ભાથું Rajesh Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાથું


ભાથું  

“આજે આ શું બનાવ્યું છે? આટલું બધું તીખું બનાવાતું હશે? લાગે છે ઉંમર વધવાની સાથેસાથે તું રસોઈ બનાવવાનું ભૂલતી જાય છે.”

 દરરોજ તો મારે ઓફિસ જવાનું હોઈ, પત્નીને નોકરી પર જવાનું હોઈ અને બંને બાળકો અભ્યાસાર્થે જતાં હોઈ બપોરનું ભોજન તો અલગ અલગ કરવું પડતું. પણ આજે રવિવારે રજાના દિવસે સાથે બેસીને મનપસંદ જમવાનો આનંદ આવશે એવું મેં સવારથી જ વિચાર્યું હતું. 

 સવારે સાડા આઠ વાગ્યે ચર્ચમાં થતી મીસ(પ્રાર્થનાવિધિ)માં અમે સાથે ગયાં. મીસ પૂરી થઇ ગયા બાદ ચર્ચ કમ્પાઉન્ડમાં મારો એક મિત્ર મળ્યો. તેના કમ્પ્યુટરમાં કોઈ ફાઈલ ઓપન થતી ના હોવાથી તેણે મને તેના ઘેર આવી કમ્પ્યુટર ચેક કરવા માટે વિનંતી કરી.

મારી પત્નીને કહી હું તે મિત્રના ઘેર ગયો. તેના કમ્પ્યુટરમાં ઘણી બધી ફાઈલ કરપ્ટ થઇ ગઈ હોવાથી બેકઅપમાંથી તે ફાઈલ નવેસરથી ઇન્સ્ટોલ કરવામાં ઘણો સમય ગયો. બપોરના પોણા બાર વાગી ગયા હતા. 

કામ પૂરું થઇ ગયેલ હોઈ મેં મિત્રની રજા માંગી. તેનાં પત્ની રસોડામાંથી બહાર આવી કહેવા લાગ્યાં, “રાજુભાઈ, જમવાનું તૈયાર જ છે. જમીને જાઓ. આજે ચિકન બિરિયાની બનાવી છે.” રસોડામાંથી આવતી મસાલેદાર રસોઈની સુગંધથી મારી જીભ સળવળવા લાગી. મારા ઘરે મારા સિવાય કોઈ નોનવેજ ખાતું ના હોઈ અમારે ઘેર કોઈ દિવસ નોનવેજ બનતું ન હતું. મારી ખાસ ઈચ્છા થાય તો હું બહાર હોટેલમાં જઈ નોનવેજનો સ્વાદ માણી આવતો. અને અહીં નોનવેજની જ ઓફર થતી હોઈ મારું મન લલચાયું, પણ આજે રવિવારે બધાંની સાથે બેસીને ભોજન કરવાનું હોઈ મેં મિત્રના ઘરે જમવાની ના પાડી ને હું ઘરે આવ્યો.

ઘરે બધાં મારી જ વાટ જોઈ રહ્યા હતા. હાથ પગ ધોઈ સૌની સાથે હું જમવા બેઠો. થાળી પીરસાઈ ને મારાં ભવાં ચઢી ગયાં. થાળીમાં પીરસાઈ હતી પાઉંભાજી. તે તો મને મુદ્દલે ય ભાવતી ન હતી. અલબત, બંને બાળકોને તે અતિપ્રિય હતી. કમને મેં પાઉંના ટુકડામાં ભાજી લઇ અને મોઢામાં મૂકી. મારું મોઢું ચચરી ઉઠ્યું. આટલું બધું તીખું? ને મેં મારી પત્નીને ઝાટકી નાખી. 

“પપ્પા, ક્યાં વધારે તીખું છે? માફકસરનું તો છે.” મારી દીકરી બોલી પડી.

“એ તો એમને પાઉંભાજી ભાવતી નથી, એટલે બહાના કાઢે છે.” મારી પત્નીએ જાણે દાઝ્યા ઉપર ડામ દીધો.  

મોં કટાણું કરી મેં જેમતેમ કરી ખાઈ લીધું. ઘરમાં રહીશ તો નાહકનો કજીયો થશે એમ વિચારી હું ઘરની બહાર નીકળી ગયો. રસ્તામાં જમવાના જ વિચાર આવવા લાગ્યા, ‘આજે કેટલી આશા હતી કે બધાંની સાથે બેસીને ભાવતાં ભોજન કરીશું. પણ શું થયું! મિત્રના ઘરે જમી લીધું હોત તો સારું થાત. લાવ, બજારમાં જઈ કશો નાસ્તો કરી આવું.’ 

વિચારગ્રસ્ત અવસ્થામાં હું ચર્ચ ચોકડી વટાવી આગળ નીકળ્યો. પ્રેસથી આગળ રસ્તામાં જ આવતી ‘સુનીલ હેર આર્ટ’ દુકાનમાં મેં ડોકિયું કર્યું. કોઈ ઘરાક ન હતાં. આમેય ઘણાં વખતથી વાળ કપાવાના હતા પણ રજાના દિવસે જ્યારે જાઉ ત્યારે ચાર પાંચ ઘરાક બેઠેલા જ હોય એથી વાર લાગવાની હોઈ હું વાળ કપાવ્યા વિના પાછો આવતો રહેતો હતો. સલુનના માલિક બાબુભાઈ બીમાર હોવાથી ઘણાં સમયથી આવતા ના હતા. તેમનો દીકરો સુનીલ એકલો જ દુકાન સંભાળતો હતો. બીજા કોઈ કારીગરને તે રાખે તો પણ કાયમી ઘરાક સુનીલ પાસેથી જ વાળ કપાવાની અપેક્ષા રાખતા હોઈ તેણે બીજા કારીગર રાખ્યા ના હતા. સુનીલ એકલો હોવાં છતાં વાળ કાપવામાં ક્યારેય ઉતાવળ કરતો નહિ. ગમે તેટલાં ઘરાક બેઠાં હોય તો પણ તે તેની સ્ટાઈલથી જ કામ કરતો અને ઘરાકને સંપૂર્ણ સંતોષ આપવાની તેની હંમેશ કોશિષ રહેતી એટલે તેની દુકાનમાં કાયમ ઘરાકોની ભીડ રહેતી. 

આજે દુકાનમાં કોઈ જ ઘરાક ના હોઈ ‘ચાલ ત્યારે વાળ કપાવી લઉં’ એમ વિચારી હું દુકાનમાં દાખલ થયો. 

સુનીલ ટીફીન ખોલીને જમવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે મને આવકારતા કહ્યું, “આવો સાહેબ, કોઈ ઘરાક ના હોઈ હું જમવા જ બેસતો હતો ને તમે આવ્યા. તમારે વાળ કપાવ્યા વિના બે ત્રણ વાર પાછા જવું પડ્યું છે. હું પછી જમી લઈશ, પહેલાં તમારાં વાળ કાપી નાખું.”

 કકડીને ભૂખ લાગી હોવાં છતાં હું અડધો ભૂખ્યો રહીને ઊઠી ગયો હતો. મારા લીધે સુનીલને જમવામાં મોડું થાય તે બરાબર નથી એમ મને લાગ્યું. વળી, આમે ય મારે તો આજે સમય જ પસાર કરવો હતો ને! મેં સુનીલને કહ્યુ, “તું પહેલાં જમી લે.” 

“ના સાહેબ, તમને બેસાડી રાખું એ મને ઠીક લાગતું નથી.”

“જો પેલી કે’વતમાં કહ્યું છે ને કે ‘પહેલાં પેટનું, પછી શેઠનું ને છેલ્લે ઠેઠનું.’ ભૂખ્યા પેટે ભજન ના થાય. મારે કોઈ ઉતાવળ નથી. તું તારે નિરાંતે જમી લે. હું બેઠો છું.” મેં છાપું લઇ ખુરશીમાં બેસી વાંચવા માંડ્યું.

સુનીલે ટીફીન ખોલ્યું. ભાખરીના ટુકડામાં શાક લઇ મોઢામાં મુક્યું ને મને કહેવા લાગ્યો, “સાહેબ, મારો ફોન ત્યાં પડ્યો છે, મને આપોને.” 

‘આજકાલ બધાંને મોબાઈલનો ચસકો ચઢ્યો છે. જમવાના સમયે પણ મોબાઈલ છોડતા નથી.’ મને થયું, ‘સુનીલે ય એમાંથી બાકાત લાગતો નથી.’ મેં તેનો મોબાઈલ લઈને તેને આપ્યો ને તે શું કરે છે તે જોવા લાગ્યો.

સુનીલ ફોન કરવા માંડ્યો. ફોન કનેક્ટ થઇ ગયો હશે એટલે તે ફોનમાં કહેવા લાગ્યો, “આજે તો તે કમાલ કરી હોં. સરસ શાક બનાવ્યું છે. ટીફીનમાં બે ત્રણ ભાખરી વધારે મૂકી હોત તો યે આજે ખવાઈ જાત. થેંક યુ.”

જમવાનું પતાવ્યા બાદ સુનીલ હાથ ધોતો હતો. મને ખબર પડી હોવાં છતાં હું તેને પૂછ્યા વિના રહી ના શક્યો, “સુનીલ, કોને ફોન કર્યો હતો?”

“મારા મિસિસને. આજે ખરેખર સરસ શાક બન્યું હતું. એટલે તેના થોડાં વખાણ કરી ‘થેંક યુ’ તો કહેવું જ પડે ને !”

“એમાં શેનો આભાર માનવાનો? એમનું તો એ રોજનું કામ જ છે ને !”

“સાહેબ, નાનાં મોંઢે મોટી વાત લાગે તો માફ કરજો. જો શાકમાં થોડુંક જ મીઠું-મરચું વધારે કે ઓછું પડ્યું હોય તો આપણે તેને તરત જ ખખડાવી નથી નાખતા? દરેક વખતે બસ તેનો વાંક જ આપણે જોઈએ છીએ. પણ જો રસોઈ સારી અને સ્વાદિષ્ટ બની હોય ત્યારે ક્યારેય તેના વખાણ કરીએ છીએ ખરાં? નવ્વાણું ટકા તો રસોઈ સારી જ બનતી હોય છે તે આપણે જોતાં નથી પણ એક ટકો ક્યારેક રસોઈમાં કશી ભૂલ થયેલ હોય તો તેને ખખડાવી નાખતા અચકાતા નથી. આજે તેનું બનાવેલ શાક મને ખૂબ જ ભાવ્યું એટલે તરત જ ફોન કરી આભાર માન્યો તો તે કેટલી ખુશ થઇ ગઈ! તેનો ઉત્સાહ વધે એ માટે આવું કરવું જ પડે. તો જ આપણો સંસાર સારી રીતે ચાલે. એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે.”

હું તો આભો બનીને તેને સાંભળી રહ્યો. મારા ઘરે અડધા કલાક પહેલાં જ બનેલો પ્રસંગ મારી આંખો સામે તરવરી રહ્યો. શું આજે ભાજીમાં ખરેખર મરચું વધારે પડ્યું હતું ખરું? ના, મારી દીકરી સાચું જ કહેતી હતી. એક તો મને પાઉંભાજી ભાવતી ના હતી અને અધૂરામાં પૂરું મિત્રના ઘેર બનેલી બિરિયાની મારા દિલોદિમાગમાં છવાઈ ગઈ હતી. અને મારે તો મારી પત્ની નો વાંક જ જોવો’તોને! મેં ક્યારેય તેની રસોઈના વખાણ કર્યા છે ખરાં? હું આટલું બધું ભણ્યો છું, સારી નોકરી કરું છું પણ મેં ક્યારે પણ..., અને મારાથી ઓછું ભણેલ આ એક સામાન્ય છોકરો...., સાચે જ મારાથી ઉત્તમ પતિ સાબિત થયો.

સુનીલે મારા વાળ કાપવાનું શરૂ કર્યું. હું આંખો બંધ કરી વિચારી રહ્યો. ઘણીવાર મારી પત્ની ચા આપ્યા બાદ કે રસોઈ પીરસ્યા બાદ મારી સામે જોઈ રહે છે. હું શાંતિથી કશું બોલ્યાં વિના ચા પીતો રહું છું કે પીરસેલી વાનગીઓ આરોગતો રહું છું. પત્નીના કંઇક સારું સાંભળવા માટે આતુર નયનો મારી સામે મંડાયેલ હોય છે ને હું શું કરું છું? છેવટે થાકેલાં ને નિરાશ નયનો નીચા નમાવી મને પૂછી લે છે, ‘ચા કેવી થઇ છે અથવા શાક સારું બન્યું છે?’ ને મેં ક્યારેય તેનો સારો પ્રતિભાવ આપ્યો છે ખરો? મને મારી જડતા, નીરસતા,કદરહીનતા પર શરમ ઉપજવા લાગી. પત્ની આટલી મહેનત કરીને રસોઈ બનાવે છે અને એનાં માટે ‘બે સારાં વેણ’ ઉચ્ચાર્યા છે ખરાં? ખરાબ વેણ તો મોંઢામાંથી તરત જ નીકળી પડે છે. 

સવારે મિસમાં ફાધરે બાઈબલના વચનો સમજાવતા જે બોધ આપ્યો હતો તે મને યાદ આવ્યો. ફાધરે કહ્યું હતું, “પરમેશ્વરે આ દુનિયાનું સર્જન કર્યા બાદ આદમને ઉત્પન્ન કર્યો. જ્યાં સુધી આદમ એકલો હતો ત્યાં સુધી સ્વર્ગ પણ તેને કષ્ટદાયી લાગતું હતું. ફૂલોથી લદાયેલ છોડ, શીતળ પવન, પંખીઓનો કલરવ વગેરે તમામ હોવાં છતાં તે ઉદાસ રહેતો હતો. એટલે પરમેશ્વરે તેની ડાબી બાજુની પાંસળીમાંથી એક સ્ત્રી ઇવ બનાવી આદમ આગળ લઇ આવ્યાં. તેને જોઈને આદમ બોલી ઊઠ્યો, “આ તો હવે મારા હાડમાંનું જ હાડ છે અને મારા માંસમાંનું માંસ છે, એ નારી કહેવાશે, કારણ, એને નરમાંથી ઘડવામાં આવી છે.’ આમ, પત્નીને પતિની ડાબી પાંસળીમાંથી બનાવેલ છે. આપણું હૃદય ડાબી બાજુ આવેલ છે. ડાબી બાજુને ‘વામ’ પણ કહેવાય છે. એટલે પત્ની ‘વામા’ તરીકે પણ ઓળખાય છે. માટે પત્નીનું સ્થાન હંમેશા પતિના હૃદયમાં હોવું જોઈએ. તેને પતિના પગના હાડકામાંથી બનાવેલ નથી, તે પતિની લાત ખાવા સર્જાયેલ નથી કે નથી તે પગની જૂતી બરાબર. તે તો પતિની સમકક્ષ છે. આ વાત હંમેશા યાદ રાખજો. સ્ત્રી શબ્દનો પર્યાય ‘ગૃહિણી( આખું ગૃહ જેનું ઋણી) પણ છે, પુરુષ માટે ‘ગૃહિણો’ આવો કોઈ શબ્દ છે ખરો?”

મારું અંતર ડંખવા લાગ્યું. સવારથી ઉઠીને પત્ની કેટલું બધું કામ કરે છે, ને હું.... તેના કામકાજમાં મદદ કરવાની તો દૂર રહી તેના પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવું છું ખરો? તેની ભાવનાની કોઈ દિવસ કદર કરી છે ખરી? મેં હંમેશા મારી જ ઈચ્છાને મહત્વ આપ્યા કર્યું છે. પત્નીની ભૂલો કાઢયા કરવી એને મારો જન્મસિદ્ધ અધિકાર માન્યો છે. પણ ક્યારેય તેની પ્રશંસા માટે બે સારા વેણ બોલ્યો છું ખરો? આજે જો મરચું વધારે લાગ્યું તો જમ્યા બાદ એકાંતમાં શાંતિથી તેને કહી શક્યો હોતને! બાળકોની હાજરીમાં તેને ઉતારી પાડવાની શી જરૂર હતી? 

અને મેં નિર્ણય કરી લીધો. વાળ કાપવાનું કામ પૂરું થયું હોય મેં સુનીલને પૈસા ચૂકવી તેનો આભાર માન્યો. દુકાનની બહાર નીકળી ને બાજુમાં જ આવેલ આઈસ્ક્રીમ પાર્લરમાં જઈ મારી પત્નીને ખૂબ જ પ્રિય એવો ‘અમેરિકન ડ્રાયફ્રુટ’ આઈસ્ક્રીમનું ફેમીલી પેક ખરીદી ઘેર આવ્યો. 

“પપ્પા, જમીને તરત જ ક્યાં જતા રહ્યા હતા? મારી દીકરીએ પૂછ્યું. 

“એ તો ગરમી બહુ છે ને... એટલે જમ્યા બાદ બધા માટે આઈસ્ક્રીમ લેવા ગયો હતો ને ભેગાં ભેગું વાળ પણ કપાવતો આવ્યો.” ને મારી પત્ની તરફ જોતાં બોલ્યો, “તને ગમતો ‘અમેરિકન ડ્રાયફ્રુટ’ લાવ્યો છું.”

...અને પત્નીની આનંદિત થયેલ આંખોથી આખું ઘર હરખાઈ ઊઠ્યું.

●   ●   ●   ●