22 Single - 28 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - ૨૮

૨૨ સિંગલ

ભાગ – ૨૮

સ્ટોરી 4 વર્ષ ફોરવર્ડ થઇ ગઈ હોય હર્ષે જોબ બદલી છે અને પોતાના જ શહેરમાં એક કંપની માં જોબ કરે છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ હવે એ સિંગલ નથી. આગળના ભાગમાં જોયું એમ યાસ્વી નામની છોકરી સાથે એના એન્ગેજમેન્ટ થઇ ગયા છે. ૨૭ વર્ષની સાધના ફળી છે એની ખુશી હર્ષના મોઢા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. સવારે આંખ ખોલીને સૌથી પહેલા યાસ્વીને ગુડમોર્નિંગનો મેસેજ કરીને જ પથારીમાંથી ઉભા થવાનું. ભગવાન નું સ્વરૂપ જાણે યાસ્વી એ લઇ લીધું હોય એમ હર્ષ આખો દિવસ યાસ્વી ના નામ ની માળા જપ્યા કરતો.

યાસ્વી પણ હર્ષ તરફથી મળતા આટલા બધા એટેન્શન થી કોઈક વાર અકળાઈ જતી. દિવસ ના દસ ફોન અને ઢગલો મેસેજ હર્ષ યાસ્વીને કરતો. સવારે ઉઠીને ચા પીધી કે કોફી? ચા માં કેટલી ખાંડ- કેટલી ચા-આદુ વગરની-આદુ વાળી? માથું ધોયું તો કઈ કંપનીનો શેમ્પુ વાપર્યો? બ્રશ કરે તો કઈ કંપની ની પેસ્ટ વાપરે? એવા સાડી-સત્તર સવાલ હર્ષે યાસ્વી ને બસ થોડા જ દિવસોમાં પૂછી નાખ્યા હતા. યાસ્વી એ થોડા દિવસ તો ચલાવી લીધું પણ એક દિવસ હર્ષને ખખડાવ્યો – હર્ષ નારાજ થયો – વાત અક્ષતના કાન સુધી પહોંચી-અક્ષત અને અનુ એ યાસ્વીને બહાર મળીને સમજાવી.

યાસ્વી (અનુ અને અક્ષતને) : “યાર, આ આવો જ છે?”

અનુ (સ્માઈલ સાથે) : “હા, હર્ષ આવો જ છે. નજીકની વ્યક્તિની નાના માં નાની વસ્તુઓ નું ધ્યાન રાખે છે અને તું તો સ્પેશિયલ છે.”

યાસ્વી (મોઢું ચડાવીને) : “હા, કંઇક વધારે જ સ્પેશિયલ.”

અક્ષત : “ભાભી, જુઓ. એકદમ સીધી વાત કરું તો હર્ષ ગાંડો છે, એકદમ પાગલ પણ તમારી પાછળ. આમ બુદ્ધુ છે પણ દિલનો એકદમ ભોળો. હા, છોકરીઓ સાથે એને ૩૬ નો આંકડો જરૂર હતો એટલે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી, શું પુછાય, શું ના પુછાય એ થોડું ઓછુ સમજે છે.”

અનુ : “હા, એ દિમાગ થી નહિ દિલ થી વિચારે છે ને એટલે. એનો માત્ર એક જ લક્ષ્ય છે તમને ખુશ રાખવાનું.”

યાસ્વી : “હા, પણ આવા બધા સવાલ? મોટાભાગે છોકરીઓ વધારે બોલતી હોય પણ અમારા કેસમાં ઊંધું છે. એ જ બોલ્યા કરે હું સાંભળ્યા જ કરું.”

અનુ : “હા, આટલા બધા વર્ષો નો ઉભરો કોઈક પર તો ઠાલવે ને!!!!! અત્યાર સુધી એક બહેન ના નાતે બધી વાત મને કહેતો, હવે તમને કહેશે.”

યાસ્વી : “ખરેખર એની પહેલા કોઈ જ ગર્લફ્રેન્ડ નહોતી.”

અક્ષત : “યાસ્વી એ જાણવા માટે આખી જીન્દગી પડી છે. તું જે વ્યક્તિને પરણવાની છે ને એ સ્ટેન્ડ અપ કોમેડિયન છે, અને એના બધા જ કાંડ વિષે એ તને જાતે જ કહેશે. કઈ છોકરી એ કયા કારણોથી એને રીજેક્ટ કર્યો ત્યારથી લઈને તમારી સાથે પહેલી મુલાકાત સુધી એણે જે કઈ બાફ્યું છે એ બધું જ.”

યાસ્વી : “પણ, આટલી બધી છોકરીઓ એ એને રીજેક્ટ કર્યો તો કંઇક તો એનામાં જ પ્રોબ્લેમ હશે ને?”

અનુ : “પ્રોબ્લેમ ?!!!! પ્રોબ્લેમ એ ખુદ જ છે. ૮૦ કિલોનો, ૬ ફૂટનો, ૧૦ sq નો ઘેરાવો ધરાવતો પણ એકદમ ભોળો અને એક જ દિલના ૨૪ ટુકડાવાળો એ તમારી પાછળ ગાંડો છે. હર્ષ દિમાગ થી નહિ હમેશા દિલ થી વિચારે છે. અને જે છોકરીઓ એ એને રીજેક્ટ કર્યો એના કારણો જયારે તું સાંભળીશ ત્યારે તું હસી હસી ને પાગલ થઇ જઈશ.”

યાસ્વી : “યાર, એની સાથે એન્ગેજ થઈને મેં કઈ ખોટું નથી કર્યું ને? તમારી વાત સાંભળીને મને ટેન્શન થાય છે.”

અનુ : “અરે ના રે, તું ખરેખર બહુ જ લકી છે. તને એવો હસબન્ડ મળ્યો છે જે ખરેખર તને રાણી ની જેમ રાખશે. (અક્ષરને કોણી મારતા) બાકી બધા તો ખાલી tv જોતા આપણને મસ્કા મારતા જાય અને ઓર્ડર કરતા જાય. એને બધા જ કામ આવડે છે. જમવાનું બનાવવામાં પણ તને મદદ કરશે......”

અક્ષત (અનુ ની વાતમાં ટાપસી પૂરતા) : “અને ખાવામાં પણ, બસ તારે એક માણસ નું વધારે બનાવવું પડશે. એમાં જાણે એવું છે ને કે એ બે માણસ નું ખાઈ જાય છે.”

યાસ્વી : “હા, એ તો મેં જોયું. અમે પહેલી જ વાર હોટેલ માં જમવા ગયા હતા ત્યારે....”

અનુ (એકદમ ઉત્સુકતાથી) : “શું કર્યું હતું એણે?”

યાસ્વી : “અમે ઓર્ડર આપીને વાતો કરતા હતા, જેવું ફુડ આવ્યું કે હર્ષ ભૂલી જ ગયા કે હું સામે બેઠી છું, બંને રોટી લઇ લીધી અને જે જમ્યા છે, બાપ રે. મારા 4 દિવસનું એક જ ટંકમાં ખાઈ ગયા. હું તો એક રોટી ખાઈને એમને જોયા જ કરું, મારું જમવાનું પતી ગયા પછી એમણે 4 રોટી મંગાવી. મને તો ત્યાં જ ચક્કર ચઢી ગયા હતા, નાનપણમાં હિડિમ્બા અને ભીમની સાંભળેલી વાર્તા યાદ આવી ગઈ.”

અક્ષત : “અને રાઈસ?”

યાસ્વી : “ના રાઈસ નહોતો મંગાવ્યો.”

અનુ (હસતા હસતા) : “પાગલ છે એકદમ. અમે એને ત્યાં ઓછુ ખાવાનું કીધું હતું તો આ ગાંડો રાઈસ ના ખાઈને છ રોટી ખાઈ ગયો અને આવીને અમને કહે કે મેં એકદમ લિમીટમાં જ ખાધું છે.”

અક્ષત : “યાસ્વી તું બિલકુલ ચિંતા ના કર. હમણાં એને આકાશ માં ઉડવા દે, થોડા દિવસ માં જમીન પર આવી જશે પછી બાંધી દેજે ગળામાં પટ્ટો (અનુને કોણી મારતા).”

યાસ્વી : “ઓકે, થેંક્યું. મળીયે આપણે. અને આપણે મળ્યા એ વિષે હર્ષને કંઈ ના કહેશો.”

અનુ : “હા, યાસ્વી. તું બિલકુલ ચિંતા ના કર.”

યાસ્વી ને અક્ષત-અનુ ની પૂરી વાત ગળે તો નહોતી ઉતરી પણ ધીરે ધીરે એને પણ હર્ષ ગમવા લાગ્યો હતો. એ હમેશા યાસ્વીને સ્પેશિયલ ફીલ કરાવતો, જે એના માટે બહુ જ મહત્વનું હતું. હમેશા થી યાસ્વી નું સપનું રહ્યું હતું કે કોઈક છોકરો એને આંખો ઉપર રાખે. હર્ષ યાસ્વી ની બધી જ ઈચ્છા પૂરી કરતો. બહાર ફરવા જવાથી લઈને, મુવી, લોંગ ડ્રાઈવ, આઈસ્ક્રીમ, પાણીપુરી બધું જ. યાસ્વી નો આદેશ એટલે જાણે સોનાની લકીર. હર્ષનું ફેમિલી પણ યાસ્વી સાથે હર્ષના નક્કી થયા પછી એનામાં આવેલા પરિવર્તનથી બહુ ખુશ હતા. એમને પણ યાસ્વી અને હર્ષ વચ્ચે વધતું બોન્ડીંગ દેખાતું હતું. પણ બધા દિવસો સુખ ના થોડા જાય છે. એક દિવસ આવ્યું હર્ષની લાઈફમાં લીબુઝોડું.

ગરમીના દિવસો હતા. હર્ષ સાંજે જોબ પરથી આવ્યો ત્યારે યાસ્વી ઘરે જ હતી. હર્ષ થાકેલો અને અકળાયેલો હતો. યાસ્વી એ એનો મૂડ ઠીક કરવા પાણી ની જગ્યા એ લીંબુ સરબત બનાવી આપ્યું. હર્ષે જેવું પીધું કે બીજી જ સેકન્ડે કોગળાવાટે સામે ઉભેલી યાસ્વીના મોઢા અને કપડા ઉપર બહાર કાઢ્યું. યાસ્વી એના આ વર્તન થી એકદમ ડઘાઈ ગઈ અને પછી જાણે રણચંડી નું સ્વરૂપ જાહેર કર્યું હોય એમ આંખો કાઢી હર્ષ સામે જોતી રહી. હર્ષનો ગુસ્સો સાતમાં આસમાને હતો.

હર્ષ : “આ શું હતું?”

યાસ્વી (ઉંચા અવાજે) : “શું હતું?”

હર્ષ : “આ પાણી છે કે શું છે?”

યાસ્વી (હાથમાં થી ગ્લાસ છીનવી લેતા) : “લીંબુ સરબત હતું.”

હર્ષ : “લીંબુ સરબત આવું?”

યાસ્વીએ હર્ષના હાથમાંથી લીધેલા ગ્લાસમાંથી લીંબુ સરબત ટેસ્ટ કર્યું. તરત જ એનું પણ મોઢું બગડ્યું. એ જોઈને તરત હર્ષ બોલ્યો.

હર્ષ : “બોલ હવે, આ શું હતું?”

યાસ્વી રડવા જેવી થઇ ગઈ. એને ભૂલ સમજાઈ ગઈ હતી. નીચું મોઢું કરીને હર્ષ સાથે આંખ મિલાવ્યા વગર એણે હર્ષને જવાબ આપતા કહ્યું.

યાસ્વી : “સોરી, ઉતાવળમાં લીંબુ જ નાખવાનું ભૂલી ગઈ.”

હર્ષ : “લીંબુ સરબત માં લીંબુ જ ભૂલી ગઈ? વરઘોડો છોકરા વગરનો જઈ શકે? ગુજરાતી થેપલા વગર ફરવા જઈ શકે?” “હર્ષ આવું લીંબુ સરબત પી શકે? ના, બિલકુલ નહિ.”

યાસ્વી : “એવું? તો, તો યાસ્વી પતિવ્રતા સ્ત્રી બનીને રહી શકે? ના, બિલકુલ નહિ.”

હર્ષ યાસ્વીની આ વાત થી એની સામે જ જોઈ રહ્યો.

યાસ્વી(ગુસ્સામાં) : “જુઓ હર્ષ, મેં પહેલાં જ કીધું હતુ કે મને જમવાનું બનાવતા અને આ પતિવ્રતા બનવાનું નહિ ફાવે. હવે તમને જો ઘરમાં તમારા સ્વાગત માટે સમયે બહાર પાણી નો ગ્લાસ લઈને ઉભી રહું એવું વિચારતા હોવ તો ભૂલી જજો.”

હર્ષ (પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એમ) : પણ યાસ્વી, મેં એવું ક્યાં કઈ કીધું?”

યાસ્વી : “તમે ભલે ના કીધું. મારે જે કહેવું હતું એ કહી દીધું. લગ્ન પછી મારી પાસે આવા બધા કામોની અપેક્ષા રાખતા હોવ તો અત્યારથી જ કહી દો હજી મોડું નથી થયું.”

હર્ષ : “યાસ્વી, તું શું બોલે છે. એન્ગેજમેન્ટ કેન્સલ કરવાની વાત કરે છે?”

યાસ્વી : “હર્ષ, જો આ જ વાત હોય તો કેન્સલ કરવા પડે તો પણ કહી નહિ.”

આટલું બોલીને યાસ્વી ગ્લાસ ત્યાં જ મૂકી એના ઘરે જવા રવાના થઇ ગઈ. હર્ષ ત્યાં જ બેસી રહીને પોતે શું કર્યું એનો વિચાર જ કરતો રહી ગયો. ખાલી લીંબુ સરબત ની વાતમાં એન્ગેજમેન્ટ બ્રેક કરવા સુધી યાસ્વી આવી ગઈ. કઈ રીતે? આ સવાલનો જવાબ હર્ષને ના મળ્યો એટલે તરત એણે અક્ષત ને ફોન કર્યો અને પોતે તરત એના ઘરે આવે છે એવું જણાવ્યું.

(હર્ષ અક્ષતના ઘરે)

અક્ષત (હર્ષને) : બોલો જનાબ, આજે કેમ લોચા જેવું મોઢું લાગે છે?”

હર્ષ : “યાર, યાસ્વી એન્ગેજમેન્ટ બ્રેક કરવાની વાત કરે છે?”

અક્ષત : કેમ? તે શું કર્યું?”

હર્ષે જે થયું એ ડીટેઈલમાં અક્ષતને કીધું. અક્ષત સાંભળીને જ હસી પડ્યો. એને હસતા જોઇને હર્ષનું દિમાગ ફરી ગયું.

હર્ષ : “હસે છે શું તું એમાં?”

અક્ષત : “હસું જ ને, ભૂલ તારી જ છે પછી.”

હર્ષ : “મેં શું કર્યું?”
અક્ષત : “તે જે કર્યું એ બધું બરાબર પણ બસ વચ્ચે તારે સોરી બોલવાનું હતું જે તું ભૂલી ગયો.”

હર્ષ : “મતલબ?”

અક્ષત : “વેલકમ ટુ રીયલ વર્લ્ડ. ભાઈ ભૂલી જા હવે બધું, બસ એક જ શબ્દ યાદ રાખ ‘સોરી’. આ શબ્દ જ છે ને તને આખી જીન્દગી કામ લાગશે.”

હર્ષ : “યાર, ભાસણ ના આપ.”

અક્ષત : “જો હજી નથી શીખ્યો. સોરી બોલ પહેલા.”

હર્ષ : “ના, નહિ બોલું.”

અક્ષત : “બસ તો સમજી લે, કે યાસ્વી તારી કદી નહી થાય. યાસ્વી તો શું કોઈ છોકરી તારી સાથે નહી રહે? તું સિંગલ જ મરીશ.”

હર્ષ (પોતાના ગુસ્સાને કંટ્રોલમાં લાવતા) : “જો અક્ષત, વધારે ગુસ્સો ના કરાવ. જે કહેવું હોય એ સાફ સાફ કહે.”

અક્ષત : “તો સાંભળ દોસ્ત, યાસ્વી એ એની ભૂલ સ્વીકારી લીધી પછી તું કઈ ના બોલ્યો હોત ને તો ચલતે. અને છતા બોલ્યો પછી યાસ્વી એ જે જવાબ આપ્યો એ પછી તારે કઈ જ બોલવાની જરૂર નહોતી સિવાય કે ‘સોરી’.” “સોરી છે ને એક રામબાણ ઈલાજ છે, છોકરીના ગુસ્સા ને શાંત કરવનો.”

હર્ષ : “સોરી”

અક્ષત (માથા પર ટપલી મારતા) : “એલા, મને સોરી નથી બોલવાનું, યાસ્વીને જઈને બોલ.” “આ તો યાસ્વી હજી સારી કહેવાય, એની ભૂલ સ્વીકારી લીધી બાકી જો અનુ હોત ને તો લીંબુ નાખવાનું ભૂલી ગઈ એમાં પણ વાંક મારો જ નીકળતે.”

હર્ષ : “એટલે?”

અક્ષત : “ધારો કે, આ જ ઘટના મારી સાથે બની હોય ને તો પહેલા જ બોલે હું ક્લીન-બોલ્ડ થઇ જાવ. તે યાસ્વીના મોઢા ઉપર કોગળો કર્યો છતાં એ કઈ ના બોલી, અનુ હોય ને તો બીજી જ સેકન્ડે બાકીનો આખો ગ્લાસ મારા મોઢા ઉપર હોય. લીંબુ સરબત ની હોળી રમી લીધી હોય, પછી લીંબુ નાખવાનું કેમ ભૂલી ગઈ એના જવાબમાં તમે અચાનક આવી ગયા એટલે રહી ગયું, યાદ રાખજે ભૂલી ગઈ એવો શબ્દ એ લોકો નહિ વાપરે, હજી જો તારો દિવસ વધારે ખરાબ હોય તો લીંબુ સરબત માં લીંબુ કેમ નહિ નાખવું એના વિષે લેકચર આપશે અને છેલ્લે એ પોઈન્ટ ઉપર વાત અટકશે કે તમે મારા મોઢા ઉપર કોગળો કેમ કર્યો? અને 2-3 દિવસ સુધી ટીફીન લઈને જમવાનું એ નફામાં.”

હર્ષ : “હેં?”

અક્ષત : “હા હા હા, ખાલી સાંભળીને જ ગભરાઈ ગયો? અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ.!!!”

હર્ષ : “સોરી કહી દઈયે તો?”

અક્ષત : “ઉત્તમ, અતિઉત્તમ. વાત ત્યાં જ પૂરી. એકાદ વાર હની, ડાર્લિંગ, કહીને પટાવી લેવાની.”

હર્ષ અને અક્ષત ની વાત અનુ ક્યારની ય આવીને સાંભળતી હતી. અક્ષતનું છેલ્લું વાક્ય પૂરું થતા જ અનુ પાછળથી અક્ષતનો કોલર પકડીને બોલી :

અનુ : “એટલે આ હની, ડાર્લિંગ આ કારણથી હોય છે એમ ને?”

અક્ષત અનુ ના હાથમાંથી એનો કોલર છોડાવતા હર્ષને કીધું.

અક્ષત : “હર્ષ્યા, સાલા તું જયારે ય આવે ત્યારે મારી બેન્ડ વગાડીને જાય. જા હવે ભાગ, પેલી ને સોરી કહી દેજે અને મારા ડિવોર્સ પેપર પર સાઈન કરવા આવી જજે.”

હર્ષ અક્ષત અને અનુ ને એ જ સ્થિતિમાં મુકીને ભાગ્યો. હર્ષ ફરી આજે અક્ષત-અનુ વચ્ચે લડવાનું કારણ બન્યો હતો. પણ આજે એને સિંગલ હોવા પાછળના અમુક ફાયદાઓ સમજાઈ ગયા હતા.

જેમ કે, પોતાના સમયે ટોઇલેટમાં જવાની આગાહી. હર્ષ દિવસમાં જયારે ઈચ્છા થાય ત્યારે શાંતિ થી ટોઇલેટમાં કલાકો બેસી રહેતો પણ જ્યારથી યાસ્વી આવી છે ત્યારથી યાસ્વી 5 જ મિનિટમાં બારણું ખખડાવે અને ટોઇલેટમાંથી આવીને તરત નાહવા મોકલે. જેટલી વાર ટોઇલેટ જાવ એટલી વાર નહાવાનું એવો નિયમ એણે ઘરમાં બનાવી દીધો હતો.

હર્ષ પણ બાકીના બધા છોકરાઓ ની માફક કપડા ની બાબતમાં એકદમ ઢીલો. જીન્સના પેન્ટ પહેરીને સુઈ જવાનું, એકના એક કપડા પહેરી રાખવાના, ધોવાના નહિ, સ્પ્રે નાખીને ચલાવી લેતો હતો. પણ હવે?!!! યાસ્વીના રાજમાં દરરોજ સવાર-સાંજ અલગ કપડા પહેરવાના, નાઈટ ડ્રેસ પણ અલગ. એક જ વખત પહેરીને ધોવા નાખવાના. ધોવા નાખતી વખતે ખીસા ચેક કરવાના અને જો ના ચેક કર્યા અને વોશિંગ મશીન બગડ્યું તો જાતે રીપેર કરાવવા વાળો શોધી લાવવાનો. અને એ પણ ના કરવું હોય તો જાતે કરવાનું. એન્જીનીયર બનીને આટલું ના કરી શકે?!!!

જોબ પરથી ઘરે આવીને શુઝ – મોજા –શર્ટ- ગમે તેમ નહિ મૂકતા જગ્યા એ જ મુકવા. જે દિવસે ભૂલી જાય કે રહી જાય એ દિવસે ઘરના ધોયેલા બધા કપડા હર્ષે ગોઠવવાના.

આવા તો કઈ કેટલા નિયમ યાસ્વી એ બનાવી દીધા હતા. સિંગલ હતો ત્યારે જે ફ્રીડમ થી જીવ્યો હતો, હર્ષ આજે એ બધી જ વસ્તુઓ ને યાદ કરતો. સૌથી વધારે તો અક્ષતની કહેલી વાતો. અક્ષતે આ બધી જ વાત એક કરતા કઈ વધારે વખત કહી હતી પણ ત્યારે મિંગલ થવાનું જે ભૂત સવાર હતું એ એનું પરિણામ જાણે આજે એ સમજ્યો હતો.

એણે અક્ષત ને એક મેસેજ કર્યો : “સોરી દોસ્ત, હવે હું સ્વીકારું છું કે “single life is best life.””

THE END

મિત્રો, ૨૨-સિંગલ અહિયાં જ પૂરી કરું છું. ૨૭ વર્ષની સાધના-માનતા-શ્રદ્ધા-વિશ્વાસ -પૂજા- અર્ચના- પછી હર્ષ મિંગલ તો થયો ત્યારે એને સિંગલ હોવાના ફાયદા સમજાયા. ભાઈ એ સિંગલ હતો ત્યારે એ સ્ટેટસ ને એન્જોય ના કર્યું અને મિંગલ બન્યો ત્યારે જે હતું એને યાદ કરે છે. પણ આખરે પોતાને આ ‘સંસારનો સૌથી મોટો સન્યાસી’ સમજનાર સંપૂર્ણ સંસારી બની ગયો છે. સ્ટેટસ સિંગલ માંથી મિંગલ થઇ ચુક્યું છે.

મિત્રો, આપણા જીવનમાં પણ કંઇક આવું જ છે આપણે જયારે જે પરિસ્થિતિમાં હોઈએ ત્યારે ‘કાશ મારી પાસે આ હોત તો’, ‘કદાચ મેં આવું કર્યું હોત તો’, ના વિચારોમાં એ સમય ને માણતા નથી અને જયારે સમય જતો રહે ત્યારે પાછળ થી પસ્તાવો કરીએ છીએ. ‘જો અને તો’ માં જીવવા કરતા ‘હમણાં અને પછી’ માં જીવીએ એ વધુ સારું છે.

દોસ્તો, ’૨૨-સિંગલ’ ને અભૂતપૂર્વ પ્રેમ આપવા બદલ આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સ્ટોરી ઉપર હું થોડું વધારે કામ કરીને એને હજી વધારે સારી બનાવી આપ સમક્ષ એક નવી જ રીતે લાવવા માંગું છું એટલે વચ્ચે બ્રેક લીધો હતો. બહુ જ જલ્દી એક શોર્ટ સ્ટોરી અને ફરી એક હાસ્ય કથા લઈને આપ સમક્ષ રજુ થઈશ. ત્યાં સુધી વાંચતા રેહજો – હસતા રહેજો અને હસાવતા રહેજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED