કાલી Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલી

કાલી

આજે ઢળતી સાંજે ખૂબ જરુરી કામ માટે મારી વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કાર લઈ નીકળતા રસ્તામાં કોઇ ગરીબ બાળકને જોઉં છું ત્યારે ફરી ફરી તે જૂના દિવસો યાદ આવી જાય છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસેની તે ઝૂપડપટ્ટી....ચંડોળા તળાવનો તે ગંધાતો ખૂણો...! તેના મા બાપ કોણ તે તો ક્યારેય જાણ્યું જ ના હતું. કોઇ કહેતા કે તેના મા બાપ ક્યાંક ઘરઘાટી તરીકે કામ કરતા હતા, જ્યાં એકવાર ચોરી કરી તે ક્યાંક ભાગી ગયા હતા, તો કોઇ કહેતું કે તેના મા બાપ જાણી જોઇ તેને તરછોડી ક્યાંક ચાલ્યા ગયા, તો વળી કોઇ કહેતું કે તે બંનેનું પૈસા ઉધારીમાં ખૂન થઈ ગયું હતું, પણ તેને જાણ જ નહીં કે તેના મા બાપ કોણ હતા, પણ હા... જ્યારથી સમજ પડી ત્યારથી મેઘા જ તેના માટે બધું હતી. મેઘા તેના ઘરની બાજુમાં રહેતી હતી અને તેના મા બાપે મા બાપ વિહોણી મેઘાને ઉછેરી મોટી કરી હતી, તો જ્યારે તેના મા બાપ ઘર છોડી ક્યાંક ભાગી ગયા ત્યારથી તેની દેખરેખની જવાબદારી મેઘાએ લઈ લીધી હતી.

મેઘાને તે કાયમ ‘મેઘાદીદી’ કહીને બોલાવતો. મેઘાની ઊંમર તેના કરતા ઘણી મોટી હતી. ખીલથી ખરબચડો કાળો ચહેરો, વેરવિખેર વાળ, છોકરી હોવા છતાંયે છોકરા જેવા કપડા પહેરતી મેઘાના મોંથી કોઇના પણ માટે પહેલા ગાળ નીકળતી અને પછી બીજી વાત નીકળતી. મેઘા તે બંનેનું જીવન ચલાવવા તેમના ઘરથી આગળ આવેલા બંગલામાં જઈ ઘરકામ કરવા જતી.

જ્યારે પણ મેઘા કામ કરવા બહાર જતી અને પાછળ કોઇ આજુબાજુના છોકરાઓ આ બાળકને હેરાન કરે તે જાણી મેઘા બોલતી, “અરે એય #&$#$#..... કોઇએ કોઇ દા’ડો મારા ગગલાને ચીડવ્યો તો તમારી... #&$#$# દઇશ... યાદ રાખજો..!” ગાડી ચલાવતા તે વિચાર કરતા જાય છે કે મેઘાદીદી કાયમ મારી ઢાલ બની રહેતી. ઘરે એકલો રહેતો. મને ભણાવવા નિશાળે તો મૂક્યો, પણ નિશાળે જાય કોણ..? ઘરેથી કોઇવાર ધમકાવી અને ગાળો આપી મેઘાદીદી નિશાળે ધકેલે તો કોઇવાર નિશાળમાં જઈ બેસી રહેતો.

નિશાળમાં પણ એવા ભાઇબંધો મળ્યા જેમણે આને ઘણી ના આવડતી નવી ગાળો શીખવાડી..! ધક્કા મારી ત્રીજા ધોરણમાં તો તે માંડ પહોંચ્યો, પણ ત્યાં સુધીમાં તો પાનમસાલા ખાતા શીખી ગયો. ધીમેધીમે તે નિશાળની પાછળની ગલીમાં નાના મોટા જુગારના અડ્ડામાં આંટા મારતા શીખ્યો. પૈસા તો ખાસ હતા નહીં, તો નિશાળમાં માસ્તરના થેલામાંથી વીસેક રૂપિયા ચોરી લઈ પહેલી વાર એક કા ડબલ કરવા પહોંચ્યો. ક્યાંય સુધી તેણે એક તરફ ચૂપચાપ ઊભો રહી પાસે જુગાર રમાડનાર તરફ જોયા કર્યું. આ જોઇ પેલા જુગાર રમાડનારે તેને હાંકી કાઢવા કહ્યું, “એય, ચલ હટ યહાં સે...તેરે જૈસે બચ્ચે કા કામ નહીં યહાં..!” પણ આ બાળકના મોંથી શબ્દો નીકળ્યા, “તેરા બાપ બચ્ચા લગતા હૂં #&$#$#...., યે દેખ પૂરે બીસ રૂપિયે લાયા હૂં....ખેલને દેતા હૈ તો બોલ, વરના તેરે જૈસે #&$#$# કઈ હૈ યહાં પે...!” આટલી નાની ઊંમરમાં આવા શબ્દો અને તેવર જોઇ પેલો તો ખુલ્લા મોંએ તાકી જ રહ્યો. તે દિવસે આ બાળક પહેલી વાર વીસ રૂપિયામાંથી પચાસ રૂપિયા જીત્યો. તેના આ કરતબ પાસેના જુગારના અડ્ડાવાળો શેટ્ટી જોઇ જ રહેલો. તેણે તરત આ બાળકને બોલાવ્યો.

“આજ પહલી બાર જુગાર ખેલને આયા થા, લેકીન અચ્છા ખેલતા હૈ..!” એકપણ વાળ વગરના માથે હેટ સરખી રાખતા કહ્યું.

“હાં....લેકીન તુજે કૈસે પતા ચલા...?” આ બાળકના સવાલ પર તે હળવું હસ્યો.

“બચ્ચે, મેરા યહી ધંધા હૈ..... મૈં ચહેરા દેખ કે ભાપ લેતા હૂં કી કૌન પહેલી બાર ખેલને આયા હૈ, યા મંજા હૂઆ ખિલાડી હૈ..!” માથા પરની હેટ ફેરવતા વટભેર તે બોલ્યો.

“હાં, મૈ પહલી બાર ખેલને આયા હૂં...!” જરા ખચકાટ સાથે તે બાળકે જવાબ આપ્યો.

“લડકે....” પેલાની વાત વચ્ચે અટકાવતા આ બાળક બોલ્યો, “લડકા નહીં.... કાલી... કાલી નામ હૈ મેરા...!”

આ વાર્તાનું મુખ્ય પાત્ર મુંબઈના મરીન ડ્રાઇવ પર પોતાની વ્હાઇટ ગાડીમાં સહેલ કરવા નીકળેલ આ કાલી......!

પેલા બાળકની આવી બોલી અને સ્વભાવ જોઇ શેટ્ટીને ખાતરી થઈ ગઈ કે તેના કામકાજ માટે આ બાળકથી વિશેષ ઉપયોગી બીજું કોઇ જ ના થઈ શકે..!

“સુન....મેરે લીયે કામ કરેંગા...?” શેટ્ટીએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો.

“મૈં સીર્ફ પૈસો કે લીયે કામ કરતા હૂં, બાકી કીસીકે લીયે નહીં...!” કાલીના આ શબ્દો માત્ર કોઇ ફિલ્મી ડાયલોગ ના લાગતા તેના સ્વભાવને સાફ બતાવતા રહ્યાં. જુગારના અડ્ડા સાથે દારૂની હેરફેર કરતાં શેટ્ટીને આ નાનકડા બાળકમાં પોતાનો ભાવિ વિશ્વાસુ નજરે પડ્યો. દારૂબંધીના શાસનમાં પૈસાદારના નબીરાઓને દારૂ પહોંચાડવા કોઇ વફાદાર ખેપિયાની શેટ્ટીને કાયમ જરૂર રહેતી. શેટ્ટી સાથે કામમાં જોડાયા પછી નાનકડા કાલીના નિશાળના થેલામાં ચોપડીઓની આડશે દારૂની બોટલ ગોઠવાઇ જતી અને કાલીના નાનકડા પગલા અમદાવાદ શહેરની ગલીઓ વીંધતા નિર્ધારીત કરેલા ઘરે દારૂની ખેપ મારવા લાગ્યા..!

“આપ જૈસા કોઇ મેરી ઝીંદગીમેં આયે, તો બાત બન જાયે...” ગીત સાંભળતા સાંભળતા વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કાર કાલી પોતાની મસ્તીમાં જ ડ્રાઇવ કરી રહ્યો છે. આજનો દિવસ તેના જીવનનો ઘણો મોટો નિર્ણાયક દિન બનવાનો છે. મુંબઈના મરીન ડ્રાઇવ પર સડસડાટ ચાલતીના પૈડા પર લગાડેલી સ્ટીલ પ્લેટના ઝબકારામાં નાનકડા કાલીના આગળ વધતા પગલા મોટા થતા રહ્યાનું પ્રતિબિંબ દેખાયું..! બાળપણથી જ કાલી માટે આ બધાં કામ એ કોઇ ગુનો નહીં, પણ જરૂરિયાત પૂરી કરવા એકમાત્ર સાધન હતું. કાલી આમ બિન્દાસ દારૂની હેરફેર કરતો રહેતો અને તેના આવા કામની ગંધ સરખી પણ પોલીસને આવતી નહીં. કેટલીક વાર મેઘાદીદીને કાલીના કામ બાબતે શંકા જતા તેને તે પોતાની સાથે જ કામે લઈ જવા લાગી. આશરે તેરેક વર્ષની ઉંમરમાં કાલીને મેઘા જે પોલીસ ઑફિસરના ઘરે કામ કરતી તેની એકમાત્ર છોકરી છાયા સાથે કૂણી લાગણી જન્મી. છાયા સાથેની મુલાકાત પછી કાલી સામેથી મેઘા સાથે કામના બહાને જવા લાગ્યો. ક્યાં એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી અને ડિસીપ્લીન્ડ લાઇફ જીવતી છાયા અને ક્યાં આ સરકારી સ્કૂલમાં પણ ના ટકી શકનાર અવિરત ગાળો બોલનાર મોસ્ટ ઇન્ડીસીપ્લીન્ડ છોકરો..! સદાય નિયમોના બંધનમાં જીવતી છાયા આમ બિન્દાસ જીવતા કાલીની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ.

સમય મળતા જુગાર અને દારૂની હેરફેરથી કમાયેલા પૈસામાંથી છાયા માટે કાલી રેગ્યુલર ગીફ્ટ્સ લાવતો રહેતો. એકવાર છાયાના પપ્પાના હાથમાં એક ગીફ્ટ આવતા તેમણે છાયાને ખૂબ ધમકાવી, પણ છાયાએ કાલીનું નામ ના લીધું. ગુસ્સામાં તેના પિતા શાસ્ત્રીએ છાયાને પહેલી વાર થપ્પડ મારી દીધી. ચોધાર આંસુએ રડતી છાયાને જોઇ કાલી પોતાના ગુસ્સા પર કાબૂ કરી શક્યો નહીં. કાલી આમ ઝનૂની ઘણો, પણ દરેક કામ ખૂબ વિચારીને કરતો. મેઘાદીદીને કાલીના મનમાં છાયા માટેની કૂણી લાગણી વિશે જાણ હતી, તેથી તેને ઠપકો આપ્યો.

“તૂજે ના બોલા હૈ ના #&$#$#, ઉસ લડકીસે દૂર રહેના....લેકીન તૂ #&$#$#... સાલા સમજાતા હી નહીં હૈ...દેખ કાલી, હમ કચરાપટ્ટીમેં રહતે હૈ...વો હાઇ ફેમીલીકી લડકી હૈ...ઉસસે દોસ્તી નહીં કર સકતે..!” ગુસ્સામાં મેઘાએ કાલીને ધમકાવ્યો, પણ કોઇ વાત આમ માને તો તે કાલી ક્યાંથી કહેવાય..! તેના મનમાં તો દરેક પળ પી.એસ.આઇ. શાસ્ત્રીએ છાયાને મારેલી થપ્પડની ગૂંજ જ વાગતી રહી. જ્યાં સુધી તે થપ્પડનો બદલો નહીં લઈ લે ત્યાં સુધી તેના મનને શાંતિ ક્યાંથી..!

બીજા દિવસે પબ્લીક ટેલિફોન બુથમાં જઈ કોલ કર્યો, “હેલો....ડી.એસ.પી. ઑફીસ..?”

“હા, કોણ..?”

“વો જો પી.એસ.આઇ. શાસ્ત્રીસા’બ હૈ ના....વો ખુદ દારુકી હેરાફેરી કરતે હૈ....ઉનકે ઘરમેં દારુકે સેમ્પલ બોટલ મીલેગે..!” ફોનમાંથી અવાજ આવ્યો.

“તુ કૌન બોલ રહા હૈ..?” ડી.એસ.પી. કચેરીમાંથી સવાલ કર્યો.

“મૈં કૌન યે છોડો... શાસ્ત્રીસા’બ કે બારે મેં સોચો..!” તરત ફોન કટ કર્યો.

ફરી કોઇ નંબર મેળવી ફોન પર વાત કરી, “હેલો....ગુજરાતી સમાચાર..?”

“હા કોણ..?” સમાચારની ઑફિસેથી સવાલ કર્યો.

“કોણ બોણ છોડો સા’બ.... પી.એસ.આઇ. શાસ્ત્રીસા’બ કે ઘર દારુકી હેરાફેરી હોતી હૈ...પુલીસવાલે અભી વહાં રેડ લગાને વાલે હૈ...કલકી હેડલાઇન ચાહીયે તો પહોંચ જાઓ..!” બોલતા ફોન કટ કર્યો.

એકાદ કલાકમાં પી.એસ.આઇ. શાસ્ત્રીના ઘરે પોલીસની ગાડીઓનો ખડકલો થયો અને શાસ્ત્રી કાંઇ સમજે તે પહેલા તેના ઘરમાં સર્ચ ઑપરેશન શરૂ થયું. પોલીસને તેમના બેડરૂમના કપબોર્ડમાંથી દારુની પાંચેક બોટલ્સ મળી. આ સિવાય બહાર વાડામાંથી પણ બીજી ચારેક બોટલ્સ પણ મળી. પી.એસ.આઇ. શાસ્ત્રી કે રેડ પાડવા આવનાર પોલીસવાળા કાંઇ સમજે તે પહેલા જ અચાનક હાથમાં કેમેરા લઈ ન્યૂઝપેપરવાળા આવી ગયા. આમ ન્યૂઝવાળા આવી જવાથી રેડ પાડવા આવનાર ઇચ્છીને પણ શાસ્ત્રીને બચાવી શકે તેમ ના હતા. પોલીસવાળા શાસ્ત્રીને પોતાની સાથે આગળ તપાસ માટે ગાડીમાં લઈ ગયા. આ બધું દ્રશ્ય મેઘા અને કાલી જોઇ રહ્યા. કાલીના ચહેરા પરના ખંધા હાસ્યને જોઇ મેઘા બધુ સમજી ગઈ..! ઉત્સાહમાં પોતાના લાંબા વાળમાં હાથ ફેરવતો કાલી સીટી વગાડતો પી.એસ.આઇ.ના ઘરેથી બહાર નીકળ્યો.

“છાયાને એક થપ્પડ મારી તેનો આ હિસાબ..!” મનોમન બોલતો કાલી ઘર તરફ ચાલ્યો. કાલીની આ બાબતની જાણ જ્યારે શેટ્ટીને થઇ ત્યારે શેટ્ટી તેને ખુશીથી ગળે વળગી ગયો.

“જો કામ ભલભલા ના કરી શક્યા તે કામ તે કરી બતાવ્યું..!” શેટ્ટીએ કાલીને શાબાશી આપતા કહ્યું.

“અરે ક્યા શેઠ...યે શાબાશી કા ક્યા આચાર ડાલૂંગા... દેના હી હૈ તો થોડા રોકડા દે દો..!” ચાલાકીપૂર્વક કાલીએ કહ્યું.

“તુ કભી નહીં સુધરેગા..!” બોલતા શેટ્ટીએ કાલીના હાથમાં દસ દસની દસ નોટો આપી. મનોમન કાલી જ જાણતો હતો કે તેણે એક કાંકરે બે પક્ષી માર્યા હતા. પી.એસ.આઇ. શાસ્ત્રીને ફસાવી શેટ્ટીના હાથે ઇનામ તો મેળવ્યું, સાથે છાયાને તેના પિતાએ મારેલી થપ્પડનો બદલો પણ લઈ લીધો..! શેટ્ટી પાસેથી મળેલા પૈસામાંથી બજારમાં જઈ છાયા માટે નવું ફ્રોક લઈ તેને ગીફ્ટ આપવા કાલી દોડી ગયો.

પોતાના નિર્દોષ પિતાને પોલીસ લઈ જવાથી છાયા ઘણું રડી હતી. તેના મમ્મીએ પણ પોતાના કોન્ટેક્સ દ્વારા પી.એસ.આઇ. શાસ્ત્રીને છોડાવવા પ્રયત્નો શરૂ કરી દીધા. કાલીએ બધાથી સંતાઇને છાયાને ગીફ્ટ આપી અને સાથે જણાવ્યું કે તેણે જ તેના પિતાને જેલભેગા કર્યા. આ વાત સાંભળી છાયાને આઘાત સાથે આશ્ચર્ય થયું. તેણે આ વાત તરત જ તેના ઘરના સૌને જણાવી. છાયાના મમ્મીએ કાલીને જોરદાર તમાચો માર્યો અને પોલીસમાં આ બાબતની જાણ કરી. તરત જ પોલીસ પલટન પી.એસ.આઇ. શાસ્ત્રી સાથે ત્યાં આવી પહોંચી. છાયાએ કાલીની નજર સામે જ તેણે આપેલ ફ્રોકને સળગાવી દીધું. કાલીનો ગુસ્સો સાતમે આસમાને હતો, પણ તે કાંઇ જ કરી શકવા અસમર્થ હતો. તેને પોલીસની ગાડીમાં લઈ જવાયો અને તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો.

સુધારગૃહમાં કાલીને અલગ જ અનુભવો થયા. સુધારગૃહમાં તેણે ઘણાની જાનવરો કરતાં પણ બદતર સ્થિતી જોઇ. સવારે ગંધાતા વાટકામાં ચા અને વાસી રોટલી અને બપોરે ખેંચી ના તૂટે તેવી રોટલી અને પાણી જેવી દાળ ખાવા પણ જાણે રીતસર લડાળડ થઈ જતી. કેટલાક માથાભારે છોકરાઓએ પહેલા જ દિવસે કાલી આગળ દાદાગીરી કરવા માંડી. કાલીને તે માથાભારે છોકરાઓએ તેમના વતીનું કામ કરવા ધમકાવ્યો, પણ જો આમ કોઇની ધમકી સાંભળી લે તો તેનું નામ કાલી ક્યાંથી..! પહેલા જ દિવસે કાલી અને પેલા દાદાગીરી કરતા બે ત્રણ છોકરાંઓ વચ્ચે મારામારી થઇ, જેમાં કાલીએ પેલા ત્રણેય છોકરાઓને બરાબર મારી સાવ અધમૂઆ જ કરી નાખ્યા. આ જોઇ જેલના સિપાહીઓ દોડી આવી પેલા ત્રણેયને છોડાવ્યા. બધાની નજર સામે જ કાલીને સજારૂપે સોટી વડી ફટકારવામાં આવ્યો. લાકડાની સોટી તૂટી ગઈ, પણ કાલીએ તેના ચહેરા પર જરાય દર્દ દેખાવા દીધું નહીં. આમ, પહેલા જ દિવસે કાલીએ સુધારગૃહમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું. હવે આ આખા સુધારગૃહમાં કાલી જ સૌથી વધુ માથાભારે ગણાવા લાગ્યો..! આ સુધારગૃહમાં કાલીનું એકચક્રી શાસન ચાલવા લાગ્યું. સુધારગૃહ તો નામ માત્રનું જ હતું, પણ કાલી માટે તેના નવા ગુના કરવા માટે અહીં નવા કોન્ટેક્સ બનવા લાગ્યા.

કાલીને સુધારગૃહમાં બે વર્ષ રાખવામાં આવ્યો. આ બે વર્ષમાં એક પણ દિવસ એવો નહોતો ગયો જ્યારે કાલીએ છાયાને યાદ ના કરી હોય..! બે વર્ષ પછી જ્યારે કાલી સુધારગૃહમાંથી બહાર આવ્યો તો તેને લાગ્યું કે જાણે આ બે વર્ષમાં આખી દુનિયા જ બદલાઇ ગઈ..! કાલીને સુધારગૃહથી લેવા શેટ્ટી જાતે ગાડી લઈ આવ્યો. કાલીના ચહેરા પર હવે મૂંછનો દોરો ફૂંટી નીકળ્યો હતો. કાલીને શેટ્ટી પાસેથી જાણવા મળ્યું અમદાવાદમાં હવે તેમનું એકચક્રી શાસન રહ્યું ના હતું, તેમની વિરોધમાં ઘણા પ્રતિસ્પર્ધીઓ આવી ગયા. શેટ્ટીના જ વિશ્વાસુ માણસો – જશુ અને ભીખાએ દગો કરી નવી ગેંગ જશુભીખાની ગેંગ બનાવી હતી. હવે કાલી જ શેટ્ટી માટે એકમાત્ર આશારૂપ બન્યો. કાલીએ શેટ્ટીનું કામ લઈ લીધા પછી એકાદ બે વાર જશુભીખાની ગેંગ સાથે લડવાનું થયું. જશુ અને ભીખાને પણ જાણ હતી કે એકમાત્ર કાલી જ શેટ્ટીનો સહારો છે એટલે તેમણે કાલી સાથે સમજૂતી કરવા કાલીને બોલાવ્યો. સમજૂતી માટે એકલા આવેલા કાલીને ગળે મળીને જશુ અને ભીખાએ વાત માંડી. કાલીએ પણ આસપાસ રહેલા ગેંગના ચાલીસેક માણસો તરફ ધ્યાન રાખ્યું.

“દેખ કાલી, અબ તુ ભી જાનતા હૈ... શેટ્ટીકા ટાઇમ અબ ખતમ હો ગયા હૈ..!” જશુએ વાત માંડતા કહ્યું

“મતલબ અબ વો બૂઢા હો ગયા હૈ...ઔર હમારે ધંધેમેં બૂઢે લોગોકી કોઇ જરૂરત નહીં હોતી..!” ભીખાએ જશુની વાતને વધુ સ્પષ્ટ કરતા ઉમેર્યું.

“તો અગર કલ મૈં ભી બૂઢા હો જાઉંગા તો તુમ જૈસે મુજે ભી હટા દોંગે ના..!” લાકડાની ખુરશી પર બેઠેલા કાલીએ પગ પર પગ ચઢાવતા કહ્યું.

“અરે તુ અભી બચ્ચા હૈ કાલી... યે જો દારૂકી હેરાફેરી કરતા હૈ તુ વો હમારે યહાં વો સામને ખડા છોટુ ભી કરતા હૈ...મુજેતો યે હી જાનકે હંસી આતી હૈ કી ઉસ બુઢે શેટ્ટીને તુજે યહાં સેટલમેન્ટ કે લીયે ભેજા..!” જશુની આ વાત બોલવામાં જરા કડક અવાજ થવા લાગ્યો.

“દેખ કાલી, તુ હમારે સાથ આ જા....તુ ભલે હી બચ્ચા હૈ લેકીન તુજમે કાફી દમ હૈ યે હમ જાનતે હૈ...તો ક્યા સોચતા હૈ..?” ભીખાએ પ્રસ્તાવ સાથે સવાલ કર્યો.

“સોચતા હૂં કી તુમ સબકો કૌનસી હોસ્પિટલ ભેજું..? યહાં પાસમેં સીવીલ હોસ્પિટલ હી લગતી હૈ ના...?” કાલીએ આરામથી ખુરશી પર બેઠાં બેઠાં સવાલ કર્યો.

“અબે #&$#$# તેરી અભી મૂંછ ભી નહીં આઇ ઔર તુ હમે હુલ દે રહા હૈ બે સાલે #&$#$#..!” ભીખાએ સાફ શબ્દોમાં અપશબ્દો સાથે પોતાના અસલી રંગમાં આવી જઈ કાલીને ધમકી આપી.

કાલી એકલો જ જશુભીખા ગેંગ સાથે સમજૂતી કરવા ગયો છે તે જાણી શેટ્ટી પણ ત્યાં આવી પહોંચ્યો. ત્યાંની વાતચીત સાંભળી શેટ્ટી ખૂબ ગુસ્સે થયો.

“અબે સાલે #&$#$#.... ઉસકો ક્યા ધમકી દેતા હૈ...મુજસે હી બાત કર...!” શેટ્ટીએ આવતા જશુ અને ભીખાને કહ્યું.

“અરે વાહ....લો યે બુઢા ભી મરને આ ગયા. ઇસકી તો...” ભીખાની વાત વચ્ચે અટકાવતા કાલી જોરથી તાડૂક્યો, “એય મુંહ સંભાલ કે બોલના...અગર મેરી હટ ગઈ...તો સમજો સબકી ફટ ગઈ..!” કાલીએ બિંદાસ શબ્દોમાં કહ્યું.

“એય #&$#$# સબ દેખ ક્યા રહે હો..... ઇસ કાલીકે હાથ પૈર તોડ કે ઉસ બુઢે કુત્તે શેટ્ટી કે પાંવમે ફેંક દો...!” જશુએ તેના ગુંડાઓને કાલીને મારવા આદેશ આપતા કહ્યું.

જશુભીખા ગેંગના માણસો હાથમાં લાકડીઓ લઈ વચ્ચે ખુરશી પર બેઠેલા કાલીને મારવા તેની તરફ દોડી આવ્યા, છતાંયે કાલી જરા પણ હલ્યા વિના શાંતિથી અડગ બેસી રહે છે. જેવા બધા ગુંડા કાલીની નજીક આવે છે કે કાલીએ આંખના પલકારામાં ઊભા થઈ બેઠેલી લાકડાની ખુરશી ગોળ ફંગોળી આસપાસ દોડી આવેલા સાતેક માણસોને પછાડી દીધા. ક્યાંય સુધી કાલી હાથમાં આવેલી લાકડીથી જશુભીખા ગેંગના ગુંડાઓના હાડકા ખોખરા કરતો રહ્યો. બીજી તરફ શેટ્ટી પણ લાકડી વડે એકાદ બે ગુંડાઓને પછડતો રહે છે. હવે કાલીને મારવા બે ચાર ગુંડાઓએ હાથમાં ઉઘાડી તલવાર લીધી. કાલીની લાકડીના એક ફટકારથી તેમની તલવારો દૂર ફેંકાઇ ગઈ. આ તરફ કાલીના ધ્યાન બહાર તેની પીઠ પાછળથી તેની કમરમાં જશુ ચાકુ મારવા કરે છે, પણ ભાગ્યવશાત તે ચાકુ કાલીના કમરના ભાગેથી જરા ચીરો મારી ગઈ. કાલીએ એક જોરદાર ચીસ પાડી એક તરફ ફસડાઇ પડ્યો. હવે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. કાલીના હાથમાં નીચે પડેલી ખુલ્લી તલવાર આવી. તેણે કાંઇ જ વિચાર્યા વિનાતે તલવાર વીંઝવા માંડી. સનનનનન...સનનનનન...ના અવાજ સાથે તલવારની તેજ ધારની ચમક વીજળીના ચમકારા મફક નજરે પડતી હતી અને તેની સાથે લોહીના છાંટણા પણ ઉડતા જતા હતા. શેટ્ટી અવાક બની કાલીનું રૌદ્ર સ્વરૂપ જોઇ રહે છે.

કાલીએ જીવનમાં પહેલી વાર કોઇનો જીવ લીધો હતો. તે પોતેપણ આ બાબતથી અજાણ રહ્યો. અત્યારે તો તેના પર માત્ર તેનો ગુસ્સો જ સવાર બન્યો. તેણે માત્ર અરધા કલાકમાં જ જશુભીખા ગેંગના ચાલીસેય ગુંડાઓને મારી પાડી દીધા. જશુ અને ભીખા પણ કાલીનું આ ભયાનક રૂપ જોઇ ગભરાઇ જઈ કાલીના પગે પડી ગયા. શેટ્ટીના કહેવા પર કાલી તે બંનેને માફ કરી ત્યાંથી જવા જ કરે છે, ત્યાં જ પીઠ પાછળ જશુ અને ભીખા હાથમાં છરો લઈ કાલી પર હુમલો કરવા પ્રયત્ન કરે છે, ત્યાં જ પળવારમાં પાછળ ફરી હાથમાં રહેલી તલવારથી એક જ જટકે જશુ અને ભીખાનું ગળું તેમના ધડથી છૂંટુ કરી નાખે છે. ત્યાંની જગ્યા લોહીના રેલાઓથી રંગાઇ જાય છે. શેટ્ટી પણ કાલીના આ સ્વરૂપથી ક્ષણવાર ગભરાઇ જાય છે. કાલીના ધ્રુજતા હાથેથી લોહીયાળ તલવાર નીચે પડી જાય છે.

હવે તેને વાસ્તવિકતાનો અહેસાસ થાય છે. તે પોતે પણ ગભરાઇ જાય છે કે તેણે ગુસ્સામાં આ શું કર્યું. શેટ્ટી પણ કાલીને આ સ્થળેથી દૂર લઈ જાય છે અને પોલીસથી બચવા મુંબઈ ભાગી જવા જણાવે છે. કાલી પણ ધરપકડના ડરે શેટ્ટીની વાત માનવા તૈયાર થાય છે. તે તાત્કાલિક તેની મેઘાદીદીને લેવા જાય છે. મેઘા પોતાના ભાઇને આટલા વર્ષે મળી ઘણી ખુશ થાય છે, પણ જેવું કાલી જશુભીખા ગેંગ વિશે જણાવે છે કે તરત તેની ખુશી અદ્રશ્ય થઈ જાય છે. મેઘા ખૂબ જ ગભરાઇ જાય છે, પણ કાલીને ધરપકડથી બચાવવા કાલી સાથે મુંબઈ જવા તૈયાર થાય છે. શેટ્ટી તેના મુંબઈના મિત્ર બાબાખાનને કોન્ટેક્ટ કરી કાલી વિશે જણાવે છે અને કાલીને સંતાડી રાખવા અને તેને યોગ્ય કામ આપવા જણાવે છે. તે જ રાતે કાલી અને મેઘા ટ્રેઇનથી મુંબઈ જવા નીકળી જાય છે.

આ ખરાબ રસ્તે આગળ વધેલ કાલીનું શું થશે..?

શું પોલીસ કાલીની ધરપકડ કરી લેશે..?

મુંબઈમાં કાલી સાથે શું થશે..?

શું કાલીના જીવનમાં છાયા ફરી આવશે..?

આ બધી બાબત જાણવા વાંચતા રહો કાલી 2....આવતા અઠવાડિયે.

********