રિતેશભાઈની રાધા Vishal Bhadani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિતેશભાઈની રાધા

‘હા તો શરત નાખો, હું કહું છું કે વાંસળી વાગે. આ ચૌદ વરસમાં એક દિવસ પણ એ બંધ નથી રહી.’

***********************

માતાજીની દયાથી રિતેશભાઈનું નક્કી થયું.

પણ, એના માટે કરેલી માનતાઓ લગભગ એક વરસ ચાલશે; બાપાએ બગદાણા હાલીને જવાની તો બાએ રાજપરા દર પૂનમે અગિયાર નાળીયેર ચડાવવાની ટેક લીધી છે.

રિતેશભાઈ, મારાં અને એમના મોટાભાઈના લગ્નમાં અઢાર વરસના હતાં. અમારાં લગ્નને ચૌદ વરસ થયા.

અમારા કુટુંબની માલીપા મારે પંદર-વીશ દિયર હશે. પણ, રીતેશભાઈની તોલે કોઈ નો આવે! દેખાવે કૃષ્ણની સાથે બદલાય જાય એવાં અને ગુણમાં રામ સાથે.

રિતેશભાઈને એક જ શોખ – વાંસળી વગાડવાનો. એમાય રાત્રે જ્યારે એમની વાંસળી વાગે એટલે આખી શેરીના ટીવી ધીમા થઈ જાય, ફળિયામાં ખાટલા ઢાળીને બેઠેલા અમારાં દાદાના હાથમાં બીડી ઝગેલી હોઠ સુધી જવાનું ભૂલી જાય અને મારાં સાતેય કોઠે દીવા થાય.

અંતરમાંથી એક જ પ્રાર્થના નીકળે કે ‘હે કાળિયા ઠાકર, આ વાંસળીવાળો કાનુડો એકલો સારો નથી લાગતો, એની વાંસળી સંભાળશે કોણ? તું રાધા મોકલ તો એનું ચિત્ર પૂરું ગણાય!’ અને ક્યારેક તો ડારો પણ કરું, ‘તારી જેમ, રિતેશભાઈએ પણ ચૌદ વરસ વાટ જોઈ છે હવે તારે એની સામું જોવાનું છે કે નઈ?’

રાત પડે એટલે રીતેશભાઈ ધાબે. મોડે સુધી એની વાંસળીના સૂર રેલાતા હોય. ક્યારેક તો એમ લાગતું કે ઈ રાત, આકાશ અને વાંસળી બધું એક થઈ ગયું છે!

મારાં ઠાકરે અમારાં બધાંની લાજ રાખી અને આ વરસે ત્યાં સુરતમાં મકાન થયું અને અહીંયા રીતેશભાઈનું ઘર.

લગ્નની તૈયારી જોર-શોરથી ચાલીતી’તી, વરરાજાને તો કંઈ કામ હોય નઈ એટલે ભાઈબંધુઓને લઈને રાતે ધાબે ચડીને વાંસળી વગાડે. એની વાંસળીની મીઠાશ હવે ધીમે ધીમે વધવા લાગી’તી.

મારાં સસરાને રીતેશભાઈનો આ શોખ ક્યારેય ગમેલો નઈ. કયારેક તો વઢી પણ લેતાં અને કે’તા, “કણબીનાં સોકરા પાવા વગાડતા હારા નો લાગે, મૂક તારા બાપને”.

“એમાં વઢવાનું થોડું હોય? કેવી સરસ વાંસળી વગાડે છે.” હું મનમાં બબડતી.

હમણાં હમણાંથી એમનાં પણ કાન રિતેશભાઈની વાંસળી પર સ્થિર થવા લાગેલાં. આ વાંસળી નો જાદુ હતો કે રિતેશભાઈના લગ્ન નો હરખ એ મને સમજાતું નહોતું.

રિતેશભાઈનો વાંસળી વગાડવાનો નિયમ એટલે નિયમ. રોજ રાતે વાંસળી વાગે એટલે વાગે.

લગ્નની આગલી રાતે ગામ આખામાં ફૂલેકું કાઢીને ઘેર આવ્યાં બાદ રીતેશભાઈ વાંસળી લઈને ધાબે. બાએ કીધું, “સવારે વે’લા જાન જોડવાની સે, હવે ખાટલા ભેગો થા”.

પણ, વાંસળીના સૂર બટક્યા નહી; ઈ વાંસળી તો અંધારાનાં આકાશ સાથે ટેભા લેતી હતી.

અમે જાન લઈને ગયાં, ધૂમ ધામથી લગ્ન કર્યા. હું અને અમારા કૈલાસભાભી આખા લગ્ન માં એક જ વાત પર અટકી ગયેલાં કે આજે રાતે રિતેશભાઈ વાંસળી વગાડશે કે નઈ?

“હવે, આ કાનુડાની વાંસળી રાધા જ સાંભળશે” મેં કીધું.

“અરે ડોબી, કૃષ્ણ ભગવાનના જેની ભેગાં લગ્ન થયા એનું નામ રુકમણી હતું, રાધા નઈ! રાધા તો બસ એની પ્રેમ-ઘેલી!” કૈલાસભાભીએ મને ભોંઠી પાડી.

પણ, વાંસળી વાગશે કે નઈ એ બાબતે મેં અને કૈલાસભાભીએ એકાવન રૂપિયાની શરત નાખી તો નાખી જ.

લગ્ન કરીને પાછા આવ્યાં. સૌ જમ્યા અને થાકયા પાક્યા નીંદર વશ થયા. કમાડને કડિયું લાગી. પણ, મારો જીવ વાંસળીમાં.

મોડી રાતે મધ મીઠી વાંસળી મારા કાને પડી. મને થયું વાહ હવે કાનુડાનું ચિત્ર પૂરું થયું.

સવારે ઊઠતાં જ હું બાજુનાં ફળિયામાં કૈલાસભાભીને ત્યાં મારી શરત જીત્યાની રકમ લેવા પોંચી ગઈ.

“લાવો ભાભી એકાવન રૂપિયા પૂરાં!”

“શેના?”

“શેના શું, વાંસળી વાગ્યાના.”

“પણ વાંસળી વાગી જ નથી.”

“તમે વેલા ઊંઘી ગયા હશો, મોડેથી વાગેલી. લાવો લાવો એકાવન રૂપિયા”

“પણ આપડે પેલા ખરાઈ તો કરીએ કે વાંસળી વાગી કે નઈ”

“હાલો, હાલો રિતેશભાઈ હજી ઘરે જ છે.”

અમે બંને રિતેશભાઈ પાસે ગયા અને મેં કીધું, “રિતેશભાઈ, તમે કૈલાસભાભીને કહો કે તમે રાતે, મોડી રાતે વાંસળી વગાડી’તી”.

રિતેશભાઈએ મારી સામે આશ્ચર્યભરી નજરે જોયું અને કીધું,

‘પણ, ભાભી મેં કાલે રાતે વાંસળી વગાડી જ નથી, વાંસળીના સમ!’

***********************