Khumari - 2 books and stories free download online pdf in Gujarati

ખુમારી-૨

                      

એણે આગળ વધાર્યુ;" ઘરવાળો ગુજર્યો ને મારે માથે દુ:ખના પહાડ ઉતર્યા! હું સાવ જ નિરાધાર થઈ. આંખે આંસું અને અધરેથી દર્દ નીતરતું હતું. એક તો એ ગયા એનું કારમું દુ:ખ હતું  ને બીજું જે હયાત મૂકી ગયા હતાં એ મારી આ દીકરીની જાળવણીનું, સાચવણીનુ, ઉછેરનું, એને આબાદ રાખવાની પારાવાર પીડા ઉમેરાણી. આભ તૂટી પડ્યા જેવી વલે થઈ! પણ મે હિંમત રાખી.
સાયબ, સંસાર કેટલો  અસાર થઈ ગયો છે એની આપને તો જાણ હશે જ. આજના વિકસતા જુગમાં જો કોઈ ચીજનું સૌથી વધારે મૂલ ચૂકવવું પડતું હોય તો એ છે ઓરતોની આબરૂનું! અબળા ઓરતોની આબરૂને  ધૂળ કરવી એ તો આજના કાયર માણસનું  ચપટી  વગાડવા જેવું કામ. અને એમાંય આજે દીકરીઓની આબરૂ બેરોકટોક ન લૂંટાઈ હોય એવો એકેય દિવસ ક્યાં ગુજરે છે! જાણે સ્ત્રીઓને બેઈજ્જત કરવાની, એમની આબરૂ લુંટવાની હોડ જામી ન હોય! એમ છતાંય ન જાણે કોની રહેમથી આવી જઘન્ય ઘટનાઓ ઘટવાને બદલે ઉલટી વધતી, વકરતી જ જાય છે!"
હું ભરી આંખે સુણતો રહ્યો ને એ એની કરમ કહાણી કહેતી રહી. આગળ કહે:" શરૂઆતના દિવસોમાં મૂલમજૂરી કરી ગુજરાન ચલાવતી. પરંતું ત્યાં વારેઘડીએ રડતી બાળકીને  છાની  રાખવાના એક જ ખયાલે ધાવણ ધવરાવતી. એ સમય વેડફાતો જોઈ માલિકોને ગમતું ન હતું. ને મેં રડતી આંખે હંમેશ માટે મજૂરી છોડી મૂકી, ને રખડીને રોટલો રળવાના આ ધંધામાં વળી! દિ' આખો ભમીને આખરે ગુજરાન રળી લેવાય છે, એનો અદકેરો આનંદ છે. દુ:ખ-દર્દ, પીડા છે તો માત્ર નિરાધારપણાનું. નજીકના પરિવારનું નજીકમાં કોઈ જ નથી. શહેરના છેવાડે ઝુંપડપટ્ટીઓના ઓથે છેડા પર ઝૂંપડું બાંધીને રહું છું. બસ, ક્યારેક એ ઝુંપડી ભેગી હું કે મારી આ બાળકીને કોઈ પાશવી ઉપાડી ન જાય કે અભડાવી ન જાય એ એક જ બીકે મારી છાતી ધબકારો ચૂકવા મથે છે, બાકી તો લીલાલહેર છે, સાયબ!"
"આને આટલામાંય લીલાલહેર છે ને હું? આટઆટલો પગાર છતાંય જાણે કંઈક ખૂટતું કેમ લાગે છે? કેવી વિચિત્રતા?" હું એની મક્કમતા, જીંદાદિલી જોઈ સ્વગત બબડ્યો.
એણે વાત અધૂરી મેલી આંસું લૂછ્યા. પરસેવાથી રેબઝેબ બાળકીને પાલવથી હવા નાખી રહી. એ જોઈ મે ટેબલપંખો એની તરફ ફેરવ્યો.
અને મે આખરી ઉપાય તરીકે કહ્યું:"બેન, આ ખાટલા અમે ઉપયોગમાં નથી લેતા એટલે દટ્ટાની જરૂર નથી જ. અને રહી વાત પૈસાની તો એ પૈસા હું મારી દીકરી સમજીને આપું છું, રાખી લો."
"ના, સાયબ! માફ કરજો. હું મારા સ્વબળે અને આત્મભરોસે જીવી લેવાની ધખના લઈ બેઠી છુ! આપની માનવતાભરી પ્રેમાળ ઉદારતાને સલામ. છતાંય તમારે મદદ કરવી જ હોય તો આ દટ્ટા લઈ જ લ્યો!."
અને મે સહર્ષ એણે કહેલા ભાવે અને એણે આપ્યા એવા દટ્ટા લઈ લીધા.
અમારી મીઠી રકઝક સાંભળી મારી પત્નીની ઊંઘ ઉડી ગઈ હતી. એ ઓસરીમાં આવી. પેલી બાળકી એની માં ના ખોળામાં મીઠી નીંદર માણી રહી હતી. હું ખાટલાના પાયામાં દટ્ટા લગાવવા લાગી ગયો હતો. મારો બાબો દટ્ટા ઝાલીને મારી પડખે ઊભો હતો.      પેલી બાળકી ઊંઘ પૂરી કરીને જાગી ત્યાં સુધી મારી સ્ત્રીએ અને પેલી બાઈએ અલકમલકની વાતોના વડાં કર્યા.
આ બીનાને વીસેક દિવસ વીતી ગયા હતાં.
શાળએથી છૂટ્યા બાદ હું હાઈવે પરની ચોકડી પર મિત્રો સાથે બેઠો હતો.
શેરડીના રસનો પ્યાલો ઘુંટડે ઘુંટડે ખાલી થતો જતો હતો. એવામાં મારી નજર ભૂખથી ટળવળીને બેવડ વળેલા એક છોકરા પર પડી. હું પળભર એને તાકી રહ્યો. 'શાળાએ જવાની ઉંમરે આમ કેટલા બાળકો રેંઢિયાળા બનીને ભીખ માગી રહ્યાં હશે?'  આ સવાલ સાથે આપણી વ્યવસ્થા અને કુદરત પર ધૃણા ઉપજી.
છોકરો સાવ દયામણે મોઢે એક હાથ લોકો સામે અને બીજો પેટ પર તથા મોં પાસે વારાફરતી લાવીને ભીખ માટે આજીજી કરતો હતો. જાણે નવજીવન માંગી રહ્યો ન હોય! પરંતું કોઈનામાં એની દરકાર કરવાની જાણે હિંમત જ નહોતી.
હું ઊભો થઈને અથવા બૂમ પાડીને છોકરાને પાસે બોલાવીને કંઈક આપું એ પહેલા જ એક સ્ત્રી ત્યાં આવીને ઊભી રહી. ઓળખીતી લાગતી, એને હું ઓળખી ગયો. એણે પોટલું નીચે મૂક્યું. એની બાળકીને ભોંય પર બેસાડી. પેલા છોકરાને જોતાં જ એણે થેલીમાંથી બિસ્કીટનું પોકેટ કાઢીને છોકરાને આપ્યું ને ખોળામાં બેસાડી વહાલ વરસાવવા માંડ્યું! ખુશીનો માર્યો છોકરો આકળવિકળ બનીને લોકોની નજરોમાં જાણે કે કંઈક જોતો, કંઈક બતાવવા માંગતો હોય એમ ચોફેર નજરો ફેરવી રહ્યો.
તે એ જ સ્વાભિમાની  સ્ત્રી હતી જે મારા ઘેર દટ્ટાઓ લઈ આવી હતી.
મારો હાથ ખીસ્સામાં જ રહ્યો. અંદર પૈસા તો હતાં કિન્તું સીનામાં જાણે હૈયું જ નહોતું.

?સમાપ્ત?

-અશ્ક રેશમિયા.

બીજા રસપ્રદ વિકલ્પો