જમા ઉધાર Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જમા ઉધાર

જમા ઉધાર ભાગ-૧

"દેવજી...ઓ દેવજી, સંભાળીને કામ કર ભાઈ. તને ખબર છે કે આજે પ્લાન્ટની મુલાકાતે આપણાં એમ.ડી.ધનંજય શેઠ આવવાના છે. સેફ્ટી શૂઝ...તો પહેરેલાં છે, આ લે હેલ્મેટ પહેરી લે અને ધ્યાનથી કામ કરજે. ધનંજય શેઠ બહું અનુભવી અને બાહોશ છે" મારા કોન્ટ્રાક્ટર રામજીભાઈ મને કહ્યુ.

"ભલે રામજીભાઈ" મેં આંખ મીંચી અને જાણે મને કાંઈ સુઝયું હોય, જાણે મારા મગજમાં એક ચમકારો થયો હોય એમ હું મરક મરક હસવા લાગ્યો. "હવે મારું સપનું સાકાર થશે. હું ક્યારેય પ્લાન્ટમાં મજૂરીકામ કરવા ન્હોતો માંગતો, ક્યારેય નહીં. આવું જોખમ કોણ લે? કાંઇક થઈ જાય તો? કંપનીને તો કાંઈ જ ફરક નથી પડતો, પણ મારું શું? આમ પણ અહીંયા ગધેડાઓની જેમ મજૂરી કરવા કરતા મને ઓફીસમાં પટ્ટાવાળમાં જો કામ મળી જાય તો... તો મજા પડી જાય. બહું બધાં સાહેબ લોકોને વિનંતી કરી પણ ત્યાં ઓફીસમાં... ઓફીસમાં લક્ષ્મણ બધાનો લાડકો બનીને બેઠો છે એટલે મારો નંબર નથી લાગતો. પણ આજે ધનંજય શેઠ પ્લાન્ટમાં મુલાકાતે આવે ત્યારે મારે કાંઇક એવું કરવું પડશે કે શેઠને મારા પર દયા આવે, અને પછી દયામાં ને દયામાં હું મારું કામ કઢાવી લઉં" મનોમન વિચારીને હું ઝડપથી પીવીસી પાઈપની બેગ ઉપાડીને યાર્ડમાં મુકવા લાગ્યો.

"જુઓ સર, અહીંયા હજુ એક પ્રોડક્શન મશીનરી આવી જાય એટલી જગ્યા ખાલી છે" પ્લાન્ટ હેડ મી.શર્માએ ખાલી જગ્યા ધનંજય શેઠને બતાવીને, હું કામ કરી રહ્યો હતો તે જગ્યાએથી પસાર થયા.

"ધડામ" પાઈપની બેગ ઉપાડીને જાણી જોઈને હું પ્લાન્ટના શટર પાસે ભટકાયો અને પડી જઇને મેં મારો ઢોંગ ચાલું કર્યો.

"મી.શર્મા, એ બધુ પછી. પહેલા આને પ્રાથમિક સારવાર અપાવો" કહીને ધનંજય શેઠ પ્લાન્ટમાંથી નીકળી ગયા અને મી.શર્મા અને રામજીભાઈ મને પ્રાથમિક સારવાર માટે લઇ ગયા.

"શું નામ છે તારું?" મી.શર્માએ પુછ્યું.

"જી સાહેબ...દેવજી...દેવજી નામ છે મારું"

"દેવજી, તને હવે કેવું લાગે છે? તને લાગ્યું ત્યારથી અત્યારે સારવાર મળી ત્યાં સુધી બે વખત ધનંજય શેઠ મને ફોન કરી ચુક્યા છે અને તારી તબિયત વિશે પુછ્યું છે" મી.શર્માએ કહ્યું.

"સાહેબ, હવે મને ઘણું સારું લાગે છે. શું હું ફરીથી કામ કરવા જઈ શકું?" મેં મારા નાટકનો એક દાવ ફેંક્યો.

"અરે ગાંડો થઈ ગયો છે કે શું? તું અત્યારે કામ કરવાનું ચાલુ કરીશ અને ધનંજય શેઠને ખબર પડશે તો મારી સાથે તારા કોન્ટ્રાક્ટર રામજીની ધૂળ કાઢી નાખશે. તું અત્યારે આરામ કર, ધનંજય શેઠ બપોરે બે વાગ્યે પોતાની ઓફીસમાં તને મળવા માંગે છે. પછી આગળ જોઈએ" મી.શર્મા ત્યાંથી પોતાની ઓફીસ તરફ જવા નીકળ્યા.

આ તરફ કંપનીનાં ગેસ્ટ હાઉસમાં પ્રાથમિક સારવાર મળી ગયા બાદ હું એસી રૂમમાં આરામ કરતો વિચારવા લાગ્યો"આ શેઠ લોકો કહેવાય છે કે બહું અનુભવી હોય, પણ આ લોકો મારા જેવા ગામડીયાનું નાટક પણ ન પકડી શક્યા! હવે કોણ વધારે હોશિયાર કહેવાય? આમ પણ આ શેઠ, આ માલિક લોકોને છેતરતા મને બરાબર આવડે છે. હવે બે વાગ્યે હું ધનંજય શેઠને એવા બોટલમાં ઉતારીશ કે..." બાજુમાં પડેલા કાચના જગમાંથી બે ગ્લાસ મીનરલ પાણી ગળે ઉતારીને, પલંગ પર પગ લાંબા કરીને હું મારી આગળની રણનીતિ વિશે વિચારવા લાગ્યો.

---***---

"મે આઇ કમ ઈન સર?" કહીને મી.શર્મા અને હું ધનંજય શેઠની ઓફીસની બહાર ઊભા રહ્યા.

"આવો મી.શર્મા" ધનંજય શેઠે પોતાનું લેપટોપ બંધ કરતા કહ્યુ.

"તને કેમ છે હવે? તારું નામ શું છે?" ધનંજય શેઠે મારી સામે જોઈને પુછ્યું.

"સાહેબ, હું દેવજી...મારુ નામ દેવજી છે. હવે મારી તબિયત સારી છે. શું હું કામ કરવા માટે જઈ શકુ સાહેબ?" કહીને મે મારા દાવ ફેંકવાનાં ચાલુ કર્યા.

"હા દેવજી, તને સારુ હોય તો ભલે જા. પણ જો, કામ તો થયાં કરશે તું તારા શરીરનું ધ્યાન રાખજે" ધનંજય શેઠે દવાની ગોળી ખાતા કહ્યુ.

"અરે સાહેબ, અમે તો મજૂર માણસ રહ્યાં, કામ કર્યા વગર છુટકો નહીં. અમે કામ ન કરીએ તો કેમ ચાલે? અને સાહેબ સાચું કહુને તો મને પ્લાન્ટમાં કામ કરવાનો બહું ડર લાગે છે. પણ શું કરું? હું ભણ્યો તો નથી એટલે હવે મજૂરી જ કરવાની આવે. અહીંયા બાજુના ગામડાનો જ છું એટલે ચાલ્યા કરે" કહીને મેં મારી બન્ને આંખો બંધ કરી જાણે કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો હોય એવું અનુભવ્યું.

"દેવજી, તું આ ઓફીસમાં પટ્ટાવાળમાં કામ કરીશ? એ પણ કોન્ટ્રાક્ટમાં નહીં પણ કાયમી?" ધનંજય શેઠે પુછ્યું.

"આંધળો શું માંગે? આંખો.." મનોમન વિચારીને હું બોલ્યો "સાહેબ, તો તો હું તમારો ઉપકાર આખી જીંદગી નહીં ભૂલું. હું હંમેશા કંપનીનાં હિતમાં જ કામ કરીશ" જેવી મીઠી-મીઠી વાતોથી આખરે મેં ધનંજય શેઠને બોટલમાં ઊતારી જ નાખ્યા.

બીજા જ દિવસથી હું ઓફીસમાં પટ્ટાવાળમાં કાયમી ધોરણે લાગી ગયો. મને મારી યોજના પાર પડ્યાનો હરખ સમાતો ન્હોતો.

ધીરે ધીરે મેં ધનંજય શેઠને મારા કામથી રીઝવવાનો પુરો પ્રયત્ન કર્યો. મેં શરૂઆતથી જ એવી છાપ છોડી કે હું ઘણું કામ કરું છું, ઓફીસમાં કોઈ પણ કર્મચારીને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપતો. કંપનીમાં હું સૌથી વહેલો દાખલ થઈ જતો અને સૌથી મોડો પાછો ફરતો. આમ કરતા કરતા ધીમે ધીમે હું ધનંજય શેઠનો વિશ્વાસુ બની ગયો.
---***---

"દેવજીભાઈ, ધનંજય શેઠ તમને ઓફીસમાં બોલાવે છે. તમે જલદી મળતાં આવો" ઝેરોક્ષ મશીનમાં અટવાઈ ગયેલાં કાગળને કાઢતી રોઝી બોલી.

"અંદર આવું સાહેબ?" ધનંજય શેઠની ઓફિસના દરવાજા પાસે ઊભો રહીને હું હાથમાં ન ઉપાડી શકાય એટલી પાણીની બોટલ અને ટ્રે લઈને પ્રગટ થયો, જાણે સમગ્ર સૃષ્ટિ આજે મારા દ્રારા પીવડાવેલ પાણીથી જ તૃપ્ત થઈ હશે! 

"આવ દેવજી આવ" કહેતાં કહેતાં મને એમ લાગ્યું કે ધનંજય શેઠની છાતી જાણે ફુલી રહી હશે.

"બોલો સાહેબ" કહીને હું પણ જાણે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ઊભો રહ્યો.

"દેવજી...મારા મોબાઇલનું ચાર્જર ઘરે જ ભૂલાઈ ગયું છે. આખી ઓફિસમાં પુછ્યું તો જાણવા મળ્યું કે તારી પાસે આવો જ મોબાઇલ છે અને તું મારી જેમ ચાર્જર ઘરે ભૂલતો પણ નથી!" પોતાનો મોબાઇલ ફોન મારી તરફ ધરીને ધનંજય શેઠ મારા જવાબની રાહ જોવા લાગ્યા.

"આ...ફોન! સર હમણાં જ મેં આવો મોબાઇલ વેંચી નવો મોબાઇલ લીધો છે, જુના મોબાઇલ કરતા આમાં સારો કેમેરા છે એટલે. તમે ચિંતા નહીં કરતા, મેં મારો ફોન આપણાં પ્લાન્ટમાં કામ કરતા મજુરને જ વેંચ્યોં છે અને એનું ચાર્જર મારી પાસે જ છે, આપવાનું બાકી છે. હું હમણાં જ આ પાણીની બોટલો મુકીને ચાર્જર લઈને આવું" કહીને હું સડસડાટ ચાલતો થયો.

"શું વાત છે દેવજી? તું તો સીધો ધનંજય શેઠનો ખાસ માણસ બની ગયો! યાર તારામાં કાંઈક વાત તો છે નહિતર ધનંજય શેઠ ક્યારેય કોઈના વિશે આટલી તપાસ નથી કરતા" કટાક્ષ અને અણગમાના મિશ્ર ભાવ સાથે ધનંજય શેઠનો ચમચો જીતેન બોલ્યો.

"જીતેનભાઈ, હું કાંઈ ખાસ માણસ નથી. આ શેઠ લોકો પણ... બોલો ચાર્જર ઘરે ભૂલી જાય અને અહીંયા આપણને તાત્કાલિક બોલાવીને આપણું ટેન્શન વધારી દે" ટુંકમાં વાત પતાવીને હું ઓફિસની કેન્ટીનમાં પોતાની થેલીમાં રાખેલ ચાર્જર લેવા ગયો.

"આવું સાહેબ? આ લ્યો ચાર્જર" કહેતાં ત્રણેક જગ્યાએ ટેપ મારીને રીપેરીંગની કલાબાજીથી જીવનદાન મેળવેલું અને ભગવાન ભરોસે ચાલતું ચાર્જર ધનંજય શેઠના મોબાઇલને શક્તિ પ્રદાન કરવા મેં આગળ ધર્યું.

"જોયું મી.શર્મા...આપણી કંપનીનો પટ્ટાવાળો પણ કેટલો એડવાન્સ છે? શેઠનું અને દેવજીનું ચાર્જર..." કાચું કપાઈ ગયું હોય એવા વિચારથી ઇલેક્ટ્રિકલ વિભાગનાં હેડ મી.વેદ પોતાનું વાક્ય અધૂરું મુકીને  ધનંજય શેઠ તરફ જોવા લાગ્યા.

"કાંઈ વાંધો નહીં મી.વેદ...હું સમજી ગયો. દેવજી તો મારા માટે હીરો છે હીરો. કેમ દેવજી?" કહીને ધનંજય શેઠ, મી.વેદ અને મી.શર્મા હસવા લાગ્યા અને હું મનોમન વિચારતો રહ્યો "લ્યો, આવી વાતમાં આટલી મોટી કંપનીનાં શેઠ મને હીરો કહેવા લાગ્યા! મારું આટલું સન્માન તો મારા બાપે પણ નથી કર્યું! તો આ શેઠ વળી શું કરવાનાં? આપણે તો જ્યા સુધી ચાલે ત્યાં સુધી ચલાવ્યે જવાનું."
---*---

"દેવજી, ધનંજય શેઠ તમને બોલાવે છે, મળતા આવો" કહીને રોઝી પોતાના રોજીંદા કામમાં લાગી ગઈ.

"અંદર આવું સાહેબ?" ધનંજય શેઠની ઓફીસનાં દરવાજા પાસે ઊભા રહી મેં પુછ્યું.

"આવ દેવજી...આજે ગળામાં કાંઈ તકલીફ લાગે છે, મારા માટે એક ગ્લાસ પીવાનું નવશેકું પાણી લેતો આવ" લેપટોપમાં કાંઈક જોતાં જોતાં ધનંજય શેઠ બોલ્યાં.

"જી સાહેબ" મારી સવારી તો ચાલી નવશેકું પાણી લેવા.

થોડીવારમાં ગરમ પાણીના ત્રણ ગ્લાસ ટ્રેમાં લઈને હું પ્રગટ થયો અને કહેવા લાગ્યો "લ્યો સાહેબ, આ લ્યો નવશેકું પાણી" આટલું કહીને હું ફટાફટ ચાલતો થયો.

એટલામાં તો "દેવજી...ઓ દેવજી" થોડા ગુસ્સામાં ધનંજય શેઠ લેપટોપ બંધ કરીને, નવશેકા પાણીના ભરેલા ત્રણ ગ્લાસ જોઈને ઊકળી ઉઠ્યા. પણ પરિસ્થિતિ કળીને મેં તો સાંભળ્યા ન સાંભળ્યા જેવું કર્યું અને હું ધનંજય શેઠની ઓફીસની બહાર નીકળી ગયો.

"રોઝી, તાત્કાલિક દેવજીને મારી ઓફીસમાં મોકલો" ધડામ દઈને ધનંજય શેઠે ફોનનું રીસીવર નીચે મુક્યું.

"દેવજી, ધનંજય શેઠ તમને તાત્કાલિક ઓફીસમાં બોલાવે છે. શેઠ બહું ગુસ્સામાં લાગે છે, તમે તરત જ જાઓ" રિસેપ્શન પાસેથી પાણીની ખાલી બોટલ આપી રહેલી રોઝીએ મને કહ્યું.

"અંદર આવું સાહેબ?" અતિ ભોળપણ અને માસુમિયતથી હું ધનંજય શેઠની ઓફીસના દરવાજે ઊભો રહ્યો.

"દેવજી, મેં તને કહ્યું હતું કે મારા માટે એક ગ્લાસ નવશેકું પાણી લાવજે, તું... તું તો મારા માટે ત્રણ ગ્લાસ ગરમ પાણી લાવ્યો અને એ પણ આટલું ગરમ! આટલું પાણી ગરમ કરવામાં કેટલો ગેસ બગાડયો હશે?હવે મારે આ બે ગ્લાસનું શું કરવું? તને ખબર નથી પડતી?" ધનંજય શેઠ આટલું બોલતા બોલતા પોતાની ખુરશી પરથી સફાળા ઊભા થઈ ફરીથી બેસી ગયા.

"માફ કરજો સાહેબ. મને સાંભળવામાં તકલીફ પડે છે, એક કાનમાં ઓછું સંભળાય છે એટલે મારું ધ્યાન ન રહ્યું. સાહેબ, બે ગ્લાસ નવશેકું પાણી હું પાછું લઇ જાવ છું" મેં અત્યારે કાનનું બહાનું આગળ ધરીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને નવશેકા પાણીના બે ગ્લાસ પોતાની ટ્રેમાં ગોઠવવા લાગ્યો.

"વાંધો નહીં દેવજી...તારા કાનનો કાંઈક ઇલાજ કરાવજે. આ એક ગ્લાસ નવશેકા પાણીથી મારે દવાની ગોળી લેવાની હતી એટલે મંગાવ્યુ હતું. વધારાના બે ગ્લાસ નવશેકા પાણીથી હું કોગળા કરી લઈશ, મને કફ જેવું લાગે છે" નવશેકા પાણીના ત્રણેય ગ્લાસનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવાનું વિચારી રહેલા ધનંજય શેઠે કદાચ વિશાળ હ્રદયે મને ક્ષમાદાન આપ્યું હોય એવું મને લાગ્યું.

"આ તો જબરું ચાલ્યું કહેવાય...ચાલ્યું એટલે ગજબનું ચાલ્યું. હવે ઓફીસમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કામ ચીંધે એટલે કામ ન કરવું હોય તો જાણે કાંઈ સંભળાયું જ નથી એવી રીતે ત્યાંથી નીકળી જવાનું, કોઈ બોલાવીને ઠપકો આપે તો કહેવાનું કે શું કરું સાહેબ? મને સાંભળવામાં તકલીફ છે, ધનંજય શેઠને પણ આ વાતની ખબર જ છે. ધનંજય શેઠનું નામ સાંભળતા જ કોઇ કાંઇ નહીં બોલી શકે અને આપણે તો જલસા જ જલસા. સારું ત્યારે જેમ ચાલે એમ ચાલવા દેવાનું" મનોમન વિચારતો હું જાણે ગાંડો થઈ ગયો હોય એમ એકલો હસવા લાગ્યો.

-જમા ઉધાર ભાગ-૧ પુર્ણ. બીજો ભાગ આવતા અઠવાડિયે રજુ થશે.

આપ આપના પ્રતિભાવો મને ઈમેઈલ કે વોટ્સએપ પર મોકલી શકો છો.
ઈમેઈલ: ozasagar@gmail.com
વોટ્સએપ: 94295 62982