દીકરી એક દિવ્યતા ભાગ 4
( આગળ નાં ભાગ માં જોયું એ પ્રમાણે અનાથ આશ્રમ માં તરછોડાયેલી દીકરી વીર નો ફરીથી મિલાપ થાય છે એના પિતા મલય સાથે... પરંતુ આ વખતે પિતૃ લાગણી થોડીક જાગી છે. હવે આગળ....)
બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે ગયેલા સ્મિત અને વીર બંને અભ્યાસ માં ખુબ જ હોશિયાર છે. હંમેશા અવ્વલ નંબરે જ આવે છે. બંને સારા મિત્રો પણ બની ગયા છે . પોતાના સ્વપ્ના ને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે . સ્કુલ દરમિયાન નો મોટા ભાગ નો સમય સાથે જ વિતાવે છે. સ્મિત પણ માતા પિતા ને વીર વિશે બધુ જણાવે છે. કંઇક તો એવું હતું કે જે મલય ને વીર નાં ભૂતકાળ વિશે જાણવા મજબૂર બનાવતું. પરંતુ શું? એતો મલય ને પણ નોતી ખબર.
આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સ્કુલ નો છેલ્લો દિવસ છે. પરિક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે. બધા વિદ્યાર્થી આજે વાલી સાથે હંમેશા માટે ઘરે જવાનું હોવાથી ખૂબ જ ખુશ મિજાજ માં હતા. પણ વીર? વીર ગાર્ડન નાં ખૂણા માં ઝાડ નીચે બેસીને રડી રહી છે. આજે ફરીથી એ એકલી પડવાની છે. પરેન્ટ્સ ને જોઇને પોતાના માતા પિતા અંગે ફરીથી વિચારે ચડી જાય છે. ત્યાં પાછળ થી કોઈક એના માથા પર હાથ મૂકે છે" બેટા... કેમ અહીંયા એકલી બેઠી છે?" આ સાંભળતા જ વીર રડી પડે છે. આ હાથ મલય નો છે. હંમેશા આત્મ વિશ્વાસ સાથે ફરનારી વીર. ને રડતી જોઈ મલય પણ ઢીલો પડે છે.
" મલય અંકલ મારી પાસે કેમ માતા પિતા નથી?આજે તો સ્મિત અને બીજા ફ્રેન્ડ પણ ઘરે જતા રહેશે. હું તો ફરીથી એકલી થઈ જઈશ ને?મારે મળવું છે મારા માતા પિતાને? મારે પણ રહેવું છે મારા માતા પિતા સાથે......મને તો ખબર પણ નથી કે એ લોકો કોણ છે. અને ક્યાં છે?" નિરાશાઓ નાં અંધકાર માં ઉગેલા આશા ના એક કિરણ ની જેમ વીર એક શ્વાસ માં મલયને બધું પૂછી લે છે. મલય પાછો પોતાના ભૂતકાળ માં ખોવાઈ જાય છે. પોતે પણ દીકરીને તરછોડીને ચાલ્યો ગયો હતો ક્યાંક એનું પણ દુઃખ છે.
"બેટા તું ચિંતા નહિ કર હું મદદ કરીશ તને તારા માતા પિતા ને શોધવામાં " વીર ને વચન આપી સ્મિત ને લઈને ગાડી માં ચાલ્યો જાય છે. ચલાવવામાં ધ્યાન નથી. મન માં ઘણા બધા પ્રશ્નો છે. એને તો વીર માં પોતાની જ વીર દેખાય છે." પપ્પા આગળ તો જુઓ" સ્મિત નાં શબ્દો થી વિચારો મા ખોવાયેલા મલય નું અકસ્માત થતાં થતાં અટકી જાય છે.ભગવાન નો આભાર માની ઘરે પહોંચે છે .
માનસી આજે સવાર થી જ ખુશ હતી. અને હોય પણ કેમ નહિ દિકરો પાછો ઘરે આવવાનો હતો. મલય માનસી ને બધી વાત જણાવે છે. માનસી મલય ને અનાથ આશ્રમ માં જઈને તપાસ કરવા માટે કહે છે. માનસી અને મલય બંને અનાથ આશ્રમ પહોંચે છે.
પરંતુ આટલા વર્ષો પછી ત્યાંના બદલાઈ ગયેલા માણસો ને તો ક્યાંથી વીર નો ભૂતકાળ ખબર હોય? વીર ક્યાંથી આશ્રમ માં આવી એ કોઈને ખબર જ ન હતી. સિવાય એક એ હતા ભુરીબા. પરંતુ ભૂરી બા હવે બોલી શકતા ન હતા. પથારી વશ ભૂરી બા પાસે જઈને મલય અને માનસી વીર વિશે પ્રશ્ન કરે છે. ભૂરી બા ટેબલ તરફ ઈશારો કરીને કંઇક બતાવવાની કોશિશ કરે છે પરંતુ કોઈને સમજાતું નથી કે ભૂરી બા કહેવા શું માંગે છે. મલય અને માનસી નિરાશા સાથે પાછા ફરવા જાય છે ત્યાં મલય ની નજર ટેબલ પર પડેલા વીર લખેલા નાના લોકેટ પર જાય છે. મલય બધું જ સમજી જાય છે કે ભૂરી બા શું કહેવા માગે છે. ભૂરી બા નો આભાર વ્યક્ત કરી મલય બહાર નીકળે છે.
બહાર નીકળતા જ સામે સામાન લઈને વીર આવતી દેખાય છે. પોતે કરેલી ભૂલ સમજાતાં ત્યાં. ને ત્યાં જ મલય ઢગલો થઈ જાય છે. ખૂબ રડે છે.માફી માગવા માટે શબ્દો નથી. દીકરી સામે ઉભી છે તેના મન માં પણ ઘણા બધા પ્રશ્નો છે .
" અરે અંકલ આન્ટી તમે અહીંયા? આન્ટી આ અંકલ ને શું થયું? કેમ આટલું રડે છે?-" મલય ને રડતો જોઈ વીર માનસી ને પૂછે છે.પરંતુ માનસી પણ ચૂપચાપ ઊભી છે.
આખરે હિમ્મત ભેગી કરી મલય ઉભો થાય છે. વીર ના માથા પર હાથ મૂકી ," બેટા ... જે પિતા માટે તું આટલા વર્ષો થી રાહ જોતી હતી તે આજે તારી સામે ઊભા છે. તારી જિંદગી નો ગુનેગાર છું હું બેટા માફી માગવાનો તો હક પણ નથી મને હવે..... ." આટલું બોલતા જ ચોધાર આંસુ એ રડી પડે છે.
વીર ના તો જાણે પગ નીચે થી જમીન જ સરકી ગઈ છે. જેના માટે આટલા વર્ષો થી એના મન માં પ્રશ્નો હતા એ પિતા આજે એની સામે હતા. પણ આજે તો વીર પાસે પણ શબ્દો નહોતા. પ્રશ્નો હતા પણ કઈ રીતે પૂછવા એ ખબર ન હતી. વીર દોડીને પોતાના રૂમ માં ચાલી જાય છે . પોતાને રૂમ ની અંદર બંધ કરી દે છે.
"વીર બેટા પ્લીઝ દરવાજો ખોલ" "વીર , ઓ વીર ની બૂમો પડે છે" પરંતુ અંદર વીર નાં કાન માં તો મલય નો જ અવાજ સંભળાય છે.
પિતાના આટલા વર્ષો પછી મળવાથી ખુશ થવું કે પછી વર્ષો પહેલા એ જ પિતા એ તરછોડી હોવાથી દુઃખી થવું એ સમજાતું નહોતું એને. બધાના કહેવા છતાં વીર દરવાજો ખોલતી નથી. મલય વીર નાં દરવાજા ખુલવાની રાહ જોતો ત્યાં જ બેસી જાય છે.
ક્રમશ:
.( વીર નો દરવાજો ખુલતા શું રીએકશન હશે? શું મલય વીર ને ફરીથી પોતાની સાથે રાખશે? વીર જવા તૈયાર થશે? વાંચો દીકરી એક દિવ્યતા ભાગ 5 માં.. )
વાર્તા વાંચી તમારા પ્રતિભાવ જરૂરથી આપશોજી.