Dikari books and stories free download online pdf in Gujarati

દીકરી.

  ' પપ્પા'.... નાની હતી ત્યારથી લગ્ન થયા ત્યાં સુધી તેના જીવન વર્તુળનું કેન્દ્ર એટલે પપ્પા... અને પપ્પા માટે પણ તો પોતે સૌથી લાડકી હતી. લગ્ન પછી આજે પહેલીવાર પપ્પા ઘરે આવવાનાં હતા. ઉમંગ અને ઉત્સાહથી તેમને આવકારવા તે તત્પર હતી. બધી તૈયારીઓ કરતી વખતે તેનો ઉત્સાહ છલકાઈને બહાર આવતો હતો. પણ મન.... મન તો જાણે અત્યાર સુધી પપ્પા સાથે વિતાવેલ ક્ષણોને વાગોળતું સ્મરણોની સફરે નીકળી ગયું હતું. 
  મા પાસેથી સાંભળ્યું હતું  કે જ્યારે તેનો  જન્મ થયો ત્યારે બધા લોકો ના મોઢા પરની ખુશી  જાણે વિલાઈ  ગયેલી. 'દીકરી આવી.. ' એમ બોલાતાંં શબ્દોમાં બાળકના જન્મના સુખ કરતાં તે દીકરી હોવાનું દુ:ખ વધારે છલકાતુું હતું. 'હવે તો જવાબદારી વધી... ', 'પારકી થાપણ છે.. ',  'દીકરો હોત તો વંશ રાખત... '..... એવા નિરાશાજનક  શબ્દો વચ્ચે 'મારી દીકરી  મારા માટે તો દીકરા બરાબર જ છે. મારા માટે એમાં કોઇ  ભેદ નથી. ' એ પપ્પાનાં   શબ્દો જયઘોષ બની  રહ્યા હતા. 
   નાનપણથી જ  દાદીમા તેનેે કહેતા ' ભણવા કરતાં ઘરના કામકાજમાં રસ લે.' મમ્મી તેનાં શિક્ષણની  વિરુદ્ધ ન હતી પણ 'ઘરકામમાં આવડત હોય તો સાસરે  સુખી  થવાય ' એ મતની તો  ખરી જ. એક પપ્પા જ  હતાં જે કહેેેતા કે તું તારે ભણવામાં મન પરોવ..  તારી જાતને લોકો સામે એવી પુરવાર કર કે લોકો તને  'દીકરી' તરીકે જોવાના બદલે એક સફળ મનુષ્ય તરીકે જોવા માટે મજબૂૂર થઈ જાય. 
   દાદીમા અને મા ઈચ્છતા કે તે સંગીત, નૃત્ય જેવી કલાઓમાં રસ લે.  પણ તેને તો બાસ્કેટબોલ રમવામાં રસ હતો. સૌનાં વિરોધ વચ્ચે પપ્પા તેને બાસ્કેટબોલના ક્લાસમાં મોકલતાં અને તેને રમવા માટે પ્રોત્સાહિત પણ કરતા. તેઓ હંમેશા કહેતા 'દીકરો અને દીકરી એ ઈશ્વરે બનાવેલા શરીરનો ભેદ છે, આત્મા ની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી તેથી આપણે પણ બન્નેને સમાન દ્રષ્ટિએ જ જોવા જોઈએ. '
   ઉતરાયણમાં જયારે બધા છોકરાઓ પતંગ ઉડાડતા ત્યારે પપ્પા પણ તેને પતંગ ઉડાડતા શીખવતા. બધી છોકરીઓ જ્યારે મા સાથે રસોઈ બનાવતા શીખતી હતી ત્યારે તે પપ્પા સાથે કમ્પ્યુટર, બેંકની લેવડદેવડ અને નાનાંમોટાં એન્જીનીયરીંગ ના પાઠ ભણતી. 
   તેનામાં જે આત્મવિશ્વાસ હતો તેનું મૂળ કદાચ પપ્પાના આ શબ્દો અને વર્તનના કારણે જ હતું. તેની શાળાની બધી બહેનપણીઓ જ્યારે તેના નાનકડા શહેરમાં વધુ તકો ન હોવાના કારણે સ્નાતક થઈ વિવાહના બંધનમાં બંધાઈ રહી હતી ત્યારે તે મોટા શહેરમાં હોસ્ટેલમાં રહી એન્જિનિયર બની રહી હતી. ઘર અને બહાર... કેટકેટલાં લોકોના વિરોધનો સામનો કર્યો હતો પપ્પાએ...તેનું સપનું સાકાર કરવા માટે.  કૉલેજ માં તેની મુલાકાત સાગર સાથે થઈ અને સાથે ભણતા કયારે તેઓ એકબીજાના જીવનસાથી બનવાના સપના જોવા લાગ્યા તે ખબર જ ન પડી. પણ તેને ખાતરી હતી કે પપ્પા તેની લાગણી જરૂર સમજશે. તે સાચી પણ ઠરી.... પપ્પા એ તેના સબંધ ને ખુલ્લા મનથી સ્વીકાર્યો. 
   પછી તો સગાઈ અને લગ્ન.... બધું ઝડપથી બની ગયું. પણ ત્યારથી પપ્પાના ઉન્નત મસ્તક પર તેણે ચિંતાની રેખાઓ જોઈ. તેના ઉછેર માટે હંમેશા ગર્વ લેતા પપ્પાના ટટ્ટાર ખભા જાણે ઝુકવા લાગ્યા હતા. તેણે એક બે વાર જાણવા પ્રયત્ન કર્યો  પણ કોઈ ખાસ કારણ મળ્યું ન હતું. વળી લગ્નની તૈયારીઓમાં તેને પપ્પા સાથે નિરાંતે બેસવાનો સમય પણ કયાં મળ્યો હતો??? તે જાણતી હતી કે પપ્પા માટે તે કાળજાનો કટકો છે.... તેને દૂર મોકલવાનાં વિચારથી કદાચ પપ્પા દુખી હશે... ના... ના... એમ તો તેને ભણવા અને નોકરી કરવા દૂર જવાની છૂટ પપ્પાએ સ્વેચ્છાએ જ આપી હતી. એ સમયે તો તેમના મોં પર આ ગ્લાનિની છાયા ન હતી... પણ અતૂટ વિશ્વાસ હતો... શું છે પપ્પાના મનમાં???? પપ્પાના હ્રદય નો ટુકડો હોવા છતાં તે તેમના હ્રદય ની વાત સમજી શકતી નથી.... કાંઈ વાંધો નહીં.... આજે પપ્પા આવે એટલે તેમને રોકાઈ જવા કહીશ અને આ વાતનો તાગ તો પામીને જ રહીશ. 
    આખરે પપ્પા આવ્યા.. આંખોમાં ઉભરાતા પ્રેમ અને એ જ અણકહી વ્યથા સાથે.. અને સાથે લાવ્યા હતા  સૌ માટે ભેટસોગાદો.. નાના મોટા ઘરના દરેક સભ્ય માટે કંઈ ને કંઈ લાવ્યા હતા. 'પપ્પા.... આ બધાની શું જરૂર હતી.???? હમણાં લગ્નમાં તો  બધું આપ્યું જ છે ને....???? 'તેનાથી કહેવાઈ ગયું. તે જાણતી હતી કે સાગર અને તેનો પરિવાર ખુબ જ સાલસ હતા.  ભેટ મેળવીને તેઓ ખુશ હતા પણ ભેટ મેળવવાની અપેક્ષા રાખે તેવા તો ન જ હતાં. 
   પપ્પા ઘડીભર મૌન રહ્યા.... પછી બોલ્યા 'બેટા.... દીકરીના ઘરે આવ્યા છીએ... કંઈ ખાલી હાથે થોડા અવાય???? '
   ....... 'દીકરી.... '...  કાલ સુધી જે પ્રશ્ન નો ઉત્તર મેળવવા તે પ્રયાસ કરી રહી હતી તેનો ઉકેલ આજે અજાણતા જ સામે આવીને ઉભો હતો. કાલ સુધી જેમના જીવનનું અભિન્ન અંગ હતી તે આજે તેના ઘરે મહેમાન હતા.... જેમના તન, મન, ધનથી તેનું તન, મન અને જીવન સિંચાઇ રહ્યું હતું તે આજે તેના ઘરે મહેમાનગતીની કિંમત ચૂકવી રહ્યા હતા.... કાલ સુધી તેને દીકરો માની ઉછેરી રહેલા પપ્પા આજે તેને દીકરી હોવાનો અહેસાસ કરાવી રહ્યા હતા.... અને પોતે... સ્તબ્ધ... નિશબ્દ... અવાચક બની ઉભી હતી.તેની ઉન્નત નજર ભોંયસરસી જડાઈ ગઈ. અશ્રુધારા આંખોમાં આવી પણ પાંપણો ની પાળ ઓળંગી ન શકી..... કારણ કે આજે તે દીકરી બની ગઈ હતી. 


બીજા રસપ્રદ વિકલ્પો