200મી બર્થ ડે Sweety Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

200મી બર્થ ડે

           સૌમ્યા..એક ખુશખુશાલ છોકરી.. ના ના યુવતી..!!પતંગિયા જેવી. ઊડાઉડ કરતી.. હંમેશા ખળખળ વહેતા ચંચળ ઝરણાં જેવી.. આખી દુનિયા ની ફેશન ભલે બદલાય , પણ આ સૌમ્યા, એ તો હંમેશા પંજાબી પ્લેન ડ્રેસ, પાયજામા અને સિલ્ક ના લાંબા અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા દુપટ્ટામાં જ દેખાય. એના ચહેરાને સ્મિત નામના ઘરેણાં વગરનો વિચારી પણ ના શકાય.
           આજે પણ લીંબુ પીળા કલરના સ્કિન ટાઇટ પંજાબી ડ્રેસ, મેચિંગ દુપટ્ટા, સહેજ કર્લ કરેલા મિડલ લેંથ હેર, એક નાનકડી બિંદી, કાન માં નાનકડી ઝૂમકી અને ચહેરા પર સદા પથરાયેલા સ્મિતમાં અતિસુંદર શબ્દ નાનો પડે એટલી સુંદર લાગી રહેલી.
         પણ અત્યારે એ લગીર ઉતાવળમાં લાગતી હતી. એક હાથમાં  બેગ અને બીજા હાથમાં એકટીવા ની ચાવી લઇ ને રીતસર ની ભાગી રહેલી. એક તો આજે રવિવાર એટલે આરામ કરવાનો વાર.. એટલે સવાર થી જ બધું આરામ થી ચાલ્યું. અને અચાનક યાદ આવ્યું આજે પપ્પા ના જન્મ દિવસ ની કેક લેવા જવાનું છે. અને શાર્પ 12 વાગે દુકાન બંધ જ થવાની છે. અને સવા નવ તો થયા જ છે. એટલે એકટીવાને લગભગ ઉડવાની ગતિ એ દોડાવ્યુ..!!અને પાછળ સુરેશભાઈની  ચિંતાતુર નજર રસ્તાના વળાંક સુધી એનો પીછો કરી રહી. એ મનમાં જ બબડયા "આ છોકરી ને કેટલી વાર સમજાવવી આ એકટીવા છે.. રોકેટ નથી.. શાંતિથી ચલાવતા ક્યારે શીખશે? એક વાર થયું એટલું ઓછું છે બધું??" અને ઊંડા નિસાસા સાથે ઘરમાં પ્રવેશ્યા.
         અહીં સૌમ્યાનું એકટીવા  દુકાન જવાની જગ્યાએ એ પહેલાં મંદિર તરફ વળ્યું. અને ભગવાન તરફ જતા પહેલા મંદિરની બાજુ માં આવેલા અનાથાશ્રમ તરફ એનું એકટીવા ટર્ન થયું. 
          આ એનો મહિનાઓથી બનાવેલો નિયમ હતો કે રવિવાર ની સવાર અહીં જ વિતાવવી. કંઈ નહીં તો ખાલી ચા નાસ્તો કરવા અને બાળકોને કરાવવા અહીં આવવાનું. એ બહાને બાળકો સાથે મસ્તી પણ થઈ જાય અને આવતા રવિવાર ના ભોજન ની વ્યવસ્થા પણ કરાવી જાય.  વધુ માં આજે પપ્પા ની બર્થડે એટલે  ખાસ પપ્પા ની ઈચ્છા મુજબ કેક પણ પહોંચાડવાની અહીંયા.
           ત્યાં પહોંચતા જ સંગમ સામે મળ્યો. 5 ફુટ 6 ઇંચ ની હાઈટ અને સફેદ ઝભ્ભા માં સજ્જ, વિવેકી અને નખશીખ સજ્જન  એવો સંગમ. પણ સૌમ્યાએ એને પહેલી વાર જોયો.. ખબર નહીં કેમ પણ જોતા જ રોજ મળતા હોય એટલો ઘરોબો હોય એવું લાગ્યું. એની મીઠડા સ્મિત ના જવાબ માં નાનકડું સ્મિત સૌમ્યા એ આપી જ દીધું.
            હંમેશાની જેમ સૌથી પહેલા એ આશ્રમ ના વ્યવસ્થાપક પાસે ગઈ. સાંજ ની રસોઈની વાત પૂરી કરીને બાળકો ને મળવા દોડી. બાળકો તો એના હેવાયા થઈ ગયેલા. દીદી દીદી કરી ને રાજી ના રેડ જાણે. ના મળેલા માતા અને પિતા બંને નો પ્રેમ એમને અચાનક જ અને ક્યારેક જ તો મળતો હતો. વળી, બાળકો સાથે સૌમ્યનો સમય પણ કેટલો સરળતાથી સરકી જાય. ઓછા માં ઓછા બે કલાક એમની સાથે જ વિતાવવા નો નિયમ હતો એનો.. એની સાથે જ વણાયેલો. આજે પણ એમ જ થયું. આમ તેમ ધીંગા મસ્તી માં બે કલાક ક્યાં સરકી ગયા સમજ ન પડી. સંગમ દૂર ઉભેલો સૌમ્યાને ખડખડાટ હસતા માણી રહેલો. એ આજે ફરીથી  200મી વાર પહેલો ઇન્ટ્રો કરવાના મૂડ માં નહોતો..!!
             નાનકડી રિધમ સૌમ્યાના ખોળામાં જ બેસેલી. સૌમ્યાના ખોળા માં બેસવું એટલે જાણે સિંહાસન પર બેસવું.એટલે સૌમ્યા ની જાણ બહાર બાળકોએ એના માટે વારા ગોઠવેલા. અને આજે રિધમનો વારો હતો એટલે રાજકુમારીની જેમ વટથી બેસેલી રિધમ ટહુકી,
          "દીદી તમે કાલે પાછા આવવાના ને??"
         સૌમ્યા થોડાક કચવાતા મન સાથે બોલી "sorry માય ડાર્લિંગ.. કાલે નહીં.. પણ આવતા સનડે પાક્કું.. !!"
          "એવું તો ગમે રોજજે કહો છો.. !!"  ને છાના છપના બધા બાળકો હસી પડ્યા.
          સૌમ્યા ને કૈંક ના સમજાયું."શું" "રોજ્જે??" "હું તો રવિવારે જ આવું છું ને??"
            સંગમે ત્યાં જ વચ્ચે પડીને વાત નો દોર હાથ માં લઇ લીધો. "ચાલો બાળકો આજે લંચ માં કૈંક ખાસ છે. ચલો ભાગો જલ્દી.." અને બાળકો  ઉછળતા કૂદતાં ભાગ્યા.
          અનાથાશ્રમમાંથી માંડ માંડ મન મનાવી નીકળીને પપ્પા ની કેક લેવા પહોંચી. શાહ અંકલે મસ મોટા સ્મિત સાથે કેક આપી. એમના માટે તો આ રોજનીશી બની ગયેલી !!!!
           ઘરે પહોંચી ત્યાં ગેટ પર જ પપ્પા દેખાયા.. "હેપી બર્થડે પપ્પા..!!" પપ્પા ને પગે નમતા નમતા સૌમ્યા એ કહ્યું..
           એકટીવાવાળો ગુસ્સો સૌમ્યાનો ખિલખિલાટ કરતો ચહેરો જોઈને વરાળ બની ગયો "ખુશ રહો બેટા" " you are my proud" "આમ જ હસતી રહે અને બધાને હસાવતી રહે."
           "થેન્ક્સ પપ્પા!!" થોડીક સંકોચાઈને સૌમ્યા ટહુકી. "અને આજે તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે."
            મલકાતાં મલકાતાં સૌમ્યા હજુ  ઘર માં પ્રવેશી જ હશે કેક લઇને અને સમીર, સૌમ્યાથી નાનો અને નટખટ ભાઈ આવી ગયો પપ્પા પાસે..   
           માંડ માંડ હસી છુપાવતા "પપ્પા 200મી બર્થડે મુબારક હો!!! !!  આજે ફરીથી લંચ માં કેક છે ને એન્ડ યસ.. આજે પણ પાર્ટી...!!!!! આજે ફરીથી તમારે એજ શર્ટ જોઈ ને સરપ્રાઈઝ થવું પડશે .. હા હા.. ટ્રેજેડી છે હો પપ્પા.. !!

          સુરેશભાઈ હસી પડ્યા.. "દીકરા આમ તો સારું જ લાગે છે કે  અને રોજ રોજ આવી ઉજવણી, મજા ના દિવસો અને દીકરી પણ મારી સાથે જ રહેશે !! .. પણ....

        આ "પણ" પછી સુરેશભાઈ કોઈ સમય યાત્રા પાર ચાલી ગયા જાણે. લગભગ છ મહિના પહેલાં એમના જન્મ દિવસે જ અનાથાશ્રમ માં થી નીકળી સૌમ્યા કેક લેવા જતા જ એકટીવા પરથી સ્લીપ ખાઈ ને પડી ગયેલી. માથા પર બહુ ઊંડો ઘા થયો. ખાસ્સું એવું લોહી વહી ગયું. અને કોમા માં સરી પડી. ચાર અઠવાડિયે  કોમા માં થી બહાર આવેલી. પણ એનો ઘા એટલો ઊંડો હતો કે એ એની યાદ શક્તિ પર એની અસર પડી.  એ દિવસ પછી ની યાદશક્તિ ગુમાવી બેસી...!!! એની યાદ શક્તિ એક દિવસ પૂરતી જ રહેવા લાગી.

        ભાઈ પપ્પા મમ્મી.. અને અનાથાશ્રમ ના બાળકો જૂની મેમરી માં હતા એ સચવાઈ ગયા!! અને પછી થી મળેલા બધા જ વ્યક્તિ ઓ.. અરે એને મન દઈ ને ચાહતો સુનિલભાઈ નો દીકરો સંગમ પણ.. અને બધી ઘટનાઓ પણ.. એના માટે એક દિવસ પૂરતી જ ટકતી..
        રોજ સવારે પડે ને એ દિવસ એના પપ્પા નો જન્મદિવસ જ હોય. દિવસો બદલાતા રહ્યા.. પણ સૌમ્યા ત્યાં જ અટકી રહી.
         દીકરી તો બચી ગઈ ને..  એમ મન મનાવીને આખું કુટુંબ પણ એની સાથે જ ત્યાં જ અટકી ગયું.. અનાથાશ્રમ ના આયોજકો, આસપડોશ ના લોકો, કેક વાળા શાહ ભાઈ ..બધા ના સહકાર સાથે કોઈએ એને જણાવવા નથી દીધું કે આજે એ જાણે છે એના કરતા સમય ઘણો આગળ વધી ગયો છે.
       અરે એક જ સમાચાર પત્ર ની 500 કોપી  કઢાવી રાખી છે. એની ગમતી સિરિયલ્સને પેન  ડ્રાઇવ માં ભરીને રોજ સાંજ પડે આખું કુટુંબ  એક જ એપિસોડ જુએ. આશ્ચર્ય પણ પામે અને પેટ પકડી ને હસે પણ.. કારણ ખાલી એટલું જ કે  ભૂલે ચુકે પણ એને ખબર પડે તો એ આઘાત સહન કરવો બહુ મુશ્કેલ થઈ પડે.
           "આમ ને આમ તો અડધું વર્ષ પસાર થઈ ગયું..  જીવન આખું કેમ કરીને પસાર થશે? અને આ છોકરીના ભવિષ્ય નું શું? અને પેલો સંગમ ક્યાં સુધી રોજ અનાથાશ્રમ માં જ સૌમ્યા સાથે 'પ્રથમ મુલાકાત' જ કરતો રહેશે? "
         મનમાં લાખો સવાલ અને આંખમાં આંસુ ને છુપાવી સુરેશભાઈ પોતાના 200મા જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા ઘર માં પ્રવેશ્યા..!!