બેવફા
કનુ ભગદેવ
પ્રકરણ - 11
નાગપાલની જાળ !
બેલેસ્ટિક એક્સ્પ્ટનો રિપોર્ટ આવી ગયો હતો.
નાગપાલની તપાસ સાચી હતી.
આનંદ તથા આશાના મૃતદેહોમાંથી મળી આવેલી ગોળીઓ બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી છોડવામાં આવી હતી. જે રિર્વોલ્વરથી અનવરનું ખૂન થયું હતું. એ જ રિર્વોલ્વર વડે આનંદ તથા આશાનું ખૂન કરવામાં આવ્યાં હતા. ત્રણેયાનાં ખૂન બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી જ થયાં હતા.
નાગપાલે અત્યારે પોતાની ઓફિસમાં દિલીપ અને ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે ચર્ચા કરતો બેઠો હતો.
‘દિલીપ...’નાગપાલ બોલ્યો, ‘ચોવીસ કલાકમાં જ લખપતિદાસનો કેસ ઉકેલીને સાચા ગુનેગારને શોધી કાઢીશ એવા ખાતરી મેં મહેતા સાહેબને આપી છે.’
‘અંકલ...!’દિલીપે કહ્યું, ‘આપણે સાધના વિરુદ્ધ પુરાવાઓ શોધી કાઢવા પડશે અને આ કામ માટે ચોવીસ કલાકનો સમય પૂરતો છે. બેલેસ્ટિક એક્સ્પર્ટના રિપોર્ટ આપણી શંકાને ખાતરીમાં પલટાવી નાખી છે. ખૂની ખૂબ જ ચાલાક છે. અને એણે આ ખૂનો કરીને અત્યાર સુધી પોતાની જાતને પોલીસની નજરથી છૂપાવી રાખી છે. આપણે માત્ર સાધના પ્રત્યે જ ધ્યાન ન આપવું જોઈએ. સાધના સિવાય પણ એક માણસ શંકાની પરિધિમાં આવે છે.’
‘એ વળી કોણ...?’વામનરાવે પૂછ્યું.
‘આનંદ પિતા કાશીનાથ !’દિલીપે જવાબ આપ્યો, ‘જોકે એક બાપ પોતાના સગા દિકરાનું ખૂન ન જ કરે ! પણ તેમ છતાં ય કાશીનાથ આ ખૂન વિશે કંઈક જાણે છે. જરૂર ! સબ ઈન્સ્પેક્ટર અમરજીએ તેને પૂછપરછ કરી હતી. એણે પૂછપરછમાં ઓપેરા ગાર્ડનનો કોઈ જ ઉલ્લેખ નથી કર્યો. જ્યારે અમરજીએ તેને, આનંદ તથા આશાના સંબંધો વિશે પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો હતો કે જો પોતાને તેમના સંબધો વિશે ખબર હોત તો પોતે આનંદને મારી નાંખત ! પછી જ્યારે અમરજીએ તેને ઓપેરા ગાર્ડન વિશે પૂછ્યું ત્યારે એણે તેના સવાલનો નકારમાં જવાબ આપ્યો હતો. અમરજીએ પોતાની સગી આંખે કાશીનાથને ત્યાં જોયો હતો.’
‘કાશીનાથ...!’નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો, ‘એને તો હું પણ મળવા માંગતો હતો. પરંતુ લખપતિદાસના ખૂન સાથે તેને શું સંબંધ હશે એ મને નથી સમજાતું. લખપતિદાસનું ખૂન ઊંઘની ગોળીઓ આપીને કરવામાં આવ્યું હતું. અને કમ સે કમ કાશીનાથ, લખપતિદાસને ઊંઘની ગોળીઓ ખવડાવી શકે તેમ નહોતો. ઉપરાંત જેણે લખપતિદાસનું ખૂન કર્યું છે, એણે જ બાકીનાં ત્રણેય ખૂન કર્યાં છે, એમાં શંકાને સ્થાન નથી. બીજું, જો કાશીનાથની જાણકારીમાં ખૂન થયો હોત તો તે પોતાના દિકરાને ન મરવા દેત ! એ તો આનંદનો મૃતદેહ જોઈને જ બેભાન થઈ ગયો હતો અને એણે બેભાન થવાનું નાટક નહોતું કર્યું, તેની મને પૂરી ખાતરી છે.
આપણે કોઈપણ હિસાબે સાધના વિરુદ્ધ પુરાવાઓ શોધવાના છે. એ ખૂનીને સારી રીતે ઓળખે છે, તેની મને પૂરી ખાતરી છે.’
‘અંકલ, તમે આ વાત આટલી ખાતરીથી કેવી રીતે કહી શકો છો ?
સાધનાની હિલચાલ શંકાજનક જરૂર છે. પરંતુ તે ખૂનીથી પરિચિત છે એવું કંઈ રીતે કહેવાય ? આપણે માત્ર સાધના પર શંકા જ વ્યક્ત કર શકીએ તેમ છીએ. પણ એની હિલચાલને ચાર ખૂનનો પુરાવો માની શકાય તેમ નથી. એટલા માટે નથી માની શકાય તેમ કારણ કે, એ હિલચાલ વિશે સાચી જાણકારી આપણી પાસે નથ. બહાદુર નામનો ચોકીદાર પણ ગુમ થઈ ગયો છે. જો એનો પત્તો મળી જાય તો એ હિલચાલ વિશે કંઈક જાણી શકાય તેમ છે. આપણે બહાદુરને ટોર્ચર કરીને તેની પાસેથી બધું ઓકાવી શકીએ તેમ હતાં, પરંતુ સાધના સાથે આપણે આવું કરી શકીએ તેમ નથી.’
‘એટલા માટે જ હું તેની વિરુદ્ધ પુરાવાઓ શોધી કાઢવાની વાત કરું છું.’નાગપાલ બોલ્યો, ‘ખેર, તારે ટેલિફોન ઓફિસમાં જવાનું છે. સાધના પોતાના સાથીદારને બંગલામાં ફોન કરીને તેની સાથે સંપર્ક સાધશે એમ હું માનું છું. સાધના ગભરાઈને આપણને ઉપયોગી નીવડે એવું કોઈક પગલું ભરી બેસે એવી જળ આપણે તેની ચારેય તરફ પાથરવાની છે.’
એ જ વખતે ઓફિસનું બારણું ઉઘાડીને સબ-ઈસ્પેક્ટર અમરજી અંદર પ્રવેશ્યો. એના ચહેરા પર ચમક પથરાયેલી હતી.
‘આવ...અમરજી...! બેસ...!’નાગપાલે તેની સામે જોતાં પૂછ્યું., ‘શું થયું.?’
‘મને ધારી સફળતા મળી છે નાગપાલ સાહેબ !’અમરજી આનંદભર્યા અવાજે બોલ્યો, ‘માત્ર તપાસનો એક ભાગ સમજીને આપે મને જે કામસર મોકલ્યો હતો, તેમાં સૌ એ સો ટકા સફળતા મળશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. હવે આપ ખુશીથી સાધનાની ધરપકડ કરી શકો છો.’
‘વેરી ગુડ...!’નાગપાલે ઉત્સાહભર્યા અવાજે કહ્યું ‘વિગતવાર રિપોર્ટ આપ !’
‘નાગપાલ સાહેબ ! એમ.એલ. 112931 નંબરની જે ગોળીઓ વડે આનંદ તથા આશાનું ખૂન થયું હતું. એ નંબરની ગોળી સાધનાના નામની ખરીદવામાં આવેલી છે. વિશાળગઢમાં હથિયારો વેચતી જેટલી દુકાનો છે, એ બધીમાં તપાસ કરતાં કરતાં છેવટે હું એમ. જી.રોડ પર આવેલી એક દુકાનમાં પહોંચ્યો. મેં તેના માલિકને પૂછપરછ કરી તો એ નંબરની ગોળીનો હવાલો આપીને એણે સાધનાનું નામ મને જણાવ્યું. એટલું જ નહીં લખપતિદાસની સાથે સાથે સાધનાએ પણ લાયસન્સવાળી બત્રીસ કેલીબરની રિર્વોલ્વર ખરીધી છે. એ વાત પણ જણાવી. છ એક મહિના પહેલાં જ સાધનાના નામથી રિર્વોલ્વરનું લાયસન્સ કઢાવવામાં આવ્યું છે.’
‘ઓહ...આટલી મહત્વની વાત આપણીથી છૂપી રહી. સાધના પાસે પણ રિર્વોલ્વરનું લાયસન્સ હશે એ તો આપણે વિચાર્યું જ નહોતુ. ખેર, આ માહિતી આપણને કેસમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે પોતાની રિર્વોલ્વર ચોરાઈ ગઈ છે એમ કદાચ સાધના આપણને જણાવશે. વામનરાવ...’નાગપાલે વામનરાવ સામે જોયું.’’બંદર રોડ પોલીસ સ્ટેશનનો ઈન્ચાર્જ તું છે. શું સાધનાએ પોતાન રિવોલ્વર ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ તારી પાસે નોંધાવી છે ખરી ?’
વામનરાવે નકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘તો પછી આનો અર્થ એ થયો કે સાધનાની રિર્વોલ્વર ચોરાઈ નથી પણ તેની રિર્વોલ્વર વડે જ અનવર, આનંદ તથા આશાનાં ખૂન થયાં છે.’
‘નાગપાલ સાહેબ, એ ત્રણેયના મૃતદેહોમાંથી મળી આવેલી ગોળી, સાધનાની રિર્વોલ્વરમાંથી છોડવામાં આવી છે એ વાત તો રિર્વોલ્વર મળ્યાપછી જ પુરવાર થઈ શકશે. અને આ વાત પુરવાર કરવા માટે સૌથી પહેલાં તો સાધનાની રિર્વોલ્વર કબજે કરવી પડશે. આપના અનુમાન મુજબ પોતાની રિર્વોલ્વર ચોરાઈ ગઈ છે એમ તે કહેશે. આ સંજોગોમાં એણે રિર્વોલ્વર ચોરાઈ ગયાની ફરિયાદ મારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવી જોઈતી હતી કે જે એણે નથી નોંધાવી, આ એક જ પુરાવો તેની ધરપકડ કરવા માટે પૂરતો છે.
‘હાલ તુરંત તો આપણે તેને પૂછપરછ જ કરવાની છે. એ રાતના સમયે કોને મળવા ગઈ હતી ? પોતાનો પીછો થાય છે એ વાત જાણ્યા પછી એણે કોને ફોન કર્યો હતો ? આ બંને સવાલોના જવાબ તેની પાસેથી મેળવ્યા પછી તેને રિર્વોલ્વર વિશે પૂછીશું.
દિલીપ...’
‘જી.અંકલ...!’
‘તારે ટેલિફોન ઓફિસ જઈને બધી તૈયારી કરી રાખવાની છે.’
દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘હું સાધનાને તેની ધરપકડ વિશે ગંધ પણ આવવા દેવા નથી માંગતો. આપણી પાસે ચોવીસ કલાકનો સમય છે અને આ ચોવીસ કલાકમાં આપણે તેની વિરુદ્ધ બને તેટલા વધુ પુરાવાઓ મેળવી લેવાના છે. અત્યારે તો હું માત્ર તેને પૂછપરછ જ કરવા માગું છું. આ સી.આઈ.ડી. વિભાગની પ્રતિષ્ઠાનો સવાલ છે.’કહીને નાગપાલ ઊભો થયો, ‘દિલીપ, તું તાબડતોબ ટેલિફોન ઓફિસે પહોંચી જા તને ત્યાં પહોંચતા પંદર મિનિટથી વધું સમય નહીં થાય ખરું ને ?’
‘હા...’દિલીપ બોલ્યો.
‘વામનરાવ...’નાગપાલે કહ્યું, ‘તું અને અમરજી મારી સાથે ચાલો.’
એ બંને પણ સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા.
દિલીપ ટેલિફોન ઓફિસે જવા માટે રવાના થઈ ગયો.
બે મિનિટ પછી નાગપાલની જીપ લખપતિદાસના બંગલા તરફ આગળ વધતી હતી.
વીસેક મિનિટમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા.
પાંચ મિનિટ પછી એ ત્રણેય લખપતિદાસના બંગલાના ડ્રોંઈગરૂમમાં સાધનાની સામે બેઠા હતા.
સવિતાદેવી તથા સેવકરામ પણ એક અન્ય સોફા પર બેઠા હતા.
‘મિસ સાધના...!’નાગપાલે તેને પોતાનો પરિચય આપ્યા પછી કહ્યું, ‘તમારા પિતાજીનો કેસ મને સોંપવામાં આવ્યો છું. હું તમને થોડી પૂછપરછ કરવા માગું છું. અને તમારે મારા દરેક સવાલોના સીધાને સાચા જવાબો આપવાના છે. સૌથી પહેલાં તો, આનંદ તથા આશાનાં ખૂન થયાં એ રાત્રે લગભગ બાર વાગ્યે તમે બંગલામાંથી બહાર નીકળીને ક્યાં ગયાં હતા, એ વાતનો મને જવાબ આપ્યો.’
નાગપાલની વાત સાંભળીને સાધનાના ચહેરા પર ક્રોધના હાવભાવ છવાઈ ગયા. એની આંખો લાલઘુમ થઈ ગઈ. એણે ત્રાંસી નજરે ગભરાયેલી હાલતમાં બેઠેલાં સવિતાદેવી તથા સેવકરામ સામે જોયું.
‘સાધના...!’સહસા સેવકરામ બોલ્યો, ‘ચૂપ શા માટે છે ? નાગપાલ સાહેબની વાત સાચી છે ? શું ખરેખર જ તું એ રાત્રે ક્યાંય બહાર ગઈ હતી?’
‘જો હું ના પાડું તો ?’સાધનાએ રોષભેર કહ્યું.
‘તમે ના પાડી શકો તેમ નથી.’
નાગપાલ કઠોર અવાજે બોલ્યો, ‘તમે તમારા બંગલાના ચોકીદાર બહાદુર મારફત અગાઉથી જ તમારી કારને બંગલાની બહાર થોડે દૂર ફૂટપાથ પાસે ઊભી રખાવી હતી. તમે બાર વાગ્યે બંગલામાંથી બહાર નીકળ્યા હતા. એની આગલી રાત્રે પણ તમે ક્યાંક બહાર ગયા હતા. પરંતુ હું તો જે રાત્રે આનંદ તથા આનંદ ખૂન થયાં એ રાતની વાત કરું છું. એ રાત્રે તમે ટેક્સીમાં ન જતાં તમારી કારમાં જ બેસીને કોણ જાણે કોને ને શા માટે મળવા ગયા હતા.’
‘ઓહ...તું હું ક્યાં જઉ છું. એ જાણવા માટે જ આપે સબ-ઈન્સ્પેક્ટર અમરજીને ટેક્સી ચાલકના રૂમમાં મોકલ્યા હતા. ખરું ને ?’સાધનાના અવાજમાં જરા પણ ભય કે ગભરાટ નહોતો. એણે એકીટશે નાગપાલ સામે જોયું. ‘આપે જ મારો પીછો કરાવ્યો હતો ખરું ને ?’
‘આ કંઈ મારા સવાલનો જવાબ નથી.’
‘આ હું આપને આપના સવાલનો જવાબ જ આપું છું. હું ગમે ત્યાં ગઈ હોઉં, એની સાથે આનંદ તથા આશાના ખૂનને શું સંબંધ છે ?’
‘વેરી ગુડ...! તમારો આ સવાલ મુદ્દાનો છે !’નાગપાલે સ્મિત ફરકાવ્યું, ‘‘પણ પોલીસ જો ધારે તો સંબંધ ન હોય તો પણ સંબંધ ઊભો કરી શકે તેમ છે. દોરડાને સાપ ને સાપને દોરડું બનાવવામાં પોલીસ નિષ્ણાત હોય છે. પરંતુ હું પોલીસ જેવો નથી. હું તો દોરડાને, દોરડું અને સાપને સાપ બનાવીને જ કાયદાનું રક્ષણ, લોકોની સલામતી, મારી ફરજની ગરિમા અને મારો ધર્મ માનું છું.’કહીને એણે ગપગોળો ગબડાવ્યો, ‘કિશોર નિર્દોષ હતો. એટલા મારા કહેવાથી જ વામનરાવે તેના કેસને ઢીલો કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. એટલું જ નહીં, કિશોરને નિર્દોષ છોડાવવા માટે એડવોકેટ સુબોધ જોશીને પણ એણે જ રોક્યો હતો. આમ કરવામાં વામનરાવની બદનામી તો થઈ. કોર્ટમાં તેને ઠપકો સાંભળવો પડયો. પરંતુ સાથે સાથે એક નિર્દોષ માણસને નિર્દોષ પુરવાર કરીને ફરજ બજાવ્યાનો આનંદ પણ એણે અનુભવ્યો.’
‘આ બધું આપ મને શા માટે જણાવો છો ?’
‘એટલા માટે કે આ બધાં ખૂનનો સંબંધ તમારી સાથે છે ! તમે આ ખૂનો સાથ ગાઢ રીતે સંકળાયેલા છે. નહીં તો તમારા પછા ફરતાંની સાથે જ ખૂનો ન થાત ! તમે બંગલામાંથી બહાર નીકળ્યા ત્યારે ખૂબ જ ગુસ્સામાં હતા. સબ-ઈન્સ્પેક્ટર અમરજી તમારો પીછો કરે છે એની તમને ખબર પડી ગઈ. પરિણામે તમે જ્યાં જવા માંગતા હતા, ત્યાં જવાને બદલે રેલ્વ્સ્ટેશને પહોંચ્યા. ત્યાં એક પબ્લિક બૂથમાંથી કોઈકને ફોન કરીને તમે અહીં પાછાં ફર્યા અને તમારા આવ્યા પછી થોડી વારમાં જ આનંદતથા આશાનાં ખૂન થઈ ગયાં. આનદંદ તમારો ભાવિ પતિ હતો અને આશા તમારી સાવકી મા હતી. એ બંનેના અનૈતિક સંબંધો જોઈને તમારો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો.’
‘નાગપાલ સાહેબ...!’સાધનાએ ચીસ જેવા અવાજે કહ્યું, ‘મારી સાથે આ રીતે વાત કરવાનો આપને કોઈ જ હક્ક નથી.’
‘હક છે...!’નાગપાલ કઠોર અવાજે બોલ્યો, ‘તમે ક્યાં જવા માટે નીકળ્યાં હતાં એનો જવાબ આપો.’
‘મારો એક બીજો પ્રેમી હતો અને એને મળવા માટે ગઈ હતી એમ જો હું કહું તો ?’
‘તમારી વાત કદાચ સાચી જશે. પણ તો પછી તમે એને શા માટે ન મળ્યાં ?’
‘મને યોગ્ય ન લાગ્યું એટલે ન મળી !’
‘મિસ સાધના...! આવો જવાબ આપીને તમે મને પડકાર ફેંકો છે !’
‘હું તો મારા પ્રેમીને મળવા ગઈ હતી. આપને આમાં પડકાર લાગતો હોય તો એમાં હું શું કરું ?’
‘તમારા પ્રેમીનું નામ શું છે ને એ ક્યાં રહે છે ? મને એના વિશે જણાવો !’
‘આપને મારા પ્રેમી વિશે જણાવવાનું મને જરૂરી નથી લાગતું. હું શા માટે આપને તેનું નામ-સરનામું જણાવું ?’
‘કેમ...? તમે શા માટે જણાવવા નથી માંગતા ?’
‘એટલા માટે કે હું તેને પ્રેમ કરું છું. અને હું મારા પ્રેમને ઉજાગર કરવા નથી માંગતી.’
‘શા માટે ઉજાગર કરવા નથી માંગતા?’
‘નાગપાલ સાહેબ, હું એક ભારતીય નારી છું. હું કોઈની યે સમક્ષ મારા પ્રેમને ઉજાગર કરવા નથી માંગતી. ઉજાગર કરવામાં હું મારું અપમાન માનું છું.’
‘તો પછી તમે તેને પ્રેમ નથી કરતાં ! અને જો કરતાં હો તો પછી તમારો પ્રેમ ખોટો છે. હંમેશા ખોટી વાતને જ છૂપાવવામાં આવે છે.’
‘નાગપાલ સાહેબ...!’સાધના ઉત્તેજનાભર્યા અવાજે બોલી.
‘છોકરી...!’સહસા નાગપાલનો અવાજ બરછીની ધાર જેવો તીખો થઈ ગયો., એનો ચ્હેરો કમાનની જેમ ખેંચાયો, આંખો લાલધુમ થઈ ગઈ. એણે કરડાકીભર્યા અવાજે કહ્યું, ‘અત્યાર સુધી હું તારી સાથે પ્રેમથી વાતો કરતો હતો. કાન ખોલીને સાંભળ, તારે મારા દરેક સવાલના જવાબ આપવા પડશે. જે પ્રેમી વિશે તું સવિતાદેવી તથા સેવકરામે નથી જણાવી શકાતી, એ પ્રેમી વિશે તું તારા બંગલાના ચોકીદારને જરૂર જણાવી શકે છે. ખરું ને? જે વાત કે કામમાં તું તારા ચોકીદારની મદદ લે છે, એ કામ, એ વાત મારાથી-પોલીસથી ખાનગી રાખી શકીશ એમ જો તું માનતી હો તો એ તારી મોટામાં મોટી ભૂલ છે. પોલીસની તપાસમાં તારા જેવી છોકરી અડચણ જરૂર ઊભી કરે છે. પરંતુ એ અડચણ મારે માટે મુશ્કેલીનું કારણ નહીં બની શકે કારણ કે સી.આઈ.ડી. વિભાગમાં લેડી ઈન્સ્પેક્ટર પણ છે. ખેર, તેં બહાદુરને ક્યાં છૂપાવી રાખ્યો છે.’
‘મને ખબર નથી.’
‘તને ખબર છે...તું બધું જ જાણે છે. અમે તને પૂછપરછ ન કરી શકીએ એટલા માટે જ તેં એને ક્યાંક મોકલી દીધો છે. એ અમારી ચુંગલામાં આવી જાત તો પછી તેં ન બચી શકત ! અત્યારે તું મારા જે સવાલોના જવાબ આપવાની ના પાડે છે, એ જવાબો હું તેની પાસેથી મેળવી લેત ! ખેર, આ જવાબો સી.આઈ.ડી. વિભાગની લેડી ઈન્સ્પેક્ટર પણ તારી પાસેથી મેળવી શકે તેમ છે.’
‘આપ મને ટોર્ચર કરવાની ધમકી આપે છે ?’સાધનાનો અવાજ ક્રોધના અતિરેકથી ધ્રુજતો હતો, ‘આપ મારી ધરપકડ શા માટે નથી કરી લેતા ? કરી લો મારી ધરપકડ ! હું બધાં ખૂનનો આરોપ મારા માથા પર ઓઢી લઉં એમ જ આપ ઈચ્છો છે. ને ? પોલીસ પોતાની નિષ્ફળતાની જે પગલું ભરે છે, એ જ પગલું આપ પણ ભરો છો. સરકારી વકીલ કઈ રીતે કોર્ટમાં મને ગુનેગાર પુરવાર કરશે એ વાતનો વિચાર આપે મારી ધરપકડ કરતાં પહેલાં કરવો પડશે. એ વખતે મારી વિરુદ્ધ આપની પાસે કોઈ પુરાવાઓ નહીં હોય તો પછી આપ શું કરશો ?’
‘એ વખતે મારું શું થશે તેની મને ખબર છે. મારી પાસે પુરાવાઓની કોઈ કમી નહીં હોય ! તારી ધરપકડ કપરતાં પહેલા હું તારી પાસેથી જ પુરાવાઓ મેળવી લઈશ. ખેર, મારા સવાલનો જવાબ આપ કે તેં ચોકીદારને ક્યાં છૂપાવી દીધો છે.?’
‘ચોકીદાર...ચોકીદાર...ચોકીદાર ! હું કોઈના વિશે કંઈ જ નથી જાણતી. મારે આ વાત કેટલી વાર આપને કહેવી ?’સાધનાએ ચીસ જેવા અવાજે કહ્યું.
‘તું હજુ નાની છે...! તારા બૂમ-બરડાની મારા પર કંઈ અસર નથી થવાની ! હું એ ચોકીદાર વિશે પૂછું છું કે જેને તેં...માત્ર તે જ ક્યાંક છૂપાવી દીધો છે. જો એ ક્યાં છે તે તું મને જણાવી દઈશ તો પછી હું તને બીજું કંઈ જ નહીં પૂછું. મારી પૂછપરછ માત્ર ચોકીદાર સુધી જ સીમીત રહેશે.’
‘નાગપાલ સાહેબ...!’સાધનાએ તેની સામે જોતાં કહ્યું, ‘તો તો પછી આપે મને પૂછવાની જરૂર જ કયાં રહેશે ? આપ બધું તેને જ પૂછી લેશો.’
‘શું પૂછી લેશું ?’
‘જે આપ પૂછવા માંગો છો તે !’
‘હૂં...’નાગપાલના ગળામાંથી હૂંકાર નીકળ્યો, ‘તો એનો અર્થ એ થયો કે તેં જ એને ક્યાંય છૂપાવી દીધો છે.’
‘આપને જેમ માનવું હોય તેમ માનો ! હું તો માત્ર એટલું જ કહેવા માગું છું. કે આ બંગલામાં થયેલાં ખૂન સાથે મારે કંઈ જ સંબંધ નથી. આપની નજરમાં માત્ર હું જ બચી છું. એટલે આપ મને ગુનેગાર બનાવીને કાયદાની ઔપચારિકતા પૂરી કરી નાંખવા માંગો છો.’
‘તારી માન્યતા તદ્દન ખોટી છે.તું હજુ નાની છે ! મેં હમણાં જ તને કહ્યું હતું કે પોલીસ દોરડાને સાપ ને સાપને દોરડું બનાવી શકે છે. પણ હું એવો નથી. હું માત્ર ગુનેગારને જ ઘટતા ફેજે પહોંચાડીશ. જો તેં કોઈ ગુનો નહીં કર્યો હોય તો દુનિયાની કોઈ તાકાત તારો વાળ વાંકો નહીં કરી શકે. એથી ઊલટું જો તેં ગુનો કર્યો હશે તો એ સંજોગોમાં તને કોઈ કરતાં કોઈ જ નહીં બચાવી શકે !’
‘મેં કોઈ ગુનો નથી કર્યો !’
‘તો પછી મારા સવાલોના જવાબ આપવામાં તને શું વાધો છે ? તારા કહેવા મુજબ તારો કોઈક પ્રેમી છે અને તું રાત્રે તેને મળવા માટે જાય છે, આ વાત તું એ નોકર દરજજાના માણસથી નથી છૂપાવી શકતી પણ અમારાથી છૂપાવવની જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે તું કમજોર છો.? ગુનો કર્યો છે...તું ગુનેગાર છે !’
‘મેં કોઈ ગુનો નથી કર્યો ?’સાધના જોરથી બરાડી.
‘ખરેખર તેં કોઈ ગુનો નથી કર્યો ?’
‘ના...જો મેં કોઈ ગુનો કર્યો છે, એમ આપ માનતા હો તો મારી ધરપકડ શા માટે નથી કરતા ? આપ બોલાવતા શા માટે નથી લેડી ઈન્સ્પેક્ટરને, કે જે મારા હાથમાં હાથકડી પહેરાવી, મને ટોર્ચર ચેર પર બેસાડીને આપના જે સવાલોના જવાબો હું નથી આપતી એ સવાલો મને પૂછે ! નાગપાલ સાહેબ, આપ પણ કાન ખોલીને મારી વાત સાંભળી લો.’
નાગપાલે પ્રાર્થના નજરે તેની સામે જોયું.
‘હું મરી જઈશ...આપ મારા દેહના ટુકડે ટુકડા કરી નાખશો તો પણ મારું મોં નહીં ઉઘડે ! આપ તો શું, દુનિયાની કોઈ જ તાકાત હું કોને મળવા માટે ગઈ હતી ? કયાં ગઈ હતી, એ વાત કોઈ જ નહીં જાણી શકે ! હું હસતાં હસતાં મૃત્યુને વધાવી લઈશ, પણ આ સવાલનો જવાબ નહીં જ આપું !’સાધનાનો અવાજ મક્કમ હતો.
‘દિકરી...!’સવિતાદેવી નરમ અવાજે કહ્યું, ‘તું કોઈ ગુનો નથી કરી શકે તેમ હું જાણું છું, જો તેં ગુનો ન કર્યો હોય તો પછી તું શા માટે નાગપાલ સાહેબના સવાલનો જવાબ ન આપીને તારી જાતને શંકાના વમળમાં ધકેલે છે ?’
‘સોરી, આંટી...!’સાધના સવિતાદેવીની આંટી કહીને જ બોલાવતી હતી, ‘દુનિયા ભલે ગમે તે માને ! પણ હું મારી જાતને શંકાની પરિધિમાં નથી માનતી ! મારી ધરપકડ કરવામાં આવશે ! મારા પર કેસ થશે ! બધાં ખૂનનો આરોપ મારા માથા પર આવશે ને મારા ગાળામાં ફાંસીનો ગાળીયો ચડી જશે. આ બધું હું જાણું છું. પરંતુ આથી વિશેષ કંઈ જ નહીં થાય ! હું મરી જઈશ. મને મૃત્યુનું જરા પણ દુ:ખ કે ભય નથી. પરંતુ હું કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું તે નહીં જ આપું.!’
સાધનાનો દેહ આવેશ ને ક્રોધથી ધ્રુજવા લાગ્યો. એ ઊભી થવા માંગતી હતી પરંતુ નાગપાલે તેને બેસી જવાનો સંકેત કરતાં કહ્યું, ‘તું કોની પાસે ગઈ હતી એ સવાલનો જવાબ ન આપવાનું તે નક્કી જ કરી લીધું છે એમ ને ?’
‘હા...અને મારો આ નિર્ણય કોઈ જ ફેરવી શકે તેમ નથી.’
વળતી જ પળે નાગપાલ ખડખડાટ હસી પડ્યો.
હવે એના ચહેરા પર કઠોરતા કે ક્રોધના હાવભાવ નહોતા એ મુક્ત મને ખડખડાટ હસતો હતો.
એના અટ્ટહાસ્યનો અવાજ વિશાળ ડ્રોંઈગરૂમમાં પડઘા પાડતો ગુંજતો હતો.
સાધના, સવિતાદેવી અને સેવકરામ નર્યા-નિતર્યા અરચરજથી નાગપાલ સામે જોવા લાગ્યા. જ્યારે વામનરાવ તથા અમરજી મૂંઝવણ ભરી નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતા. જાણે સાધનાની કોઈક ભૂલ પકડાઈ ગઈ હોય એવું નાગપાલના હાસ્ય પરથી તેમને લાગતું હતું.
સાધનાના ચહેરા પર ગભરાટના હાવભાવ છવાયા. ક્રોધથી કંપતા દેહમાં પગથી માથા સુધી ભયનું ઠંડુ લખલખું વિજળી વેગે પસાર થઈ ગયું.
તે એકીટશે નાગપાલ સામે તાકી રહી.
‘સાધના...!’નાગપાલે હાસ્ય બંધ કરીને ઉપેક્ષાભર્યા અવાજે બોલ્યો, ‘મેં તને હમણાં જ કહ્યું ને કે તું નાની છે...!’
‘આ...આપ કહેવા શું માંગો છો ? સાધનાએ થોથવાતા અવાજે પૂછ્યું.
‘એ જ કે તું હજુ નાની છે !’
‘હું નાની નથી નાગપાલ સાહેબ ! તમે આ રીતે મને ગભરાવી નહીં શકે ! દુનિયાની કોઈ તાકાત મને ગભરાવી શકે તેમ નથી.’
‘બરાબર છે...પણ તેમ છતાંય તું તેને બચાવી શકે તેમ નથી.’
‘કોને...? કોને બચાવી શકું તેમ નથી.?’
‘એને જ કે જેને તું ચૂપચાપ મળવા માટે ગઈ હતી ! પહેલી રાત્રે તું જેને મળીને આવી હતી ! તું અમારાતી તેને છૂપાવી રાખીશ એમ માનતી હતી. પણ ના...તારી આ માન્યતા ખોટી છે. એ અમારા કબજામાં છે.’
‘ના...’
‘એ અમારી ચુંગાલમાં છે !’
‘ના, હું ખોટું નહીં પણ સાચું જ બોલું છું. એ જ્યાં છે, ત્યાં અમારી જાળમાં જ છે ! બે કલાક પછી તે અમારા કબજામાં હશે !’
‘આવું બોલીને આપ મને ગભરાવી નહીં શકો !’
‘સાંભળ...બહાર મારી જીપ ઊભી છે. જીપમાં વાયરલેસની વ્યવસ્થા છે. હું જ્યારે અહીં પહોંચ્યો ત્યારે જ વાયરલેસ મારફત બહાદુરની ધરપકડ થઈ ગયાની સૂચના મને મળી હતી. હું એ વખતે ત્યાંથી જ પાછો ચાલ્યો જવા માગતો હતો. પગ એ પહેલાં મને તારી સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું.’કહીને નાગપાલે, ઘડિયાળમાં સમય જોયો, ‘અત્યાર સુધીમાં તો તેને ટોર્ચર ચેર પર બાંધી દેવામાં આવ્યો હશે. ત્યાં મારી જ રાહ જોવાતી હશે. હું ત્યાં પહોંચું એટલી જ વાર છે. પછી એને બોલવું પડશે...મારા એકે એક સવાલોના જવાબ આપવા પડશે.!’
‘ના...અશક્ય...બહાદુર પકડાય જ નહીં !’
‘કેમ...? શા માટે ન પકડાય ? છોકરી...હું સાચું જ કહું છું. બહાદુર પકડાઈ ગયો છે. હવે બે કલાક પછી હું પૂછપરછ કરી, તેને હાથકડી પહેરાવીને ફરીથી અહીં આવીશ. એ વખતે મારી સાથે લેડી ઈન્સેપક્ટર પણ હશે. એ લેડી ઈન્સ્પેક્ટર તને હાથકડી પહેરાવશે સમજી ?’કહીને નાગપાલ ઊભો થયો.
નાગપાલની વાત સાંભળીને સાધનાના ચહેરાનો રંગ ઊડી ગયો. એ પોતાના હાવભાવ છૂપાવવા માટે નીચું જોઈ ગઈ.
નાગપાલને ઊભો થયેલો જોઈને વામનરાવ તથા અમરજી પણ ઊભા થઈ ગયા.
ત્યારબાદ એ ત્રણેય ડ્રોંઈગરૂમમાંથી બહાર નીકળી ગયા.
સવિતાદેવી તથા સેવકરામ પણ તેમની પાછળ પાછળ બહાર નીકળ્યા.
એ લોકો બહાર નીકળ્યા કે તરત જ સાધનાએ સોફા પરથી ઊભી થઈ, આગળ વધીને ટેલિફોનનું રિસિવર ઊંચક્યું. પછી તે કંપતા હાથે એક નંબર મેળવવા લાગી.
સામે છેડે ઘંટડી વાગવા માંડી. સાધનાને નાગપાલની જીપ સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો તેનો રિસિવરવાળો હાથ ધ્રુજતો હતો. આંખોમાં ભય છવાઈ ગયો હતો.
‘હલ્લો...’થોડી પળો બાદ સામેથી અવાજ આવ્યો.
‘હું સાધના બોલું છું.’
‘દિકરી...!’સામે છેડેથી આવતો અવાજ બહાદુરનો હતો, ‘શું વાત છે ? તારો અવાજ આટલો ગભરાયેલો શા માટે છે.?’
‘કાકા...તમે...ઓહ...હમણાં...નાગપાલ સાહેબ આવ્યા હતા. તમે પકડાઈ ગયા છો એમ તેઓ કહેતા હતા. બહાદુરનો અવાજ સાંભળીને છૂટકારાનો શ્વાસ લેતાં સાધના બોલી.
‘મને તો કંઈ જ નથી થયું. હું અહીં સહીસલામત જ છું.’
‘બધું બરાબર છે ને ?’
‘હા...આ પોલીસવાળાઓ નાહક જ ગપગોળા ગબડાવે છે. તું એની વાતોમાં કેવી રીતે ભોળવાઈ ગઈ ?’
‘હું તમારી ધરપકડની વાત સાંભળીને એકદમ ગભરાઈ ગઈ હતી.’
‘સાંભળ...અહીં બધું બરાબર જ છે. અને તું અહીં આવવાનો પ્રયાસ ન કરતી ! પોલીસ ફરીથી તારો પીછો કરશે. તેઓ કહે છે કે તું ભૂલેચૂકે આ તરફ ન આવતી !’
‘ભલે...હું સાવચેત રહીશ.’
‘તેઓ કહે છે કે હવે પછી ક્યારેય બંગલામાંથી ફોન પણ કરીશ નહીં ! પોલીસવાળાઓ ફોન ટેપ કરી લે છે !’
‘ઠીક છે...હું એનું ધ્યાન રાખીશ.’
‘બીજું કંઈ ?’
‘નાગપાલ સાહેબ, મારી ધરપકડ કરવાની ધમકી આપીને ગયા છે !’
‘તું કશીયે ફિકર નહીં ! તને કંઈ જ નહીં થાય !’
‘મને તો માત્ર તમારી જ ચિંતા થાય છે !’
‘અમારી ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ફોન રાખવાનું કહે છે.!’
‘ઠીક છે...’કહીને સાધનાએ રિસિવર મૂકી દીધું.
ત્યારબાદ એક ઊંડો શ્વાસ લઈને તે કપાળ પર વળેલો પરસેવો લૂછવા લાગી.
***