૨૨ સિંગલ- 3 Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૨ સિંગલ- 3

૨૨ સિંગલ

ભાગ 3

(આ પેઢીમાં ૨૨ વર્ષ ના છોકરાઓનો વેલેન્ટાઇન ડે કેવો હોવો જોઈએ?? એકદમ રંગીન, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જઉં, એને ગીફ્ટ આપવી, બહાર જમવા જઉં, લોંગ ડ્રાઈવ પર જઉ. બરાબર??? પણ આ હર્ષ છે.... “સબસે હટકે, હર્ષ અપના”. તો વાંચો આ ભાગ માં કેવો જાય છે હર્ષનો વેલેન્ટાઇન ડે.....)

વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઇન ડે-૧૪મી ફેબ્રુઆરી. અને એમાં પાછો રવિવાર. આ બે નો સંગમ તો યુવાઓ માટે કદાચ મોક્ષ પ્રપ્તિનો અનુભવ કરાવે તેવી છે. હર્ષ સવારે ૯ વાગ્યે શાંતિ થી ઉઠ્યો. ફ્રેશ થઈને એની ફેવરીટ ડીશ બ્રેડ બટર અને ચા બનાવીને પીધી. એકબાજુ srk ના સોન્ગ્સ ચાલુ રાખી સમાચાર વાંચવાનુ શરુ કર્યું. મોબાઈલ થોડો ચાર્જ થયો એટલે તરત બધું મૂકી ઈન્ટરનેટ શરુ કર્યું.

whatsapp માં દરરોજ ની જેમ કૂકડાઓ ના ગુડ મોર્નિંગ ના મેસેજ, અમુક દીર્ઘ જ્ઞાની બાબાઓ ના આશીર્વચનો ને અવગણીને તરત “Bunkers Batch” ગ્રુપ શરુ કર્યું. આ ગ્રુપ એના ચાર બેસ્ટ ફ્રેન્ડ- હર્ષ, તીર્થ, કુશલ અને મનાલી. ગ્રુપમાં બહુ વાતો થઇ હતી અને ફોટા પણ ઘણા હતા એટલે કોણે કોની લીધી એ જોવા ગ્રુપ ઓપન કર્યું.

તીર્થ એની ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ડે અને રવિવારના “ડબલ બોનસ” નિમિતે એક દિવસ ની ટ્રીપ પર નિકળ્યો હતો એના એણે અમુક ફોટો મુક્યા હતા. એના જવાબમાં કુશલ એની ગર્લફ્રેન્ડ સાથે બપોરે જોવા જવા માટેની પિકચર ની ટીકીટ અને ત્યાર પછી રાત્રીના ડીનર માટે હોટેલમાં બુક કરાવેલા ટેબલ નો ફોટા અને મેસેજ હતો. મનાલી long distance રિલેશનશીપ માં હતી એટલે એના બોયફ્રેન્ડએ એને મોકલેલા ગીફ્ટ ના ફોટો મુક્યા હતા. એ બધુ જોઈ લીધા પછી બીજા ગ્રુપ ખોલ્યા એમાં પણ વેલેન્ટાઇન ડે ના જ મેસેજ અને ફોટા હતા. જયારે બધા એના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે જલસા કરતા હોય ત્યારે પોતે એકલો બ્રેડ-બટર સાથે ચા પીતો બેઠો હોય એ હર્ષને બહુ ખૂંચ્યું.

બસ, હર્ષ નું દિમાગ એક જ વિચારે ચડી ગયું કે મારી કેમ કોઈ ગર્લફ્રેન્ડ નથી, હું સિંગલ કેમ? એનું મગજ આ સવાલ નો જવાબ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યું.

પહેલો જવાબ તો એનો ચેહરો હતો. અરીસો લઈને આવીને હર્ષે પોતાનો ચેહરો જોયો, પણ એટલો ય કઈ ખરાબ ના લાગ્યો. કોઈક બીજું પણ કારણ હોવું જોઈએ, એવું વિચારતા બીજા કારણમાં પોતાની થોડી કહી શકાય એવી બોડી (૩૪ ની કમરની) લાગી. પણ આ જ બે કારણ ના હોય સકે. તો શું હોય? એવું તો કયું કારણ હોય કે પોતે સિંગલ છે, અને બાકી બધા મિંગલ. હર્ષે સ્કુલથી અત્યાર સુધીની બધી ક્રશ ના નામ યાદ કર્યા, શા માટે બધા ક્રશ, ક્રશ પૂરતા જ રહી ગયા અને સેટિંગ સુધી ના પહોચ્યા. હર્ષ પોતાને ચીકુના નામ થી બોલાવવાનું કહેતો તો એનો મતલબ પણ એમ થોડો કે એને અનુષ્કા મળી જાય.

ઘણા વિચારોને અંતે પણ કોઈ સંતોષકારક જવાબ ના મળતા હર્ષે ગૂગલ કર્યું: “Why I m single?” ગૂગલ પાસે ઘણા બધા જવાબો હતા. જવાબો વાંચતા તો હર્ષ ની આંખો ભરાઈ આવી. ના વિચારેલા અને ના સમજાય એવા અસંખ્ય શબ્દો નો ગુગલે ઉપયોગ કર્યો હતો. પોતાની સિંગલ લાઈફ ને મસ્તી થી જીવતા હર્ષ ને પોતે કેમ સિંગલ છે એનો જવાબ ‘ગૂગલ કાકા’ પાસે પણ ના મળતા એનો મૂડ જ મરી ગયો. તરત મોબાઈલ મુકીને શાવર લેવા ગયો. ફ્રેશ થયો અને પોતાના ગુરુ ‘હનુમાન’ દાદા ની હનુમાન ચાલીશા વાંચી ફરી મોબાઈલ હાથ માં લીધો. whatsapp માં હજી બધા પોતાના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ની વાતો કરતા હતા.

મોબાઈલ મુકીને કૈક નવું કરવાનું વિચાર્યું પણ મૂડ જ નહોતો એટલે કોઈ કામ માં મઝા ના આવી. એમ પણ ૧૨ વાગવા આવ્યા હતા અને પેટમાં બિલાડા દોડતા હતા એટલે તરત બાઈક ની ચાવી લઈને બહાર જવાનું વિચાર્યું જેથી થોડું ફ્રેશ પણ થઇ જવાય. ફ્રીઝ ખોઈને જોયું તો 2-3 દિવસ જૂની બ્રેડ નું પેકેટ હતું અને શાક બનાવવા માટે કોઈ શાકભાજી પણ નહોતા એટલે આજે બહાર જ જમવું પડે એમ હતું. પણ આખી બપોર શું કરવું એ વિચારતા હર્ષને એના મોબાઈલ માંથી બોલીવુડની હમણાં જ રિલીઝ થયેલી પિકચર ની બપોરના 2 વાગ્યાની ટીકીટ બુક કરી અને બહાર નિકળ્યો.

હર્ષ હવે થોડો ખુશ હતો એના ફેવરીટ એક્ટર શાહરૂખ ખાનનું પિકચર જો હતું. આમ તો એણે 3 દિવસ પેહલા જ થીએટર માં જોયું જ હતું પણ આજનો દિવસ ગમે એ રીતે પતાવવાનો હોઈ ફરી એ જ જોવા જવાનો હતો. પિકચર શરુ થવાના 5 મિનીટ પહેલા પોતાની સીટ પર જઈને બેસી ગયો અને આગળ પાછળ નજર કરતા બધે કપલ જ દેખાયા ત્યારે ફરી હર્ષ નું મોઢું બગડ્યું પણ ધ્યાન માત્ર પિકચર પર જ આપવાનું છે એમ બોલી પોતાને જ ટોક્યો. પિકચર શરુ થવાનું જ હતું અને હર્ષની એકદમ બાજુમાં એક મસ્ત છોકરી આવીને બેઠી. હર્ષ ખુશ થઇ ગયો. છોકરી હજી સીટ પર એડજેસ્ટ થતી હતી ત્યાં તો હર્ષ ના દિમાગમાં પોતે શાહરૂખ ખાન અને છોકરી હિરોઈન હોય એવા વિચારો શરુ થઇ ગયા.

હર્ષના વિચારોમાં વિલન બનીને પણ એ છોકરી જ આવી જયારે અને હર્ષ ને બોલાવ્યો અને કીધું: “પ્લીઝ, તમે એક સીટ છોડીને બેસો ને.” હર્ષે ટીકીટ બતાવતા કહ્યું કે આ મારી જ સીટ છે. પણ છોકરી એ કીધું : “હા હશે , પણ અહિયાં મારો બોયફ્રેન્ડ આવશે. અને તમે એકલા જ છો તો બાજુ ની સીટ પર એડજેસ્ટ થઇ જાવ.” હજી હર્ષ કઈ બોલે કે કંઇક કરે એ પહેલા બાજુમાં પણ એક કપલ આવી ગયું. વેલેન્ટાઇન ડે, રવિવાર અને શાહરૂખ ખાન ના સુપરહિટ પિકચર ને લીધે આખું થીએટર હાઉસફૂલ હતું.

હર્ષ કઈ બોલ્યા વિના એની સીટ પર બેસી રહ્યો. એક બાજુ મસ્ત છોકરી હતી અને બીજી બાજુ કપલ હતું. હર્ષ તો બસ પિકચર શરુ ક્યારે થાય એની જલ્દીમાં હતો. બાજુમાં હવે છોકરી તરત એના બોયફ્રેન્ડ સાથે ફોન પર લાગી ગઈ હતી. ફોન મુકીને એણે હર્ષ ને ફરી બોલાવ્યો: “પ્લીઝ, એક હેલ્પ કરી શકો?” હર્ષે કીધું: “હા બોલો.”

હર્ષનો હા જવાબ સાંભળી છોકરી એ એકદમ દયામણા ચેહરા એ એની કહાની શરુ કરી. છોકરી અને એનો બોયફ્રેન્ડ long distance રિલેશનશીપમાં છે. આજે વેલેન્ટાઇન ડે છે અને ઘણા પ્રયત્ન કરવા છતાં બને એકબીજાને ના મળી શક્યા. એટલે બંને પોતાના જ શહેરમાં(છોકરી બરોડા ની તો છોકરો મુંબઈ હતો), એક જ સમયે, એક જ પિકચર, એકસરખા જ નંબરની સીટ પર બેસીને જોવાનું નક્કી કર્યું હતું. એના બોયફ્રેન્ડ ને તો ૩૬, ૩૭ નંબર ની ટીકીટ મળી ગઈ પણ છોકરીને માત્ર ૩૬ નંબર ની જ ટીકીટ મળી અને ૩૭ નંબરની ટીકીટ હર્ષ ની હતી.

હર્ષ એની વાત સાંભળતો તો હતો પણ કહેવા શું માંગે છે એ સમજમાં નહોતું આવતું હવે પિકચરમાં નંબર પડવાના શરુ થઇ ગયા હતા. હર્ષ નું ધ્યાન હટી ફરી સ્ક્રીન પર ગયું. છોકરી એ તડ ને ફડ કરી નાખવાના ઈરાદે હર્ષ નો ચેહરો પોતાની સામે કર્યો અને કીધું : “તમે એકલા જ છો તો તમે આ પિકચર બીજા કોઈ પણ શો માં જોઈ લેજો, હું તમને આ ટીકીટ કરતા બમણા રૂપિયા આપીને ટીકીટ ખરીદી લઉં તો હું અને મારો બોયફ્રેન્ડ અમારા પ્લાનીંગ પ્રમાણે પિકચર ની મઝા માણી શકીએ.”

હર્ષ તો આ સાંભળીને અવાચક થઇ ગયો. અત્યાર સુધી દયામણા ચેહરે વાત કરતી હવે સીધી રીતે પોતાને ટીકીટના બમણા પૈસા આપીને શાહરૂખ નું પિકચર છોડીને જવાનું કહે છે. હર્ષ ના દિમાગ માં શું થયું એનું કોઈ રિએકશન આવે આ એ પેહલા પેલી એ ૨૦૦ રૂપિયા કાઢીને હર્ષના હાથ માં પકડાવ્યા અને પોતાને ટીકીટ આપવા જણાવ્યું. આ બાજુ પિકચર શરુ થઈ ગયું એટલે પેલી છોકરી એ હર્ષનો હાથ પકડી ને ઉભો કર્યો અને બહાર જવાનું બારણું બતાવ્યું. હર્ષ એને ટીકીટ આપીને બાઘા ની જેમ બહાર આવી ગયો.

હર્ષ હજી વિચારતો જ હતો કે જે થયું એ શું હતું. એ ઈજ્જથી બહાર આવી ગયો કે પેલી છોકરી એ એને ધક્કો મારીને એની ટીકીટ લઈને એને બહાર કાઢ્યો. બહાર આવીને શું કરવું એ મોટા મા મોટો સવાલ તો હજી ઉભો જ હતો. બાથરૂમ જઈ આવી હર્ષ હવે શું કરવું એના વિચારમાં ફરી ટીકીટ બારી પાસે આવ્યો ત્યાં હોલીવુડ ની એક પિકચરનો 2:૩૦ નો શો હતો અને પોતાને તો હવે માત્ર ટાઇમ જ પાસ કરવો છે એમ વિચારીને એની ટીકીટ લઈને થીએટર માં બેઠો.

ધાર્યા કરતા હોલીવુડનું પિકચર સારું હતું એટલે ખુશ થઈને સાંજે હર્ષ રુટીન પ્રમાણે ગાર્ડન માં ચાલવા ગયો. ત્યાં પણ આજે ખાલી કપલ જ જોવા મળ્યા. બધા એકબીજાના હાથ માં હાથ પરોવીને એમની જ દુનિયામાં મશગૂલ હતા. ગાર્ડનના મોટા ભાગના બાંકડાઓ અને લોન ઉપર એમણે એમનો અડ્ડો જમાવ્યો હતો. આ જોઇને ફરી મુડ ખરાબ કરવા કરતા એક રાઉન્ડ મારીને બહાર નીકળી ગયો. સાંજના ૬ થવા આવ્યા હતા અને હવે ભૂખ પણ બહુ જ લાગી હતી એટલે ગાર્ડનની બહાર જ એકદમ જાણીતા દાબેલી, પિઝ્ઝા, મસ્કાબન મળતા હતા ત્યાં ગયો અને એક મસ્કાબન નો ઓર્ડર આપ્યો. વેઈટર એ પૂછ્યું, ૧ કે 2? હર્ષે કીધું ના ૧ જ. તો વેઈટર કહે, સાહેબ છોકરી લઈને આવો, આજે વેલેન્ટાઇન ડે નિમિતે 2 પર ૧ ફ્રી ની સ્કીમ છે.

હર્ષ એમ પણ થોડો ગુસ્સામાં જ હતો અને એમાં આવું સાંભળીને ઔર ગુસ્સો આવ્યો પણ પોતાની જાતને કન્ટ્રોલ કરતા દબાતા ગુસ્સે પેલા ને એક જ મસ્કાબન આપવાનું કીધું. વેઈટર પણ જાણે એની ફૂલ લેવાના મૂડ માં હોય એમ જોરથી બોલ્યો “ક્યાં, સાહબ આપ ભી? એક લડકી નહિ પટા સકતે.!!” એની આવી રમુજ સાંભળીને આસપાસ ના બધા હર્ષ ની સામે જોઇને હસવા લાગ્યા. હવે હર્ષ ના દિમાગ નો પારો ચડ્યો. સીધો જઈને વેઈટર નો કોલર પકડ્યો. બીજા બધા એ વચ્ચે પડીને માંડ બંને ને છોડાવ્યા. હર્ષ ખાવાનું પડતું મુકીને તરત બાઈક પાસે ગયો ત્યાં વેઈટર પાછળ થી જોર જોરથી ઘાંટા પાડીને હર્ષને ઉશ્કેરતો હતો.

બાઈક ચાલુ કરીને મનને શાંત કરવા હર્ષ સીધો લોંગ ડ્રાઈવ પર નિકળ્યો. દર વખતે લોંગ ડ્રાઈવ પર જતી વખતે એના રુટીન પ્રમાણે ફેવરીટ રેડીઓ ચેનલ સાંભળતો. આજે પણ ઈયરફોન્સ નાખીને મોબાઈલમાં રેડીઓ ની ફ્રિકવન્સી સેટ કરીને નિકળ્યો પણ એમાં પણ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ સોંગ અને પ્રોગ્રામ આવતા હતા એટલે એ પણ બંધ કર્યા અને બસ એમ જ નીકળી પડ્યો.

રાત્રે લોંગ ડ્રાઈવ પરથી આવતા બહુ લેટ થઇ ગયું. આખો દિવસ એટલો ખરાબ ગયો હતો કે જમવાની પણ ઈચ્છા નહોતી થતી. ફ્રેશ થઈને ચા બનાવી અને થેપલા હતા એની સાથે ખાઈને આડો પડ્યો. તરત જ આખા દિવસ માં ઘટેલી બધી ઘટનાઓ ફરી યાદ આવી. બધી ઘટનાઓ થવા પાછળ નું કારણ શું હતું- વેલેન્ટાઇન ડે, રવિવાર કે એની ગર્લફ્રેન્ડ નથી અને એ સિંગલ છે એ???!!! બસ એનો વિચાર કરતા કરતા ક્યાં આંખ બંધ થઇ ગઈ એ હર્ષને ખબર જ ના પડી.

***