૭. લક્ષ્મીનું અંતરમન
છોડી દો, એને છોડી દો, ન મારશો, એને કાઇં ન કરશો, હુ તમારા હાથ જોડુ છુ. લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી.
લક્ષ્મીના આ રડતા અવાજે સંજયને એકદમ જગાડી દીધો. હજુ પણ છોડી દો, એને છોડી દો, ન મારશો, ની આજીજીઓ લક્ષ્મી કરતી હતી.
હજુ તો મધ્યરાત્રિ જ થઇ હતી અને લક્ષ્મીના રુદન નો આ અવાજ. સંજયે લક્ષ્મીને કદી રુદન કરતા સાંભળી નહોતી. લક્ષ્મીની આંખમા પાણી આવે તે સંજય સહન કરી શકતો નહિ અને અત્યારે તે જ લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી.
એક છલાંગ મારીને સંજય તેની પથારીમાથી ઊભો થઇ ગયો અને પલક ઝબક્તા તો લક્ષ્મી પાસે પહોચી ગયો. લક્ષ્મી હજુ પણ તેની પથારીમા પડી પડી બુમો પાડતી હતી, છોડી દો એને, છોડી દો .....
સંજય લક્ષ્મીને ઢંઢોળતા પૂછવા લાગ્યો, “લક્ષ્મી, લક્ષ્મી, શુ થયુ? કોણ મારે છે? કોને છોડી દેવાની વાત કરે છે? લક્ષ્મી ઉઠ લક્ષ્મી.”
લક્ષ્મીએ આંખો ઉઘાડી, સામે સંજયને જોયો અને એકદમ જ તે સાંજની છાતીમા લપાઇ ગઇ અને જોર જોરથી રડવા લાગી.
સંજય તેના બરડે હાથ ફેરવતા ફેરવતા સાંત્વના આપવા લાગ્યો. “લક્ષ્મી શુ છે? જો અહીયા કોઈ નથી, હુ તારી સાથે જ છુ તને કોઇ હાથ પણ નહિ લગાડે.”
લક્ષ્મી હિબકા ભરતા કહેવા લાગી “સંજય, જો એને મારી નાખશે, આ રાક્ષસ નીરવને મારી નાખશે. સંજય, તુ કઇ કર, સંજય તુ કઇ કર નહિ તો આ મારા નીરવને મારી નાખશે.”
એક આઘાત લાગ્યો સંજયને, મારો નીરવ, પણ તેણે સ્વસ્થતા જાળવીને કહ્યુ, “નહિ લક્ષ્મી, નીરવને કોઇ નહિ મારી શકે. નીરવ તરફ વધતી દરેક આફત માટે હવે હુ એક પહાડ બનીને ઊભો રહીશ. હુ તને વચન આપુ છુ લક્ષ્મી કે તારા નીરવને કોઇ નહિ મારે, તુ રડ નહિ, અને જો અહીયા કોઇ નથી, કોઇ નીરવને મારતુ નથી, બસ તુ શાંત થઇ જા.”
લક્ષ્મી સંજયને બાઝી રહી. સંજયે તેનુ માથુ પોતાના ખોળામા લીધુ અને ખૂબ જ પ્રેમથી તેના માથે હાથ ફેરવવા લાગ્યો. મહામુસીબતે હિબકા ભરતી લક્ષ્મી પર નિંદ્રાદેવીએ કૃપા કરી પરંતુ સંજય નિંદ્રાદેવીની કૃપાથી વંચિત રહી ગયો.
સંજયની આંખમાથી ઉંઘ ઊડી ગઇ. તેને વારે વારે લક્ષ્મીના શબ્દો યાદ આવતા હતા. મારા નીરવને મારી નાખશે તેને નીરવ અને લક્ષ્મીના સંબંધો સમજાતા નહોતા, આ સબંધ ક્યારે થયો? આટલા સમયથી તે લક્ષ્મીની સાથે છે અને આજે આ નમાલો યુવક લક્ષ્મીનો થઇ ગયો અને પોતે લક્ષ્મીથી એટલો દૂર થઇ ગયો કે લક્ષ્મીએ તેને જણાવવાની તસ્દી પણ ન લીધી. અનેક સવાલો તેના મનમા ઉઠતા હતા. તેને ઘડીક પોતાની જાત પર દયા આવતી હતી તો ઘડીક લક્ષ્મી પર ગુસ્સો આવતો હતો. આમને આમ તેની આંખ ક્યારે મીંચાઇ ગઇ તેની તેને ખબર ન પડી.
માથુ ખૂબ જ ભારે લાગતુ હતુ. આંખો પણ ઉઘડતી નહોતી છતા પક્ષીઓનો કલરવ સાંભળીને લક્ષ્મીને લાગ્યુ કે આજે ઉઠવામા તેને ઘણુ મોડુ થયુ છે. તેણે માંડ માંડ આંખો ઉઘાડી, તેને ખ્યાલ આવ્યો કે તે સંજયના ખોળામા માથું રાખીને સુતી હતી અને સંજય પણ પાછળ અઢેલીને સુતો હતો.
સંજય ને ખલેલ ન પહોચે તે રીતના લક્ષ્મી ઊભી થઇ તેણે વિચાર્યુ સંજય અંહી કેમ અને અચાનક તેને રાતની વાત યાદ આવી ગઇ. તેને યાદ આવ્યુ કે તે ખૂબ જ રડતી હતી અને સંજય તેને આશ્વાસન આપતો હતો. તે તરત જ નહાવા માટે ચાલી ગઇ. નહાઇને તેણે નાસ્તો બનાવી દીધો.
સંજય હજુ જાગ્યો નહોતો તેની પાસે આવીને લક્ષ્મી તેના વાળમા હાથ ફેરવવા માંડી. સંજય આંખો ખોલી. લક્ષ્મીએ કહ્યુ, “સંજય ઉઠ, જો ઘણુ મોડુ થયુ છે, નહાઇ લે, પછી નાસ્તો કરી લઈએ.”
સંજય અનિચ્છાએ ઊભો થયો. તેની ચાલમા જોર નહોતુ. કોઇ માંદલા દર્દી જેવો તે લાગતો હતો. નહાવાથી તેને થોડી તાજગી જેવુ લાગ્યુ.
એટલીવારમા તો લક્ષ્મીએ નાસ્તો ડિસમા કાઢી દીધો અને કહ્યુ “ચાલ બેસી જા હવે.” સંજય ચૂપચાપ બેસી ગયો પણ કોળિયો તેના મોંમા ગયો નહિ. તે અટકી ગયો, તેણે લક્ષ્મી તરફ જોયા વિના ન કહ્યુ, “લક્ષ્મી મારે તને.”
“સંજય”, લક્ષ્મી બોલી ઉઠી, સૌ પ્રથમ તો હુ મારા ગઇકાલના મારા વર્તન બદલ માફી માંગવા ઈચ્છુ છુ. ગઇકાલે રાત્રે મે તને ઘણો પરેશાન કરી દીધો, પણ હુ શુ કરૂ? મને તારા પર વિશ્વાસ છે અને મારી સૌથી વધારે નજીકના મિત્ર તરીકે અને ભાઇ તરીકે પણ તુ જ છે તેથી..”
“નહિ, લક્ષ્મી, આપણા સબંધો માફી માંગવા જેવા નથી. તારો હક છે આ ભાઇ પર અને તુ મને હેરાન કરે તે મને ગમે છે પણ અત્યારે મારા મનમા ઘણી ગડમથલ ચાલે છે. શુ હુ તને બીજા કોઇ સવાલ કરી શકુ છુ? કદાચ તારા સાચા જવાબોથી મારા મનને શાંતિ મળે.” લક્ષ્મીને વધુ બોલતા અટકાવીને સંજય પૂછી રહ્યો.
લક્ષ્મીએ કહ્યુ, “સંજય આટલા ઔપચારિક બનવાની કોઇ જરૂર નથી. તુ મારો ભાઇ છે, તારો હક છે મારા પર, તને જે મનમા ફાવે તે તુ મને પુછી શકે છે. આનાથી જો તારા મનને શાંતિ થતી હોય તો તો મને પોતાને પણ વધારે આનંદ થશે. પૂછી લે તુ તારે જે પુછવુ હોય તે.”
સંજય કહ્યુ, “લક્ષ્મી તુ મને તારો ભાઈ કહે છે. સૌથી નજીકનો મિત્ર કહે છે પણ માનતી ન હોય તેમ લાગે છે. ગઇકાલે રાત્રે તુ હિબકા ભરતી હતી, કહેતી હતી, મારા નીરવને મારી નાખશે. લક્ષ્મી તે મારાથી છુપાવ્યુ કે તારા મનમા કોઇ છે. મારાથી છુપાઈને તુ એ કાયરને મળી. શા માટે તે આમ કર્યુ?”
એક ક્ષણ માટે લક્ષ્મી ડઘાઈ ગઇ, પરંતુ તે સમજી ગઇ કે સંજયનો પ્રશ્ર સાચો છે. તેણે કહ્યુ “સંજય તે મને સાચો જવાબ આપવાનુ કહ્યુ છે અને સાચા ખોટાનુ અહી કોઇ પ્રમાણપત્ર નથી તેથી હુ આપણા ગુરુજી પંડિત શ્રી જગન્નાથ મહારાજના સોગંધ ખાઈને કહુ છુ કે નીરવને હુ તારી સાથે મળી એ પહેલા કદી મળી નથી. મે પહેલા કદી તેને જોયો નથી. ત્યા મે નીરવને માર ખાતા જોયો તેની મારા મન પર ઊડી છાપ પડી હોય અને કદાચ મારા અજ્ઞાત મનને નીરવ પ્રથમ દૃષ્ટિએ જ ગમી ગયો હશે, તેથી હુ ઊંઘમા મારા નીરવને છોડી દો એમ કહેતી હોઈશ બાકી મે તેના વિશે કદી કાઇં જ વિચાર્યુ નથી. જો તુ હા કહે તો તેને હુ મારો મિત્ર બનાવુ અને જો તુ ના કહે તો હુ કદી તેની નજીક પણ નહિ જાઉં.”
સંજયનો ચહેરો પુલકિત થઈ ઉઠયો. તેણે ધીરેથી કહ્યુ, “લક્ષ્મી તારા અજ્ઞાત મનને નીરવ પસંદ છે એનો અર્થ એ થયો કે તને નીરવ પસંદ છે અને તુ મારી મરજી પ્રમાણે ચાલવા માગે છે. અરે ગાંડી, રાતના હુ તને વચન આપી ચૂક્યો છુ કે હવે પછીથી નીરવની સામે આવતી બધી આફતો નો હુ સામનો કરીશ. તારી વાત મે કદી ઉથાપી નથી તો તારી પસંદ હુ કઈ રીતના અવગણી શકુ ? મારા મતે નીરવ તારે કાબેલ નથી. કઇ વાંધો નહિ હુ નીરવને બરાબર તાલીમ આપીને તારા કાબેલ બનાવીશ. તુ ચિંતા ન કર બધુ બરાબર થઇ જશે. અને હવે ઝટ નાસ્તો કરીને તૈયાર થા નહિ તો વર્ગમા મોડુ થશે.”
કોલેજમાં સંજયની આંખો નીરવને જ શોધતી હતી. સંજય નિરવને મળીને તેની સાથે થોડો ઘણો સમય વિતાવવા માગતો હતો જેથી તે નીરવ વિષે જાણકારી મેળવી શકે અને નિરવના મનમાંથી ડર ભગાવીને તેને લક્ષ્મીને કાબેલ બનવા માટે તાલીમ આપવાનું શરૂ કરે. નીરવ મળતા જ બીજા દિવસે રજા હોઈ તેને ઘરે આવવા માટે કહી દીધુ.
---------0000000000000-------