Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધી અને ઇન્સ્પેકટર પટેલ (ભાગ-૧)

ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે જયંતની સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' 'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.'

આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા.

જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ ધરાવતો હતો. પિતા એમની પાછળ કરોડોની સંપત્તિ છોડીને ગયા હતા. એ સંપત્તિને સાચવવા સિવાય એની પાસે કોઈ કામ નહતું એટલે એ શેર બજારમાં કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને એમ વૃદ્ધિ કરતો રહેતો. જે વખતે જયંતનું મૃત્યુ થયું એ સમયે એનો દીકરો અને પત્ની વેકેશન ગાળવા સાપુતારા ગયા હતા. કોઈ કારણવશ જયંત એમની સાથે નહતો ગયો. એ માટે પત્ની સાથે નાનો ઝઘડો પણ થઈ ગયો હતો.

"આ ડોક્ટર શેખે પણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપવામાં લગભગ વિસ કલાકનો સમય લગાડ્યો", પટેલે ત્રાડ પાડી, "આટલો સમય પણ લાગતો હશે ભલા?!", એમણે હવાલદારને કહ્યું, "જરા ફરી એકવાર ફોન લગાવો એમને". ગમે તેટલા ગુસ્સામાં પણ એ બીજાને યોગ્ય માન આપવાનું નહતા ચુકતા.

"જી સાહેબ", હવાલદારે યંત્રવત ફોન લગાવ્યો.

થોડી વારની વાતચીત પછી હવાલદારે કહ્યું, "એમનો માણસ આવે છે લઈને સાહેબ"

"ઠીક છે", એમણે કહ્યું,"અરે! એક ચા મંગાવો. અકળામણથી મગજ ફાટે છે"

પંદરેક મિનિટ પછી ડોક્ટર શેખનો માણસ હાથમાં એક કવર લઈને ઉપસ્થિત થયો.

ચાનો અડધો પૂરો થયેલો કાચનો ગ્લાસ તરત બાજુમાં મૂકી પટેલે એના હાથમાંથી કવર લીધું.

"શુ કહે છે શેખ સાહેબ?", કવરમાંથી રિપોર્ટ કાઢતા કાઢતા એમણે ઉત્કંઠાવશ પૂછ્યું.

"ઇટ્સ અ ક્લિયર કટ મર્ડર", આવેલા માણસે કહ્યું, “એવું શેખ સાહેબે કહ્યું છે”

“મોતનું કારણ?”, પટેલની ઉત્કંઠા હજી બરકરાર હતી.

“એક પોઈઝન છે સર. પણ કયું પોઈઝન છે એ હજી સુધી શેખ સાહેબને ખબર નથી પડી રહી”

“એટલે?”

“કોઈ ખતરનાક પોઈઝન છે સર. અત્યાર સુધી શેખ સાહેબે એમની ફોરેન્સિક લાઈફમાં આ પોઈઝન સાથે કામ લીધું નથી”

“ઓહ આઈ સી! તમે રીપોર્ટ અહી મુકતાં જાઓ. આગળનું શું કરવું એ વિચારવું પડશે”

“હા, પણ એક વાત માટે શેખ સાહેબ ચોક્કસ છે”

“કઈ વાત?”, કશીક વધુ માહિતી મળવાના વિચારે પટેલના મનમાં ઝીણો ચમકારો કર્યો.

“એ જ કે કોઈએ પોઈઝન ખુબ નજીકથી આપેલું છે અને પોઈઝન શરીરમાં દાખલ થતાની ત્રીજી જ સેકન્ડે

એમનું મોત થયેલું છે”

“બરાબર”, એ માત્ર આટલું જ બોલ્યા. પેલો માણસ રવાના થયો.

બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર પટેલ દાખલ થયા. પોતાની ડેસ્ક પર બેઠા ત્યાં એક કુરિયર પડેલું હતું.

એ ઉઠાવીને એને તોડતા તોડતા હવાલદારને પૂછ્યું, “ક્યાંથી આવ્યું છે?”

“સર તમારા માટે જ આવ્યું છે. ખબર નહિ ક્યાંથી આવ્યું છે. એના પર કોઈ એડ્રેસ નથી લખેલું”

“બરાબર”,કહેતા એમણે અંદરથી કાગળ બહાર કાઢ્યો.

કાગળમાં માત્ર આટલું જ લખેલું હતું.

“એને મેં જ માર્યો છે. એના જેવા લોફર માટે આ જ સજા યોગ્ય હતી. તમારી તાકાત હોય તો મને શોધી લો.”

પટેલ સડક થઇ ગયા. કોઈ આટલી હદે પોતાને પડકાર આપી જાય અને કેસ સોલ્વ ના કરી શકે તો

પોતાની જ નજરમાં પોતે ઉતરી જાય.

તાબડતોબ પટેલ પોતાની જીપ લઈને જયંતના ઘરે પહોચ્યા. સાપુતારાથી દુખદ સમાચાર સાંભળીને પરત

આવેલા એના પત્ની અને પુત્રને સાંત્વના આપી અને કેસ જલ્દીથી સોલ્વ કરી આપવાની બાંહેધરી આપી. યોગ્ય સમય જોઈ એમણે જયંતનું વસિયતનામું માંગ્યું. એમણે જોયું કે એમાં જયંતે બધી સંપત્તિ પત્ની અને પુત્રના નામે કરી હતી.

વસિયતનામું એની પત્ની તરફ આંગળી ચીંધતું હતું. પણ તે પોતે પુત્ર સાથે સાપુતારા હોઈ એમની શંકાનો

છેદ ઉડી ગયો. ઉપરથી જે પોઈઝન આપીને એને મારવામાં આવ્યો હતો એ આપ્યા પછી ત્રીજી સેકન્ડે એ મોતને ભેટ્યો એટલે એની પત્ની એને ધીમું ઝેર આપતી હોય એ વાત પણ શક્ય નહતી. પટેલે ક્ષણાર્ધમાં આટલું વિચારી લીધું.

“એમના વકીલનો નંબર મળી શકશે?”, પટેલે આગળનું સ્ટેપ લીધું

“જી એક મિનીટ આપું”

પટેલે વકીલને ફોન કરીને એનું એડ્રેસ લીધું અને ત્યાંથી રજા લઇ જીપ સીધી એ જ સરનામે હંકારી ગયા.

“આવો પટેલ સાહેબ!”, વકીલે આવકાર આપ્યો, “કેમ આવવાનું થયું આ બાજુ”

એમણે જયંતના કેસ અંગે જણાવ્યું. વકીલે પોતાની જયંત સાથે એના મૃત્યુ પહેલા થયેલી છેલ્લી મીટીંગ વિષે સંભળાવતા કહ્યું,

“એ દિવસે જયંતભાઈ એકદમ અલગ મૂડમાં જ હતા. એમણે એમની વસીયત બદલવાની વાત કરી. એટલે હું ચોંક્યો. મેં એમને કહ્યું પણ ખરું કે આમ કરવું યોગ્ય નથી પણ એ ન માન્યા”

“એવું તો શું કહ્યું એમણે?”

“એમણે એમની સંપત્તિનો એક તૃતીયાંશ હિસ્સો કોઈ બીજીને આપવાની વાત કરી”

“બીજી? એટલે?”, પટેલ ચોંક્યા.

“એમનું એક્સ્ટ્રા મેરીટલ અફેયર હતું અને તેઓ એમની ત્રીજા ભાગની સંપત્તિ તેઓ એમના નામે કરવાનું કહેતા હતા”

“તો તમે બનાવી આપી?”

“મને તો મારો ક્લાયન્ટ કહે એમ કરી જ આપવાનું હોય ને સર!, વકીલે પ્રોફેશનલ ભાષામાં વાત કરી અને ઉમેરતા કહ્યું, “પણ એમણે એક હરકત જરા અજુગતી કરી”

“કઈ?”

“એમણે નવી વસીયત બનાવ્યા પછી તરત એનો ફોટો લીધો. જાણે કે કોઈને સાબિતી આપવાની હોય એમ”

“પણ સાબિતી માટે ઝેરોક્ષ પણ લઇ જઈ શકતા હતા”, પટેલે દલીલ કરી.

“એકઝેટલી સર. મને પણ એમ જ થયું. એમને સાબિતી આપવાની એટલી ઉતાવળ હતી કે એમણે એ ફોટો તરત કશે વોટ્સએપથી મોકલાવ્યો હતો”

“ઓકે. થેન્ક્સ ફોર ધ ઇન્ફોર્મેશન. આ માહિતી કેસમાં ખાસી મદદ કરી શકે તેમ છે”

“પ્લેઝર ઈઝ ઓલ માઈન સર”

ઇન્સ્પેકટર પટેલ એ વસીયતની એક કોપી પોતાની સાથે લઇ ગયા. એ ત્રીજી સ્ત્રી કોઈ લીના નામની છોકરી હતી.

પટેલે જેટલી બને એટલી જલ્દી જયંતની કોલ લોગ મંગાવી. જેમાં એની એક નંબર સાથે રેગ્યુલર વાતચીત થતી હતી. જેની તપાસ કરતા એ લીનાનો જ હોવાનું બહાર આવ્યું.

પટેલે તરત એ નંબર ટ્રેસ કરાવીને લીનાને આડેહાથ લેવાનું નક્કી કર્યું. પટેલ એક મહિલા કોન્સ્ટેબલ સાથે જેટલી બને એટલી જલ્દીથી લીનાના ઘરે પહોચે છે.

“મિસ લીના?”

“ઇટ્સ મિસિસ લીના! બાય ધ વે, હુ આર યુ?”

“માયસેલ્ફ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ એન્ડ મિસ લીના, યુ મે બી અન્ડર અરેસ્ટ”, પટેલે એની જ ભાષામાં અને એ જ ટોનમાં કહ્યું.

લીનાના મોઢે પરસેવો આવવા માંડ્યો. થોડા સમય પહેલાની કેફિયત અચાનક ગાયબ થઇ ગઈ, “કેમ સર શું થયું છે?”

“શું થયું છે? બોલે છે તો એવી રીતે કે જાણે કશું જ ખબર ન હોય”, મહિલા કોન્સ્ટેબલે અપરાધીઓને પૂછવાની પોતાની આગવી સ્ટાઈલમાં કહ્યું.

“મને સાચે જ કશી ખબર નથી મેડમ”, લીનાએ માસુમિયતથી કહ્યું.

“એની વે, અમે અંદર આવી શકીએ?”, પટેલે પૂછ્યું.

“હા ચોક્કસ સર. આવો”, લીનાએ કહ્યું.

લીનાના હાલચાલ પરથી પટેલની પારખી નજરને થોડું ઘણું લાગ્યું તો ખરું જ કે લીના કાં તો સાચું બોલે છે કે પછી એક્ટિંગ કરે છે.

“હા તો મિસ લીના સોરી, મિસિસ લીના. તમે જયંત પાઠકને ઓળખો છો?”

“અફકોર્સ સર, મારા જ પતિને હું કેમ ન ઓળખું?”, લીનાએ કહ્યું અને તત્ક્ષણ પટેલના મનમાં એક આંચકો લાગ્યો. પણ બીજી જ સેકન્ડે એમણે વિચાર્યું કે હમણાં લીનાને કશું કહેવું નથી. પહેલા જયંતનું આ રહસ્ય સાંભળી લઉં અને પછી જ વાત કંઈક આગળ વધારું.

“તમારા પતિ? એટલે?”

“એટલે જયંત પાઠક, પાઠક રીયલ એસ્ટેટના માલિક મારા પતિ છે”

“તમારા લગ્ન ક્યારે થયા?”

“ચાર મહિના થયા અમારા લગ્નને”, પોતાનો અને જયંતનો લગ્ન વખતનો ફોટો બતાવતા કહ્યું, “અને આ એની સાબિતી. પણ એમ તો કહો સર કે તમે આમ અચાનક મારા ઘરે આવીને આ બધી પૂછપરછ કરો છો?

“તમને સાચે જ કશું ખબર નથી કે પછી તમે આવું નાટક કરો છો?”, પટેલ હવે થોડા ગંભીર બન્યા.

“ના સર. પ્લીઝ મને જે હોય તે કહો. મને બહુ જ ગભરામણ થાય છે”, લીના અસ્વસ્થ થઇ.

“એક્ચ્યુલી વાત એમ છે કે જયંત પાઠકનું મર્ડર થયું છે. કોઈએ એમને એક ઘાતકી કહેવાતું ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા છે અને એ જ કેસની તપાસ અમને તમારા સુધી દોરી લાવી છે”, પટેલે કહ્યું.

પટેલ છેલ્લું વાક્ય પૂરું કરે એ પહેલા લીના લગભગ મૂર્છિત થઇને ઢળી પડી. પટેલ સામે એક નવી મૂંઝવણ આવી. શું ખરેખર લીના અને જયંત પતિ પત્ની હતાં? તો શું જયંતે બંને મહિલાઓને અંધારામાં રાખી? જયંતનું આવું કરવા પાછળ શું કારણ હશે? અવનવા સવાલો એમના મનમાં ઉભા થવા લાગ્યા...

(ટુ બી કન્ટીન્યુ)....