મરેલો સાપ મોંઘો પડયો Jeet Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરેલો સાપ મોંઘો પડયો

વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં,
તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે,
શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી,
પણ શું મેળવો છો એમાં જ જીવન છે !
                મહીસાગર નદીના ખોળે આવેલ ચરોતર પ્રદેશની આ વાત છે. આસરમા નામનું રળિયામણું ગામ આવેલું છે. 
આ ગામના લોકો મોટે ભાગે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. કુદરતના ખોળે રમતું આ ગામ મને ખૂબ ગમે. એમાંય વળી શિયાળામાં તો અમને ખૂબ મજા આવતી. આવી જ એક શિયાળાની રાત્રે હું અને મારા મિત્રો ફરવા નીકળેલા. સુખ દુઃખની વાતો કરતા અને ચાલ્યા જતા હતા.  અચાનક અમને બૂમ સંભળાઈ, ' એ.... સાપ છે..... સાપ છે. ' અમે બધા સ્તબ્ધ થઈ ગયા. અમાસની રાત્રી હતી, બીક પણ લાગે, કરવું શું?  મારા મિત્રએ  પથ્થરના એક જ ઘાથી સાપને મારી નાખ્યો. બધાએ હાશકારો અનુભવ્યો. હવે અમે નકકી કર્યું  કે આ સાપને  અહીં જ દાટી દો. ત્યારે જ એક માજીએ બૂમ પાડી , ' અહીં દાટશો મા ,  છોકરાઓ અહીં રમે છે. ' રાત થોડી  અને વેશ ઝાઝા જેવી  વાત થઈ. ત્યાં તો ફળિયાના બધા છોકરાઓ ત્યાં આવી પહોંચ્યા. લોલક, નાનીયો, ભીખો સંજય, કેતન, જીગો , પીન્ટુ , પપ્પુ, સુનિલ. ટૂંકમાં એમ કહેવાય કે બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના. 
             માજીનું કહેલું  માની અમે દસ જણા એ મરેલા સાપને દાટવા એક કિલોમીટર દૂર કોતરમાં જવાનું નકકી કર્યું. મારો મિત્ર એક મોટી લાકડી લઈ આવ્યો. લાકડામાં સાપને લપેટી અમે જેમ વરઘોડો નીકળ્યો હોય તેમ નીકળી પડ્યાં. રસ્તામાં પપ્પુ અને લોલકને બીક લાગવા માંડી,  એમણે સ્પષ્ટ જણાવી દીધું કે સાપને અહીં નાખી દો, અમારે આગળ આવવું  નથી.  મારા મિત્ર કેતનને રમૂજ સૂઝી, ' અહીંથી એકલું ઘરે ન જવાય, રસ્તામાં ભૂત છે. ' પપ્પુ અને લોલકે ઘરે જવાની વાત માંડી વાળી. રાત્રિના અગિયાર વાગ્યા હતા. 
        અમે સાપને જે સ્થળે દાટવાના હતા તે સ્થળે પહોંચ્યા. ત્યાં  જીગો બોલ્યો, ' સાપને દટાઈ ના, સળગાવવો પડે. ' જીગાની વાત માની અમે પૂનમકાકાના ખેતરમાંથી લાકડાં એકઠાં કર્યાં. પછી  સાપને બરાબરનો સળગાવ્યો.  આ બાજુ પપ્પુ અને લોલક ખુશ થઈ ગયા, પણ એમની આ ખુશી લાંબા સમયની ન હતી. જીગો બોલ્યો, ' સાપને માર્યો એટલે નદીમાં સ્નાન કર્યા સિવાય ના જવાય. ' લોલક અને પપ્પુને ઘરે જવાની ઉતાવળ હતી, પણ તેમને ભૂતની બીક લાગતી હતી.  હવે પાછા જઈ શકે તેમ ન હતા. તેથી તેઓ પણ બધાની સાથે નદીએ આવે છે. નદીનું પાણી બધા માથે ચડાવે છે. સમય વિતતો જતો હતો. રાત્રિના બાર વાગી ગયા હતા. અમારી સાથે નાના નાના છ બાળકો હતા. અમને ખબર ન હતી પણ ગામમાં આ બાળકોની શોધખોળ ચાલુ થઈ ગઈ હતી. અમને આ બધુ રમત જેવું  લાગતું હતું.  ' ખાલી દિમાગ શેતાન કા ઘર',  જીગો બોલ્યો, ' ચાલો પુલ જોવા જઈએ.' અહીંથી પુલ આશરે દોઢેક કિલોમીટર દૂર, અમે તો સર્વ સંમતિથી ચાલી  નિકળ્યા પુલ તરફ. ઘનઘોર રાત્રી, ઠંડી પણ ખૂબ. 
              ભીખો, અજીત, સંજય સૌથી આગળ ચાલે, પગમાં ચપ્પલ પણ નહીં. પપ્પુ અને લોલકને ઘરે જઈને માર પડવાની બીક લાગતી હતી. પણ બધાનો ઉત્સાહ જોઈ તેઓ પણ નદીના કિનારે ઝડપથી ચાલવા લાગ્યા. આ બાજુ આખું ગામ અમારી શોધમાં, પણ એ વાતથી અજાણ અમે અમારી મસ્તીમાં ચાલ્યા જતા હતા. થોડા આગળ ચાલ્યા ત્યાં  જ નદીમાં સરસ મજાનો કમળ દેખાયા, અમે તે ચૂંટી લીધા. નદીનો રસ્તો ઘણો ડરામણો હતો, કોઈનો પગ લપસી જાય તો, રામ રમી જાય. જેમતેમ કરીને અમે પુલ પર પહોંચ્યા.
           પપ્પુ અને લોલક અમારી સાથે હવે આગળ આવવા તૈયાર ન હતા, તેમણે ઘર તરફ પ્રયાણ કર્યું. અમે મસ્તીમાં લગભગ પાંચેક કિલોમીટર આગળ નીકળી ગયા હતા. ગામમાં  અમારી શોધખોળ પૂરજોશમાં ચાલતી હતી. પપ્પુ ઘરે પહોંચી  ગયો હતો, એના પિતાએ તેને રિમાન્ડ પર લીધો હતો. વળી એમાં કનુભાઈએ ટાપસી પુરી તેથી પપ્પુના પિતા વધારે ગુસ્સે ભરાયા. પપ્પુ હસતો-હસતો આવે અને આખી બનેલી ઘટના કહે, તો તેના પપ્પા તેને મારવા પાછળ દોટ મૂકે, ને પપ્પુ ઘરનું બારણું બંધ કરી દે. આમ, પૂરી નાટકીય ઘટના બનતી હતી. 
        આ બાજુ અમે મસ્તીમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં  અમને તરસ લાગી, બધા એક નળ પાસે ઊભા રહ્યા અને તરસ છુપાવી. અચાનક મારા મોબાઈલમાં રીંગ સંભળાઈ, મેં ફોન ઉચક્યો , ફોનથી ખબર પડી અમને આખુ ગામ શોધે છે. કાપે તો લોહી ના નીકળે તેવી હાલ થઈ ગયા, હવે આવી જ બન્યુ!  એમ માની બધા ઘર તરફ ચાલવા લાગ્યા. ગામ બહુ દૂર હતું, હવે ત્યાં ઝડપથી પહોંચવું કેવી રીતે ?  અચાનક અમને એક ટ્રક  દેખાઈ,  અમે શાણા બની હાથ કર્યો. 
        ટ્રક ઊભી રહી, ડ્રાઈવરે પૂછયું, ' કંઈ જવું છે? ' , આ વખતે મેં  કહ્યું કે અમારી ભેંસ ખોવાઈ ગઈ છે,  અમને પુલ સુધી લઈ જાવ!  ડ્રાઈવરે બધાને બેસી જવા કીધું. આ દ્રશ્ય જોવા જેવું  હતું, જે રીતે અમે  ટ્રકમાં  ચડ્યા છીએ, હાંફળા -ફાંફળા સૌ ટ્રકમાં બેસી ગયા. પુલ આવ્યો એટલે અમે ઊતરી પડ્યા, અને ગામ તરફ ચાલતી પકડી. રસ્તામાં સૌ વાતો કરતા કે હવે ઘરે આપણું શું થશે? 
      ધીરે ધીરે ચાલતા ચાલતાં અમે ગામમાં  પહોચ્યાં પણ એ જાણીને અમને નવાઈ લાગી કે ગામમાં કોઈ હતું જ નહીં.અમે ધીમા - ધીમા પગે પોત-પોતાના ઘરે જતા રહ્યા, કોઈ મોટી આફતમાંથી બચી ગયા હોય એમ માની સૂઈ ગયા. સૂતાં -સૂતાં  આખીય ઘટના અમારા માનસપટ પર દેખાઈ આવતી હતી. 
     સવાર પડયું , બધા હનુમાનજીના મંદિરે ભેગા થયા, સમગ્ર ઘટના વાગોળવા લાગ્યા. અમને ખબર પડી કે જીગાને ગઈ રાતે એની મમ્મીએ ઘરની બહાર પથારી કરી આપી હતી, સુનિલ અને કેતનને ઘરેથી ઠપકો મળ્યો હતો.  અમે બધા હસવા લાગ્યા, કે એક મરેલો સાપ કેટલો મોઘોં પડ્યો. આજે પણ એ ઘટના યાદ આવતા હળવું સ્મિત છલકાઈ આવે છે.