#સત્યના ખોજક કૈલાશ સત્યાર્થી#GreatIndianStories Reshma Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

#સત્યના ખોજક કૈલાશ સત્યાર્થી#GreatIndianStories

અહીં વાત કરવાની છે ભારત નાં એક એવા હીરો(કલાકાર) કે હીરો(ડાયમંડ) કૈલાશ સત્યાર્થી ની કે જેમણે પોતાના બચપણ બચાઓ આંદોલન થકી પોતાના ઉમદા સામાજિક કાર્ય ની ચમક ને કારણે ભારત ની ઓળખાણ વિશ્વનાં ફલક સુધી પહોંચાડી છે.જેણે બાળપણ થી લઈને અત્યાર સુધી ફક્ત અને ફક્ત મુક્ત બાળપણ ની નેમધારણ કરી છે અને પોતાના આ કાર્યમાં અવિરત આગળ વધી રહ્યાં છે.તેમનું એકમાત્ર ધ્યેય બાળકોને બાળમજૂરી માંથી મુક્ત કરાવીને શિક્ષણ ની દિશા માં મુક્ત બાળજીવનનું પ્રયાણ કરાવવાનું છે.
1.બાળપણની અસમંજસતા
1954 માં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લા માં કૈલાશ સત્યાર્થી નો જન્મ સામાન્ય પરિવાર માં થયો હતો.નાની ઉંમર માં પિતાનું મૃત્યું થઇ ગયું હતું.પરિવાર માં મોટા ભાઈ અને ત્રણ મોટી બહેનો હતી.કૈલાશ પોતાના ભાભી ને ભાભીમા કહેતા હતા.કૈલાશ ના ભાભીનું કહેવું હતું કે બાળપણથી જ તેના અંદર બીજાઓ પ્રત્યે અનોખી સેવાભાવના હતી.બાળપણ માં તેમની બાજુ માં દર્દી હતા ,કૈલાશ તેમના ઘા ને સાફ કરતા અને હાથ ધોઈ ને તેમના માટે જમવાનું લઇ જતા.
         કૈલાશ શાળા એ ભણવા જતા ત્યારે એક દિવસ તેમનું ધ્યાન વર્ગખંડની બહાર ઊભેલા એક બાળક પર ગયું.એક એવું બાળક કે જેને ભણવાની અદમ્ય ઇચ્છા હતી,પણ તે શિક્ષણ પ્રાપ્ત નહોતું કરી શકતો કારણકે તે ગરીબ હતો અને તેની પાસે ચોપડીઓ નહોતી.ત્યારબાદ કૈલાશ એ તેમના મિત્ર સાથે મળી ને પૈસા બચાવીને એક લારી ખરીદી. બધાના ઘરે ઘરે ફરીને જેમના બાળકો આગળના વર્ગમાં ગયા હોય તેમના જુના ચોપડાઓ ભેગા કરવાનું કામ કર્યું.જેથી કરીને તે ચોપડાઓ ગરીબ બાળકોને કામ લાગી શકે.આવી રીતે કૈલાશ અને તેના મિત્રે એક દિવસ માં 2200 ચોપડીઓ ભેગી કરી.બસ અહીંથી જ કૈલાશ ના મનમાં મુક્ત બાળપણ ,બાળમજૂરી થી મુક્તિ,શિક્ષણ પ્રાપ્તિ નો અધિકાર વગેરે બાબતો ના બીજ રોપાયા.

2.મુક્ત બાળપણ ના બીજ રોપાયા

એક દિવસ કૈલાશ એ પોતાના પિતાની સાથે બુટપોલીશ કરતા બાળક ને જોયો.તેને આટલું નાનું બાળક આવી મજૂરી કેમ કરે છે તે જોઈ ને વિચિત્ર લાગ્યું.તેને આ વિશે તેના પિતા ને પૂછ્યું તો તેમણે કહ્યું કે મારા પિતા પણ આ જ કરતા હતા અને હવે હું અને આગળ જઈને મારું બાળક પણ આ જ કામ કરશે.કૈલાશે પૂછ્યું કે શા માટે તેને શાળા એ નથી મોકલતા,તો સામેથી જવાબ મળ્યો કે અમુક બાળકો કામ કરવા માટે જ જન્મ લે છે.આ ઘટનાએ કૈલાશ ને અંદર થી હચમચાવી દીધા અને અહીં થી મુક્ત બાળપણ ના,બાળકો ના શિક્ષણ ના અધિકાર ના,બાળમજૂરી થી મુક્તિ ના બીજ રોપાયા.

3.છુત અછૂત નો પાખંડ,શર્મા નો ત્યાગ અને બન્યા સત્યાર્થી

કૈલાશ સત્યાર્થી ને મહાત્મા ગાંધીજીના 'ઇન્ડિયન ઇન્ડિપેનડેન્સ મૂવમેન્ટ' થી ઘણી પ્રેરણા મળી હતી.તેમના ગામના નેતાઓ દ્વારા ઇન્ડિયા કાષ્ટ ઉપર ભાષણ આપવામાં આવ્યું હતું અને રાત્રિભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્યાર્થી પણ તેમાં જોડાયા હતા.એ ભોજન ગામ ની નીચી જાતિ ના લોકો કે જેને અછૂત માનવામાં આવે છે તેમના દ્વારા ઊંચી જાતિ ના લોકો માટે બનાવવામાં આવ્યું હતું.પરંતુ ગામની એક પણ વ્યક્તિ ભોજન લેવા ના આવી.આ જોઈ ને કૈલાશ નિરાશ થઇ ને ઘરે જતા રહ્યા.
         ઘરે પરત ફર્યા પછી જોયું કે ઊંચી જાતિ ના લોકો તેમના ઘરે આવી ને ધમકીઓ આપવા લાગ્યા.કારણકે તેમને અછૂત ને સાથ આપ્યો.તેમને માંગણી કરી કે કૈલાશ નદી માં ડૂબકી લગાવે અને101પાદરી ના પગ ધોઈ ને પાણી પીવે.કૈલાશે તેમની માંગ ફગાવી દીધી છતાં પણ ઊંચી જાતિ ના લોકો એ તેને સજા આપી.કૈલાશ ને પોતાના ઘર ના રસોડા માં જાવા પર પાબંદી લગાવી અને તેના માટે બધી અલગ વ્યવસ્થા કરાવી.એટલેકે તેને જાતિ થી અલગ કરવામાં આવ્યા.ત્યારે કૈલાશે નક્કી કર્યું કે આ લોકો શું મને જાતિ થી બહાર કાઢશે,હું જ આ જાતિ માંથી બહાર નીકળી જઈશ.એટલેકે કૈલાશે પોતાની અટક 'શર્મા' ને નામ માંથી બાકાત કરી દીધી અને કૈલાશ ની પાછળ લગાવ્યું 'સત્યાર્થી'એટલેકે સત્ય ની ખોજ કરવાવાળો.આમ કૈલાશ 'શર્મા માં થી સત્યાર્થી 'બની ગયો.

4.શિક્ષણ પ્રાપ્તિ ,નોકરી નો ત્યાગ અને સંસારયાત્રા

કૈલાશે વિદિશા ની સરકારી સ્કૂલ માં શિક્ષણ પ્રાપ્ત કર્યું.ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ની ડિગ્રી પ્રાપ્ત કરી અને ભોપાલ માં પ્રોફેસર તરીકે સેવા બજાવી.1980 માં એન્જિનિયર તરીકે ની કારકિર્દી ખતમ કરી દીધી અને એ જ વર્ષે 'બચપણ બચાઓ આંદોલન' ની સ્થાપના કરી. તે મેગેઝીન માટે લખતા હતા ત્યાં તેમની મુલાકાત સુમેધા સાથે થઇ હતી .અને બાદ માં તેમના લગ્ન સુમેધા સાથે થયા હતા.કારકિર્દી છોડ્યા પછી તેમની પરિસ્થિતિ એટલી સારી નહોતી.બાળક માટે દૂધ લેવાના પૈસા પણ નહોતા પણ સુમેધાએ દરેક પરિસ્થિતિ માં કૈલાશ નો સાથ આપ્યો હતો.

5.એક જ સંકલ્પ બાળમજૂરી થી છુટકારો

એન્જિનિયર તરીકેની કારકિર્દી છોડ્યા બાદ કૈલાશ નો નેમ ફક્ત બાળકો ને તેમના અધિકાર અપાવવાનો હતો.તે માટે તેમને અનેક આંદોલનો કાર્ય હતા અને તેને લગતી સંસ્થાઓ સ્થાપી હતી.
(1)બચપણ બચાઓ આંદોલન

      કૈલાશે 1980માં  'બચપણ બચાઓ આંદોલન' ની શરૂઆત કરી હતી.આ એક એવી સામુહિક ચળવળ હતી જેમાં બાળકોને બાળમજૂરી,બાળશોષણ,બાળવેપાર વગેરે થી મુક્તિ અને મફત શિક્ષણની હિમાયત કરતી બાળ ફ્રેન્ડલી સોસાયટી ની સ્થાપના કરવાની નેમ હતી.
         બચપણ બચાવો  આંદોલન થકી ભારત માં 86,000 થી વધુ બાળકોને બાળમજૂરી,ગુલામી અને બાળકોના થતા વેપાર માંથી બચાવવામાં આવ્યા છે.1998 માં કૈલાશે બાળમજૂરી વિરુદ્ધ 'ગ્લોબલ માર્ચ'નું આયોજન 103 દેશો સાથે કર્યું હતું.તેમની વૈશ્વિક માંગણી હતી કે બાળમજૂરી ના આ સૌથી ખરાબ સ્વરૂપ વિરુદ્ધ ડ્રાફ્ટ ILO convention 182 પસાર કરવામાં આવે.અને 1999 માં જીનીવા માં આ બિલ ને મનસ્વી રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

(2)ગુડ વીએવ ઇન્ટરનેશનલ (ઋગમાર્ક)

  ગુડ વીએવ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના નોબેલ પીસ પ્રાઈઝ વિનર સત્યાર્થી દ્વારા 1994 માં કરવામાં આવી હતી.જે 'ઋગમાર્ક'તરીકે પણ ઓળખાય છે.આ એક સર્ટિફિકેશન પ્રોગ્રામ કંપનીઓ માટે છે.જેમાં કંપનીઓ ને લોગો દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.બાળકો પાસે કામ કરાવવામાં નથી આવતું.આ એક બાળમજૂરી રહિત કામ છે.'ઋગમાર્ક'એક નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશન છે.આ પ્રોગ્રામ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ છે.

(3)ધી કૈલાશ સત્યાર્થી ફાઉન્ડેશન

      KSCF ની સ્થાપના 2004 માં કૈલાશ દ્વારા બાળક મૈત્રીપૂર્ણ વિશ્વની સ્થાપનાની ભાવના સાથે થઇ હતી.જેમાં બાળકો ની સમસ્યાઓ અને તેને લગતી જાગૃતિ,નીતિ હિમાયત,બાળકો માં રહેલી ક્ષમતાઓનું નિર્માણ કરવું વગેરે આ સંસ્થાનો પાયા નો નિયમ છે.નિષ્ણાતોની વિવિધ ટીમ બાળકો ને લગતા મુદ્દાઓમાં રસ લે છે અને તેનું નિરાકરણ લાવે છે.જેમાં લોકો પણ વિવિધ પ્રોગ્રામ માં જોડાય છે.

(4)ગ્લોબલ કેમ્પેઇન ફોર એજ્યુકેશન

     1999માં આની સ્થાપના કરવામાં આવી.આ એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન અને એનજીઓ છે.જે બાળકો અને પુખ્ત લોકોના શિક્ષણ વિશે સંશોધન અને નીતિ હિમાયત કરે છે.

(5)ભારતયાત્રા

     ભારતયાત્રા અભિયાન ની શરૂઆત કન્યાકુમારી થી કેસસીએફ ફાઉન્ડેશન દ્વારા 11 સપ્ટેમ્બર,2017 માં શરૂઆત કરવામાં આવી હતી.12,000 કી.મી થી વધુની આ અભિયાન ની શરૂઆત ભારત ના 24 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે.આ અભિયાન ની નેમ સામાજિક સંવાદ દ્વારા બાળકોનું જાતીય શોષણ,બાળવેપાર અને અત્યાર સુધી સમાજ માં પ્રવર્તતી નિષિદ્ધ વિશે જાગૃતિ ફેલાવવાનું છે.
        આ અભિયાન નું ગઠબંધન 5000સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનસ,60થી વધુ વિશ્વાસુ નેતાઓ,500રાષ્ટ્રીય લીડર્સ,600 લોકલ લીડર્સ,ભારત સરકારની રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓ,300ભારતીય ન્યાયલાયના સભ્યો અને25,000 શેક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે.
ભારત યાત્રા માં 35 થી વધુ દિવસો માં દસ લાખ થી વધારે ચળવળકારો ભાગ લઇ ચુકયછે.
આ ઉપરાંત '100 મિલિયન ફોર 100 મિલિયન અભિયાન' પણ બાળકો માટે ચાલે છે.જેને પાંચ વર્ષ માં પૂરું કરવાની નેમ છે.


6.અસંખ્ય કાર્ય ની નોંધ અને પુરસ્કારો

   નોબેલ પ્રાઈઝ વિજેતા કૈલાશ યુનેસ્કો બોડી ના એજ્યુકેશન ફોર ઓલ 'ગ્લોબલ પાર્ટનરશિપ ફોર એજ્યુકેશન ના સભ્ય પણ છે.કૈલાશ ને મળેલા પુરસ્કારો-
 
ધી આચેનેર ઇન્ટરનેશનલ પીસ પ્રાઈઝ,જર્મની(1994)

રોબર્ટ એફ.કેનેડી હ્યુમન રાઇટ્સ એવોર્ડ(1995)

ડી ગોલ્ડન વિમ્પેલ એવોર્ડ(1998)

લા હોસ્પિટલેટ એવોર્ડ(1999)

ડિફેન્ડર્સ ઓફ ડેમોક્રેસી એવોર્ડ(2009)

નોબેલ પીસ પ્રાઈઝ(2014)
2014 માં નોર્વે ના ઓસ્લો માં મલાલા યુસુફઝાઈ સાથે નોબેલ પ્રાઈઝ કૈલાશ સત્યાર્થી ને એનાયત થયો હતો.


7.આત્મસંતોષ

બાળપણ થી લઇ ને અત્યાર સુધી સમાજસેવા ના કામ કરતા કૈલાશ ને અનેક સંઘર્ષો નો સામનો કરવો પડ્યો છે.તેમના ઉપર જાનનું જોખમ પણ આવી પડ્યું હતું.કૈલાશે સરકસ માં કામ કરતા બાળકો ને બચાવવા તે જગ્યા એ પોલીસ સાથે રેડ પાડી હતી.ત્યારે સરકસકર્મીઓ એ તેમના પર હુમલો કર્યો હતો.ત્યાંથી સત્યાર્થીએ 24 બાળકીઓને છોડાવી હતી.

     તેમના કામ નું દરેક મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવ્યું છે અને તેમના વિશે અનેક ડોક્યુમેન્ટરી બની ચુકી છે.એક ઇન્ટરવ્યૂ માં સત્યાર્થીએ પોતે આત્મસંતોષ ક્યારે અનુભવ્યો તે વિશે જણાવતા કહ્યુકે નોબેલ પ્રાઈઝ એનાયત થયો ત્યારબાદ તે વિદિશા ગયા ત્યારે બે ચાર લોકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે તમે જે 'બુક બેન્ક અભિયાન' ચલાવ્યું હતું તે ચોપડીઓ વાંચીને જ અમે આજે કઈંક બની શક્યા છીએ અને તમારી સામે ઊભા છીએ.ત્યારે સત્યાર્થીએ કહ્યું કે નોબેલ પ્રાઈઝ મેળવતી વખતે જેટલો આત્મસંતોષ નહોતો થયો તેટલો એ બે ચાર લોકો ની વાત સાંભળીને થયો હતો.એવા તો અસંખ્ય બાળકો ને કૈલાશે મુક્ત કરાવ્યા છે કે જે આજે સમાજ માં ઉચ્ચ દરજ્જાનું જીવન જીવી રહ્યા છે.
        આ ઉપરાંત પોતાની દીકરી અસ્મિતા ના લગ્ન સમયે કન્યાદાન કરવાની કૈલાશે ના કહી દીધી હતી.તેમનું કહેવું હતું કે તે મારી દીકરી છે,ગાય નથી કે તેનું દાન કરું.
          આમ આવા અસંખ્ય અંધારા ગલિયારા માં ફસાઈ ચૂકેલા બાળકોને મુક્ત બાળપણ અને શિક્ષણના સોનેરી અજવાળા સુધી પહોંચાડનાર કૈલાશ સત્યાર્થી ફક્ત ભારત જ નહિ પરંતુ પુરા વિશ્વના લાડકા બની ચૂક્યા છે.
         સત્યની ખોજ કરનારા,સત્યના ખોજક કૈલાશ સત્યાર્થી ને લાખો સલામ .