ટિપ્પણી :
કાનો વાંસળી ને પોતાના આલીંગનમાં આરોપીને જ રાખે છે.
કાનાની આ મનસા રાધાજી એમનાં મનડે ભાસે છે.
કાના માટે વાંસળી એટલે શું? :
વાંસળી વગર કાનાનું અસ્તિત્વ શક્ય જ નથી. અનેં જો એ શક્ય બન્યું તો દ્વારિકા માં દ્વારિકાધીશ સાથે ,જે રાધાપ્રેમી રુક્મણી માં આપણે જોઈ ગયાં.
વાંસળીમાં ગહન પ્રણય અનેં મમતા નો વાસ છે. જ્યાં સુધી કાના પાસે વાંસળી હતી ત્યાં સુધી પ્રેમની સુવાસ આખા વૃજ નેં એનાં બાહુપાશ માં જકડીનેં બેઠી હતી. જ્યારે માધવ વૃજ છોડીને મથુરા ગયા અનેં જવાબદારી નાં બોજ નીચે એમણેં વાંસળી નેં વૃજ માં જ મૂકી ત્યારે પ્રણયનો એ ભીનો સહેવાસ અને કોમળ અહેસાસ અહીં વૃજમાં જ છૂટી ગયો.
કેમકે, વાંસળી અનેં પ્રેમ,
વાંસળી અને કોમળતા,
વાંસળી અને ૠજુતા,
વાંસળી અનેં વાત્સલ્ય,
વાંસળી અને સરળતા,
વાંસળી અનેં ગાયો,
વાંસળી અને વૃજ,
વાંસળી અને મોરલાં,
વાંસળી અનેં ગોપીજન,
વાંસળી અનેં ગોવાળિયા,
વાંસળી અનેં નંદજશોદા
આ બધું એકસાથે રહી શકે.
પણ, વાંસળી અનેં કઠોરતા નો સાથ એકદમ અશક્ય જ છે એટલે જ કાનાએ વૃજ છોડ્યું અને સાથે વાંસળી છૂટી.
આ બધું છોડ્યાં પછી મથુરા માં કંસનો સંહાર કરવાનો હતો અને, દ્વારિકામાં યાદવાસ્થળી માં પોતાનાં જ કુળનો સંહાર. આ બધું મોક્ષનાં પૂર્વાધે આગળ વધવાનું હતું. એટલે જો વાંસળી સાથે હોત તો માધવ આ બધું કદાચ કરી જ ના શકત.
એટલે જ માધવે વાંસળી વૃજમાં છોડી અનેં ત્યારે વાંસળી ખુબ જ રડી. કેમકે માધવ વગર એનું ક્યાં કોઈ અસ્તિત્વ જ હતું. ત્યારે માધવે એનેં ખુબ જ સમજાવી.
માધવ અનેં વાંસળી નાં વાર્તાલાપ નાં એકમાત્ર પ્રેક્ષક રાધાજી હતાં, અને એમણેં માધવની વાંસળી ની જવાબદારી સહર્ષ પોતાનાં માથે લીધી અનેં માધવ વૃજ છોડી શક્યા પણ બે સૌથી વ્હાલાં એમનાં સહર્દયી રાધાજી અનેં વાંસળી વગર....
મથુરામાં કંસનાં વધ પછી,માધવ મહાભારતનાં યુધ્ધમાં અર્જુન નાં સારથી બન્યાં અને ત્યાંથી એ દ્વારિકા યાદવાસ્થળી ને પૂર્ણ કરવા પધાર્યા. એકસો પચ્ચીસ વર્ષ નાં એમનાં આયુષ્ય ની સમાપ્તિ અનેં દેહોત્સર્ગ પછી જ્યારે રાધામાધવ નું પૃથ્વી પર
પુનઃમિલન થયું ત્યારે, વાંસળી ની પ્રેમાળ અમાનત રાધાજી એ એકદમ જવાબદારી પૂર્વક સંભાળી હતી. અનેં લાગણીથી બંધાયેલાં રાધાજી કાના નાં આટલાં વર્ષો નાં વિરહ માં વાંસળી નાં બધાજ સૂર આબેહૂબ રીતે વગાડતાં શીખી ગયા હતાં. માધવનેં ફરી મળતા પહેલાંની રાધાજી ની તપશ્ચર્યા અનેં સાધના નો આ એક અનેરો તરવરાટ રાધાજી માં વિરહનાં વર્ષો માં જીવી રહ્યો હતો.
અનેં રાધાજી એ જવાબદારી સાથે વાંસળીનાં સથવારે માધવનેં પણ પોતાના માં અવિરત જીવંત રાખ્યા હતાં.કહેવાય છે કે વાંસળી નાં સહારે ઉંમરનાં એક પડાવે પણ રાધાજી નવયૌવના સ્વરુપે જ ગૌલોકગમન વખતે માધવ નેં મળ્યાં હતાં. રાધાજીનાં કોમળ વ્યક્તિત્વ સાથે વાંસળીનાં પ્રેમાળ અસ્તિત્વ નો આ એક અનોખો, અલૌકિક પ્રભાવ હતો. આ વાત તો સ્વીકારવી જ રહી.
માધવની તમામ ઐશ્વર્યશક્તિ નું પ્રમાણ છે આ વાંસળી.
કાનાનું પ્રેમાળ હ્દય છે આ વાંસળી.
વિરહમાં પણ છૂટેલાં પ્રેમનાં સુર નું પ્રમાણ છે આ વાંસળી.
ભેદાવા છતાંપણ રેલાવાનો અનોખો વિશ્વાસ છે આ વાંસળી.
છેદાવા છતાં પણ પ્રણયહૈયાં નેં જોડવાનું નામ છે આ મીઠી વાંસળી.
માધવની પ્રીતનું પ્રમાણ છે આ વાંસળી.
રાધાનાં વિરહનો મીઠો મધુરો વલોપાત છે આ વાંસળી.
વૃજની વનરાજી નાં અવિરત ચાલતાં શ્વાસ છે આ વાંસળી .
ગાયોનાં ગળાની ઘંટડીનો ગુંજતો નાદ છે આ વાંસળી.
મોરલાના નૃત્ય નો કલાત્મક આવિર્ભાવ છે આ વાંસળી.
યશોદામૈયા નાં હૈયાં ની મીઠી હાશ છે આ વાંસળી.
નંદબાબા નાં માખણનો નીકળતો મધુર ક્યાસ છે આ વાંસળી.
ગોપીજનનાં હૈયાની ધ્રુજતી પણ ગમતી હાશ છે આ વાંસળી.
રાધાજી નાં રુદિયે માધવનો ગમતો અહેસાસ છે આ વાંસળી.
વૃજનાં કણેકણનું આવિષ્કારી જીવંત પ્રમાણ છે આ વાંસળી.
આવી, આવિષ્કારી વાંસળી એ કાના નું હ્રદય છે પણ રાધાજી નાં હ્દય નો પણ અવિરત ચાલતો મીઠો ધબકાર છે. કાનાનાં વિરહમાં એક વાંસળી જ તો, કાના ની નિશાની હતી જેનાથી રાધાજી જીવી રહ્યાં હતાં.
પણ વર્ષોનાં વિરહ પછી જ્યારે માધવ અનેં વાંસળી નું મિલન થયું અને માધવ રાધા કરતાં પ્રથમ વાંસળી નેં નિહાળવા તરસ્યા ત્યારે રાધાજી નેં એનો અહેસાસ થવા લાગ્યો હતો. પણ, પૃથ્વી પરથી તો વિદાય લેવાનો સમય આવી ગયો હતો એટલે જે થશે એ ગૌલોક માં ગયા પછી જોયું જશે આમ વિચારી રાધાજી વિચારો નાં વમળ માં પણ શાંત રહ્યા અને ચોક્કસ સમય ની રાહ જોવા લાગ્યા ,જ્યારે માધવ પાસે થી આ વાત નું એ પ્રમાણ માંગશે.
આટલી બધી ભાગ્યશાળી વાંસળી બનવા માટે કેટકેટલાં ભોગ આપવા પડે છે આ તબક્કે એ તો આપણે જાણવું જ રહ્યું.
કાષ્ઠ માંથી બનેલી આ વાંસળી નેં કેટલું સહન કર્યા પછી કાના નો સહવાસ પ્રાપ્ત થાય છે.એમજ જીવનમાં મનુષ્ય થયાં પછી કેટલાં બલિદાન અનેં ત્યાગ આપવા પછી જ માધવનું શરણું મળે છે આ વાત એનું પ્રમાણ છે.
સૌ પ્રથમ કાષ્ઠ નું છોલાવું અનેં કપાવું અસહ્ય દર્દ ની પરાકાષ્ઠા એ જ આ કામ શક્ય છે અને એ વાંસળી કરે છે ત્યારે જ માધવનાં અધરે ક્ષુધારસ મેળવી તૃપ્ત બને છે. આપણેં માણસો નેં પણ આ જ શીખ માધવ આપે છે પ્રણય નાં પુષ્પોમાં મહેંકતા પહેલાં સંબંધો માં છોલાવું પડે છે અનેં સમાજનાં નિયમો પ્રમાણે કપાવું પડે છે ત્યારે જ માધવ આલિંગને આપણનેં લેવા સામેથી આવે છે.
ત્યાર પછી શરીરે ભેદાવું અેટલે કાણાં બની છેદાવું અનેં ત્યારે જ મનગમતાં સૂર માં રેલાવું. સરળ ,ભેદાયા વગરનાં કાષ્ઠ માંથી સૂર નાં નીકળે એનાં માટે અંગે ભેદાવું પડે. તેમ માણસે પણ લાગણીઓ માં ભેદાવું પડે, ઈચ્છા ઓ માં છેદાવું પડે, અભિમાન માં છોલાવું પડે, ગર્વ માં તોડાવું પડે, અહમ્ માં નમી જવું પડે, નમતા રહી ને પણ સર્વ નેં સમજવું પડે... ત્યારે જ તો માધવનાં શરણ નેં પામી શકાય અનેં માધવનાં મને મ્હાલી શકાય.
વાંસળી નાં આટ આટલાં ત્યાગ પછી એ માધવનાં અધરે શોભે છે તો એક માણસ તરીકે મારેં પણ આ જ ત્યાગની ભાવના કેળવવી રહી હું જ આમ નાં કરું તો તમનેં વાચકમિત્રો કેવી રીતે કાંઈ કહી શકું? વાંસળી બનવાની પ્રતિજ્ઞા હું લઈ શકું?
વાંસળી નાં ત્યાગની પ્રેરણાત્મક આ શૈલી માં રાધાજી નાં પ્રેમ અનેં વિકાર બંને નું દર્શન આપણનેં થઈ રહ્યું છે. પણ, જ્યારે એની પરાકાષ્ઠા આવશે ત્યારે રાધાજી નું સ્વરૂપ કેવું હશે? એ તો એક ઉખાણું જ છે.
બસ, આ ઉખાણાં નો ઉકેલ લઈનેં હું આપ સૌની આતુરતા નો અંત લાવવા જલદી થી મુલાકાત કરીશ. ત્યાં સુધી વાંસળીનાં ત્યાગ નેં જીવનમાં ઉતારવા અનેં ફરી એકવાર માધવની અલૌકિક રચના એટલે આપણેં મનુષ્ય ના માટે એનેં અભિમાન કરાવવા નાં વાયદા સાથે અહીં વિરમું છું.
વાંસળી નાં અધ્યાયે મનુષ્ય ની થઈ ખરી ઓળખાણ,
વાંસળીનાં ત્યાગે માધવ પણ છેતરાયો છે આજ.
વાંસળી નાં સૂરે લોભાયો માધવનો શ્વાસ.
વાંસળીનાં વ્યક્તિત્વ એ અંજાયો માધવનો અહેસાસ.
માણસને માણસાઈ માટે અપાયો છે આઘાસ.
જીવનની વિટંબણા એ બલિદાન નાં આપ્યાં છે પાઠ.
વિષાદ અનેં વેદનામાં પણ કરજો મારી વાંસલડી નેં યાદ.
માણસ બની જશો મારાં વ્હાલાં અનેં માધવનાં પણ ખાસ.
માધવની સૂરીલી શીખ સાથે સ્વસ્થ રહો, હસતાં રહો, જીવનનાં આ અઘરાં પંથે અવિરત આનંદે મહેંકતા રહો.
જય શ્રી કૃષ્ણ
મીસ. મીરાં.