતું હતું. માનો કે કદાચ એણે હમણાં જ ઉડાન ભરતાં શીખ્યું હોય. ઉડતા ઉડતા એની નજર એ વૃક્ષ પર પડી જે નિર્જીવ હતું. પંખી એ આજુ બાજુના વૃક્ષોને પણ જોયા એ બધાં વૃક્ષો ભરાવદાર હતાં અને રંગબેરંગી પક્ષીઓ કલરવ કરતાં હતાં અને મસ્ત ફળો પણ લાગ્યા હતાં. એ જોઈને એ પંખી પોતાના માર્ગે ચાલ્યું ગયું. આ ઘટનાક્રમ રોજે રોજ થતો રહ્યો.

એક દિવસ એ પંખી ને વિચાર આવ્યો કે આ વૃક્ષ બિચારું કેટલું બદનસીબ છે. આજુ બાજુમાં બધા વૃક્ષો પર પક્ષીઓ નો કલરવ રહ્યાં કરે છે અને આ વૃક્ષ એકદમ એકલું છે. કોઈ પક્ષી ત્યાં જતુ જ નથી સાવ આવું. ? બિચારું કેટલો એકલો છે એ કેવું લાગતું હશેં એને હેં. ?
પંખી એ એક નિર્ણય કર્યો કે હું આજથી ત્યા વિશ્રામ કરીશ એ બહાને એની એકલતા પણ દૂર થશે. પછી રોજ સૂર્યોદય ના સમયે એ પંખી આવે ત્યાં થોડી વાર વિશ્રામ કરે અને એના મીઠા સુર છેડે અને એ આ વૃક્ષ ને પ્રફુલ્લિત કરી પોતાના માર્ગે જતું રહે. અને સૂર્યાસ્ત ના સમયે પણ એ ત્યાં આવે થોડો વિશ્રામ કરે અને જતું રહે પોતાના માળા તરફ. આ નિત્યક્રમ રોજ બરોજ ચાલવા લાગ્યો.

વૃક્ષ ને વિચાર આવ્યો કે આ પંખી કેમ મારી ડાળ પર આવી ને બેસે છે..? અન્યો ની જેમ કેમ બીજા વૃક્ષો પર નથી જતું.? એને થયું કે લાવ હું એને પુછી જ લવ એમ પણ પછી થયું કે યાર જો મેં પુછ્યું અને એને ખોટું લાગ્યું તો.? મને તો આ મધુર સ્વર સાંભળવા જ નહીં મલે એટલે એણે કશું જ ના પુછ્યું બસ એ પણ રોજ આનંદ માણતો રહ્યો અને દિવસો વિતાવતો રહ્યો.. 

એ ઘટના ક્રમ રોજબરોજ રાબેતા મુજબ ચાલતો રહ્યો.. 
એ દિવસો દરમ્યાન પંખી ના સુર નો એવો તે પ્રભાવ પડ્યો કે માનો એ નિર્જીવ વૃક્ષ ફરીથી જાણે સજીવ થવાં લાગ્યું. ફરીથી એ નિર્જીવ વૃક્ષ ઉપર નવી કૂપણો ફુટવાં લાગી પાંદડા ઓ આવવાં લાગ્યાં પુષ્પો ખીલવા લાગ્યાં અને મીઠા ફળો પણ આવવાં લાગ્યાં. એટલું જ નહીં પરંતુ હવે તો એ વૃક્ષ પર રંગબેરંગી પક્ષીઓ પણ આવીને કલરવ કરવાં લાગ્યાં હતાં. તો ત્યાં અમુક પક્ષીઓ એ એમનાં રહેઠાણ બનાવી લીધા હતાં. હવે એ વૃક્ષ અન્ય વૃક્ષોની જેમ સામ્ય હતું. 

જેમ જેમ દિવસો વિતતા રહ્યાં એમ એમ પક્ષીઓ અને વૃક્ષ નો સમાગમ કંઈક અલગ જ ૠતુ નો પ્રારંભ કરી રહ્યો હતો.જાણે રણ માં ખીલ્યું ગુલાબ. આ સુંદર ઋતુની સૌ કોઈ મજા માણી રહ્યા હતા.હવે અન્ય પંખીઓ પણ એ પંખી ના સુર સાંભળી પોતાના સુર છેડી રહ્યાં હતાં.

પરંતુ સાચું કવ મિત્રો.. કંઇક તો અલગ વાત હતી એ પંખી ના સુરમાં એ અન્ય પંખીઓ થી ભિન્ન હતું. આ નિત્યક્રમ રોજબરોજ ચાલ્યા કરે છે. દિવસો વિતતા જાય છે. પછી અચાનક.. 

... અચાનક એક દિવસ પેલું પંખી જે સુરોનો સરદાર છે એ સૂર્યોદય ના સમયે આવ્યું જ નહીં. સમય વિતતો જાય છે અને સૂર્યાસ્ત થય જાય છે.પણ એ પંખી આવ્યું જ નહીં.
એમ બે.. ચાર.. દસ.. દિવસો વિતતા ગયાં વૃક્ષ રાહ જોતું રહે છે.

દિવસો વિતતા જાય છે વૃક્ષ ચિંતામાં સરી પડે છે. અને નિરાશ થઇ જાય છે. વૃક્ષ એ ડાળ પર ક્યારે પણ કોઇને બેસવા નથી દેતો કારણ કે એને આશા હોય છે કે આજે નહીં તો કાલે પણ ગમે ત્યારે એ પંખી ફરીથી આવશે. 

વૃક્ષ હવે ચિંતિત રહેવા લાગ્યું એની અસર સ્પષ્ટ રીતે દેખાતી હતી. જાણે કે એ વૃક્ષ પર ફરીથી પાનખરે પોતાનું કહેર વરસાવ્યો હોય. આ ઘટનાક્રમ નિરંતર ચાલતો રહ્યો. આ રોજ બરોજ નાં દ્રશ્યો એક વૃધ્ધ પક્ષી એના રહેઠાણ માંથી નિહાળી રહ્યું હતું.

પણ...... અેક દિવસ અચાનક વૃક્ષ ની નજર ગગનમાં ઉંચે ઊડતાં એ પંખી પર પડે છે. એ જોઈ ક્ષણ ભર સ્તબ્ધ થય જાય છે. પણ પછી એને ખુશી થાય છે  કે હાશ....  ચલો  જ્યાં પણ છે સલામત છે.

પંખી રોજ વૃક્ષ સામેથી પસાર થાય છે. અને એ નિહાળી વૃક્ષ હતાશ થય જાય છે. આ ઘટનાક્રમ રોજ ચાલ્યા કરે છે. પણ ન જાણે કેમ એ પંખી નું ક્યારે વૃક્ષ જોડે કોઈ નાતો જ ન હોય એ રીતે પાંખો ફફડાવી ચાલ્યું જતું.... આ પાંખો ની ફફડાટ રોજેરોજ વૃક્ષ ના મનમાં હવે ધીમે ધીમે દ્વેષ ઉત્પન્ન કરતું હતું. અને એ (દ્રશ્ય) વૃધ્ધ પક્ષી ને સ્પષ્ટ રીતે દેખાતું હતું.

વૃધ્ધ પક્ષી વૃક્ષ ની આ દશા જોઈ વૃક્ષ જોડે વાર્તાલાપ કરવાનો નિર્ણય કરે છે. 

એક દિવસ એ વૃધ્ધ પક્ષી પોતાના રહેઠાણ થી ઉડી વૃક્ષ પાસે આવે છે. અને પોતાના અનુભવ દ્વારા વાર્તાલાપ શરૂ કરે છે. કહે છે કે હે વૃક્ષ શું થયું છે.? તું કેમ ચિંતિત રહે છે.? તારા ચિંતિત રહેવાથી તને ખબર પણ છે કે તારું કુદરતી સૌંદર્ય ધીમે ધીમે નિસ્તેજ થય રહ્યું છે. જો તું આમજ ચિંતામાં રહીશ તો એ દિવસ દુર નથી જ્યાં તારું સર્વસ્વ નિર્જીવ થય જશે. સાચું કહે તું એ પંખી ના કારણે દુઃખી છે ને..?

હમ્મ... વૃક્ષ ક્રોધિત થઈ ને કહે છે કે હાં હું એ પંખી વિશે જ વિચારી રહ્યો છું. એ રોજે રોજ મારા સામેથી પસાર થાય છે. પણ હવે એ અહીંયા આવતું જ નથી. અરે આવવાનું તો દુર એ તો નજર સુધ્ધાં નાખતું નથી. 

જો એ પંખી ને મારી સેજ પણ ચિંતા જ નહોતી તો એ આવ્યું જ કેમ..? મને આમ સજીવન કરી મને એકલો મુકી ને ગયું જ કેમ..? મારી આ દુર્દશા માટે જવાબદાર બીજુ કોઈ નહી... પરંતુ 'એ' પંખી જ છે. એના કરતાં તો હું એકલો જ બરાબર હતો. 

વૃધ્ધ પક્ષી શાંતિપૂર્ણ સમજી વિચારીને કહે છે. હે નાદાન વૃક્ષ તું તારી ક્યાં વાત કરે છે. તું તો નિર્જીવ હતું ને સજીવ થયું છે. અને ફરીથી તું નિર્જીવ થવાની વાત કરે છે હેં..?
આમ તું એની પર ખોટું દોષારોપણ ના કરીશ. તારે તો એનો ઉપકાર માનવો જોઈએ કે એણે નિસ્વાર્થ ભાવે તને સજીવન કર્યું. 

નજાણે કેટલા સજીવ આ દુનિયામાં નિર્જીવ થયને જીવી રહ્યા છે. એક જ આશાએ કે એ પંખી રૂપી છડી એમની ડાળ પર આવી રહેઠાણ બનાવે. 

તું એવું ઈચ્છે છે ને કે એ પંખી તારી ડાળ પર આવી રહેઠાણ બનાવે બરાબર..? પણ આ કેટલા અંશે વાજબી છે..? કારણ કે વૃક્ષોના સ્વભાવ માત્ર માં ત્યાગ હોય છે. વૃક્ષોનું કામ છે આશ્રય આપવાનું ના કે કોઈના બંધનમાં બંધાઈ જવું. 

(વૃધ્ધ પક્ષી ઉંડો શ્વાસ લે છે) કદાચ હવે એનું લક્ષ્ય પુર્ણ થઈ ગયું તને સજીવન કરવાનું ! અને એટલે જ એ પંખી હવે જતું રહ્યું છે.  કદાચ હવે એ પંખી બીજા કોઈ વૃક્ષ ને પણ નિસ્વાર્થ ભાવે સજીવન કરવાં જતું હોય એવું પણ બને. જેમ તને એણે સજીવન કર્યો તેમ.. એટલે તું ખોટો એ પંખી ને દોષ ના આપીશ. 

(બંન્ને જણ એકબીજા સામે જોઈ ક્ષણિક ભર મૌન ધારણ કરે છે.) ધીમે ધીમે સુર્ય અસ્ત થવાં લાગે છે. અને અન્ય પક્ષીઓ જેમ એ વૃધ્ધ પક્ષી પણ પોતાના રહેઠાણ તરફ હવે પ્રયાણ કરે છે. 

સૂર્યાસ્ત થય ચુક્યો હોય છે. પણ વૃક્ષ ચિંતન કરે જાય છે. એ વૃધ્ધ પક્ષી ની કહેલી દરેક વાતો પર. એ મનોમંથન કરે છે. અને પોતાની જાતને પ્રશ્ન કરે છે કે શું હું ખરેખર આટલો સ્વાર્થી છું. ? કે મેં ફક્ત એક જ દ્રષ્ટિકોણ થી વિચાર્યું. મારે બીજા દ્રષ્ટિકોણ થી પણ વિચારવું જોઈએ. 

ક્ષણિક ભર વૃક્ષ પોતાની જાતને એ પંખી ના સ્થાને રાખે છે. પછી એને પોતાની ભુલ નું ભાન થાય છે. મનોમન વૃક્ષ એ પંખી ને કહે છે કે હે પંખી તું મને માફ કરીદે મારાથી ભુલ થઈ ગઈ યાર.. હું તારી આ નિસ્વાર્થ લાગણીને સમજી જ ના શક્યો. તે મારી માટે નિસ્વાર્થ ભાવે આટલું બધું કર્યુ અને એક હું જે એ બધું નજર અંદાજ કરી તારી પર ક્રોધ કરતો હતો અને તને નફરત પણ કરવા લાગ્યો હતો. થાય તો માફ કરજે આ સ્વાર્થી વૃક્ષ ને..

આ રીતે વૃક્ષ એ પંખી નો દિલથી આભાર માને છે. અને કહે છે કે પંખી હું તારો આ ઉપકાર આજીવન નહીં ભુલુ.. નહીં ભુલુ.. 

પંખી ક્યાં છે એ તો ખબર નથી પણ હાં વૃક્ષ હવે સજીવન છે. આજે પણ વૃક્ષ એ નિસ્વાર્થ પંખી ની રાહ જોવે છે અને એનું સ્થાન બીજા કોઈને નથી આપતો.. 

મિત્રો આ વાત હતી વૃક્ષ, પંખી અને વૃધ્ધ પક્ષી ની હવે આપણે વાસ્તવિક જીવન વિશે વાત કરીએ.. 

તમને એક વાત કવ મિત્રો..? તમને ખબર છે કે આપણે સૌ કોઈ આપણાં જીવનમાં આ ત્રણેય પાત્રો ભજવી રહ્યા છીએ.. ક્યારેક વૃક્ષ બનીને.. તો ક્યારેક પંખી બનીને.. તો ક્યારેક વૃધ્ધ પક્ષી બનીને.. તો બસ આમજ આપણે આપણા કર્તવ્યને નિભાવતા રહીએ.. 

1 ) વૃક્ષ બનીને લોકો ને સહારો આપીએ પણ કોઈને બંધન માં ન રાખીએ.
2 ) પંખી બનીને લોકોને નિસ્વાર્થ ભાવે નિર્જીવ માંથી સજીવન કરીએ.
3 ) વૃધ્ધ પક્ષી બનીને લોકો નું સારું માર્ગદર્શન કરીએ. 

તમને ખબર છે આ વાર્તા માં મારું પ્રિય પાત્ર કયું છે એ હમ્મ..? ચલો જણાવું.. મારું પ્રિય પાત્ર @વૃધ્ધ પક્ષી છે. કારણ જણાવું છું હું મારા દ્રષ્ટિકોણ થી. જો એ વૃધ્ધ પક્ષીએ વૃક્ષને પંખી વિશે આડી અવળી વાત કરી હોત તો શું થાત..? પરીણામ એ હોત કે વૃક્ષ પસ્તાવો કરત કે હું એક ખોટા પંખી જોડે લાગણીથી જોડાયો હતો અને વધું દ્વેષમાં ને દ્વેષમાં ભસ્મીભૂત થય ચુક્યો હોત..

આજ રીતે.. આપણાં સમાજમાં પણ વૃધ્ધ પક્ષી સમાન વડીલો વૃક્ષ રૂપી યુવાનો ને જો સાચું માર્ગદર્શન આપે તો મિત્રો આ પંખી રૂપી નાબાલિક યુવતીઓ ક્યાંક ને ક્યાંક નિર્દોષ સાબિત થઈ શકશે.. 

આ વિચાર સહ આશા કરું કે.. આપ સૌ કોઈ અમારી આ ટચૂકડી વાર્તા ની ઉંડાઈ ને સમજી શકશો.. જય શ્રી કૃષ્ણ.. જય જીનેંદ્ર..

@અભિ / @ઓમ