Swatina ashru books and stories free download online pdf in Gujarati

સ્વાતિનાં અશ્રુ

"સ્વાતિ, બેટા ઊભી રહે..., મારે તારી સાથે વાત કરવી છે" સ્વાતિ નાં પિતા ભુધરભાઈએ બુમ મારી.


"ના, પપ્પા હમણાં નહીં.. મારી ઓફિસમાં મિટીંગ છે મને લેટ થઈ જશે, ઓફિસમાં મળશું ત્યારે વાત કરીશ." સ્વાતિ ઘરનાં દરવાજા તરફ જતાં જતાં બોલી.


અહીં સ્વાતિ એક ધનાઢ્ય પરિવારની એક માત્ર સંતાન છે. રુપમાં પણ એટલી જ સુંદર અને તેમાં તેની ભૂરી આંખો એની શોભા વધારતી હતી.  તે તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે.જેટલા પૈસાથી અમીર છે તેટલા જ હદયથી તેમજ સંસ્કારોથી પણ અમીર છે.તેમનો શાંત સ્વભાવ અને દયા ભર્યું મન લોકોમાં જાણીતું છે.


"બા, આપણે કેટલાં નસીબદાર છે કે એક પુત્ર કરતા પણ વધારે સારી રીતે જવાબદારીઓ નિભાવવા વાળી પુત્રી મળી છે." પણ હવે તે પણ......ભુધરભાઈ બોલતાં અટકી ગયા. 

સ્વાતિનો ફોન આવતો હતો. ભુધરભાઈએ ફોન ઉપાડયો.

"હા, પપ્પા ઓફિસે કેમ ના આવ્યા?" સ્વાતિએ પુછયું.

"હું તૈયારીઓમાં હતો..મિટીંગ પટાવી તું ઘરે આવી જા, કામ તો થયાં કરશે." ભુધરભાઈએ કહયું.

શેની તૈયારી પપ્પા? અને તમે શું વાત કરવાંનાં હતા? સ્વાતિએ પુછયું.

"કંઈની દિકરા, તું ઘરે આવ પછી વાત કરીએ" ભુધરભાઈએ કહયું.

"હા, પપ્પા" સ્વાતિ એ કહ્યું અને ફોન મુકી દીધો.

સ્વાતિ ઘરે આવી.

પપ્પા....પપ્પા, કયાં છો તમે? શેની તૈયારીઓ ચાલે છે મમ્મી? મને કહેવું હતું ને હું બધું કરી દે તે... એક જ શ્વાસે સ્વાતિ એ કહ્યું.

"તારા માટે છોકરો જોયો છે ખૂબ ભણેલો છે, સ્વભાવે પણ સારો છે " બા એ કહ્યું .

"પણ બા મારે લગન નથી કરવાં" સ્વાતિ એ કહ્યું. લાખ કોશિશ બાદ સ્વાતિ લગ્ન કરવા તૈયાર થઈ.

લગ્નને અઢી વર્ષ થયાં હતાં. અત્યાર સુધી માનવ તેને ભુધરભાઈ કરતાં પણ વધારે સારી રીતે રાખતો હતો. સ્વાતિને  માત્ર તેની સાસુ નું જ દુઃખ હતું..માનવને જોઈને બધું દુઃખ ભુલી જતી.

એક દિવસ સાસુ સ્વાતિ ને ખિજાયા
"લગ્નનાં આટલા વર્ષ થયાં અત્યાર સુધી એક સંતાન આપી શકી નથી તારી માં એ તો છોકરી જની ને વંશ પૂરો કરી દીધો તું તો તે પણ નથી આપતી"

"મારા મમ્મી-પપ્પાને ના બોલવાનું મને જે બોલવું હોય તે બોલો" રડતાં રડતાં સ્વાતિ રુમમાં જતી રહી.
પોતાનું દુઃખ તે મમ્મી-પપ્પાને પણ કહી શકતી નહીં અને માનવ એની વાત સાંભળે નહીં. એકલી મનમાં ઘુંટાયા કરે.

માનવના ઘરે આવતા જ સાસુએ સ્વાતિ વિરૂદ્ધ ચઢામણી શરૂ કરી દીધી.એટલે માનવ સ્વાતિ પર ખિજાયો..." તને અહીં ના રહેવું હોય તો જતી રહે રોજ રોજ નુ મને ને મારા મમ્મી-પપ્પાને હેરાન કરવાનું બંધ કર."

પણ મારી વાત તો સાંભળો..સ્વાતિ નું આટલું બોલતાં જ માનવ ચાલ્યો ગયો.

ધીરે ધીરે બંને વચ્ચે દુરી વધતી ગઈ ...આ બાજુ ઓફિસમાં કામ કરતી રોશની સાથે માનવની દોસ્તી વધી ગઈ...હવે તે સ્વાતિને ઈગ્નોર કરવા લાગ્યો..
સ્વાતિ પિકચર જોવા કે બહાર જવા કહે તો કામ છે એમ ટાળી દેતો.

સ્વાતિને સમજાતું જ ના હતું કે એ શું કરે ..
માનવને તેના પપ્પા જ સમજાવી શકતાં હતાં પણ તે પણ વિદેશ ગયા હતા.
સ્વાતિ ઘરમાં જ કેન્ડલ લાઈટ ડિનરની તૈયારી કરતી હતી.તેણે માનવને ફોન કરીને વહેલાં આવવા કહયું હતું.

ઘણો સમય થઈ ગયો માનવનો ફોન બંધ આવતો હતો.ઓફિસમાં ફોન કર્યો તો માનવ ત્યાં પણ ન હતો.
સ્વાતિ ને ચિંતા થવા લાગી શું થયું હશે ? સારા તો હશે ને ? હજી કેમ આવ્યા નહીં ? પણ એને ખબર ન હતી કે એનાં જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવવાનું હતું.

રાતના  બે વાગ્યા હજી ભુખી બેસી સ્વાતિ માનવની રાહ જોતી હતી . તેવામાં દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો..

સ્વાતિ એ જોયું તો માનવ હતા .."તેણે તરત પુછયું તમે ઠીક છો ને?"

કંઈ જવાબ વગર માનવ સોફા પર બેસી ગયો અને  બોલ્યો..." સ્વાતિ મારે તને કંઈક કહેવું છે."

"હા, બોલ માનવ" સ્વાતિએ શાંતિથી કહયું.

" સ્વાતિ...... સ્વાતિ મને ડિવોર્સ જોઈએ છે, હું તારી સાથે ના રહી શકું"માનવ ઊંડા શ્વાસે બોલ્યો.

સ્વાતિ નાં તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ..
"ડિવોર્સ" સ્વાતિ તરત ઉભી થઈ ગઈ. આંખોમાં પાણી આવી ગયા.

"મને માફ કરી દો માનવ મારાથી કંઈ ભુલ થઈ હોય તો , હું તમારા વગર કેવી રીતે જીવા, આવું ના કરો. દરેક ઘરમાં ઝઘડા થતા જ હોય...અમારા સાસુ-વહુના ઝઘડા અમારી વચ્ચે જ રહેવા દો , હું મમ્મી પાસે પણ માફી માંગી લઈશ...પણ આવું ન બોલો" રડતાં રડતાં સ્વાતિ એ કહ્યું.

"ના , સ્વાતિ વાત એ નથી...." ખચકાતા માનવ બોલ્યો.

"તો પછી શું કારણ છે કે તમે આવું કહો છો?" સ્વાતિએ પુછયું

"હું મારી ઓફિસમાં કામ કરતી રોશનીને પ્રેમ કરું છું , હું અત્યારે તેની પાસેથી જ આવ છું, આજે તેણે મને મેરેજ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો અને મેં તે સ્વીકાર્યો છે, કેમકે અમે એકબીજાને ઘણાં સમયથી પ્રેમ કરીએ છીએ." માનવે કહયું.

"આ શું બોલો છો તમે પ્રેમ.....તો તમે મને પ્રેમ નથી કરતા, બે-ચાર મહીના સાથે રહયાં તેને તમે પ્રેમ કહો છો?સ્વાતિ એ ગુસ્સાથી કહ્યું.

"મારી સાથે બહસ ના કર , તું તારા ઘરે જતી રહે." માનવ મોટેથી બોલ્યો. આટલું કહી માનવ ત્યાંથી જતો રહ્યો.

સ્વાતિ ઢીલી થઈ જમીન પર બેસી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી.  આખી રાત રડયા બાદ માનવના ઉઠવા પહેલાં જ તે પોતાના ઘરે  ચાલી ગઈ.

પેપર વાંચતા ભુધરભાઈની નજર દરવાજા તરફ પડી. સૂર્યનાં પ્રકાશમાં મોંઢું સ્પષ્ટ દેખાતું ન હતું, પણ હાથ પાસે બૅગ હતી.ભુધરભાઈએ ઊભાં થઈને જોયું.

"બેટા, આટલી સવારમાં આવી બધું  ઠીક છે ને માનવ કયાં...."
હજી તો વાત પુરી કરે તે પહેલાં જ ભુધરભાઈને સ્વાતિની સુજી ગયેલી આંખો દેખાય.

આ શું દિકરી, તારી આંખમાં આ અશ્રુ સુજન કેમ?ભુધરભાઈએ પુછયું.

સ્વાતિએ આખો બનાવ કહી દીધો.

"કંઈની દિકરી તું રડ નહીં હું માનવ સાથે વાત કરીશ અને એમ પણ અમે તારી સાથે જ છે ને" ભુધરભાઈએ સાંત્વના આપતા કહ્યું.

ભુધરભાઈએ માનવને ઘણાં ફોન કર્યા પણ ફોન બંધ બતાવે છેવટે ભુધરભાઈની  ધીરજ તુટી અને તે માનવ ના ઘરે ગયા.
માનવના ઘરે કોઈ જ દેખાય નહિં. ઘરની નોકરાણી એ ભુધરભાઈને કહ્યું માનવ સર તો રોશનીમૅડમ સાથે ઓસ્ટ્રેલિયા ગયા છે. 
"આ શું થઈ ગયું મારી સ્વાતિ સાથે" એમ વિચારતા વિચારતા ભુધરભાઈ ઘરે આવ્યા.

"શું થયું? માનવ માન્યો?" બા એ ભુધરભાઈને પુછયું.

"મારી સ્વાતિ મારી સાથે જ રહેશે" ભુધરભાઈ બોલ્યા.

ભુધરભાઈનાં મુખ પર ચિંતા અને દુઃખ સ્પષ્ટ જણાતું હતું.
સ્વાતિથી એમનું દુઃખ જોવાતું ના હતું એ સમજી ગઈ હતી કે માનવ હવે પાછો નહી આવે.

ભુધરભાઈ માનવને ફોન કરતાં રહયાં એક મહિનો વીતી ગયો
પણ માનવની કોઈ ખબર નહીં.હવે ભુધરભાઈ એ માનવની આશા છોડી દીધી હતી.
સ્વાતિની લગ્ન ના કરવાની જીદ માની લીધી હતે તો આજે......મનમાં ભુધરભાઈ વિચારતા આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં.

આ બાજુ સ્વાતિ બા ની સલાહ માની પાછી પિતાનો બિઝનેસ સંભાળતી થઇ ગઈ. તે પોતાના જીવનમાં વ્યસ્ત રહેવા લાગી. એક વર્ષમાં તો તેણે સફળતાનાં શિખર પાર કરી લીધા હતાં.તે સફળ બિઝનેસ વુમન બની ગઈ હતી. તે માનવને ખૂબ પ્રેમ કરતી હતી એટલે બીજા વિવાહ માટે બા ને ચોખ્ખી ના પાડી દીધી હતી.

એક દિવસ તેની સાસુ સ્વાતિને મળવા આવી.સ્વાતિએ તેમનું પુરા આદર થી સ્વાગત કર્યું.તેને પગે લાગી અને બેસવા કીધું.

"કેમ છો તમે ને પપ્પા?"સ્વાતિએ પુછયું.

"શું કહું દિકરા, તારા ગયા પછી મને મારી ભુલ નો અહેસાસ થાય છે. મને માફ કરી દે તારા દુઃખનું કારણ કયાંક ને કયાંક હું  જ છું. રોશની એ તો અમારું ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ કરી દીધું છે એટલે હું ને તારા પપ્પા વિદેશ જ વધારે રહીએ છીએ." સાસુએ કહ્યું.

"ના મમ્મી, તમે માફી ન માંગો.મારા મનમાં તમારા માટે કોઈ વેર નથી, જે થયું તે મારી નિયતિમાં લખ્યું હશે .તમે જુની વાતો ભુલી જાવ." સ્વાતિ એ સાસુનો હાથ પકડીને સાંત્વના આપતા કહ્યું.

" માનવને હજીય કોઈ સંતાન નથી એટલે હું રોશની સાથે ડૉક્ટર પાસે ગયેલી ત્યારે ડૉક્ટર એ જણાવ્યું કે તું અને માનવ પણ એમની પાસે ગયેલા ત્યારે જ ડૉક્ટર એ કહ્યું હતું કે  માનવ પિતા ન બની શકે." સાસુ એ કહ્યું.

"હા, મમ્મી પણ હવે એ વાત નો કોઈ અર્થ નથી." સ્વાતિ એ કહ્યું.

"અર્થ તો છે જ ને સ્વાતિ મેં તને અને તારા મમ્મી-પપ્પા ને કેટલાં કડવા વેણ કીધા જયારે દોષ તારો હતો જ નહીં. આટલી એજ્યુકેટેડ અને મોડૅન સોસાયટીમાં રહેવા છતાં મારી સોચ ઘણી નાની રહી ગઈ હતી. મને એમ કે રોશની આવશે તો મને  મારો વારીસ તો આપશે, એટલે મેં માનવનો સાથ આપ્યો એ જ મારી ભુલ હતીં. પણ તે મને આ ડૉક્ટરવાળી બાબત જણાવી કેમ નહીં?" સાસુ એ પુછયું.

"તમે મારી વાત કયારેય સાંભળી જ નથી તો આવી વાત કહીને શું કરતે? અને એમ પણ માનવને તો સંતાન જોઈતું જ નહીં હતું તો પછી મારા કહેવાનો અર્થ જ રહેતો ન હતો. અને હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું અને માનવ પણ...તો પછી જુની વાતોની ચર્ચા વ્યર્થ છે." સ્વાતિએ ધીરેથી કહ્યું.

"હું કાલે ઓસ્ટ્રેલિયા જાવ છું હંમેશા માટે એટલે જતાં પહેલાં તને માફી માંગી ને મનનો બોજ હળવો કરવા આવી છું." સાસુ એ કહ્યું.

"હા મમ્મી , મને તમારા પ્રત્યે કોઈ એવી  ભાવના નથી, પણ તેમ છતાં જો મારા માફ કરવાથી તમારું મન હળવું થતું હોય તો મેં તમને માફ કર્યા." આદરભાવથી સ્વાતિ એ કહ્યું.

શીખ: જુનાં વિચાર છોડીને જીવન જીવતા શીખવું જોઈએ.
સંતાન ન જન્મે એ હમેશાં માત્ર માતાનો દોષ જ નથી હોતો. પુત્ર પુત્રી નો ભેદ છોડીને બંને ને સમાન પ્રેમ અને સમ્માન આપવું જોઈએ.


બીજા રસપ્રદ વિકલ્પો