"પુનઃ મિલન - પતિ અને પત્નિ નું..."
"મારી ભૂલને માની લઉં, સાચવવા સંબંધ.
ચાલ સમજદારીથી નિખારીએ, પ્રેમનો રંગ.
કારણ તું નથી મારાથી, અલગ કોઈ વ્યક્તિ,
તું તો છે મારા તનનું , એક અભિન્ન અંગ..."
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
શહેરમાં ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન થયેલું... શહેરના મોટાભાગના ધાર્મિક વૃતિવાળા પ્રૌઢ અને વૃદ્ધ લોકો સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો પણ સપ્તાહના પાંચમા દિવસે કથાનું રસપાન કરવા આવેલા... કથાકારે છેલ્લા પાંચ પાંચ દિવસથી પોતાની વાણી થી ભગવાનની કથાને એવી લડાવી હતી કે સૌ લોકો રસપૂર્વક કથાનું રસપાન કરતા હતા...
એ દિવસે કથાકારે ભાગવત કથા દરમિયાન વચ્ચે એક પતિ પત્નિ ના પ્રેમ સંબંધનું ઉદાહરણ રજૂ કર્યું... એ સાંભળી કદાચ ત્યાં હાજર તમામ પતિ પત્નિ વચ્ચેના પ્રેમ સંબંધ માં ઓર વૃદ્ધિ થઈ હશે... કથા સાંભળવા આવેલા લોકો માં એ દિવસે એક છુટ્ટાછેડા લીધેલ પતિ પત્નિ પણ આવેલા... બેન મહિલાઓના વિભાગમાં બેઠા હતા અને એ ભાઈ ભાઈઓના વિભાગમાં બેઠેલા... કથા દરમિયાન એ ભાઈની નજર અચાનક એમની ભૂતપૂર્વ પત્નિ પર પડી... એ દરમિયાન કથાકાર દ્વારા પતિ પત્નિ પ્રેમ સંબંધનો પ્રસંગ જ વર્ણિત થઈ રહ્યો હતો...
પોતાની પત્ની પર નજર પડતા ભાઈને પ્રથમ તો લાગ્યું કે...
"હવે ,મારે અને એને શુ લેવાદેવા... હું શા માટે એની તરફ ધ્યાન આપું..."
તો તરત પાછો બીજો વિચાર આવી ગયો અને મનોમન એને પ્રશ્ન પણ થયો કે...
"અગ્નિ અને તમામ દેવ દેવતાઓની સાક્ષીએ અમે જે સાત ફેરા ફર્યા હતા અને પતિ પત્ની ના પવિત્ર સંબંધમાં જોડાયા હતા એ સંબંધ શું કોર્ટના એક કાગળ પરની સહી કરી દેવાથી ભૂંસાઈ જાય ખરા...??? ભગવાન થી મોટી કોર્ટ હોઈ શકે ખરી...???"
આવી જાત જાતની ગડ મથલ એ ભાઈના મગજમાં આકાર લઈ રહી હતી. ખબર નહિ કેમ પણ પોતાની પત્ની પ્રત્યે, છુટ્ટાછેડા લીધા ત્યારે એના મનમાં જે દ્વેષ હતો એ આજે કુણો પડી રહ્યો હતો...
...અને કથામાં બપોરનો ભોજન નો સમય થયો. સૌ ભાવિક ભક્તો બનાવેલા વિશાળ ભોજન ખંડ માં ભોજન પ્રસાદ માટે એકઠા થયા. હારબંધ ભોજન લેતા લોકો વચ્ચે કુદરતી રીતે એ પતિ પત્ની થાળી લઈ એકબીજાની સામે આવી ગયા. બંનેની આંખો ચાર થઈ પણ એકબીજાને એક પણ શબ્દ કહ્યા વિના ભોજન લેવા બેસી ગયા. એ પત્ની ભોજન કરી રહી હતી પણ એનું ચિત ભોજનમાં ન હતું. એના સમગ્ર મન પર એના ભૂતપૂર્વ પતિની એ છબી વારંવાર આવી જતી હતી. અડધું પડધુ જમી એ બેન એક જગ્યાએ જઈ બેસી ગઈ... અને એનું મન પોતાના પતિ સાથે થયેલ એ દિવસના ઝઘડામાં પહોંચી ગયું કે જે એમના છુટ્ટાછેડાનું કારણ બન્યું હતું અને કારણે એમના બાર વર્ષના દીકરાને પણ એના બાપથી વિખૂટો પાડ્યો હતો...
એ બેનને યાદ આવી ગયો એ દિવસ કે જે દિવસે બંનેએ નાના દિકરા સાથે બહાર બે દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પણ અચાનક,એનો પતિ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપનીનો બે દિવસનો સેમિનાર ગોઠવાયો અને એ ભાઈને ત્યાં જવાનું થયું. જેથી પરિવાર સાથે ફરવા જવાનો પ્રોગ્રામ સ્થગિત રાખવો પડેલો. આવું એક વાર નહિ પણ આ ત્રીજી વાર બન્યું હતું. જેથી પોતાને ખૂબ ગુસ્સો હતો... એ ભાઈ કંપનીના સેમિનારમાં ગયા સાથે કંપનીના બીજા કર્મચારીઓ પણ હતા. જેમાં કેટલીક મહિલાઓ પણ હતી.
કંપનીનો સેમિનાર પતાવી પોતાનો પતિ ઘેર પરત ફર્યો. પોતે ખૂબ ગુસ્સામાં હતી પણ ગુસ્સો એ ત્રીજી વખત પણ પચાવી ગઈ હતી. પોતાના પતિના મોબાઈલમાં કંપની સેમિનારના ફોટા એને જોયા અને દબાવેલો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો. એને પતિના ફોનમાં જોયું કે એનો પતિ ઘરનો ફરવાનો પ્રોગ્રામ કેન્સલ કરી સેમિનારમાં કેવો આનંદથી મજા કરી રહ્યો હતો. ઉપરાંત મહિલાઓ સાથેના ફોટા પણ પોતે જોયા હતા અને ત્યાંથી પોતાના મનમાં કેવું શંકાનું બીજ રોપાયું હતું. એ દિવસની આવી બધી ઘટનાઓ એ બેનને જાણે આંખો સામે અવતરિત થઈ ગઈ...
સાંજ પડતા પોતાના પતિ વિનાના ઘરે એ બેન દિકરા સાથે પાછી ફરી. રાત્રે પથારીમાં પડતા ફરી એનો ભૂતકાળ એને યાદ આવી ગયો કે... એ દિવસે થયેલ ઝઘડામાં એના પતિએ "પોતે નિર્દોષ છે , કંપનીના કામ અર્થે બહાર જવું પડે છે..." એવી ઘણી દલીલો કરી હતી પણ એને એકેય દલીલ સત્ય લાગી ન હતી.
છૂટાછેડા બાદ એ બેનને એમ હતું કે એનો પતિ બીજા લગ્ન કરી લેશે અને જીવનમાં પોતાને ભૂલી જશે. પણ એની તપાસ કરતા જણાયુ કે એને બીજા લગ્ન કર્યા ન હતા. અને આજે પણ એ ભાડાના મકાનમાં એની પત્નીનાજ ફોટા એને લગાવેલા હતા. આ સત્ય જાણ્યા બાદ હવે એ બેનને પણ અંદરો અંદર ખૂબ પસ્તાવો થવા લાગ્યો. એને પોતાની ભૂલ સમજાઈ રહી હતી કે...
"કોઈ વજૂદ વગરના શંકાના બીજે એમનો પરિવાર વિભાજીત કરી નાખ્યો... પોતે એ દિવસે પતિની વાત માની કે સાંભળી હોત તો એમની વચ્ચે આ દસ દસ મહિનાના અબોલા ન સર્જાયા હોત. એક નાનકડી સમજદારી પોતે દાખવી હોત તો દીકરાને પિતાથી વિખૂટું ન પડવું પડ્યું હોત...!"
આ તરફ એ ભાઈને પણ એની પત્નીના વિચારો આવી રહ્યા હતા. ભાઈ એ વિચારથી પોતાની જાતને કોશી રહ્યો હતો કે...
"શા માટે એ એની પત્ની ને સમજાવી ન શક્યો અને બંનેએ છુટ્ટા પડવું પડ્યું..."
પણ કહેવાય છે ને કે જુદાઈ પછીનો પ્રેમ બમણો થઈને પાછો મળે છે. એ કહેવત મુજબ બંને એ એ રાત્રે મનોમન નક્કી કરી લીધું કે એકબીજાને મળશે... અને બંને વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર કરી ફરી પાછા એક થઇ જશે. એકબીજાની સાચા દિલથી માફી માંગી લેશે.
બીજા દિવસે સવારે એ બન્ને એકબીજાને મળ્યા. મળતા એક પણ શબ્દ બોલી ન શક્યા પણ ચોધાર આંસુએ પસ્તાવાનું પવિત્ર ઝરણું બંનેની આંખો માંથી વહેવા લાગ્યું. એકબીજાને ખૂબ પ્રેમથી ભેટી પડ્યા. હવે એમના આ પુનઃ મિલન માં કોઈ શબ્દોની જરૂર ન હતી. પોતાના માતા પિતાના આ પ્રેમ ભર્યા આલિંગન માં એમનો બાર વર્ષનો દીકરો પણ જોડાઈ ગયો. તૂટેલો એક નાનકડો પરિવાર ફરી એક બની ગયો. અને જાણે ઉપર આકાશમાં ભગવાન પણ કહી રહ્યો હતો કે...
"જોડીઓ હું અહીંથી બનાવું છું મૂર્ખ માણસ, એમ એને તું કઈ રીતે તોડી શકે...!!!"
POINT :-
શંકાનું એક નાનું અમથું બીજ કેટલું ખતરનાક હોય છે કે પતિ પત્ની જેવા પવિત્ર સંબંધને પણ તહેશ મહેશ કરી નાખે છે, વીંખી નાખે છે પરિવારનો માળો.
પણ નાનકડી સમજદારી દાખવીએ તો એ પશ્ચાતાપ ના આંસુ ફરી પ્રેમને બમણો કરી દેવાની પણ તાકાત ધરાવે છે...
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)