અખંડ ભારતના શિલ્પી Shailesh Chaudhary દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અખંડ ભારતના શિલ્પી

    વલ્લભભાઇના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્યસઁગ્રામ ની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે.બારડોલીની લડત પુરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઇકના મોંમાંથી વલ્લભભાઇ પટેલ માટે 'ખેડૂતોના સરદાર' એવો ઉદગાર નીકળી ગયો હતો. જેમણે જેમણે આ ઉદગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડતવેળા એકવાર ગાંધીજી આવ્યા હતા.ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે, અહીંના 'સરદાર' વલ્લભભાઇ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ,ગાંધીજીએ વલ્લભભાઇને રીતસરનું 'સરદાર'નું બિરૂદ આપ્યું હતું.પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતાં, સમગ્ર દેશના લોકહૈયામાં 'સરદાર'નું માનભર્યું સ્થાન પામ્યા હતા.
     વલ્લભભાઇનો જન્મ એમના મોસાળ નડીયાદમાં તા. 31-10-1875ના રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ.
     તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈ.સ.1875 ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી.ગાંધીજીએ કહ્યું હતું : "ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે." આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઇએ બાળપણમાં આત્મસાત કરી હતી.
     ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઇએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નીડરતા, નેતાગીરી કે દૃઢ સંકલ્પબળના બીજ પડેલાં હતાં એક વાર તેમને કાખબલાઇ થયેલી. ગામના વૈદ્યરાજ ઈલાજ માટે લોખંડના ધગધગતા સળીયા વડે ડામ દેવાનું વિચાર્યું, ત્યારે કુમળુ બાળક જોઇ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે.
      વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી.એક વખતની વાત છે: વલ્લભભાઇ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઇએ ખિસ્સામાં મૂકી દીધો.વળી,તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા.કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું: 'મિ. પટેલ..! શાનો તાર હતો ?'વલ્લભભાઇએ ધીમેથી જણાવ્યું, 'મારા પત્નીનું અવસાન થયું છે !' આમ, લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી.
     આમ તો દૂરથી જોનારને વલ્લભભાઇનું વ્યક્તિત્વ એકદમ રુક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી,સચ્ચાઈ અને આખાબોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાળિયેર જેવાં હતાં. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતાં નહીં. ભલભલાને પણ કોઈ જ શેહ-શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતાં. વળી, તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઇનો રણકો રહેલો હતો.
      બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતાં તેમણે લખ્યું હતું: "લડાઈ લડવી હોય, તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી,ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ,તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે.
    -આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચય માં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ના જીવ્યુ  થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે."
    વલ્લભભાઇ વીર હતા, એટલા જ વિનોદી હતાં. મહાદેવભાઇની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એક વાર મહાદેવભાઇએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો- 'રચનાત્મક ગફલત', એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ... બિરબલની છટાથી બોલી ઊઠ્યાં-"ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ !"
     વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલા સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલીક કઠિન હતી, તેનું વર્ણન મહાદેવભાઇ ની ડાયરીમાં મળે છે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઇ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા.
     સરદાર જનસમુદાયની નાડના ભારે પારખું હતા. લોકસમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્ય ના દર્શન થતા હતા. લોકોને થતાં અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા.
     સરદાર એટલે આપણા દેશને ત્રિમૂર્તિ - ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરૂ - પૈકીની એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજી સત્યને જ આરાધ્યું. સરદારે પવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં.ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા. આ રજવાડાના ઘણા રાજા પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા.તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શીરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું, ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું, ત્યાં કડક પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ, દેશની અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.
     વિનોબા લખે છે:  "સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતાં તે ડરતા નહીં. ભલે કોઈને ગમે તે લાગે. વળી, વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે, તો તેથી જરાય ડગમગતા નહોતા."
    ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઇ સરદાર માટે લખે છે : "ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓના વિનાશ કરી નાખે, તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું."
    ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપનું છતું કરતાં જણાવ્યું હતું કે, "સરદારની શુરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું.માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું."
     વલ્લભભાઇ સાદગીપ્રિય હતા. 'સાદું જીવન અને ઉચ્ચ વિચાર' તેમનો જીવંનમંત્ર હતો. તે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણીબહેને પિતાની ઊલટથી સેવા કરી હતી. મણીબેનને પણ સાદગી એવી કે, થીગડું મારેલી સાડી પહેરવા પણ તેઓ નાનપ અનુભવતા નહોતા.
     અખંડ ભારતના આ શિલ્પીનું તા. 15-12-1950 રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ-લાખ વંદન !