Jama udhar - 2 books and stories free download online pdf in Gujarati

જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)

જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)

ભાગ-૧ મા તમે જોયું કે કંપનીમાં કામ કરતો દેવજી કેવી રીતે નાટકબાજી કરીને પ્લાન્ટમાં મજૂરી કામમાંથી ઓફીસમાં પટ્ટાવાળા સુધી પહોંચ્યો, અને કેવી રીતે કંપનીનાં એમ.ડી.ધનંજય શેઠની દયાને પાત્ર અને વિશ્વાસુ માણસ બની ગયો. હવે આગળ...

"દેવજી, આજે ડાઇનિંગ ટેબલ બરાબર સાફ કરજે. ધનંજય શેઠ કહેતાં હતાં કે આજે તે બપોરે આપણી બધાની સાથે કેન્ટીનનું ભોજન લેશે. જોજે રસોઈયા મહારાજને કહી દેજે કે આજે જમવાનું સાદું બનાવે, તને ખબર જ છેને કે શેઠને બહું ઘી તેલ કે મસાલેદાર નથી ભાવતું" સુચના આપીને ધનંજય શેઠનો ચમચો જીતેન ચાલતો થયો.

"મહારાજ...ઓ મહારાજ...આજે સાદું જમવાનું બનાવજો. ન ઘી તેલવાળું કે ન મસાલેદાર, આજે ધનંજય શેઠ જમવા આવવાના છે" કહીને હું રોજની જેમ તૈયારી કરવા લાગ્યો.

"તો આ મસાલેદાર વઘાર મુક્યો છે એનું શું કરવું?" વઘાર તરફ હાથથી ઈશારો કરીને મહારાજે પુછ્યું.

"એ આપણાં માટે...આપણાં માટે રોજ બને છે એવું જ બનાવવું. આ તો શેઠ માટે સાદું. એ તો શેઠ છે, એ તો જમવાને બદલે દવાની ગોળી ખાઈને પણ દિવસ વિતાવે...પણ આપણે તો ભુખ લાગે એટલે ભરપેટ રોટલા શાક ખાઈ લેવાનાં" મહારાજને હાથતાળી આપીને હું ડાઇનિંગ ટેબલની સફાઇ કરવા લાગ્યો.

"આ લ્યો શેઠ, તમારા માટે ખાસ દુધી બટાકાનું શાક બનાવ્યું છે, અને આ કચુંબર તો લેવું જ પડશે, આ ઘી વિનાની રોટલી પણ ખાસ તમારા માટે મહારાજે બનાવી છે" કહીને મેં ધનંજય શેઠની થાળીમાં પીરસવા માંડ્યું.

"દેવજી, શું છે આ? આ જો, શાકમાં મીઠું ઓછું છે. જાઓ મીઠું લઈને શેઠના શાકમાં ઉમેરો" કહીને ધનંજય શેઠની બાજુમાં જમવા બેસેલ જીતેન જાણે શેઠનો ખાસ હોય એવો વટ પાડવા બોલ્યો.

"ઓહોહો...આ લ્યો શેઠ..." કહીને મહારાજે શેઠની શાકની વાટકીમાં મીઠું ઉમેર્યું. હું ધનંજય શેઠ તરફ એકીટશે જોઈ રહ્યો અને મેં કળી લીધું કે " શાકમાં મીઠાની માત્રા બરાબર હતી પણ આજે જીતેનનું માન રાખવા ખાતર શેઠ વધારે પડતું ખારું શાક પણ ખાઈ ગયા. મને તો ખબર જ ન પડી કે કોણે કોનું માન રાખવાનું હોય?"

---***---

"મહારાજ, કેટલી વાર છે? જુઓ કર્મચારીઓ જમવા માટે બેસી ગયા છે" કહીને હું દરરોજની જેમ ડાઇનિંગ ટેબલ પર થાળી વાટકા ગોઠવવા લાગ્યો.

"હા દેવજીભાઈ, જમવાનું બસ તૈયાર જ છે" મહારાજે ગમછો ખમ્ભા પર રાખી ગેસ બંધ કરી બીડીનો છેલ્લો કસ ભરતા કહ્યું.

"મહારાજ, આજે ખેલ જોવો છે? આ સિંહ સાહેબ છે ને એ તો સાવ શરમ વગરનો છે. અહીંયા ઓફીસની કેન્ટીનમાં થાળી નહીં બંધાવે કેમ કે થાળી એને મોંઘી લાગે છે, એટલે ઘરેથી ટિફિન લઈ આવશે, એમાં કાંઈ વાંધો નહીં. પણ છાશ...છાશ અહીંયા કેન્ટીનમાં મફતની જ માંગશે. એ શું કરશે ખબર છે? હું જ્યારે કર્મચારીઓને જમવાનું પીરસતો હોઈશ ત્યારે મને ઈશારામાં થોડીક છાશની માંગણી કરશે. જો જો મહારાજ, આજે હું એને સબક શીખવી દઈશ" કહીને હું મનોમન નવી યોજના વિશે વિચારવા લાગ્યો.

"પણ ધ્યાન રાખજો દેવજીભાઈ, સિંહ સાહેબ ક્યાંક તમારો ખેલ ઉલટો ન પાડી નાંખે" ચપટી તમાકુમાં સહેજ અમથો ચૂનો મિશ્ર કરી પોતાના હોઠની વચ્ચે ગોઠવતા મહારાજ બોલ્યાં.

"તમે જોતા રહો મહારાજ" કહીને હું રોટલીઓ લઈને પીરસવા ગયો.

"અરે દેવજી" હંમેશની જેમ જમતા જમતા સિંહ સાહેબે મને આંગળીના ઈશારે છાશ લઇ આપવાનો હુકમ કર્યો.

"બોલો સિંહ સાહેબ, છાશ...છાશ જોઈએ છે ને?  હમણાં જ લઇ આવું. તમે જમવાનું ચાલું રાખો" મારા મોઢે આટલું કહેતાંની સાથે જ ત્યાં બેઠેલ દરેક કર્મચારીને સ્પષ્ટ થઈ ગયું કે સિંહ સાહેબ ઘરેથી ટિફિન લઇ આવે છે અને કેન્ટીનમાં મફતની છાશ પીએ છે.

"લ્યો સાહેબ તમારી છાશ" એમ મોટા અવાજે કહીને હું સિંહ સાહેબની સામે જોવા લાગ્યો.

"દેવજી, થોડી જ આપને. હું છાશ નથી પીતો નહિતર ટિફિનમાં જ લઇ આવું ને. આ તો અત્યારે ગરમી થોડીક વધારે છે એટલે" ભોંઠપ અનુભવી રહેલા સિંહ સાહેબ બધાંય કર્મચારીઓની સમક્ષ સ્પષ્ટ કરતા બોલ્યાં.

"જોયું ને મહારાજ. આમ કરવું પડે, હવે સિંહ સાહેબ ક્યારેય મફતની છાશ નહીં માંગે. આ બધાં મોટા સાહેબો ખાલી કહેવાના જ મોટા હોય છે, બાકી આ તો આપણાં કરતા પણ નાની બુદ્ધિ ધરાવતાં હોય" એમ કહીને હું અને મહારાજ રસોડામાં એકબીજાને તાલી પાડી ખડખડાટ હસવા લાગ્યા.

---***---

"દેવજી...ઓ દેવજી" કહીને આઈ.ટી.વિભાગમાં કામ કરતો સમીર પાછો પોતાની ઓફિસમાં આવીને બેઠો.

"બોલો સમીરભાઈ, શું કામ હતું?" મેં પુછ્યું.

"દેવજી, જોને યાર, છેલ્લાં એક કલાકથી પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે. પહેલા તો તું પાણીની બોટલ ખાલી થવામાં હોય કે તરત જ નવી બોટલ મુકી જતો, અને હવે! આવું કેમ?" સમીરે અનાયાસે પુછ્યું.

"હમણાં માણસ નથી ને એટલે. માણસ આવે એટલે પાણીની બોટલ મોકલું" કહીને હું ચાલવા લાગ્યો.

"અરે દેવજી, ઊભો રે ભાઈ. તારું પ્રમોશન થયું છે કે શું? તું કહે છે કે હમણાં માણસ આવે એટલે પાણીની બોટલ મોકલું, પણ એ તો તારું કામ છે ને? કે તારી નીચે પણ કોઈ માણસ રાખેલ છે?" અચરજભાવે સમીરે પુછ્યું.

"સમીરભાઈ, શેઠે મને ઘણાં કામ સોંપેલા છે. હાલ મારી પાસે સમય નથી, હમણાં માણસ આવે એટલે પાણીની બોટલ મોકલું" કહીને હું ફરી ચાલતો થયો અને મારો જવાબ સાંભળતા સમીર પોતાની ખુરશીમાં બેસી ગયો.

---***---

"અરે દેવજી! શેઠ તારા વિશે કેટલું વિચારે છે જો! તને સાંભળવામાં તકલીફ છે એટલે ધનંજય શેઠ તારા માટે કાનનું મશીન ખરીદવાનું વિચારે છે બોલ" ગુગલી ફેંકીને એકાઉન્ટ વિભાગનાં સુરેશભાઈ પોતાની ઓફીસ તરફ ચાલતા થયા.

"અરે આ તો મજામાંથી સજા થઈ ગઈ. મેં તો વિચાર્યું હતું કે સાંભળવાની તકલીફ છે એવું બહાનું બતાવીને કામમાં ભૂલો કરીશ તો આપમેળે મને ઓછું કામ સોંપવામાં આવશે. પણ આ લોકો તો મારા માટે કાનનું મશીન લેવાનું કહે છે. હે ભગવાન...ભગવાન હવે શું કરું? આ લોકોને કેમ સમજાવું કે...? અને મારે કાનમાં મશીન પહેરવું પડશે તો હું કેવો લાગીશ?" કાનના મશીન લેવાના વિચારમાત્રથી જ મને ચિંતા થવા લાગી. એટલામાં તો મારા મનમાં કાંઈ વિચારબીજ ફુટ્યું.

"રોઝી મેડમ, મને ઈન્ટરકોમની થોડીક સમજણ આપોને. મને એવી ઇચ્છા છે કે તમારા બપોરે જમવાના સમયમાં હું રિસેપ્શન પર ફોન કોલ સંભાળુ, આ કામ કંપનીનાં હિતમાં જ છે ને?" જેવી મીઠી મીઠી વાતોથી મેં પોતાની યોજનાનું પ્રથમ સોપાન સર કર્યું.

"જુઓ દેવજીભાઈ...આ ઈન્ટરકોમમાં..." કહીને મીસ.રોઝી મને ઈન્ટરકોમ વિશે સમજાવવા લાગી.

"અરે દેવજી! તું અહીંયા?" એ જ દિવસે મીસ. રોઝીની ગેરહાજરીમાં મને રિસેપ્શન પર બેઠેલ જોઈને ધનંજય શેઠે નવાઈ પામતા પુછ્યું.

"હા સાહેબ, રોઝી મેડમ જમવા ગયા છે, તો હું રિસેપ્શનમાં બેસીને ફોનની આપ-લે કરવાનું કામ કરીને કંપનીને મદદ થઈ શકે એવું કરવા માંગુ છું" કહીને મેં મારું નાટક ચાલુ કર્યું.

"જુઓ, જુઓ આ છે આપણી કંપનીની સાચી મૂડી. દેવજી જેવા લોકો છે ત્યાં સુધી આપણી કંપની નવી નવી ઊંચાઈઓ સર કરશે. પણ દેવજી, તને સાંભળવામા તકલીફ હતી ને?એનું શું થયું?" ધનંજય શેઠ પુછવા લાગ્યા.

"સાહેબ, અત્યારે આયુર્વેદિક દવાઓ ચાલુ છે અને ઘણાં અંશે મને ફાયદો જણાઈ રહ્યો છે" ગણી શકાય એટલાં પોતાના પીળા દાંત દેખાડીને મેં તો ધનંજય શેઠને જાણે સ્તબ્ધ કરી નાખ્યા.

"સારું દેવજી...તું એક કામ કરજે, તારી જે દવાઓ ચાલુ છે એનું બીલ એકાઉન્ટ વિભાગમાં જમા કરાવજે, કંપની એ ખર્ચ ભોગવશે" કહીને ધનંજય શેઠ ચાલતા થયા.

"વાહ દેવજી, દાદ દેવી પડે તારી હોશિયારીને..."વિચારીને મેં પોતાની જ પીઠ થાબડી.
---***---

"મે આઈ કમ ઈન સર?" એકાઉન્ટ વિભાગનાં સુરેશભાઈએ મને સાથે રાખીને ધનંજય શેઠની ઓફીસ પાસે આવીને પુછ્યું.

"કમ ઈન સુરેશ" લેપટોપમાં કાંઈક જોઈ રહેલા ધનંજય શેઠે કહ્યુ.

"સર, આ દેવજીભાઈની ત્રણ લાખ રૂપિયાની લોનની અરજી છે અને તેમાં તમારી સહી પણ છે! સર, નિયમ અનુસાર અને દેવજીનાં પગાર પ્રમાણે તેને પચાસ હજાર રૂપિયાની જ લોન મળવાપાત્ર છે" આટલું કહીને સુરેશભાઈ ચુપ થઈ ગયા.

"સુરેશ, આ મારી કંપની છે. મારી ઇચ્છા છે કે દેવજીને નિયમમાં છુટછાટ મળે, તેને ત્રણ લાખની લોન આપવામાં આવે એટલે જ મેં અહીંયા સહી કરી છે. બરાબર?" ધનંજય શેઠ ફરી પોતાના લેપટોપમાં જોવા લાગ્યા.

આ સાંભળતા જ મને જાણે સતયુગનો અહેસાસ થયો. જાણે હું રામ રાજ્યમાં રહેતો હોય એવું લાગ્યું.
---***---

"દેવજી, અહીંયા આવ. તું ગમે તેમ કરીને મારું એક કામ કરી દે ભાઈ. જો આપણે બન્ને એક જ ગામનાં અને એક જ જ્ઞાતિના છીએ એટલે મને લાગે છે કે તું ચોક્ક્સ મારી મદદ કરશે" કંપનીનાં ગેટ પાસે ખૂણામાં રામજીભાઈ કોન્ટ્રાક્ટરે મને એકલામાં કહ્યુ.

"શું કામ કરવાનું છે?"

"ધનંજય શેઠ હવે કંપનીમાં નવો કોન્ટ્રાક્ટર ગોઠવવા માંગે છે. જો નવો કોન્ટ્રાક્ટર આવી જાય તો મારી આવકનું શું? મારી આવક બંધ થઈ જાય ને! તું જ છે જેનાં ઊપર મને ભરોસો અને આશા છે, અને તું ઓફીસમાં બધાથી પરિચીત છે. મારું કામ કરીશ? બોલ" કહીને રામજીભાઈ ગળગળા થઈ ગયા.

"પણ તમારું કામ તો બોલો. મારાથી થઈ શકે તેમ હશે તો ચોક્ક્સ કરીશ" બોલીને મેં કામ જાણવાનો પ્રયત્ન કર્યો.

"ધ્યાનથી સાંભળ દેવજી...કંપનીમાં માણસો પુરા પાડવા માટે કંપનીએ ટેન્ડર બહાર પાડ્યું છે. આજે સોમવાર છે અને ટેન્ડર ભરવાનો છેલ્લો દિવસ ગુરુવાર છે. તું ગમે તેમ કરીને એચ.આર. વિભાગનાં અલ્પેશભાઈની ટેબલમાંથી ટેન્ડરની ફાઇલ મને લાવી આપે તો હું બીજા કોન્ટ્રાક્ટરોએ ભરેલા ભાવ અને વિગતોની ઝેરોક્ષ કરાવી નાખું અને ફાઇલ તને આપુ એટલે તું ફાઈલને પાછી અલ્પેશભાઈના ટેબલમાં ગોઠવી દે. બોલ કરીશ મારું કામ?" રામજીભાઈ મારા ઉતરની રાહ જોવા લાગ્યા.

"હું તમને ફાઈલમાંથી ફોટા પાડીને વોટ્સએપ કરું તો ન ચાલે?" મેં પુછ્યું.

"ના, મને ફોટોગ્રાફ નથી જોઈતા. મને તો આખી ફાઇલ આપ અને હું ઝેરોક્ષ કરાવીને દસ જ મીનીટમાં તને પાછી આપું. એનાં બદલામાં તું કહે એટલાં રૂપિયા આપું બોલ..." કહીને રામજીભાઈએ મારી નૈતિકતાની બોલી લગાડી.

"હું આ જોખમ ખેડીને ફાઇલ તમારી પાસે લઇ આવું અને ઝેરોક્ષ કરાવી તમે મને ફાઇલ પાછી આપી દો... મને આ કામના વીસ હજાર રૂપિયા જોઈએ" એક જ ઝાટકે મેં રકમ બોલી નાખી.

"હમ્મ...વીસ નહીં. પંદર...પંદર હજાર આપું. બોલ છે મંજુર? પણ કામ આજે જ થવું જોઈએ" કહીને રામજીભાઈ મારા જવાબની રાહ જોવા લાગ્યા.

"ભલે રામજીભાઈ, આજે રાત્રે તમારુ કામ થઈ જશે. તમે રાત્રે આઠ વાગ્યે આપણાં ગામમાં આવેલ મારુતિ ઝેરોક્ષમાં ઊભા રહેજો, હું ફાઇલ લઈને ત્યાં જ આવીશ, તમે તરત જ ઝેરોક્ષ કરાવીને ફાઇલ મને પાછી આપજો એટલે હું એ ફાઇલ તરત જ અલ્પેશભાઈની ટેબલમાં મુકી દઈશ. પણ મારા પંદર હજાર...ભુલાય નહીં હોં, અને હવે એમાંથી એક રૂપિયો પણ ઓછો નથી કરવાનો" કહીને હું અને રામજીભાઈ ચાલતા થયા.

"હું આ કરું છું એ બરાબર છે? ધનંજય શેઠને મારા પર કેટલો ભરોસો છે? હું એ ભરોસો તોડી રહ્યો છું. ના, આખરે હું પણ માણસ છું અને મારી પણ કાંઇક જરૂરિયાત હોય ને, અને આટલા એવ કામના પંદર હજાર રૂપિયા જતા થોડા કરાય? કદાચ હું આ કામ નહીં કરું તો રામજીભાઈ બીજો કોઈ માણસ શોધી લેશે અને બીજો કોઈ પંદર હજાર કમાઈ જશે." વિચારીને એ દિવસે બધાં કર્મચારીઓનાં નીકળી ગયા પછી પોણા આઠ વાગ્યે અંધારામાં અલ્પેશભાઈની ટેબલમાંથી ટેન્ડરની ફાઇલ શોધીને હું મારી થેલીમાં એ ફાઇલ લઈને ઓફીસમાંથી નીકળ્યો. મારા ઊપર કોઈને શંકા તો હતી જ નહીં કારણ કે હું ધનંજય શેઠનો ખાસ માણસ હતો. આરામથી હું કંપની બહાર નીકળી મારુતિ ઝેરોક્ષ પહોંચ્યો અને ત્યાં રામજીભાઈને ફાઇલ આપી. રામજીભાઈએ દસ જ મીનીટમાં ફાઇલની ઝેરોક્ષ કરાવીને પાછી મને આપી અને હું એ ફાઈલને ઓફીસમાં મુકવા માટે નીકળ્યો.

"અરે દેવજીભાઈ તમે પાછા આવ્યા!" કહીને સિક્યુરિટી ગેટ પર ઊભેલો ગાર્ડ ભગત સિંહ બોલ્યો.

"શું કરું ભગત સિંહ? હું મારો મોબાઇલ ઓફીસમાં જ ભૂલી ગયો હતો એટલે પાછું આવવું પડયું" કહીને હું ઝડપભેર ભગત સિંહ પાસેથી છટકી ગયો. "સારું થયું કે ભગત સિંહે મારી થેલી વિશે કાંઈ પુછ્યું નહીં" વિચારીને હું મોટા ડગ ભરવા માંડ્યો.

"ચાલો ભગત સિંહ, મોબાઇલ તો મળી ગયો, હવે હું નીકળું" ઓફીસમાં અલ્પેશભાઈની ટેબલમાં ફાઇલ મુકીને હું ગેટ પાસેથી નીકળતી વખતે બોલ્યો.
---***---

"દેવજીભાઈ, ધનંજય શેઠ તમને બોલાવે છે" કહીને મીસ. રોઝી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

"અંદર આવું સાહેબ?" આટલું પુછતાની સાથે જ આજે મને કાંઈક અલગ જ પ્રકારનો ભય લાગી રહ્યો હતો, કાંઈક અણધાર્યું બનવા જઈ રહ્યુ છે એવો ભાસ થઈ રહ્યો હતો. આજે ગુરુવારે ટેન્ડર ખુલ્યા હશે અને ક્યાંક મારું અને રામજીભાઈનું કાવતરું પકડાઈ જશે તો? પણ હું મક્કમ મનથી આગળ વધ્યો.

"દેવજી...આ જો. સોમવારે તારા અને રામજીભાઈ કોન્ટ્રાક્ટરની વચ્ચેની વાતચીતનાં સીસીટીવી ફૂટેજ છે. તમે પુરી વીસ મીનીટ સુધી ગેટ પર વાત કરી રહ્યા હતા. એટલું જ નહીં, એ દિવસે તું પોણા આઠ વાગ્યે ઓફીસથી નીકળ્યો અને સવા આઠ વાગ્યે પાછો ઓફીસમાં આવ્યો હતો. હું તારી પાસે કોઈ જ ખુલાસો નથી માંગી રહ્યો. આ કાગળ લે, આજથી તું નોકરીમાંથી છુટ્ટો" ધનંજય શેઠે મને કાગળ આપી લેપટોપમાં પોતાના કામમાં લાગી ગયા.

"સાહેબ, મને માફ કરી દયો. મારાથી બહું મોટી ભુલ થઈ ગયો છે. હવેથી ક્યારેય હું આવી ભુલ નહીં કરું" ખબર નહીં કેમ હું ત્યારે મારા સ્વબચાવમાં કંઈજ બોલી ન શક્યો અને હું ધનંજય શેઠના પગમાં પડી ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો.

"દેવજી, મેં તારા ઊપર ખુબ જ ભરોસો કર્યો હતો. પણ આવી ગંભીર ભૂલની સજા આ જ હોય શકે. હું ધારું તો તારા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ પણ કરી શકુ તેમ છું છતાંય હું તેમ કરવા માંગતો નથી. હવેથી હું ક્યારેય કોઈ ઊપર વિશ્વાસ નહીં મુકું" કહીને ધનંજય શેઠ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા.

"સર, અને આ દેવજીની લોનના કાગળ. હવે લોનની રીકવરીનું શું કરવાનું છે?" એચ.આર.વિભાગનાં અલ્પેશભાઈએ લોનના કાગળ ધનંજય શેઠને આપ્યા.

"અલ્પેશ...આ કાગળ હવે ભુલી જા. આપણે દર વર્ષે ગરીબો માટે લાખો રૂપિયાનું દાન પુણ્ય કરતા જ હોઇએ છીએ ને? તો આ પણ એક જાતનું દાન પુણ્ય જ હતુ" કહીને ધનંજય શેઠે લોનના કાગળ ફાડી નાખ્યા.

"ગરીબ...દેવજી ગરીબ હતો! મેં સાંભળ્યું છે કે ગરીબની *** બે દાંત હોય છે" મને લાગ્યું કે અલ્પેશભાઈ મારી સામે જોઈને આવું જ વિચારી રહ્યા હશે. અને હું નીચું માથું કરીને ત્યાંથી નીકળી ગયો.
---***---

ત્રણ વર્ષ પછી...

એક જ મહિનામાં સતત ચોથી વખત બેંકના ધક્કા ખાઈ રહેલ ધનંજય શેઠને જોઈને મેં વિચાર્યું કે "ધનંજય શેઠને કદાચ ત્રણ લાખની પણ લોન નહીં મળી હોય, અને આજે એ કદાચ ભિખારી જેવો અનુભવ કરી રહ્યા હશે".

બેંકની બહાર નીકળતા જ મારી અને ધનંજય શેઠની નજર મળી... રસ્તાની એક બાજુ ધનંજય શેઠ અને બીજી બાજુ હું મેલોઘેલો અને નાનકળી એવી ગોદળીમાં વાટકો રાખીને બેઠો હતો.

-સમાપ્ત

આપ આપના પ્રતિભાવો મને ઈમેઈલ કે વોટ્સએપ પર મોકલી શકો છો.
ઈમેઈલ:ozasagar@gmail.com
વોટ્સએપ: 94295 62982

બીજા રસપ્રદ વિકલ્પો